માટીની મહેંક Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માટીની મહેંક

'માટીની મહેંક‘

ભારતના નકશામાં ગુજરાતના ચરોતર વિસ્તારમાં આવેલું તેના હાર્દ સમું લીલુંછમ નગર નડિયાદ જૂના જમાનાનું નટપુર એ જ મારી માનો ખોળો. આજે અન્ય શહેરોની જેમ ભીડભાડ, વાહનો અને ફેકટરીઓથી મેલો થયો હોય તો ય મને વ્હાલો। ચરોતરી બોલીની ખરબચડી મીઠાશ 'ચાં થી આયા છો ? બેહો, પોણી પીશો કે ?' સાંભળો કે નાગરોની શુદ્ધ મધમીઠી વાણી કાનને રંજીત કરે.

લીબુંની વાડીઓ, ઘઉં, બાજરી અને તમાકુના ખેતરોથી લહેરાતા નડિયાદ ગામની શેઢી નદીના છીછરાં પાણીમાં અમે છબછબિયાં કરતાં, ગોરાડુ સોનવર્ણી માટીમાં પડતાં -તોફાન કરતાં. અમને ગામની નદીએ વાર તહેવારે બા સાથે જવાનો લહાવો મળતો. નદીની એ લિસ્સી માટીની સોંઘી મહેંક આજે પણ તરોતાજા છે. કોલેજમાં ગયા પછી સાઇકલ લઈ પૂ. મોટાના હરિઓમ આશ્રમમાં અને નદીએ ફરવાં ઊપડી જતાં.

નડિયાદના નવ સાક્ષરો, નવ તળાવો અને નવ ભાગોળો અનુપમ. તેમાંય ગામની મધ્યેના સંતરામ મંદિરની અને તળાવની શોભા અનેરી. મોટા વિસ્તારમાં ફેલાયેલું તળાવ બહુ ગમે. ત્યાં જ છાંગેશ્વર મહાદેવનું મંદિર. તળાવની પાળે વડલાની છાયામાં અલૂણાંના વ્રતના દિવસોમાં ઝૂલે ઝૂલતાં. રેશમી નાનકડી કોથળીમાં કાજુ -દ્રાક્ષનું ચાવણું લઈ આખો દિવસ મંદિરની આસપાસ લંગડી, પગથિયાં, દોરડાં કૂદવાનું રમ્યાં કરતાં. .

1950ના અરસામાં માથે તગારું અને ચારણી લઈ બહેનપણીઓ સાથે ખારીપોળમાંથી નાગરવાડામાં થઈ સંતરામ મંદિરના પાછળના ભાગમાંથી ધૂળ ચાળીને વાસણ માંજવા લઈ આવતાં.

બા, ભાભી અને પડોશીની સ્ત્રીઓ માથે બેડાં મૂકી સન્તરામના કુવામાથી મીઠું પાણી લાવતી. કપડાં ધોવાનું તળાવના ઓવારે.

કોઈ વડીલ કહેતું, 'તળાવની પાળે બેસી ગોવર્ધનરામ 'સરસ્વતીચંદ્ર ' લખતા. ત્યારે તે વાત નહોતી સમજાઈ પણ પછી કોલેજના વર્ષોમાં 'સરસ્વતીચંદ્ર ભા. બે. ' નો અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે સાક્ષરની એ વંદનીય પ્રતિભા જાણી. આજે નડિયાદમાં ગોવર્ધનરામનું નિવાસસ્થાન સ્મૃતિમંદિર

તરીકે સચવાયું છે, મારા જેવા સાહિત્યપ્રેમીઓ માટે પ્રેરણાસ્થાન છે. હાલ ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં ડો. કુલીનચન્દ્ર યાજ્ઞનિકના માર્ગદર્શનથી દર ગુરુવારે સાંજે યુવાન સર્જકો અને ભાવકો ચર્ચાવિચારણા કરવા મળે છે.

નડિયાદના નાગરવાડાની નજીકની ખારીપોળમાં મારું ઘર એટલે દોડીને નાગરવાડે રહેતી સખી ગીતાને ત્યાં રમવા વાંચવા જતી રહેતી. બંસીભાઇ દેસાઈ એના પિતા જાણીતી લાઈબ્રેરી ડાહીલક્ષમીના સંચાલક. પછી પૂછવાનું જ શું? પુસ્તકો ભરેલાં કાચનાં કબાટો એવા લલચાવે કે પાઠ્યપુસ્તકો વિસરાયાં અને ગુજરાતી નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યોએ મન પર કબ્જો જમાવી દીધો ! આજે ડાહીલક્ષમી લાયબ્રેરીમાં દર મહિનાના અંતિમ રવિવારે 'ગ્રન્થનો પંથ ' કાર્યક્રમ થાય છે. જાણીતા સાહિત્યકારને સાભળવા રસિકો મોટી સઁખ્યામા આવે છે. નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને વાર્તાસંમેલનો થઈ ચૂક્યાં છે. હાસ્યલેખક બકુલ ત્રિપાઠી અને મહાગુજરાતના અગ્રેતા સ્વાભિમાની ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રદાનથી ગુજરાત મહેકે છે. હાલ ડો. હસિત મહેતા ( મહિલા કોલેજના પ્રિન્સિપાલ ) નડિયાદમાં સાહિત્યિક પ્રવુતિઓને નવો આયામ આપે છે. મારાં બે પુસ્તકોનું વિમોચન એમણે મહિલા કોલેજમાં જાણીતા કવિ, વાર્તાકાર, વિવેચક પ્રો. પુરુરાજ જોશીના (નડિયાદના વતની, સાવલીમાં પ્રો. ) હસ્તે ગોઠવેલું.

નડિયાદ (જિ. ખેડા) નગરના સંતો, સાક્ષરો, સાહસવીરો, સ્વાતંત્રસેનાનીઓ મારા જેવા વતનીઓ માટે નડિયાદની માટીનું ગૌરવ છે. રાજકારણ અને સામાજિક ક્ષેત્રે સ્વ. બાબુભાઇ પટેલ, દિનશા પટેલ અને દેસાઈવગાના ક્રાતિકારીઓએ નડિયાદનો વિકાસ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. 1930 ની સાલ પૂર્વેથી સાહસિક પટેલ કોમ ધન્ધા, વ્યાપાર અર્થે પરદેશમાં નડિયાદનું નામ રોશન કરી રહ્યા છે. ગામના ધર્મ અને સાહિત્યના વાતાવરણે મારા જીવનને દિશા અને દ્રષ્ટિ આપી તે બદલ ઋણી છું.

નડિયાદ એટલે પદયાત્રાનું ગામ. નડિયાદ સ્ટેશને ઉતરી ચરણથી ચાલવા માંડીએ તો દાયકાઓથી નગરને સમય બતાવતું ટાવર દેખાય. આ ટાવરના ઘૂમટ નીચે વિશાળ હોલ નડિયાદની સાંસ્કૃતિક પ્રવૃતિનું કેન્દ્ર. હવે બીજા ઘણા હોલ થયા છે. 1947માં સૌ પ્રથમ ત્રિરંગો ધ્વજ એ ટાવર પર ફરકેલો ત્યારે લોકોની ભીડભાડમાં બાપુની આંગળી પકડી હું રડતી હતી એટલે એમણે ઉંચકીને જલેબી વહેંચાતી હતી તે મને આપી. જલેબીની ખાતા આઝાદીની ખુશીમાં હસી પડેલી . નડિયાદમાં ચાલીને મંજિલે પહોંચી જવાય. આજથી પાંચ દાયકા પૂર્વે ઘોડાગાડીઓ સ્ટેશન વિસ્તારમાં ઊભી રહેતી, ડબડક ડબડક દોડતી ઘોડાગાડીમાં ફરવાની મોજ પાંસળાને હજી રોમાન્સ આપે છે. હવે રીક્ષાઓ અને ટેક્ષીઓ દોડે છે.

આજે પણ 'ભૂલભૂલામણી શી ગલીઓ ને પોળ મહીંયે પોળો ' ના પથરા જડેલ રસ્તે ચાલવાની મસ્તી હું માણું છું. દર એક -બે વર્ષે વતન જવાનું ને ટેનિસ શૂઝ પહેરી એ ગલીઓમાં, પોળોમાં ટહેલવાનું. મસ્ત કવિ બાલાશઁકરના કંથારિયા ચકલે અને ગોવર્ધનરામ માર્ગ પર ચાલતા અનેરાં સંવેદનો ઊમટે 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ ' ગૂંજે ત્યારે જીવનમાં કેવી ખુમારી આવે ! દિવાળી પોળમાં મણિલાલ નભુભાઈ દ્રિવેદીના ઘરમાંથી 'કહીં લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે ' ના પડઘા જીવનમાં નવું બળ પ્રેરે ! ગામની બીજી તરફ ભાટવાડામાં રઘુનાથ બ્રહ્મભટ્ટના નાટકોની યાદ તાજી થાય. મોગલેઆઝમનું

મોહક ગીત 'મોહે પનઘટ પે, નંદલાલ છેડ ગયો રે ' રસકવિની અણમોલ ભેટ. આજે ય રસિકોને ગમે છે. તેવી જ દેસાઈવગાના હવેલીસંગીતની મોહિની અદભુત હતી.

પુરાણા ધરોના કારીગિરિવાળા દરવાજા, ટોડલા, ઝરૂખાઓથી શોભતી એ શેરીઓ આજે વાહનોથી અકળાતી હશે !! દિવાળી પોળનું મારું શ્વસુર ગૃહ આજે બહુમાળી બિલ્ડિગ થયું છે. સમય નગરમાં પરિવર્તન કરી કેવું વિસ્મય સર્જે છે, તે ય મુગ્ધ નજરે નિહાળું છું. નિરાંતે બંધાયેલા સ્થાપત્યકલાના નમૂના જેવી એ હવેલીઓ અને ઘરો આજે હેરિટેજના શોખીનો માટે જોવા માટે ઉપલબ્ધ છે. પેસાપાત્ર લોકો નગરની બહાર સોસાયટીમાં રહેવા ચાલ્યા ગયા છે.

નડિયાદમાં જી. પી. એસની જરૂર વતનીને ન લાગે કેમકે સ્ટેશનથી નાકની દાંડીએ ચાલ્યા કરવાનું.

સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા આગળ ચારરસ્તા. ડાબી બાજુના રોડ પર અનાથાશ્રમ અને મીશન હોસ્પિટલ. જમણી બાજુ ના રસ્તે સંતરામમંદિર પહોંચી જવાય. હા, વચ્ચે ડુમરાલ બજારના રસ્તે ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ફોર ગર્લ્સ આવે જ્યાં ગામની છોકરીઓ સાથે હું ભણતી. પછી સન્તરામ રોડ એ જ દાંડીકૂચ માર્ગને નામે ઓળખાય છે . સ્વાતંત્રસેનાની મારા સ્વ. પિતાશ્રીને મુખે સાંભળેલી દાંડીકૂચની વાતો મારા બાળમનને માટે રસનો ખજાનો હતી.

સંતરામમંદિરમાં 1930ની સાલમાં દાંડીકૂચના માર્ગે મહાત્મા ગાંધીજીએ સભા ભરેલી અને રાતવાસો કરેલો.

સંતરામમંદિરની સંત ભૂમિમાં નડિયાદનો પ્રાણ ધબકે છે, ઊચનીચના ભેદભાવ વગર સૌ ભાવિકોને આવકારતું એ તીર્થધામ છે, વિનામૂલ્યે સેવા કરતાં દવાખાનાં ચલાવતી અને અનેકવિધ સેવા કરતી અજોડ સંસ્થા છે. ' સાહિત્યકારો અને કલાકારોનું બહુમાન કરી શાલ ઓઢાડે. હાલના રામજી મહારાજ તરફથી મને એ માન મળેલું ત્યારે વતને કરેલી કદરથી ગદગદ થઈ હતી.

'જય મહારાજ 'એનો મંત્ર નડિયાદની નાડી છે, ગમે તેવી કટોકટીની સ્થિતિમાં મહારાજની આજ્ઞા નડિયાદ માથે ચઢાવે તેવો તેનો ઇતિહાસ છે. 2017માં હું નડિયાદ હતી ત્યારે પૂ. મોરારીબાપુની કથાનો શમિયાણો એવો ભવ્ય તૈયાર થયેલો કે રોડ બન્ધ. મહા મહિનાની પૂનમે ભરાતો મેળો એવો જામે કે દૂર ગામડેથી ગાડાંમાં લોકો ઠલવાય. ચારેક દિવસ રોડ બન્ધ, વાહનો અન્ય માર્ગે કામે જાય. સંતરામ મંદિરના ચોગાનમાં પૂનમે સાકર ઊછળે, જાણે મીઠી ગાંગડીઓનો વરસાદ ! મારી જીભ એ સાકરની મીઠાસ મમળાવે છે.

નડિયાદમાં વિઠઠલ કન્યા વિદ્યાલય બહેનો માટે આઝાદી પૂર્વે (1931) અસ્તિત્વમાં આવેલું આદર્શ કેળવણી ધામ છે. સરદાર વલ્લભભાઈપટેલ અને મોટાભાઈ વિઠઠલભાઈની કર્મભૂમિ નડિયાદ. ગાંધીજીના કેળવણી વિશેના વિચારોને મૂર્તિમંત કરે છે. સર્વાંગી કેળવણી તેનો પાયો છે. બહેનોને સર્વ કાર્યોની દક્ષતા અને સ્વાલંબી કરવાની બધી જ પ્રવુતિ તરફ લક્ષ્ય અપાય છે. શિસ્ત સ્વછતા અને સાદગી દેખાઈ આવે. મારા કુટુંબની દીકરીઓ વિદ્યાલયમાં ભણી આજે અમેરિકામાં સફળતાને વરેલી છે. ત્યાંની ઘરના કાર્યો જાતે કરી લેવાની તાલીમ ખૂબ કામે લાગી.

ખાદીના સફેદ યુનિફોર્મ અને શિક્ષકો માટે ખાદીના પહેરવેશ જરૂરી. રેંટિયા પર આજે પણ બહેનો કાંતે છે. બહારગામની બહેનો માટે રહેવાની સારી સગવડ પણ બધું જ કામ રસોડાનું, સાફસૂફીનું જાત મહેનત જિંદાબાદ. વુક્ષની ઘટાથી હરિયાળું વિઠઠલ કન્યા વિદ્યાલયનું માઈલોમાં વિસ્તરેલું પ્રાગણ યુનિવર્સીટીના કેમ્પ્સની હરોળનું છે. મારું માનીતું સ્થળ છે. તેની પાછળના ભાગમાં શ્રી અરવિદ સેન્ટરનું ત્રણ માળનું બિલ્ડિગ તેથી અચૂક જવાનું. સંતરામથી નાનકુંભનાથ રોડ પર જૈન ગુરુ શ્રીમદ રાજચન્દ્રની 'આત્મસિદ્ધિ ભૂમિ ' મોટું તીર્થ છે તો વચ્ચેના એક માર્ગ પર સ્વામિનારાયણનું વિશાળ મંદિર નડિયાદની શાન છે. શ્રી. માઇમંદિરના દર્શન તો ટ્રેનમાંથી થઈ જાય.

આજુબાજુના ગામડાંઓ સાથે સંકળાયેલા નડિયાદમાં ચકલે, પોળે મંદિરો (વિશેષ મહાદેવના ) છે તેમ દવાખાનાં અને હોસ્પિટલોની સગવડ પણ ઠેર ઠેર છે . આયુર્વેદ, મહાગુજરાત ઉપરાંત સિવિલ હોસ્પિટલ દર્દીઓને સેવા પૂરી પાડે છે. પર પ્રાતના અને વિદેશી ડોકટરો પણ નડિયાદમાં આવી વસ્યા છે.

ભારતભરમાં જાણીતી નડિયાદની કિડની હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. હોસ્પિટલને કારણે લોકલ બજારને ઘણો ફાયદો થયો છે. પહેલાનો ગામપારનો એ વિસ્તાર ખૂબ વિકાસ પામ્યો છે. એ જ રોડ પર ચાલીસ વર્ષો પૂર્વે લીધેલો મારો બંગલો ચારે બાજુ બહુમાળી બિલ્ડીગો, હોટેલો અને મોલથી ધેરાયો છે. ગામથી દૂર મકાન લેવાનું કારણ કોલેજમાં પ્રાધ્યપકની નોકરી હતું. પાછળના ખેતરોમાં કોલેજ કેમ્પસ પથરાયું છે.

નડિયાદ એજ્યુકેશન સોસાયટીની બધી ફેકલ્ટી ખૂબ જાણીતી છે. ઉત્તરસંડા રોડ કોલેજરોડ તરીકે જાણીતો છે. શહેરની ઝાકઝમાળ અને યુવાનીનો રૂબાબ આંખે વળગે. ભારત ભરમાંથી નડિયાદની ડી. ડી. આઈ ટી એન્જીન્યરીગ કોલેજમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે. નડિયાદ દાનવીરોનું ગામ છે. કોલેજો, હોસ્પિટલો, અનાથાશ્રમ, બહેરામુંગાની શાળા અને બીજી અનેક સંસ્થાઓમાં અવિરત દાનનો પ્રવાહ પરદેશે વસેલા વતનપ્રેમીઓ દ્વારા વહેતો રહે છે.

કોલેજરોડ પર પૂરપાટ ઉત્તરસંડા જાવ એટલે અથાણાં, પાપડની સોડમ પકડી લે. નડિયાદ-ઉત્તરસંડા રોડ પર હારબંધ પાપડ, મઠિયાની ફેકટરીઓ. આજુબાજુના વિસ્તારની બહેનો માટે રોજગારીનું સાધન બન્યું છે. દેશ-પરદેશ પાપડની માંગને પૂરી પાડે છે. પાપડની વાત આવી તો ગરબડદાસના પેડા, ચવાણું અને નવીનચદ્રના ફરસાણો ગુજરાતીઓનો પ્રિય નાસ્તો લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા... સર્વત્ર ટેસથી ખવાય છે.

નડિયાદમાં ન્યૂ શોરક મિલ્સ અને ધર્મસિંહભાઈ દેસાઈની ફેકટરીઓ, ઈપ્કોના વ્યવસાય, અને તમાકુની દેશી બીડીઓના કારખાના નોકરીની તકો પૂરી પાડે છે. નવા મોલ, વિશાળ બજારો તથા બહુમાળી બિલ્ડીગો નડિયાદની સુરત બદલી રહ્યાં છે પણ એની ગલીઓ, પોળોની સંસ્કૃતિ જીવંત છે. શિયાળામાં ખેતરોમાં શેકાતું માટલાનું ઉંધીયું અને પોંકની મીઠાશ હજી તાજી છે.

સંતો અને સાક્ષરોની તીર્થભૂમિ નડિયાદના ચરણે 'જય મહારાજના 'આશીર્વાદથી મારા શબ્દસર્જનની ફૂલની પાંખડી અર્પવા સમર્થ બનું તેવી અભ્યર્થના.

'જનની જન્મભૂમિ, સ્વર્ગલિપિ ગરિયસી કુર્યાત સદામંગલમ '

જય ગુર્જર ગિરા.

તરૂલતા મહેતા