સાંસારીક પ્રેમથી પરમાત્મા તરફ પ્રયાણ BHARATSINH GADHAVI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંસારીક પ્રેમથી પરમાત્મા તરફ પ્રયાણ

સાંસારીક પ્રેમથી પરમાત્મા તરફ પ્રયાણ:

અનુક્રમણિકા:

"અનુક્રમણિકા મનને મુદ્દઓ પર ઠેકડા મરાવે છે. આ ઝરણામાં વચ્ચેથી ખોબો ભરાય એવું કંઇ છે નહીં પુરું પીવું અથવા ના પીવું તે પ્રકારની વાત છે."

***

આ દુનિયામાં સારા અને ખરાબ માણસો છે, કણ કણ માં પરમાત્મા રહેલો છે તો બધુ સારુ જ હોવું જોઇએ તે કેમ નથી? પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે તેમ સાંભળ્યુ તો આ સાધકો પોતાના પરીવારને પ્રેમ કરીને પરમાત્માને કેમ નથી પામતા અને પરમાત્માના અન્ય સ્વરૂપો પુજે છે?

પરીવારને પ્રેમ કરીને પણ ઇશ્વરને પામી શકાય છે, પણ આના જેટલું કપરૂ કામ કોઇ બીજું હોઇ જ ના શકે, કારણકે તે શુધ્ધતા અને એકાગ્રતા આપી શકતું નથી. કેવી રીતે?

પરમાત્મા ખુદ પ્રેમ સ્વરૂપ છે અને પરમાત્મા જ વિશ્વ છે. તો આ વિશ્વમાં સર્વત્ર પ્રેમ જ હોવો જોઇએ! આ વિશ્વમાં તો સારા માણસો પણ છે અને આતંકવાદીઓ પણ, તો શું તે પણ પરમાત્મા જ છે? વાસ્તવમાં આપણે સૌ પ્રેમમયી જ છીએ.. કોઇ વ્યક્તિ લોભી છે તો તેને પૈસા પ્રત્યે પ્રેમ છે. કોઇ અભીમાની છે તો તેને પોતાના અભીમાન પ્રત્યે લગાવ છે. કોઇ સ્વાર્થી છે તો તેને પોતાના જ પ્રત્યે પ્રેમ છે અન્ય પ્રત્યે નહીં.. આમ કોઇ આતંકવાદી છે તેને પણ પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રેમ છે એ એટલી હદનો છે કે તે તેના માટે પોતે પણ મરવા કે મારવા તૈયાર થઈ જાય છે. એક સૈનિક ને પોતાના દેશ પ્રત્યે પ્રેમ છે. આમ પ્રેમ વિકૃત સ્વરૂપે વિદ્યમાન છે. અને આ પ્રેમ નું ઝરણુ આત્મા માંથી નિકળે છે. જેના તરંગો મન અને બુધ્ધિમાંથી પસાર થતા વિકૃત થઈ જાય છે.આ મન અને બુધ્ધિ વ્યક્તિના સંસ્કારો અને ઘડતર પર આધાર રાખે છે. આથી સઘળા યોગના મંડાણ મન અને બુધ્ધિ ને પેલે પારના નીજ સ્વરૂપને શોધવા પર છે. જે શુધ્ધ પ્રેમ સ્વરૂપ છે. સારા અને ખરાબ માણસો બંને મુળત: આ રીતે જ પરમાત્મા નાં જ સ્વરૂપ છે. આથી જ બુધ્ધ, ઇસુ, રામકૃષ્ણ પરમહંસ, વગેરે જેવા સત્યને પારખનાર મહાપુરુષો સર્વને એક સમાન પ્રેમ કરે છે. તેમના માટે સર્વ સમાન થઈ જાય છે. તેઓ જ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આમ પ્રેમના શુધ્ધ સ્વરૂપને જાણનાર તુરંત જ સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. જે યાંત્રિક રીતે નથી થવાતું. પરમાત્મા સુધી પહોંચવાના સરળ માર્ગો પૈકી ભક્તિમાર્ગ આથી જ વધુ પ્રચલિત છે. એનો આધાર શુધ્ધ પ્રેમ મેળવવાનો છે.

