Featured Books
શ્રેણી
શેયર કરો

હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૫)

હવે આને તમે સંયોગ કહો કે કુદરતની કરામત, કુણાલને જે મુદ્દા પર આગળ વધવા માટે ઘર છોડવાની જરૂર પડી હતી તે મુદ્દા પર જીંદગી ફરી વળાંક લઈને પહોંચી હતી. તે એક પોતાના સાહસની સ્થાપના કરવા જઈ રહ્યો હતો જ્યાં તે પોતાના પરિવારનાં નામ પર નહીં પોતાના દમ પર કંઈક કરી બતાવવાનું હતું. અહીં તેની સફળતા કે નિષ્ફળતા માટે તે પોતે જ જવાબદાર બનવાનો હતો પણ કુણાલને આ બધું બંને હાથે મંજૂર હતું. સામાન્ય રીતે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મૂર્હુત જોઈને સારા ચોઘડિયામાં કરવામાં આવે છે.પરંતુ,પ્રીતિનો જન્મ દિવસ નજીક હોવાથી કુણાલ,ભાવિન અને મિહિરે નક્કી કર્યું કે ફેક્ટરીની શુભ શરૂઆત કરવા માટે એથી રૂડો બીજો કોઈ દિવસ હોઈ શકે નહીં અને આ બહાને પ્રીતિનો જન્મ દિવસ પણ યાદગાર બની રહેશે.ફેક્ટરીનું નામ પણ પ્રીતિનાં નામ પર જ 'પ્રીતિ ઇન્ડસ્ટ્રીઝ' રાખવાનું નક્કી કરાયું.આખરે, ફેક્ટરીનાં ઉદ્દઘાટનનો દિવસ આવી ચૂક્યો.બહુ મોટા પાયે ઉજાણી ના કરતાં સમગ્ર સમારંભ અંગત મિત્રોની સાક્ષીમાં આટોપી લેવાયો અને આ ધંધો જેને લીધે શક્ય બન્યો હતો તે પ્રણવ પાસે ફેક્ટરીનું ઉદ્દઘાટન કરાવવામાં આવ્યું.ફેક્ટરીમાંથી તૈયાર થયેલ પ્રથમ ગારમેન્ટનો જથ્થો જોઈ કુણાલ સહિતનાં બધા મિત્રોની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. બધા હવે કોઈનાં નોકરની જગ્યાએ ખુદનાં માલિક બની ચૂક્યા હતાં જ્યાં તેઓએ કોઈનાં કહેવા પર નહીં પરંતુ ખુદની ચાલે ચાલવાનું હતું.


આ સમગ્ર સમારંભ પૂર્ણ થયા પછી કુણાલે પ્રીતિ માટે સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. પ્રીતિ માટે આ બિલકુલ નવી બાબત હતી. તેના માટે ક્યારેય કોઈએ આ પ્રકારની પાર્ટીનું આયોજન કર્યું નહોતું. તે જે પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થઈ હતી તે પછી તેના મનમાં દ્રઢ ભાવના બંધાઈ ચૂકી હતી કે તે કોઈના જીવનમાં મહત્વનું સ્થાન બનાવી શકી નથી કે બનાવી શકવાની પણ નથી. તેને જીવનમાં પહેલી વાર હૈયાનો ધબકાર સંભળાયો. તેણે જીંદગીમાં કદી ના અનુભવેલી હોય તેવી લાગણી કુણાલ માટે અનુભવી. ભર ગ્રીષ્મમાં જાણે પ્રેમની નવી કૂંપળો ફૂટી રહી હતી,જે કુણાલ અને પ્રીતિ બંનેમાંથી કોઈને ખબર નહોતી. તે બંને એક બીજાનાં હૈયાનાં કોઈક છાના ખૂણે પોતાની જગ્યા બનાવી ચૂક્યા હતા બસ એકરારની ખામી હતી.દિવસે દિવસે બંને વચ્ચેની સ્નેહની લાગણી પ્રેમમાં પરિવર્તિત થવા લાગી. એક બીજાની પૂરી કાળજી રાખવી,એક બીજાનાં ના હોવા પર બેબાકળું બનવા લાગવું,એક બીજાનાં વિચારોમાં જ ખોવાયેલા રહેવું,એક બીજાનાં સાથે વધુ ને વધુ સમય વ્યતિત કરવો. પ્રેમ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું હતું.


પરંતુ,સત્ય એ પણ છે કે પ્રેમથી પેટ નથી ભરાતું. ચારે મિત્રોએ પોતાને નફો થવાના આશયથી શરૂ કરેલી ફેક્ટરીનાં પાસા ઉલટા પડી રહ્યાં હતાં. ત્રણ મહિના થવા આવ્યા હતા છતાં હજુ નફાનું કોઈ નામોનિશાન નહોતું. ઊલટાનું વધારાના પૈસા ઘરમાંથી કાઢવા પડ્યા હોય તેવું બન્યું હતું. મંદીને લીધે ફેકટરી ટુ રિટેલની ચેઇન ભાંગી પડી હતી. વળી,કંપની નવી હોવાના કારણે સૌથી વધુ ઘાતક ફટકો તેમને જ પડ્યો હતો. કોઈ લેવાલ તો નહોતું ઉપરથી અગાઉ મોકલેલા માલનાં રૂપિયા પણ અટવાઈ પડયા હતા. ફેકટરીમાં કામ કરતા મજૂર તથા કાચા માલનાં રૂપિયા પણ ના નીકળવાના કારણે ફેકટરી ત્રણ દિવસ સુધી બંધ રાખવી પડી હતી અને સાવ તાળું મારી દેવું પડે તેવી સ્થિતિ બની ચૂકી હતી. કુણાલ તથા તેના મિત્રોની વધુ એક અગ્નિપરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. પરંતુ, આ બધામાં સૌથી વધુ કારમો ફટકો પ્રીતિને પડ્યો હતો. તે પોતાની તમામ બચત ફેકટરી પાછળ લગાવી ચૂકી હતી અને હવે સ્થિતિ એવી હતી કે આ અઠવાડિયે તેના ભાઈનું બ્લડ ટ્રાન્સફયુઝ કરવા માટે પણ પૂરતા રૂપિયા બચ્યા નહોતા. પ્રીતિ આ બધું થતા ભાંગી પડી હતી. તે કુણાલ પાસે જઈ પોતાની મુશ્કેલી કહેતા કહેતા રીતસર રડવા લાગી. પરંતુ,કુણાલ પણ આ સ્થિતિમાં કાંઈ કરી શકે તેમ નહોતો કેમ કે તેની પાસે તો આમ પણ પહેલેથી બચતનાં નામે મીંડુ હતું. તેણે આ વિષયમાં ભાવિન અને મિહિરને પણ વાત કરી જોઈ પણ તે બંને પણ આ વિષયમાં વધુ કંઈ કરી શકે તેમ નહોતા તે કુણાલ પણ જાણતો હતો.


કુણાલ કંઈક વિચારતો હતો ત્યાં અચાનક તેની નજર તેણે પહેરેલા ચેઇન તરફ ગઈ. તેણે વિચાર્યું કે જો પ્રીતિ પોતાના માટે આટલો બધો ત્યાગ કરી શકતો હોય તો પોતે કેમ નહીં? કુણાલે પોતાના મનમાં બીજો વિચાર લાવ્યા વગર પોતાની ચેઇન વેંચવાનું નક્કી કર્યું અને માર્કેટમાં એક જવેલરને વેંચી થોડા રૂપિયાની વ્યવસ્થા કરી. પ્રીતિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે કુણાલને રીતસર ભેટી પડી. એકરારનો બંધ જે એક નાનકડી ઇંટનાં સહારે ટકી રહ્યો હતો એ આ ઘટના પછી તૂટી ગયો. કુણાલ પ્રીતિની આંખો સામે આંખ મિલાવતા બોલ્યો,"મને નથી ખબર કે મારા માટે તારા મનમાં સેઇમ ફીલિંગ છે કે નહીં બટ આઈ લવ યુ." કુણાલનો અણધાર્યો એકરાર સાંભળી પ્રીતિએ શરમથી માથું ઝૂકાવી લીધું અને હળવા સ્વરે ટહૂકો કરતા બોલી,"આઈ લવ યુ ટુ કુણાલ. કેટલા દિવસોથી તારા મુખે આ શબ્દો સાંભળવા તરસતી હતી પણ તે બહુ મોડું કર્યું ઇડિયટ." પ્રીતિની વાત સાંભળી બંને હસી પડ્યા. એક પ્રેમ કહાની આકાર લઇ ચૂકી હતી, જે પોતાનો અંજામ પામવા બેતાબ હતી. પરંતુ, તડકી છાંયડીની આ પળો વચ્ચે પણ કુણાલ જાણતો હતો કે, પ્રીતિનાં ભાઈ માટે તેણે કરેલી વ્યવસ્થા કામચલાઉ માત્ર હતી. જો ફેક્ટરીનું કામ પાટે ના ચડ્યું તો તે પૈસા આજે નઇ તો કાલે પૂરા થવાના હતા અને પછી ફરી ચક્ર તે જ જગ્યાએ આવીને ઉભું રહેવાનું હતું.


ફેકટરી બંધ રહેવાને આજે સાત દિવસ કરતા વધુ સમય થઈ ચૂક્યો હતો અને હવે કોઈ ચમત્કાર જ કંપનીને બચાવી શકે તેમ હતો. પરંતુ, વિધાતા એટલો તક ક્રૂર ના હોઈ શકે કે પોતાના બાળકોનાં લેખમાં ફક્ત આફતોનો વંટોળ જ લખે. તે પણ ક્યારેક ખુશીનાં અમી છાંટણા લખી જ દેતો હોય છે પરંતુ,કુણાલને ખબર નહોતી કે તેના પર વિધાતા આજે અમીછાંટણા નહીં પરંતુ પૂરેપૂરો વરસાદ કરવાનાં મૂડમાં હતા. કુણાલ રોજની જેમ કંપનીનાં મેઈલ ચેક કરતો હતો. અચાનક તેની નજર એક અજાણ્યા એડ્રેસ પરથી આવેલા મેઈલ પર પડી. કોઈ મુંબઈ બેઝડ 'આર.કે. એજન્સી'નો મેઈલ હતો. જેમાં તે લોકોએ પંદર લાખ રૂપિયાનો ઓર્ડર આપ્યો હતો અને તે પણ પાંચ દિવસમાં ડિલિવરી આપવાની શરતે. કુણાલને પહેલા થયું કે આ કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે કેમ કે તેની કંપની શરૂ થઈ પછી તેને આટલો મોટો ઓર્ડર કદી મળ્યો નહોતો. કહો કે આનાથી અડધો પણ મળ્યો નહોતો. કુણાલે મેઇલમાં આપેલા નંબર પર ખાતરી કરી ત્યારે તેની ખુશીઓનું ઠેકાણું ના રહ્યું. તેણે આ વાત પોતાના મિત્રોને કરી તો તેઓ પણ હરખાઈ ઉઠ્યા. ફેક્ટરીને અઠવાડિયાથી મારેલું તાળું ફરી ખોલવામાં આવ્યું. ઓર્ડર બહુ મોટો હતો અને પાંચ દિવસમાં પૂરો કરવા રાત દિવસ કામ કરવું પડે તે નક્કી હતું.પરંતુ બધા મિત્રોએ ઉત્સાહપૂર્વક કામ કરી રાત દિવસ એક કરીને આ ઓર્ડર પૂરો કર્યો અને સમયસર મુંબઈ મોકલી પણ આપ્યો. બીજે દિવસે કંપનીનાં ખાતામાં પંદર લાખ રૂપિયા જમા થવાનો મેસેજ મળતા જ બધા મિત્રોએ ખુશીમાં પાગલોની જેમ નાચવાનું શરૂ કર્યું. તેમની ડૂબતી નૈયાને એક આશાનું તણખલું જો મળ્યું હતું. તણખલું તો શું આ એક આખી હોડી જ હતી. પછી તો આ 'આર.કે.એજન્સી' સાથે એવું તો જામ્યું કે એક મહિનામાં ફક્ત તેમની સાથે પચાસ લાખ રૂપિયાનો વ્યાપાર કરી નાખ્યો. આ બધું થયા બાદ 'આર.કે.એજન્સી'એ વ્યાપારની વાતચીત કરવા માટે કુણાલને મુંબઈ બોલાવ્યો.


કુણાલને પણ આ અજાણ્યા તારણહારોને મળવાની ખૂબ ઉત્કંઠા હતી.જેથી તે ફોન આવ્યાના બીજા દિવસે જ મુંબઈ તેમને મળવા પહોંચી ગયો. કુણાલ તેમણે આપેલા સરનામે પહોંચ્યો તો જોયું તો ઓફીસ તેમણે કરેલ નાણાકીય વ્યવહારોની સાપેક્ષમાં ખૂબ નાની હતી. વિસ્તાર પણ પોશ કહી શકાય તેવો નહોતો. ઓફીસ જોઈને લાગતું હતું કે હજુ હમણાં જ એક બે મહિના પહેલા જ ખોલવામાં આવી હશે. પરંતુ,કુણાલ પોતાનું મન મનાવતા બોલ્યો,"આપણે ઓફિસ કેવી હોય તેનાથી શું કામ?આપણે તો આપણો વ્યાપાર થાય છે તે જોવાનું છે ને." કુણાલ ઝડપથી 'આર.કે.એજન્સી'નાં પગથિયાં ચડી ઓફિસમાં દાખલ થયો. અંદર નાનકડા એવા રિસેપશન ટેબલ પર ઓળખાણ આપી તો તેને અંદરનાં રૂમમાં જવાનું કહેવામાં આવ્યું. કુણાલ જેવો એ અંદરનાં રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેની સામે જે ચહેરા હતા તેને તે સારી રીતે ઓળખતો હતો. તે જોરથી ઘાંટો પાડતા બોલ્યો,"રાજ અને કંદર્પ તમે?? આઇ મીન... તમે બંને અમારી કંપનીનાં કસ્ટમર છો?" કંદર્પ પોતાના ચહેરા પર અચરજનાં ભાવ લાવતા બોલ્યો,"કુણાલ,અમને પણ ખબર નહોતી કે અમે તારી પાસેથી આ બધી ખરીદી કરી રહ્યા છીએ. આ તો સોનામાં સુગંધ ભળી એવું થયું." રાજ હસતાં હસતાં બોલ્યો, "ના કંદર્પ, આ તો ખીચડીમાં જ ઘી ઢોળાયું એના જેવું થયું." પછી બંને હસવા લાગ્યા. કુણાલ પણ પોતાના ઓળખીતા લોકોને પોતાના ગ્રાહક તરીકે જોઈ ખુશ થયો. તેણે પોતાની શંકાનું સમાધાન કરવા વાતવાતમાં રાજ અને કંદર્પને નાની ઓફીસ વિશે પણ પૂછી લીધું. કંદર્પ કુણાલને જવાબ આપતા બોલ્યો,"તને તો ખબર જ છે કે મુંબઈ કેટલું મોંઘુ શહેર છે, અહીં પચીસ વાર જગ્યા શોધવી પણ મુશ્કેલ પડે.માંડમાંડ આ વિસ્તારમાં એક ઓફીસ મળી." કુણાલ ત્યાર બાદ પોતે જે વાત કરવા આવ્યો હતો તે બિઝનેસની વાત કરવી શરૂ કરી દીધી અને ત્યાર બાદ થોડી મજાક મસ્તી કરી રાજ અને કંદર્પ પાસે વધારાના ઓર્ડર લઇ તે ઓફિસની બહાર નીકળ્યો.


તેણે હજુ ઓફિસની બહાર પગ મૂક્યો ત્યાં તેના મોબાઈલ પર મેસેજ આવ્યો. મેસેજ વાંચી કુણાલ ધ્રુજવા લાગ્યો. તે પોતાની સાન ભાન ખોઈ બેઠો અને ત્યાં જ ફસકાઈ પડ્યો.


*****


રોડ પર પડેલ કુણાલનાં મોબાઇલની તૂટેલી સ્ક્રીન એક આઘાતજનક સમાચાર ડિસ્પ્લે કરી રહી હતી જે કુણાલ માટે તેના સપનામાં પણ અકલ્પનિય હતી. "કુણાલ, યોર ફાધર ઇઝ નો મોર! પ્લીઝ કમ ટુ હોમ એઝ સૂન એઝ પોસીબલ". કુણાલ શૂન્યમનસ્ક થઈ તરત રેલવે સ્ટેશન તરફ દોરાઈ ગયો. તેની તમામ ગતિવિધિઓનું નિયંત્રણ હવે તેનાં મગજ પાસેથી તેની કરોડરજ્જુએ ઝૂંટવી લીધું હતું. તેની નજર સામે એક ફિલ્મની રીલ ચાલી રહી હોય તેમ લગભગ વર્ષ દિવસ પહેલા થયેલા પોતાના પિતા સાથેનો ઝઘડો ફરી તેની સામે આંખે રચાઈ રહ્યો હતો. પોતાના બાળપણથી લઈને પોતાની જુવાની સુધીનાં પોતાના પિતા સાથે જીવેલી ક્ષણો તેની અંદરનાં પુત્રનાં અંતરને કચોવી રહી હતી. કુણાલને રડવું હતું,જોરથી રડવું હતું પરંતુ તે અંદર અંદરથી ઘૂંટાઈ રહ્યો હતો. મુંબઈથી અમદાવાદ સુધીની ૯ કલાકની સફરમાં તે પોતાની આજુબાજુનાં વાતાવરણથી અલિપ્ત થઈને અંત:આક્રંદ કરવા સિવાય કંઈ કરી શક્યો નહીં.


કાલુપુર રેલવે સ્ટેશન પર તે ધીમી પડતી ચાલુ ટ્રેઇનમાંથી ઉતર્યો ત્યારે રીતસર પડતા પડતા રહી ગયો. છતાં પોતાની કોઈ પરવા કર્યા વગર તે સીધો પોતાના ઘર તરફ ભાગી નીકળ્યો. ઘર પર પહોંચતા જ વિલાપયુક્ત વાતાવરણ જોઈ તેની રોકાયેલી લાગણીઓનો પ્રવાહ ધસમસીને વહેવા લાગ્યો. પોતાની માતા પાસે તે ગયો તો ખરા પણ તેમની સાથે આંખ થી આંખ મિલાવી શક્યો નહીં. તે આ બધું થવા પાછળ પોતાની જાતને દોષી માનતો હતો. તેણે પોતાની માતાનો હાથ લઈ જોરજોરથી પોતાના ગાલ પર તમાચા મારવા શરૂ કર્યા. તે પોતાની જાતને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા તેના મોટા પિતરાઈ ભાઈ સંજયે તેને પકડી લીધો અને મોટેથી ઠપકો આપતા બોલ્યો, "શું કરે છે કુણાલ? એક પત્ની જેણે હમણાં પોતાનો પતિ ખોયો છે તેની પાસેથી તેનો પુત્ર પણ છીનવી લઈશ? શાંતિ રાખ." કુણાલ સંજય સામે દોષિત નજરે જોઇ રહ્યો અને પછી ડૂસકા ભરતા ભરતા બોલ્યો,"કઇ રીતે થયું આ બધું?" સંજય તેને હકીકત જણાવતા બોલ્યો, "તેમની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી." "તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવાય ને, મને એક વાર કહેવું તો હતું,હું પણ તેમના ખાતર મારી કિડની આપી દેત."કુણાલ તાડૂકતા બોલ્યો. "તારી પાસેથી કિડની લેવી હોત તો તને કદી કિડની આપેત જ નહીં." સંજય બબડયો. તેને એમ કે કુણાલ સાંભળ્યો નહિ હોય પરંતુ કુણાલ આ સાંભળી ચૂક્યો હતો.


"શું બોલ્યા તમે સંજયભાઈ હમણાં? મને કિડની આપેત જ નહીં મતલબ?? મને બધું કહો મારાથી છૂપાવો નહીં." કુણાલ રડતાં રડતાં બોલ્યો. સંજય પાસે હવે કુણાલને હકીકતથી વાકેફ કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો. "તો સાંભળ! કુણાલ તું પાંચ વર્ષનો થયો ત્યારે તું ભયંકર રીતે બીમાર પડ્યો. આ બીમારી તારી બંને કિડની ભરખી ગઈ. તું આજે આપણી વચ્ચે હયાત ના હોત જો ત્યારે તારા પિતાએ તને એક કિડની આપી ના હોત. તે છેલ્લા એક વર્ષ ઉપરનાં બીમાર હતાં એટલે જ તેઓ તને પોતાનો સંપૂર્ણ કારભાર સોંપી પોતાના પરિવાર સાથે પોતાની જીંદગીનો બાકી સમય વ્યતીત કરવા માગતા હતા. લગભગ તે જાણી ચૂક્યા હતા કે તેમની પાસે ખૂબ ઓછો સમય બચ્યો છે." "મને એક વાર કહેવું તો હતું ફોન કરીને, હું દોડ્યો ચાલ્યો આવેત. પણ તમે મારી સાથે દગો કર્યો છે,તમે મારા પિતા સાથે રહેવાનો અધિકાર છીનવી લીધો." કુણાલ આવેશમાં આવી બોલ્યો. સંજય પણ પોતાનો અવાજ ઊંચો કરતા બોલ્યો, "ઘર છોડીને જવાનો નિર્ણય તારો હતો, મારો નહીં અને એથી પણ વધુ મોટી વાત. તે તારા પિતાનાં નિર્ણયનું સન્માન ના કર્યું પણ તેઓ તારા નિર્ણયનું પૂર્ણપણે સન્માન કરતા હતા. તેમણે જ ઘરમાંથી કોઈને ગમે તે ભોગે તારો કોન્ટેકટ કરવાની મનાઈ ફરમાવી હતી ભલે ગમે તે ઘટના ઘટે."કુણાલ મૂક બની ફક્ત સાંભળી રહ્યો હતો.


અચાનક તેની નજર તેની બાજુમાં આવીને ઊભા રહેલા રાજ પર ગઈ. "રાજ તું અહીં? કઇ રીતે? શા માટે? તેણે પાછળ નજર ફેરવી તો રાજ એકલો નહોતો. તેની સાથે કંદર્પ, નૈષધ અને પ્રણવ પણ હાજર હતા. કુણાલને આ બધું શું બની રહ્યું છે તેની ગતાગમ પડી રહી નહોતી. સંજય તેની આવી હાલત જોઇ સમગ્ર રહસ્ય પરથી પડદો ખોલતા બોલ્યો, "કુણાલ તારા મનમાં ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા હશે. તને એમ થતું હશે કે તારા જીવનનાં જુદા જુદા તબક્કે મળેલ માણસો એકી સાથે કઈ રીતે?તો સાંભળ. કોઈ બાપ પોતાના સંતાનને મુશ્કેલીમાં ના જોઈ શકે. તારા પિતા ચાલીસ વર્ષ લાંબો સંઘર્ષ કરી આ મુકામે પહોંચ્યા હતાં અને એ સંઘર્ષ દરમિયાન તેમની સાથે બનેલી અનિષ્ટ ઘટનાઓ તે તારી સાથે ના બને તેનું ધ્યાન રાખવા માગતા હતા. એમને ખબર હતી કે તું સ્વાભિમાની છો એટલે તું ગમે તેટલો મુશ્કેલીમાં હોઈશ તો પણ પાછો તો નઇ જ ફરે. એટલે તારી જાણ બહાર તારી સુરક્ષા માટે એમણે તારી પાછળ જાસૂસી કંપની લગાવી. રાજ અને કંદર્પ એ જ જાસૂસી એજન્સીનાં માલિક છે. તેઓ તું રેલવે સ્ટેશન પહોંચ્યો તેની ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી ગયા અને ત્યાંથી જ તેઓ તારો પીછો કરી રહ્યા હતાં. તારી ટ્રેનમાં તેમનું ચડવું,તને રાજ દ્વારા ધક્કો લાગવો. તે કંઈ સંયોગ નહોતો. તે બધું પૂર્વનિયોજિત હતું. તને અમારી કોઈ ખબર નહોતી પણ તારી પળેપળની ખબર અમને પહોંચતી હતી અને તે પહોંચવા વાળો હતો આ નૈષધ. નૈષધ કોઈ વલસાડથી ચડયો નહોતો. તે અમદાવાદથી જ ચડ્યો હતો પણ વલસાડ પાસે પહોંચી તે તારી પાસે પહોંચ્યો. રાજ અને કંદર્પ મુંબઈ ઉતર્યા ત્યારે આ લોકોનું એક બીજા સામે હસવું તે કોઈ સૌજન્ય નહોતું પરંતુ પોતાના આયોજનમાં સફળ થયાનો સંકેત હતો. તને થતું હશે કે નૈષધ આ બધા કાર્યોમાં શાથી મદદ કરે છે? તો સાંભળ નૈષધ તારો મિત્ર હોવાની સાથે સાથે આપણી કંપનીનાં સાઉથ ડિવિઝનનો ઝોનલ મેનેજર છે. તારા બેંગ્લોર પહોંચતા પહેલા જ ત્યાં એક ઝરીપુરાણા ફ્લેટની વ્યવસ્થા કરી દેવામાં આવી, જેથી તને સામાન્ય માણસને પડતી તકલીફો વિશે માલૂમ પડે. તને નોકરી ના મળી ત્યાં સુધી તેમનો જીવ ઉચ્ચક રહેતો. તારી નોકરી દરમિયાન તારા પર કેસ થયો ત્યારે તું જેટલો રડ્યો નહીં હોય તેનાથી વધુ તારા મા બાપ રડયા હશે. તું જેલમાંથી નીકળીને નિર્દોષ છૂટ્યો નહીં ત્યાં સુઘી આ મૂર્ખ લોકોએ એક કોળિયો મોંમાં નાંખ્યો નહોતો. મૂર્ખ જ કહેવાય ને કે એક અભિમાની સંતાન માટે પોતે રિબાઈ રહ્યા હતા. તને જ્યારે કેસ પછી નોકરી નહોતી મળી ત્યારે પ્રણવ પાસે ફેક્ટરીની વ્યવસ્થા કરવા વાળા પણ તારા પિતા જ હતા. પ્રણવ તારા પિતાના મિત્રનો પુત્ર છે. તને પૈસાની કિંમત સમજાય અને કઈ કઈ રીતે પાઈ પાઈ પણ મહત્વ રાખે છે તે સમજાવવા તારી પાસેથી દસ લાખ રૂપિયા ડિપોઝિટ પણ લીધી. ત્રણ મહીના પછી તારી ફેક્ટરીને તાળા મારવાની નોબત આવી ત્યારે તને ઉગારનાર પણ તારા પિતા જ હતા. તેમણે જ રાજ અને કંદર્પને આ ઓર્ડર આપવા જણાવ્યું હતું. તારી શંકા સાચી હતી, મુંબઈ ખાતેની ઓફીસ નવી જ હતી, બે દિવસ પહેલા જ ખોલેલી અને એ પણ ફક્ત તારા વિશ્વાસ માટે જ.બોલ, કયો બાપ પોતાના દીકરા માટે આટલું કરે? એક કાચા હીરાને તેમણે આખરે પોલિશ કરીને છોડ્યો."


સંજયે એકીશ્વાસે કુણાલની જીંદગીનાં અનેક રહસ્યો તેની સામે લાવીને રાખી દીધા. કુણાલ આ બધું સાંભળીને અવાક થઈ ગયો. તે પોતાના પિતા પાસે જઈ વિલાપ કરવા લાગ્યો. થોડી વાર બાદ મન હળવું કરી તે પોતાની માતાનાં પગમાં પડી ગયો. "મા! મને માફ કરી દે." કુણાલનાં માતા કુણાલને ઉભો કરતા બોલ્યા, "બેટા અજાણતા થાય એને ભૂલ ન કહેવાય અને એની માફી પણ ના હોય. પણ જો તારે કરવું હોય તો એક કામ કરી શકે છે. તારા પિતાને નૈષધ દ્વારા તારા અને પ્રીતિ વિશે ખબર પડી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા અને તેઓ તમારા બંનેનાં લગ્ન જોઈને જવા માંગતા હતા અને આ માટે તેઓએ આવતા અઠવાડિયામાં તારીખ પણ નક્કી કરી હતી. પણ તેમ થઈ શક્યું નહીં. જો તું અને પ્રીતિ લગ્ન કરી લેશો તો તેમને ખૂબ આનંદ થશે." કુણાલ તેના માતાનાં હાથ પર હાથ રાખતા બોલ્યો,"મા, મારા લગ્ન પ્રીતિ સાથે જ થશે અને પપ્પાએ નક્કી કરેલી તારીખે જ થશે." કુણાલે પોતાના ઘરે લેન્ડલાઈનથી પ્રીતિને તરત જ નંબર જોડ્યો,"હેલો પ્રીતિ..........."


આજે કુણાલ અને પ્રીતિનાં લગ્નને બે વર્ષ થઈ ચૂક્યા છે. કુણાલે પોતાના પિતાની ઇચ્છા મુજબ તેમની કંપનીના ચેરમેનની પોસ્ટ સંભાળી લીધી છે. તે આજે પણ પોતાના પિતાની ચેર ખાલી રાખી તેમની બાજુની ચેરમાં બેસે છે. પોતાના પિતાને ખરા અર્થમાં અંજલિ આપવા તેણે એક એન.જી.ઓ. પણ ખોલ્યું જે નવા સ્ટાર્ટ અપ કરવા માગતા યુવાનોને સહાય આપવાનું કાર્ય કરે છે. આખરે, પ્રકૃતિનાં સોગઠાથી એક પથ્થર પારસમણી બની ચૂક્યો હતો. (સંપૂર્ણ)


-'ક્ષિતિજ' પાર્થ ગજેરા