Ketluy khute chhe - 10 books and stories free download online pdf in Gujarati

કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 10)

(૧૦)

વહેણ

કોઈ નૈસર્ગિક ભૂમિય ઉથલપાથલ ને લીધે નદી નું વહેણ બદલાઈ જાય એ તો સહુ જાણે છે પણ ક્યારેક જીવન નું વહેણ ખોટી દિશા માં પલટાઈ જાય ત્યારે જે ઉથલપાથલ થાય તેની વાત આજે કરવી છે. મુગ્ધાવસ્થા ને યૌવન વચ્ચે આમ તો કોઈ ભેદ રેખા છે જ નહી. માનસશાસ્ત્ર ભલે ભેદ રેખા દોરે બાકી મુગ્ધાવસ્થા ક્યારે કાયા મરડે ને મન ને નચાવે એની કોઈ ઉંમર ના હોય અને કદાચ એટલેજ બાવીસ પુરા કરી, એમ.કોમ પતાવી, બી.એડ. કરતી આર્યાએ સત્યાવીસ વર્ષ ના શિવમ સાથે આંખ મળી જતાં બી.એડ ના ક્લાસ છોડવા માંડ્યા.

આર્યા ના પાટીદાર કુટુંબ માં કોઈ ખાસ ભણેલ નહી. પણ લક્ષ્મીજી ની કૃપા. જમીન જાગીર સારી અને વળી આર્યા ની મોટી બહેન નું લગ્ન સાત વર્ષ પહેલાં લંડન સ્થાયી થયેલા માધવ સાથે થયું જેને પગલે આર્યા નો ભાઈ પણ લંડન પહોચી ગયેલો. આર્યા પણ લગ્ન પહેલાં ત્યાં પહોચી જાય ને પછી પાછી આવી ને અહી ના મુરતિયા સાથે લગ્ન કરે કે ત્યાં ને ત્યાં કોઈ શોધી કાઢે તેવી બધાં ની ગણતરી. લગ્ન ની ઉંમર વીતી જશે તેવી કોઈ ભિતી પાટીદાર સમાજ ને નથી હોતી. મધ્ય ગુજરાત માં સહજ એવો વિદેશ ગમન નો મોહ ગાડા ગામ ના આ આર્યા ના કુટુંબ માં પણ હતોજ.

આમ તો લંડન જવા ની વાત આર્યા માટે સહેલી નહતી. ભાઈ-બહેન ના સંબંધ માં થોડી વાર લાગે પણ મોટી બહેને માં-બાપ ને બોલાવવા પણ ફાઈલ મુકેલી અને આર્યાએ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું એજ વર્ષે તેનાં માં-બાપ લંડન ઉડી ગયાં. હવે આર્યા માટે લંડન જવા માં વાર નહી લાગે એ વાતે બધાં ખુશ હતાં. એમ.કોમ પતાવી બી.એડ કરી રહેલી આર્યા ક્યારે શિવમ નામના બ્રાહ્મણ યુવાન થી અંજાઈ ગઈ તેની કોઈને ખબર ન પડી. ધ્યાન રાખનાર ભાઈ અને બાપ તો લંડન પહોચી ગયા હતા અને ત્યાં આર્યા ના ફોટા બતાવી બતાવી પાટીદાર સમાજ નો સારો યુવક શોધતા હતા.

શિવમ નાની ઉંમરે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચુક્યો હતો. પોતાના ધંધા માં આવડત, મહેનત અને અલબત્ત થોડા નસીબ ના જોરે તેણે નાની ઉંમર માં સારુ નામ કાઢ્યું હતુ. આર્યા દેખાવ માં સાધારણ હતી. તેની તુલના માં શિવમ ખુબ સોહામણો. બપોર ના સમયે આર્યા લંચ બ્રેક માં બહેનપણીઓ સાથે કૉલેજ ની બહાર ફરતી હોય ત્યારે તેણે શિવમ ને જોયો-જાણ્યો ને માન્યો. હવે કેવી વાકપટુતા થી છોકરીઓ અંજાઈ જાય છે એ વાત સ્ત્રીઓ અને તેમને આંજનાર પુરુષો જાણેજ છે. એ તો શબ્દ વિશ્વ ‘છળ વિશ્વ’ કે ‘ભ્રમ વિશ્વ’ છે એ વાત સમજાઈ જાય ત્યારે પેલી મુગ્ધાવસ્થા આપોઆપ અલોપ થઇ જાય.

મધ્ય ગુજરાત માં નાનકડા ગામ ગાડા માં પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર છોકરા-છોકરીઓ બહુ થોડા. એમાં શિવમ ભણેલી ને પાછી રૂપાળી એવી કન્યા ક્યા શોધે? એણે મનથી સમાધાન સ્વીકારી લીધેલું. અને ઘર માં બધાં ને જણાવી પણ દીધેલું. નાની ઉંમર માં સારુ એવું કમાઈ લેનાર છોકરા થી ઘર ની કાયા પલટ થઇ હતી એને ક્યાં નારાજ કરવો? આમેય શિવમ ના બીજા બે ભાઈઓ જ્ઞાતિ ની કન્યાઓ ને વરેલા તોય એ વહુઓ થી માં-બાપ ને ઝાઝો સંતોષ નહતો. તો એક વહુ બીજી જ્ઞાતિ ની આવશે તો શું ખાટું મોળું થઇ જવાનું છે એમ માં-બાપે વિચાર્યું. પણ આર્યા ના ઘર માં સહેલું નહતું. કોઈ પણ સંજોગો માં એનો આ નિર્ણય નહી સ્વીકારાય એમ એ જાણતી હતી. એટલે એણે કોઈને જણાવ્યા વગર સાદગીથી શિવમ સાથે એક મંદિર માં લગ્ન કરી મેરેજ રજીસ્ટ્રેશન કરાવી દીધું અને પહેરેલે કપડે શિવમ ના ઘર માં જઈ માં-બાપ ને લંડન ફોન કર્યો. હા ...બી.એડ. પૂરું ન કર્યું એણે લગ્નની લ્હાય માં.....હવે જીવન વહેણ બદલાઈ રહ્યું હતુ અને શિવમ જેવું કમાતા યુવક ને પરણી નોકરી ની તો જરૂર જ નહતી પડવાની.

આવા સંજોગો માં થાયછે તેમ થોડો સમય આર્યા નું કુટુંબ નારાજ રહ્યું. અને શિવમ ના કુટુંબ માં તેને માટે હથેળી ના છાયા થયા. પણ ધીમે ધીમે બધું બદલાવવા માંડ્યું. આર્યા વાર-તહેવારે લંડન ફોન કરતી તો કોઈ વાત ન કરતું. એનો ફોન છે એમ ખબર પડતાં જ ફોન કપાઈ જતો. પણ એક દિવસ મોટી બહેને વાત કરી અને તેના થોડા જ દિવસ માં અર્યાની મમ્મીએ. એ લોકો ને એ જ અફસોસ હતો કે આર્યા એ પહેલાં લંડન આવી જઈ પછી શિવમ સાથે લગ્ન કરવાનું વિચાર્યું હોત તો પણ વાંધો નહતો. બધાં સાથે તે લંડન તો હોત ને! જયારે આ તો બિચારી ઇન્ડિયા માં રહી ગઈ. પણ આર્યા ક્યાં બિચારી હતી? શિવમ આટલું સારુ કમાતે હતો કે ઇન્ડિયા માં એને માટે લંડન કરતાં વધારે શાંતિ હતી. લંડન માં તો ઘર નું કામ બધું જાતે કરવું પડત અને સાથે બહાર ક્યાંક નોકરી પણ કરવી પડત જેમાં સખત થાક લાગત જયારે અહી તો આર્યા વાસણ-કપડાં કચરા-પોતા બધું કામવાળી જોડે કરાવતી. ગાડા માં સારા માં સારુ ઘર શિવમે બાંધેલું જેમાં આર્યા રાણી ની જેમ રહેતી. શિવમ તો રસોઈ માટે પણ બાઈ રાખી લેવાનું કહેતો. આર્યાએ નોકરી તો દુર, શાક લેવા બજાર પણ નહતું જવું પડતુ. એ પણ નોકર લાવી દેતો. અને શિવમ આર્યા ને પ્રેમ પણ એટલો કરતો કે આર્યા ને ક્યારેય પોતાની જ્ઞાતિ છોડી બીજી જ્ઞાતિ માં લગ્ન કર્યા નો અફસોસ નહતો થતો. એના જીવન નું વહેણ એક સારી દિશા માં પલટાઈ ગયુ હતુ.

