એક તૂટેલું શમણું Hardik Girima દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક તૂટેલું શમણું

કૈલાશ સત્યાર્થી ---- એક મહામાનવ

પાંચ વર્ષનો કૈલાશ શર્મા નવો યુનિફોર્મ પહેરીને, નવી બેગ માં નવા પુસ્તકો સાથે , નવા બુટ મોજામાં સજજ થઈને સ્કુલમાં દાખલ થતો હતો ત્યાં એણે એના જેવડા જ એક છોકરાને એના બાપુજી સાથે સ્કુલના દરવાજાની બહાર બેસીને નાનું નાનું મોચી કામ કરતો જોયો. નાના કૈલાશ ને પ્રશ્ન થયો----આ છોકરો કેમ સ્કુલમાં ભણવા નથી આવતો ? એણે વર્ગમાં જઈને પોતાની શિક્ષિકાને એ પ્રશ્ન પૂછ્યો . એમણે તો ગુસ્સે થઈને કહી દીધું ,’છાનો માનો ભણવામાં ધ્યાન રાખ.’પછી કૈલાશે એ પ્રશ્ન પોતાના પ્રિન્સીપાલને પૂછ્યો.એમણે કહ્યું કે એ મોચીના છોકરા પાસે પૈસા નથી માટે એ સ્કુલ ન આવી શકે . કૈલાશને આ જવાબથી કંઈ સંતોષ ન થયો. એણે તો સીધું મોચીને જ એ પ્રશ્ન પૂછ્યો . મોચીને તો આવું પહેલાં કોઈએ પૂછ્યું જ ન હતું. એણે કહી દીધું ,’મારા બાપા મોચી હતા ,એટલે હું મોચી થયો . હવે મારો આ છોકરો પણ આ કામ શીખીને મોચી જ થશે . એટલે એણે આ કામ શીખવું જ પડે ‘
પાંચ વર્ષના કૈલાશનું મન હચમચી ગયું . આવડો છોકરો કામ કરે ? એણે ભણવાનું નહીં ? એણે રમવાનું નહીં ? એ જેમ જેમ મોટા થતા ગયા એમ એમ આ વિષે વધુ ને વધુ વિચારતા ગયા. –બાળક નાનપણ થી કામ કરે તો એના બાળપણના આનંદનું શું ? એનું ભણવાનું શું ? એમને જયારે ખ્યાલ આવ્યો કે પુસ્તકો ના અભાવે ઘણા બાળકો સ્કુલ આવી નથી શકતાં, ત્યારે એમણે એક ફૂટબોલ ક્લબ ચાલુ કરી . એની જે ફી આવે એમાંથી એ ગરીબ બાળકોને પુસ્તકો લઇ આપતા . પછી તો થોડા મિત્રો સાથે મળીને એમણે ‘બુક ક્લબ’ પણ ચાલુ કરી . એ પાસ થઇ ગયેલા બાળકોને સમજાવીને એમના વપરાયેલા પુસ્તકો લઇ આવતા અને ગરીબ બાળકોને આપતા . બાળકોના ભણતર માટે, એમને બાળ મજુરી માંથી છોડાવવા માટે નાનપણથી જ શરુ કરેલા કામ કૈલાશને શાંતિ માટેના નોબલ પ્રાઈઝ સુધી લઇ ગયા.
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ૧૧.૧.૫૪ ના રોજ , રામપ્રસાદ શર્મા અને ચીરોન્જીને ત્યાં જન્મેલા કૈલાશ વિદીશાની સમ્રાટ અશોક ટેકનોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ માંથી ઈલેક્ટ્રીકલ એન્જીનીઅર થયા અને હાઈ વોલ્ટેજ એન્જીન્યરીંગમાં એમણે માસ્ટર્સ કર્યું. પણ બાળકોની ભલાઈ સાથે જોડાઈ ગયેલો એમનો જીવ એમને શિક્ષક બનવા તરફ લઇ ગયો .ત્યાં એમણે બાળકોની વ્યથા વધારે નજીકથી જોઈ. મજુરી કરવા માટે ભણતર છોડી દેતા બાળકોને જોઇને એમનું હૃદય દ્રવી ઊઠતું . બાળ મજૂરોની નજીક જઈને એમને એ પણ જાણવા મળ્યું કે આ ભૂલકાઓ સાથેની સમસ્યા માત્ર મજુરીથી જ પૂરી નથી થતી. એમનું શોષણ કરવામાં આવે છે , એમને મારવામાં આવે છે , અંધારી કોટડીઓમાં ગોંધી રાખવામાં આવે છે અને સહુથી ભયાનક અત્યાચાર ---એમનું જાતીય શોષણ પણ કરવામાં આવે છે .
