Anyay - 12 books and stories free download online pdf in Gujarati

અન્યાય - 12

અન્યાય

કનુ ભગદેવ

૧૨: સંતોષકુમાર પણ ગયો!

---તોપખાના રોડ પર આવેલો જયવદન ચુનીલાલ પંચાલનો બંગલો!

---બંગલાનો શયનખંડ...!

---જયવદનનો અવાજ!

‘ડાર્લિંગ...ધીમે ધીમે આપણી યોજના સફળ થતી જાય છે. શશીકાંત અને બિહારી તો સ્વધામ પહોંચી ગયા છે. બાકીનાઓ પણ પહોંચી જશે.’

‘વેરી ગુડ....’ શ્રીમતી સરોજ જયવદનનો અવાજ, ‘પણ હવે તું જેમ બને તેમ જલ્દી કર...મને હવે અહીં કંટાળો આવે છે...!’

‘બસ, હવે થોડા દિવસોનો જ મામલો છે. થોડા દિવસ ધીરજ રાખ...! ધીરજના ફળ બહુ મીઠાં હોય છે.’

***

સંતોષકુમારનો ચ્હેરો ધોળો પૂણી જેવો સફેદ થઈ ગયો હતો.

એ બે દિવસથી પોતાનો બંગલો છોડીને એક મિત્રને ત્યાં રહેતો હતો. રિવોલ્વરવાળા બનાવથી તે માનસિક રીતે ખૂબ જ પર્શન થઈ ગયો હતો. ઉપરાંત એ બંગલામાં એને પોતાની જિંદગી સલામત નહોતી લાગી. એટલે હવાફેર તથા માનસિક શાંતિ માટે એ અહીં આવ્યો હતો.

એના મિત્રનો બંગલો વિશાળગઢથી પંદર-વીસ કિલોમીટર દૂર પહાડી પર આવેલો હતો. પહાડની નીચે લીલાંછમ ખેતરો હતાં.

આ સ્થળ ખૂબ જ રમણીય અને શાંત હતું.

એ બંગલામાં એનો મિત્ર ઉપરાંત એની પત્ની, ત્રણ બાળકો અને એક બહેન તથા નોકર-ચાકરો પણ હતા. સંતોષકુમારને આ બધાની વચ્ચે ખૂબ જ સારું લાગવા માંડ્યું.

મિત્રની પત્ની મંજુલા હસમુખા સ્વભાવની હતી. બહેન આશા ચંચળ હતી.

પહેલો દિવસ ક્યારે વીતતી ગયો એની સંતોષકુમારને ખબર જ ન પડી.

બીજો દિવસ પણ આનંદવિનોદમાં પસાર થઈ ગયો.

પરનું બીજા દિવસની રાત એના માટે અજંપારૂપ બની ગઈ.

ત્રીજે દિવસે સવારે એ ખૂબ જ અસ્વસ્થ દેખાતો હતો.

સવારે તે ચાના એબલ પર બેઠો હતો. મંજુલા અને આશા અવનવી વાતો કરીને તેને હસાવવાનો પ્રયાસ કરતી હતી.

પરંતુ તે ગંભીર જ હતો.

‘શું વાત છે?’ એને ઉદાસ જોઈને તેના મિત્ર આનંદે પૂછ્યું, ‘તું આટલો બધો ગંભીર શા માટે છો? તારી તબિયત તો સારી છે ને?’

‘કોણ...હું...? ના રે ના... મને કંઈ જ નથી થયું.’ સંતોષકુમારે હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

‘તું ભલે ન કહે, પણ જરૂર કંઈક છે જ! ગઈ કાલે રાત્રે તો તું ખૂબ જ આનંદમાં હતો, કંઈક વાત તો કર...!’

‘એ તો તમરો વહેમ છે ભાભી, હું એકદમ સ્વસ્થ છું. મને કંઈ જ નથી થયું.’

‘તો પછી આમ ઉદાસ અને ગંભીર કેમ છો?’

‘અમસ્તો જ...’

‘કદાચ રાત્રે વધુ પડતું જમી લેવાને કારણે તેમને અપચો થઈ ગયો હશે.’ આનંદની બહેન આશા મજાકભર્યા અવાજે બોલી.

પરંતુ સંતોષકુમાર પર એની મજાકની કંઈ જ અસર ન થઈ. એ હજુ પણ ગંભીર જ હતો.

‘કંઈક વાત તો જરૂર છે સંતોષ!’ આનંદે કહ્યું, ‘ખેર, તારે ન કહેવું હોય તો કંઈ નહીં!’

‘આપણે ગમે તોયે પારકાં છીએ ને?’ મંજુલાએ કટાક્ષ કર્યો.

‘એવી કોઈ વાત નથી ભાભી!’

‘તો પછી શું વાત છે?’

‘હું આજનો અહીં, પણ ઘણા દિવસોથી પરેશાન છું.’ સંતોષકુમાર બોલ્યો.

‘ઓહ...તારા ભાગીદારોના ખૂનો માટે તો નહીં ને?’ આનંદે પૂછ્યું.

‘હા...એના જ કારણે જ હું પરેશાન છું.’

‘શું થયું...? પોલીસને તારા પર શંકા છે?’

‘શું કહું દોસ્ત...!’ સંતોષકુમારનો અવાજ ઉદાસ અને ગમગીન હતો, ‘મારા માથે અત્યારે ભયંકર આફત તૂટી પડી છે. હું ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગયો છું. એક તરફથી મારા ભાગીદારોનાં ખૂનો મેં કર્યા છે, એમ પોલીસ માને છે. અને બીજી તરફથી મારો એક ભાગીદાર કે જેનું ખૂન થઈ ગયું છે, એનો ભટકતો આત્મા મને હેરાન કરે છે. એ ભાગીદારનું નામ શશીકાંત હતું. મારી હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. એક તરફથી પોલીસ અંને બીજી તરફથી શશીકાંતનો ભટકતો આત્મા...! જઉં તો ક્યાં જઉં...?’

‘તું સાચું કહે છે?’

‘એકદમ સાચું આનંદ...!’

‘સંતોષ...!’ આનંદનો અવાજ મક્કમ હતો, ‘વીસમી સદીના આ યુગમાં તું ભૂત-પ્રેતમાં માને છે? પરંતુ હકીકતમાં આવી બધી વાતો નબળા મનના માણસો માટે છે. જરા વિચાર તો કર! વિજ્ઞાને કેટલી બધી પ્રગતિ કરી છે? માનવી છેક ચંદ્ર પર પહોંચી ગયો છે. તારા જેવા ભણેલ-ગણેલ ને બુદ્ધિશાળી માણસે તો ઉલ્ટું આવી વાતનો વિરોધ કરવો જોઈએ. આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઈ જ નથી તારા મનનો વહેમ જ છે!’

‘હું પોતે પણ આવી વાતોમાં નથી માનતો. પરંતુ શું કરું જે હકીકત છે એનો વિરોધ કઈ રીતે કરવો? શશીકાંતના મૃત્યુને ઘણો વખત વીતી ગયો છે. એના મૃત્યુ પછી ઘણા દિવસો બાદ તેના લખેલા પત્રો પણ મને મળ્યા છે.’

‘સંતોષ...!’ આનંદ હસ્યો, ‘તું પોતે જ વિચાર કરી જો કે કોઈ મૃત્યુ પામેલો માણસ પત્ર લખી શકે ખરો?’

‘પણ જે બન્યું છે..જે હકીકત છે એના તરફથી આંખ આડા કાન કેમ કરી શકાય? ખરેખર જ મારા પર શશીકાંતના પત્રો આવ્યા છે.’

છતાં પણ તારી વાત મારે ગળે નથી ઉતરતી. આ બધી વાતો પાયા વગરની છે. દોસ્ત, ચોક્કસ જ કોઈકે તને ભરમાવવા માટે શશીકાંતના નામથી પત્રો લખ્યા છે. ષડ્યંત્ર રચ્યું છે. વારૂ, શશીકાંત તારો ભાગીદાર હતો એટલે એના અક્ષરોને તો તું બરાબર ઓળખતોજ હોઈશ? તને મળેલા પત્રો સાથે તેં એના અગાઉના અક્શો મેળવ્યા છે ખરા? એ પત્રો શશીકાંતના હાથેથી જ લખાયેલા છે એની તને પૂરી ખાતરી છે?’

‘પત્રોના અક્ષરો તો આબેહૂબ શશીકાંત જેવા જ છે.’

‘બરાબર...પણ એમ તો તું માને છે ને? હેન્ડ રાઈટીંગ એક્સપર્ટ પાસે તેં એની ચકાસણી કરવી જોઈ?’

‘ના...એઈ જરૂર જ નથી પડી.’

‘કેમ...?’

‘આનંદ...!’ સંતોષકુમારનો અવાજ આત્મશ્રધ્ધાથી ભરપુર હતો, ‘સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ સાહેબનું નામ જ તેં સાંભળ્યું છે. બાકી એના વિશે તું બીજી કોઈ ખાસ હકીકત નથી જાણતો લાગતો. નાગપાલ સાહેબ પોતે જ હેન્ડ રાઈટીંગ એક્સપર્ટ છે...બાહોશ વકીલ છે...કાબેલ ડોક્ટર છે...એ શું નથી? ખુદ નાગપાલ સાહેબે પોતે જ કહ્યું છે કે પત્રોના અક્ષરોની ચકાસણી મેં કરી લીધી છે. અને આ અક્ષરો ઘણા સમય પહેલાં મૃત્યુ પામેલા શશીકાંતના જ છે.’ એણે એક ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું, ‘આ ઉપરાંત મારા ભાગીદાર બિહારીએ પણ શશીકાંતના પ્રેતને પોતાની સગીઆંખે જોયું હતું. એટલે હવે આ વીસમી સદીમાં પણ ભૂતના અસ્તિત્વની વાત કબૂલ કરવી પડે છે.’

‘બીજાની વાત જવા દો...તેં એના ભૂતને જોયું છે?’

‘ના...પણ મારા ચોથા ભાગીદાર અજયે તેનો અવાજ પણ સાંભળ્યો છે.’

‘તેં પોતે એનો અવાજ સાંભળ્યો છે? અજયની વાત જવા દે! કદાચ તેને ભ્રમ થયો હશે.’

‘ના...પણ કાલે રાત્રે...’ કહેતાં કહેતાં સંતોષકુમાર અટકી ગયો.

‘કાલે રાત્રે શું થયું હતું?’ આનંદે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘કાલે રાત્રે અચાનક હું જાગી ગયો. બલકે જાગ્યો નહોતો પણ જગાડવામાં આવ્યો હતો એમ કહું તો વધુ યોગ્ય રહેશે. મારી ઊંઘ ઊડી ત્યારે રૂમમાં લાઈટ નહોતી. કોઈકે નાઈટલેમ્પ સળગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ન સળગ્યો! બેડ સ્વીચ દબાવી તો પણ કંઈ વળ્યું નહીં. મને થયું કે કદાચ મેઈન લાઈનનો ફ્યુઝ ઊડી ગયો હશે. પછી અચાનક મને એક ભયંકર વિચાર આવ્યો અને હું ગભરાઈ ગયો. મારા રૂંવાડા ભયથી ઊભાં થઈ ગયા. હૃદયના ધબકારા એકદમ વધી ગયા! પગ પાણી પાણી થવા લાગ્યો! મેં ચીસ પાડવાનો પ્રયાસ કર્યો પણ અવાજ ગળામાં જ રૂંધાઇ ગયો! મેં આંખો ફાડી ફાડીને અંધકારમાં ચારે તરફ નજર દોડાવી. પણ મને કંઈ જ દેખાયું નહીં. પછી સહસા એક અવાજ મને સંભળાયો---‘હવે તું ક્યાંય નહી નાશી શકે સંતોષ...એક ભાગીદાર તો મારી પાસે આવી ગયો છે...હવે તમારા બંનેનો વારો છે’ અને પછી ભયંકર અટ્ટહાસ્ય સંભળાયું. ત્યારબાદ ફરીથી સન્નાટો છવાઈ ગયો. આખી રાત મને ઊંઘ ન આવી. રહી રહીને મારા કાનમાં પેલો અવાજ ગુંજતો હતો. મારામાં ઊભા થવાની પણ શક્તિ નહોતી.’ કહીને સંતોષકુમાર ચૂપ થઈ ગયો.

‘પરંતુ અમે તો રાત્રે કોઈ જ જાતનો અવાજ નહોતો સાંભળ્યો?’ આનંદે આશ્ચર્યથી કહ્યું.

‘મને સંભળાયો હતો.’ અચાનક મંજુલા બોલી, ‘પરંતુ લાઈટ નહોતી. પછી બિલાડી હશે એમ માનીને હું સૂઈ ગઈ હતી.’

‘પરંતુ સવારે તો હું જ્યારે ઊઠ્યો ત્યારે લાઈટ હતી.’ આનંદે કહ્યું.

‘આ વાત પરથી જ શશીકાંતનો આત્મા ભટકે છે એ પુરવાર થાય છે આનંદ!’ સંતોષકુમાર નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘હું હવે પાછો જવા માગું છું.’

‘પણ અહીં તને શું વાંધો છે?’

‘તમારા લોકો પર કોઈ આફત આવે તેમ હું નથી ઈચ્છતો! મને મારી આસપાસ મોત ભમતું દેખાય છે. જો મરવું જ છે તો મારે ઘેર શા માટે ન મરું?’

‘તું નાહક જ ફિકર કરે છે! તને કંઈ જ નથી થવાનું.’ આનંદે તેને આશ્વાસન આપતાં કહ્યું.

‘મોતનો વિચાર દૂર કરવાથી મોતને ટાળી નથી શકાતું આનંદ!’

અને પછી એ નાસ્તાના ટેબલ પરથી ઊભો થઈ ગયો. આનંદ તથા મંજુલાના ખૂબ આગ્રહ પછી એણે થોડો નાસ્તો કર્યો.

બે કલાક પછી તે પાછો જવા તૈયાર થઈ ગયો.

સૂટકેસને એણે પોતાની એમ્બેસેડર કારની ડેકીમાં મૂકી દીધી. પછી બારણું ઉઘાડીને ડ્રાયવીંગ સીટ પર બેસી ગયો.

‘સંતોષ...!’ આનંદ ઉદાસ અવાજે બોલ્યો, ‘થોડા દિવસ રોકાઈ ગયો હોત તો સારું થાત! તને ત્યાં એકલા રહેવું નહીં ગમે અને નાહક જ ખોટાં વિચારો સતાવ્યા કરશે.’

‘જો જીવતો રહ્યો તો જરૂર થોડા દિવસ માટે પાછો આવીશ.’

સૌએ તેને વિદાય આપી.

કાર સ્ટાર્ટ થયા બાદ સંતોષકુમાર એટલું જ બોલી શક્યો, ‘જીવતો રહ્યો તો ફરીથી મળીશું.’

અને પછી એક હળવા આંચકા સાથે કાર આગળ વધી ગઈ.

કમ્પાઉન્ડ વટાવીને તે બહાર નીકળી અને પછી નીચાણવાળા વિસ્તાર તરફ લઈ જતી, વાંકીચૂંકી અને સાંકડી સડક પર દોડવા લાગી.

રસ્તો ખૂબ જ ભયંકર અને ખતરનાક વળાંકોથી ભરપુર હતો.

ચારે તરફ ભેંકાર ચુપકીદી છવાયેલી હતી.

સડક એકદમ ઉજ્જડ હતી.

પહાડી ઘાટ અને અસમતલ ખડકોની વાંકીચૂંકી દીવાલો વચ્ચે આવેલા ખોફનાક વળાંકો એક પછી એક પસાર થતાં જતાં હતા.

શાંત વાતાવરણમાં કારણે વળાંક પર ઘુમાવતી વખતે ટાયરો ચીસ પાડતા હતા.

નીચાણવાળો વિસ્તાર હતો.

સંતોષકુમાર જેમ બને તેમ જલ્દીથી ઘેર પહોંચવા માંગતો હતો.

સડક પર અન્ય કોઈ જ વાહન ન હોવાથી એણે કારની ગતિ એકદમ વધારી દીધી.

વળતી જ પળે કાર રાક્ષસી ગતિએ વાંકીચૂંકી સડક પર ધસમસવા લાગી.

એ બેહદ શાંતિ અને સાવચેતીથી એક પછી એક મોતના ખતરનાક વળાંકોને સહીસલામત રીતે વટાવતો જતો હતો.

અને...પછી...!

પછી આવ્યો મોતનો સૌથી વધારે ખોફનાક વળાંક...!

કારને ધીમી પાડવા માટે એણે બ્રેક મારી.

વળતી જ પળે એના હોંશ ઊડી ગયા.

ઢોળાવ પર ઉતરતી કારની ગતિ આપોઆપ જ વધતી ગઈ. કારની ગતિ એટલી બધી વધી ગઈ કે એણે હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને સ્ટીયરીંગ ફેરવવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમાં તેને સફળતા ન મળી અને પછી વળતી જ પળે કાર એક જોરદાર ધક્કા સાથે પથ્થરોની ઊંચી દીવાલ તોડીને હવામાં ઉડતી ખીણના ઊંડાણમાં ઉતરતી જ ગઈ.

***

સફેદ કેડીલેકનું એન્જિન બંધ કરી, બારણું ઉઘાડીને નાગપાલ નીચે ઊતર્યો અને એ સાથે જ બીજી તરફનું બારણું ઉઘાડી, નીચે ઊતરીને દિલીપ ઓઅન એની બાજુમાં આવીને ઊભો રહી ગયો.

બંને એકદમ ચૂપ હતા.

જાણે મોતનો વિસ્તાર તેમનું ખોફનાક સ્વાગત કરતો હતો.

રસ્તો સાવ નિર્જન અને ઉજ્જડ હતો. કોઈ કરતાં કોઈ જ નહોતું દેખાતું.

ઠંડો પવન સૂસવાટા મારતો હતો.

દિલીપના વાળ હવામાં ઉડતા હતા.

નાગપાલે ચૂપચાપ પોતાની પાઈપ પેટાવી. પછી તે ધીમે ધીમે એના કસ ખેંચવા લાગ્યો.

સન્નાટો વાતાવરણની ભયંકરતાને વધારી મૂકતો હતો.

બંને હજુ કાર પાસે જ ઊભા હતા.

દિલીપ કંઈક કહેવા માંગતો હતો પણ બોલી નહોતો શકતો.

નાગપાલ આગળ વધી તૂટેલી દીવાલ પાસે પહોંચીને નીચેના ભાગમાં તાકી રહ્યો. અત્યારે તે ખૂબ જ ગંભીર દેખાતો હતો.

નીચેના ભાગમાં ઊપસી આવેલા એક તોતિંગ પથ્થર પર સંતોષકુમારની એમ્બેસેડર અટકીને ચીંથરા જેવી હાલતમાં પડી હતી.

નાગપાલે થોડી પળો સુધી નિરીક્ષણ કર્યું. પછી આંખો બંધ કરીને વિચારમાં ડૂબી ગયો.

દિલીપ હજુ પણ કાર પાસે ઊભો હતો.

પછી નાગપાલે આંખો ઉઘાડીને સંકેતથી તેને નજીક બોલાવ્યો.

દિલીપ સ્ફૂર્તિથી આગળ વધીને તેની પાસે પહોંચી ગયો. એણે પ્રશ્નાર્થ નજરે નાગપાલ સામે જોયું.

જવાબમાં નાગપાલે કંઈ જ કહ્યા વગર નીચે પથ્થર પર અટકી પડેલી સંતોષકુમારની કાર તરફ આંગળી ચીંધી દીધી.

દિલીપ ફાટી આંખે એ કાર સામે તાકી રહ્યો.

પછી એણે એક ઊંડો શ્વાસ લીધો.

‘હું નીચે ઉતરું છું.’ છેવટે નાગપાલે કહ્યું.

‘ના, અંકલ...તમે અહીં ઊભા રહો. હું જ જઉં છું.’ દિલીપ બોલ્યો.

પરંતુ નાગપાલ એની વાતને ગણકાર્યા વગર ચૂપચાપ બૂટ-મોજાં કાઢીને નીચે ઉતરવા લાગ્યો.

દીવાલ પર લટકીને સાવચેતી અને સ્ફૂર્તિથી એને નીચે ઉતરતો જોઈને દિલીપને વિચાર આવ્યો કે આવી સ્ફૂર્તિ તો કોઈ નવયુવાનમાં પણ ન હોય!

નાગપાલ ગરોળીની માફક ખડકની સપાટ દીવાલ પર ખૂબ જ સાવચેતીથી ઉપસેલા પથ્થર અને ઝાડીઓમાં પગ ટેકવતો નીચે ઉતરતો હતો.

દિલીપના ધબકારા એકદમ વધી ગયા.

પરંતુ હવે કોઈ ખાસ ભયનું કારણ નહોતું. ખડકનો લપસી જવાય એવો કઠિન માર્ગ તો નાગપાલ ક્યારનો યે વટાવી ચૂક્યો હતો.

દીવાલ પર હાથ ટેકવીને દિલીપ નીચેના ભાગ તરફ તાકી રહ્યો. નાગપાલ ક્યાંક ગબડી પડશે તો? એવી શંકાથી એનું હૃદય ધબકતું હતું. પરંતુ થોડી મિનિટો બાદ એણે છૂટકારાનો શ્વાસ લીધો. નાગપાલ સહી-સલામત રીતે અકસ્માતનો ભોગ બનેલી એમ્બેસેડર સુધી પહોંચી ગયો હતો. ઉપરથી દિલીપને તે એકદમ નાણા વહેંતિયા જેવો દેખાતો હતો.

નાગપાલે કારનું નિરીક્ષણ કર્યું. તેનો આગલો ભાગ એકદમ પીસાઈ ગયો હતો. હેડલાઈટનો પત્તો જ નહોતો. સ્પીડોમીટર ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. ડ્રાયવીંગ સીટનું બારણું ઉઘડીને એક તરફ લટકતું હતું અને તેમાંથી સંતોષકુમારનો ક્ષત-વિક્ષત મૃતદેહ અડધો અંદર ને અડધો બહાર નીકળી આવ્યો હતો. સ્ટીયરીંગ વ્હીલ સાથે અથડાઈને તેની ખોપરી ફાટી ગઈ હતી. ચારે તરફ લોહીના ધાબા જામી ગયા હતા. મૃતદેહનો ચહેરો એકદમ બેડોળ, વિકૃત તથા કમકમાટી ઉપજાવે તેવો થઈ ગયો હતો.

એણે સીટ તથા વાંકા વળી ગયેલા સ્ટીયરીંગની વચ્ચે ફસાયેલા મૃતદેહને સાવચેતીથી બહાર ખેંચી કાઢ્યો. કપાળ પર એક ખૂબ જ ઊંડો ઝખમ થયો હતો. નાગપાલે એના ગજવા તપાસ્યા. પરંતુ ખાસ કોઈ ચીજ ન મળી. મૃતદેહને જમીન પર જ રહેવા દઈને તે કાર પાસે આવ્યો. એ થોડી પળો સુધી કારની નીચે બેસીને તેનું નિરીક્ષણ કરતો રહ્યો. ક્કારની ફેઈલ થયેલી બ્રેકને તે જોઈ ચૂક્યો હતો.

ત્યારબાદ ઊભા થઈને એણે ઉપર નજર ક્રી. હાથ હલાવીને દિલીપે તેને ઉપર પાછા ફરવાનો સંકેત કર્યો. ઉપર પહોંચવા માટે આ વખતે નાગ્પલને બીજો જ માર્ગ શોધવો પડ્યો. એ માર્ગ જરા લામો પણ સલામતી ભર્યો હતો.

થોડી વારમાં જ તે ઉપર પહોંચી ગયો.

એને સહી-સલામત આવેલો જોઈને દિલીપના જીવમાં જીવ આવ્યો.

‘અંકલ...આવી ખબર હોત તો હું દોરડું સાથે જ લઇ લેત.’ એણે કહ્યું.

‘આપણી પહેલાં પોલિસ જ અહીં પહોંચી જશે એમ હું માનતો હતો.’ નાગપાલ એક પથ્થર પર બેસીને પાઈપ પેટાવતાં બોલ્યો.

‘હવે અહીં શું દાંડીયા રાસ રમવાનો પોગ્રામ છે અંકલ?’

‘એવી શું ઉતાવળ છે?’ નાગપાલે કહ્યું, ‘જવાય છે...થોડી વાર બેસ!’

દિલીપ તેની સામે એક બીજા પથ્થર પર બેસી ગયો.

‘અંકલ, આ સમાચાર તમને કોણે આપ્યા?’ એણે પૂછ્યું.

‘છેલ્લા ભાગીદારે-એટલે કે અજયે!’ નાગપાલે જવાબ આપ્યો.

‘કમાલ કહેવાય!’ દિલીપ બબડ્યો, ‘આ અપંગ માણસ જાણે વ્હીલચેર પર નહીં પણ કંટ્રોલરૂમમાં બેઠો હોય એ રીતે શરૂઆતથી જ આપણને બધા સમાચારો આપતો આવે છે.’

‘એમાં કંઈ જ કમાલ નથી પુત્તર!’ નાગપાલ હસીને બોલ્યો, ‘આ સમાચાર તેને પોલીસે આપ્યા હતા અને એણે આપણને! આમાં કમાલ જેવું શું છે?’

‘ઓહ...ખેર, પણ પોલીસને આ સમાચાર કેવી રીતે મળ્યાં?’

‘એક ટ્રકના ડ્રાયવરની જરૂર દૂરથી જ વળાંકની નીચે સ્પષ્ટ દેખાતા વિસ્તાર પર પડી હતી. વળાંક પરથી કોઈક કાર ગબડી પડી છે એવો તેને આભાસ થયો. પછી એણે નીચે ઉતરીને તપાસ કરી તો તેનું અનુમાન સાચું પડ્યું. એણે કારનો નંબર લખી લઈને પોલીસને આ બનાવની જાણ કરી દીધી. કારનો નંબર પણ એણે જણાવી દીધો હતો. નંબર પરથી પોલીસે શોધી કાઢ્યું કે એ કાર સંતોષકુમારની છે. અજય, સંતોષકુમારનો ભાગીદાર છે એ તો પોલિસ જાણવી જ હતી. એટલે એણે અજયને આ સમાચાર આપી દીધા.’

‘સમજ્યો...’ દિલીપ બબડ્યો.

‘આ ત્રીજો ભાગીદાર પણ ગયો...!’ આ ત્રીજી લાશ છે પુત્તર અને હજુ કોણ જાણે કેટલી લાશો જોવી પડશે.’

‘પણ આ અકસ્માત થયો કેવી રીતે?’

‘પોતાની બહાદુરીનું પ્રદર્શન કરવાની ખૂનીને તાલાવેલી લાગી હશે અથવા તો પછી સંતોષકુમારે પોતે જ કાર પરથી કાબૂ ગુમાવ્યો હશે. કાર ખૂબ જ સ્પીડમાં હતી એ તો સ્પષ્ટ જ છે. સંતોષકુમાર વળાંક પર સ્ટીયરીંગને નહીં વાળી શક્યો હોય! અલબત્ત, કારની બ્રેક ફેઈલ થયેલી છે. બ્રેક શા માટે ખરાબ હતી. અણીની પળે જ તે કામ કરતી અટકી ગઈ હતી કે અગાઉથી જ બગડેલી હતી, આ એક વિચાર માંગી લે તેવો સવાલ છે.પણ તે અગાઉથી જ ખરાબ હોવી જોઈએ એમ હું માનું છું.’

‘અંકલ...તમે વળી ક્યાં નેતાઓની જેમ ‘હું માનું છું’ નો ઉપયોગ કરવા માંડ્યા? માનવાનું કામ તો નેતાઓનું છે આપણું નહીં! તમને તો સીધી-સાદી વાતમાં પણ રહસ્યના કીડા-મકોડા દેખાય છે.’

નાગપાલ ચૂપચાપ પાઈપના કસ ખેંચતો રહ્યો.

થોડી વારમાં જ પોલીસની જીપ આવી પહોંચી. પછી તેમાંથી ટપોટપ કરતાં પાંચ-છ સિપાહીઓ અને એક ઇન્સ્પેક્ટર નીચે ઉતર્યા. એણે નજીક પહોંચીને નાગપાલને સેલ્યૂટ ભરી.

‘દોરડું લઈ આવ્યા છો?’ નાગપાલે પૂછ્યું.

‘યસ સર...!’ ઈન્સ્પેક્ટરે સન્માનસૂચક અવાજે જવાબ આપ્યો.’

‘વારૂ, જેણે આ ગમખ્વાર બનાવના સમાચાર આપ્યા હતા, એ ટ્રક ડ્રાયવર ક્યાં છે?’

‘નાગપાલ સાહેબ, એને ટ્રક ખાલી કરવાની ઉતાવળ હતી એટલે તેનું સરનામું તથા સ્ટેટમેન્ટ લઈને જવા દીધો છે.’

‘ઓ...કે...’ નાગપાલ ઊભો થતાં બોલ્યો, ‘અમે જઈએ છીએ.’

‘સાહેબ...’ ઈન્સ્પેક્ટરે ખમચાતા અવાજે કહ્યું, ‘આપને મૃતદેહ નથી જોવો?’

‘એ તો હું નીચે ઊતરીને જોઈ ચૂક્યો છું.’

‘નીચે ઊતરીને...?’ ઇન્સ્પેકટરની આંખો નર્યા-નિતર્યા આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

નાગપાલ સ્મિત ફરકાવીને રહી ગયો.એણે બૂટમોજા પહેર્યા. વસ્ત્રો ખંખેર્યા. પછી એ બારણું ઉઘાડીને કારમાં ગોઠવાયો. દિલીપ ક્યારનો યે ડ્રાયવીંગ સીટ પર બેસી ગયો હતો. એણે કાર સ્ટાર્ટ કરીને પ્રશ્નાર્થ નજરે નાગપાલ સામે જોયું.

‘સીધા જ જવું છે.’ એની નજરનો ભાવાર્થ સમજીને નાગપાલે કહ્યું.

‘તો હું ક્યાં આડો જવાની વાત કરું છું?’ દિલીપ બોલ્યો.

‘ચૂપચાપ કાર ચલાવ!’

‘પણ આપણે હવે...’

‘આપણે જેને મળવા જવાનું છે, તે આ તરફ જ રહે છે.’ નાગપાલ વચ્ચેથી જ બોલ્યો.

‘કોને મળવાનું છે?’

‘સંતોષકુમારનના મિત્ર આનંદને! સંતોષકુમાર બે દિવસથી એને ત્યાં જ રહેતો હતો.’

‘એને મળવાની શું જરૂર છે?’

‘તું હવે વધુ પંચાત કર્યા વગર ચૂપચાપ કાર ચલાવ!’ નાગપાલે ચીડાયેલા અવાજે કહ્યું.

દિલીપ કાર ચલાવવા લાગ્યો.

થોડી વાર પછી ઢોળાવ ચડીને કાર આનંદના બંગલામાં પહોંચીને ઊભી રહી.

એક સુંદર યુવતી કમ્પાઉન્ડમાં જ ઊભી હતી.

‘મિસ્ટર આનંદ છે?’ નાગપાલે પૂછ્યું.

‘હા...’ એ યુવતીએ નાગપાલ સામે જોતાં જવાબ આપ્યો.

જાણે જીંદગીમાં ‘છોકરી’ નામની ચીજ પહેલી જ વાર જોઈ હોય એ રીતે દિલીપ તે યુવતીની સામે તાકી રહ્યો.

યુવતીના ચ્હેરા પર રોષ છવાઈ ગયો.

‘મિસ્ટર આનંદને કહો કે અમે સંતોષકુમારની બાબતમાં તેમને મળવા આવ્યો છું.’

‘સંતોષભાઈ...?’ યુવતી આશ્ચર્યથી બોલી, ‘કેમ...? તેમને શું થયું છે?’

‘નીચે વળાંક પાસે તેમની કારને અકસ્માત નડ્યો છે.’ નાગપાલે જવાબ આપ્યો.

‘અકસ્માત...?’ યુવતીનો અવાજ ફાટેલા વાંસની જેમ તરડાઈ ગયો.

‘શું વાત છે આશા?’ અચાનક એક યુવાન બંગલામાંથી બહાર નીકળ્યો. પછી સહસા એની નજર દિલીપ અને નારાયણરાવ પર પડી. એણે ચમકીને પૂછ્યું, ‘આપ...?’

‘તમે જ મિસ્ટર આનંદ છો ખરું ને?’ નાગપાલ કારમાંથી નીચે ઊતરીને બોલ્યો.

‘જી, હા...’

નાગપાલે તેને પોતાનો પરિચય આપ્યો. પછી ઉમેર્યું, ‘હું મિસ્ટર સંતોષકુમાર વિશે તમને થોડી પૂછપરછ કરવા માગું છું.’

‘પૂછો...’

‘શું મિસ્ટર સંતોષકુમાર તમારે ત્યાં બે દિવસથી મહેમાન હતા?’

‘જી, હા...’

‘આજે અચાનક જ તેઓ કેમ ચાલ્યા ગયા?’

‘અમસ્તા જ! કદાચ રાત્રે તેમની સાથે કંઈક બનાવ બન્યો હતો.’ કહીને આનંદે, સંતોષકુમારે સવારે નાસ્તામાં ટેબલ પર કહેલી વાત નાગપાલને જણાવી દીધી.’

‘મિસ્ટર સંતોષકુમારની કાર ગેરેજમાં જ પડી હતી?’

‘હા...મારી કાર તો વિશાળગઢ રીપેરીંગમાં ગઈ છે.’

‘આનંદભાઈ...’ પેલી યુવતી એટલે કે આશા બોલી, ‘આ સાહેબ તો એમ કહે છે કે સંતોષકુમારને અકસ્માત નડ્યો છે.’

‘અકસ્માત...?’ આનંદે ચમકીને પૂછ્યું, ‘ક્યારે?’

‘આજે જ...!’ નાગપાલે જવાબ આપ્યો.

‘તે સહી-સલામત તો છે ને? એને કંઈ થયું તો નથી ને?’

આનંદે ચિંતાભર્યા અવાજે પૂછ્યું.

‘તેઓ મૃત્યુ પામ્યા છે.’ નાગપાલનો અવાજ ગંભીર હતો.

‘શું...?’ આનંદનો અવાજ તરડાઈ ગયો, ‘હે ઈશ્વર...!’ છેવટે એ બિચારાનો ભય સાચો જ પડ્યો.

‘મિસ્ટર સંતોષકુમારને કઈ વાતનો ભય લાગતો હતો?’

‘નાગપાલ સાહેબ...અત્યારે મારું માથું ભમે છે. આપણે અંદર જઈને જ નિરાંતે વાતો કરીએ.’

આનંદ એ બન્નેને અંદર લઈ ગયો.

સંતોષકુમારના મૃત્યુના સમાચાર આનંદની પત્ની મંજુલાને પણ મળી ગયા.

ત્રણેયના ચ્હેરા પર ઉદાસી અને શોકના હાવભાવ છવાઈ ગયા.

‘અમે જો સંતોષભાઈને રોકી લીધા હોત તો કદાચ આવું ન થાત!’ મંજુલાએ કહ્યું.

‘બહેન...’ નાગપાલ બોલ્યો, ‘માણસનું જ્યારે મોત લખાયેલું હોય છે ત્યારે તેને કોઈ જ રોકી નથી શકતું. એને તો આવવા માટે કોઈક બહાનું જોઈએ. અકસ્માત પણ એક બહાનું જ છે. થવાનું હતું, એ થઈ ગયું.

‘છતાં ય દુઃખ તો થાય જ ને?’ આશા, નાગપાલ સામે જોતાં બોલી.

‘જરૂર...ખેર, અહીંથી જતી વખતે સંતોષકુમારે પોતાની કારને ચેક કરી હતી?’

‘ના...’

‘ગેરેજ બંધ જ રહે છે?’

‘હા...પણ તાળું મારવામાં નથી આવતું.’

‘તમારે ત્યાં કેટલા નોકર-ચાકર છે?’

‘ત્રણ...! એક રસોયો, બીજો માળી અને ત્રીજો પરચુરણ કામ માટે!’

‘આ ત્રણમાંથી તો કોઈએ સંતોષકુમારની કાર સાથે કંઈ છેડછાડ નથી કરી ને?’

‘ના...તેઓ મારા એકદમ વિશ્વાસુ અને વફાદાર નોકરો છે.’

‘છેલ્લા બે દિવસમાં બહારનો કોઈ માણસ અહીં આવ્યો હતો?’

‘ના...લગભગ તો કોઈ જ નથી આવ્યું!’

‘લગભગ એટલે...?’

‘વાત એમ છે નાગપાલ સાહેબ, કે રાતે પોતાની રૂમની બારી પાસે કોઈ ઊભું હોય એવો સંતોષને ભાસ થયો હતો. આનંદે વિચારવશ અવાજે જવાબ આપ્યો.

‘તમારામાંથી કોઈને કંઈ અવાજ નહોતો સંભળાયો?’

‘મને સંભળાયો હતો. પણ પછી બિલાડી હશે એમ માનીને હું પાછી સૂઈ ગઈ હતી.’ મંજુલા બોલી.

‘એ અવાજ કેવો હતો?’

‘એ તો કેમ કહી શકાય? અત્યારે મને યાદ નથી.’

‘માળી તો બહાર જ સૂતો હશે?’

‘હા...આનંદે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘બહાર ક્યાં?’

‘ગેરેજની બાજુમાં જ તેની જુદી રૂમ છે.’

‘તો પછી એને બોલાવી આપો.’

આનંદની સૂચનાથી આશા માળીને બોલાવી લાવી.

‘કાલે રાત્રે તું ક્યારે સૂતો હતો?’ નાગપાલે માળીને ઉદ્દેશીને પૂછ્યું.

‘સાહેબ, હમણાં મારી તબિયત સારી નથી રહેતી એટલે વહેલો જ સૂઈ જઉં છું.’ માળીએ વિવેકથી જવાબ આપ્યો, ‘ગઈ કાલે પણ વહેલો જ સૂઈ ગયો હતો.’

‘છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન તે આ બંગલાની આજુબાજુમાં કોઈ અજાણ્યા માણસને જોયો છે?’

‘ના, સાહેબ...! હું

‘ગઈ કાલે રાત્રે તે કોઈ જાતનો અવાજ સાંભળ્યો હતો ખરો?’

‘ના સાહેબ...! હું ઘસઘસાટ ઊંઘતો હતો એટલે કંઈ અવાજ થયો હોય તો પણ મને ખબર નથી.’

‘ઠીક છે...હવે તું જ...’

માળી માથું નમાવીને ચાલ્યો ગયો.

ત્યારબાદ નાગપાલે બીજા નોકર તથા રસોયાને બોલાવીને પૂછપરછ કરી. પણ તેઓ કંઈ જ નહોતા જાણતા.

છેવટે આનંદની રજા લઈને બંને બહાર નીકળ્યા. પાછા ફરતી વખતે નાગપાલ કાર ચલાવતો હતો અને દિલીપ તેની બાજુમાં બેસીને કંઈક વિચારતો હતો.

‘અંકલ...’ એ બોલ્યો, ‘ આ ત્રીજો ભાગીદાર ગયો અને હવે ચોથો પણ જશે એવું મને લાગે છે.’

નાગપાલ ચૂપ રહ્યો.

‘અંકલ...’ સહસા કંઈક યાદ આવ્યું હોય તેમ દિલીપે પૂછયું, ‘સૌથી પહેલાં જે મૃતદેહ મળી આવ્યો, તે શશીકાંતનો જ હતો એની તમને પૂરી ખાતરી છે?’

‘કેમ...?’

‘બનવાજોગ છે કે આ આખું ષડયંત્ર ક્યાંક શશીકાંતનું જ તો નથી ને? એનો મૃતદેહ ઓળખાય તેવો પણ નહોતો રહ્યો. ચહેરો એકદમ સળગીને વિકૃત તથા બેડોળ થઈ ગયો હતો.’

‘મૃતદેહની ઓળખવિધિ તો એના ભાગીદારોએ કરી જ હતી.’

‘એ તો શરીરનાં અમુક નિશાનો પરથી કરવામાં આવી હતી. બાકી એનો ચ્હેરો તો જાણી જોઈને જ સળગાવી નાખવામાં આવ્યો હતો એટલે એ મૃતદેહ શશીકાંતનો ન હોય એવું બની ન શકે?’

‘તો શશીકાંત જીવો છે અને એણે જ આ બધાં ખૂનો કર્યા છે એમ તું કહેવા માંગે છે?’

‘હા...’

‘પણ આવું કરવાથી એણે શું લાભ થવાનો હતો?’

‘લાભની મને શું ખબર પડે? પણ કંઈક તો લાભ થતો જ હશે ને?’

‘ઘડીભર માટે માની લો કે આ બધું ષડયંત્ર શશીકાંતનું જ છે અને આપણે તેને પકડી લઈએ છીએ અને એ પોતાનો ગુનો ય કબૂલી લે છે. આ સંજોગોમાં સવાલ એ ઊભો થાય છે કે આમ કરવા પાછળ તેનો શું હેતુ હતો? ધંધાદારી રીતે તો તેને કોઈ લાભ નહોતો થવાનો કારણ કે દુનિયાની નજરે તે મૃત્યુ પામ્યો છે.’

‘દરેક ગુનાઓ પાછળનો હેતુ પૈસા જ નથી હોતો અંકલ!’

‘બરાબર છે...પણ દરેક ગુના પાછળ કોઈક ને કોઈક નક્કર કારણ તો હોય જ છે ને?’

‘તો હવે મારે શું માનવું? શશીકાંત જીવતો છે કે પછી એનો આત્મા ભટકે છે?’

‘તારા આ સવાલનો મારી પાસે હાલ તુરત કોઈ જ જવાબ નથી.’ નાગપાલે હસીને કહ્યું.

‘અંકલ, જો એ જીવતો હોય તો આ બધાં ખૂનો એણે જ કર્યા છે એ સ્પષ્ટ જ છે. અને જો કદાચ તે મૃત્યુ પામ્યો હોય તો આ ખૂનો એના ભટકતા આત્માએ કર્યા છે એમ માની શકાય!’ દિલીપ બોલ્યો.

‘ખેર, આને આપણે આત્માનું કામ માનીએ તો પણ કેટલું વિચિત્ર કહેવાય? આત્મા ક્યારેય રિવોલ્વરનો ઉપયોગ કરે ખરા?’ બિંદુનું ખૂન રિવોલ્વરથી થયું હતું.’

‘ફક્ત રિવોલ્વર જ શા માટે? એના માટે તો ઘણી વાતો છે. જેમ કે એ પત્રો લખે, કારની બ્રેક ફેઈલ કરી નાખે, ઉપરના માળેથી કોઈ ને નીચે ફેંકે, લાઈટ કરે...સિગારેટ ફૂંકે...હસે... ને ફોન પર વાતો કરે...મને તો આ બધાં પરથી શશીકાંત જીવતો હોય એવું લાગે છે. અત્યાર સુધી આપણી મંઝીલ સાચી હતી પણ રસ્તો ખોટો હતો. હું કંઈ જ કરી શકું તેમ નથી એમ તમે માનો છો?’

‘કવ્વાલી ગાતાં આવડે છે તને?’

‘કવ્વાલી તો શું, પ્રેમગીત ગાતાં પણ આવડે છે.’

‘શટઅપ...’

‘અંકલ...જો હું તમારા ગજવામાં બે-ચાર ખૂનીઓને પકડીને ન મૂકી દઉં તો નોકરીમાંથી રાજીનામું આપી દઈશ.’ દિલીપે વાત બદલતાં કહ્યું.

‘મને લાગે છે કે આ શુભ કામ તું આજે જ કરી નાખ...!’ નાગપાલ મજાકભર્યા અવાજે બોલ્યો, ‘અને હેરકટીંગ સલુન ઉઘાડીને બેસી જા.’

‘અંકલ...! અત્યાર સુધી આપણે સાથે જ રહ્યા છીએ. એટલે હેરકટીંગ સલુન ઉઘાડવામાં પણ તમારે મને સાઠ આપવો પડશે. આપણે ભાગીદારીમાં જ સલુન ઉઘાડીશું.’

‘શટઅપ...’

દિલીપ ખડખડાટ હસી પડ્યો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED