અન્યાય - 15 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અન્યાય - 15

અન્યાય

કનુ ભગદેવ

૧૫: અસલી ગુનેગાર અને અંત!

અજયની સામે થોડા વખત પહેલાં જ મૃત્યુ પામેલો શશીકાંત સદેહે ઊભો હતો.

કારમા ભયનું એક ઠંડું લખલખું વીજળીના કરંટની જેમ દિલીપના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.

‘ના...ના...તું શશીકાંત નથી...!’

‘તો પછી કોણ છું...?’ શશીકાંતના અવાજમાં કટાક્ષ હતો.

‘તું...તું...કોઈક બનાવટી વેશધારી છો’ અચાનક અજયે ત્રાડ પાડી.

‘કેમ...? હું મરી ગયેલા જેવો નથી દેખાતો?’ શશીકાંત હસ્યો.

‘તું ભલે બીજાને છેતરી શક્યો...તેમની આંખમાં ધૂળ નાખી શક્યો...પણ મને નહીં છેતરી શકે સમજ્યો? આજ સુધી ક્યારેય મારી નજર નથી છેતરાઈ. અલબત્ત, તારો ચ્હેરો આબેહૂબ શશીકાંત જેવો છે એ હું કબૂલ કરું છું. પણ તેમ છતાં ય તું શશીકાંત તો હરગીઝ નથી.’

‘શા માટે નથી?’

‘એટલા માટે કે શશીકાંત મૃત્યુ પામ્યો છે.’

‘તમે બધાએ જે લાશ જોઈ હતી, તે કોઈક બીજાની જ હતી.’ શશીકાંત બોલ્યો, ‘પરંતુ એને મારી લાશ તરીકે માની લેવામાં આવી. લાશનો ચ્હેરો સળગેલો હતો અને તે ઓળખી શકાય એવો નહોતો રહ્યો એ વાત તો તને યાદ જ હશે?’ વાત પૂરી કરીને એ ફરીથી હસ્યો.

‘ના, એ મૃતદેહ શશીકાંતનો જ હતો.’ અજયે મક્કમ અવાજે કહ્યું.

હવે એના અવાજમાં ભય કે ધ્રુજારી નહોતા.

‘એ મૃતદેહ શશીકાંતનો જ હતો, એની તને કેવી રીતે ખબર પડી?’

‘મને ખબર છે...અને હવે તું કોણ મૂઓ છો એ મારે જાણવું છે.’

‘હું શશીકાંત જ છું!’

‘બકવાસ...હું તને એક મિનિટનો સમય આપું છું.’ અજય તડુક્યો, ‘અને આ એક મિનિટમાં તું તારી વાસ્તવિકતા જાહેર નહીં કરે તો પછી ન છૂટકે હું તને શૂટ કરી નાખીશ.’

‘શૂટ કરવાનો શોખ તને ક્યારથી વળગ્યો છે અજય? આપણે ભાગીદાર હતા ત્યારે તો તને આવો કોઈ જ શોખ નહોતો.’ અજયની ચેતવણીને ગણકાર્યા વગર શશીકાંત બોલ્યો, ‘આપણે ભાગીદાર હતા ત્યારે તો તને આવો કોઈ જ શોખ નહોતો. સાચે જ મારા મોત પછી – મારી ગેરહાજરીમાં તું આટલોબધો બદલાઈ જઈશ તેવી તો મેં કલ્પના પણ નહોતી કરી.’

‘પંદર સેકંડ...!’ અજયે એની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર કહ્યું.

‘વારુ, આ રિવોલ્વર ક્યા નંબરની છે...?’

‘ચૂપ...નાહક જ તારો સમય વેડફાય છે. જીવતાં રહેવું હોય તો ફટાફટ તારી સાચી વાસ્તવિકતા જણાવી દે...પચીસ સેકંડ...!’

‘આ રિવોલ્વર પણ બત્રીસ કેલીબરની જ હોય એવું મને લાગે છે.’ શશીકાંત બોલ્યો.

‘પાંત્રીસ સેકંડ...!’

અજયે જોરથી દાંત કચકચાવ્યા.

‘જોકે આવી જ એક રિવોલ્વર પોલીસને સંતોષને ત્યાંથી પણ મળી આવી છે. અજય, તેં તથા સંતોષે રિવોલ્વરો એકસરખી ને એક સાથે જ ખરીદી હતી કે શું...?’

‘તો શું એ રિવોલ્વર હું તેને ત્યાં મૂકી આવ્યો છું એમ તું માને છે?’ અજયે તેની સામે ડોળા તતડાવતાં કહ્યું.

‘ના...તું તારા પગેથી એક ડગલું પણ નથી ભરી શકતો એ હું જાણું છું અને એટલે જ તું અત્યારે આટલો બેફિકર છે.’ શશીકાંત ઠંડા અવાજે બોલ્યો.

‘તારી વાત સાચી છે. હું નથી ચાલી શકતો. પણ મારું નિશાન અચૂક હોય છે વાત તું ભૂલતો નહીં. પચાસ સેકંડ વીતી ગઈ છે.’

‘તારા આ રમકડાંથી હું જરા પણ નાથ ડરતો અજય!’ શશીકાંતે કહ્યું, ‘તારી ઈચ્છા હોય તો તું એક મિનિટ પૂરી થયા પહેલાં જ ટ્રેગર દબાવી શકે છે. મારા તરફથી તને અ સેકંડે પણ ગોળી છોડવાની પૂરેપૂરી છૂટ છે.’

‘ખતમ...!’ અજય ભયંકર ધૃણાથી બોલ્યો, ‘એક મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે તું કોણ છે, એ મારે નથી જાણવું. ચાલ મરવા માટે તૈયાર થઈ જા.’ તેના અવાજમાં આગંતુક પ્રત્યે ભયંકર તિરસ્કાર હતો.

અને પછી ખરેખર જ અજયે પાગલની જેમ એક ગોળી છોડી.

બારી બહાર ઊભેલો દિલીપ એકદમ હેબતાઈ ગયો.

અત્યાર સુધી જાણે તે કોઈક થિયેટરમાં હોય તે રીતે અજય તથા શશીકાંતના ડાયલોગ સાંભળી રહ્યો હતો.

પરંતુ એ કરે પણ શું?

રૂમનું બારણું તો આગંતુક એટલે કે શશીકાંતે અંદર પ્રવેશીને બંધ કરી દીધું હતું.

બારીમાં લોખંડના સળીયા હતા.

એણે ગજવામાંથી રિવોલ્વર તો કાઢી, પરંતુ પછી લાચારીથી હોઠ કરડીને રહી ગયો.

પછી સહસા તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ.

અજયે છોડેલી પહેલી ગોળી નકામી ગઈ હતી.

ઓવરકોટધારી આગંતુક એટલે કે શશીકાંત પોતાની જગ્યા પર હતો જ નહીં.

‘રિવોલ્વરનો મને જરા પણ ભય નથી લાગતો એ મેં તને હમણાં જ કહ્યું છે અજય!’ અવાજ એક બીજાં ખૂણામાંથી આવ્યો હતો.

અને એ બીજાં ખૂણામાં જ શશીકાંત ઊભો હતો.

‘આ ગોળીઓની રમત બંધ કર દોસ્ત અજય! અને ચૂપચાપ મારી સાથે ચાલ! સંતોષ અને બિહારી પણ તને ખૂબ જ યાદ કરે છે! હું તને લેવા માટે જ આવ્યો છું. ચાલ, આપણે ચારે ય સાથે મળીને કેરમ રમીશું. ખૂબ મજા આવશે. હા… હા… હા… હા...’

શશીકાંતના પ્રેતના ગળામાંથી એક પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું.

અજય હવે એકદમ વીફરી પડ્યો.

‘તે હવે કદાચ આજે કાં તો આ પાર અથવા તો પેલે પા’રેના મરણીયા નિર્ણય પર આવી ગયો હોય એવું લાગતું હતું.

એણે ઓવરકોટધારી શશીકાંતનું નિશાન લઈને ઉપરા-ઉપરી ગોળીઓ છોડી.

એ ઓવરકોટધારીએ તેની એકેએક ગોળીઓ, કુશળ નટની જેમ આમથી તેમ કૂદકા મારીને ચૂકવી દીધી.

છેવટે રિવોલ્વર ખાલી થઈ ગઈ.

અંતે અજયે ખાલી રિવોલ્વર પણ તેના પર ઝીંકી.

દિલીપે પોતાની આંખો ચોળી જોઈ.

તે જાગૃતાવસ્થામાં જ હતો.

કોઈ માણસમાં આટલી બધી સ્ફૂર્તિ હોય, એ વાત નજરે જોયા પછી પણ જાણે કે તેના ગળે નહોતી ઉતરતી.

જાણે એ માણસના શરીરમાં કોઈક કરામતી સસ્પ્રીંગ વાપરીને અજયની દરેક ગોળીઓને ચૂકાવી હતી.

પોતાની જાતને તે આબાદ બચાવી ગયો હતો.

અજય હવે હાંફતો હતો.

‘મને અફસોસ છે દોસ્ત અજય!’ ઓવરકોટધારી સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તેં હજુ નિશાનબાજીની પૂરી તાલીમ નથી લીધી લાગતી. પણ વાંધો નહીં, તું હવે ઉપરની દુનિયામાં તો આવે જ છે! ત્યાં હું તને સરસ રીતે નિશાનબાજી શીખવી દઈશ. અને પછી તારી એકેય ગોળી આ રીતે ખાલી નહિં જાય. અહિં ગઈ તો ભલે ગઈ! ખેર, હવે આમ તારા પરમ પૂજ્ય પિતાશ્રી મૃત્યુ પામ્યા હોય એમ સોગીયું ડાચું રાખીને બેસવાની જરૂર નથી. સમય થઈ ગયો છે.’

અજય ક્રોધથી સળગતી નજરે તેની સામે તાકી રહ્યો.

સામે ઉભેલા ઓવરકોટધારીની ગરદન દબાવીને તેનું મૃત્યુ નિપજાવવા માટેની પ્રબળ લાલસા એના હૃદયમાં લાવારસની માફક ઉછળતી હતી. તેના ચ્હેરા પર અત્યારે દુનિયાભરનો તિરસ્કાર, નફરત અને ધૃણાના હાવભાવ છવાયેલા હતા.

‘અફસોસ...’ ઓવરકોટધારીએ કહ્યું.

અજયે તેની સામે જોયું.

‘અફસોસ...’ એ ફરીથી બોલ્યો, ‘તારા પગ સૂકાઈ ગયા છે. નહીં તો તારી સાથે ફ્રી સ્ટાઈલથી બબ્બે હાથે લડવામાં ભારે મજા પડત!’

એના અવાજમાંથી ઉપહાસ રેલાતો હતો.

અચાનક દિલીપ જાણે તંદ્રામાંથી જાગ્યો હોય તે રીતે એકદમ ચમકી ગયો. એણે બે-ત્રણ વખત મૂરખની જેમ આંખો પટપટાવી. ગુનેગાર તેની સામે હતો અને તે થિયેટરમાં બેઠેલા પ્રેક્ષકની જેમ મનોમન એની સ્ફૂર્તિના વખાણ કરતો હતો.

પરંતુ બારીમાં સળીયા જડેલા હોવાને કારણે તે કંઈ જ કરી શકે તેમ નહોતો.

એ માણસની સ્ફૂર્તિનો નમૂનો તે હમણાં મજ નજરોનજર જોઈ ચૂક્યો હતો. રિવોલ્વરના જોર પર એ માણસ પર કબજો મેળવવાનું મુશ્કેલ હતું એ વાત તે જાણતો હતો.

શું કરવું ને શું નહીં એનો તે કોઈ જ નિર્ણય નહોતો કરી શકતો.

એ જ વખતે અચાનક એક આશ્ચર્યજનક બનાવ બન્યો. પરિણામે તે ફરીથી આંખો પટપટાવવા લાગ્યો.

જાણે કમાનમાંથી સ્પ્રીંગ છટકે એ રીતે અજય રિવોલ્વિંગ ચેર પરથી ઊછળીને ઓવરકોટ ધારીને વળગી પડ્યો.

હવે બંને વચ્ચે હાથોહાથની લડાઈ થતી હતી.

દિલીપ નર્યા-નિતર્યા અચરજથી જડવત્ બની ગયો.

આ કદાચ એની જિંદગીની સૌથી વધુ આશ્ચર્યજનક પળો હતી.

અજય અપંગ હતો તથા છ મહિનાથી એનું જીવન રિવોલ્વિંગ ચેર સુધી જ સિમિત રહી ગયું હતું. અને એણે જ શશીકાંતના પ્રેત પર છલાંગ મારી હતી. એટલું જ નહીં, હવે તે રીતસર એની સાથે હાથોહાથ લડતો હતો.

દિલીપની ખોપરી જાણે કે હવામાં ઉડતી હતી.

અજય ચંદન ઘોની જેમ ઓવરકોટધારીને વળગેલો હતો. સૂકાયેલા પગ હોવા છતાં પણ એના શરીરમાં અસાધારણ શક્તિ અને સ્ફૂર્તિ હોય એવું લાગતું હતું.

પરંતુ પછી અચાનક જ એનો દેહ જોરથી ઉછળ્યો. જો એણે બંને હાથ દીવાલ પર ન ટેકવી દીધા હોત તો સોએ સો ટકા તેનો ચહેરો લોહી-લુહાણ થઈ જાત!

શશીકાંતના પ્રેતના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યો.

એણે આગળ વધીને અજયના ગાઉનનો કાંઠલો પકડ્યો.

‘તું તો અપંગ હતો ને અજય...?’ એણે કહ્યું.

અજય એના લોખંડી પંજામાંથી છૂટવા માટે ફાંફાં મારતો હતો.

દિલીપ એનો અવાજ સાંભળીને ચમકી ગયો.

પછી સહસા તે અંદરના ભાગમાં દોડી ગયો.

‘મિસ્ટર અજય...બારણું ઉઘાડો...!’ એ અજયની રૂમનું બારણું થપથપાવતાં બોલ્યો.

થોડી પળો બાદ બારણું ઉઘડ્યું.

દિલીપ હાથમાં રિવોલ્વર ચમકાવતો અંદર ધસી ગયો.

અજય એક સોફા પર બેસીને કણસતો હતો અને શશીકાંત એટલે કે તેની સામે ઊભો હતો.

‘ઓહ...દીલીપ્સાહેબ...!’ એના પર નજર પડતાં જ અજય કણસતા અવાજે બોલ્યો, ‘આપનું અનુમાન સાચું હતું. એ મૃતદેહ કોઈક બીજાનો હતો.શશીકાંત તો આ સામે ઊભો છે એ જ છે અને એણે જ બિહારી બિંદુ અને સંતોષકુમારનાં ખૂનો કર્યા છે.’

‘તમારા હાથ ઊંચા કરો મિસ્ટર શશીકાંત...!’ દિલીપે ઓવરકોટધારી સામે રિવોલ્વર તાકતાં આદેશાત્મક અવાજે કહ્યું.

‘અજયને મારી મારીને મારા હાથ દુઃખી ગયા છે એટલે હું હાથ ઊંચા નહીં કરું!’

‘ઠીક છે...તમે હાથ ઊંચા ન કરો તો એમાં મને કંઈ જ ફર્ક નથી પડવાનો. કાન ખોલીને સાંભળી લો...મિસ્ટર અજયનું નીશાન ગભરાટને કારણે ચુકાઈ શકે છે પણ મારું નિશાન અચૂક છે તેની ખાતરી રાખજો.’

‘તમે બારી પાસે ઊભા હતા એની મને ખબર છે. હા. તમને અજયની છલાંગ ગમી કે નહીં?’

‘ઓહ..’ દિલીપે ચમકીને અજય સામે જોતાં પૂછયું, ‘મિસ્ટર અજય, તમે તો અપંગ હતા અને જરા પણ ચાલી શકો તેમ નહોતા તો પછી...?’

‘તો પછી એ મિસ્ટર દિલીપ કે, અજય ડાન્સ પણ કરી શકે છે!’ અજયને બદલે શશીકાંતે જવાબ આપ્યો.

દિલીપ કંઈ બોલે એ પહેલાં જ અજયે ચીસ જેવા અવાજે કહ્યું, ‘આ શશીકાંત છે...સંતોષ, બિહારી અને બિંદુનો ખૂની...! આપ તેને પકડી શા અંતે નથી લેતાં?’

‘શશીકાંત તો મૃત્યુ પામ્યો છે મિસ્ટર અજય ઊર્ફે જયવદન ચુનીલાલ પંચાલ...! એનું ખૂન તમે જ કર્યું હતું.’ ઓવરકોટધારી બોલ્યો.

પરંતુ એ અવાજ સાંભળીને અજય તો ઠીક, દિલીપ પણ ઊછળી પડ્યો.

એ અવાજ નાગપાલનો હતો.

‘અંકલ તમે...?’ દિલીપે આશ્ચર્યથી પૂછયું.

‘હા, પુત્તર...!’ કહીને નાગપાલે પોતાના મોં પર હાથ ફેરવીને શશીકાંત જેવા દેખાતા નકલી, બનાવટી રબ્બરના ચ્હેરાનું પડ કાઢી નાખ્યું. શશીકાંત જેવો જ દેખાતો રબ્બરની બનાવટનો નકલી ચ્હેરો હવે તેના હાથમાં લટકતો હતો.

અજયનો ચ્હેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

‘ઓહ...નાગપાલ સાહેબ આપ...?’ એ માંડ માંડ આટલું બોલી શક્યો.

‘જી, હાં...મિસ્ટર અજય, હું જ!’ નાગપાલે એની સામે જોતાં જવાબ આપ્યો, ‘તમને કંઈ વાંધો છે?’

‘આ બધું શું છે અંકલ?’ દિલીપે માથું ખંજવાળતા મુંઝવણભર્યા અવાજે પૂછયું.

‘તમે તમારી જાતને બહુ ચાલક અને હોશિયાર માનતા હતાને મિસ્ટર અજય?’ દિલીપની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર નાગપાલે કહ્યું, ‘અને તમે જ શા માટે, દરેક ગુનેગાર આવું જ માનતો હોય છે પરંતુ તમને તમારી બુધ્ધિ પર વધુ પડતું અભિમાન હતું અથવા તો પછી ડિટેક્ટિવ ચોપડાઓ વાંચી વાંચીને તમારું માથું ભમી ગયું હતું. ખેર, તમારો ખેલ હવે પૂરો થઈ ગયો છે.’

અજય ઊંડા ઊંડા શ્વાસો લેતો હતો.