બસ, પછી તો બાળકોને આ અત્યાચાર માંથી છોડાવવા એ જ એમના જીવનનું એક માત્ર ધ્યેય બની ગયું .થોડા મિત્રોના સહકારથી એમણે કે.એસ .ચિલ્ડ્રન્સ ફાઉનડેશન ચાલુ કર્યું. કોઈ મિલમાં , કોઈ ફેકટરીમાં ,કે બીજી કોઈ એવી જગ્યાએ બાળકો કામ કરે છે એવી ખબર પડે એટલે એ ત્યાં રેડ પાડવા જતા . એમાં અનેક વાર એમની ઉપર હુમલા પણ થયા, ઘણી વાર એ બહુ ખરાબ રીતે ઘવાયા, પણ આ બધા વિઘ્નોએ એમનો નિર્ધાર વધુ દ્રઢ બનાવ્યો . એ કહેતાં કે ‘બાળકો પાસેથી એમનું બાળપણ છીનવી લેવું એનાથી મોટી હિંસા બીજી કોઈ નથી .મેં એ ભુલકાઓની ડરી ગયેલી આંખોમાં જોયું છે , મેં એમના શરીર ઉપરના ઘા જોયા છે , અને એ જોઇને મારો આત્મા કાયમ ઘવાતો રહ્યો છે .મને મારા શરીરની પરવા નથી . બાળકોની , એમના બાળપણની આઝાદી માટે કોઈએ તો ભોગ આપવો જ પડે. કોઈ પણ આઝાદી એમ સહેલાઈથી નથી મળી જતી .
કૈલાશ ગાંધીજીના વિચારોથી પણ ખાસા અભિભૂત થયેલા હતા .૧૯૬૯ માં પંદર વર્ષની ઉંમરે એમણે ગાંધીજીનું સમાજમાં પ્રવર્તતી જાતિ પ્રથાને વખોડતું ભાષણ રેડીઓ ઉપર સાંભળ્યું . એમને પણ થયું કે માણસ માણસ વચ્ચે આ ભેદભાવ કેવો ? એકવાર એમણે દલિતો પાસે ભોજન રંધાવ્યુ અને થોડા નેતાઓને, ઉપલા વર્ગના માણસોને , સમાજ સેવકોને જમવાનું આમંત્રણ આપ્યું . એમનું એ આમંત્રણ તો બધાએ સ્વીકાર્યું , પણ જમવા કોઈ જ ન આવ્યું . રાહ જોઈ જોઇને છેવટે એકલા કૈલાશે રડતા રડતા ભોજન કર્યું. પેલા દલિતોએ પણ કહ્યું ,’તમે અમારા હાથનું રાંધેલું ભોજન જમો છો ? તમારા જેવી બહાદુર વ્યક્તિ બીજી કોઈ નથી. ‘ કૈલાશ ભીજન પતાવીને ઘેર ગયા ત્યારે એમણે જોયું કે થોડા જ્ઞાતિના આગેવાનો એમણે ઘેર બેઠા હતા અને કહેતાં હતા કે’ દલિતના હાથનું બનાવેલું ભોજન જમવા માટે કૈલાશને જ્ઞાતિની બહાર કરી દેવો જોઈએ .શર્માના છોકરાએ આવું ખરાબ કામ કર્યું ?’ એ સાંભળીને કૈલાશને એટલો ગુસ્સો આવ્યો કે એ જ વખતે એમણે પોતાની અટક શર્મા માંથી સત્યાર્થી કરી નાખી .
અંદરનો આ ગુસ્સો જ કૈલાશ સત્યાર્થી ને બાળકોની “ગુલામી” સામે લડવાની તાકાત આપતો રહ્યો છે . એમની દરકાર માત્ર ભારતના બાળકો સાથે જ પૂરી નથી થતી . એ કહે છે કે’ દુનિયાના કોઈ પણ ભાગમાં બાળપણ ખોવાઈ જાય તો એની અસર આખી દુનિયા ઉપર થાય છે . આપણે બાળકોના ખોવાઈ ગયેલા બાળપણ ને શોધવાનું છે અને એમને પાછું આપવાનું છે .’ પોતાની આ વાત એમણે નોબલ પ્રાઈઝ મેળવ્યા પછીના પોતાના ભાષણ માં બહુ સરસ રીતે કહી હતી ,એમના માનમાં ઊભા થઇ ગયેલા અને મીનીટો સુધી તાલીઓના ગડગડાટ થી એમનું સ્વાગત કરતાં નોર્વે ના એ સ્ટેડીઅમમાં ભેગા થયેલા એ મહાન માનવોના સમુદાય ને એમણે પૂછ્યું હતું ,’હું બાળક તરીકે જન્મ્યો હતો, તમારું શું ? તમે બધા પણ બાળક તરીકે જ જન્મ્યા હતા ને ? હું સ્વતંત્ર જન્મ્યો હતો , તમે પણ સ્વતંત્ર જ જન્મ્યા હશો ને ? સ્વંતંત્રતા એ માનવોને ઈશ્વર તરફથી મળેલી સહુથી સારી ભેટ છે .જયારે આપણે કોઈની પણ પાસેથી આ સ્વતંત્રતા છીનવી લઈએ છીએ ત્યારે આપણે ઈશ્વર ના ગુનેગાર બનીએ છીએ . એ દૈવી તત્વ સામે કરેલું આપણું મોટામાં મોટું પાપ છે .જયારે આપણે બાળકો સામે એ ગુનો કરીએ છીએ ત્યારે એ પાપ અનેક ઘણું મોટું થઇ જાય છે .’
આજ સુધીમાં શ્રી કૈલાશ અને એમની ટીમે ‘બચપન બચાવો ’ આંદોલન હેઠળ ૮૬૦૦૦ બાળમજુરોને મુક્ત કરાવ્યા છે .,એમનું વેચાણ અટકાવ્યું છે .૧૯૯૮માં સત્યાર્થીએ બાળમજૂરી અટકાવવા ૧૦૩ દેશોમાં ઝુંબેશ ચલાવી . બાળકોના શોષણ સામેની આ સહુથી મોટી ઝુંબેશ હતી જેની નોંધ પછીના વર્ષે જીનીવા ખાતે ભરાયેલી પરિષદમાં પણ લેવામાં આવી .સત્યાર્થી માત્ર બાળકોને મુક્ત કરાવીને ગમે ત્યાં છોડી ન હતા દેતા. એમને ફરીથી નવી જિંદગી આપવા માટે એમણે રાજસ્થાનમાં એક બાળ આશ્રમ પણ બનાવ્યો જ્યાં બાળકો આઝાદ હોય ,સલામત હોય ,તંદુરસ્ત હોય અને ભણતર પણ મેળવી શકે . .
શ્રી સત્યાર્થીના વિચારો અને એ વિચારોને કોઈ પણ ભોગે અમલમાં મુક્ત એમના કાર્યોએ જ દુનિયાના અનેક નેતાઓનું ધ્યાન એમના તરફ દોર્યું. બાળકો માટેનું કૈલાશ સત્યાર્થી ફાઉનડેશન જગ વિખ્યાત બની ગયું . એ માત્ર ૪૧ વર્ષના હતા ત્યારે, ૧૯૯૪માં જર્મની નું ‘ધ આચેનર ઇન્ટરનેશનલ પીસ પ્રાઈઝ એમને મળી ચુક્યું હતું .૧૯૯૫માં એમણે બે મોટાં ઇનામ આપવામાં આવ્યાં----ધ ટ્રામ્પેટર અવોર્ડ અને રોબર્ટ એફ કેનેડીનો હ્યુમન રાઈટ્સ અવોર્ડ .પણ આ તો માત્ર શરૂઆત હતી. ૧૯૯૮માં એમણે અતિ પ્રતિષ્ઠિત ‘ડી ગોલ્ડન વિમ્પેલ ‘અવોર્ડ મેળવ્યો ,તો ૧૯૯૯માં એમને ‘લા હોસ્પીટલેટ’ અવોર્ડ થી નવાજવામાં આવ્યા .એ જ વર્ષે બીજું એક ઇનામ પણ એમની રાહ જોતું હતું –ફ્રેડરિક એબર્ત સ્તીફ્તંગ અવોર્ડ ‘.૨૦૦૭માં અમેરિકાના સ્ટેટ ડીપાર્ટમેન્ટ તરફથી કૈલાશને ‘આધુનિક સમાજની ગુલામી સામે લડનાર હીરો ‘નો ખિતાબ આપવામાં આવ્યો .એ જ વર્ષે ઇટાલિયન સેનેટે પણ એમને મેડલ આપ્યો. કૈલાશના કામોની દુનિયા ભરમાં નોંધ લેવાતી જતી હતી. દુનિયાભરની સરકારોને લાગતું હતું કે એકલા હાથે આ માણસ જે કામ કરી રહ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે અને માનવજાતની , બાળકોની સેવાનું એનું કામ બીરદાવવું જ જોઈએ .એમને લોકશાહીને બચાવનાર ‘ડીફેન્ડર ઓફ ડેમોક્રસી’ અવોર્ડ પણ મળ્યો અને ૨૦૧૪ માં મલાયા યુસુફ્ઝાઈ સાથે વિશ્વનું સહુથી મોટું ,સહુથી વધુ પ્રતિષ્ઠા અપાવનાર નોબલ પીસ પ્રાઈઝ આપવામાં આવ્યું . એ પછી પણ એમની ઉપર ઇનામોની વર્ષા હજુ ચાલુ જ છે .
નોબલ પ્રાઈઝ સ્વીકારતી વખતે પણ શ્રી સત્યાર્થી એટલાં જ નમ્ર હતા , પણ એમનું ભાષણ સીધું હૃદયમાં ઉતરી જાય એવું હતું .એમણે કહ્યું કે ‘આપણે વિશ્વમાં એકતા વધારીએ અને એની શરૂઆત આપણા બાળકો માટે અનુકંપા બતાવીને કરીએ .આ એક વૈશ્વિક ચળવળ હોવી જોઈએ . આમ કરીને આપણે માનવતાની સેવા કરવાની છે .’પોતાની આગવી શૈલીમાં એમણે કહ્યું કે’ આપણે બધા એમ વિચારીએ કે મારે મારી અંદરના બાળકને જીવતું રાખવાનું છે. દુનિયાનું એકપણ બાળક મજુરી કરતુ હશે કે પિસાતું હશે, ભણવાના, નિશાળે જવાના એના હકથી વંચિત રાખતું હશે ત્યાં સુધી આ દુનિયા સલામત અને સુંદર નથી . ચાલો, આપણે બધા ભેગા થઈને, બાળપણને જીવંત રાખીને , આ દુનિયાને વધુ સુંદર બનાવીએ .’
સુમેધાના પતિ અને અસ્મિતા અને ભુવનરીભુના પિતા સત્યાર્થી ઘરમાં સારી રસોઈ પણ બનાવી જાણે છે અને જ્યાં જરુર હોય ત્યાં માનવતાના રક્ષણ માટે લડી પણ જાણે છે. આટલી ખ્યાતિ, આટલાં ઇનામો અને ઇલ્કાબો મેળવ્યા છતાં એમના પગ જમીન ઉપર જ છે. દુનિયાના કોઈ પણ બાળક ઉપર કોઈ પણ પ્રકારનો જુલમ થતો જોઇને હજુ પણ એમનું મન એટલું જ વિચલિત થઇ જાય છે . એ કહે છે કે ‘ભારતના છેક છેવાડે રહેતા બાળકો આજે સહુથી મહત્વની ચિંતાનો વિષય છે .સ્વતંત્રતાના ૭૦ વર્ષ પછી આજે પણ દેશના સેંકડો ,હજારો બાળકોનો ગુલામી ,બાળમજૂરી અને જાતીય શોષણ માટે વેપાર કરવામાં આવે છે .આ ઘટનાઓ અટકવી જોઈએ. આવાં હજારો બાળકોને બચાવ્યા પછી હું એવું કહી શકું કે આપણા બાળકોએ ખુબ લાંબા સમય સુધી રાહ જોઈ છે .’
સત્ય નો સાચો અર્થ સમજીને કૈલાશ નામના આ માણસે કૈલાસ ઉપાડવા જેવું ભગીરથ કામ ચાલુ કર્યું છે .શરૂઆત થઇ છે પણ મંઝીલ હજુ દૂર છે , બહુ લાંબે જવાનું છે . આપણે સહુ ગોવાળિયા બનીને એમને આ કૈલાસ ઉપાડવામાં મદદ કરીને દુનિયાને થોડી વધુ સુંદર બનાવવામાં એમના સહભાગી બની શકીએ ?

ગિરિમા ઘારેખાન