પણ ધીમે ધીમે હવામાન બદલાય એમ આર્યા નું જીવન પણ બદલાવવા માંડ્યું. ધંધા માં વ્યસ્તતા ને લઈને શિવમ બેચેન રહેતો. એક હદથી વધુ પૈસો દુષણ લાવે એ અનુસાર શિવમ દારુ ની લતે ચઢ્યો. એના મિત્રો પણ એવા જ થયેલા જે શિવમ ના પૈસે દારૂ પીને શિવમ ને જ અવળે માર્ગે ચઢાવે. ધીમે ધીમે ધંધા માં શિવમ નું ધ્યાન ઓછુ થયું. હરીફાઈ ના સમય માં વધારે ચોક્કસ રહેવુ પડે એવા સમયે શિવમ દુકાન નોકરો ના ભરોસે મૂકી દોસ્તારો જોડે રખડ્યા કરતો. દારૂ ને રખડપટ્ટી તો આર્યા કદાચ ચલાવી લેત. પણ જ્યારે અર્યાએ જાણ્યું કે શિવમ બીજી ઘણી સ્ત્રીઓ સાથે હરતો-ફરતો રહે છે ત્યારે તેને થયું કે એણે પોતે શિવમ જેવા છોકરાને પસંદ કર્યો એ જીવન ની મોટી ભૂલ હતી. અને ...આજ લાગણી જન્મતાં બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડા શરુ થયા. આર્યા અવાર નવાર શિવમ ને જણાવતી કે એણે લંડન જવાનું પડતુ મૂકી શિવમ સાથે લગ્ન કર્યું એના બદલા માં શિવમ તરફથી આવી બેવફાઈ અસહ્ય છે. તો શિવમ નફફટ થઇ આર્યા ના સાધારણ દેખાવ સામે પોતાના રૂપની બડાશ મારતો. આર્યા સાથે લગ્ન શિવમ પોતાની ‘ભૂલ’ ગણાવતો. આર્યા ને તો લંડન ના બદલા માં અહી સાહ્યબી મળી છે જયારે પોતે તો દેખાવ માં નિમ્ન સ્ત્રી સાથે પરણ્યો એ વાત શિવમ જતાવતો – અહેસાસ કરાવતો અને આર્યા ને ઠંડે કલેજે બાળતો રહેતો. બે બાળકો ને ઘર-સંસાર માં ડૂબેલી આર્યા છુટા છેડા લેવાની ઉંમર સામાજિક રીતે તો વટાવી ગયેલી. બાળકો પરિપક્વ થાય ત્યાં માં-બાપ ક્યાં છુટા છેડા લઇ તમાશો કરે? લંડન માં ચાલે.... આપણે અહી થોડુ નડે! અને .....આર્યા ને લાગ્યું કે એણે એના જીવન વહેણ ને ખોટી દિશા માં વાળ્યું હતુ.... લંડન હોત તો શિવમ થી અલગ રહેત તોય કોઈની ચિંતા નહી ... અહી તો બધાં વાતો કરે ને બાળકો ના મન પર પણ અસર થાય. પણ વહેણ બદલવુ હવે અઘરું હતુ.

લાંબા અરસા ની દ્વિધા પછી આર્યા એ મોટી બહેન ને પોતાની પીડા જણાવી. શિવમ ના ધંધાની આવક ઘટી રહી હતી અને એની ચરબી અસહ્ય થઇ રહી હતી એ વાત ચોધાર આંસુએ રડતાં રડતાં જણાવી. અનેક વાર મળી ચુકેલો એ ઠપકો ફરી વાર સાંભળી લીધો આર્યાએ. મોટી બહેને ઘરમાં બધાં સાથે સંતલસ કરી બે દિવસ પછી સામેથી ફોન કર્યો. આર્યા ના લગ્ન પછી સત્તર વર્ષે પહેલી વખત લંડન થી સામો ફોન આવ્યો હતો પણ આ ક્ષણે આર્યા ને લાગ્યુ કે આપત્તિ ટાણે આપડુ પોતાનું કહેવાય એ લોહી તપ્યા વગર ન રહે. મોટી બહેન ના કહેવા અનુસાર આર્યા શિવમ જોડે ખાલી કાગળ પર....દેખાડા પૂરતા છુટા છેડા લઇ લંડન આવી શકે. લંડન સેટ થયા પછી પાછા આવી ફરી થી લગ્ન રજીસ્ટ્રેશન કરાવી શિવમ અને બાળકો ને લંડન સાથે લઇ જાય. આવું કરવા માં લંડન આખુ કુટુંબ આવી જાય. આર્થિક ચિંતા પણ ન રહે અને શિવમ પણ થોડો દાબ માં રહે. યોજના તો સરસ હતી. પરણેલી રહી લંડન જવું આર્યા માટે શક્ય નહતું એ તો પાટીદાર ન હોવા છતાં લંડન – ઇંગ્લેન્ડ ના કાયદા જાણતા શિવમ ને પણ ખબર હતી. પણ તેને આ યોજના સ્વીકાર્ય નહતી. પાછી આવી ફરી લગ્ન રજીસ્ટ્રેશન કરાવી બધાં ને આર્યા લંડન લઇ જ જાય એ વાત નો પૂરો વિશ્વાસ શિવમ ને હતો. પણ તેના માં રહેલો બ્રાહ્મણ આ કાઠીરગડા કરવા નહતો માંગતો. કદાચ સાસરી પક્ષ બાજુ દબાઈ ને રહેવુ પડે એની ભિતી પણ હતી.

”નીતિ જેવું કઈ હોય કે નહી? વિદેશ જવા તમે લોકો ગમે તે કરી શકો...કોઈ બ્રાહ્મણે આવું કઈ ત્યાં જવા આજ સુધી કર્યું સાંભળ્યું? સાલું ભગવાન સામે કયું મ્હો લઇ જવાનું?” શિવમ કહેતો ત્યારે સામે આર્યા પણ જવાબ આપતી,” આમતો બ્રાહ્મણ દારૂ પી ને બીજી સ્ત્રીઓ સાથે ફરતા નહતા...હવે બધું બદલાઈ ગયુંને? ક્યારેય દારૂ પીતાં કે મારા જેવી સ્ત્રીનો જીવ બળે છતાં બીજીઓ જોડે ફરતાં વિચાર્યું કે ભગવાન ને કયું મ્હો બતાવીશ? અરે તને તો ભગવાન નર્ક માં ય જગ્યા નહી આપે શિવમ...સ્વર્ગ-નર્ક વચ્ચે ભમીશ આમતેમ ...યાદ રાખ.” અને શિવમ મોટી ગાળ બોલી ઘરની બહાર નીકળી જતો. આવી ચર્ચાઓ નો કોઈ અંત નહતો આવતો. પૈસો ખૂટી રહ્યો હતો. નવી આવક લગભગ નહિવત થઇ ગયેલી. બેઠે બેઠે તો કુબેર ના ભંડાર પણ ખૂટે ત્યાં બ્રાહ્મણ ના ઘર નું શું કહેવું? આર્યાને ઘર ચલાવતાં તકલીફ પડતી. કામવાળીઓ હવે નહતી પોસાતી. લગ્ન નાં વીસ વર્ષ પછી આર્યાએ ઘરકામ ...કચરા-પોતા વાસણ બધું જાતે કરવાનું શરુ કર્યું. કોઈ પણ સ્ત્રી સમજી લેશે કે આ ઉથલપાથલ આર્યાને કેવી લાગતી હશે? આજે આર્યા વિચારી રહી કે એક ખોટી દિશા માં એની જીવન સરિતા ફંટાઈ હતી કે જ્યાં હવે વહેણ અધવચ્ચે જ સુકાઈ જશે! લંડન હોત તો આજે વીસ વર્ષ ની મહેનત પછી ત્યાં પોતે સાહ્યબી માં રહેતી હોત. એ સાહ્યબી એને વ્હાલી પણ લાગત પણ ઐશ્વર્ય કે સાહ્યબી ભોગવ્યા પછી આવી પળોજણ ક્યાંથી જીરવવી?

ચિંતા ઓછી હોય તેમ શિવમ હવે હદથી વધુ દારુ પીતો અને લોકો એનું અચેતન શરીર ઘેર મૂકી જતા. એક બ્રાહ્મણ ....ગંદી વસાહત માં દારૂ પી ને પડ્યો હોય અને એને બેભાન હાલત માં ઘેર લાવવા માં આવે એવી હાલત માં-બાપ ને શરમાવતી. આ પરિસ્થિતિ માટે એ લોકો આર્યા નો વાંક કાઢતા. એક સમયે હથેળી ના છાયા થતા એ વહુ માટે આજે એ જ કુટુંબ દોષારોપણ સિવાય કઈ નહતું કરતું. ખરેખર આ સમગ્ર વાત માં આર્યા નો કોઈ વાંક જ નહતો. શિવમ ના ભાઈઓ તો શિવમ ક્યાંક પડ્યો હોય ત્યાં લેવા જવા પણ તૈયાર નહતા. પણ જેણે હાથે કરીને જીવન વહેણ ખોટી દિશામાં વાળેલું એ આર્યા ને ક્યાં છૂટકો હતો? દુકાળ માં અધિક માસ આવે તેમ હવે શિવમ ના દવા ના ખર્ચા વધી ગયા. દારૂ છોડાવવા રીહેબિલેશન સેન્ટર માં પણ આર્યા શિવમ ને લઇ ગઈ. પણ ત્યાંથી પણ કોઈ ફાયદો ના થયો. હવેતો શિવમ અર્ધ બેભાન હાલત માં પણ આર્યા માટે અપશબ્દો ઉચ્ચારતો. અને કૈક તક મળે કે કોઈ સ્ત્રીને લઇ કાર માં ક્યાંક ઉપડી જતો. એક દિવસ ઉગ્ર ઝઘડા દરમ્યાન આર્યા બોલી,”તે મારી જિંદગી બગાડી શિવમ.” અને શિવમે બેશરમ થઇ કહ્યું,”મેં નહી તે જાતે બગાડી. પરણતા પહેલાં અક્કલ નહતી કે મારા જેવો રૂપાળો રાય તારા જેવી સાથે ક્યાંથી ખુશ રહે?” અને આ શબ્દો સીધા આર્યા ના દિલ માં ભોંકાયા અને તેની છાતી જોરથી ધબકી ગઈ. એ સ્વગત બબડી,”હા...મેં જાતે મારી જિંદગી બગાડી પણ હું જાતે સુધારી લઈશ....જાતે..જ....જલદી.” મોટી બહેન ને કહી તેણે લંડન જવાની જરુરી કાર્યવાહી શરુ કરાવી દીધી. મોટી બહેન સમજતી હતી કે શિવમ છુટા છેડા આપવા તૈયાર છે. બધાં હવે થોડાં ખુશ હતાં કે બે-ત્રણ વર્ષ માં તો આર્યા નું આખુ કુટુંબ લંડન આવી જશે. આર્યાની ભૂલ બહુ મોડી સુધરી રહી હતી જેનો ફાયદો એનાં બાળકો ને થશે.

એક દિવસ શિવમ બેભાન હાલત માં પડ્યો હતો એવી ખબર પડતાં આર્યા તેને લેવા ગઈ. ઘણી વાર જતી કોઈ પડોશી કે મિત્ર ને લઈને પણ આજે એકલી ગઈ. ગયા પછી થોડી ક્ષણો બાદ ડોક્ટર ને ફોન કર્યો ને અવાજ માં શક્ય તેટલી આદ્રતા ઉમેરી શ્વાસ બંધ થઇ ગયા હોવાની શંકા જણાવી. ડોક્ટર તાબડતોબ પહોચ્યા. સાથે પહોચ્યા શિવમ ના ભાઈઓ. શિવમ ના દેહ ને અંતિમ પ્રણામ કરવા. શિવમ ઘણી વાર દારૂ પી ને આમ રસ્તા વચ્ચે પડતો ...કોક દિવસ આવું કઈ થશે એની બધાને ખબર હતી એટલે કોઈ પોસ્ટમોર્ટમ નું નામ નહી લે એ વાત ની આર્યા ને ખાતરી હતી. બીજે દિવસે સવારે અંતિમ સંસ્કાર થઇ ગયા. આર્યા ની આંગળીઓ નાં નિશાન હવે ક્યારેય શિવમ ના ગળા પર પકડાવવા નાં નહતાં. પંદરેક દિવસ માં બધી વિધિ પતાવી ‘વિધવા’ આર્યા વિદેશ જવા થનગની રહી. પ્રક્રિયા તો ચાલુ જ હતી. આર્યા પરણેલ હોત તો મુશ્કેલ હતુ એટલે તો છૂટાછેડા લેવાના હતા પણ....છેડા છોડી સદા માટે આર્યા ત્રણ મહિના પછી ઇન્ટરનેશનલ ફ્લાઈટ માં બેસી ગઈ. થોડી....ઘણી વાર લાગી એની ભૂલ એણે જાતે સુધારી લીધી હતી જીવન સરિતા નું મૃતપ્રાય વહેણ એણે સાચી દિશા માં વાળી દીધું હતુ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED