વિદાય
"ઓ રે ઓ પાંરેવડા તું કાલે ઉડી જાજે રે...... મારી હા તું રહી જાને આજની રાત ...."મોલ માં કોઈકનાં મોબાઇલ ની રિંગટોન સાંભળી ધ્વનિનું ધ્યાન ત્યાં દોરાયું. લગ્નનાં શરૂઆતનાં દિવસોમાં આ ગીત સાંભળીને કોણ જાણે કેટલીવાર તેની આંખો ભીની થઈ ગઇ હશે. આજે લગ્નનાં ચાર વર્ષ પછી પણ આ ગીત તેને એટલું જ અસર કરતું હતું. મોલની બાજુની રેસ્ટોરન્ટમાં બેસીને ધ્વનિએ પોતાની ફેવરીટ કોલ્ડ કોફી ઓર્ડર કરી. પોતાનાં મોબાઇલમાં રહેલા લગ્નનાં ફોટાઓ જોતાં જોતાં એ ૪ વર્ષ પેહલાંનાં ભૂતકાળમાં સરી પડી. એનું પોતાનું ઘર અને ત્યાં વિતાવેલી ક્ષણો ધ્વનિની સામે ફ્લેશબેક ની જેમ પસાર થવા લાગી.
આકાશભાઈ અને રીટાબહેનની મોટી દીકરી ધ્વનિ ખૂબ જ લાડ માં ઉછરી હતી. આકાંક્ષા તેનાથી ત્રણ વર્ષ નાની. કોલેજ પૂરી થતાની સાથે ધ્વનિનાં લગ્ન માટે છોકરો જોવાની શરૂઆત થઈ ગઈ. સારું કુટુંબ તેમજ પ્રતિષ્ઠાને કારણે તેમની શોધ ટૂંકા ગાળામાં અપૂર્વ પર પૂરી પણ થઈ ગઈ. અપૂર્વ અને ધ્વનિ અજાણ્યા હોવા છતાં પોતાનાં ભવિષ્યનાં જીવનસાથી સાથે સારી રીતે ભળવા લાગ્યા હતાં. જેથી કરીને ધ્વનિ અપૂર્વનાં પરિવાર સાથે પણ બાંધવા લાગી હતી. ૩ મહિના પછી જ લગ્ન લેવાયાં હોવાથી ધ્વનિ અને એનો પરિવાર પણ લગ્નની તૈયારીમાં લાગી ગયો. ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. એની સાથે ધ્વનિએ પોતાને માનસિક રીતે તૈયાર કરવા માંડી હતી. છતાં પણ, મનમાં એક ખૂણે આ ઘર તેનો પરિવાર છોડવાનું દુખ પણ થતું હતું, બીજી બાજુ અપૂર્વનો પ્રેમ તેમજ તેના સાસરાંવાળાની તેના માટેની લાગણીઓ તેને હિંમત આપતી.
સંબંધ નક્કી થવાના સાથે જ ધ્વનિનાં પિતરાઇ ભાઈ-બહેનો તેમજ આકાંક્ષા પણ ધ્વનિને ચીડવવાની એક પણ તક નહીં છોડતાં. ક્યારેક રીટાબહેન પણ એમાં જોડાતાં. ધ્વનિ પણ એમની સાથે એ જ રંગમાં જોડાઈ જતી. મોં પર ગુસ્સાનાં ભાવ લઈને મનમાં મલકાતી રહેતી. રીટાબહેન અને આકાશભાઈ પણ આ સંબંધથી ખુશ હતાં. પરંતુ પોતાની લાડલી હવે પોતાની સાથે થોડાં જ સમય માટે છે એ વાતે તેમની આંખ ભરાઈ જતી. " દીકરીઓ તો લગ્ન થતાંની સાથે પોતાનાં નવા સંસારમાં ખોવાઈ જાય છે, પણ તેમનાં માતા- પિતાનાં જીવનમાં તેની જગા ખાલીપાથી ભરાઈ જાય છે." આનંદ અને દુખ મિશ્રિત આ લાગણી કોઇથી શબ્દોમાં વ્યક્ત નહીં થઈ શકે. આકાશભાઈ થોડાં ગંભીર સ્વભાવનાં હોવાથી આજ સુધી એમને પોતાની લાગણી દીકરીઓ આગળ વ્યક્ત નહીં કરી હતી. પણ પોતાની લાડકવાયી પોતાનાંથી દૂર નવાં પરિવારમાં જવાની છે એ વાતની ચિંતા તો એમને પણ થતી જ.
લગ્નની આખી વિધિમાં ધ્વનિને ફક્ત વિદાય સમયે આંસુ સારવાની રીત નહોતી ગમતી. નવા જીવનની શરૂઆત આંસુથી તો નહીં જ થવી જોઈએ એવું એ માનતી. એટલે જ તો લગ્નની વિધિ નાં દિવસો દરમ્યાન જ્યારે પણ રીટાબહેન લાગણીશીલ થઈ જતાં ત્યારે ધ્વનિ એમને પોતાની ફિલોસોફી સમજાવી શાંત કરાવી દેતી.
ધ્વનિ ઘરની મોટી તેમજ રીટાબહેન અને આકાશભાઈ ની બંને દીકરીઓમાં વધારે લાડકી હતી. તેથી સ્વભાવિક છે કે તેની વિદાય નું દુંખ પણ વધારે હોય. પરંતુ ધ્વનિ એ મમ્મી, પપ્પા, માસી તેમજ ફોઈઓને પણ વિદાય નાં સમયે રડવાની ના જ પાડી હતી. એને યાદ છે માસીની છોકરી દિવ્યાનાં લગ્ન વખતે દિવ્યાએ વિદાયનાં સમયે પોતે રડીને બધાંને જ રડાવ્યા હતાં. ત્યારે પણ વિદાયનાં સમયે તો એ ત્યાંથી દૂર જ રહેતી. અને દર વખતે એ નક્કી કરતી કે એની વિદાય તો હસતાં હસતાં જ થશે.
લગ્નની એ સાંજ....... ધ્વનિ અને અપૂર્વ લગ્નસંબંધમાં જોડાઈ ગયાં. ગોરમહારાજે વિધિ પૂરી કરી બાદ ભોજન સમારંભ પૂરો થયો.
હોલનાં દાદર ઉતરતી વખતે રીટાબહેન, આકાશભાઈ તેમજ આકાંક્ષા ધ્વનિ ની બાજુમાં જ હતાં. રીટાબહેન ની આંખો વારેવારે છલકાઈ આવતી હતી. પણ ધ્વનિની નજર પડતાંની સાથે તેઓ આંખ સાફ કરી લેતા હતાં. બધાંની સામે તો ધ્વનિ ની વિદાય એ ઇરછતી હતી એમ જ હસતાં હસતાં થઈ.
પણ કારમાં બેસતાંની સાથે ધ્વનિનું હ્રદય ભરાઈ આવતું હતું. બધાંને નાં પાડી હોવા છતાં મમ્મી પપ્પા તેમજ આકાંક્ષાને ગળે લગાડતી વખતે એને થતું હતું કે એ જોરજોરથી રડે. હવે આજ પછી આં બધાં જ કાયમ માટે એની સાથે નહીં હોય. પોતાની વગર કામની નાની નાની જીદ પૂરી કરવા પપ્પા હાજર નહીં હોય. ગમે એવી ભૂલ કરે તો પણ પોતાને લાડ કરતી માં એની સાથે નહીં હશે. નાંનાં ઝઘડા કે મુશિબતમાં સાથ આપતી આકાંક્ષા વગર તો કેમ ચાલે. અત્યાર સુધી વિચારેલી જ નહીં આ સ્થિતિ તેના માટે અઘરી થઈ પડતી હતી. અપૂર્વ નો હાથ તેનાં હાથમાં હોવાં છતાં ધ્વનિને લાગતું હતું જાણે પોતે સાવ એકલી થઈ ગઇ હોય. આસુંથી નવા જીવનની શરૂઆત નહીં કરવી, આવી ધ્વનિની માન્યતા સાચી હતી, પરંતુ જે છૂટી ગયું છે એ હવે ફરી કયારેય નહીં મળે એ વાતથી એનું મન ભરાઈ આવતું હતું. 'લગ્ન કરીને વિદાય કરવાનો રિવાજ કોઈએ શું કામ બનાવ્યો હશે.' ધ્વનિનું મન વારેવારે ફરિયાદ કરતું હતું. આ સમયે એની બધી જ ફિલોસોફી એનાં માટે નકામી હતી. ૨૧ વર્ષ સુધી પોતાનાં માં- બાપની છાયામાં રહયા બાદ એમને છોડીને હંમેશનાં માટે બીજાનાં ઘરે જવું આકરું લાગતું હતું.
કાર ચાલુ થતાંની સાથે તેની આંખો તેની જાણ બહાર વરસવા લાગી. હોલથી ઘર પહોચતાં સુધીમાં ધ્વનિ નો પોતાના પર કાબૂ નહીં રહયો. બીજી બાજુ ધ્વનિ નાં માતા-પિતા તેમજ આકાંક્ષાની આંખો પણ બંધ તોડીને વરસી પડી.
ઘેર પ્હોંચ્યાં બાદ ધ્વનિ વગરનું ઘર અકળામણ પેદા કરતું હતું. લગ્નનાં બીજા દિવસે પગફેરો કર્યા બાદ રોજ જ રિટાબહેન ધ્વનિને દિવસમાં બે વાર અચૂક કોલ કરતાં. સમયની સાથે ધ્વનિ પણ તેના પરિવારમાં ગોઠવાવાં લાગી હતી. પરંતુ હજુ પણ જ્યારે જ્યારે એ લગ્નનું આલ્બમ જુએ તો એ બધી જ ક્ષણો જીવંત થઈ ઉઠતી. વિધિ શરૂ થતાંની સાથે વિદાયનાં સમય સુધીની ક્ષણો ફરીથી જીવી જવાતી. વોટ્સ એપ પર રિટાબહેન એ જ ધ્વનિને "લાડકી" ગીતનો વિડીયો મોકલ્યો હતો.
ત્યારથી લઈને અત્યાર સુધી "લાડકી" ગીત ધ્વનિ ને અતિપ્રિય થઈ ગયું. જ્યારે જ્યારે તે આ ગીત સાંભળે ત્યારે ચોક્કસ એની આંખો ભીની થયા વગર નહીં રહે. અને એ સમયે ધ્વનિ ને અચૂક એની વિદાય યાદ આવે. એ સમયે ધ્વનિને મન થતું કે એ ઉડીને ત્યાં પ્હોંચી જાય. ફરીથી લગ્ન પ્હેલાં ની ધ્વનિ બની જા. જવાબદારી એ એને ગંભીર તો બનાવી દીધી હતી, પરંતુ જ્યારે એ પોતાનાં પિયર જાય ત્યારે એ જ તોફાની ધ્વનિ બની જતી. ધ્વનિનાં લગ્નનાં ૩ વર્ષ બાદ આકાંક્ષાનાં પણ લગ્ન થઈ ગયાં. એ સમયે ધ્વનિ, આકાંક્ષા, રિટાબહેન તેમજ આકાશભાઈ ગળે લગાડીને ખૂબ રડી હતી. હજાર રહેલાં સૌ સગાંને પણ નવાઈ લાગતી હતી, પોતાની વિદાયમાં નહીં અને બહેનની વિદાયમાં આ છોકરી આટલું રડે છે! પરંતુ આકાશભાઈ અને ધ્વનિ તેમજ રિટાબહેન અને આકાંક્ષાને પણ ખબર હતી કે આ આંસુ તો છેલ્લા 3 વર્ષથી રોકાયેલાં હતાં. જે અત્યારે વહી રહયાં છે.
બંનેના લગ્ન બાદ તો બંને બહેન સાથે જ ઘરે પહોચી જતી. અને એ દિવસો દરમ્યાન પોતાનાં જૂનાં દિવસો જીવી લેતી.
મોલની બહાર નીકળીને ધ્વનિ એ પાર્કિંગમાંથી કાર કાઢીને સ્ટાર્ટ કરી. મોબાઇલ જોડીને "લાડકી" ગીત રિપીટ મોડ પર મૂકી એને ગાડી ઘર તરફ હંકારી.
***