ભક્તિ માર્ગમાં પરમાત્માને પ્રથમ માતા-પિતા-ભાઇ વગેરે સંબંધ સ્થાપીને પ્રેમ કરાય છે. આ પ્રેમની ઉત્કટતા વધતા શુધ્ધ પ્રેમ માં ડૂબકી લાગી જાય છે. અને પ્રભુના જે સ્વરૂપને ભક્તે પ્રેમ કર્યો હોય તે રૂપે તેઓના દર્શન થાય છે. અને ત્યારબાદ પરમાત્મા જ ભક્તને પોતાના નિર્ગુણ સ્વરૂપ માં ડૂબવાનો માર્ગ પ્રશસ્થ કરે છે. જેમકે કાલીના દર્શન કરનાર, તેમની સાથે વાતો કરનાર રામકૃષ્ણ પરમહંસ ને કાલીએ તોતાપુરી પાસે પોતાના નિર્ગુણ સ્વરૂપને જાણવા મોકલ્યા હતા.

જો પ્રેમ જ પરમાત્મા હોય તો માતા પિતા, પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ પરમાત્મા નથી?

હા પ્રેમ એ પરમાત્મા છે. પણ માતા પિતા કે પતિ પત્નિ, ભાઇ-બહેન વગેરે પ્રેમ એ વાસ્તવમાં એ વિકૃત પ્રેમ છે. જો તે પણ શુધ્ધ પ્રેમ માં રૂપાંતરીત થઈ જાય તો ત્યાંજ પરમાત્માના દર્શન થવા લાગે છે. સ્ત્રીઓનું મન વધુ ચંચળ હોય છે આથી તેઓને તેમના પતીને પરમેશ્વર ગણવાનું કહેવા પાછળનું કારણ એ છે કે તે પોતાના પતિને શુધ્ધ પ્રેમ કરતી થાય તો તેની મુક્તિનો માર્ગ પણ મળી જાય છે. આથી જ ભારતમાં પતિવ્રતા સ્ત્રી નું મહત્વ છે. જેનો આધાર પ્રેમની ક્વોલીટી જ દર્શાવે છે. કોઇ પણ વ્યક્તિ તેના સ્વરૂપ સિવાય અન્ય કશાને સરળતાથી શુધ્ધ પ્રેમ કરી શકતો નથી. કારણકે તે પ્રેમ મન થી ગળાય છે અને મન હંમેશા આત્મા માંથી આવતા શુધ્ધ પ્રેમની અંદર ઇચ્છા-આંકાંક્ષા રૂપી ઝેરનું મિશ્રણ કરી દે છે.

મનનું કાર્ય જ દ્વંદ્વ પેદા કરવાનું છે. આથી જ બે ગાઢ મિત્રો વચ્ચે અપાર પ્રેમ હોય છતા ક્યારેક તેઓ પણ ગાઢ દુશ્મન થઈ શકે છે. પતિ અને પત્નિ વચ્ચે પ્રેમ ગાઢ હોય ત્યારે ક્યારેક તે નફરત માં તો ફરી પ્રેમ માં આ પ્રકારે બદલાઇ શકે છે. આમ આ બધા જ દ્વંદ્વ પેદા કરનાર શક્તિ મન છે. આથી યોગમાં મનને વશ કરવા બાબત પર ધ્યાન અપાયું છે.

માતા-પિતા પોતાના સંતાનને અપાર પ્રેમ કરતા હોય છે. સંતાન પણ પોતાના માતા પિતાને પ્રેમ કરતું હોય છે. આ સંતાન એક વ્યક્તિ બને છે અને તેના લગ્ન થાય છે. ત્યારે તેનું ધ્યાન માતાપિતા પરથી થોડા અંશે ઘટે છે. આ ફટકાથી માતાપિતાને પણ હ્રદય દુખે છે. અને કયારેક આ જ કારણ સાસુ વહુના ઝગડામાં પણ પરીણમતુ જોવા મળે છે. ત્યારબાદ જ્યારે સંતાનને પણ સંતાન નો જન્મ થાય છે. ત્યારે તેઓનો પ્રેમ આવનાર સંતાન તરફ ઢોળાય છે અને માતા-પિતા હાય હાય કરે છે..આ ક્રમ બધે લાગુ પડે છે. આમ પ્રેમ ની વધઘટ માણસને તોડી નાખે છે. અને અસિમ દુ:ખ આપે છે. આથી પોતાના હ્રદય કમળ પર પરમાત્માનું ધ્યાન અને પ્રેમ કરનારને આજીવન કોઇ ફટકો પડતો નથી તે ઉત્તરોત્તર આનંદમય બનતો જાય છે. અને અંતે પોતાના નીજ સ્વરૂપને ખોજી લે છે. અને જન્મ મરણના ચક્કર માંથી પાર થઈ જાય છે. આમ પરીવાર, સગાં, મિત્રો વગેરેના પ્રેમ બદલાતા રહે છે.

આ કારણોથી જ સંન્યાસી ઘર છોડે છે. અને શુધ્ધ પ્રેમ ને પામી આખા જગતને સમાન પ્રેમ કરે છે. પણ ભક્ત ઘર છોડતો નથી. તે પરીવારમાં રહીને પણ પોતાના ભગવાનના પ્રેમને સાધ્યા કરે છે. અને તેથી તે પરિવારમાં રહેતો ગૃહસ્થ સંન્યાસી બની જય છે. આમ ભક્તિ એ ગૃહસ્થો માટે સુવર્ણ સમાન છે. ભક્તિ નો અર્થ થાય છે શુધ્ધ પ્રેમ ની સાધના.

ક્યારેક એકાંતમાં બગીચા, નદી કિનારે, શાંત વાતાવરણમાં કોઇ પણ ખલેલ વગર જ્યારે વ્યક્તિ શાંત થાય છે ત્યારે તેનામાં એક લહેર ઉત્પન્ન થાય છે તે જ ભક્તિ છે. છતા વ્યક્તિ આ સ્થિતિમાં પણ કાયમ એકાગ્ર નથી રહી શકતો. આથી ભક્તિ ધ્યાન ની ટેકનીક વિકસી.

હિંદુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ જુદા જુદા સ્વભાવ અને પ્રકૃતિના જોવા મળે છે. આ દેન ઋષિઓની મહાન દેન છે. આ તમામ દેવી દેવતાઓના સ્વભાવ જે તે ઋષિએ સાધેલા સ્વભાવો છે. જે સ્વરૂપોમાં પરમાત્માએ દર્શન આપ્યા.. ભગવાન કૃષ્ણ ગીતામાં આથીજ કહે છે. કે જે રાક્ષસને પુજે છે તેને રાક્ષસ મળે છે. જે ભુતને પુજે છે તેને ભુત મળે છે. પણ વાસ્તવમાં આ બધાજ પરમાત્માના જ સ્વરૂપો છે.

આ દેવીદેવતાઓ માંથી વ્યક્તિને જે સ્વભાવ, સ્વરૂપ પસંદ પડે અને વ્યક્તિ જયાં આકર્ષિંત થાય તેને આરાધ્ય બનાવી તેમના સ્વરૂપનું હ્રદયમાં નિરંતર ધ્યાન કરતો રહે છે.વળી તે પોતાના પરમાત્માની આગળ પોતાને સાવ અશક્ત, નિર્બળ, અજ્ઞાની જોવે છે અને પોતાના અજ્ઞાનને દુર કરવા પ્રાર્થના કરતો રહે છે. આ ક્રિયાથી તેનો અહંકાર ઓગળતો જાય છે. જે મનના લય માટે મહત્વનું પાસુ છે. તેઓના નામ સ્મરણ-જાપ થી તેનુ મન તેઓ પર એકાગ્ર થતા થતા અંતે તેઓના સ્વરૂપમાં જ લય પામે છે. આમ મન લય પામતા જ શુધ્ધ પ્રેમનો અતિરેક અનુભવાય છે. તે જ સવિકલ્પ સમાધિ છે. આમ, ભક્ત અંતે સિધ્ધ બને છે. આ જ છે શુધ્ધ પ્રેમ અને સાંસારીક પ્રેમ વચ્ચેનું અંતર.

તો પરમાત્માએ ખરાબ માણસો બનાવ્યા જ શા માટે?

તમને ખબર છે સતયુગ પછી ત્રેતા, દ્વાપર, અને અંતે કળયુગ તરફ આવતા અધર્મ વધતો કેમ જાય છે? એનું કારણ છે: "મન"

શિવ અને શક્તિના મિલનથી સંસાર રચાયેલ છે એવું તમે ક્યાંક વાંચ્યુ હશે. જો સર્વત્ર શિવ જ હોત તો સર્વ શુધ્ધ પ્રેમ સ્વરૂપ હોત પણ બધુ સ્થિર હોત ના આ કોલાહલ હોત, ના કોઇ ચહલ પહલ હોત. અને આ સ્થિતિ પણ હતી જ જ્યારે એવું કહેવાય છે કે માત્ર શિવ જ હતા. કંઇ ન હતુ. તો સંસારની ઉત્પત્તી માટે શક્તિનું મિલન થવું કેમ જરૂરી બન્યુ? ‌-- વ્યક્તિની અંદર જ અભ્યાસ કરીએ તો યોગ કહે છે એક ઉર્જા છે જે સતત માણસમાં ગુદામાર્ગ પાસે આવેલા મુલાધાર ચક્ર તરફ નીચે વહે છે. અને યોગથી આ ઉર્જાની દિશા નીચે તરફથી અટકાવી ઉર્ધ્વરેતા એટલેકે ઉર્ધ્વ દિશામાં વહાવતા વ્યક્તિની અંદર પરમાત્માનો અવિર્ભાવ કરી શકાય છે. નીચે તરફ વહેતી ઉર્જા સંસાર નું નિર્માણ કરે છે. જે કામ, ક્રોધ, વગેરે પેદા કરી સૃષ્ટિને આગળ ધપાવે છે. તેના વીના કોઇ જીવ જન્મી ના શકે આથી આ ઉર્જા હાલ આપણી સાથે સર્વ પ્રાણીઓમાં વહી રહી છે. અને તેને ત્રિગુણાત્મક પ્રકૃતિ પણ કહી છે. જે સ્થાન સમય અને સંજોગો મુજબ વ્યક્તિમાં સત્વ, રજસ, તમસ ગુણો નો સંચાર કરતી રહે છે. તે આપણી પ્રકૃતિ છે. તેને આપણે મા જોગમાયા કહીને પણ પુજીએ છીએ. જે આપણા સૌના સાંસારીક કાર્યોમાં યોગ્ય માર્ગ ચીંધે તેવી પ્રાર્થનાઓ કરીએ છીએ એ વાસ્તવમાં આપણે આપણા વશની બહાર આપણીજ પ્રકૃતિ ને કહીએ છીએ. આમ આ નીચે વહેતી ઉર્જા મનને અનેક ખરાબ પ્રવૃત્તિ તરફ ધકેલે છે. આ સમયે જે વ્યક્તિ પરમાત્મા વગેરે શબ્દો તરફ ખેંચાય છે, તેમાં તે વૃત્તિઓ અટકે છે અને તેના પર આ પ્રકૃતિ દયા કરી તેને વિવેક પેદા કરી આપે છે. આમ તે દુષ્ટ વૃત્તિઓ સાથે સંઘર્ષ કરવા લાગે છે અને તેને જીતવા પ્રયત્ન કરવા લાગે છે. દરેક વ્યક્તિ આમ કરે છે. પણ જે આ સંઘર્ષ કરતો નથી તે બગડતો જાય છે. એનો અર્થ એવો પણ નથી કે તે ક્યારેય સુધરી ના શકે, પરમાત્મિય બીજ તેનો આત્મા જ છે. પણ તેને જો ખબર જ ના હોય કે પરમાત્મા એટલે શુ? આથી તેની દ્રષ્ટિ અંદર તરફ આવતી જ નથી આમ, સંતો, મહાપુરુષો રૂપે પરમાત્મા હર હંમેશ લોકોને જગાડતા રહે છે. અને જે જાગે છે. તે મુક્તિના માર્ગે નિકળી પડે છે. અને જેને હજુ આંખ નથી ખુલી સમજો યાત્રા હજુ બાકી છે. છતા તેને પણ અંતે મુક્તિની શોધ કરવાની જ રહે છે. આમ પરમાત્મા જન્મોની યાત્રા કરાવે છે સુખ અને દુખ માંથી મન પસાર થતા થતા અંતે પરમાત્મા મનને થકવે છે.આ થાકેલું મન બાળકની જેમ હવે તમામ સુખો,દુખો છોડી પોતાની માતા (પરમાત્મા) તરફ જવા જેવું બેબાકળુ બને છે પરમાત્મા તેની સન્મુખ પ્રગટ થઇ જાય છે. એટલેકે તેનો હું ભાવ (એક ભ્રમણા) છુટી જાય છે. આ અજ્ઞાન એમ ગાયબ થઈ જાય છે જેમ સુર્યનો ઉદય થતા અંધારું અને ત્યારે તેને સમજાય છે કે જેને હું હું કરીને હું જીવતો હતો તે એક માયાજાળ હતી..એ પણ મારી જ રચેલી હું તો મુક્ત જ હતો અને મુક્ત જ છું. અને હું જ તો ઇશ્વર છું.. આ જ્ઞાન સર્વો પરી છે. તે જ સત્ય છે આ કહેવાથી નથી સમજાતું આ એક અનુભવ છે. અને એના માટેજ આ માર્ગ છે. આમ એક દ્રષ્ટિએ સારા ખરાબ લોકોનો ભેદ છે. અને આ અંધકાર જ્ઞાનના સુર્યમાં વિલિન થતા કંઇ જ નથી,કોઇ જ નથી તેના સિવાય તે અનુભવ છે. "આમ જે નથી એ પણ સત્ય દેખાય તેનું નામ માયા" આ માયા પણ ઇશ્વર છે. અને તેમાં રમનાર પણ ઇશ્વર જ છે.

વાસ્તવમાં યોગ કહે છે, કે હું ભાવ છોડી દે એ કલ્પના છે એ સત્ય નથી. અને સત્યને પામનાર યોગીઓ પણ કહે છે. આ જગતમાં પરમાત્મા એક જ છે અન્ય કોઇ નથી આમ હું અને તમે રૂપે આ પરમાત્મા વ્યક્ત થઈ રહ્યો છે. આમ સારા અને ખરાબ માણસો એના આ વિશાળ ચિત્રપટના રંગ બિંદુઓ છે. રામાયણના રાવણ ને લઈલો કે મહાભારતના દુર્યોધનને કોઇ તેમની પ્રકૃતિનેના બદલી શક્યા. કારણકે આ તમામ ઘટના ક્રમમાં બધા પાત્રો પરમાત્મા જ છે. જે માણસોનામન રૂપી રમણ કરતી પોતાની માયાને પોતાના તરફ આકર્ષે છે. આમ આપણે પણ ઘણાને કહીએ છીએ કે, કુતરાની પુંછડી વાંકી તે વાંકી જ રહી. તે પ્રયત્ન કરે તો પણ પોતાના મન ને બદલી નથી શકતા કારણકે તેઓને પોતેજે કંઇ કરે છે. તે તેઓને યોગ્ય લાગે છે તેઓ પોતાના તરફ દ્રષ્ટિ કરી પોતે કઈ સ્થિતિમાં છે તેનું તટસ્થ મુલ્યાંકન નથી કરી શકતા. આ સઘળુ લખાણ જે હું લખુ છું તે વાંચશે બધા પણ એક આંતર દ્રષ્ટિ વાળો માણસજ તે ગ્રહણ કરશે. આથી તો ગીતા, જેવો મહાન ગ્રંથ પણ વાસ્તવિક રીતે બહુ ઓછા સમજી શક્યા છે.. આ જ પ્રકૃતિની લીલા છે. એના ચરણોમાં પ્રણામ!

ક્યારેક કોઇ ઉત્સાહી બની બેસે છે. જ્યારે આત્મ સંયમ, મન પર નિયંત્રણના કોઇ માર્ગો વાંચ્યા કે સમજ્યા અને તેનો ગૃહસ્થ જીવન માં રહી, પોતાના પર પ્રયોગ કર્યા વિના કે કેટલાક લોકો પરમાત્મા વિષે બે ત્રણ વાતો વાંચી ઘર છોડી દે છે.ભગવા પહેરી લે છે, અને થોડા દિવસબાદ પુર્વવત પ્રકૃતિના દબાવને વશ થઈ જાય છે. આથી કહેવાતા આવા જ અધુરા જ્ઞાન સાથે નીકળી પડેલ સંન્યાસીઓ પસ્તાય છે તેઓને ના પરમાત્માની ઝલક મળે છે, ના સંસારમાં રહી શકે છે. બુધ્ધ જેવા વ્યક્તિઓ એક પરમ ઇચ્છા શક્તિ લઈ ને નીકળ્યા હોય છે અને નિકળ્યા બાદ પ્રથમ પોતે પરમાત્માને ના પામે ત્યાંસુધી જંપતા નથી. જ્યારે ભગવા પહેરી, સારા પુસ્તકો વાંચી લોકોના ટોળાને ઉપદેશ દેવા પહોંચી જનાર ની વૃત્તિ રાજસી પ્રકૃતિ છે, તેને માન જોઇએ છે. તાંત્રીકની પ્રકૃતિ તામસી છે, આમ, આ બધા પરમાત્મા તરફના પ્રેમના વિકૃત સ્વરૂપો છે, જે પ્રકૃતિના કારણે રજસ, તમસમાં ફેરવાઇ જાય છે. આમ વ્યક્તિને જ્ઞાનમાર્ગનો પણ સહારો લેવો પડે છે, જ્ઞાનમાર્ગ વ્યક્તિને પોતાની ઇચ્છાઓને છોડવા પર ભાર મુકે છે. આમ ઇચ્છાઓ છોડતા મનના ઘણા ખરા ભાગ પર નિયંત્રણ સ્થાપાય છે. તે ભટકતું બંધ થાય છે. ત્યારબાદ તે ફરી ભટકે તે પહેલા તેન પરમાત્મા તરફ જોડી દેવાય છે. આમ પરમાત્મા નાતો એકલા ભક્તિ માર્ગથી કે ના એકલા જ્ઞાન માર્ગથી કે ના એકલા કર્મયોગથી પામી શકાય છે. આના માટે ત્રણેયનું મિશ્રણ કરવું પડે છે.

સાધનાક્રમ:

એકાંતમા બેસી જાઓ. પરમાત્માના તમને ગમતા કોઇ સ્વરૂપને લઈ લો, પછી તે ઇસુ હોય, મહોમ્મદ પયગંબર સાહેબ હોય, કૃષ્ણ, રામ, ગુરૂનાનક સાહેબ હોય કે મા જગદંબા હોય, અને કોઇ નાસ્તિક હોય તો તમારા માતા પિતા પર શ્રધ્ધા હોય, તો તેઓના નામ નો જાપ કરવા લાગો પ્રેમ કરવા લાગો, શરૂઆતમાં મન નહીં માને,તે એક કડવી દવા પીવા જેવું છે. મન ખુબ અકળાવશે, પણ તમારે શરૂઆતતો ફોર્સફુલી જ કરવી પડશે. પંદરમીનીટ, અડધો કલાક એમ રૂચી પ્રમાણે ધીરે ધીરે સબ કોન્શિયસ ને નામ લેવડાવતા જાઓ, પરમાત્માને સંબંધ આપી પ્રાર્થના, ક્યારેક બે આંસુ સારીલો, આમ અભિવ્યક્તિ વધારતા જાઓ એક પણ દિવસ નો ગેપ પાડવો નહીં નહીંતો મન છટકી જશે. તેને વાળતા જાઓ. મેં કહ્યું ને? પ્રકૃતિ સરળતાથી બદલાતી નથી. અને અહીં તમે પ્રાણી વૃત્તિમાંથી પરમાત્મ વૃત્તિ તરફ ગતી કરો છો તો શરૂઆતમાં તમારે મનને વધુ ધ્યાનમાં રાખવું પડશે. તમારી તલ્લીનતા અને એકાગ્રતાથી સ્વરૂપ ને બંધ આંખે નિહારી પ્રેમ પુર્વક નામ લેતા જાઓ,મન થાકે તો પ્રાર્થના કરો વગેરેથી તે સ્વરૂપ સાથે જોડાયેલા જ રહો ધીરે ધીરે તમારૂ મન તમારી જાણબહાર જ તે નામ લેતું થઈ જશે. આમ પ્રેમ આદ્ર અને ઉત્કટતા અને તિવ્ર ઇચ્છા વિના પરમાત્મા સુધી નથી પહોંચી શકાતું. જેને ખરેખર પરમાત્માનો દિવ્ય આનંદ અનુભવવો છે. તે આ ઉત્કટતાથી સાધના આપોઆપ કરતો જશે. અને તે વ્યર્થ બધુ છોડતો જશે. આ સમયે વિવેક રાખવો. કે સાંસારીક કાર્યો અટકી ના પડે, ગોરો કુંભાર માટી ખુંદતા ખુંદતા પણ પરમાત્મામાં લીન હતો. આમ અહીં કર્મયોગ સહાય કરે છે. આ બધુ અંદરથીજ સમજાતું જશે... પછી કોઇ ગુરૂની જરૂર નથી. અંદરથી દરરોજ નિત નવું જ્ઞાન સ્ફુરતું જશે. એના અભિમાનમાં પડ્યા વિના "હે પ્રભુ આ જ્ઞાન મારે શુ કામનું? મને આપના દર્શન દો." આવી પ્રાર્થના કરતું રહેવું જોઇએ... સાધનાની શરૂઆતમાં જ્યારે પરમાત્મા મળ્યા પણ નથી હોતા, કોઇ અનુભવ નથી થતો અને સાંસારીક અમુક તુચ્છ આનંદ ફીક્કા લાગવા માંડે છે ત્યારે દરેક ભક્તે આ વચ્ચેના ઉદાસીન અને નિરાશા ભરેલા સમયમાંથી પસાર થવું જ પડે છે તેનાથી બચવાનો કોઇ આરો નથી. સાધનાના મધ્યાહને રત્નો નિકળવા લાગે છે એનાંથી સાધક અંજાઇ જઈ દંભમાં આવી લોકોને જ્ઞાન આપવા લાગે, અન્યોને તુચ્છ ગણવા લાગે, જ્ઞાનનું અભીમાન થવા લાગે.. કોઇ માન આપવા લાગે તો ફુલાવા લાગે,.. વગેરે જેવા ખતરા થી આ યાત્રા ત્યાંજ અટકી જાય છે. આ બધાથી પ્રભાવીત થયા વીના પ્રભુ આ નહીં મને તું જોઇએ.. એવા આદ્ર ભાવથી જે પ્રાર્થના રત અને સાધના રત રહે છે. તેને અંતે પરમાત્મા દિવ્ય રૂપે દર્શન દે છે. અને આત્મજ્ઞાન,બ્રહ્મજ્ઞાન જેવા ઉત્તમ રહસ્યો ખોલી દે છે. જેમ બાળક રડતુ હોય તો માતા તેને રમકડુ આપે, તો તે રમવા લાગે છે. અંતે તેને કોઇ પણ રમકડુ ગમતું નથી.તે સતત રડે છે, માં મને લઈ લે ત્યારે માતા પોતાના સઘળા કામ છોડી બાળકને ખોળે લઈલે છે. બસ આજ માર્ગ છે. ભક્તિથી પરમાત્માને પામવાનો.. અને શુધ્ધ પ્રેમ તરફ પ્રયાણ માટે આ જ ઉત્તમ સાધના છે.

આભાર..

- ભરતદાન ગઢવી.