( 1 )
માયા
“સીતા સમાણી સતી કોણ શાણી,
પતિ પ્રતિજ્ઞા એ સદા પ્રમાણી.
કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી,
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.”
શ્રદ્ધા મેડમ સાતમા ધોરણ માં ગુજરાતી ભણાવી રહ્યાં હતાં. ખુબ સરસ રીતે તેમણે સીતા ના સોના ના હરણ પાછળ ના મોહ, મરીચ વધ અને રાવણ ધ્વારા તેના અપહરણ ની વાત સાતમાં ધોરણ ના વર્ગ માં કરી. અલબત્ત, મૂળ હેતુ તો વિનાશ કાલે વિપરીત બુદ્ધિ – એ હાર્દ સમજાવવાનો હતો. વિદ્યાર્થીઓ ને ખુબ મઝા આવી રહી હતી ત્યાં....અચાનક બહારથી અવાજ સંભળાયો....”વિનાશ કાળ નહી, બધી સ્ત્રીઓ ને સોનાનો મોહ જ એવો હોયછે.” વિદ્યાર્થીઓ અવાજની દિશા માં ફર્યા તો ખબર પડી કે આચાર્ય એસ.ડી.ભટ્ટ સાહેબ વર્ગ નું નિરિક્ષણ કરી રહ્યા હતા તે આમ બોલતા હતા. બાળકોને તો ખાસ કઈ ખબર ના પડી પણ શ્રદ્ધા બહેને ખુલાસો હસતાં હસતાં કર્યો,” હોય સાહેબ, એમાં શું?” શ્રદ્ધા બહેન તો સાહજિક રીતે બોલી ભણાવવા તરફ વળ્યાં પણ ભટ્ટ સાહેબ નો દિવસ બગડી ગયો. વર્ગ જોવાનું કે અન્ય કોઈ કામ કરવા નું છોડી, પોતાની ઓફીસ માં જઈ એ.સી. ચાલુ કરી બેસી ગયા. પટાવાળા ને ચા નો ઓર્ડર કરી, આંખો બંધ કરી પોતાની રીવોલ્વીંગ ચેર માં ટેકો દઈ બેઠા. ચેર સ્થિર હતી પણ ભટ્ટજી નું મન ચકરાવે ચઢ્યું. પાછલાં પચીસ વર્ષ ની કેસેટ રિવાઇન્ડ થઇ. ચા આવી, પીવાઈ ગઈ પણ એની કોઈ અસર ના થઇ કેસેટ તો મન માં ભમતી જ હતી. એટલે થોડી વાર પછી પોતાનો મનપસંદ કોલ્ડ કોકો મંગાવ્યો. આજે પટાવાળો ઉદય પણ વિચારી રહ્યો કે ભાગ્યે જ પોતાના વ્યક્તિગત કામે મોકલનાર ભટ્ટ સાહેબને આજે શું થઇ ગયું હતું?
એકતા ભટ્ટ સાહેબની નાની બહેન હતી. બાજુના ફળિયામાં જ એને એક છોકરો ગમી ગયેલો. સારો દેખાવડો અને ખુબ સારુ ભણેલો. નાનપણ થી જ ભણવા માં ખુબ હોશિયાર દિપક અત્યંત સારુ કમાતો પણ થઇ જશે તેવી બધાંની ગણતરી પાછો એમની જ જ્ઞાતિનો એટલે ખાસ પ્રશ્ન પણ નહી થયેલો અને લગ્ન ગોઠવાઈ ગયેલાં. બંને પરિવાર વચ્ચે વર્ષોથી સારો – ઉષ્માસભર સંબંધ હતો. દિપક ના ઘરની સ્થિતિ સાધારણ બંને પરિવાર વચ્ચે આર્થિક પણ સામ્ય. એકતાને લગ્ન પછી ગોઠવાવામાં વાંધો નહી આવે એવું બધાંને લાગેલું.
પણ...ધાર્યુ ધણી નું થાય. એકતાની જેઠાણી ને તેની સાસુ એટલે દીપકની મમ્મીએ લગ્ન સમયે દસ તોલા સોનાના દાગીના ચઢાવેલા. એકજ ફળિયાની વાત એટલે એકતાને અને એમની – એકતા ને ભટ્ટ સાહેબ ની મમ્મી ને ખબર. હવે નાના દીકરા ના લગ્ન સમયે થોડી આર્થિક તંગી ચાલતી હતી. એક તો દિપક ના પિતા ગુજરી ગયેલા, દિપક ને ભણાવવાથી માંડીને ઘરની તમામ જવાબદારી દિપકના મોટા ભાઈ ને માથે આવી પડેલી, દિપક ની મમ્મી નું ઘણું સોનું જરૂર પડતાં વેચી પણ દેવુ પડેલું.. હવે જયારે આવી આર્થિક ખેંચ હોય ત્યારે નાની વહુ ને દસ તોલા સાસુ ક્યાંથી આપે? અરે મોટી ને દસ તોલા લગ્ન સમયે ચઢાવ્યું હતુ એમાંનું ઘણું વેચાઈ ગયેલું. પણ દિપક ની મોટી ભાભી ખાનદાન ઘરની દિકરી એટલે પોતાના ઘરની આ વાત એણે બહાર નહી પડવા દીધેલી
ડિસેમ્બર મહિના ની ગુલાબી ઠંડી માં લગ્ન ના પડઘમ ગુંજ્યા ત્યારે દિપક ના જીવન માં વીજળી ત્રાટકી. લગ્ન ની ચોરીમાં જ... દાગીના જોઈ એકતાનું નાક ચઢી ગયું. એક નજરે તેણે જાણી લીધું કે તેને ચઢાવવામાં આવેલો હાર-બુટ્ટી-મંગળસૂત્ર બધું થઇ છ-સાડા છ તોલા થી વધારે નહી થાય. એક્તાજ નહી, એકતાની મમ્મીએ પણ એ વાત નોધી લીધી. તક મળતાં માં- દિકરી વચ્ચે કૈક વાત થઇ એ પછી એકતાએ ચોરીમાંજ દિપક ને ધીમેથી પૂછી લીધું,”પાટલા કે બંગડી ના કરાવ્યું? મને માપ લેવા બોલાવી નહતી એટલે મને એમકે બીજી કોઈ જણસ કરાવી હશે પણ આતો પાંચ-છ તોલાજ લાગે છે....ભાભીને તો દસ તોલા આપેલુંને? ....મને દિવાળી પર કરાવી આપશો? આ તો કેવું, અત્યારે આપેલું બધાં જાણે-જોવે...... પણ હમણાં બધાં પૂછશે કે કેટલા તોલા ચઢાવ્યું તારી સાસુએ તો ખરાબ લાગશે.....” આ પ્રશ્ન માળા અટકી જ ના હોત જો ગોર મહારાજે એકતા નું ધ્યાન વિધિ માં દોરવા આંખ ન કાઢી હોત. બિચારા દિપક ને તો ભાર શિયાળે પરસેવો વળી ગયો. ઘરના આર્થિક પ્રશ્નો સમજ્યા વિના એકતા આમ સોનાના દાગીના પાછળ પડશે તો શું થશે એ કલ્પના માત્રથી એ ધ્રુજી ગયો.
આજથી પચીસ વર્ષ પહેલાં આખી રાત ચાલતાં લગ્ન. અને એ લગ્નની તૈયારીનો થાક જેમને છેલ્લા એકાદ મહિના નો હતો એવાં દિપક નાં ગંગા સ્વરૂપ બા – મમ્મી અકળાઈ ગયાં જયારે એકતાએ પુછેલા બધાજ પ્રશ્નો નું પુનરાવર્તન તેની મમ્મીએ તેમની સમક્ષ કર્યું. મોટી વહુ કરતાં નાની ને દાગીના – સોનું ઓછું આપ્યું એ એમનો બાહ્ય દ્રષ્ટીએ વાંક એટલે થોડી વાર તો એમણે સંયમ જાળવ્યો. પણ એકતાની મમ્મી ના વધુ પડતા પ્રશ્નો તે સહન ના કરી શક્યાં. એમણે અનુભવી આંખે નોધી લીધેલું કે એકતાનું નાક પણ ચોરી માં ચઢી ગયેલું. એટલે એમનાથી બોલી જવાયું,” મારી મરજી, જેવી સંપત. કાલ ઉઠીને એકતાને પગલે સારાં વાનાં થશે તો મારો દિકરો તેને સોને મઢશે. મારા આશિષ. પણ આ ઘડીએ તમારાથી ના પુછાય કે કેમ આટલું જ આપ્યું.” બસ..... વાત વધી ગઈ. એકતા રડી અને એકતાની મમ્મીએ બુમાબુમ કરી મૂકી. તમાશો થઇ ગયો. આખી જ્ઞાતિ ના લોકોએ જાણ્યું કે મોટી વહુ કરતાં નાનીને સોનું ઓછું ચઢાવ્યું. દિપક અને એના મોટાભાઈની હાલત સમજવા વાળુ કોઈ નહતું. અને પુરુષો થોડા સ્ત્રીઓની જેમ રડીને પોતાનું દુખ કહી શકે છે? એસ.ડી.ભટ્ટ તો તે સમયે સોળ વર્ષ નો સૌમિલ સમજે તોય પોતાની બહેન કે મમ્મી ને રોકી ના શકે. પણ સોળ વર્ષેય એને સમજાઈ ગયુ કે બે-ચાર તોલા સોના ના અભાવે બે કુટુંબ જેમની વચ્ચે વર્ષોથી ઉષ્માસભર સંબંધ હતો, હવે વેવાઈ બન્યા પછી ક્યારેય મનમેળ નહી સાધી શકે.
દિપક ને દૂર ના શહેર માં નોકરી લગ્ન ના એકાદ મહિના પહેલાં જ મળી ગયેલી. એટલે લગ્ન પછી એકતા એ સાસુ અને જેઠાણી જ્યાં રહેતાં, એ ઘર માં પગ સુદ્ધાં મુકવાનું ટાળ્યું. અને દિકરી ના આ વર્તન માં એની મમ્મી ની પૂરી ચઢવણી. ફક્ત દિપક સાથે નાતો. અને એની સાથે પણ પોતાને સોના બાબતે થયેલા અન્યાય ને લઇ સતત કકળાટ. દિપક સમજી જ નહતો શકતો કે શું કરવું. એણે એકતાને બધી પરિસ્થિતિ કહી દીધેલી. ભાભી ના થોડા દાગીના વેચાઈ ગયેલા એ વાત જે આટલો સમય સમાજ માં બહાર નહી પડેલી, એ વાત એકતાએ જાણી. પણ છતાં સોનાને લઇ ઘરમાં કંકાસ તો એવોજ રહ્યો. નવા લગ્ન જીવનની શરૂઆત નાં પાંચેક વર્ષ જે અલગ જ માધુર્ય હોય એ દિપક ન ભોગવી શક્યો, ન એકતા ને સમજાવી શક્યો.
દિપક અને સૌમ્ય ખાસ મિત્રો હતા પણ લગ્ન સમયે થયેલા નાટક ને લઇ મૈત્રી જળવાઈ નહી. પણ સૌમિલ જેમ જેમ મોટો થયો, એને આ આખી વાત માં પોતાની બહેન અને માં નો વાંક લાગ્યો. એણે ખુબ પ્રયત્ન કર્યો. પણ એકતા ના જ સમજી. હજી, વર્ષો પછી પણ તે પોતાની સાસરી માં પગ સુદ્ધાં નહતી મુકતી. સમાજ માં એકતા વગોવાઇ ગઈ અને એની મોટી ભાભી – પોતાની ખાનદાની જાળવી ખાસ આદર પામી. અને હવે તો સૌમિલ પહેલાં શિક્ષક થઇ, લગ્ન કરી, શાળા માં આચાર્ય થઇ... એસ.ડી.ભટ્ટ થઇ ગયેલો.
દિપક ખુબ કમાયો. સારુ ઘર બનાવ્યું, ગાડી પણ લીધી. અને જેમ તેનાં મમ્મીએ લગ્ન સમયે કહેલું તેમ એકતાને સોને મઢી - ઘણા સોનાના દાગીના પણ લઇ આપ્યા. એકતા જયારે પિયર જાય ત્યારે પોતાના નવા નવા દાગીના સ્ત્રીઓને સામે ચાલી બતાવતી. દેખાડો કરવા નો ગાંડો શોખ હતો એને. સૌમિલ – તેના ભાઈ એસ.ડી.ભટ્ટ ને એકતાની આ આદત પસંદ નહતી. અને જ્યારે કોઈ એકતા ના સોના ના દાગીના ના સામે ચાલી વખાણ કરે કે કઈ પૂછે ત્યારે તેની આંખ માં એક અજબ તેજ આવી જતું. ખરેખર, એકતા માટે હવે કોઈ ફરિયાદ નો મોકો જ નહતો. તેનાં મમ્મી દિકરી ના નવા ઘરે રોકાવા આવતાં. શાંતિથી રહેતાં. પણ એકતા નું વર્તન સાસુ માટે હજી એનુંએજ હતુ. દિકરાનું નવું ઘર માં નહી જોઈ શકેલાં. જાતે પસંદ કરેલી પત્ની ના આવા રુક્ષ વર્તનથી દિપક મુરઝાઈ ગયો. પણ પત્નીને કઈ કહી શકવાની એની તાકાત નહતી. એક તો પત્થર પર પાણી અને એકતાની જેમ ઝઘડવાની દિપકની કોઈ તૈયારી પણ નહી. જયારે પોતાના ગામ જાય ત્યારે એકતા તો તેના પિયર જ રોકાતી. દિપક એકલો પોતાની વૃદ્ધ માં અને ભાઈ-ભાભીને મળી આવતો. મનમાં ઘણી વાર અકળાઈ જતો. હવે સાસરી પક્ષ સાથે સંબંધ હતો એટલે સાળા સૌમ્ય સમક્ષ કોઈ વાર વ્યથા ઠાલવતો. પણ પુરુષ હતો – ક્યારેય રડી ના શક્યો.
દિપક નાં મમ્મી પોતાના દિકરાનું નવું ઘાર જોયા વિનાજ મૃત્યુ પામ્યાં. દિપક બીમાર માં ને જોવા ગયો ત્યારે પણ તેમણે આશિષ જ આપેલા. ખુબ પસ્તાયો દિપક એકતા જેવી છોકરી ને પસંદ કરવા બદલ. પણ પુરુષ હતો ...રડી ના શક્યો. હા, મુરઝાયેલો દિપક હવે બ્લડ પ્રેશર ની ગોળી રોજ લેતો. એક દિવસ એને રાત્રે મેસીવ હાર્ટ એટેક આવ્યો… અને… દિપક.... બુઝાઈ ગયો. દિપક હતો સજ્જન – વધુ પડતો. પણ પચાસ વર્ષ પરાણે ખેંચી શક્યો.
એકતા અને તેની મમ્મી દિપક ના મૃતદેહ પાસે રડતાં હતાં. ત્યારે એસ.ડી.ભટ્ટ ગુસ્સાથી ત્રાડ પાડી ઉઠ્યા,”બસ કરો હવે તમે બન્ને. આખી જિંદગી બિચારાનું લોહી પીધું છે. સારુ થયું, વહેલો છૂટ્યો બિચારો...” ભેગા થયેલા સમાજ ના લોકો સ્તબ્ધ હતા પણ સૌમ્ય નો સોળ વર્ષ નો હતો ત્યારનો ....આટલાં વર્ષોનો આવેગ આજે ઉછાળા મારી રહ્યો હતો. સૌમિલ ની વાત તો ત્યારે કોઈના કાને ના સંભળાત. પણ આજે એ ....એસ.ડી.ભટ્ટ બોલી રહ્યા હતા. આ એજ સમાજ હતો જે પચીસ વર્ષ પહેલાં દિપક અને એકતા ના લગ્ન સમયે સોના બાબતે એકતાની મમ્મી ની બુમાબુમ સાંભળી રહ્યો હતો. પછી તો ઓછા સોના ના કારણ ની પણ સમાજ ને જાણ થયેલી. અને દિપક ના વૈભવ ની જાણ તો બધાને એકતા ના અવનવા દાગીના પરથી થઈજ ગયેલી. અને .....આજે......જયારે એક કર્મશીલ, સંસ્કારી, સજ્જન નરનો દેહ પડ્યો હતો ત્યારે બધાને એસ.ડી.ભટ્ટ ની વાત બરાબર લાગી રહી હતી.
ત્રણ દિવસ પછી એસ.ડી.ભટ્ટ પોતાની શાળા માં હતા અને આ ‘સીતા સમાણી સતી .....વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ વાળો પ્રસંગ બન્યો. શ્રદ્ધા બહેન ના વર્ગ વાળી વાત તો આ એકતા પુરાણ માં એસ.ડી.ભટ્ટ ની સાથે વાંચનાર પણ ભૂલે ગયા ને?
શાળામાંથી વહેલા ઘરે પહોચી એસ.ડી.ભટ્ટ બેઠા. તેમની મમ્મીએ કહ્યું એટલે એકતાને ઘેર ગયા. ત્યાં ગરુડ પુરાણ ને બદલે ભગવદ ગીતાનો પાઠ બેસાડેલો. શુક્લજી મોહ.. માયા… લોભ વગેરેની વ્યર્થતા સમજાવતા પણ સંભાળવા ભેગા મળેલામાંથી કોને રસ હતો? સ્ત્રીઓ તો વાતો જ કરતી. ત્યાં વળી કોઈ ધીમેથી પૂછ્યું,”એકતા બહેન આ ગળામાં પહેર્યું છે એ ડોકિયું સરસ છે. મેં તો આજેજ જોયું. હમણાં જ કરાવ્યું કે? અને તરત એસ. ડી. ભટ્ટે આવા પ્રસંગે સ્ત્રી વૃંદ માં આવી વાતની ચર્ચા સાંભળી એ તરફ જોયું. આઘાત ની બે ક્ષણ પછી કળ વળી.... ગીતા ના આ પાઠ સાંભળતી વખતે પણ આ સ્ત્રી જાત માયા છોડી નથી શકતી? હજારો વર્ષ જૂનાં ધર્મ શાસ્ત્રો વાંચી વાંચી આ સ્ત્રીઓ સીતા ના પ્રસંગ કે ગીતા ના બોધ પરથી કઈ શીખતી જ નથી? શું સ્ત્રી જાતિ અને માયા વચ્ચે અનુબંધ આવોજ છે? મનમાં ઘણું વિચારી રહ્યા એસ.ડી ભટ્ટ અને એમના આશ્ચર્ય વચ્ચે એકતા એ ડોકિયું કાઢી પેલી પૂછનાર સ્ત્રીને બતાવ્યું. અને....એસ.ડી.ભટ્ટ જોઈ શક્યા એકતાના મોઢા પર એક અવનવુ અજબ તેજ જે અનેકવાર તે જોઈ ચુકેલા.
***