ધનાની માળાના મણકા
લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી
—: નમ્ર નિવેદન :—
વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.
આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.
લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ
મણકો ૪૧૫
(રાગ – જ્યોત સે જ્યોત જલાતે ચલો....પ્રેમકી ગંગા.....)
મહેનત સે ન ગભરાતે ચલો,
હરદમ પસીના બહાતે ચલો.....
કર્મ...તો હો....ભાગ્ય હમારા,
ભાગ્ય સે મુહના.... મોડ કે ચલો.....
કર્મ કીયા સો.....બહુ સુખ પાયા,
અ કર્મી....દુઃખો સે ધીરતે ચલે.....
મહેનત કી.....ધ્રુવ પ્રહલાદ ને,
સબકે.....દીલમે બસકે ચલે.....
મહેનત હે.....ધના જીવન અપના,
રામનામ હે.....સત્ય સપના.....
મણકો ૪૧૬
નકલીમાં છે ચમક ઝાઝી, અસલમાં ભ્રમ થાતો,
ભલભલાને ભોળવી દે, માયાથી થાતો નાતો.....
કપટીની કરામત ઝાઝીએ, નજરને દે આંજી,
વાતોના એ વડા બનાવી, પીરસીદે એ પાજી.....
અંદરનું સઘડું પોલું બહાર ભભકો રાખે,
દીવા આગળ જાય, પતંગિયું ઝડપી મારી નાખે.....
માયા છે આ હાથી જેવી, દાંત દેખાડે જુદા,
દેખાડે જુદા, ચાવવાના જુદા, તરત સુંઢે પછાડે.....
ધના કરજે વિચાર ઝાઝો, અસલી નકલી ક્યાં છે,
સત્ય અસત્ય જાણીને, પગલું પછી ભરજે.....
મણકો ૪૧૭
પડતીની થાય શરૂઆત નીતી જ્યારે ચૂકાય,
હાથે કરીને આપે આમંત્રણ સર્વનાશ નોતરાય.....
પરધનનો જ્યારે લોભ જાગે મૃગજળ પાછળ ભાગે,
પર અધિકાર ઝૂટવી ભાગે, હાથે કરીને દુઃખો માંગે.....
ભડકા થાયે ઉરમાં હોળીના બીજાનું બુરૂં કરી નાખે,
ખાડો ખોદે પડે પોતે, ભલે ટંગડી ઉંચી રાખે.....
ફેંકે ગાળીયો બીજા પરે ગળું પોતાનું રાખે,
પોતે બંધાય બાધતાં બીજાને, કરણીના ફળ ચાખે.....
હૈયે લખી રાખ ધના, નીતી જ્યારે ચૂકાય,
પડતી માંથી પાર ઉતારે જો, રામ રદેથી ન જાય.....
મણકો ૪૧૮
મને ખોટા દિલાસા દીધા દ્વારકા વાળા રે,
કહેતો તો આવીશ મળવા દ્વારકા વાળા રે.....
મને ભ્રમમાં ભોળવી નાખ્યો દ્વારકા વાળા રે,
મને માયામાં મસ્ત કીધો દ્વારકા વાળા રે.....
મને કામ ક્રોધમાં કુટ્યો દ્વારકા વાળા રે,
મને રાગ ભોગે લુટ્યો દ્વારકા વાળા રે.....
મને સંસારમાં સપડાવ્યો દ્વારકા વાળા રે,
મને ખોટી જંજાળમાં મુક્યો દ્વારકા વાળા રે.....
મને દઈ આશ ઉજળો કીધો દ્વારકા વાળા રે,
ધનાને ધામમાં લીધો દ્વારકા વાળા રે.....
મણકો ૪૧૯
સુન ભાઈ સુન સબકા સુન, સુન ને મેં હૈ બડા ગુન,
કથા સુન કિર્તન સુન, ક્વાલી ઔર કહાની સુન.....
સુન ને મેં જો હોતા લાભ, પઢને મેં નહી હોતા ઈતના,
શ્રવણ લાભ હૈ સબસે બડા, પઢના હે બડા પેચીદા.....
સુન તોલ કરકે સબકી, કર તું અપને મનકી,
સુના હુઆ જો રહેતા યાદ, પઢા હુઆ હો જાતા બાદ.....
સુન યાદ કર અપના અનુભવ, સુના પઢા કીતના રહા યાદ,
પઢને મેં હોતા વાદવિવાદ, સુનને મેં મીલતા આશિર્વાદ.....
સુન કહ ગયે હૈ સંત મહંત, સુનને વાલા હૈ સંપન્ન,
સુન ધના કથા કિર્તન, આનંદ મેં રહે નીશ દિન.....
મણકો ૪૨૦
મનડું માયા ચાખે, એ ત્યાં ના ત્યાં રાખે,
ભજન ભાવથી ભાખે, તરત ઉલટાવી નાખે.....
થોડી સ્થિરતા ભજનથી આવે, તરત ડોલાવી જાવે,
મન ચળે ચગડોળે, કર્યું કરાવ્યું બોળે.....
મન રોગ એક એવો તમાશો કરે જોયા જેવો,
શારીરિક રોગ કદી જશે, મન રોગાને ખાસે.....
મન ન થતું કદી કાબુ, ઘણા છેતરાયા બાબુ,
મન જ્યારે તૂટે, ન સંધાય દુનિયા લૂંટે.....
મન છે તુંબડા પેરે, દાબો તો ઉપર આવે મેરે,
ધના મનડું માયા ચાખે, કાબુ કરવા વાળો ધુળ ફાકે.....
મણકો ૪૨૧
જોને સંભાળે છે કાનો મારા સંસાર ને,
હું તો અબુધ અને નાનો, સંભાળ લે કાનો.....
કોણ કોનું તું કોનો, આ જુઠા જગ સંસારમાં,
હું તો જીવી રહ્યો છું એક કાનાના આધારમાં......
ભૂલી ગયો ભાન, કરૂં માયાનું બહુ ધ્યાન,
માયા લાગે બહુ મીઠી, કાનો આપે જ્ઞાન.....
થવું હોય જે થાયે તેમ, મેં તો લીધી છે નેમ,
કર્યો છે કાનાને પ્રેમ, શાને ખોટો રાખું વેમ.....
સંભાળે છે કાનો ધના તારા આ લાડને,
શરણ મારે કાનાનું, પકડે મારા હાથ ને.....
મણકો ૪૨૨
બૂઢિયાને મળે બધેથી તિરસ્કાર, દોડે પ્રભુ શરણમાં,
પડે પોતાનાની જ્યારે લાત, દોડે પ્રભુ શરણમાં.....
ઉપરા ઉપરી જ્યારે આઘાત આવે, દોડે પ્રભુ શરણમાં,
ઠેબે ચડાવે જ્યારે દિકરા ને વહુઓ, દોડે પ્રભુ શરણમાં.....
સંસાર માંથી જ્યારે હડધૂત થાતા, દોડે પ્રભુ શરણમાં,
પછી ગોતવા નીકળે સાચો સંગાથ, દોડે પ્રભુ શરણમાં.....
કટુને ખારા અનુભવ થાય છે, દોડે પ્રભુ શરણમાં,
શાંતિની કરવા તપાસ, દોડે પ્રભુ શરણમાં.....
કોઈના મનાવ્યા ધના માને નહી પછી, દોડે પ્રભુ શરણમાં,
મન ધાર્યું બને નહીં ને હેઠો પડે હાથ, દોડે પ્રભુ શરણમાં.....
મણકો ૪૨૩
કરજે સૌનુ કલ્યાણ તું સંભાળજે કાના,
આપ્યો તુજને હાથ તું થામજે કાના.....
અમે અબુધ ગમાર તારણહાર તું છે કાના,
તારા મારાનો ભેદ ન તારે સર્વે સરખાં સંતાન કાના.....
મનની માથાકૂટ સોંપી તુજને કરજે કડાકૂટ કાના,
મારે તો છે નહીં ને જશે શું? જશે તારા વેણ કાના.....
ખાલી આવ્યો ખાલી જવાનો ધરજે તારો હાથ કાનાં,
ધનો આવ્યો શરણે તારા ઉઘાડ જે દ્વાર કાના.....
મણકો ૪૨૪
માન અપમાન સહેવાનું, રામ રાખે તેમ રહેવાનું,
કર્મ પ્રમાણે પામવાનું, રામ રાખે તેમ રહેવાનું.....
જે થયું જે થવાનું, રામ રાખે તેમ રહેવાનું,
નત મસ્તકે નમવાનું, રામ રાખે તેમ રહેવાનું.....
જે પીરસે તે ખાવાનું, રામ રાખે તેમ રહેવાનું,
અભિમાન મૂકી દેવાનું, રામ રાખે તેમ રહેવાનું.....
જે કર્મે દુઃખો ખમવાના, રામ રાખે તેમ રહેવાનું,
ભ્રમણામાં નથી ભમવાનું, રામ રાખે તેમ રહેવાનું.....
જેમ રમાડે ધના રામ એ પ્રમાણે રમવાનું,
સુખ દુઃખ સમ માની ખમવાનું, રામ રાખે તેમ રહેવાનું.....
મણકો ૪૨૫
પંખી નથી માનવ, મનવા કે પૂછી ને આવે,
મરજી મુજબ આવે ને જાવે, તું શાને અકળાયે.....
મનડું માનવ પંખી પેરે, હરદમ ઉડતું રે વે,
ઘડીમાં ઉડે આકાશે, પર્વત ઓળંગી પાતાળે બેસે.....
એક ડાળથી ઉડી જાતું, ને બેસે બીજી ડાળે,
ઘડીમાં ચણતું, ઘડીમાં ફરતું, ઘડીમાં જીવ બાળે.....
મન પંખીના થાય કાબુમાં, ભલે પીંજર ઘાલે,
પીંજરમાં પણ પડે કદી, છતાં પોતાની રીતે માલે.....
આત્મા પણ પંખી જેવો, મન પડે આવે જાવે,
પીંજર ક્યારે મૂકે પડતું ધના, ક્ષણમાં ઉડી જાવે.....
મણકો ૪૨૬
મણકા મનના ઉભરા છે, સમજવા થોડા અઘરા છે,
સ્વાદે થોડા તૂરા છે, પચાવ્યે મધુરા છે.....
મણકા નામથી ભારે છે, મસ્તક માટે સણકા છે,
અનુભવના રણકા છે, સમજુને તૃણ તીનકા છે.....
મણકા તુચ્છ તીનકા છે, સમજે તો તીર ભીલકા છે,
ઉદગાર બધા દિલના છે, સારાંશ કલ, આજ, કલકા છે.....
મણકા માળાના પારા છે, એકડીયાના પાળા છે,
જીવન ગણિતના સરવાળા છે, દરિયાના પરવાળા છે.....
મણકા ધનાના ચાળા છે, સમજણની પાઠશાળા છે,
સમજે જીજ્ઞાસા વાળા છે, બાકી ઝાંખરા ને ઝાળાં છે.....
મણકો ૪૨૭
ધનો દ્રારકા જાય જોને સગાં સબંધી રાજી થાય.....ધનો દ્વારીકા જાય.....
કુટુંબ કબિલો ભેળો મળ્યો અને થોડા થોડા થાય.....ધનો દ્રારીકા જાય.....
શુધ્ધ પાણીએ સ્નાન કરાવી વાઘા પછી બદલાય.....ધનો દ્રારીકા જાય.....
પાણી પાયુ ગંગાજીનું તુલશી પત્ર મૂખ મૂકાય.....ધનો દ્રારીકા જાય.....
અબિલ ગલાલ ઉડાડ્યાને ગળામાં ફૂલમાળ.....ધનો દ્રારીકા જાય.....
ભાતામાં આપ્યો લાડવોને પાણીચા નાળિયેર ચાર.....ધનો દ્રારીકા જાય.....
સજાવી પાલખી પ્રેમથીને તેમાં સવાર થાય.....ધનો દ્રારીકા જાય.....
અગર ચંદનના ધુપ કરીને ઉપાડે દિકરા ચાર.....ધનો દ્રારીકા જાય.....
ભજન મંડળી ભેળી હાલેને ધુન ભજન ગાય.....ધનો દ્રારીકા જાય.....
મહિલા મંડળ પાછળ ચાલે પાધર સુધી જાય.....ધનો દ્રારીકા જાય.....
કુટુંબ પરિવાર ભેગો મળી કૈલાશ ધામ મૂકી જાય.....ધનો દ્રારીકા જાય.....
ધનાને મૂક્યો ધામમાં પછી ભેગા મળી સૌ ખાય.....ધનો દ્રારીકા જાય.....
મણકો ૪૨૮
દોડે છે દોડે છે તન રોગી વૈદ પાસે દોડે છે,
મન બગાડે છે તનને છતાં એને છોડે છે.....દોડે છે.....
વૈદ પાસે જઈને વર્ણવે...તન રોગ ને,
મનના રોગ ને સંતાડે છે.....દોડે છે દોડે છે.....
તન તપાસી વૈદ દવા ગોળીઓ આપે,
તન માટે ચરી સારી પાડે છે.....દોડે છે દોડે છે.....
મનના માળીયામાં બાઝેલાં બાવાં,
સાફ કરો તન સુધરે છે.....દોડે છે દોડે છે.....
મનના વૈદતો સંતો ને હરિ ભક્તો,
ધના સત્-સંગ ઔષધી સારી છે.....દોડે છે દોડે છે.....
મણકો ૪૨૯
નાવડી તારી હંકાર માનવતું નાવડી તારી હંકાર રે,
નાવિક બનવા તૈયાર છું, ન ડોલવા દઉ તારી નાવ રે.....
પગલાં હેઠા મુક માનવ તું પગલાં હેઠા મૂક રે,
ભોમિયો બનવા તૈયાર છું, ન ભટકવા દઉ રાહ રે.....
કર્મ તારાં મને સોંપ માનવ તું કર્મ તારા સોંપ ને,
વજન વહન હું કરૂં, તને કરૂં હળવો ફૂલ રે.....
મન મને આપ માનવ તારું મન મને આપ રે,
તાપે તપવા તૈયાર છું, તને આપું શાંતિ સુખ રે.....
આંખ મને આપ ધના તું આંખ મને આપ રે,
હરિ દેખાડું સર્વમાં ઉરમાં તૃપ્તિ થાય રે.....
મણકો ૪૩૦
ક્રિયા ન દેખે કાનુડો...દેખે તમારું મન,
ભગવા કપડા શું કરે તું ભગવાનનો બન.....
છાપા તિલક શું કરે, મન બને મર્કટ,
મન આપ મોહનને, ચરણે પડ ઝટ.....
તિર્થ યાત્રા કરી કરીને, દુઃખાવે ખોટા ચરણ,
દેખા દેખી મૂકી ખોટી, તું જા કાનુડાને શરણ.....
કથા કિર્તનમાં જઈને નાચે, જુએ અઢારે વરણ,
વાહ વાહથી વળેના કાંઈ થાકી બેસે ધરણ.....
ક્રિયા ન દેખે કાનુડો ધના, માયામાં જ્યા મન,
તન, મન, ધન સોંપી શામળાને, રાધા એની બન.....
મણકો ૪૩૧
તું સાંભળ કાનુડા કાળા રે, તારે કાન છે કે કાણા રે,
મેં ખૂબ ગાયા ગાણાં રે, સંભળાવ્યાં ખૂબ માણા રે.....
આવ્યાતા અક્રુર કાકા રે, તમો બન્ને બહું પાક્કા રે,
વચન અપાવ્યાં ખાસા રે, આવશે એક દિન પાછા રે.....
ભૂલી ગયો ગોકુળની, કાન ગાથા રે,
મથુરામાં કાઢ્યા બહુ માથા રે.....
ભલે ગોપ ગોવાળ અમે ગોબા રે,
કાનુડા તારાથી તો ભાઈ તોબા રે.....
તું સાંભળ કાનુડા કાળા રે, દે દર્શન ધનાને તારા રે,
હવે વાગે છે ઘડીયાળા રે, ઓ વચન આપવા વાળા રે.....
મણકો ૪૩૨
સંદેહ ઉઠે કર નિર્મુળ જીવન કરે એ રાખ,
અંકુરે ત્યાં ઉખેડી નાખ વટ વૃક્ષ ન બને ક્યાંક.....
સંદેહના છોડને ન પાણીપા વધે પાન ને ડાળ,
જ્યારે રાખે ફળની આશ, સમજો આવ્યો કાળ.....
સંદેહ સરિતામાં વધે તરંગ વધે ભમરીનો ભય,
ભમરીમાં જે ભરખાય જાય તેનો થાતો લય.....
સંદેહ ઉઠે સારું નહીં સુખનું પછી ટાણું નહીં,
સંદેહને સુવાડી રાખ સુતા સર્પન જગાડી નાખ.....
સંદેહ કરાવે વિદેહ તોડાવે સગાનો સ્નેહ,
સંદેહ ઉઠે સારું નહીં ધના એ કામ તારું નહીં.....
મણકો ૪૩૩
મૂકવા પડે છે અંતે મૂકવા પડે છે, મૂર્ખા ને નિસાસા અંતે મૂકવા પડે છે,
ઝૂકવું પડે છે અંતે ઝુકવું પડે છે, પ્રકૃતિ પાસે પામર જીવને ઝૂકવું પડે છે.....
જોવાતો પડે છે અંતે જોવાતો પડે છે, કરેલા કર્મના દિવસો જોવા પડે છે,
ધોવા પડે છે અંતે ધોવા પડે છે, પોકારી પોકારી પાપો ધોવા પડે છે.....
ભોગવવી પડે છે અંતે ભોગવવી પડે છે, ભવિષ્યની ભૂલો ભોગવવી પડે છે,
છોડવા પડે છે અંતે છોડવા પડે છે, પૂત્ર પત્નિ પરિવાર છોડવા પડે છે.....
જોડવા પડે છે અંતે હાથ જોડવા પડે છે, ભલભલાને હાથ જોડવા પડે છે,
તોડવા પડે છે નાતા તોડવા પડે છે, અહંમથી નાતા તોડવા પડે છે.....
નમવું પડે છે અંતે નમવું પડે છે, જમ આવે જોરાવર ને નમવું પડે છે,
રમવું પડે છે ધના રમવું પડે છે, રામ રમાડે તેમ રમવું પડે છે.....
મણકો ૪૩૪
ઉરમાં આનંદ આવીયો ને આવી આઠમની રાત રે, કાના આવી આઠમની રાત.....
કાનુડાના જન્મ ટાણે મથુરા મોહ નિંદ્રા માણે,
જાગે છે એક દેવકી વાસુદેવ ગોદમાં રમે કાન રે.....કાન આવી.....
દેવકી પૂછે વાસુદેવને.....જાગસે હમણાં ભ્રાત,
પ્રભાત પહોરમાં પહોંચે એતો.....રડતાં નાના બાળ.....કાન આવી.....
પ્રેરણા આપી પ્રાણજીવને.....ગોદમાંથી કરી શાન,
ગોકુળ ક્યાં છે દૂર માતાજી.....બનું જશોદાની જાન.....કાન આવી.....
નંદઘેર આનંદ થશે.....વિજળી પડે મથુરા માય,
વાસુદેવે લીધો સુંડલો માથે.....મહીં મૂક્યો કંશનો કાળ.....કાન આવી.....
તાળા ખૂલ્યા, દ્વાર ખૂલ્યા, વાસુદેવ નીકળે બાર,
વચ્ચે આવે યમુના નદી.....બે કાંઠે ચાલે ભરપૂર.....કાન આવી.....
કાનુડા એ કામણ કીધો.....શેષનાગે છત્ર જ દીધો,
મારગ દીધો યમુનાજી એ.....ગોકુળ પહોંચી જાય.....કાન આવી.....
કીધી જુદી જશોદાથી વિજળી, કાનો મૂક્યો પડખા માય,
જેલમાં આવી જંપ વળે.....ત્યાં વિજળી વેરણ થાય.....
કંશને કાને અવાજ આવે રડતાં નાના બાળ,
મોતની ધના બીક બધાંને.....કંશને પડી ફાળ.....કાન આવી.....
મણકો ૪૩૫
સુખ છે સપનું દિકરા, દુઃખ પરપોટો પાણીનો,
સુખમાં ન જાતો છક્કી દિકરા, દુઃખમાં ગભરાતો ના.....
છે દિવસ કમાણી કરીલે ત્યાં, છે રાત પછી અંધારી,
છે માયા રસ્સી સુંવાળી, ગોબરી છે વળી ગંધારી.....
દિન આવે રાત જાવે, સુખ પછી દુઃખ આવે,
જાયે દિન લોભ નિંદામાં, સુખ તરત જાવે.....
થા ઉભો મૂકી આળસ, સૂરજ સુખનો પાવે,
થાયે અસ્ત અહંકારનો, ભગવાન ભજ ભાવે.....
છે સુખ સપનું દિકરા, જાગ્યા પછી નાવે,
જાણે સમ સુખ દુઃખ, ધના જે હરિના ગુણગાવે.....
મણકો ૪૩૬
સાવધાની જ્યારે હટે, દુર્ઘટના ત્યારે ઘટે,
વિચારીને બોલ બોલી, નહીંતો વાત ચડે વટે.....
સાવધાન સંતો કરે, જગ આખામાં ફરે,
દુર્ઘટના તો ટળે, જો સંતો કહે તેમ કરે.....
સાવધાન બોર્ડ કરે, બંપ છે પણે,
જે વડિલોને ન ગણે, કબર પોતાની ચણે.....
સાવધાન સમય વર્તેં, બ્રાહ્મણ એમ ભણે,
છૂટા છેડા મળે, સાવઘાની ને અવગણે.....
સાવઘાની જ્યારે હટે, ધના ગાડી પાટે ચડે,
કોઈ પછી ના નડે, જઈ પ્રભુશરણ પડે.....
મણકો ૪૩૭
જલતે રહેના રે ભાઈ જીવન ભર જલતે રહેના,
જલતે જલતે જીવન દુસરો કા પ્રકાશીત કરના.....
ધવલ જીવન દીયા પ્રભુને ગંદા તૂને કીયા,
માયા મલમેં લીપટા કે તૂને કાલા કર દીયા.....
ઉતારદે અજ્ઞાની અંચળો ભીગો દે પ્રેમ જલમે,
જ્ઞાન ગોટી સાબુન કી વૈરાગ્ય ધોકાલે હાથનમે.....
સહજતા કે ઘાટ પે જા સલાહ લે સંત ધોબીકી,
સાફ કર છબછબા કર ફીર ચીથડી કર ઉન કાપડકી.....
ઘી મેં ભીગોલે વાટ કરકે ઉસે આરતી મેં રખ,
જલતે જલતે જ્યોતિ ફૈલાકે ધના બનજા રાખ.....
મણકો ૪૩૮
(રાગ – રામના નામની હો માળા છે ડોકમાં.....)
સુખ દુઃખ સંસારમાં હો આવે ને જાય છે,
પીડે બધાને હો સુખ દુઃખ આવે ને જાય છે.....
પાંડવો ને પડ્યાં દુર્યોધન ને નડીયાં,
હરિશ્ચંદ્ર નીચ ઘેર વેચાય સુખ દુઃખ આવે ને જાય છે.....
શાને રડે છે દુઃખોના દિનમાં,
છે રાત પછી સવાર સુખ દુઃખ આવે ને જાય છે.....
સુખમાં ઝાઝા છકી ન જાતા,
ન આવે જો જો અહંકાર સુખ દુઃખ આવે ને જાય છે.....
સુખ ને દુઃખ ધના સમ કરી જાણ જે,
પરમાનંદ સદા થાય સુખ દુઃખ આવે ને જાય છે.....
મણકો ૪૩૯
(રાગ – ગુજારે જે ચીરે તારે જગતનો નાથ.....)
આ છે યાત્રા સંસારની તડકોતો આવતો રહેશે,
છતાં એ શીતળ છાંયો તો વાટમાં વૃક્ષ થઈ મળશે.....
ભલે હોયે ગીરદી ધક્કામૂકી ચાલતી રહેશે,
છતાં હિંમતમાં તું રહેજે મોકળાશ પછી મળશે.....
આ વાટ છે વનની ઝાડ-ઝાંખરાં આવતા રહેશે,
સજાગતા રાખજે વનમાં જનાવર સામા તને મળશે.....
આવશે ખાડાને ટેકરા તેમાં તું ટકીજો રહેશે,
સુખમય રહેશે યાત્રા મંજીલ સામે આવી મળશે.....
માયા કૂપ ને સરોવર લોભના આવતા રહેશે,
તું ઉઘાડ જે આંખો જ્ઞાનની મોક્ષ તો ધના મળશે.....
મણકો ૪૪૦
શંકાથી પર થાય તેના દુઃખ દર્દો જાયજી,
શ્રધ્ધા જ્યારે સ્થપાયે પૂરી ત્યારે સુખી થાયજી.....
અજાણ્યા લોકોના દુઃખો જોઈને આંખ ભીની જેની થાયજી,
જીવન એનું સાર્થક ત્યારે તરત થાયજી.....
હોવું નશામાં જરૂરી નથી પણ પીડા જો ભૂલાયજી,
નશો ત્યારે વ્યસન નથી ગમ જ્યારે ખવાયજી.....
છૂટા છવાયા મણકા લખી સાચવીના રખાયજી,
માળા થાયે આખી તારી ત્યારે પાર પમાયજી.....
મારા કહેવાથી મમતા વધે વસમી લાગી જાયજી,
તારા કહેવાથી ખબર પડી ધનાને નિર્ભય રહેવાયજી.....
મણકો ૪૪૧
દુઃખો સહન કરી શકું એવી આશિષ દે મને,
પછી તારે દેવા હોય તેવા દુઃખ દે મને.....
સુખો સંભાળી શકું એવી સન્મતી દે મને,
પછી સુખી થવાના સ્વપ્ન દેખાડ મને.....
કર્મ સારાં કરૂં એવી પ્રેરણા દે મને,
સત્ કાર્યની કરૂં શરૂઆત એવી શક્તિ દે મને.....
નજરે નીહાળુ એવા દિવ્ય ચક્ષુ દે મને,
પછી તારો દીદાર તું દેખાડ મને.....
દુઃખ સુખમાં સમ રહેવાની તાકાત દે મને,
ધનો માગે ભીખ ભૂધર થોડી ભક્તિ દે મને.....
મણકો ૪૪૨
અમથું અમથું મળવાનો આનંદ વિલીન થતો જાય છે,
મતલબથી જ માનવ માનવીને મળવા જાય છે.....
કામ વગર નથી નામ લેતો કામી થતો જાય છે,
સ્વાર્થી આ જગતમાં માનવ લોભી થતો જાય છે.....
હું પણું અને હોંશિયારીના થર જામતા જાય છે,
સમજણ વગર છક્કી જાતો માનવ પોતે ગળતો જાય છે.....
વિવેક મૂકી નમ્રતા મૂકી વાનર બનતો જાય છે,
અકડાતો હાલે આખલો બની કર્મે માર ખાય છે.....
અમથો અમથો અથડાતો મંદિરે પછી જાય છે,
ધરમને નામે ધતિંગ કરે ધના પછી બહું પીડાય છે.....
મણકો ૪૪૩
મળી રે મળી મને વેદના મળી રે,
તારા વિરહની મને જ્યારે વેદના મળી.....
મળી રે મળી જોને સંવેદના મળી રે,
જાણ્યા અજાણ્યા લોકોથી ખોટી આશાઓ મળી.....
કરતો હતો કલ્પના દિવ્ય જીવનની રે,
માનેલા મિત્રો તરફથી અવહેલના મળી.....
મુશ્કેલ માર્ગ થઈ ગયો આસાન દોસ્તો રે,
રસ્તે રઝળતી જ્યારે મને વેદના મળી.....
ડગલેને પગલે માની પ્રાર્થના ફળી રે,
મિલન વેળા ધનાને જ્યારે સામેથી મળી.....
મણકો ૪૪૪
(રાગ – હેજી તારા આંગણિયા પૂછી ને જે.....)
હેજી મને દેખાડ દીદાર કાનુડા તારા રે,
દયા કર ને તારા ગરીબ દાસ પરે રે હો.....
હેજી તું શાને રે રીસાણો રીસાળવા રે,
કઈ પેરે કરું કાના તારા મનામણા રે હો.....
હેજી કીયા ગુનામાં મને ગુચવીયો રે,
સજા....કર હળવી તું શામળા રે હો.....
હેજી અબુધ અજ્ઞાની તારા બાળ રે,
ન હોય કીડીને ડામ કોસના રે હો.....
હેજી દેખાડ દીદાર ધનાને કાના તારા રે,
સંતાતો ફરે શાને તું શામળા રે હો.....
મણકો ૪૪૫
(રાગ – પરોઢ થયું ને પંખી જાગ્યા.....)
પરમેશ્વરી હે જગત જનની ઓરે મારી માત રે,
ભીડ પડી છે સંતાનને તારા ભેરે આવઓ માત રે.....
છોડ્યો મને સંસાર સાગરે ભરતી ઓટનો ભય રે,
ખારા જળમાં તરફડતો તરસ બુઝાવને તું માત રે.....
જળચર મને જંપવાને દે ડસે દિન અને રાત રે,
નાવડું મારું થાય હાલક ડોલક પાર કરતું માત રે.....
આશાનો જ્યાં ઉગે સૂરજ શાંત થાયે વા જરા,
વાવાઝોડાના ઉઠે વાયરા કાળી રાત થાયે ઓ માત રે.....
પરમેશ્વરી હે જગત જનની ટળવળે તારા બાળ રે,
પંથ ભૂલેલ ધનો વિનવે તું મને ઉગારી લે માત રે.....
મણકો ૪૪૬
એ... ઘરબાર છોડીને રાખ ચોળીને ભગવાં પહેરી ભાગતો,
વૈરાગ જાગે ક્ષણીક પ્રાણીને માયા તરત તેને મારતી.....એ.....
કાં તો દેખાદેખી એ આવ્યો કાં સંસારથી કંટાળીયો,
નક્કીન કરી શકે પોતે આ પંથ શાને ઝાલીયો.....એ.....
નથી દેખાદેખીથી આવ્યો નથી સંસારથી કંટાળીયો,
સંસારની આ જંજાળથી મને ક્ષણીક વૈરાગ આવીયો.....એ.....
ધંધો રૂડો ન કરતો પૂરો આળસુને ઉતાવળીયો,
ક્ષણીક સુખની લાલસામાં નાખ્યો ડોકમાં ગાળીયો.....એ.....
ભણે સતવારો ધનો સંસાર છોડવો અઘરો ઘણો,
મોહ માયાથી મળે છૂટકારો હાથ પકડો હરિ તણો.....એ.....
મણકો ૪૪૭
(રાગ – હાં રે દાણ માગે કાનો દાણ માગે.....)
હાં રે મન માંગે કાનુડો મન માંગે,
હાં રે તને નહીં રે આપું હું આજે.....કાનુડો મન.....
હાં રે નહીં આપું કાનુડા મન હું તો,
હાં રે મને જીવતરથી વાલું છે એતો.....કાનુડો મન.....
હાં રે મારા મોહ માયાને તું લૂંટને,
હાં રે કર કાબુમાં કામ ક્રોધના ખૂંટ.....કાનુડો મન.....
હાં રે તને નથી એ આપવાના બરના,
હાં રે કાના ખોટી જીદ તું કરમાં.....કાનુડો મન.....
હાં રે તને ધનો કાનુડા વિનવે,
હાં રે માગે મળે નહીં મળે છીનવે.....કાનુડો મન.....
મણકો ૪૪૮
(રાગ – એ નીરખને ગગનમાં.....)
એ નીરખને રદયમાં કોણ વસી રહ્યું,
તેજ એ બ્રહ્મ છે નેતિ નેતિ સંતો કહે જેને.....
ગર્ભમાં રાખતો ધ્યાન તેજ ગોવિંદ છે,
રક્ષા કરતો સદા ગદા ચક્ર જેના હાથ છે.....
જનમીયા પહેલા જે રાખતો ધ્યાન તે,
થાન માં માતના ભર્યું પય તે કોણ છે.....
સંસારમાં જ્યારે પગ મૂકતો પ્રાણી,
આપે માપે રાખે કાંટે લલાટે જે લખ્યું ભાખે.....
એ નીરખને સર્વમાં સર્વ વ્યાપી રહ્યો,
સાથના છોડે ધના કાનો કર જેનો ગ્રહ્યો.....
મણકો ૪૪૯
(રાગ – એ નીરખને ગગનમાં.....)
આતમ ઓળખ્યા વિના સાર ન સાંપડે,
થઈ પંડિત પારન પામે પોથે.....
રૂચી માયા રસમાં મૃગજળે તૃષા ક્યાંથી છીપે,
રસના રસમાં રૂંધાઈ જાતી રામનામ ક્યાંથી ભાખે.....
વાણી વિલાસથી ચડી બેઠો વ્યાસ પીઠે,
એ શાસ્ત્ર વાંચ્ચે અંધકાર ક્યાંથી ભાગે.....
શબ્દ શીખે ખરો વિધૅા મેળવ્યો પૂરો,
પૂરાણો વાંચી અધ્યાતમ વાણી ઓચરે.....
હું ને ધના ન ઓળખ્યો ગર્વમાં ગોથે ચડ્યો,
અભેદના ભેદી શક્યો માયા ક્યાંથી મૂકે.....
મણકો ૪૫૦
(રાગ – વૈષ્ણવજન તો તેને રે કહીયે જે.....)
દુર્જનજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે જે રાજી હોયે અભિમાન સદાએના મનમાં રે.....
સકળ લોકમાં સૌને પીડે નિંદા કરે જેની તેની રે,
વાણી કામ જેના નહીં કાબુમાં ફટફટ જનની તેની રે.....
સમદ્રષ્ટિનો અભાવ જેને માયાનો જે રોગી રે,
જીહવા થકી કદી સત્યન બોલે પરધને બહુ દોડે રે.....
મોહમાયા વાલી જેને વૈરાગ્ય નહીં જેના મનમાં રે,
રામનામથી વેર જેને સકળ પાપનો ભાગી રે.....
અતિ લોભીને કપટી બહુત છે કામ ક્રોધને પાળ્યા રે,
ભણે સતવારો ધનો કુળમાં અંગારો એ પાક્યો રે.....
મણકો ૪૫૧
કરવું પડશે સહન કરવું પડશે,
સાસરે આવી છો તો સહન કરવું પડશે.....
સહેવું પડશે દુઃખ સહેવું પડશે,
સાસુ સણંદ નું વાણી દુઃખ સહેવું પડશે.....
મૂકવું પડશે "પણ" મૂકવું પડશે,
દેરાણી જેઠાણી પાસે "પણ" મૂકવું પડશે.....
નમવું પડશે સદા નમવું પડશે,
સસુર જેઠ ને સદા નમવું પડશે.....
સહેવાં પડે છે દુઃખ ધના સહેવા પડશે,
સંસારી પતિ સાથે દુઃખ સહેવાં પડશે.....
મણકો ૪૫૨
આ સંસાર ભીખારીનો મેળો તને મળેના સાચો કેડો,
કોઈ રૂપિયો એક માંગે કોઈ સો માંગે કોઈ માંગે કરોડો.....
માંગતા ફરે દિનને રાતે માંગવાનો જેને નાતો,
નથી સાચું કમાતો ભીખારી માંગીને સદા ખાતો.....
કોઈ માંગે ચડીને ફૂટપાથ કોઈ માંગે મહેલે,
કોઈ માંગે ગાડીને લાડી સદા રહેતો ટહેલે.....
કોઈ માંગે વાડીને બંગલા કોઈ રાજનેપાટ,
કોઈ માંગે યુવાની અકબંધ બુઢિયા કરે બકવાટ.....
આ સંસાર ભીખારીનો મેળો ધના તું પણ એમા ભેળો,
ભીક્ષા વૃતિ ભલે કરે માંગ હરિથી મોક્ષ આપણો લેણો.....
મણકો ૪૫૩
વેળા વેળાની છે છાંયડી ગા ખૂશીના ગીત,
વેળા વહી જશે પછી ખાવા ધાસે ભીંત.....
વેળાએ મળતા માલપૂઆ ને મળતા પકવાન,
વેળાએ મળેના સૂકો રોટલો વેળા એ ઉપવાસ.....
વેળાએ હીંચતા હીંડોળા ખાટે વેળાએ મહેલાત,
વેળાએ રખડતા રસ્તે રહેવું પડે ફુટપાથ.....
વેળાએ હાજી કહેનારા મળે અનેક લોક,
દુઃખ વેળાના મળે એક મૂકવી પડે પોક.....
વેળા કવેળા આવતી અનુભવે સમજાય,
વેળા ધના જે સાચવે એને આનંદ થાય.....
મણકો ૪૫૪
રીનોવેશન કરાવો માનવી મકાન રીનોવેશન કરાવો,
કારીગર આવ્યો મહોલામાં તારા જો હોય સારા ભાગ્ય તારા.....
હ્રદય મંદિરને મનના માળીયા રીનોવેશન કરાવો,
મોહમાયાના થયેલા મેલા કામ ક્રોધથી છે ખરડાયેલા.....
ખરચ નથી પૈસાનું એમાં સંતો કરે છે મફત સેવા,
કારીગર રૂપે સર્વે ફરે છે રીનોવેશનનું કામ કરે છે.....
રસ્તામાં તારા ગડાને ગાબડાં ચાલતા જોને પડે બાપડા,
વાહન તારા અટવાઈ જાતા બંપને પછી આવતા ખાડા.....
પુરાણ, શાસ્ત્રોને વેદોની મળેલ જેને પદવી,
એંન્જિનીયર ધના એવા હરિના જમણા હાથ જેવા.....
મણકો ૪૫૫
મળે સંસારમાં ભાઈ પણ માડી જાયોના મળે,
નાનેથી જે સાથે મોટા થાયે સુખ–દુઃખે વહેંચી ખાયે.....
મળે સંસારી કદાચ ભાઈ કોર્ટે એ ઘસડી જાય,
માડી જાયો હોયે ભાઈ ઘાવ લેવાને આડો ધાય.....
માડી જાયો હોયે ભાઈ પોતાના સુખમાં મૂકે લાલબાય,
એવા ભાઈના ઈતિહાસ રચાય રામાયણમાં રામના ભાય.....
માડી જાયા હોયે ભાય સર્વે વહેંચીને ખાય,
પુરાણો જેના ગીત ગાય પાંચાળીના પતિ પાંચે ભાય.....
ધના ભાયુંમાં રહેજે ભળી સર્વેતને રહેશે મળી,
સંયુક્ત કુટુંબની સાચી આકડી દુશ્મનની દાઢના ગળી.....
મણકો ૪૫૬
એ આનંદ કર આનંદ કર છોડ લોભ આનંદ કર,
એ લોભને થોભ ક્યાં? શાને ચીપકી રહ્યા.....
એ સંતો કહી ગયા સંતોષી નર દુઃખી ક્યાં,
એ આનંદ કર આનંદ કર છોડી લોભ આનંદ કર.....
એ આનંદ કર આનંદ કર સહજ થઈ આનંદ કર,
એ સહજતામાં દુઃખ ક્યાં? સુખ દેખાડામાં રહે ક્યાં.....
એ આનંદ કર આનંદ કર વ્યશનોને દૂર કર,
એ નિરોગીને વ્યશન ક્યાં? રોગી છે વ્યશન જ્યાં.....
એ આનંદ કર ધના કામ ક્રોધ મારકર,
એ કામના જામને ક્રોધના ઓધને સુખનાં સ્વપ્ન ક્યાં.....
મણકો ૪૫૭
દોડે છે રે દોડે છે હરિ ભક્તો પાછળ દોડે છે,
ભીડ પડે છે જ્યારે ભક્તોને હરિ જાતે દોડે છે.....
સુદામાની સામે જાતાં પડતા આખડતા દોડે છે,
ભક્તનો પોકાર કાને પડતાં હરિ જાતે દોડે છે.....
પોતાનો અપરાધ નિભાવી એ લેતો,
ભક્તોનો વાળ જ્યારે વાંકો થાતો હરિ જાતે દોડે છે.....
દ્રોપદીને દુઃખ જ્યારે પડ્યાં માથે,
નવસો નવાણું ચીર આપે સાથે હરિ જાતે દોડે છે.....
ભક્તો છે ધના એને પ્રાણથી પ્યારા,
"પણ" મૂકી પોતાનું ચક્ર લઈ હરિ જાતે દોડે છે.....
મણકો ૪૫૮
કજીયા ન કરશો કદી જીવનું જોખમ જાયે વધી,
ધંધામાં આવે મંદી જો આદત થાયે ગંદી.....
સુકાયે ગોળાના પાણી ઘર આખાની થાયે ઘાણી,
ધન વપરાશે ફૂટે ધાણી બગડે પોતાની વાણી.....
વણસે દિવસે દિવસે ખાતું ખાવા ન રહે ભાતું,
થશે સંસારમાં વાતુ ન ભરીયે બળીયાથી બાથું.....
કામ ક્રોધ આવીને વસે ધક્કા માર્યાના ખસે,
કરેલી કમાણી જસે કુટુંબ આખું દુઃખે ફસે.....
કજીયા ન થાયે કદી જો ગમ ખાવાનું જાયે સદી,
ધના કટુવાણી ના બોલ કદી અનુભવે વાણી વદી.....
મણકો ૪૫૯
વાળશે વાળશે વાળશે રે ઘરડા ગાડાં પાછા વાળશે,
યુવાની ના બાંધેલા આખલા વાળ્યા નહીં વળશે રે.....
સમજણ ઉંડી અનુભવની એને રવિના પહોંચે કવિના પહોંચે,
અનુભવી નાખી દે ધોંચે રે ઘરડા ગાડાં વાળશે રે.....
તરવરીયા યુવાન તરી રહેશે અનુભવી મેદાન મારશે,
ભણતર રહેશે પડી ગણતર કામ આવશે ઘરડા ગાડાં વાળશે રે.....
સજાવેલા જેણે સમજણના હથિયાર પોથી પંડિત પડશે,
યુવાનીને નડે ઘમંડ ને ઘરડા ગમ ખાસે ઘરડા ગાડાં વાળશે રે.....
ધના ઉકેલ મેળવી લેસે યુવાનોને આકરું પડશે,
અનુભવનો અભાવ જેને અનુભવી પાણી પાસે ઘરડા ગાડાં વાળશે રે.....
મણકો ૪૬૦
નાના ને સાથ દે સદાય મોટા કહેવાયે છે,
ઓથ લે નાનાની ઉભે મોખરે સદાય મોટા કહેવાય છે.....
સંતાનનું છાવરે એ વડિલ છે સાચા,
સદા કરતા રહે સમયે સહાય મોટા કહેવાય છે.....
મારશે કદાચ પણ મારવા ન દે કદી,
એ આડા તરત ફંટાય મોટા કહેવાય છે.....
ખેંચાણ થાય એને અંતરે ઉંડા,
મમતાના ખીલ્યા જ્યાં ડુંડા મોટા કહેવાય છે.....
વાત્સલ્ય વડિલનું ઉભરાતું જ્યારે,
ઉમટે હેતના પૂર જગ ડૂબી જાય મોટા કહેવાય છે.....
મણકો ૪૬૧
કરમના ખેલમાં સંસારી સપડાય છે,
ભૂલાવે શાન અને ભાન સંસારી સપડાય છે.....
જળને સ્થળે જ્યારે સ્થળ દેખાય છે,
ન કલ્પેલું બની જાય સંસારી સપડાય છે.....
સ્વપ્નમાં પણ જે કલ્પના ન થાય છે,
પ્રત્યક્ષ આંખે દેખાય સંસારી સપડાય છે.....
એવા ઓચિંતા પલટા આવી જાય છે,
ન સાંભળ્યું હોય કાનો કાન સંસારી સપડાય છે.....
અણધાર્યું એવું સંસારમાં બને છે,
જે ધના વાણીથી ન થાય વિસ્તાર સંસારી સપડાય છે.....
મણકો ૪૬૨
જગત આ છે દુઃખનો દરિયો,
મમતા મોહથી છલોછલ ભરીયો.....
ભલભલો એમાં ભૂલો પડ્યો,
જન્મો જનમથી ડુબાડે છે દરિયો.....
અગાધ ઉંડાઈએ એ ભરીયો,
માનવની મતિ મારી જાય.....
આવે વાવાઝોડાં ને વરસાદ દુઃખોના,
ન ચાલે બુધ્ધિવાદ માનવના.....
એના તરંગમાં જે તણાતો માનવી,
ધના જુગ જુગ ના ફેરા થાય.....
મણકો ૪૬૩
તમે હરતાં ને ફરતાં હો ભજો રામનામને,
એથી સુધરે તમામ કામ ભજો રામનામને.....
સુખને દુઃખતો આવેને જાય છે,
વિસારો નહીં ઘડી રામ ભજો રામનામને.....
ભલે કામ સંસારી કરાવે પડતાં,
લક્ષ્યે રાખોને રામનામ ભજો રામનામને.....
સાચી કમાણી આ રામનું નામ છે,
તમે ભરીલો ભંડાર ભજો રામનામને.....
મળશે મોક્ષ ભજો રામનામને,
ધના બેડોપાર થઈ જાય ભજો રામનામને.....
મણકો ૪૬૪
હાંરે હાર માનું ન કાના તારી પાસે,
હાંરે જીત અપનાવને તારું શું જાશે.....કાના તારી પાસે.....
હાંરે હું માગું છું મોટી આશે,
હાંરે કાના દર્શન તારા ક્યારે થાશે....કાના તારી પાસે.....
હાંરે મને હરાવી તું કાન ક્યાં જાશે,
હાંરે તારે દોડવું પડશે એક શ્વાસે.....કાના તારી પાસે.....
હાંરે હું રહ્યો છું કાના તારા વિશ્વાસે,
હાંરે દગો આપીશ તું ક્યા ત્રાસે.....કાના તારી પાસે.....
હાંરે હાર માને ક્યાંથી આ ધનો,
હાંરે કાના દે દર્શન શું નથી તું એનો.....કાના તારી પાસે.....