અધુરા અરમાનો ૧૪ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો ૧૪

અધુરા અરમાનો - ૧૪

પ્રેમમાં વાયદા ઘણા કરવા પણ ખૂબ વિચારીને કરવા. જો વિચારીને કર્યા હોય તો પછીની નિભાવીને જ રહેવું, મરતે દમ તક!

ક્યાં ડરના જીંદગી સે કમબખ્ત!

કાં મહોબ્બત, કાં મૌત!

મોત અને મહોબ્બત એક જ રાહની મંઝીલ છે.

પ્રેમ ની દુનિયા દીવાનાઓને અહી એટલું જ કહેવું છે કે પ્રેમ કરો, ખૂબ જ પ્રેમ કરો. પરંતું દિલની દિવ્ય દિવાનગીને કલંક લાગી જાય એવો પ્રેમ મત કરો. અને જો થઈ જાય તો ત્યાંથી પાછા વળો. પોતાની જ જાતિના રળિયામણા વાડામાં રહીને પ્રેમ કરો કે જેથી પ્રેમને જ્ઞાતિને કે પરિવારને કોઈ આંચ ન આવે. કહેવાનુ તાત્પર્ય એવું નથી કે અન્ય જ્ઞાતિ કે અન્ય સમાજથી ડરી જાઓ. પરંતુ તાત્પર્ય એ છે કે પ્રેમ કરીને પ્રેમલગ્નની મંજિલને નિષ્કલંક રીતે પામવી હોય તો પોતાની જ્ઞાતિમાં પ્રેમ કરવો તે સર્વોત્તમ છે. નોંધનીય અને સર્વસ્વીકૃત બાબત છે કે પ્રેમ કરાતો નથી પણ થઈ જાય છે. જો પોતાનાથી અન્ય જ્ઞાતિની વ્યક્તિ જોડે પ્રેમ થયો હોય તો તે પ્રેમના માર્ગે જ્યાંથી દુઃખના ડુંગરો દેખાતા હોય અને કલંકિત કાલરાત્રિ મોં ફાડીને બેઠેલી દેખાય ત્યાંથી સમજદારી કરીને પાછા વળી જવું એમાં જ પ્રેમની, પ્રેમદિવાનાઓને બહાદુરી છે, મંઝીલ છે.

કિંતું જો પ્રેમ કરીને જ ઓહિયા કરી લેવાનું હોય તો દુનિયાની ગમે તે વ્યક્તિ સાથે બિનધાસ્ત બનીને પ્રેમ કરો મોજ કરો, ખુશ રહો, એ જ જિંદગી છે!

જીંદાદિલીથી જીવવાનું નામ છે જીંદગી.

સાંજના આછા અંધકારમાં સૂરજ સેજલને તેના ઘર સુધી મૂકીને હાઈવે પર આવ્યો. સાંજનો સમય થવાથી દુનિયા પોતપોતાના ગામ-ઘેર જવા ઉમટી પડી હતી. બજારમાં જેટલા લોકો હતા એનાથી વધારે વાહનોની અવરજવર થવા પામી હતી. ચા ની હોટલો પર ચા ની ચૂસકી લેનારાઓની ભીડ જામી હતી. કેટલાક જુવાનિયાઓ પાનના ગલ્લે પાન-મસાલો ચાવતા ચાવતા ખડખડાટ હસી રહ્યાં હતાં. આકાશમાં ઉડતા પક્ષીઓ મધુર ગીતગુંજન ગાતાં ગાતાં માળા તરફ ઉડાન ભરી રહ્યાં હતાં. વાહનોના ઘોંઘાટમાં આખું વાતાવરણ ઘોંઘાટિયું બની ગયું હતું. ચારેય તરફ વાહનોનો ગડગડાટ અને ભરભરાટ થતો હતો. આવા ગોઝારા વાતાવરણમાં સુરજ જયવીર ગેરેજ આગળ આવેલા બાંકડા પર બેઠો બેઠો ખોવાઈ રહ્યો હતો રસ્તા પર આવન-જાવન કરતા વાહનોની ગતિમાં! અચાનક તેના ગામ તરફ જતી ટેક્ષી આવી. એ દોડતો એમાં ચડી ગયો. એ વેળા એના મનમાં વિચાર આવ્યો કે 'સુરજ ગાડી ચૂકી ગયા હોત તો ફરી બીજી ગમે તે મળી જાત પરંતુ હવે આપણા જીવનની ગાડી ઉપડવાની કે બંધ પડવાની તૈયારીમાં છે એનું શું?' અને અચાનક એનાથી ડૂંસકું ભરાઈ ગયું. ડુસકામાં જ ડૂમાને ખાળતો એ બબડ્યો:'હવે આ પ્રેમલગ્નના ભૂતાવળથી બચવું મુશ્કેલ જ નહી પરંતું નામુમકીન જ છે.'

સેજલ ઘેર આવી.

ભોજન તૈયાર હતું પણ જમી નહીં. સુરજ, પ્રેમ, પ્રેમલગ્નન અને પોતાના વિચારમાં ને વિચારમાં એણે નીંદને વ્હાલી કરી લીધી. ઘડીકમાં જ એ સપનામાં સરી પડી. સપનાં જુએ છે તો ગંગેશ્વરની સીપું નદીમાં એ પોતાની સખીઓ સાથે નહાવા માટે ગઈ છે. સર્વે સરખી સખીઓ નદીના શીતળ સ્નાન કરી રહી છે. યુવાનીના આવેશમાં તેઓ એકમેક પર પાણી છાંટી રહી છે, મોજમસ્તી કરી રહી છે અને દોડતી રહી છે. એકાંત નદીકિનારો, શાંતિથી ધીરે ધી...રે વહેતું ચોખ્ખુચણાક પાણી. પાણી જાણે અરીસો! અને આ એકલી છોકરીઓ! એ છોકરીઓ આનંદમાં મશગૂલ બનીને સ્નાન કરે છે. બે છોકરીઓ કિનારે બેઠી બેઠી વાતે વળગી હતી:

'અલી કિંજલ! જોને પેલી છોકરીઓ પાણીમાં કેવી રમતના રવાડે ચડી ગઈ છે! સાંજ થવાની છે તોય ઘેર જવાનું નામ જ લેતી નથી!

'પણ મયુરી,એક વાત કહું ?"

'કહે ને જે કહેવું હોય તે. છોકરીઓને જોતી જોતી હું બધું જ સાંભળું છું.

'ત્યારે સાંભળ, અત્યારે સાંજ થઈ જાય કે મધરાત વીતી જાય પરંતું યુવાન હૈયાઓએ જ્યારે યુવાનીના હિલ્લોળેલે છે ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. હૈયાના હેત જ એવા છે કે એ ભલભલા માણસને પીગાળી દે છે. ઉભરતા ઉરમાં જ્યારે લાગણીના, ઊર્મીના ઉભરા આવે છે ત્યારે માણસ બધું જ ભૂલી જાય છે. પોતાની જાતને પણ.'

બન્ને વચ્ચે આવો સંવાદ ચાલે છે ત્યારે બાજુમાં બેઠેલી સેજલ ઊભી થઈને પાણીમાં દોટ મુકે છે. અચાનક જ પાણીમાં મગર આવે છે. એ સેજલના પગે વળગે છે. સેજલ ડરની મારી જોશથી બૂમ પાડી ઉઠી છે....ઓય મમ્મી રે....!

અને અચાનક જ એ જાગી ગઈ. પોતાને પોતાના જ ઘરમાં જોઈને એ ઘેરા અચંબામાં પડી જાય છે. તેની મમ્મી આ સાંભળીને ઝડપથી દોડતી બહાર આવી છે ને બાથમાં ભરીને વહાલથી પૂછે છે, 'શું થયું છે દીકરી?'

"મમ્મી મમ્મી...!" એ કંઈક કહેવા જાય છે ને અટકી જાય છે. એનાથી આગળ કંઈ બોલી શકાતું નથી. એ જોરથી રડી પડી. મનમાં અનેક તર્કવિતર્ક થયા. આજે અચાનક આવું સપનું ? એય વળી સમી સાંજે! શું એ ભાવિનું એંધાણ તો નહીં આપતું હોય ને??' એ બહાવરી બની.

સૂરજ ઘેર જઈને ખાટલામાં ફસડાઈ પડ્યો. મચ્છરની જેમ અનેક વિચારો-ખયાલો આવીને એને ઘમરોળવા માંડ્યા.

આખો દિવસ સાવ સૂની પડેલી શેરીઓ ઊભરાવા લાગી. ગામમાં શોરબકોર ગુંજી રહ્યો હતો. હવા ધુંધળી બની ગઈ હતી. એકબાજું ભરવાડવાડામાં બકરીઓ બેં....બેં.... કરી રહી હતી તો વળી બીજી બાજું ગાય ભાંભરી રહ હતી. ને સૂરજના ઘરની પાછળ જ આવેલ રામાપીરના મંદિરમાં પૂજા આરતી થઈ રહી હતી.

"દીકરા સૂરજ, આજે સાંજના સમયે શા માટે સૂતો છે? ઊઠ, જા પૂજા આરતી કરી આવ." માથેથી ઘાસનો ભારો ભોંયપર પટકતા એની માં બોલી.

માં' નો મધુર સ્વર કાને પડતાં જ સૂરજ સફાળે બેઠો થઈ ગયો.

"અરે, માં તું આવી ગઈ? હું અત્યારે જ મંદિરે જઈને દીવો કરી આવું છું." કહીને એણે મંદિર તરફ પગ ઉપાડ્યા. જતાં જતાં એણે કહ્યું:"માં, આજે મારૂ જમવાનું બનાવતી નહી, કારણ મને ખાસ ભૂખ નથી."

"કેમ દીકરા? શું જમીન આવ્યો છ? જેથી ભૂખ નથી?"

પરંતું સૂરજ અહીં હોય તો ઉત્તર વાળે ને! એ તો મંદિરે પહોંચી ગયો હતો.

એક તરફ સૂરજ અડધી રાતેય સિતારા ગણી રહ્યો હતો તો બીજી બાજું પેલી સેજલ સપનાઓના, અરમાનોના અડીખમ તાજમહેલ સજાવી રહી હતી.

"જામ કદી મદીરાના પીધા ન અશ્ક આપણે,

અસર થઈ આ પ્રેમશૂરાની એક ઘુંટમાં."

દરરોજ મળસ્કે જાગી જનારો સુરજ સવારે નવ વાગ્યે જાગ્યો. ઊઠ્યો એવો જ પોતાના મિત્ર તેના ઘેર ગયો. બંનેએ બહું બહું વાતો કરી. પરંતુ સુરજનું મન કોઈ વાતમાં ચોટતુ નહોતું. એના મનોભાવોને વાંચતા જયે પૂછ્યું, 'સૂરજ, આજે તું કેમ ઉદાસ છે? માનો કે ન માનો પણ તારું મન ક્યાંક ભટકે છે. ગમે તે હોય કંઇક વાત તો કર યાર!"

"જય, હવે કંઈ બોલવા - કહેવા જેવું રહ્યું જ નથી. લાગે છે ઉદાસી હવે આ વદનને છોડે એમ નથી. આ મન હવે વ્યાકુળતામાં વ્યગ્ર થયું છે. મને કંઈ જ સૂજતું નથી."

"અરે યાર,એવું તો શું થઈ ગયું કે કંઈ સૂજતું નથી?"

"સાંભળ બકાં જય, કાલે હું અને સેજલ મળ્યા હતા. ઘણી બધી વાતો કરી. છેલ્લે એણે....!" એની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.

"અરે યાર, ભલા માણસ! આમ ચિંતા કર નહી. જે હોય એ કહે. હું તારી પડખે જ છું."

"દોસ્ત જય, એને લગનનું ઘેલું લાગ્યું છે. કોણ જાણે એને કોણે ચડાવી છે તે કહે છે કે આજે ને આજે જ પ્રેમલગ્ન કરી લઈએ! મે જરાક ના પાડી એમાં એ ચોંધારે ચડી. એને તો બસ બે હોઠ ભેગા કરવા છે પણ મારું શું?"

"અરે ભાઈ સૂરજ! આટલી વાતમાં તુ મરદ થઈને ઉદાસ થઈ ગયો? ગાંડો થઈ ગયો છે કે શુ? આ તો તારા ભાગ્ય ખૂલ્યા! લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે ને તું મો ધોવાની વાતો કરે છે! આ તો તારા સદનસીબ કે તને સામેથી પ્રેમલગ્નનું કહેવાવાળી મળી. નહી તો તને ખબર છે ને કે કંઈ કેટલાંય પ્રેમીઓ બિચારા પ્રેમિકાના પ્રેમલગ્નના ઈનકારથી શરાબને રવાડે ચડેલ છે. જ્યારે તું ??? સેજલ ક્યારે તને મળવાની છે બોલ!"

જમીન ખોતરતા ખોતરતા સૂરજે જવાબ આપ્યો:"આજે સાંજે પાંચ વાગ્યે."

"તો ભાઈ, વિચારવાનું માંડી વાળ અને ચાલ થઈ જા તૈયાર. હું સાથે આવું છું."

"જય, મને મારા પરિવારનો, મારા ઘરનો વિચાર કોરી ખાય છે. મંજીલ તો મારી બાહોમાં છે પરંતું ઘરનો વિચાર હિમાલય બનીને મારા માર્ગમાં ઊભો રહી ગયો છે."

"ડોબા સૂરજ, પ્રેમમાં પરિવાનો ખયાલ ન કરવાનો હોય! છતાંય તારી જોડે હાલ બે જ મારગ છે:કાં તો પરિવાર, કાં પ્રેમની પાનારી સેજલ."

"જય, હું જાણું છું ને સમજુંય છં પણ...! આ હૈયું પળવારેય સેજલનો મધુરો સાથ છોડવા તૈયાર નથી. એની સંગે સંસાર માંડીને મારેય સુખી જીવનની મોજ માણવી છે પરંતું.....!" એ અટકી ગયો.

સૂરજ હવે સુખી સંસાર માંડે છે કે દુખની દુનિયામાં ગરકાવ થાય છે? જાણો આગળના અંકે....!

ક્રમશ: