ટ્રેપ્ડ - 4 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રેપ્ડ - 4

Trapped 4

(ટ્રેપ્ડ 4)

રાજસ્થાન બોર્ડરથી ઘરે આવતા ટ્રેનમાં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને છાયા શર્મા નામની સ્વરૂપવાન સ્ત્રી મળ્યા પછી બંને વચ્ચે લાગણીનો તંતુ જોડાયો. સર્જીકલ સ્ટ્રાઇક માટે સૂર્યપ્રતાપસિંહને તાત્કાલીક દિલ્હી જવાનું થયુ. 29 સપ્ટેમ્બર, 2016ના દિવસે પાકિસ્તાન વિરુધ્ધ કરેલા સર્જીકલ સ્ટ્રાઇકમાં તેમને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી એક્સ્ટ્ર્રીમ ટોર્ચરથી પૂછપરછ કરે છે, પરંતુ સૂર્યપ્રતાપસિંહ દરેક ટોર્ચરને સહન કરી એક શબ્દ પણ બોલતા નથી. છેવટે તેમની પૂછપરછ કરવા આ ટેરેરીસ્ટ ગ્રુપની હેડ – કોઇ લેડી આવે છે, જે બીજું કોઇ નહીં પણ છાયા જ હોય છે. સૂર્યપ્રતાપસિંહને આ જોઇ ઘણો આઘાત લાગે છે. છાયા તેમની જણાવે છે કે સૂર્યપ્રતાપસિંહ સાથેની તેની મુલાકાત અને દરેક બાબત તેમના પ્લાનનો જ એક ભાગ રહ્યો છે. આ સાથે દેશની મોટી બેંકમાંથી તેમના ટેરેરીસ્ટ ગ્રુપના એકાઉન્ટમાં 10 મિલીયન ડૉલર્સ ટ્રાન્સફર કરાશે જેનો ઉપયોગ દેશની યુવા પેઢીને ભયાનક ડ્રગ્ઝની આદતમાં ખતમ કરવા કરાશે. ડ્રગ્ઝના ડોઝને કારણે સૂર્યપ્રતાપસિંહ અસહાય બની બેહોશ જેવી સ્થિતિમાં રહ્યા હતા.....

હવે આગળ.....

ડ્રગ્સને કારણે મારી આંખ ઘેરાવા લાગી હતી. લેપટોપમાં કોઇ પાસવર્ડ આપી તેણે કહ્યું, “ઓકે. લેટ્સ ધ કાઉન્ટ ડાઉન બીગીન.” અને કોઇ બેંકમાંથી આમના એકાઉન્ટમાં મની ટ્રાન્સફર થવાની શરૂઆત થઇ.

હું સાવ ઢળી પડ્યો. મારી તરફ આવી કહ્યું, “ ઓકે, હવે તમને બાંધી રાખવા જરૂર નહીં, લેટ મી મેક યુ ફ્રી.” આ કહેતા તેણે મારા બાંધેલા હાથ પગ છૂટા કરવા જણાવ્યુ.

મારા હાથ પગ છૂટતા જ હું જમીન પર ઢળી પડ્યો. બીજા બધાને બાજુમાં ખસેડી તે જાતે જ મારી પાસે આવી. આ ક્ષણનો લાભ લઈ ઊભા થઈ એક જ પળમાં તેનું ગળુ મારા હાથ વચ્ચે દબાવ્યું. બધાએ મારી તરફ ગન તાકી.

“અગર એક ભી ગોલી ચલી, તો યે મેડમ ભી મેરે હાથ સે ગઇ સમજો..!” ઘડીભરમાં ઘણી અફડાતફડી થઇ ગઇ. હવે જરા બાજી મારા હાથમાં આવી તેમ લાગ્યુ, પણ ડ્રગ્સને કારણે મારી આંખ આગળ વારંવાર અંધારૂ આવી જતુ હતુ, પરંતુ હવે હિમ્મત હારવા જેવું ના હતુ. દરેકના વેપન્સ નીચે નાખી ઉલટા બેસવા કહ્યું અને છાયાની જ ગન તેના માથા પર ટેકવી. તેને પેલા લેપટોપ સાથે આ રૂમથી બહાર લઇ ગયો. હું કોઇ મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગમાં કેદ હતો તે ખ્યાલ હવે આવ્યો. નીચે ઘણા ટેરેરીસ્ટ જોઇ તેને સામેના રૂમમાં લઇ જઇ દરવાજો લોક કર્યો. છાયા હસતી હતી.

“સૂર્યપ્રતાપસિંહ, હવે કાંઇ જ નહીં થઇ શકે. આ ટ્રાન્સફર કોઇથી નહીં રોકાય.”

છાયા પાસેથી લેપટોપ લઇ મેં ઘણા અલગ અલગ પાસવર્ડ આપ્યા, પણ કોઇ પાસવર્ડથી એક્સેસ ના થયું. છાયાના હાસ્યથી ગુસ્સે થઇ ગનના પાછલા ભાગે જોરથી મારી તેને એક તરફ ફંગોળી. મોંમાંથી લોહી થૂકી ફરી તે હસતી રહી.

“તમે ગમે તેટલી કોશીશ કરો, કંઇ જ નહીં થવાનું..!”

બેલેન્સ ટ્રાન્સફર 85% આગળ વધતું જતું હતું. ફરી પાસવર્ડ આપ્યો ‘સૂર્યપ્રતાપસિંહ’, પણ પાસવર્ડ રીજેક્ટ જ..! આ બેલેન્સ ટ્રાન્સફર અટકાવવા કોઇપણ સંજોગોમાં પાસવર્ડ આપવો જરૂરી હતો. આટલી મોટી રકમથી દેશની ઘણી બધી બેંક ફડચામાં જશે, દેશનું અર્થતંત્ર ઘણું ડામાડોળ થઇ જશે અને સાથે આ રકમનો ઉપયોગ દેશની યુવા પેઢીને ડ્રગ્ઝના નશામાં ધકેલવા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં કરાશે તે વિચારમાત્રથી હું ધ્રુજી ગયો. બેલેન્સ ટ્રાન્સફર 90%સુધી ગયું.

“સૂર્યપ્રતાપસિંહ, ઇટ્સ ઓલ ઓવર..!” સામેથી હસતા હસતા બોલતઈ છાયા તરફ નફરત સાથે જોયું. અચાનક કંઇક વિચાર આવ્યો.

લેપટોપ તરફ ફર્યો. બેલેન્સ ટ્રાન્સફર 97%સુધી ગયું. કદાચ આ મારો છેલ્લો જ પ્રયત્ન હતો. મેં લેપટોપના કી બોર્ડ પર ટાઇપ કર્યું ‘ઇટ્સ ઓલ ઇન ફેટ’ અને પાસવર્ડ એક્સેપ્ટેડ. મે તરત જ 99%સુધી પહોંચેલું બેલેન્સ ટ્રાન્સફર અટકાવ્યુ. છાયા તરફ જોઇ કહ્યું, “ડીયર, ઇટ્સ ઓલ ઇન ફેટ..!” અને લેપટોપમાં ચેંજ પાસવર્ડ કરી પાસવર્ડ બદલ્યો અને લેપટોપને જોરથી પછાડી તેના ટૂકડા કરી નાખ્યા. છાયા કોઇ વિફરેલી વાઘણની જેમ મારા પર કૂદી. થોડી ઝપાઝપી પછી તેને માથાના ભાગે મારતા તે બેહોશ થઇ ઢળી પડી.

હવે મારે ગમે તેમ આ જગ્યાથી બહાર નીકળવું જરૂરી હતું. મને આપેલા ઇન્જેક્શનના ડોઝને કારણે ઘેરાતી આંખને ખુલ્લી રાખવા પાસે પડેલા પાણીના ડ્રમમાં માથુ બોળ્યુ. રૂમની બારી બહાર જોયું તો ખ્યાલ આવ્યો કે હું લગભગ પાંચમા માળે હતો. મારા રૂમના દરવાજા બહાર ફાયરીંગનો અવાજ થયો. બહરથી કોઇ તે રૂમને તોડવા પ્રયત્ન કરતા હતા. મારી પાસે બહાર નીકળવા માટે બારી સિવાય અન્ય કોઇ માર્ગ ના દેખાતા બારીથી બહાર નિકળ્યો. ત્યાં પાણીની પાઇપના સહારે નીચે ઉતરવા લાગ્યો. ઉપર રૂમમાં મોટો ધડાકો સંભળાયો. રૂમની બારીથી કેટલાકે મારી તરફ ગોળીઓનો વરસાદ કર્યો. એક ગોળી મારા જમણા ખભાને ચીરી પાર નીકળી ગઈ. એકાદ માળની ઊંચાઇથી હું નીચે પછડાયો..! ઊભા થઈ લંગડાતી ચાલે હું દિવાલના ખૂણા તરફ વળ્યો. ત્યાં ઊભેલા ટેરેરીસ્ટની ગરદન મરોડી તેના હથિયાર મેળવ્યા. હાથમાં વેપન આવતા જ મારામાં જાણે અલગ તાકાત આવી ગઈ. બિલ્ડીંગની સામેના ગેરેજ જેવા મકાનની આડશમાં રહી મેં પણ કાઉન્ટર ફાયર શરૂ કર્યુ. એક..બે..ત્રણ..ચાર...કરતા કરતા વીસેકને તો આ એક જ મેગ્ઝીનની ગોળીઓથી ઢાળી દીધા. ક્યાંય પછી કમરના ભાગે દુ:ખાવો લાગતા જાણ્યું કે ત્યાં પણ મને ગોળી વાગી હશે. મને ખ્યાલ આવી ગયો હતો કે આ બધા ષડયંત્ર પાછળ અમારા જ સેક્શનમાંથી કોઇ જોડાયેલુ છે. આ વાત આર્મી ચીફને જણાવવા માટે મારે કોઇપણ હિસાબે જીવતા નીકળવા ઇચ્છા હતી.

ઘાયલ હાલતમાં હું પાસેના કંટ્રોલ રૂમ સુધી પહોંચી ગયો. ત્યાં મારો સામનો 4 - 5 જેટલા ટેરેરીસ્ટ્સ સાથે થયો. ધાણીફૂટ ગોળીઓથી મેં તેમને ત્યાં જ ઢાળી દીધા અને કંટ્રોલ રૂમને અંદરથી લોક કરી દીધો. અંદર મારા પ્લેસનું લોકેશન જાણ્યું. મને પૂંછ જીલ્લાના સૂકબાલ નામના શહેરની બહારના ભાગમાં કેદ રાખવામાં આવ્યો હતો. તરત જ ટ્રાન્સમીટરથી ઇન્ડિયન આર્મીના કંટ્રોલ રૂમમાં મેસેજ કરી મારું લોકેશન 33.77°N, 74.1°E જણાવ્યું. થોડી જ વારમાં આર્મી અહીં પહોંચી જશે. બહારથી કંટ્રોલ રૂમ પર મોર્ટારથી હુમલા શરૂ કરાયા. સમયસૂચકતા વાપરી ઝડપથી પછળની બારીથી બહાર કૂદી ઢોળાવથી નીચે ગબડતો પડ્યો, ત્યાં જ એક મોટા ધડાકા સાથે આખો કંટ્રોલ રૂમ સળગી ગયો. નીચે રોડ તરફ જોતા જ મારી સામે હાથમાં ગન લઈ છાયા ઉભેલી હતી. નીચે પડતા કમરમાં ભેરવેલી ગન ક્યાંય પડી ગઈ તે ખ્યાલ ના રહ્યો.!

“સૂર્યપ્રતાપસિંહ, તમે ઘણું નુકશાન કર્યું..! મારે તમને પહેલેથી જ મારી દેવો જોઇતા હતા..!”

“ડોન્ટ ટેક ઇટ પર્સનલ, ઇટ્સ ઓલ ઇન ફેટ છાયા..! હમણા જ આર્મી ગ્રુપ આવી મને લઈ જશે, અને તારો ડેડ એન્ડ..!”

“આર્મી આવશે જરૂર, પણ અહીં તમારી ડેડ બોડી જ મળશે. કોઇ લાસ્ટ વીશ..?” ટ્રીગર પર હાથ વધુ મજબૂત કરી પૂછ્યુ.

“બસ એક વાર સાચું કહેજે....તે ક્યારેય મને એક પળ માટે પણ પ્રેમ નહોતો કર્યો..?” આ પૂછતા મારી આંખમાં પાણી આવી ગયું.

“યુ આર રીયલી સ્ટ્રેન્જ. સામે મોત હોવા છતા હજુ પ્રેમ યાદ આવે છે..?”

“હું સાચુ જાણી જવા માંગુ છું.” તેને આમ વાતમાં રાખી પાસે પડેલ તૂટેલી ચાકૂ છાયા તરફ ફેંકી. અચાનક ઘા કરવાથી તે ચાકૂ તેના ચહેરા પર લોહીનો લસરકો કરતો ગયો. હું તેની તરફ દોડું તે પહેલા જ એક ગોળી મારા શરીરની આરપાર થઈ ગઈ. હું ફસડાઇ પડ્યો. લોહી નીકળતા ચહેરે છાયાએ એક એક કરી મારી છાતીમાં 5 ગોળીઓ ધરબી. ધગધગતી ગોળીથી બળતા શરીર માંથી લોહીની ધાર નીકળવા લાગી. મારી આંખ ઘેરાવા લાગી. ધૂંધળી દ્રષ્ટિથી દેખાતી છાયાના છેલ્લા શબ્દો કાને પડ્યા, “ઇટ્સ ઓલ ઇન ફેટ..!” છાયા પાછળ તેની છાયા છોડી અલોપ થઈ ગઈ. લગભગ ત્રણેક કલાક આમ જ પડી રહ્યા પછી આર્મીની ગાડી આવતી જોઇ. મને ઊંચકી સ્ટ્રેચર પર સૂવડાવી તત્કાલિક ચોપરથી લઈ જવાયો. ઑક્સિજન માસ્ક પહેરાવતા જ થોડીવારમાં મારી આંખ ઘેરાઇ ગઈ.

ઘણા સમય પછી ભાન આવતા હું આઇ.સી.યુ.માં હતો. મારો આખો પરિવાર મારી આસપાસ ઊભો હતો. મારા આર્મી ગ્રુપના ફ્રેન્ડ્સ પણ મારી આસપાસ હતા. મારી પાસે યુનિફોર્મમાં સજ્જ મારો ભાઇ સ્કૉડ્રન લીડર રાજવીરસિંહ ઊભો હતો. તે વારે વારે મને કાંઇક પૂછતો હતો. હું ઘણું બોલવા પ્રયત્ન કરતો હતો, પણ કાંઇ બોલાતું ના હતુ. ખૂબ શ્વાસ ભરી હું મોટેથી ‘છાયા’નું નામ જ લઈ શક્યો. મારા ચડતા શ્વાસ સાથે પાસે રાખેલા કાર્ડીઓલોજી મશીનમાં અવાજના ફેરફાર થવા લાગ્યો. મારી આંખ આગળ અંધારુ ઘૂંટાવા લાગ્યું. એક મોટા આંચકા સાથે બધો અંધકાર..!

શહીદ સૂર્યપ્રતાપસિંહની અંતિમવિધી સસન્માન કરવામાં આવી. અગ્નિદાહ આપતા સ્કૉડ્રન લીડર રાજવીરસિંહના મનમાં એક જ નામ ઘૂંટતુ હતુ...‘છાયા’. રાજવીરસિંહને તે સમજતા વાર ના લાગી કે આ એક મોટું ટ્રેપ હતુ. પોતાના ભાઇના મૃત્યુનો બદલો વાળવા તેણે મનમાં કંઇક અલગ જ નિર્ધાર કરી લીધો..!

***