‘એક વાત હું જરૂર કબૂલ કરું છું મિસ્ટર અજય, કે તમે તમારી યોજનામાં મોટે ભાગે સફળ જ થયા છો. જેમ કે જે રીતે ઈચ્છતા હતા, એ જ રીતે અમે વિચારતા હતા અને આ જ તમારી સફળતા છે. પરંતુ છેવટે તમારા ટાંટીયા, તમારા જ ગળામાં આવી પડ્યા. તમે તમારી યોજનામાં જ ફસાઈ ગયા. જો તમે શશીકાંતના આત્માની વાતને બહુ ન ચગાવી હોત તો કદાચ હું તમારે વિશે ક્યારેય ન વિચારેત! સંતોષકુમારના મૃત્યુ પછી તો હું એકદમ નિરાશ થઈ ગયો હતો. પહેલાં તો હું એમ જ માનતો હતો કે કદાચ બિહારીએ શશીકાંતનું ખૂન કર્યું હશે. પણ પછી બિહારી અને બિંદુના ખૂન થઈ ગયા બાદ સંતોષકુમારની હાલત વધુ શંકાજનક બની ગઈ. પણ...ઊભા રહો...બધી વાતો નિરાંતે કહીશ તો વધુ મજા આવશે.’ કહીને એણે દિલીપ સામે જોયું, ‘દિલીપ તું પહેલા આ વિસ્તારના ઇન્સ્પેક્ટરને ફોન કારણે બે-ચાર સિપાહીઓ સાથે તેને અહીં આવવાની સૂચના આપી દે. અને મિસ્ટર અજયની રિવોલ્વર રૂમાલ વડે ઉંચકીને ગજવામાં મૂકી દે જેથી કાયદાની વિધિમાં કોઈ અડચણ ઊભી ન થાય!’ નાગપાલ બોલ્યો.

દિલીપે જમીન પર પડેલી રિવોલ્વરને રૂમાલ વડે ગજવામાં મૂકી દીધી.

પછી તે ફોન કરવા માટે ડ્રોઈંગરૂમમાં ચાલ્યો ગયો.

એ જ્યારે ફોન કરીને આવ્યો ત્યારે નાગપાલ એક સોફા પર ખુશમિજાજ ચહેરે બેઠો હતો.

‘દિલીપ...’ એણે કહ્યું, ‘બારણું અંદરથી બંધ કરી દે જેથી મિસ્ટર અજય કોઈ જાતની તીડીબાજી ન કરી શકે.’

દિલીપે તેના આદેશનું પાલન કર્યું.

પછી એણે પોતાની રિવોલ્વર પણ ગજવામાં મૂકી દીધી અને નાગપાલની સામે બેસી ગયો.

‘હવે શરૂ કરો અંકલ...! બાઈ ગોડ...! ઉત્સુકતાને કારણે હું હવે અધમૂઓ થઈ ગયો છું.’

‘ભલે...પણ એ પહેલાં હું મિસ્ટર અજયને ચેતવણી આપી દઉં!’ નાગપાલે અજય સામે જોયું, ‘મને વાતો કરવામાં વ્યસ્ત જોઈને હું ગાફેલ છું એમ માનવાની ભૂલ કરશો નહીં કે કોઈ પણ જાતની તીડીબાજીનો વિચાર પણ કરશો નહીં. માટે જો તમારો આવો કોઈ વિચાર હોય તો એને મગજમાંથી કાઢી નાખજો. ને છતાં પણ જો તમે આવી કોઈ હિલચાલ કરશો તો પછી મારે ન છૂટકે હાથ ઉપાડવો પડશે. હું કોઈ પણ જાતના હથિયાર વગર ખાલી હાથથી, કોઈપણ માણસને ઓછામાં ઓછું એક મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડે એવા દાવ અજમાવી શકું છું અને તમારી જાણ માટે, તમારી પત્ની નિશા એટલે કે શ્રીમતી સરોજ જયવદન પંચાલ અત્યારે પોલીસના કબજામાં છે.’ કહીને એણે દિલીપ સામે જોયું, ‘દિલીપ, આ જયવદન તથા સરોજ કોણ છે એનો સવાલ તને અકળાવતો હશે. તો સૌથી પહેલાં હું એનો ક ખુલાસો કરું છું. સાંભળ , જયવદન એ મિસ્ટર અજયનું નકલી નામ છે અને સરોજ એ તેની પત્ની નિશાનું નકલી નામ છે. આ નિશા જ એ ચારેયની ભૂતકાળની પ્રેમિકા છે. પરંતુ તે ફક્ત અજયને જ ચાહતી હતી. એનો પ્રેમ સાચો હતો. મિત્રોને આપેલાં વચનને કારણે અજય જાહેરમાં તેની સાથે હરીફરી શકતો નહોતો. ત્યારબાદ ચારે ય ભાગીદારો પહેલાં, મુંબઈ અને ત્યારબાદ રાજકોટ જઈને વીશીનું કૌભાંડ કરી આવ્યા. પૈસા હાથમાં આવતાં જ ચારે યે અહીં વિશાળગઢમાં સ્થિર થઈને ભાગીદારીમાં જ અજય સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના નામથી ધંધો શરૂ કર્યો. અહીં આવીએ અજયે પણ નિશાને બોલાવી લીધી. એ તથા નિશા નામ બદલીને જયવદન ચુનીલાલ પંચાલના નામથી તોપખાના રોડ પર આવેલા અજયના એક અન્ય બંગલામાં રહેતા હતા. આ બંગલો પોતાના ત્રણે ય મિત્રોથી ખાનગી રીતે અજયે ખરીદ્યો હતો. નિશા સ્થાયી રીતે આ બંગલામાં રહેતી હતી અને અજય અઠવાડિયામાં બે-ત્રણ વખત ચોરીછૂપીથી રાતના સમયે તેને મળવા જતો હતો. ત્યારબાદ અજય ધંધાકીય કામ અંગે કેનેડા ગયો અને ત્યાં એને વિચિત્ર રોગ લાગુ પડતાં એના પગ સૂકાઈને દોરડા જેવા થઈ ગયા. પરંતુ તેમ છતાં ય નિશાએ તેને પડતો ન મૂક્યો. અજય પણ નિશાના રૂપ અને યૌવન પાછળ પાગલ થઈ ગયો હતો અને પછી આ ષડયંત્રના પાયા નિશાએ જ નાખ્યા! આ દુનિયામાં પૈસા સિવાય બધુ જ નકામું છે એમ કહીને એણે અજયને, પોતાના ત્રણેય ભાગીદારો સાથે દગાબાજી કરવા માટે ઉશ્કેર્યો. એટલે શાંતિનો રોટલો ખાવાને બદલે અજયે પોતાના જીગરજાન મિત્રો સાથે દગાબાજી કરવાનું નક્કી કરી લીધું. પોતાના પર કોઈને શંકા ન આવે અને ત્રણેય ભાગીદારો ઠેકાણે પડી જાય એવી યોજના એણે ઘડી કાઢી. હવે હું આ કેસની શરૂઆત પહેલાં ભાગીદાર એટલે કે શશીકાંતના ખૂનથી કરું છું.

શશીકાંતના ખૂની તપાસ સૌથી પહેલાં પોલિસ પાસે હતી. પરંતુ એના ખૂનીને શોધવામાં તેને સફળતા નહોતી મળી. શશીકાંત કોઈ જેવો તેવો માણસ તો નહોતો જ! એનું અંગત જીવન ભલેને ગમે તેટલું દુષિત હોય, પરંતુ તેમ છતાં ય તે સ્વતંત્ર દેશનો, સ્વતંત્ર નાગરિક હતો.’ કહીને નાગપાલ પળભર માટે અટક્યો.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ લંબાવી.

‘અને પછી શશીકાંતનો ખૂનકેસ સી.આઈ.ડી.વિભાગમાં ટ્રાન્સફર થઈને મારી પાસે આવ્યો. મેં તેના કેસની ફાઈલ તપાસી જોઈ અને ત્યારબાદ મારી મજરે સૌથી પહેલાં ચાર માણસો શંકાની પરિધિ માં આવ્યા.’ એણે અજય સામે જોયું, ‘પહેલો માળી, બીજો બિહારી, ત્રીજો સંતોષકુમાર અને ચોથા તમે! પરંતુ તમે અપંગ હતા એટલે તમારા પર મારું ધ્યાન ખાસ નહોતું ખેંચાયું. તમારામાંથી શશીકાંતનું ખૂન કોણે કર્યું છે તે જાણવા માટે મેં અનેક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ...! અલબત્ત, ખૂન તમારામાંથી જ કોઈકે કર્યું છે એની મને પૂરી ખાતરી હતી. ખેર, હું કશું જ ન જાણી શક્યો! છેવટે ખૂનીને પકડી પાડવા માટે મેં એક નવી જ પધ્ધતિ અજમાવી અને મારી એ યોજના મુજબ મેં પોતે જ શશીકાંતના ભટકતા આત્માની અફવા ફેલાવી. શશીકાંતના નામથી- તેના જેવા જ અક્ષરોથી મેં જ તમને સૌને ધમકી પત્રો લખ્યા. શશીકાંત જેવો જ આબેહૂબ રબ્બરનો બનાવટી ચ્હેરો બનાવ્યો. પહેલી નજરે આ કામ એકદમ સરળ અને સહેલું લાગે છે. પણ વાસ્તવમાં તે ખૂબ જ મહેનત માંગી લે તેવું છે. આ બધુ હું કંઈ વિચાર આવતાની સાથે જ નથી કરી શક્યો. તે માટે મારે અગાઉથી જ ઘણી બધી તૈયારીઓ કરવી પડી હતી.સૌથી પહેલાં તો મેં શશીકાંતના લખેલા પત્રો શોધી કાઢીને તેના અક્ષરોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો. આમાં મને ઘણો સમય લાગી ગયો. છેવટે માંડ માંડ મને શશીકાંત જેવા અક્ષરો કરતાં ફાવી ગયું. જો કે તેમાં પણ થોડી ત્રૂટી તો રહી જ ગઈ. પરંતુ એ ત્રૂટી પર તમારું ધ્યાન નહીં જ જાય તેની મને ખાતરી હતી. ત્યારબાદ શશીકાંતના વસ્ત્રોની વાત...! એની પસંદગીના કપડાં...! કપડાં પહેરવાની સ્ટાઈલ...! તેના અવાજની સ્ટાઈલ...! બોલવા-ચાલવાની રીતભાત! આ બધાનો મારે અભ્યાસ કેળવવો પડ્યો. શશીકાંતનો અવાજ મેં નહોતો સાંભળ્યો. એટલે તેના અવાજ વિશે જાણવા માટે મારે અનેક માણસોની મુલાકાત લેવી પડી હતી. આ બધુ કરવા પાછળ મારો મુખ્ય એક જ હેતુ હતો! શશીકાંતનો આત્મા ભટકે છે, એવી વાત જાણ્યા પછી તમારા સૌના પર તેની શું અસર થાય છે, એ હું જોવા માંગતો હતો. માળી ગામડીયો હતો. મેં મારી યોજના મુજબ શશીકાંતના બંગલામાં પ્રેતનું નાટક શરૂ કરી દીધું હતું. માળી ગમાર હોવાને કારણે તે મને શશીકાંતનું ભૂત જ સમજી બેઠો. પરંતુ તમારા કોઈના પર ખાસ પ્રતિક્રિયા ન થઈ. પછી સમય વિતતો ગયો. અને ત્યારબાદ એક અંધારી રાત્રે બિહારી બહારગામથી આવ્યો ત્યારે જોગાનુજોગ જ હું એ બંગલામાં હજાર હતો. મેં એને ફાટક ઉઘાડીને અંદર દાખલ થતો જોઈ લીધો હતો. મેં તરત જ શશીકાંતનું રૂપ ધારણ કરીને ઈરાદાપૂર્વક જ તેને ભયભીત બનાવી મૂક્યો હતો. જો ખરેખર એણે જ શશીકાંતનું ખૂન કર્યું હશે તો ગભરાઈને તે પોતાનો ગુનો કબૂલી લેશે એમ હું માનતો હતો. પરંતુ એણે ખૂન કર્યું જ નહોતું તો પછી ગુનો ક્યાંથી કબૂલ કરે? અને આ બનાવ બાદ જ તમારે સૌને સજાગ થવું પડ્યું. મિસ્ટર અજય, ભૂત-પ્રેતની આ અફવાનો તમે આબાદ લાભ ઉઠાવ્યો. બીજે દિવસે પણ બિહારીના મકાનમાં હું જ હતો. બિહારીની દેખરેખ રાખતી નર્સ મને જોઇને શશીકાંતનું ભૂત માણી બેઠી અને પછી ગભરાઈને એણે ત્યાં રહેવાની ના પાડી દીધી. પરંતુ ત્રીજે દિવસે તમે પોતે જ નર્સની ગેરહાજરીમાં, બિહારીના બંગલામાં ચોરી-છૂપીથી દાખલ થઈ ગયા. માળી તમને શશીકાંતનું ભૂત માણી બેઠો. એ બિચારો ત્યાંથી જીવ બચાવીને નાસી છૂટ્યો. તમે મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. ખૂબ જ ઠંડા કલેજે તમે ગાઢ ઊંઘમાં સૂતેલા બિહારીને ઊંચકીને તેનું માથું જમીન સાથે અથડાય તે રીતે નીચે ફેંકી દીધો. એનું તાળવું ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યો. ભૂતની અફવા તો ફેલાયેલી હતી જ! સૌએ માણી લીધું કે બિહારી ભૂત જોઇને તેના પંજામાંથી બચવા માટે દોડ્યો. ગભરાટથી એ ભાન ભૂલી, રેલિંગ સાથે અથડાઈને નીચે પડી જઈને મૃત્યુ પામ્યો.’ કહીને નાગપાલે પોતાની પાઈપ પેટાવી.

બે-ત્રણ કસ ખેંચ્યા પછી નાગપાલે પોતાની વાત આગળ લંબાવી.

‘પણ મિસ્ટર અજય, અહીં તમે એક વાત ભૂલી ગયા હતા. રાત્રે સૂતાં પહેલાં બિહારીએ ઊંઘની ગોળી લીધી હતી. તમે જ કહો! ઘેનની ગોળી ખાધા પછી માણસ જાગી શકે ખરો? ઉપરાંત એ તો આવ્યો તે દિવસથી જ ઝમ્મી હતો. તેને શશીકાંત બનીને ગભરાવ્યો ત્યારે તે સીડી પરથી ગબડી પડ્યો હતો અને એને ઠેક-ઠેકાણે ઈજા પહોંચી હતી. બીજી ભૂલ તમે બિંદુના ખૂન અંગે કરી. મેં તો માત્ર તમારી સમક્ષ તુક્કો જ અજમાવ્યો હતો કે જે રાત્રે શશીકાંતનું ખૂન થયું ત્યારે એની સાથે કોઈક યુવતી પણ હતી અને એણે કદાચ ખૂનીને જોયો પણ હોય! પરંતુ મારા આ તુક્કાની તમારા પર વિપરીત અસર થઈ. શશીકાંત અવારનવાર બિંદુને પોતાના બંગલે બોલાવતો હતો એ તમે જાણતા હતા. તમને પોતાને પણ વિચાર આવ્યો કે કદાચ ખરેખર જ બિંદુએ તમને શશીકાંતનું ખૂન કરતાં જોયા હશે તો? અપરાધી હૃદય હંમેશા કમજોર હોય છે મિસ્ટર અજય! આ વિચારથી તમે તાબડતોબ બિંદુને પણ મારી નાખી. વાસ્તવમાં બિંદુ, બિચારા શશીકાંતના ખૂન વિશે કંઈ જાણે છે કે કેમ એની પણ તમને ખબર નહોતી.

સૌથી પહેલાં તમે શશીકાંતનું ખૂન કર્યું.

પછી બિંદુનું અને ત્યાબાદ બિહારીનું!

અને છેવટે બિચારા સંતોષકુમારને પણ મારી નાખ્યો.

શશીકાંતના પ્રેતથી ગભરાઈ ગયેલો સંતોષકુમાર માનસિક શાંતિ મેળવવા માટે પોતાના મિત્ર આનંદને ત્યાં ગયો છે, એ વાત તમે જાણતા હતા.

એ ત્યાં પહોંચ્યો એના બીજાં દિવસની રાત્રે તમે ત્યાં જ જઈને એ બિચારાને એકદમ ભયભીત બનાવી મૂક્યો હતો.

પછી એની કારની બ્રેક પણ ફેઈલ કરી નાખી હતી.

મિસ્ટર અજય, જે રાત્રે તમે આ પરાક્રમ કર્યું હતું, એ જ રાત્રે હું અહીં તમને મળવા માટે આવ્યો હતો. તમારી નોકરડી મનોરમા મને ઓળખી ન શકે એટલા અંતે મેં મેકઅપ કર્યો હતો. અને તમારી સૂચના પ્રમાણે જ મને જણાવ્યું કે ‘સાહેબ આરામમાં છે અને અત્યારે કોઈને ય મળી શકે તેમ નથી.’ હું નિરાશ થવાનો ડોળ કરીને ચાલ્યો ગયો. પરંતુ દસ મિનિટ બાદ હું ચૂપચાપ પાછો ફરીને તમારા ઓરડાનું પાછલું બારણું, કે જેમાં થઈને તમે નિશાને મળવા જતાં હતા, તેમાંથી તમારી રૂમમાં દાખલ થયો હતો. તમારી વ્હીલ ચેર ખાલી હતી અને જમીન પર પાતળા પગના પંજાની છાપ સમાંતર અંતરે બારણાં પાસે ઊપસી આવેલી મેં જોઈ. ત્યારબાદ મેં તપાસ કરી તો બારણાની બહાર પડતી જમીન પર આ છાપ વધુ સ્પષ્ટ અને ઊંડી દેખાઈ. એ તાજી જ હતી. વળતી જ પાળે હું તમારી રમત સમજી ગયો. પરંતુ તેમ છતાં ય મને એવી કલ્પના તો નહોતી જ આવી કે તમે સંતોષકુમારની કારની બ્રેક ફેઈલ કરવા માટે ગયા છો. તમે કદાચ નિશાને મળવા ગયા હશો. એમ હું માનતો હતો અને તમારી જાણ માટે કહું આગલે દિવસે રાત્રે હું તમારો પીછો કરીને નિશાના બંગલા સુધી પહોંચી ગયો હતો. ખેર, જો એ વખતે મેં તાબડતોબ પગલાં ભર્યા હોત તો સંતોષકુમાર આજે કદાચ જીવતો હોત! તમે કેટલા બધા મક્કાર છો, એના આ કેસમાં ઘણાબધા પૂરાવાઓ મળ્યાં છે. સંતોષકુમારના મૃત્યુ પછી તમે એકલા જ બધી મિલકત તથા બિઝનેસના માલિક બની જવાના હતા. ભાગીદારીની શરત મુજબ બાકીના ત્રણેય ભાગીદારોની મિલકત પણ તમને જ મળવાની હતી અને કદાચ તેમ જ થાત! પણ તમે તમારી જાતને સંસારના સૌથી વધુ પ્રબળ બુદ્ધિશાળી તરીકે માની બેઠા.’ કહીને નાગપાલે અજય સામે જોયું.

‘અંકલ, સંતોષકુમાર પર જે ફોન આવ્યો હતો અને જેના કારણે તમારે છેક રાજકોટ સુધી લાંબુ થવું પડ્યું હતું, એ ફોન કોણે કર્યો હતો અને શા માટે કર્યો હતો?’ દિલીપે પૂછયું.

‘એ ફોન પોતાના પરથી પોલીસની નજર ભુજંગી અને નારાયણરાવ પર દોરવા માટે મિસ્ટર અજયે જ કર્યો હતો.’

નાગપાલે પોતાની બૂઝાઈ ગયેલી પાઈપ ફરીથી પેટાવીને બે-ત્રણ કસ ખેંચ્યા પછી કહ્યું:

‘હવે પોલીસને છેલ્લી વાર છેતરી લઉં એટલે પત્યું, એમ તમે વિચાર્યું. પરિણામે શશીકાંતનો આત્મા હવે તમને પણ પરેશાન કરે છે એવી અફવા તમે ફેલાવી. તમે એવું નાટક પણ કર્યું કે શશીકાંતનો અવાજ તમારા કાનમાં સંભળાય છે...કોઈક તમારી પાસે ઊભું રહીને હાંફે છે..હસે છે...સંતોષકુમારના મોત પછી પોલીસને જો થોડી-ઘણી શંકા પણ રહી જાય તો તે દૂર કરી દેવાની તમારી આ ચાલ હી. શશીકાંતના ભૂત-પ્રેતની વાતો તો મેં પોતે જ ભૂત બનીને ફેલાવી હતી. અને મેં તો ક્યારેય તમને આ રીતે હેરાન હ્ન્હોતા કર્યા. પરિણામે તમારા પરની મારી શંકા વધુ મજબૂત બની ગઈ. સાચું પૂછો તો તમારી અપંગ સ્થિતિને કારણે જ મારી નજર છેવટ સુધી તમારા પર સ્થિર નહોતી થઈ. ખેર, પછી મેં તમારી જાળમાં તમને જ ફસાવવાનું નક્કી કર્યું. તમે દિલીપને જણાવ્યું કે શશીકાંતનો અવાજ તમને તમારા કાનમાં સંભળાય છે. સૌથી પહેલાં મેં બિંદુ વિશે સંતોષકુમાર સાથે ચર્ચા કરી હતી. કારણ કે બિહારી તથા બિંદુના મૃત્યુ પછી મને સંતોષકુમાર પર વધુ શંકા જાય તે સ્વાભાવિક જ હતું. એક રીતે તો તમે પોતે જ મને એ દિશામાં ધકેલવા માંગતા હતા. સંતોષકુમાર પરની મારી શંકા વધુ મજબૂત બને એટલા માટે તમે જે રિવોલ્વર વડે શશીકાંત અને બિંદુના ખૂણો થયાં હતાં, તેને ચોરીછૂપીથી સંતોષકુમારના ટેબલના ખાનામાં મૂકી દીધી. પરંતુ તેમ છતાંય એની ધરપકડ થયા પછી તે જામીન પર છૂટી ગયો ત્યારે તમે ચિંતામાં મૂકાયાં. શશીકાંત અને બિહારી મૃત્યુ પામ્યા હતા અને જો એ બંનેના ખૂનના આરોપસર સંતોષકુમાર ફાંસીના માંચડે લટકી જાય તો પછી તમામ બિઝનેસ તથા મિલકત તમારા હાથમાં આવી જાય એવી તમારી ગણતરી હતી. પણ સંતોષકુમાર જામીન પર છૂટી જવાથી તમારી ગણતરી ખોટી પડી ગઈ. પરિણામે તમારે એનું પણ ખૂન કરવું પડ્યું. તમે કોઈનેય તમારા કાળા કૃત્યોની ગંધ ન આવે એ રીતે ઠંડા કલેજે શાંતિથી બધુ પાર પાડવા માગતા હતા. તમારા આ કામમાં તમારી અપંગતાએ તમને ઘણી જ મદદ કરી. કોઈક બીજા માટે તો આ વાત શ્રાપ જેવી હતી. પણ તમારે માટે તો એ વરદાનરૂપ બની ગઈ હતી. તમારી અપંગતા વિશે પણ મેં તેના એક નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લીધી હતી. આ રોગ લકવા જેવો છે. પરંતુ ફર્ક એટલો જ છે કે પક્ષ ઘાત નો રોગી હલન-ચલન નથી કરી શકતો. આ રોગને ‘નેરો-લેગ્સ’ કહેવામાં આવે છે. એમાં પગ સૂકાઈ ગયા પછી પણ માનવી બંને પગે માત્ર ચાલી જ નહીં, હરણફાળ ગતિએ દોડી પણ શકે છે. એમ પગ સૂકાઈ ગયા હોવા છતાં પણ તમે હરીફરી શકતા હતા પરંતુ તમે ઈરાદાપૂર્વક જ તમારી યોજનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે અપંગ બન્યા અને એવી વાત ફેલાવી કે તમારા બંને પગ પક્ષઘાતનો શિકાર થઈ ગયા છે. હવે સવાલ એ છે કે જાહેર રીતે તમે અપંગ હતા તો પછી શશીકાંતનું ખૂન કરવા માટે કેવી રીતે જઈ શક્યા? એનો પણ જવાબ છે. તમે વાંચનના બહાને અવારનવાર તમારી રૂમમાં ભરાઈ જતાં અને નોકરને સૂચના આપતા કે તેમણે કોઈને ગમે તેટલું જરૂરી કામ હોય તો પણ જ્યાં સુધી તમે ન બોલાવો ત્યાં સુધી અંદર આવવું નહીં! તમારી આ સૂચના એટલી બધી કડક હતી કે ગમે તેવું જરૂરી કામ હોય તો પણ નોકર-ચાકર તમન ડિસ્ટર્બ ન કરતાં. તેઓ તો બિચારા એમ જ માનતા કે તમે અંદર તમારી રૂમમાં ભરાઈને વાંચનમાં તલ્લીન છો. શરૂઆતમાં તમે આવા રિહર્સલો પણ કર્યા જ હશે. તમે અંદર જ છો ને ક્યાંય બહાર નથી ગયા. એ વાતની ખાતરી નોકર-ચાકરને આડકતરી રીતે થઈ જાય એ માટે તમે તમારા ઉધરસ ખાવાના ને એવા જ અવાજો ટેપ કરીને રાખ્યા હતા. બહાર જતી વખતે તમે એ કેસેટ ચાલુ કરી જતાં. પરિણામે નોકરચાકરો એમ જ માનતા કે તમે અમારી રૂમમાં જ છો. બસ, જે રીતે ચૂપચાપ નિશાને મળવા માટે જતાં હતા, એ જ રીતે ચૂપચાપ શશીકાંતને ત્યાં જઈને તેનું ખૂન કરી નાખ્યું.’ નાગપાલ અટક્યો.

અજયનો ચ્હેરો એકદમ ઊતરી ગયેલો લાગતો હતો.

દિલીપ તો પાંપણ ફરકાવવાનું પણ નામ નહોતો લેતો.

નાગપાલ કહેતો ગયો:

‘મારી યોજના મુજબ મેં એક પબ્લિક બૂથમાંથી શશીકાંતના અવાજમાં તમને મોતની ધમકી આપી. શશીકાંત મૃત્યુ પામ્યો છે, એ તમે જાણતા હતા, કારણ કે તમે તમારા સગાં હાથેથી જ એનું ખૂન કર્યું હતું અને પોલીસને ભ્રમમાં અથડાવવા, અવળે માર્ગે દોરવા માટે જાણી જોઈને જ તેનો ચ્હેરો સળગાવી નાખ્યો હતો. જે મૃતદેહ મળ્યો છે, તે શશીકાંતનો જ હોતાં બીજાં કોઈકનો પણ હોઈ શકે છે એવી શંકા પોલીસને જાય તેમ હતું. અને પોલીસને આવી શંકા જાય એમાં તમને જ લાભ હતો. પાછળથીથયેલાં ખૂનોથી આ શંકા ખાતરીમાં પલટાઈ જાય તેમ હતી કે કદાચ શશીકાંતે જ પોતાના જેવો દેખાવ ધરાવતા કોઈક માણસનું ખૂન કરીને તેના મૃતદેહને પોતાના મૃતદેહ તરીકે ઠસાવી દીધો છે અને બિહારી, બિંદુ તથા સંતોષકુમારના ખૂનો પણ એણે જ કર્યા છે. અને આમ કરવાથી શશીકાંતને શું લાભ થવાનો છે, એનો વિચાર કર્યા વગર જ પોલીસ શશીકાંતને શોધવાની ધમાલમાં તમને સાવ ભૂલી જાત. અને થયું પણ એમ જ! શશીકાંત ખરેખર જીવતો છે એમ દિલીપ માનતો હતો અને ને મને પણ આમ માનવાનું કહ્યું હતું પરંતુ તરત જ મને સમજાઈ ગયું કે અત્યાર સુધી હું ખૂની જેમ ઈચ્છતો હતો, એ માર્ગ પર જ વિચારતો હતો. હું એકદમ નર્વસ થઈ ગયો. હવે કંઈ જ બાકી નથી રહ્યું. બસ, એટલું કહી દઉં કે મેં બચાનક જ તમારા પર હાથ નાખવાનું શા માટે વિચાર્યું? તમે ખરેખર જ અપંગ છો કે પછી અપંગ હોવાનું નાટક કરો છો એ હું જાણવા માંગતો હતો. તમે મને શશીકાંત માની લો એટલા મૂર્ખ કે મને તેનું પ્રેત સમજીને બીજાં લોકોની જેમ ગભરાઈ જાઓ...ભયભીત થઈ જાઓ તેવા નથી એ તો હું પણ જાણતો હતો. હું કોઈક બનાવટી વેશધારી છું એ વાત તરત જ તમને સમજાઈ ગઈ એટલે તમે મારા પર ગોળીઓ છોડી અને જ્યારે મેં તમારી દરેક ગોળીઓ ચુકાવી દીધી ત્યારે તમે મારા પર છલાંગ લગાવી દીધી. જેના પરથી પુરવાર થઈ ગયું કે તમે અપંગ નથી. અને હું આમ જ ઈચ્છતો હતો. ખેર, હવે તમારે કંઈ કહેવું છે?’

‘ના...’ અજયે નિરાશાથી માથું ધુણાવતા નંખાઈ ગયેલા અવાજે કહ્યું, ‘હું મારો ગુનો કબૂલ કરું છું.’

એ જ વખતે બારણા પર ટકોરા પડ્યા. દિલીપે આગળ વધીને બારણું ઉઘાડ્યું. બહાર એક ઇન્સ્પેક્ટર તથા બે-ત્રણ સિપાહીઓ ઊભા હતા. તેમણે નાગપાલ તથા દિલીપને સેલ્યુટ ભરી.

‘મિસ્ટર અજય...! યાદ કરો દસ વર્ષ પહેલાંની વાત...! નારાયણરાવ તથા ભુજંગી સાથે તમે ચારેયે જે છેતરપીંડી કરી હતી એનો અંજામ જોઈ લીધો ને? એ બિચારાએ તદ્દન નિર્દોષ ભાવે મદદ કરવાના હેતુથી જ તમને વીશીઓ અપાવી હતી. પરંતુ તમે એને વફાદાર ન રહ્યા. માણસને પોતાની માઠી કરણીનું ફળ ભોગવવું જ પડે છે.’

અજય ચૂપચાપ નીચું જોઈ ગયો.

ત્યારબાદ નાગપાલના સંકેતથી ઈન્સ્પેક્ટરે આગળ વધીને અજયના હાથમાં હથકડી પહેરાવી દીધી.

સમાપ્ત