Haiyu - Thokar khati laganionu sarvaiyu books and stories free download online pdf in Gujarati

હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયુ (ભાગ-૨)

     ચીરપરિચિત ધ્વનિ કાને અથડાતાં કુણાલ હાંફળો ફાંફળો બની ગયો. તેણે પોતાની નજર અવાજની દિશા તરફ કેન્દ્રિત કરી.લંબગોળ ચહેરો, મધ્યમ બાંધો, ઠીકઠાક કહી શકાય તેવી વેશભૂષા. કુણાલનાં મનમાં હજારો છબીઓ રચાઈ હતી પણ તમામ છબીઓને આ ચહેરો ધૂંધળો બનાવતો હતો. યાદશક્તિને વધુ જોર આપી પોતાની જાતને ભૂલકકડ સાબિત કરવા કરતાં તેણે પોતાના ઓળખીતા અજનબીને જ આ વિશે પૃચ્છા કરવાનું યોગ્ય માન્યું. હજુ કુણાલ કાંઈ પહેલ કરે તે પહેલા જ તેની સામે આવી રહેલા આગુંતકે કુણાલ પર સીધો હુમલો કરી દીધો. આવતાવેંત કુણાલની પીઠ પર ધબો મારીને બોલ્યો, "કાં કુણીયા!! ભૂલી ગયો ને ભાઈ ને?! ક્યાંથી યાદ આવીએ આમ પણ તને, નાના માણસોને થોડી મોટા માણસો યાદ રાખે." કુણાલની માનસિક પરિક્ષા હવે ચરમસીમા પાર પહોંચી ચૂકી હતી. તે પોતાના હથિયાર ફેંકી ચૂકવાની મુદ્રામાં સામેવાળાને જોઈ રહ્યો. હવે રહસ્ય ઘેરું કરવાનો મતલબ ના જણાતાં તેનો સાથી રાહદાર ઓળખ છતી કરતાં બોલ્યો, "રહેવા દે તને નઇ યાદ આવે. હું નૈષધ!! તારો સ્કુલ ટાઇમનો મિત્ર." કુણાલ પોતાની આંખ ઝીણી કરતા બોલ્યો, "અલ્યા!! નૈષધ તું!! સ્કૂલમાં તો દોઢ ફૂટિયો હતો અને આ છ ફૂટની હાઈટ ક્યાંથી કરી નાખી? એન્ડ સી યોર ફેસ એન્ડ બોડી. પૂરો બદલાઈ ગયો છે તું." નેતા પોતાના પ્રશંસકો સામે હાથ હલાવતો હોય તે રીતે નૈષધે કુણાલ સામે હાથ હલાવવાનું શરૂ કર્યું. કુણાલનાં મોં પર લાંબા સમય પછી લાક્ષણિક સ્મિત વેરાયું. નૈષધ સામે જોઇને તે બોલ્યો, "તું જરાય બદલાયો નથી.હરખપદૂડો તે હરખપદૂડો"


     બીજી બાજુ રાજ અને કંદર્પ શીંગ ચણા ખાતા ખાતા એકીટશે આ રામ ભરત મિલાપ જોઈ રહ્યા હતા. કુણાલની નજર અનાયાસે તેમના પર પડતાં તેણે પોતાના મિત્રનો ઔપચારિક પરિચય તેમની સાથે કરાવ્યો. નૈષધે સાહજીક રીતે જ કુણાલને પ્રશ્ન કર્યો, "કઈ બાજુ ઉપડી છે પાર્ટી?" કુણાલ થોડી વાર વિચારીને બોલ્યો, "બેંગ્લોર જાઉં છું" "શું વાત કરેશ ભાઈ? હું પણ બેંગ્લોર જ જાઉં છું.. સારું ચાલું આ દુર્ગમ રાહમાં એક રાહબર તો મળ્યો" અને પછી અચાનક કુણાલને અસહજ કરતો પ્રશ્ન પૂછતાં નૈષધ બોલ્યો, "પણ જનરલ ડબામાં તું ક્યારથી સફર કરવા લાગ્યો" કુણાલ તરત બોલ્યો, "તો તું પણ ક્યાં રિઝર્વ ડબામાં છે, તું ય જનરલમાં જ છે ને.." નૈષધ પણ જવાબ વાળતાં બોલ્યો,"પણ કુણીયા મારો બાપ ધનંજય શેઠ નથી ને." પોતાની દુખતી નસ પર નૈષધે પગ મૂકતાં કુણાલનાં મુખ પર ફરી વિષાદ છવાઈ ગયો. પરિસ્થતી સમજી બંને વચ્ચેની વાતનો દોર કાપતાં રાજ બોલ્યો, "શું લાગે છે આ વખતે નવો રાષ્ટ્રપતિ કોણ બનશે?" ભારતનાં લોકોમાં બીજી કોઈ આવડત હોય કે ના હોય પણ બધાની અંદર એક રાજનીતિક તજજ્ઞ તો છૂપાયેલો જ હોય છે જે રાજકારણની વાત આવતાની સાથે બહાર નીકળી આવે. સરકારે આમ કરવું જોઈએ અને તેમ ના કરવું જોઈએ આવી વાતોમાં જ ટ્રેન વલસાડથી મુંબઈ કેમ પહોંચી ગઈ એ ચારે નવા બનેલા મિત્રોને ખબર જ ના પડી.હવે આ ચોકડીનો કસમયે વિખાવાનો સમય આવી ચૂક્યો હતો. રાજ અને કંદર્પે કુણાલની રજા લઇ નિકાસ દ્વાર તરફ પ્રયાણ કર્યું. રાજ અને કંદર્પએ જતા જતા કુણાલની નજર બચાવીને નૈષધ સામે લુચ્ચું હાસ્ય વેર્યું અને જેનો જવાબ નૈષધે ખંધુ હાસ્ય રેલાવી આપ્યો. 


     ટ્રેન મુંબઈ સ્ટેશન પર પોતાને હકડેઠઠ ભરી બેંગ્લોર તરફ મરવાના વાંકે ચાલવાનું શરૂ કર્યું. થોડી વારની ચૂપકીદી પછી નૈષધે મૌન તોડતા કુણાલને પૂછ્યું, "કાંઈ મુશ્કેલીમાં છો તું? કેમ આટલો ઉદાસીન દેખાશ?" કુણાલ નિરર્થક જૂઠું બોલવાનો પ્રયાસ કરતા બોલ્યો, "ના.. ના.. એવું કંઈ નથી. આ તો પહેલી વાર આટલે દૂર એકલો નીકળ્યો છું એટલે." નૈષધ પરિસ્થતીની તાગ પામી ગયો અને બોલ્યો,"ચાલ ના કહેવું હોય તો હું તને બળજબરી નહીં કરું.એ તારી પસંદગી છે.પણ એ તો કહે ત્યાં કયા કામ માટે જઇ રહ્યો છે?" કુણાલ પાસે આ નિરુત્તર સવાલનો કોઈ જ જવાબ નહોતો. છતાં શબ્દોનાં ટુકડા જોડતા બોલ્યો, "એક કામ છે". નૈષધ આ બાબતને પણ જતી કરતા બોલ્યો," આ બધું છોડ.તારે બીજું કાંઈ કહેવું ના હોય તો કાંઈ નહીં પણ તારે રહેવું મારે ત્યાં જ પડશે.એમાં કોઈ બહાનું નહીં ચાલે" કુણાલ પાસે આમ પણ બીજી કોઈ પસંદગી નહોતી.તેણે માત્ર હકારમાં માથું ધુણાવ્યું. પછી નૈષધને એકતરફી વાતચીત ના લાગે માટે કુણાલે નૈષધને પૂછ્યું,"તું ત્યાં ક્યાં કામથી જઇ રહ્યો છે?" નૈષધ મજાકની છટામાં બોલ્યો, "મારો બાપ તો ધનંજય શેઠ નથી કે જે મારા માટે કરોડોની કંપની પાછળ છોડી જાય. મારો બાપ તો તને ખબર જ છે કે એક કારખાનામાં કારીગર છે. એટલે મારે તો નોકરી કરવી પડે. બેંગ્લોર એક સોફ્ટવેર કંપનીમાં વેઠીયો છું, સોરી એંજીનીયર છું." "તું નહીં સુધરે." કુણાલ મરક મરક હસતાં બોલ્યો. ત્યાર બાદ પોતાના શાળા સમયની વાતોમાં અને ફાકા ફોજદારીમાં જ તેમનો બેંગ્લોર સુધીનો રસ્તો કેમ કપાઈ ગયો.બંનેને ખબર જ ના પડી. આ સાથે કુણાલે પ્રથમ વખત બેંગ્લોરની ધરતી પર પગ મૂક્યો જ્યાં તેની જીંદગીનો સૌથી મોટો પ્રસંગ તેની રાહ જોઈ રહ્યો હતો. કાચો હીરો જ્યાં ઘસાઈને પોતાની કિંમત વધારવાનો હતો.


                          *****


    આઈ.ટી. કંપનીઓનાં હબ તરીકે ઓળખાતા બેંગ્લોરની બીજી બાજુ જોઈને કુણાલ અભિભૂત થઈ ઉઠ્યો. હાઇરાઈઝ બિલ્ડિંગની સાથે સાથે વૃક્ષોની હારમાળા. કૉન્ક્રીટનાં જંગલોને પડકાર ફેંકતા પ્રકૃતિનાં નયનરમ્ય દ્રશ્યને જોઈને કોઈની પણ આંખ ઠરી જાય. કુણાલ થોડી વાર માટે પોતાના ભૂત-વર્તમાનને ભૂલીને પોતાની સાથે દોડી રહેલા વૃક્ષોની સાથે સાથે ઉમળકાની દોટ લગાવવા માંડ્યો. અચાનક રીક્ષાની બ્રેક લાગતાં મનની દોડનો તનની ગતિ સાથે અંત આવ્યો. નૈષધ હાશકારો બોલાવતા બોલ્યો, "હાશ!! પહોંચ્યા ખરા." 


     કુણાલની આંખો સામે એક સાંકડી ગલી હતી. લગભગ દોઢ માણસ ચાલી શકે એટલો રસ્તો. કન્નડ સ્ત્રીઓની ઇષ્ટમપીષ્ટમ ભાષામાં થઈ રહેલા કલબલાટ વચ્ચે કુણાલ અને નૈષધ એ શહેરી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના મુકામે પહોંચ્યા. નૈષધ પોતાના ફ્લેટનો લોક ખોલતાં બોલ્યો,"પધારો મુજ ગરીબની ઝૂંપડીમાં" કુણાલને નૈષધની આ વાત મજાક જ ગણતો હતો જ્યાં સુધી તે ખરેખર એ ફ્લેટમાં પ્રવેશ્યો નહીં. લગભગ બે માણસ રહી શકે એવો હોલ અને એક માણસ માંડમાંડ ઉભો રહી શકે તેવડું રસોડું. બાથરૂમની છતમાંથી ટપકતું પાણી રૂમમાં છવાઈ ગયેલા મૌનને જાણે કે તોડવા મથતું હતું. રંગોનાં પોપડા ખરી ગયેલી દીવાલો મકાનનાં જરીપુરાણા હોવાની ચાડી ખાતું હતું. અને આ સામ્રાજ્યનાં અધિપતિ બનવાનું સુખ નૈષધને સાંપડ્યું હોવા છતાં તેના ચહેરા પર નિરાશાનો એક પણ ભાવ નહોતો બલ્કે આ ફ્લેટ તેના જીવનનો અભિન્ન ભાગ બની ચૂક્યો હતો. નૈષધે કુણાલ પાસેથી તેનો સામાન લઈને ત્યાં પડેલા એક જર્જરિત કબાટમાં રાખી દીધો. કુણાલ ગરીબીનો પ્રથમ અધ્યાય શીખી રહ્યો હતો. વૈધાનિક ગરીબી તે માત્ર ચોપડાઓમાં ભણ્યો હતો પણ પ્રાયોગિક જીવવાની કિસ્મત (કહો કે બદકિસ્મત)તેને પ્રથમ વખત સાંપડી હતી. માત્ર એ.સી.માં જ રહેવા ટેવાયેલા કુણાલનો જીવ આ બંધિયાર વાતાવરણમાં ગૂંગળાઈ રહ્યો હતો. તેણે ત્યાંથી બહારની તરફ ડગ માંડવાનાં શરૂ કરતાં નૈષધે તેને ટોક્યો. "કઇ બાજુ ભાગ્યો કુણાલ? જરા આરામ તો કર." કુણાલને કંઈ જવાબ ના આપતો જોઈ નૈષધ પોતે જ બોલ્યો, "ક્યાંય અરજન્ટ બહાર જવાનું હોય તો ચાલ હું તને મૂકી જાવ. મને અહીંનાં બધા વિસ્તારોની જાણકારી છે તો તને શોધવામાં સરળતા રહેશે." પણ કુણાલ નૈષધને કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ત્યાંથી એકલપંડે ચાલી નીકળો. તે જવાબ પણ શું આપેત? તેની મંઝીલનું કોઈ સરનામું નહોતું. સરનામું તેને પોતાને શોધવાનું હતું જે તે એકલો જ કરી શકે તેમ હતો અને તેનો સ્વચ્છંદ સ્વભાવ બીજા કોઇની મદદ લેવાની હામી ભરતો નહોતો.

   

     કુણાલે નોકરીની શોધમાં શહેર ખેડવાનું શરૂ કર્યું. બહારી દુનિયાથી અજાણ એ કુબેરપુત્રને હકીકતની માનવજાત કેટલી હદે આપખુદ છે તેનો ખ્યાલ પણ નહોતો. તેણે તો એમ જ ધાર્યું હતું કે પોતાનો એમ.બી.એ. પ્રોફાઈલ જોઈ ગમે તે સારી કંપનીમાં નોકરી મળી જાશે અને વખત જતાં પોતે કમાયેલા પૈસામાંથી પોતાની કામોની ઉભી કરી દેશે પણ આ દિવાસ્વપ્નોનું સાંપ્રત દુનિયામાં કોઈ વજૂદ જ નહોતું. એક પછી એક જગ્યાએથી લાગી રહેલો રિજેક્શનનો સ્ટેમ્પ તેની આશાઓ પર આઘાત કરી રહ્યો હતો. તે અસલ દુનિયાનાં એક એક રંગોથી વાકેફ થઈ રહ્યો હતો. રોજ સવારે નૈષધ ઉઠે એ પહેલા નોકરીની શોધમાં નીકળી જવું અને સાંજ પડ્યે રણભૂમિમાં ઘવાયેલા અને લોહીથી લથબથ સૈનિકની વેદના લઇ પાછું આવવું તેનો નિત્યક્રમ બની ચૂક્યો હતો. હાર માનવી તેના લોહીમાં નહોતું પણ હિંમતનો ખજાનો ટૂંક સમયમાં તળિયાઝાટક થઈ જાય તે નક્કી નહોતું છતાં તેનું મન એક ચમત્કારની રાહમાં હતું. એ અઠવાડિયાથી આ નિત્યક્રમ ચાલી રહ્યો હતો અને આજે તેનું તન અને મન બંને જવાબ આપી ચૂક્યા હતા. 


     નૈષધે પોતાના મિત્રની પરિસ્થતી પારખી તેના ખભા પર હાથ રાખી એકમાત્ર પ્રશ્ન પૂછ્યો, "કુણાલ,ઠીક તો છો ને?" અને મિત્રનાં આ સ્નેહભર્યા પ્રશ્નથી પોતે માંડ માંડ કઠણ બનાવી રાખેલું કાળજું ભાવનાઓ વહેવડાવવા લાગ્યું અને તેનો લાગણીઓનો બંધ તૂટી ગયો. તે દિવસે તે પોતાની જીંદગીમાં પ્રથમ વખત કલાક ઉપર રડ્યો હશે. નૈષધે પણ પોતાના મિત્રની ભાવનાઓને માન આપી તેને વહેવા દીધી. કુણાલે પોતાનું હૃદય હલકું થયા પછી નૈષધને તમામ હકીકતથી વાકેફ કર્યો. પછી પોતાના મોબાઇલ તરફ આંગળી ચિંધી બોલ્યો, "સાંભળ્યું હતું કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ,ના...આ બધું માત્ર પુસ્તકોમાં સાચું છે. ખરેખરની દુનિયા તો સ્વાર્થની છે. તમારો ઉપયોગ પૂરો એટલે તમને ફેંકી દે.જો નૈષધ, એ ફોન....મને ઘરેથી કાઢ્યો એને આજે આઠ દિવસ થયા. એમાં એક પણ ફોન નથી ઘરનો. શું પગભર થવાની માગણીની આ જ સજા છે??!!" નૈષધ તેને સમજાવતાં બોલ્યો, "કુણાલ!! ખોટા એ નથી તું છો. એ દુનિયાને ઠોકર મારવાનો નિર્ણય તારો હતો. શા માટે એ તને યાદ કરે અને શાથી કરવો પણ જોઈએ?તે પણ ક્યાં દીકરાની ફરજ બજાવી?" કુણાલ ગુસ્સામાં નૈષધને બોલ્યો, "અરે તને શું ખબર? જેના પર વીતી હોય તેને ખબર પડે. બહારથી ડાહી વાતો કરવાનું બહુ સહેલું." નૈષધ પણ પોતાના પરનાં આવા પ્રહારથી ક્રોધમાં બોલ્યો, "મને ના ખબર પડે એમ. તને એમ છે કે મારા પર કાંઈ નથી વીતી એમ. તને શું ખબર છે મારી જિંદગીની. તારા બેડ પર જ્યારે ત્રણ સમયનું જમવાનું આવી જાતું અને તું ના જમવા ગલ્લા તલ્લા કરતો ત્યારે મારો પરિવાર એક સમયનું જમવા ટળવળતા. પણ,મને તો ક્યાં કાંઈ અનુભવ છે.કુણાલ,સાંભળવું હોય તો સાંભળ. કોઈને પણ પોતાનું શહેર છોડવાનો શોખ ના હોય પણ ૫ હજાર રૂપરડી વધારે આપે છે તેના માટે આ નર્કની જિંદગી જીવવી પણ મને મંજૂર છે કેમ કે આ રૂપિયાથી જ મારું ઘર ચાલે છે. મા બાપનાં સ્વાર્થની વાત કરેશ તું...મારા પિતાએ મને એંજીનીયર બનાવવા દિવસ રાત એક કરી દીધા. અરે,મારી ફી ભરવા પોતાનાં શરીરની પરવા કર્યા વગર બે શિફ્ટમાં કામ કરવા લાગતા. પણ મા બાપ તો સ્વાર્થી હોય છે ને. આજે એ પિતાનું શરીર જ્યારે જવાબ આપી ચૂક્યું છે ત્યારે મારે તેમની હાથઘોડી બનવાનું કે નહીં એ મને તું જ કે?"કુણાલ માત્ર ડોકું ધુણાવતાં સાંભળી રહ્યો."અને સાંભળ જો પગભર બનવું હોય ને તો બીજા પર વાંક ફેંકવાનું બંધ કર. ખુદને જાણ અને ક્ષમતાઓને વિકસાવ. નહીં તો આ બધાં ફાંફા મારવાનું બંધ કર અને બાપનાં પગે પડી જા." નૈષધે એકશ્વાસે પોતાનો ઉભરો ઠાલવી નાખ્યો. પણ, આ ઉભરાએ કુણાલને પોતાની જિંદગીની સૌથી મોટી શીખ આપી દીધી હતી. કુણાલ કંઈ પણ બોલ્યા વિના પોતાના મિત્રને ભેટી પડ્યો. 


     બીજે દિવસે કુણાલ તૈયાર થઈને નવી ઊર્જા સાથે ફરી નવેસરથી નોકરીની શોધમાં નીકળી પડ્યો. આઈ.પી. ઇન્ડસ્ટ્રીઝની બહાર લાગેલા નોટિસ બોર્ડ પર એચ.આર. મેનેજરની જરૂરિયાતની નોટિસ જોઈ ગમે તે ભોગે આ નોકરી મેળવવાનું તેણે વિચારી લીધું. પોતે ત્યાં તેના ઇન્ટરવ્યૂરની કેબીન બહાર બેઠો હતો ત્યાં એક પ્યુન તેને સમાચાર આપવા આવ્યો કે, ઇન્ટરવ્યૂર એક જરૂરી મિટિંગમાં ગયા હોવાથી તેમને આવતા હજુ વાર લાગશે. કુણાલ ઘડિયાળ સામે જોઈ રહ્યો. સમય કરતાં પહેલી વખત તેના માટે કોઈ બીજી વસ્તુ કિંમતી બની ચૂકી હતી. આથી, ઘડિયાળનાં કાંટાને મહત્વ ના આપતાં તે ત્યાં જ બેસી રહ્યો. એક કલાક થવા છતાં કોઈ સમાચાર હજુ નહોતા આવ્યા. રાહ જોઈ જોઈને તે અકળાઈ ઉઠ્યો હતો. તેણે ત્યાંનાં કોઈ કર્મચારીને આ વિશે પૂછવાનું નક્કી કર્યું અને તે જેવો ઉભો થવા ગયો ત્યાં તેના કાનમાં એક મધુર તીણો અવાજ પડ્યો. જાણે કે, કાનમાં મધ રેડાયું હોય તેમ બાજુમાંથી 'હેલો,ગુડ આફ્ટરનૂન'નો અવાજ સંભળાયો. કુણાલ ટગરટગર એ આવનાર વ્યકિત સામે જોઈ રહ્યો. (ક્રમશ:)


- 'ક્ષિતિજ' પાર્થ ગજેરા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED