અધુરા અરમાનો-૨૩ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો-૨૩

અધુરા અરમાનો-૨૩

શિલ્પાબેનને ભાળ મળી કે સૂરજ લગ્નની ના પાડે છે એટલે સેજલ આટલી બહાવરી બની છે. એમના મનમાં શંકાએ ફાળ પાડી: " જો સૂરજ પાછો નહી આવે તો?" દિલની દિવાલમાં ઝીણી ઝીણી તિરાડ પડવા લાગી. સેજલને મનાવવા કાલાવાલા કરવા માંડ્યા. સેજલ ટસની મસ નથી થતી કે એકની બે નથી થતી. એણે ચમકારા મારતા શબ્દોમાં સૌને સંભળાવી દીધું કે સૂરજ વિના જીવી નહીં જ શકે!

અઠવાડિયું વીતી ગયું. સૂરજની કોઈ ભાળ મળી નહી. સેજલની દશામાં હવે શિલ્પાબેન પણ ગરકાવ થવા માંડ્યા.

લક્ષ્મીના મહાપ્રતાપથી શિખરની જેમ ખડકાયેલા સુખના ડુંગરા સેજલની બૂરી વલેથી વાંકા વળીને ઢળવા લાગ્યા. એક વિરહણી કાગના ડોળે જેની રાહ જોતી હતી એના ભેળા અન્ય પણ ભળ્યા.

હરરોજ બંધ આવતો સૂરજનો ફોન લાગ્યો. સૌના હૈયે રાહત ઊભરાણી. પરંતું તરત જ ખુશી ઉદાસીમાં પલટાઈ. કારણ કે સૂરજ એનો ફોન જ્યાં રોકાયો હતો એ ઘેર ભૂલી આવ્યો હતો.

અત્યાર સુધી શાંત કિશોરીલાલનો હવે પીત્તો ગયો. તાડૂક્યા:" આવવા દે એ નાલાયકને ! ફૂલ સી છોકરીની શું હાલત કરી નાખી છે? એવું તો શું કામણ કરી નાખ્યું છે ! કે પછી કો જાદુઈ ભૂરકી નાખી છે? જો એ આટલી પ્રેમાતુર બની છે? બેટો હાથમાં આવે તો હાડકાં જ ભાંગઈ નાખું! બીજીવાર આવું કરવાનુંય વીસરી જાય."

શિલ્પાબેને ઠંડા કલેજે પતિને ટાઢા પાડ્યા. પોતાનો પ્રયણપ્રચુર અતીત યાદ અપાવ્યો.

"બેટા, સેજલ!" સેજલને કિશોરીલાલે પૂછવા માંડ્યું:" મારા દીકરા કંઈક તો બોલ. તારે જોઈએ છે શું? હવે અમારો જીવ કપાય છે. ઊઠ ને ફ્રેશ થઈ જા."

"પાપા, મને માત્ર સૂરજ જ જોઈએ છે. એના વિના હું અવગતે જઈશ, અવગતે!" અને એના સૂકાયેલ હોઠ ફરી બિડાઈ ગયા.

રાત્રે અચાનક ફોન રણક્યો. સેજલના જીવમાં જીવ આવ્યો.

"સૂરજ બોલું છું."

"અરે, સૂરજ! તમે તો યાર હદ કરી નાખી હો!"

"શું થયું?" સૂરજનો જીવ હેઠો બેઠો. પૂછવા માંડ્યું:" સેજલ ક્યાં છે? શું કરે છે?"

"સૂરજ, તમારા વિના એ બહાવરી બની બેઠી છે. હાલ તો એકટાણે બધું હેમખેમ છે. પણ ન જાણે ક્યારે શું થઈ જાય કોઈ ખબર નથી. મમ્મી-પપ્પાને પણ ખર પડી ગઈ છે. પપ્પા તો તમારા પર ગુસ્સે ભરાયા છે."

પોતાની પ્રાણપ્રિયાની બૂરી દશા વિશે જાણીને સૂરજના હાથમાંથી ફોન પડું-પડું થઈ ગયો. કાનના પડદા ચિરાઈ જવા લાગ્યા. હૈયું ફાટ ફાટ કરતું ફાટવા માંડ્યું. પણ કરે શું? અમદાવાદમાં હજું બે દિવસ રોકાવું ફરજીયાત હતું. સૂકાયેલી આંખે લીલાછમ્મ આંસું ઊતર્યા.

એણે કહ્યું:"અંજલી, પરમ દિવસે હું તારા આંગણે ઊભો હોઈશ!"

"હા સૂરજ, પણ જરા સંભાળીને આવજો. પપ્પાને પારાવાર ક્રોધ ચડ્યો છે."

પાર્લર પરથી દૂધ લઈને આવેલ કિશોરીલાલે પૂછ્યું:" દીકરા, અંજલી શું વાત થઈ?"

ફોનને મેજ પર મૂકતા અંજલી બોલી:"પાપા, સૂરજ બે દિવસમા આવી જશે. પરંતું ક્યાં સમયે આવશે એ કશું જ જણાવ્યું નથી." કહેતી એ રૂમમાં પ્રવેશી ગઈ. સેજલના કાન આગળ જઈને ધીમાં છતાં ખુશનુમાં સ્વરે કહ્યું:" સેજલ દીદી, સૂરજ આપણા ઘેર આવવાનો છે."

સાંભળતા જ આળસ મરડીને ફટાક કરતી સેજલ ઊભી થઈ ગઈ. આનંદના આવેશમાં આવી જઈને અંજલીને ચૂમી લીધી.

કેવો પ્રેમ! ક્યો પ્રેમ! કેટલી તીવ્રતા! પ્રિયજનના દીદારની કેટલી તાલાવેલી? પ્રિયપાત્રની ઝંખનામાં સેકાઈ જવા લાગેલી વેલ પાંદડે પાંદડે મ્હોરી ઊઠી. મનના ઉદાસ આંગણે ખુશિયોની મહેફિલ જામી. સૂરજના આવવાના વાવડ સાંભળીને ખીલી ઊઠેલી સેજલ નામની વેલ ટટ્ટાર થવા લાગી. તો સૂરજ જ્યારે આખે આખો આંખ સન્મુખ આવી ઊભો રહી જશે ત્યારે એ કેટલી મઘમઘી ઊઠશે? કલ્પના કરવી ઘરી છે.

છ-છ દિવસથી સૂરજના વિયોગે રિસાઈ ગયેલી સુખ શાંતિ પાછી બારણે આવી ઊભી રહી.

જોતજોતામાં પરમ દિવસ એટલે કે સૂરજના આવવાની શુભ ઘડી આંગણે દસ્તક દેવા આવી ઊભી.

એ આખી રાત સેજલ ઊંઘી શકી નહી.

સૂરજના આગમનના સોનેરી વધામણા આપવા માટે સૂર્ય પણ થોડો મોડો ઊગ્યો.

પરોઢના નવ વાગી ચૂક્યા હતાં. સૂરજનો પગરવ થયો નહી. પળેપળ સેજલની બેચેની ઊગ્ર બનતી જતી હતી. ઈંતજારની અસહ્યતામાં એ ઢળી. એની ઘેરાયેલી આંખમાં નીંદપરી ઊતરવા લાગી.

બરાબર સાડા નવના સુમારે પાલનવાડાના સાવ જર્જરિત બસ સ્ટેન્ડે લાલ બસ આવીને ઊભી રહી. દરવાજો ખોલ્યો ન ખોલ્યો ને સૂરજે આંધળી દોટ મૂકી. એ સીધો જ સેજલના દરવાજે ભટકાયો. એ ભયંકર અવાજે સેજલની તંદ્રા તોડી. એ ઊભી થતાં જ બારણે આવી. પળનીયે પરવા કર્યા વિના એણે બારણું ઊઘાડ્યું. જોયું તો પ્રાણનાથ ઊભા હતાં. એ ચરણે પડી. ને ભેટી પડી. ક્યાંય લગી સૂરજને બાથમાં ભરીને આનંદના આંસું વહાવતી રહી. 'ઘો'ની જેમ ચોંટી જ ગઈ.

એની અશક્તિ, દુર્ભળતા, વિવશતા ઊભી પૂંછડીએ પલાયન કરી ગયા. ઉરમાં સો સો કળીએ વસંત મ્હોરી ઊઠી, જાણે લીલી નાઘેર જોઈ લો! સૂરજના હાથ, હાથની આંગળીઓ, ગાલ, ભાલ અને અધરોને મનભરીને ચૂમી લીધા. જાણે લાંબી તરસથી પીડાતું પ્રાણી તરણા પરના શબનમને ચૂસી રહ્યું ન હોય!

અંજલીએ જોયું અને અવળી ફરી ગઈ.

શિલ્પાબેન બાથરૂમમાંથી કપડાં ધોતા ધોતા બહાર આવ્યા. એમણે જોયું તો સેજલ કોઈકને બાથ ભીડીને ઊભી હતી. એમના વ્યાકૂળ મને માની જ લીધું કે એ સૂરજ જ છે. સૂરજની નજર શિલ્પાબેન પર પડી ને એ ઝંખવાયો. સેજલની આગોશથી આઘો ખસ્યો.

"જે શ્રી કૃષ્ણ, માસી." પોતાની સામે વળ ખાઈને ટીકી- ટીકીને તાકી રહેલા શિલ્પાબેન તરફ જોઈ અપરાધભાવે સૂરજ બોલ્યો.

શિલ્પાબેન એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા નહી. એમણે સેજલનો હાથ ઝાલ્યો. ખેંચીને રૂમમાં લઈ જવા લાગ્યા. સેજલની મમ્મી જેવી એને પલંગ પર બેસાડીના અવળા ફર્યા કે નજરે સૂરજ ચડ્યો. પલંગ પાસે જ સેજલનો હાથ ઝાલી એ ઊભો હતો. શિલ્પાબેન સમસમી ઊઠ્યા. વેદનાભરી નજરો મજબૂરીથી છલકાઈ ઊઠી. ગુસ્સો એટલો ચડ્યો હતો કે જાણે ધોકો લઈને સૂરજનું માથું જ ભાંગી નાખે! શરીર પરસેવે નહાઈ રહ્યું. લમણે હાથ મૂકીને ખૂણામાં બેસી ગયા. લાચારી આખા અસ્તિત્વને ઘેરી વળી. એક તરફ પુત્રીની જીંદગી હતી, બીજી પા પરાયો સૂરજ! જો કોઈ પરાયો પુરુષ આવી રીતે એમના જ ઘરમાં પગ મૂકી જાય તો એનું માથું જ ભાંગી નાખે! અને એના શરીરના ટૂકડે- ટૂકડા કરી મૂકે! કિન્તું આ તો સૂરજ! દીકરીની અમાનત, પ્રાણપંખેરું! જેનું નામ સાંભળતાં જ, જેના આવવાના માત્ર અણસારે જ મડદા પેઠે પડેલી સેજલ આનંદની ઊર્મિના ઉમંગથી ઝુમી ઊઠી હતી. એ ખયાલ આવતાં જ એ ભોંય ખોતરતા બેસી ગયા.

સૂરજ લાચારીથી આ જોઈ રહ્યો. એને આઘાત લાગ્યો. સ્વગત બબડ્યો:"અરરર! મારા ખાતર થઈને એક જનનીની આવી દશા? એક દીકરીની ખુશી ખાતર એમની આ વલે? જે માતાએ દીકરીને જન્મ આપીને મમતાથી ઉછેરી, એ જ માતા આજે એ જ દીકરી સામે આમ લાચાર બની રડી રહી છે? જે માતાએ હસાવીને હોંશે-હોંશે મોટી કરી એ જ દીકરી એ જ માતાને વિવશતાથી રડાવી રહી છે? હે વિધાતા! તે આ જનનીના એવા તો કેવા લેખ લખ્યા કે આજે એમને આવી મજબૂરીના પનારે પડી જવું પડ્યું છે? અને હુ પણ કેવો પાપી કે કોઈની આબરૂને, ઈજ્જતને, મમતાને ઠેંસ પહોંચાડવા અહીં આવી પડયો?"

પળનીય પરવા કર્યા વિના એણે પગ ઉપાડ્યા. બે પગથિયા ઊતર્યો ને સેજલ ઢળી પડી. સૂરજ ઘડીભર થંભી ગયો. પાછા વળી જવા મન લલચાયું. છતાંય કાળજું કઠણ કરીને એણે ચાલતી પકડી.

એ વેળાએ એનું આખું ચિત્તતંત્ર હિલ્લોળાઈ ઊઠ્યું. આંખ વરસી પડી. હૈયું ધબકારા ભૂલવા લાગ્યું. નજરો હવામાં લટકી. અને પગ! પગ જાણે ધરતી સાથે ફેવિક્વિકની જેમ ચોંટી જતાં હતાં. છતાંય હિંમત કરીને એ ચાલી નીકળ્યો.

આત્મા સેજલના પલંગે બેસાડીને જીવતું હાડપીંજર લઈને એ ઝાંઝાવાડા પહોંચ્યો.

ક્રમશ: