કુણાલ પુરૂષસહજ સ્વભાવને લીધે માત્ર અવાજ પરથી આવનારા વ્યકિત વિશે અડસટ્ટો લગાવવા લાગ્યો કહો કે એક સ્ત્રીનાં અવાજ પરથી તેનું ચિત્ર નજરોનાં પટ પર રચવા લાગ્યો. પરંતુ, આવનાર વ્યક્તિ તેની ધારણાની સ્વપ્નસુંદરી કરતાં પણ બે ગણી ચડિયાતી હતી. ખરેખર, માણસોની વિચારશકિત ઇશ્વરની સર્જનશક્તિ આગળ વામણી સાબિત થઈ રહી હતી. ગુલાબી સિફોન સાડીથી વિંટાયેલ પાંચ ફૂટ પાંચ ઇંચની કાયા અને તીક્ષ્ણ નયનોથી કોઈને પણ ઘાયલ કરી દેવા સક્ષમ એ ગાજગામીનીને કુણાલ પોતાનું ભાન ભૂલી જોઈ રહ્યો. પરંતુ, બેભાનને પણ ભાનમાં લાવી શકે તેવો મીઠડો અવાજ સાંભળી કુણાલ પોતાની વિચારોની દુનિયામાંથી ખરેખરની દુનિયામાં પરત ફર્યો."હેલો,મિસ્ટર.. આર યુ લીસનીંગ મી ઓર નોટ?" કુણાલ પોતાની ભૂલ સમજી ચૂક્યો હતો પણ હવે પશ્ચાતાપનો કોઈ અર્થ નહોતો. તે ખચકાતા ખચકાતા બોલ્યો, "હેલો, ગુડ આફ્ટરનૂન ટુ યુ ટૂ" તેના મનમાં તો એમ કે આવનાર સ્ત્રી કોઈ એટેન્ડન્ટ હશે અને પોતાને ઇન્ટરવ્યૂ વિશે કંઈ માહિતી જણાવવા આવી હશે. "આર યુ ઓકે?" તેણીએ જાણે કુણાલનાં મનમાં રહેલા પ્રશ્નને વાંચી લીધો હતો. "એક્ચ્યુઅલી આઈ એમ વેઇટિંગ હિઅર ફોર લાસ્ટ થ્રી અવર્સ. ડોન્ટ નો વ્હેન વિલ ઇન્ટરવ્યૂર કમ" તેણીએ કુણાલનાં આ જવાબ પર તો કાંઈ ટિપ્પણી ના કરી પરંતુ પછી જે ઘટના ઘટી તેની કલ્પના તો કુણાલે પોતાના સ્વપ્નમાં પણ નહોતી કરી.
તેણી અચાનક કુણાલની સામે રહેલી ચેમ્બરમાં એન્ટર થઈ અને કુણાલ ફાંટી આંખે તેની સામે જોઈ રહ્યો. જી હા!! તે વ્યક્તિ,તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ આઈ.પી. ઇન્ડસ્ટ્રીઝની ચીફ મેનેજર પ્રીતિ હતી. જે કુણાલનાં સદનસીબ કહો કે બદનસીબ તેનું ઇન્ટરવ્યૂ લેવાની હતી. કુણાલ પોતાની ભૂલ માટે પોતાને કોસી રહ્યો હતો ત્યાં મેડમે પ્યુન પાસે કુણાલને પોતાની ચેમ્બરમાં પધારવા કહેણ મોકલ્યું. કુણાલ ઝડપથી ચેમ્બર તરફ આગળ વધ્યો. તેને અંદર આવવાની પરવાનગી લેવાનું પણ ભાન ના રહ્યું. અંદર જતાંવેંત તે બોલી ઉઠ્યો, "સોરી મેડમ! આઈ ડિડ નોટ નો યુ, સોરી વન્સ અગેઇન" પ્રીતિએ તેની તરફ પાણીનો ગ્લાસ આગળ ધર્યો સને કહ્યું "રિલેક્સ મેન! ઇસમે આપ કા કોઈ દોષ નહીં હે. ગલતી મેરી હે, મુજે એક કામ આ ગયા ઉસમેં દેરી હો ગયી." કુણાલે પાણી પીને પોતાની જાતને સ્વસ્થ કરી તથા પોતાની ફાઇલ પ્રીતિ તરફ આગળ વધારી. પ્રીતિ કુણાલનાં રિઝયુમ પર લટાર મારતા મારતા બોલી,"તો આપ ભી ગુજરાતી હે". "આપ ભી મતલબ?" કુણાલે કુતૂહલવશ પૂછ્યું. "જી. હું પણ મૂળ ગુજરાતી જ છું" બહારનાં રાજ્યમાં કોઈ પણ પોતાના રાજ્યનું વ્યકિત મળે એટલે તેમના તરફ પોતીકાપણાનો ભાવ આપોઆપ વિકસવા લાગે. અહીં પણ એમ જ થયું. ઇન્ટરવ્યૂનાં પ્રશ્નો તો બાદમાં માત્ર એક ઔપચારિકતા બની રહ્યા અને ખરેખર તો કુણાલની હાજરજવાબીથી પણ પ્રીતિને કુણાલ એચ.આર.મેનેજરની પોસ્ટ માટે યોગ્ય લાગ્યો. આખરે, એક અઠવાડિયા ઉપરનાં સમયથી અગણિત નકારમાં જવાબ સાંભળ્યા પછી પ્રથમ વખત તેને હકારમાં જવાબ સાંભળવાનો મોકો મળી ગયો.
કુણાલને બીજા દિવસથી જ કંપની જોઈન કરવાનો નિમણૂંક પત્ર મળી ગયો. કુણાલનાં મનમાં પોતાની પ્રથમ સફળતાનો હરખ માતો નહોતો. તે ફટાફટ નૈષધનાં ફ્લેટ પર પહોંચ્યો અને તેને આ ખુશ ખબર આપ્યા. કહેવાય છે ને કે, અસફળ થયા પછી માણસને ઊંઘ નથી આવતી અને સફળ થયા પછી માણસ ઊંઘતો નથી. કુણાલને હજુ પણ પોતાની સફળતા પાએ વિશ્વાસ નહોતો અને તે વારંવાર પોતાના નિમણૂંક પત્રની સામે જોઈ રહ્યો હતો પણ આ બધા વચ્ચે એક ચહેરો તેની નજર સામેથી ઓઝલ થવા તૈયાર નહોતો અને તે હતો પ્રીતિનો. કુણાલ પ્રીતિને મનોમન ગમાડવા લાગ્યો હતો. પ્રથમ વખત તેનાં હૈયામાં કોઈ પ્રત્યે પ્રેમની લાગણી જન્મી હતી.પરંતુ તેનાં મનમાં છાને ખૂણે રહેલી તેના તાજેતરનાં અતીતની યાદોએ ફરી તેની સામે તરવરવા માંડી. પ્રેમની આગળ નફરતનું પલ્લું ભારે હતું અને કુણાલે પોતાની પ્રીતિ માટેની કૂણી લાગણીઓને ત્યાં જ મારી દેવાનું નક્કી કર્યું અને માત્ર પોતાના લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.
બીજા દિવસે તે નોકરી પર સમયસર પહોંચી ગયો અને કંપનીમાં કામ કરતાં નાના મોટા દરેક માણસોને મળીને શુભેચ્છા મુલાકાત કરી. થોડા દિવસોમાં તે કંપનીમાં દરેક માણસોનો પ્રિય થઈ પડ્યો. ભેદભાવ રહિત સ્વભાવ, કામ પ્રત્યેનું તેનું અભૂતપૂર્વ સમર્પણ,સદા હસમુખ ચહેરો અને મુશ્કેલીઓમાં પણ કોઈને હસાવી શકવાની આવડતે તેને કંપનીમાં સૌ કોઈનો મિત્ર બનાવી દીધો. પણ, આ બધામાં તેણે બે ખાસ મિત્રો અર્જિત કર્યા હતા; તે હતાં ભાવિન અને મિહિર. ત્રણેયની ટોળકી કંપનીમાં થ્રી ઇડિયટ્સ તરીકે ઓળખાતી. ત્રણેયમાંથી કોઈને પણ શોધવા હોય તો એકને શોધી લો તો ત્રણેય મળી જાય. આજે કુણાલને નોકરીમાં ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો હતો.
કહેવાય છે ને કે, તમે સફળતાની સીડી જલ્દીથી ચડી રહ્યા હોય તો તમને ઉતારી પાડવા વાળા પણ એટલી જ સંખ્યામાં હોય છે. કંપનીનાં હિસાબોમાં આજે ખૂબ મોટો ગોટાળો બહાર આવ્યો હતો અને કુણાલનાં એચ.આર. વિભાગમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ બહાર આવી. કંપનીમાં કુણાલથી દ્વેષભાવ રાખતાં અમુક કર્મચારીઓએ કંપનીનાં ડાયરેક્ટર્સને 'બહારી' કુણાલ વિરુદ્ધ કાનભંભેરણી કરી. ષડયંત્ર રચી સિફતપૂર્વક તેમણે કુણાલને આ નાગચૂડમાં ભયંકર રીતે ફસાવી દીધો. કુણાલની સાથે સાથે તેના મિત્રો ભાવિન અને મિહિરનો પણ આ કાવતરામાં ભોગ લેવાયો. પ્રીતિ આ મામલામાં બીચ બચાવ કરવા ગઈ તો તેને પણ પાણીચું પકડાવવાની બીક આપવામાં આવી. જેથી, તે પણ નિસહાય બની ગઈ. કુણાલ માટે સમય હજુ વધુ કપરો બનવાનો હતો. આ સમગ્ર કૌભાંડમાં તથાકથિત રોલ માટે કુણાલ પાર કંપનીએ મોટો મુકદમો માંડી દીધો. પણ,કુણાલ બેસી રહેનારમાંનો નહોતો. તેણે યેનકેન પ્રકારે આ અન્યાય સામે લડત માંડવાનું નક્કી કર્યું. અજાણ્યા શહેરમાં તે પોતાનો કેસ લડવા વકીલને શોધવા નીકળી પડ્યો. પરંતુ, તે જે જે વકીલ પાસે જતો તે તેના વિરોધ પક્ષનાં વકીલનું નામ સાંભળી કેસ હાથમાં લેવાની જ ના પાડી દેતો. કુણાલનાં દુર્ભાગ્યે કંપનીએ શહેરનો સૌથી મોટો વકીલ તેની સામે મુકદમો લડવા રોક્યો હતો. જેનો સફળતાનો અંક હજુ સુધી ૧૦૦ ટકાની નીચે ઉતર્યો નહોતો. કુણાલને પોતાનું ભવિષ્ય અંધારપટ લાગવા લાગ્યું. તે મુશ્કેલીઓનાં દલદલમાં ફસાઈ ચૂક્યો હતો જ્યા તે નીકળવાનું જેટલું જોર કરે તેટલો વધુ ફસાતો જતો હતો....
*****
કુણાલનાં નસીબનાં એક પછી એક દરવાજા બંધ થઈ રહયા હતા. કુણાલ આ ગહન અંધકારમાં પ્રકાશનું એક પૂંજ પામવા મથી રહ્યો હતો પણ બસ તે હવાતિયાં સિવાય કાંઇ સાબિત થઈ રહ્યું નહોતું. નૈષધ પણ પોતાના મિત્રની આવી હાલતથી ચિંતિત હતો. તેણે કુણાલને સલાહ આપતા કહ્યું," ઈશ્વર હો ચાહે તો કાળમીંઢ પથ્થર પણ પીગળી શકે છે, તું એકવાર જઈને આરોપી પક્ષનાં વકીલને વાત તો કરી જો; તે તો એક માણસ છે, પથ્થર પીગળી શકે તો તે કેમ નહીં." કુણાલ નકારમાં માથું ધુણાવતાં બોલ્યો, "ક્યાં યુગની વાતો કરેશ તું ભાઈ?! હવે તો કળીયુગ છે અહીં ભાઈ ભાઈનું નથી રાખતો તો તે શું મારું રાખવાનો? અને એથી પણ મોટી વાત છે પૈસાની. તેની ફી સાંભળી છે તે?મારો વર્ષ દિવસનો પગાર ભેગો કરું તોય તેની ફીનાં અડધા ના કમાઈ શકું. કોઈ માણસાઈ માટે પોતાની આવડી મોટી ખોટ ખાવા થોડી તૈયાર થાય?" નૈષધ કુણાલનાં ખભા પર હાથ રાખતા બોલ્યો, "તર્ક ભલે ગમે તે કહેતો હોય પણ તું પણ જાણે છે કે હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી." કુણાલે નૈષધની આ વાત પર પોતાની મૂક સહમતી આપી.
બંનેને ખબર હતી કે તેઓ જો પોતાના નામ પર વકીલને મળવા જાશે તો તે વકીલ કદી પોતાને મળશે નહીં આથી તેમણે બનાવટી નામ પરથી એપોઇન્ટમેન્ટ લઈ લીધી. આખરે, કુણાલનું વકીલ સાથે રૂબરૂ થવાનો સમય આવી ચૂક્યો હતો. એ વકીલ કે જેના નામ પર કેસ ચાલશે કે નહીં ચાલે તે નક્કી થતું. એ વકીલ કે કોઈ મરશે કે તરી જશે તે નક્કી થાતું. કુણાલે ઓફીસ પર પહોંચી. તેની નજર નેઇમપ્લેટ પર પડી. "ધી ચેમ્બર્સ ઓફ પી.બી.જાડેજા". કુણાલ પોતાના ભવિષ્ય નક્કી કરનારની નેઇમપ્લેટ જોઈને મોઢું મચકોડતો ઓફિસમાં દાખલ થયો. કોઈ પણ મોટી ઓફિસમાં જાઓ તો બે-ત્રણ કલાક રાહ જોવડાવવાની તેમની ફિતરત હોય છે. અહીં તે જ સ્થિતિ કુણાલ માટે સર્જાઈ. તેને માટે એક એક પળ જ્યારે કિંમતી બની ગઈ હતી ત્યારે આટલો સમય રાહ જોવી તેને માટે અકળાવનારી પરિસ્થિતિ હતી.તે પોતાના ભાગ્યને ગાળો ભાંડતો ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં તેને અંદર ઓફિસમાં આવવાનું કહેણ મોકલાયું. કુણાલનું હવે પી.બી.જાડેજા સાથે રૂબરૂ થવાનો સમય આવી ચૂક્યો હતો. કુણાલ ઓફિસમાં દાખલ થયો. એડવોકેટ પાછળની બાજુ ચેર ફેરવીને કોઈની સાથે અંગત વાતોમાં વ્યસ્ત હતા.દ્રશ્ય એવું હતું કે નજરે જોનારને એમ જ લાગે કે તેમની વાત તેમની સામે કબાટમાં રહેલા કાયદાનાં પુસ્તકો સિવાય કોઈ નહીં સાંભળી શકે. કુણાલ પણ આ મોંઘેરા વકીલનું મુખદર્શન કરવા બેતાબ હતો.
પી.બી.જાડેજાએ જેવી પોતાની વાત પૂર્ણ કરીને ચેર કુણાલ બાજુ ફેરવી, કુણાલ પોતાની સામે રહેલા દ્રશ્યને જોઈને પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને સુખદ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. "પુથુભા તું?" એડવોકેટ પૃથ્વીરાજસિંહ જાડેજા પણ પોતાના એક પુરાણા મિત્ર દ્વારા લેવાતું હુલામણું નામ સાંભળી અચંબામાં પડી ગયો. તે એકીટશે કુણાલ સામે જોઈ રહ્યો અને તેના મગજમાં અચાનક શૈશવની યાદો એક પછી એક દોડી આવી અને તેનું એક પૃષ્ઠ આજે તેની નજર સામે આવીને ઉભું હતું. "કુણાલ... તું અહીં કયા? કેમ? કઇ રીતે?" એડવોકેટ જાડેજા પોતાનો બધો હોદ્દો ભૂલી પોતાની પાવર ચેર પરથી દોડીને કુણાલની બાજુમાં આવી બેસી ગયો. જી હા! એડવોકેટ પી.બી.જાડેજા કુણાલનાં બાળપણનો મિત્ર હતો. કહો કે બંને લંગોટિયા યાર હતાં. બાળપણ વિતાવ્યા પછી બંને અચાનક વિખૂટા પડી ગયા હતા જે નસીબની કૃપાએ આજે જઈને મળ્યા હતા. "તું તો રાજકોટ હતો ને, અહીં કઇ રીતે?" કુણાલે પૂછ્યું. "તું તો જાણે જ છે કે મારા પિતાની સરકારી નોકરીને લીધે બધે બદલીઓ થતી રહેતી. તેઓનું નિવૃત્તિ પહેલાનું છેલ્લું પોસ્ટિંગ અહીં જ હતું અને હું પણ શાળા સમયમાં શાળાઓ બદલી બદલીને થાક્યો હોવાથી મે પણ અહીં જ કોલેજ કરીને સેટ થવાનું વિચાર્યું અને જો અહીં હવે નાના મોટા કેસ લડીને પેટિયું રળી લઉ છું." પૃથ્વીરાજે પોતાની જીવન કથની કુણાલ સામે રજૂ કરી દીધી. કુણાલ હસતાં હસતાં બોલ્યો, "નાના મોટા કેસ એમ ને!! નાના મોટા કેસ લડનાર આટલી તગડી ફી ના લે." પૃથ્વીરાજ પોતાના મિત્રને ટપલી મારતા બોલ્યો, "એ હા! તું કહેતો હોઈશ તો હોઈશ. પણ,તારી પાસેથી એક રૂપિયો પણ નથી લેવાનો હું. બોલ કોને ક્યાં કેસમાં ફીટ કરાવવાનો છે? કોની શામત આવી છે" કુણાલ ગંભીર ચહેરે બોલ્યો,"કોઈને ફીટ નથી કરવાનો. એકને ડમી કેસમાંથી બચાવવાનો છે." પૃથ્વીરાજ ખોંખારો ખાતા બોલ્યો, "એ તો મારા ડાબા હાથની રમત છે. પણ, એ તો કહે કે કોને બચાવવાનો છે અને શું છે કેસ?" કુણાલે ધીરે ધીરે આંગળી પોતાના સામે કરી અને બોલ્યો "મને બચાવવાનો છે."
પૃથ્વીરાજ હજુ એક ઝટકામાંથી બહાર આવે ત્યાં કુણાલે બીજો ઝટકો આપ્યો, "અને એ પણ આઈ.પી. ઇન્ડસ્ટ્રિઝ સ્કેમ કેસમાંથી". પૃથ્વીરાજ થોડી વાર અવાક થઈ ગયો પછી બોલ્યો,"તું ચિંતા ના કર. મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું આવું ના કરી શકે. તારો કેસ હવે હું લડીશ." "પરંતુ તું તો પ્રોસિક્યુશનનો વકીલ છો ને? અને આનાથી તને નાણાકીય ખોટ પણ જાશે." કુણાલે પોતાની ચિંતા પ્રકટ કરી. પૃથ્વીરાજ પોતાના મિત્રને દિલાસો આપતા બોલ્યો, "કોઈ પણ કેસ મારા મિત્ર કરતા કિંમતી નથી. તારો કેસ હું જ લડીશ અને તેઓને આજે જ કેસમાંથી મારી મુક્તિનો ફોન કરી દઉં છું. જોઉં છું હવે કયો માઈનો લાલ તને હાથ અડાડી શકે છે." પૃથ્વીરાજે પોતાના જુનિયર પાસે કુણાલનાં કેસની ફાઇલ મંગાવી. પૃથ્વીરાજે કુણાલની ફાઇલનો અભ્યાસ કરી કુણાલને આશ્વસ્ત કરતા કહ્યું,"કાલે જ તારો કેસ રફેદફે થઈ જશે.બસ તારે હું કહું એમ કોર્ટમાં જુબાની આપવાની રહેશે." કુણાલે પૂછ્યું, "શું કહેવાનું રહેશે મારે?" પૃથ્વીરાજ પોતાના વકાલતનાં કૂટનીતિશાસ્ત્રનાં સિદ્ધાંતો સમજાવતા બોલ્યો, "તારે બીજું કંઇ નથી કરવાનું,બસ તારે તારા સહ આરોપીઓ ભાવિન અને મિહિર પાર સમગ્ર દોષનો ટોપલો ઢોળી દેવાનો છે.પછી હું બધું સંભાળી લઈશ.તને કંઈ નહીં થાય." કુણાલ ગુસ્સામાં પોતાના હાથ ટેબલ પર પછાડતા બોલ્યો,"પુથુભા,કેવી વાત કરેશ તું, હું એટલો સ્વાર્થી ના બની શકું કે મારા જ મિત્રોનાં ભોગે બહાર આઝાદીનાં શ્વાસ લઈ શકું"
પૃથ્વીરાજ કુણાલને સમજાવતા બોલ્યો,"તારો કેસ તું સમજે તેટલો સરળ નથી.તેમને બચાવવા જતા કેસ હારી જઈશું અને તને પછી બચાવવો મુશ્કેલ થઈ પડશે." કુણાલ પોતાના વિચારો સ્પષ્ટ કરતાં બોલ્યો,"મારા મિત્રો માટે મારે જેલમાં જવું પડે તો તે પણ મને મંજૂર છે. બસ તું એને બચાવ." "શું કામ બીજા માટે પોતાની જાતને દાવ પર લગાવેશ?" પૃથ્વીરાજ કુણાલની ચિંતા કરતાં બોલ્યો. કુણાલ પાસે હવે પોતાના કંપનીનાં કાર્યકાળની યાદોનો ટોપલો ખોલવા સિવાય કોઈ શિરસ્તો બચ્યો નહોતો. તે વર્ણવતા બોલ્યો,"તું જેને બીજા કહે છે તે બીજા છે જ નહીં,મારા ઘરથી દૂર મારો બીજો પરિવાર છે. તું જાણતો જ હોઈશ કે એક પરપ્રાંતિય તરીકે બીજા કોઈ રાજ્યમાં પોતાની જાતને સ્થાપિત કરવી કેટલી અઘરી છે. મે કંપનીમાં પ્રવેશ તો લઇ લીધો પણ મારા પ્રવેશને સાર્થક આ બે મિત્રોએ જ કર્યો છે. હું કંપનીમાં નવો હતો. બધા સાથે સુમેળભર્યું વર્તન કરતો હોવા છતાં મારે બહારનાં રાજ્યના લેબલનાં ઓથા તળે જ જીવવું પડતું. એક યંત્રવત જીંદગીમાં ખરો પ્રાણ પૂરવાનું કામ કરનારા પણ આ બે મિત્રો જ હતાં. હું કંપનીમાં નવોસવો આવ્યો ત્યારે મારી પાસે કોઈ જ મૂડી નહોતી. લંચ બ્રેક પડતો ત્યારે બીજા લોકો પોતાના ટિફિન લાવી જમતા. મારી પાસે કોઈ પૈસા નહોતા કે નહોતું કોઈ ટિફિન બનાવી આપનારું.ભૂખનાં માર્યા ઘણીવાર છાને ખૂણે રડ્યો પણ હોઈશ.પણ,આ વાતની ભાવિનને ખબર પડી ત્યારે દરરોજ ધરાર પોતાના ટીફીનમાં મને જમાડવા બેસાડતો. ના,તેનું ખિસ્સું મોટું નહોતું પણ તેનું હૃદય મોટું હતું.પોતે અડધો ભૂખ્યો રહી મને ભોજન કરાવતો. શું એ અન્ન આપનારા સાથે હું વિશ્વાસઘાત કરી શકું? જેનું ખાધું છે તેની થાળીમાં છેદ કરું તે શું યોગ્ય છે? અને મિહિર! મને એકવાર અકસ્માત નડ્યો ત્યારે મારે બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું હતું. મારી સાર સંભાળ રાખવા કોઈ પોતાનું અહીં નહોતું ત્યારે મિહિરે પોતે બિનપગારી રજા પાડી મારી દેખભાળ રાખી અને હું ડિસચાર્જ ના થયો ત્યાં સુધી સતત મારી સાથે રહ્યો. મને એક પણ વાતનું ઓછું ના આવે તેની સંભાળ તેણે રાખી. અરે! એ માણસે જીદે પડીને મારી સારવારનો ખર્ચ ભોગવ્યો. ડોકટર ભગવાન કહેવાય છે, પણ આ સમયે મારા માટે મારા મિત્રો ભગવાન કરતા જરા પણ ઊતરતા નથી. તેમણે પોતાના કરતા પોતાના મિત્રને જ્યારે વધુ મહત્વ આપ્યું ત્યારે આવો વિશ્વાસઘાત હું તેમની સાથે કરીશ તો મને ઉપરવાળો પણ માફ નહિ કરે. ના પુથુભા, મારાથી નહીં થાય.તને જો કેસ હારવાનો ડર હોય તો વાંધો નહીં, મારો કેસ લડવા માટે હું તને ફોર્સ નહીં કરું." કુણાલ આટલું માંડ બોલી શક્યો અને તેના ગળે ડૂમો ભરાઈ ગયો. પૃથ્વીરાજે પણ હવે નસીબ સાથે બાથ ભીડવાનું નક્કી કરી લીધું હતું. તેણે કુણાલને જણાવ્યું, "તારા મિત્રો એ હવે મારા મિત્રો. પણ, મને હવે વધુ શરમાવીશ નહીં,તારો કેસ તો હું જ લડીશ ભલે મારે હાર જોવી પડે. આ મિત્રતાને હવે અંજામ સુધી હું પહોંચાડીશ"
પરંતુ, કુણાલનાં નસીબ આડેનું પાંદડું હજુ હટવા તૈયાર નહોતું. પૃથ્વીરાજનાં કેસ લડવાની ના પાડયા પછી કંપનીએ કેસ શહેરનાં નામીચા વકીલ તથા પૃથ્વીરાજનાં ધૂર વિરોધી એ.બી.ઉજાલાને સોંપ્યો. બીજા દિવસે કોર્ટની કાર્યવાહી દરમિયાન પુરાવાને અભાવે પૃથ્વીરાજે માત્ર દલીલો પર પોતાનું સર્વસ્વ બળ લગાવી દેવું પડ્યું પરંતુ નસીબ આજે પૃથ્વીરાજની શંકા મુજબ તેની વિરુદ્ધમાં જ હતું. ઉજાલાની ધારદાર પુરાવા સાથેની દલીલોને લીધે કોર્ટની પ્રથમ દિવસની કાર્યવાહીને અંતે કોર્ટે કુણાલને અટકાયતમાં કેવાના આદેશો આપ્યા. કોર્ટે પૃથ્વીરાજને પણ ફટકાર લગાવતા તેને આગળની સુનાવણીમાં પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું. પૃથ્વીરાજ પર પ્રથમ વખત કેસ હારવાની તલવાર લટકી રહી હતી અને કોઈ ચમત્કાર જ હવે કુણાલને બચાવી શકે તેમ હતો. બીજીબાજુ, કુણાલને પ્રથમ વખત જેલમાં જવાનો બિહામણો અનુભવ થયો. તે અંદરથી ઘૂંટાઈ રહ્યો હતો. પોતાની જાતને હલકી કરવા અશ્રુ પણ સારવા તે તૈયાર નહોતો.આમ પણ જો કોઈ આંસુ લૂછવા વાળું ના હોય તો રોવાનો કોઈ અર્થ પણ નથી. કુણાલ પાસે હવે બીજા દિવસની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એ.સી.માં રહેવા ટેવાયેલો કુણાલ આજે મચ્છરોનાં બણબણાટ વચ્ચે વગર પંખે સૂઈ રહ્યો હતો. સૂઈ શું જાગી રહ્યો હતો. આખી રાત તેણે પોતાની જાતને કોસવા સિવાય કોઈ કાર્ય કર્યું નહોતું. ભાગ્યવિધાતા પણ તેની આકરી કસોટી પર ઉતરી આવ્યો હતો અને આખરે બીજા દિવસનો સૂર્ય પોતાની હાજરી પૂરાવતો જેલની નાનકડી બારીમાંથી ડોકિયું કાઢી રહ્યો હતો. (ક્રમશ:)
-'ક્ષિતિજ' પાર્થ ગજેરા