શીવુ Payal joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

શીવુ

શીવુ

સાંજના ૭ વાગ્યા અને કારખાનાનાં બીજા મજૂરોની સાથે જ ૧૬ વર્ષનો શીવુ પણ ગેટની બહાર નીકળ્યો. સાવ સૂકલકડી જેવું શરીર છે, કારખાનામાં આંખો દિવસ કામ કરીને મેલા થઈ ગયેલા જૂના જેવા કપડાં પહેર્યા છે. પણ આજે તો ગુરુવાર છે એટલે ગયા અઠવાડિયાનો પગાર મળ્યાનો આનંદ શીવુના ચહેરા પર ચોખ્ખો દેખાઈ રહ્યો છે. એનાં પગ ઝડપથી ચાલી રહ્યા હતા અને કારખાનામાંથી નિકળીને સીધો જ પહોંચી ગયો કરિયાણાની દુકાનમાં.

કિલો ચોખા, થોડાઘણાં મસાલા અને ૧૦૦ ગ્રામ તેલ લીધું અને ઘર તરફ દોટ મૂકી. અમદાવાદની ઝૂંપડપટ્ટીની વચ્ચે પોતાની ઝૂંપડીમાં પહોંચ્યો જ ત્યાં તેના નાના ભાઈ બેન દોડીને આવ્યાં અને શીવુને ચોટી પડ્યા. ભાઈ કાંઈક ખાવાનું લાવ્યો હશે એવી આશા સાથે દયામણું મોઢું કરીને શીવુ તરફ જોઈ રહ્યા. શીવુએ બેયનાં માથે હાથ ફેરવ્યો અને સામાનની થેલી માંને આપી.

“માં આઈજે પગાર આવી ગ્યો હો, આલે આ ૩૦૦ રૂપિયા અને ૫૦નો સામાન લીધો.” શીવુ બોલ્યો.

માં એ શીવુને પાણી આપ્યું અને હળવેકથી બોલી....

“દીકરા શીવુ... આ તારા બાપુજીની તબિયત વરી બય્ગડી શે, હવે દવાખાને દેખાડવું જોહે..”

“માં કાલે શુક્રવાર એટલે મારે કારખાને નથી જાવાનું... કાલે બાપુજીને દવાખાને લઇ જાઈહ.. તું ફીકર નો કર, બધું હારું થઈ જાહે...” શીવુ માને સાંત્વના આપતા બોલ્યો.

“ભગવાન કરેને તારા બાપુજી જટ હાજા થઈ જાય... તું એકલો કેટલાક દી' ઘર હલાવીશ...”

એમ કહીને શીવુની માં ચૂલા પાસે ગઈ.

ઝુંપડી ની એક તરફ શીવુના પિતા ખાટલામાં માંદગીની હાલતમાં પડ્યાં હતાં. શીવુ ખાટલા પાસે જઈને બેઠો. થોડી વાર પછી પિતાને જગાડતા બોલ્યો...

“બાપુજી ઓ બાપુજી...”

દીકરાનો અવાજ સાંભળી હળવેકથી શીવુના પિતાએ આંખ ઉઘાડી અને ધીમા અવાજે બોલ્યા...

“શીવ્લા આવી ગ્યો દીકરા?”

“હા બાપુજી”

“પગાર આવ્યો?”

“હા ૩૦૦ આવ્યા અઠવાડીયાના”

“હારુ લે... હું કાંઈક હાજો થાવ એટલે પાછો ચડી જાઈહ કામે... તું એકલો કેટલેક પુગીશ..”

“બાપુજી કાલે દવાખાને દેખાડી આવીએ...પછ હારું થઈ જાહે...”

“હા દીકરા જાવું તો જોહે જ..આમ ખાટલામાં ને ખાટલામાં ક્યાં સુધી પડ્યો રઈશ?”

આટલું કહીને ફરી સૂઈ ગયા. ત્યાં શીવુની માં ભાત રાંધીને આવી. શીવુ અને તેના નાના ભાઈ બેનને પીરસ્યું...

“માં તુંય ખાઈ લે” શીવુનો ૪ વર્ષનો ભાઈ બોલ્યો.

“તારા બાપુજી ખાઈલે પછી હું ખાઈશ.”માં બોલી

“બાપુજી હાટુ ઢાંકીને મૂકી દે, એ ઊઠશે તયે ખાઈ લેશે... તું અટાણે ખાઈલે હાલ...”

શીવુની જીદ આગળ માનું ન ચાલ્યું અને એ જમવા બેઠી...

ખાઈ પીને બધાં એ નાનકડી ઝૂંપડીમાં સૂઈ ગયા. બાપુજીને શું થયું હશે? દાક્તર શું કહેશે? કેટલો ખર્ચ થશે? આવા વિચાર કરતા કરતા શીવુ પણ સૂઈ ગયો. સવાર પડીને બેઈ બાપ દીકરો ભગવાનનું નામ લઈને દવાખાને જવા ઉપડ્યા. પોતાના અશક્ત પિતાનો હાથ જાલી શીવુએ રીક્ષામાં બેસાડ્યા.સરકારી દવાખાને પહોંચી ગયા. જોયું તો દર્દીઓની લાંબી કતાર. કલાક પછી શીવુના પિતાનો વારસો આવ્યો. દાક્તર સાહેબે લોહી પેશાબના રિપોર્ટ કરાવ્યા અને એક્સ રે લીધું. થોડી વાર રિપોર્ટ વાંચ્યા અને શીવુને બોલાવ્યો.

“જો ભાઈ હું જે કવ એ હિંમત રાખીને સાંભળજે...તારા પિતાનાં બેય ફેફસાં ખરાબ થઈ ગયા છે અને એ હવે લાંબુ નહીં ખેંચે...”

“હે ભગવાન આ હું થઈ ગ્યું!..મારા બાપુજીને બચાવવા નો કોઈ રસ્તો નથી સાઈબ”

“ભાઈ એમ સમજ કે તારા પિતાનું આયુષ આટલું જ હતું હવે એની પાસે છેલ્લા ૨-૩ મહિના છે...”

શીવુના આંખમાંથી આંસુની ધાર વહી ગઈ. દાક્તરે થોડી દવાઓ લખી આપી.

લાખ એકની હિંમત ભેગી કરીને શીવુ બહાર બાંકડે બેઠેલા તેના પિતા પાસે ગયો...

“હું કીધું દાક્તર સાઇબે?”

“કાંઈ નઈ, દવા લખી દીધી છે અને એકાદ મહિનામાં હાજા થઈ જાહો એમ કીધું...હાલો હવે ઘરે જાઈ..” શીવુ બોલ્યો..

“શીવ્લા પૈસા હોય તો થોડાક ગાંઠીયા બંધાવીલે ઘરે જઈને બધાં ખાહુ..” આશા સાથે શીવુના પિતા બોલ્યા.

એમની સામું જોઈને શીવુની આંખો ભીની થઈ ગઈ, પણ આંસુ પીને શીવુ જરા હસીને બોલ્યો...

“બાપુજી ગાંઠીયા હારે જલેબી બંધાવું ને..?” શીવુ બોલ્યો.

“હા હો મજા આવી જાહે...”શીવુના પિતા ખુશ થઈને બોલ્યા.

ગાંઠીયા જલેબી લઈને બેઉં જણા ઘરે પહોંચ્યા. બધા એ હારે બેસીને ખાધું.

પછી શીવુએ માને હળવેથી એક બાજુ લઈને બધી વાત કરી. સાંભળીને માં ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. શીવુએ માંડ માંડ પોતાના અને માંના આંસુ રોક્યા. થોડા દિવસો વિત્યા શીવુના પિતાની તબિયત બગડવા લાગી. અને ૨ મહિના પછી દાક્તરે કીધું તેમ જ થયું શીવુના માથા પરથી બાપનો સાયો હટી ગયો...શીવુના પિતા સ્વર્ગે સિધાવ્યા. જ્યાં ત્યાંથી પૈસા ઉધાર લઈને પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. ૧૬ વર્ષના એ ખભા પર આખા પરિવારનો ભાર આવી ગયો. અધુરામાં પુરું તેના પિતાના ૨-૩ દેવા નિકળ્યા. એ પૂરવાની જવાબદારી પણ શીવુ માથે આવી. બે નાના બાળકો હોવાથી માં કામ કરી શકે તેમ નહોતી. શીવુ એકલો કમાઈને કેટલેક પહોંચે? થોડા દિવસો વિત્યા લેણદારોનો ત્રાસ વધી ગયો. શીવુને કોઈ જ માર્ગ સૂઝતો નહોતો. ક્યાં જાઉં ? શું કરે? અંતે એને કારખાનાનાં માલિક જયરામ ભાઈને બધી વાત કરી. શીવુની વ્યથા સાંભળી માલિકને દયા આવી. એ બોલ્યાં...

“જો ભાઈ હું તારું દુઃખ સમજું છું, પણ તને કોઈ આર્થિક મદદ કરી શકું તેમ નથી.”

“માલિક હું આશા કરીને તમારી પાહે આવ્યો. કાંઈક મારગ દેખાડો”શીવુ એ હાથ જોડીને કીધું

“એક રસ્તો છે” માલિકે થોડું વિચારીને કીધું...

શીવુને આશા જાગી...

“શું રસ્તો શે માલિક?”

“મારો એક ભાઈબંધ છે એ ખૂબ રૂપિયા વાળો છે.પણ તારે એના માટે કાંઈક કરવું પડે એ તને માલામાલ કરી દેશે...”

“હુ કાંઈ પણ કરવા તૈયાર છું..”

શીવુ દ્રઢતાથી બોલ્યો...

“ભલે તો હું કાલે એને બોલાવું, અટાણે તું જા કામ કર..”

“ભલે”

કહીને શીવુ ફરી કામે વળગ્યો.

શીવુ ઘરે આવ્યો માને બધી વાત કરી...

માએ કીધું...

“દીકરા પૈસાના લોભે કાંઇ આડા અવળું કરીશ મા... ધ્યાન રાખજે હો...”

“હાં માં હું ધ્યાન રાખીશ” શીવુએ માંને વિશ્વાસ અપાવ્યો.

બીજે દિવસે એક શેઠ સફેદ કાર લઈને કારખાને આવ્યા. શીવુએ વિચાર્યું આ એ જ શેઠ હશે...માલિકના ભાઈબંધ. થોડી વાર પછી માલિકે શીવુને ઓફિસમાં બોલાવ્યો. શીવુ દયામણું મોઢું કરીને ઊભો રહ્યો.

“રાઘવશેઠ આ છે શીવુ. મેં તમને કાલે વાત કરી હતી એ....બવ ગરીબ છોકરો છે પણ ખૂબ મહેનતુ છે.” માલિકે રાઘવશેઠને કહ્યું

“સાંભળ છોકરા” રાઘવશેઠ કડકાઈથી બોલ્યા...

“જી સાઈબ” શીવુ નમ્રતાથી બોલ્યો.

“હું તને પૂરા ૫ લાખ રૂપિયા આપીશ..”

“૫ લાખ?” શીવુની આંખો ફાટી રહી.

“હાં, પણ બદલામાં તારે મને કાંઈક આપવું પડશે.”

“સાઈબ હું ગરીબ માણહ મારી પાહે તમને આપવા જેવું કાંઈ નથી..”

“અરે તારી પાસે તો ખજાનો છે ખજાનો!”

“હેં !”

“સીધી વાત છે તારે મને તારી એક કીડની આપવાની બદલામાં હું તને ૫ લાખ રૂપિયા આપીશ.”

“પણ કીડની વગર હું મરી જાઉં તો?”

“અરે છોકરા....માણસ એક કીડની ઉપર પણ જીવી શકે..”

“તો...”

“જો હું તારી સાથે કોઈ જબરદસ્તી નહી કરું તારે પૈસા જોતા હોય તો કીડની આપ નકલ હું નીકળું...”રાઘવશેઠ ઊભા થઈ ગયા.

“ઊભા રયો , ઊભા રયો શેઠ, હું કીડની આપવા તૈયાર છું” શીવુ એ કીધું

“હાં એમ, બવ સમજદાર છોકરો છે.” રાઘવશેઠે શીવુની પીઠ થપથપતાવતા કહ્યું

શીવુ હરખાતા હરખાતા ઘરે ગયો અને માંને કીધું...

“માં આપણે અમીર થઈ ગ્યા, માલામાલ થઈ ગ્યાં...”

“કેવી રીતે દીકરા...?”

“એક શેઠ આવ્યાં હતાં એ મને ૫ લાખ રૂપિયા આપશે..”

“હેં આટલા બધા રૂપિયા!”

“હાં માં...”

“પણ કામ હુ કરવાનું?”

“એ તું મુકને સંધુય...તૂ ફીકર કરે મા હવે...”

“ધ્યાન રાખજે હો શીવ્લા” માંને હજુ દીકરાની ચિંતા હતી.

પણ શીવુનો હરખ માતો નહોતો. બસ હવે તો જીંદગી બદલાવી જાશે શીવુને તો એ જ દેખાતું હતું.

બીજો દિવસ ઊગ્યોને શીવુ કારખાનેથી રાઘવશેઠની કારમાં બેસીને એક સૂનસાન વિસ્તારમાં આવેલા દવાખાને પહોંચ્યો. ત્યાં તેને પોતાના જેવા જ બીજા ૮-૧૦ મજૂરોને પણ જોયાં તેવો પલંગ પર સૂતાં હતાં.

“આ બધાં પણ કીડની આપવા આવ્યા છે.?” શીવુએ પૂછ્યું.

“હાં આ બધાની જીંદગી પણ હવે સુધરી જશે તારી જેમ જ...” રાઘવશેઠે શીવુને કીધું.

“પણ શેઠ આ બધી કીડનીઓનું તમે શુ કરશો?”

“અમે આ કીડનીઓથી લોકોના જીવ બચાવીએ છીએ.”

“હારુ હારું શેઠ” શીવુએ કીધું

પણ ભોળા શીવુને કોણ સમજાવે કે આ લોકો કીડનીનું બ્લેક માર્કેટ ચલાવે છે અને લાખો રૂપિયા કમાઈ છે. બીચારો શીવુ!

૩-૪ કલાક ઓપરેશન ચાલ્યું અને શીવુની કીડની કાઢી લેવામાં આવી. પછી ૨-૩ દિવસ તેને ત્યાં રાખી થોડી સારવાર ચાલી. પછી દવાઓ અને ૫ લાખ રૂપિયા દઈ શીવુને ઘરે મોકલી દેવાયો.

૫ લાખ રૂપિયા મેળવીને શીવુની જીંદગી પલટાઈ ગઈ. શીવુનું દેણું ચુકવાઈ ગયું. ભાડાનું નાનું મકાન રાખ્યું. ભાઈ બેનને નિશાળમાં દાખલ કર્યા. પાણીપુરીની લારી ખોલી અને શીવુ પ્રગતિના પંથે ચડ્યો. થોડા પૈસા વધ્યા હતા તે બેંકમાં મૂક્યા. અને એક ભાઈબંધની સલાહથી જીવન વીમો કરાવ્યો. આમને આમ ૨ વર્ષ નિકળ્યા અને શીવુને ૧૯મું બેઠું. ૨ વર્ષમાં શીવુએ પોતાના પરિવારને ઘણી સુવિધાઓ આપી. અને જીંદગીમાં ખુશહાલી આવી ગઈ. પણ આ તો કિસ્મત છે સાહેબ ક્યારે શું કરી નાખે કોને ખબર!

એક દિવસ એક દિવસ અચાનક શીવુને કીડનીનો દુખાવો ઉપડ્યો. શીવુ દાક્તર પાસે ગયો. દાક્તરે એક્સ રે અને રિપોર્ટસ જોઈને કહ્યું...

“ભાઈ તારી એક કીડની ક્યાં?”

અને શીવુએ દાક્તર સાહેબને બધું જ સાચું કહી દીધું. શીવુના ત્યાગની વાત સાંભળી દાક્તર સાહેબની આંખે ઝળઝળીયા આવી ગયાં. દાક્તરે કીધું ....

“શીવુ, તારી સાથે દગો થયો છે..!”

“સાહેબ કેવો દગો?”

“તારી એક કીડની કાઢવાના બદલે બેઉં કીડની કાઢીને કોઈની અડધી ખરાબ થયેલી કીડની તારા શરીરમાં દાખલ કરવામાં આવી હતી. જે ૨ વર્ષે ખરાબ થઈ ગઈ છે. સાચું કહું તો તારી પાસે સમય બહુ ઓછો છે.”

“કેટલો ટેમ જીવીશ હું?”

“કદાચ એક મહિનો”

“ભલે સાઈબ.. જે થયું એ મારા નસીબ...”એમ કહીને શીવુ ગયો....

ભાઈ બેનને સમજાવ્યા ...

“ તમે બેય ખૂબ ભણજો અને નોકરી કરજો હો....રોજ નિહાળે જાજો...”

“ભાઈ તું ક્યાંય જવાનો છો? શીવુનો ભાઈ બોલ્યો

“હા હું બવ લાંબા ગામતરે જવાનો છું”

“ક્યા જવાનો ભાઈ અમે પણ સાથે આવીએ?” શીવુની બેને પૂછ્યું..

“ના ત્યાં મારે એકલાને જ જવાનું શે...”શીવુ એ હતાશ અવાજે જવાબ આપ્યો.

શીવુ માંના ખોળામાં માથું રાખીને સૂતો સૂતો બોલ્યો...

“માળી તને ખબર જીવન વીમો એટલે હૂ?”

“ના દીકરા ઈ શું વળી..?”

“જો મને કાંઈક થાય કરે ને તો તમને સંધાયને ૭ લાખ રૂપિયા મલશે...”

“આવું બોલતો નઈ કયેય...સો વરહનો થા મારા દીકરા... મારું જીવતરેય ભગવાન તને દય ધ્યે...!” માં ગળગળા સ્વરે બોલી.

શીવુ એક શબ્દ પણ ના બોલી શક્યો....

અને ૨ અઠવાડીયા પછી શીવુની આંખો હંમેશાં હંમેશા માટે બંધ થઈ ગઈ… શીવુ મરી ગયો....પણ પેલા જીવન વીમાના પૈસાથી પરિવારની જીંદગી સુધારો ગયો...

***