અન્યાય
કનુ ભગદેવ
૮: બિંદુનું ખૂન!
નાગપાલ અર્થસૂચક નજરે પોતાની સામે બેઠેલા સંતોષકુમાર સામે જોયું.
એ બેચેનીથી હાથ મસળતો હતો. સંતોષકુમારની ઉંમર આશરે તેતાલીસ વર્ષની હતી. એ ઊંચા ખભા અને પહોળી છાતીવાળો માણસ હતો. જડબાં પહોળાં હતાં. હોઠ હંમેશા બંધ જ રહેતા હતા. ચ્હેરા પર શીળીનાં ચાઠાં હોવાને કારણે તે સહેજ ક્રૂર દેખાતો હતો.
અત્યારે કોઈક મુશ્કેલીમાં હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાયેલા હતા. એની આંખોમાં કોઈક અજ્ઞાત ખોફના પડછાયા નાચતા હતા.
‘બોલો...મિસ્ટર સંતોષકુમાર...શું કામ હતું?’ નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.
‘હેં...?’ પોતે અત્યારે દિલીપ તથા નાગપાલની સામે બેઠો છે એ વાતનો ખ્યાલ જ ન રહ્યો હોય એ રીતે તે ચમકી ગયો.
પછી કંઈ બોલ્યા વગર ચૂપચાપ કોટના ગજવામાંથી બે-ત્રણ કવર કાઢીને નાગપાલના હાથમાં મૂકી દીધાં.
‘આ પત્રો તમને ક્યારે મળ્યાં?’ સંતોષકુમારે આપેલા પત્રોનું નિરીક્ષણ કર્યા બાદ નાગપાલે ગંભીર અવાજે પૂછ્યું.
‘પહેલો પત્ર એપ્રિલની પહેલી તારીખે મળ્યો હતો અને બાકીના બે પત્રો થોડા થોડા દિવસના અંતરે મળ્યાં હતા.’ સંતોષકુમારે જવાબ આપ્યો.
‘પહેલો પત્ર મળ્યાં પછી તમે શું કર્યું?’
‘જ્યારે પહેલો પત્ર આવ્યો એ દિવસે એપ્રિલની પહેલી તારીખ હતી એટલે કદાચ કોઈક મિત્રે એપ્રિલફૂલ બનાવવા માટે એ લખ્યો હશે એમ મેં માન્યું હતું.’
‘અને બાકીના બંને પત્રો મળ્યાં ત્યારે? ત્યારે તમે શું માન્યું હતું?’ નાગપાલે પૂછ્યું.’
‘ત્યારે પણ મેં મિત્રની મશ્કરી માનીને તેના પર ખાસ કંઈ ધ્યાન નહોતું આપ્યું. મારા પર તેની કંઈ જ અસર નહોતી થઈ.
‘તો હવે શું આ પત્રો સિવાય બીજો કોઈ અણધાર્યો બનાવ બન્યો છે?’ નાગપાલે પૂછ્યું.
‘અજયને પણ આવા જ પત્રો મળ્યાં છે એવી મને ખબર પડી છે. ઉપરાંત બિહારીએ તો કદાચ શશીકાંતના ભૂતને પણ જોયું છે. હું કોઈક ભયંકર ચક્કરમાં ફસાઈ ગયો હોઉં એવું મને લાગે છે. શશીકાંત મૃત્યુ પામ્યો છે. છતાં પણ એના પત્રો મળે છે! ભગવાન જાણે આ શું રહસ્ય છે!’ સંતોષકુમારે માથું ખંજવાળતાં કહ્યું.
દિલીપે નાગપાલના હાથમાંથી પત્રો લઈને તેના અક્ષરો તપાસ્યા.
અગાઉ અજયને જે પત્રો મળ્યાં હતા, એ જ અક્ષરો સંતોષકુમારને મળેલા પત્રોમાં હતા.
અજય તથા સંતોષકુમારને મળેલા પત્રોના અક્ષરો એક જ હાથેથી લખાયેલા હતા.
---અને આ અક્ષરો ઘણા સમય પહેલા મૃત્યુ પામેલા શશીકાંતના જ હતા.
બંને પત્રોનું લખાણ પણ એકસરખું જ હતું.
દિલીપે સંતોષકુમાર સામે જોયું.
પછી એણે ફરીથી પત્રો ઉંચક્યા.
ત્યારબાદ એણે એક પત્ર વાંચવો શરૂ કર્યો.
પ્રિય મિત્ર સંતોષ,
આપણે ચારેય મિત્રોએ ભેગાં થઈને ભાગીદારીમાં અજય સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના નામથી ધંધો શરૂ કર્યો હતો. આ બિઝનેસમાં આપણને બધાને સારો એવો નફો મળતો હતો, પરંતુ મારા નસીબમાં તમારા જેવા મિત્રોનો સાઠ કદાચ નહોતો લખ્યો. મારે એકાએક સંજોગવશાત્ મૃત્યુને ગળે વળગાડવું પડ્યું. પરંતુ આપણે ચારેયે સાથે જ જીવવા-મરવાના સોગંદ લીધા હતા, તો પછી આપણી વચ્ચે મોત કેવી રીતે દીવાલ ચણી શકે? હું તો મોતની હદ વટાવીને તમારી પાસે આવી શકું તેમ નથી. પરંતુ તમે તો સહેલાઈથી મારી પાસે આવી શકો તેમ છો. આવશો ને? હું તમી રાહ જોઉં છું.
લી. તમારો જ
શશીકાંત
ત્યારબાદ દિલીપે બીજો પત્ર વાંચ્યો.
એમાં ફક્ત એટલું જ લખ્યું હતું કે-હું હજુ તમારી રાહ જોઉં છું.
અને ત્રીજા પત્રમાં લખ્યું હતું – મિત્રો...હવે તો આવી જ જાઓ ને...! અહીં મને એકલાને ક્યાંય નથી ગમતું. તમે આવો તો મજા પડે...!
દિલીપે એક ઊંડો શ્વાસ લઈને પત્રોને પુનઃ ટેબલ પર મૂક્યા. પછી તે સંતોષકુમારને પૂછપરછ કરી રહેલા નાગપાલ સામે તાકી રહ્યો.
‘નાગપાલ સાહેબ...!’ થોડી પળો બાદ સંતોષકુમારે પૂછ્યું, ‘તો શું ખરેખર જ બિહારીએ શશીકાંતના ભૂતને જોયું હતું?’
‘અકાળે મૃત્યુ પામેલ માણસનો આત્મા પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાને પૂરી કરવા માટે ભટકે છે, એવી માન્યતા લોકોમાં ફેલાયેલી છે. બનવાજોગ છે કે શશીકાંતનો આત્મા પણ પોતાના ખૂની સાથે બદલો લેવા માટે ભટકતો હોય! આવા ઘણા કેસો બન્યા છે. જ્યાં સુધી શશીકાંતનો આત્મા પોતાના ખૂની સાથે બદલો નહીં લઈ લે, ત્યાં સુધી ભટકતો રહેશે.’
‘બરાબર છે...પણ આત્મા આ રીતે લખી-વાંચી શકે ખરો?’ સંતોશ્કુમાંર્ર આશ્ચર્યથી પૂછ્યું.
‘આત્મા ખૂન પણ કરી શકે છે મિસ્ટર સંતોષકુમાર!’
‘શું...?’
‘હા...પોતાનું વેર વાળવા માટે તે ગમે તે કરી શકે છે. આત્મા માટે કોઈ જ કામ અશક્ય નથી.’ નાગપાલ બોલ્યો.
સંતોષકુમાર એકદમ ચૂપ થઈ ગયો. જાણે સમગ્ર લોહી નીચોવી લેવામાં આવ્યું હોય એમ તેનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. આંખોમાં ભય છવાઈ ગયો.
‘મિસ્ટર સંતોષકુમાર...!’ નાગપાલે એણે આશ્વાસન આપતા કોમળ અવાજે કહ્યું, ‘એમાં તમે શા માટે ગભરાઓ છો? શશીકાંતનો આત્મા તો પોતાના ખૂની સાથે બદલો લેવા માંગે છે. અને તમે કંઈ થોડું જ એનું ખૂન કર્યું છે? તમે કશી યે ફિકર કરશો નહીં. અમે અમારાથી બનતું બધું જ કરી છૂટીશું.’
‘કંઈક કરો...કંઈક કરો નાગપાલ સાહેબ...!’ સંતોષકુમારના અવાજમાં પારાવાર ધ્રુજારી અને ગભરાટ હતો, ‘કોણ જાણે કેમ મોત પોતાનું વિકરાળ જડબું ફાડીને મારી આજુબાજુમાં આંટા મારતું હોય એવો મણે ભાસ થાય છે.’
એનાં કપાળ પર પરસેવો વળ્યો હતો.
હાથની આંગળીઓ બેચેનીપૂર્વક ટેબલ પર ફરતી હતી.
‘મિસ્ટર સંતોષકુમાર...’ નાગપાલે કહ્યું, ‘આવા પત્રો લખીને તમને કોઈક ભયભીત કરવા માંગતું હોય એમ પણ બની શકે.’
‘મને વળી કોણ અને શા માટે ભયભીત કરે...?’
‘શશીકાંતનો ખૂની...! પોલીસનું ધ્યાન અવળે માર્ગે દોરવા માટે એણે આવું કર્યું હોય એ બનવાજોગ છે.’
‘શશીકાંતના ખૂનીને આપે શોધી કાઢ્યો છે?’ સંતોષકુમારે ધીમા અવાજે પૂછ્યું.
‘ના...પણ એને શોધવાના અમારા પ્રયાસો ચાલુ જ છે.’ નાગપાલે જવાબ આપ્યો.
‘ઘડીભર માટે માની લઈએ કે શશીકાંતના ખૂનીએ પોલીસને અવળે માર્ગે દોરવા માટે અમારા પર આ જાતનાં પત્રો લખ્યા હોય, પણ બિહારીએ તો પોતાની સગી આંખે શશીકાંતના પ્રેતને જોયું હતું એનું શું? એનો કંઈ ખુલાસો છે આપની પાસે?’ સંતોષકુમારે વ્યાકુળ અવાજે પૂછ્યું.
‘અત્યારે આ વાતનો કોઈ જ ખુલાસો હું કરી શકું તેમ નથી. ખેર, શશીકાંત અને બિહારી વચ્ચેના સંબંધો કેવાક હતા, એ તો તમે જાણતા હશો?’
‘એટલે...?’
‘બંનેને એકબીજા સાથે કેવું બનતું હતું?’
‘બહુ સારું...આમ તો અમે ચારેય ભાગીદારો એકબીજાના જીગરી મિત્રો હતા જ અને છીએ. અલબત્ત, શશીકાંત હવે નથી રહ્યો.’
‘કોઈ છોકરીની બાબતમાં શશીકાંત અને બિહારી વચ્ચે ક્યારેય, કોઈ જાતનો ઝઘડો થતો હતો ખરો?’
‘આપને કેવી રીતે ખબર પડી!’ સંતોષકુમારે ચમકીને પૂછ્યું.’
‘હું તો અમસ્તો જ પૂછું છું.’
‘ચોક્કસ એ છોકરી આપની પાસે આવી હશે.’
‘એમ જ માની લો...!’
‘હા...એ બંનેની વચ્ચે એક છોકરી જરૂર આવી હતી. અને તેના કારણે શશીકાંત તથા બિહારી વચ્ચે થોડા દિવસો સુધી અણબનાવ પણ બનેલો. પરંતુ છેવટે એ છોકરીનું મન બિહારી તરફ ઢળ્યું હતું. પરિણામે શશીકાંતે તેનામાં રસ લેવાનું છોડી દીધું હતું. એણે તેને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બધાને એમ જ લાગતું હતું કે હવે બિહારી એ છોકરી સાથે લગ્ન કરી લેશે. પણ કોણ જાણે શું થયું કે એ છોકરી ફરીથી શશીકાંત તરફ આકર્ષાઈ અને આ વખતે બિહારીએ શશીકાંતને અભિનંદન આપ્યાં.
‘અને જ્યારે એ છોકરી સાથે શશીકાંતના લગ્નની વાત ચાલતી હતી એ જ અરસામાં તેનું ખૂન થઈ ગયું ખરું ને?’
‘ઓહ...કદાચ આપ એમ કહેવા માંગો છો કે...’ નાગપાલની વાતનો અર્થ સમજીને સંતોષકુમાર એકદમ ઉછળી પડ્યો.
‘હું કંઈ જ કહેવા નથી માંગતો મિસ્ટર સંતોષકુમાર!’ નાગપાલ એની વાતને વચ્ચેથી જ કાપી નાંખતા બોલ્યો, ‘કારણ કે અત્યારે મારી પાસે કોઈ જ પુરાવો નથી.’
‘મારે વિશે આપ શું કહેતા હતા?’
‘કંઈ નહીં. ખેર, આ અક્ષરો શશીકાંતના જ છે કે પછી બીજાં કોઈના એની તપાસ કરીને હું તમને જણાવીશ. તમે જરા પણ ગભરાશો નહીં.’
સંતોષકુમારે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
ત્યારબાદ નાગપાલની રજા લઈને તે ત્યાંથી વિદાય થઈ ગયો.
‘તમે તો મને એ છોકરી વિશે કંઈ કહ્યું જ નથી અંકલ!’ એનાં ગયા પછી દિલીપ બોલ્યો.
‘કઈ છોકરી?’ નાગપાલે અજાણ બનતાં પૂછ્યું.
‘અહા હા...કોણ છોકરી...? હવે એ કોણ થઈ ગઈ એમ ને?’ દિલીપ સ્ત્રીની જેમ હાથ નચાવતો બોલ્યો, ‘અરે...હું તમારી પાસે જે છોકરી આવી હતી, તેની વાત કરું છું.’
‘મારી પાસે તો કોઈ છોકરી નથી આવી દિલીપ...! અલબત્ત, હું એક છોકરીને શોધું છું. જરૂર!’
‘તો પછી સંતોષકુમાર પાસે તમે કઈ છોકરીની વાત કરતા હતા?’ દિલીપે મુંઝવણ ભર્યા અવાજે પૂછ્યું.
‘એ તો મેં ખાલી ગપગોળો જ ગબડાવ્યો હતો દિલીપ! લાગ્યું તો તીર નહીં તો તુક્કો તો હતો જ!’ નાગપાલે સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો.
દિલીપ વિચારમાં પડી ગયો.
‘હવે તું તૈયાર થઈ જા...apne બહાર જવાનું છે.’ નાગપાલ ઊભો થતો બોલ્યો.
‘ક્યાં જવું છે?’ દિલીપે પૂછ્યું.
‘મિસ્ટર અજયને ત્યાં...!’
‘ત્યાં વળી શું દાટ્યું છે?’
‘કદાચ કંઈ નવું જાણવાનું મળે...! અહીં બેઠા બેઠા તો કંઈ એ છોકરી નથી મળી જવાની!’ કહીને નાગપાલ બહાર નીકળ્યો ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા હતા.
દિલીપ તેની પાછળ જ હતો.
વીસેક મિનિટ પછી એ બંને અજય સામે બેઠા હતા.
અજયની વ્હીલચેર પાછળ ઊભેલી મનોરમા એ બંને સામે વિચિત્ર નજરે તાકી રહી હતી.
એની આવી વર્તણૂકથી દિલીપ મનોમન ખૂબ જ ધૂંધવાતો હતો. છેવટે કંટાળીને તે બાજુમાં ટેબલ પર પડેલી ફૂલદાની સામે જોવા લાગ્યો. પરંતુ એકેય વાર એણે મનોરમા સામે ન જોયું તે ન જ જોયું. એ આશ્ચર્યચકિત નજરે દિલીપ સામે તાકી રહી.
‘મિસ્ટર અજય!’ નાગપાલે કહ્યું, ‘તમે આપેલાં પત્રોનાં અક્ષરો શશીકાંત જેવા જ છે.’
‘આપે કોઈ હેન્ડરાઈટીંગ એક્સપર્ટ પાસે તેની તપાસ કરાવી છે?’
‘ના...કહો તો કરાવી લઉં..પરંતુ મને પણ હેન્ડરાઈટીંગ ચકાસતા આવડે છે.’
‘તો પછી એક્સપર્ટ પાસે તપાસ કરાવવાની કંઈ જ જરૂર નથી.’ અજય બોલ્યો, ‘પણ મૃત્યુ પામલો માણસ પત્ર લખે એ ખરેખર જ આશ્ચર્યની વાત કહેવાય!’ એના અવાજમાંથી કોઈક અજ્ઞાત આશંકાનો રણકો નીતરતો હતો, ‘આનો અર્થ એ થયો કે મર્યા પછી શશીકાંત ભ્હોત થયો છે. પત્રમાં એણે લખ્યું છે કે મોતની હદ વટાવીને તે અમારી પાસે આવી શકે તેમ નથી. પણ અમે જરૂર તેની પાસે પહોંચી શકીએ તેમ છીએ. મતલબ કે મરી શકીએ તેમ છીએ. તેના આ શબ્દો માત્ર મારા એક માટે જ નહીં, પણ અમારા ત્રણેય ભાગીદારોનાં મોત તરફ સંકેત કરે છે.’
‘એક વાત મને નથી સમજાતી મિસ્ટર અજય!’ નાગપાલ બોલ્યો.
‘શું?’
‘શશીકાંત પર ગોળી છોડ્યા બાદ એના ચહેરાને એસિડ જેવા જલદ પ્રવાહીથી સળગાવી નાંખવામાં આવ્યો હતો. એનો મૃતદેહ શશીકાંતના મૃતદેહ તરીકે ન ઓળખાઈ આવે એટલા માટે ખૂનીએ કદાચ આમ કર્યું હશે એ વાત કદાચ આપણે માની લઈએ તો પણ એણે ખૂન કર્યા પછી શશીકાંતના મૃતદેહ પર તિક્ષ્ણ હથીયાર વડે ઠેક ઠેકાણે ઘા શા માટે ઝીંક્યા? આનું કોઈ જ કારણ મને નથી સમજાતું. આ બાબતમાં તમે શું માનો છો?’
‘આપની વાત ખરેખર જ મુદ્દાની છે નાગપાલ સાહેબ!’ અજયે કપાળ પર હાથ ફેરવતાં કહ્યું.
‘ખૂની ખૂબ જ ક્રૂર અને ઘાતકી હતો એ તો મૃતદેહ જોતાં જ ખબર પડી જાય તેમ હતું. ગોળી મારીને એને સંતોષ ન થયો એટલે એણે શશીકાંતના મૃતદેહ પર ઠેક ઠેકાણે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા અને છતાં પણ તેને શાંતિ ન વળી.’ પરિણામે એણે તેનો ચ્હેરો પણ એસિડ જેવા કોઈ જલદ પ્રવાહીથી સળગાવી દીધો. જાણે તેને શશીકાંત સાથે ભવો ભવનું, બાપે માર્યું વેર હોય તથા શશીકાંતનો ચ્હેરો અસહ્ય લાગતો હોય એ રીતે આ કામ કર્યું છે. ખેર, એ મૃતદેહ બીજાં કોઈનો નહીં પણ શશીકાંતનો જ હતો એની તમને પૂરી ખાતરી છે?’
‘નાગપાલ સાહેબ...!’ અજય નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘એના ચહેરાને ઓળખવો તો ખૂબ જ મુશ્કેલ હતો. અમે શારીરિક અંગ-ઉપાંગો પરથી જ તેની ઓળખ કરી હતી. એનો શારીરિક બાંધો આબેહૂબ શશીકાંત જેવો જ હતો.’
‘માત્ર શારીરિક બાંધો જ કે બીજું કંઈ?’
‘એ સિવાય તેના શરીર પરનાં બે-ચાર ચિહ્નો પરથી તેને ઓળખવામાં વધુ સરળતા પડી હતી.’
‘ઓહ...’ નાગપાલ બબડ્યો, ‘બે માનવીનાં શરીર એકસરખાં હોય એ માની શકાય. પરંતુ શરીર પરનાં નિશાનો પણ એકસરખાં હોય એવું ક્યારેય ન બને!’
‘આપ શું કહેવા માંગો છો એ જ મને તો કંઈ નથી સમજાતું!’ અજયે ચિંતાભર્યા ચ્હેરા, ઉદાસ અવાજે કહ્યું, ‘હવે તો મને મારી જાત પર જ શંકા આવે છે કે મેં ઓળખ કરી હતી, એ મૃતદેહ શશીકાંતનો જ હતો કે પછી બીજાં કોઈનો?’
‘ખેર, એ બાબતમાં ક્યારેક નિરાંતે ચર્ચા કરીશું. હાલ તુર્ત તો તમે મને પેલી છોકરીનું સરનામું આપો. એણે મને સરનામું આપ્યું હતું પણ હું ભૂલી ગયો છું.’
‘કઈ છોકરી?’ કહેતા કહેતા આશ્ચર્યથી એનાં ભવાં સંકોચાયાં.
‘હું, જે થોડા દિવસ માટે બિહારી તથા શશીકાંતના પરિચયમાં આવી હતી, એ છોકરીની વાત કરું છું’
‘ઓહ...કદાચ આપ બિંદુની વાત કરતાં લાગો છો. પણ એની વળી આપને શું જરૂર પડી? ક્યાંક આપ એમ તો નથી માનતાને કે...’
‘શશીકાંતના ખૂનની રાત્રે એની સાથે કોઈક યુવતી પણ હતી અને આ યુવતી બિંદુ જ હોવી જોઈએ એવું મારું અનુમાન છે.’ નાગપાલે એની વાતને વચ્ચેથી જ કાપી નાખતાં કહ્યું.
‘આવું આપ શા માટે માનો છો? આમ માનવા માટે આપની પાસે કોઈ આધાર છે ખરો?’
‘હા...છે...!’
‘શું...?’
‘શશીકાંતના પલંગ પરથી લાલ રંગની કાચની તૂટેલી બંગડીના ટૂકડાઓ મળી આવ્યા છે. એ જ તેનો મોટામાં મોટો પુરાવો છે.’
‘ઓહ...સમજ્યો...’
‘આ બાબતમાં બિંદુ પાસેથી કદાચ કંઈક જાણવા મળશે એમ હું માનું છું. એણે ખૂનીને જોયો હોય એપણ બનવાજોગ છે.’
‘બરાબર છે...પણ જો એણે ખૂનીને જોયો હોય તો એ તેને જીવતી શા માટે રાખે?’
‘જરૂર જીવતી ન જ રાખે! પણ એ ક્યાંય છૂપાઈ ગઈ હોય અથવા તો પછી નાસી છૂટી હોય એમ પણ બની શકે ને?’
‘જો એમ જ હોય તો પછી એણે પોલીસને આ બાબતની જાણ કેમ ન કરી?’
‘જાણ ન કરવા પાછળ કોઈ લાચારી કે દબાણ પણ હોઈ શકે. એ ખૂનીથી ગભરાતી હોય અથવા તો પછી પોતે નાહક જ પોલીસના લફરામાં ફસાઈ પડશે એવા ભયથી એ ચૂપ રહી હોય તે બનવાજોગ છે. આ મામલો ખૂનનો છે અને એકવાર પોલિસ પાસે ગયા પછી સહેલાઈથી છૂટકારો નહીં જ થાય એ વાત તે જાણતી જ હશે.’
‘આપની વાત સાચી છે.’ કહીને અજય કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.
‘બિંદુનું સરનામું...?’ નાગ્પાએ પૂછ્યું. પછી ઘડિયાળમાં નજર કરી. સાડા છ વાગ્યા હતા.
‘ઓહ...હા...’
ત્યારબાદ એણે બિંદુનું સરનામું તેમણે લખાવી દીધું.
પછી એની રજા લઈને બંને ત્યાંથી વિદાય થઈ ગયા.
***
---રાત્રિના નવ વાગ્યા હતા.
દિલીપ રોક્સી ક્લબમાં બેઠો બેઠો કોફીના ઘૂંટડા ભરતો હતો.
‘સાહેબ...!’ એ જ વખતે એક વેઈટર તેના ટેબલ પાસે આવ્યો. ‘
દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘આપનું નામ કેપ્ટન દિલીપને?’ વેઈટરે પૂછ્યું.
‘હા...કેમ...?’
‘આપનો ફોન આવ્યો છે...!’
દિલીપ ઊભો થઈને કાઉન્ટર પાસે ગયો. એણે રિસીવર ઊંચક્યું.
‘હલ્લો... હું દિલીપ બોલું છું.’
‘દિલીપ...!’ સામે છેડેથી નાગપાલનો ગંભીર અને ઉતાવળો અવાજ તેના કાને અથડાયો, ‘તું હમણાં જ અહીં ચાલ્યો આવ!’
‘અહીં, ક્યાં...?’
‘બિંદુના ફ્લેટ પર...! સરનામું તો તને ખબર જ છે.’
‘ઓ...કે...’ કહીને દિલીપે રિસીવર મૂકી દીધું.
પછી બીલ ચૂકવીને તે બહાર નીકળ્યો.
એક ટેક્સીમાં બેસીને તે બિંદુના ફ્લેટ તરફ જવા માટે રવાના થઈ ગયો.
રસ્તામાં, નાગપાલે બિંદુને ત્યાં પોતાને શા માટે બોલાવ્યો હશે એનો તે વિચાર કરતો હતો. થોડીવાર પછી ટેક્સી એક આંચકા સત્થે ઊભી રહી.
નીચે ઊતરીને દિલીપે ભાડું ચૂકવ્યું.
પછી સહસા એની નજર એ બિલ્ડિંગની સામે એકઠા થએલા લોકોની ભીડ પર પડી.
એ ઝડપભેર આગળ વધી, ભીડમાંથી માર્ગે કરીને ઈમારતના કમ્પાઉન્ડમાં દાખલ થયો.
ત્યાં ચાર સિપાહીઓની સત્થે એક ઇન્સ્પેક્ટર ઊભો હતો.
દિલીપને ઓળખીને ઇન્સ્પેક્ટરે સલામ ભરી.
‘નાગપાલ સાહેબ ક્યાં છે?’ દિલીપે માથું હલાવતાં પૂછ્યું.
‘ઉપર...!’
દિલીપ પ્રવેશદ્વાર વટાવી, સીડી ચડીને બીજા માળ પર પહોંચ્યો.
બિંદુના ફ્લેટ પાસે પણ ઘણી જ ભીડ હતી. એ ફ્લેટના બારણા પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ઊભેલા પોલીસમેને પણ તેને સલામ ભરી. દિલીપ માથું હલાવીને અંદર પ્રવેશ્યો.
પહેલા જ કમરામાં નાગપાલ પૂછપરછ કરતો હતો.
ત્યારબાદ સહસા દિલીપની નજર જમીન પર પડેલા બિંદુના મૃતદેહ પર પડી. એણે બહુ નજીકથી ગોળી મારવામાં આવી હોય એવું લાગતું હતું. ગોળી ડાબી પાંસળીને ચીરીને પીઠમાંથી આરપાર નીકળી ગઈ હતી. ગોળી લાગતાં જ તત્કાળ એ મૃત્યુ પામી હતી.
ફોટોગ્રાફરો દરેક એંગલથી મૃતદેહની તસ્વીરો ખેંચતા હતા.
નાગપાલે સંકેતથી દિલીપને પોતાની નજીક બોલાવ્યો.
‘આ શું થઈ ગયું અંકલ...?’
‘ખૂન...!’
‘હું એમ કહેવા માગું છું કે એ કોણે શા માટે કર્યું?’
‘જો એની મને ખબર હોત તો સ્ટાફના માણસોને તકલીફ જ શા માટે આપત?’
‘વારુ, મને અહીં શા માટે બોલાવ્યો છે?’
‘માખીઓ મારવા...! તું મારો સહકારી છો સમજ્યો?’ નાગપાલનો અવાજ એટલોબધો કઠોર હતો કે દિલીપ એકદમ ચૂપ થઈ ગયો.
ત્યારબાદ નાગપાલે આજુબાજુમાં રહેતા લોકોને તથા જે માણસે બિંદુની ચીસ સાંભળી હતી, તેને પણ પૂછપરછ કરી જોઈ.
પણ ખાસ જણાઈ જાણવા ન મળ્યું.
આ દરમિયાન ફોટોગ્રાફરો પોતાનું કામ પૂરું કરી ચૂક્યા હતા.
‘લાશને એમ્બ્યુલન્સમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ અને પછી ફ્લેટ પર સીલ મારી દેજે. હું હમણાં જ આવું છે.’ નાગપાલે આદેશાત્મક અવાજે કહ્યું.
પછી તે બહાર નીકળી ગયો.
દિલીપ મોં મચકોડીને રહી ગયો.
***