વેકેશન વ્યુ : વેબ.. વન્ડર.. વેરાઈટી.. NILESH NAKUM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેકેશન વ્યુ : વેબ.. વન્ડર.. વેરાઈટી..

વેકેશન વ્યુ : વેબ.. વન્ડર.. વેરાઈટી..

‘સાઈબ, ક્યાંય ગમતું નથી, બેચેની જેવું લાગે છે.’

લગભગ પાંત્રીસી આજુબાજુ પહોંચેલાં વ્યક્તિએ કહ્યું.

‘કંઇક દવા આપો.’ તેણે બોલવાનું ચાલુ રાખ્યું.

‘શું કામ કરો છો ?’ ડોકટરે પૂછ્યું.

‘ઘરનો બીઝનેસ છે. બધી જવાબદારી મારી જ છે.’

‘એક વાત બોલું ?’

‘થોડું વેકેશન લઇ લ્યો.’ ડોકટરે જવાબની રાહ જોયા વિના કહી નાખ્યું.

ઉપરના સંવાદ ઉપરથી તમને સમજાય ગયું હશે કે કંઇક વેકેશન વિશે પીરસાઈ રહ્યું છે. વળી પાછી અત્યારે વેકેશનની ઋતુ પણ ચાલે છે. વેકેશનની કલ્પના જ કંઇક ડિફરન્ટ ફીલીંગ્સ ઉત્પન્ન કરે છે. તેનો અહેસાસ જ મુડ ને ગુડ બનાવનારો હોય છે. જે સમય માટે આખું વર્ષ રાહ જોવાતી હોય તો તે સમય છે ઓન્લી વેકેશન. લગભગ બે પખવાડિયા પહેલાથી જ આગોતરા આયોજનો ના બ્યુગલ ફુંકાવા લાગે છે. વેકેશન સ્ટાર્ટિંગ ડેટની ઉલ્ટી ગણતરીઓ ચાલુ થઈ જાય છે. અને આવું બધું હોવું એ કંઈ ખોટું નથી. બહાર હરવું, ફરવું અને નાવીન્યપૂર્ણ જગતમાં લટાર મારવાનું કોને ના ગમે, ભાઈ ? અને જો એવું કોઈ મળી આવે તો એની સરખામણી રોબોટ સાથે કરી શકાય. થોડાં સમય માટે પોતાની જાતને ‘આઉટ ઓફ વર્ક’ ની થીમમાં પણ ઢાળવી જોઈએ. કારણ કે વેકેશન ટાઈમ એ આપણે પોતાની જાતને આપેલી ગીફ્ટ છે. નવો પ્રદેશ, નવી ઋતુ, નવો એહસાસ, નવો ઉમંગ વગેરે એક નવો રોમાંચ બક્ષે છે. અહી મોજ મસ્તી થી ભરપુર પળો તો માણવાની હોય જ છે, પણ સાથે સાથે શારીરિક માનસિક કસરત પણ મળે છે. એટલે ટોટલી બોડી રીફ્રેશમેન્ટ અને તાજગીનો અનુભવ કરે છે.

વેકેશન એટલે.....

જેને દરેક આવકાર આપવાનું ઈચ્છે,

પોતાની સાથે સાથે રૂટીન વર્કને પણ રેસ્ટ આપવાનો સમય,

પોતાની જાતને ચાર્જીંગ કરીને ફુલ એનર્જી મોડ પર મુકવાનો અવસર,

જેના વિચાર માત્રથી બ્યુટીફુલ અને ફુલગુલાબી

લોકેશન્સની તસ્વીરો કલ્પનાજગતમાં એક પછી એક તરવરવા માંડે,

કંઇક નવું, અને આમ તો અવનવું જાણવાની મૌસમ એટલે વેકેશન,

જરા હટ કે, જરા ખુલ કે સરાઉન્ડીંગ્સને પોતાની રીતે જોવાનો, જાણવાનો અને માણવાનો એક સુંદર પ્રયાસ એટલે વેકેશન,

ઓફિસમાંથી છુટે હાથે આપેલા પ્રોમિસ ‘ ચોક્કસ..આ વખતે વેકેશનમાં આવશું.. અરે પાક્કું... હા.. હા.. નઈ ભુલાય.. શ્યોર..’ ને પુર્ણ કરવાનો અવસર એટલે વેકેશન.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગુગલ ઈમેજ પર જોયેલી ખુબસુરત તસ્વીરોને રૂબરૂ મળવાનો સમય એટલે વેકેશન,

લાંબા સમયથી એકમેકને ન જોયાં હોય એવાં ( અહી રૂબરૂ સમજવું..કારણ કે મોબાઈલ કામ કરે છે. વિડીઓ કોલ ના ફીચરે આજકાલ એકલતા શબ્દને હાંસિયામાં ધકેલી દીધો છે. જસ્ટ હળવા મુડ માટે, બાકી રીડર બિરાદરો ખુબ સમજદાર છે. ) ફ્રેન્ડઝને ફેસ ટુ ફેસ મળવાની ફુલબહાર અને એકસાઈટીંગ પળો એટલે વેકેશન,

વર્ષ દરમિયાન છુટી ગયેલી હોલીવુડ મુવીઝ, આમ તો તેની કમનીય નાયિકાઓને ન જોયાનો વસવસો દુર કરવાનો સમય એટલે વેકેશન,

જોબ કરતાં પેરેન્ટ્સ માટે પોતાના બાળકો સાથે ફુલ ટાઈમ સાથે રહેવાનો મોકો અને થોડાં દિવસો એકધારું સાથે લંચ કરવાનો ચાન્સ એટલે વેકેશન,

લાંબા સમય બાદ મળેલા બે બર્ડ્સ મલ્ટીપ્લેક્સ ને માળો બનાવીને અઢી ત્રણ કલાક સુધી બીગ સ્ક્રીન પર ‘એવેન્જર્સ : ઇન્ફીનિટી વોર’ મુવીની મજા માણવાની અને હોલીવુડના અવનવા સ્ટંટ ની રોમાંચક સફર કરવાની મૌસમ એટલે વેકેશન,

અલાર્મ મુકવાની ચિંતા કર્યા વિના લેટ નાઈટ સુધી એલી ગોલ્ડીંગ ના સુમધુર વોઈસ માં ગવાયેલું ‘લવ મી લાઈક યુ ડુ’ અને બોની રેઈટના બ્યુટીફુલ વોઈસમાં ‘આઈ કાન્ટ મેઇક યુ લવ મી’ માં વારંવાર તલ્લીન થઈ મ્યુઝીક મસ્તીમાં રસ તરબોળ થવાની મળેલી મોકાણ એટલે વેકેશન,

મહિનાઓથી ભેગા થયેલા અને ખુણામાં વ્યવસ્થિત સચવાયેલા તેમજ માત્ર નજર ફેરવાયેલા ( સમયના અભાવે ) સામયિકો, માસિકો, સપ્લીમેન્ટરીઝ ને પુન: હાથમાં લેવાનો અને તેની ભીતરમાં ડોકિયું કરવાનો સમય એટલે વેકેશન,

વિકેન્ડ સિવાયના સમયમાં ભર બપોરે સિનેમાગૃહોમાં શો જોવાની તક મોટે ભાગે જે સમયમાં મળે છે એ સમય એટલે વેકેશન,

એકસાઈટમેન્ટ, એડવેન્ચર, અને યૌવન ના સંમિશ્રણની ઝાકમઝોળ અનુભુતિને પામવાની અને માણવાની સુપીરીયર સીઝન એટલે આ વેકેશન.

દરેક વ્યક્તિનું મુખ્ય કાર્ય તો પોતાના કામને પુરતો ન્યાય આપવો એ જ હોય છે. ‘વર્ક ઈઝ વર્શીપ’ મુજબ કાર્યથી જ માણસ મુલ્ય પ્રાપ્ત કરે છે. વર્ષ દરમિયાન તેનું ધ્યાન, એવું કહો કે તેનું સમગ્રતયા ચિત્ત તેના કામ પર જ કેન્દ્રિત થયેલું હોય છે. કામ મનગમતું હોય કે બોરિંગ હોય, તેને પુર્ણ કર્યા વિના છૂટકો જ નથી હોતો. બેંકિંગક્ષેત્રમાં માર્ચ એન્ડીંગની માથાકુટમાં કાળઝાળ ગરમી વચ્ચે, જો કે એર કંડીશનર હોય છે પણ આપણે ત્યાં વીજળી કાપ અમુક ચોક્કસ નક્કી કરેલા દિવસોએ આપવાની પ્રથા હજુ ચાલે છે, ( આ પ્રથામાંથી ક્યારે આઝાદી મળશે એ તો કોણ જાણે કોને ખબર ? ) કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર સ્ક્રીન સાથે ફાઈલોને આમથી તેમ ફેરવતા, લાગેલા માનસિક થાકમાં પણ ઉત્સાહનું અમી ઝરણું વહેવડાવવાનું કામ કરતુ પરિબળ એટલે વેકેશનનો વિચાર. જો કે અમુક ડીપાર્ટમેન્ટમાં વેકેશન મળતું નથી, પણ થોડી ભેગી થયેલી રજાઓથી નાનું એવું વેકેશન ક્રિએટ કરી શકાય. આવનારા સમયમાં વધું સ્ફૂર્તિવાન બનીને કાર્ય પર ત્રાટકવાની ક્ષમતા વેકેશન ટાઈમ માંથી મળી રહે છે. જીવનને સમથીંગ ન્યુ બક્ષિસ આપવા માટે અને તેના સતત એક દિશામાં વહેતા પ્રવાહને થોડાં સમય માટે અલગ વળાંક આપવા માટે થોડી લીવ્ઝ જરૂરી છે, અને શક્ય હોય ત્યાં સુધી દરેક પાસે રજાઓનું સેટિંગ લગભગ હોય જ છે. થોડું ઘણું આમતેમ કરીને પણ વેકેશન ટાઈમ કાઢવાની કળામાં પારંગત બનવું જોઈએ. જો કે આમાં કોઈને કંઈ કહેવું પડે એમ નથી. આજ કાલ સૌ પોતાને માટે વિચારી રહ્યાં છે. પોતાનું જીવન થોડું ન્યુ વર્ઝન તરીકે પ્લે કરે એવી દરેકને ઈચ્છા હોય છે. આના માટે એકસાઈટમેન્ટ ના રંગો ની જરૂર પડે છે. આવા રંગોનું ક્રીએશન બાય હાર્ટ થતું હોય છે. એનાં માટે સમય આપવો પડે અને આપવો જ જોઈએ કેમ કે આખરે તો હેપ્પીનેસ સૌને ગમે છે અને તેનું મહત્વ જીવનમાં કેટલું છે તે પણ સૌ સમજે છે.

બાળકો માટે વેકેશનનું ખાસ મહત્વ હોય છે. પેલા મામાનું ઘર અને વેકેશનને સીધો સંબંધ હતો. મામા માસીના બે ચાર બાળકો ભેગા થતા, વાડીએ આંબા નીચે ચકરડા રમત, બેટ દડો, ચોટડુક, મોઈ દાંડી કે નારગોલ જેવી રમતો રમતા અને ધાંધલ ધમાલ કરીને દિવસ પૂરો કરી નાખતા તેમજ આવી રીતે એકાદ બે સપ્તાહ નો સમય વિતાવતા. જો કે હવે સમય જતાં બાળકો માટે પણ વેકેશનની પરિભાષા બદલાઈ છે. આજનું બાળક ઘરની બહાર ઘુમવા માંગે છે. તેને માત્ર મામાના ઘરે જ રહેવામાં રસ નથી. તેને દરિયાની રેતીમાં આળોટવાનું વધુ ગમે છે. નિત નવા ગેજેટ્સ સાથે રમવું વધુ પસંદ પડે છે. સ્વીમબાથમાં છબછબીયા કરવાનો રોમાંચ તેમને ખુબ ગમે છે. સવારે ક્લાસરૂમમાં હાજરી ના આપવાની બાબત તેમને વધુ આનંદિત કરી મુકે છે. વર્ષભર ભણેલા વિજ્ઞાનના પ્રોયોગોને લાઈવ જોવાની ઈચ્છા તેમને સાયન્સ સિટી તરફ દોરી જાય છે તો પ્રાણી સંગ્રહાલય પણ તેમણે વિશેષ પ્રિય હોય છે. હાલમાં પશ્ચિમી જગતનો પવન ભારતમાં પણ સમર કેમ્પના સ્વરૂપમાં ફુંકાવાનો ચાલુ થઈ ગયો છે. બાળકને રમત રમતમાં તેને રસ હોય તેવા વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. નવા નવા કોર્સીઝમાં બાળકો જોડાઈ શકે છે. તેનું માઈન્ડ ઇનોવેટીવ બને છે જે તેના વ્યક્તિત્વ ઘડતર માટે ખુબ મહત્વનું સાબીત થાય છે. ઘરની મહિલાઓ પણ ઘરના કામકાજમાંથી થોડો રેસ્ટ લઇ શકે. આખું વર્ષ રસોઈ બનાવ્યા પછી એકાદ અઠવાડિયું તૈયાર ભોજન થાળીમાં આવે એટલે એના માટે તો ધરતી પર જ સ્વર્ગનો અનુભવ થાય. રસોઈ ન બનાવવાના આનંદની અનુભૂતિ થયા પછી ઘર પર તે મેળવવાના પ્રયાસ થાય છે. જેને કારણે ઘણાં પતિદેવો સારા કુક પણ બની જાય છે. જો કે કુકિંગ એ પણ એક સારી અને ઉપયોગી કલા છે એમ માની પતિદેવોએ પોતાનું પાંખડું ઊંચું રાખવું જોઈએ. અને આમ પણ ક્યારેક વાઈફને એકાદ માસ પિયર રોકાવાનું થાય તો રસોઈ માટે કોઈને કેવું ના પડે.પત્ની પિયર જવાના વિચાર માત્રથી ઘણાં પતિદેવોના ચહેરા પર સ્માઈલ આવી ગયું હોય એવું બની શકે. ( જસ્ટ હળવા મુડ માટે..) હવેનો યુગ એ ડીજીટલ યુગ છે. ગૃહિણીઓએ ઓનલાઈન પેમેન્ટ વિશે માહિતી મેળવવી જોઈએ. પેટીએમ, નેટ બેન્કિંગ વગેરે વિષે સમજુતી મેળવી લેવી જોઈએ. કમ્પ્યુટરનો યુઝ કરતા શીખી લેવું જોઈએ. વેકેશનમાં આ બધું શક્ય છે.

ઈન્ટરનેટની દુનિયાએ આપણું કામ એકદમ સરળ બનાવી દીધું છે. જ્યાં જવું હોય ત્યાં જીપીએસ આપણને મદદ કરે છે. સોશિયલ મીડિયા થ્રુ આપણે અપડેટ રહી શકીએ છીએ. ઓનલાઈન મુવી સાથે ટ્રાવેલિંગ ની મજા માણી શકાય છે. આજે તો વેબ ઉપર ઢગલાબંધ સોંગ્ઝ ઉપલબ્ધ છે અને એ પણ દરેકની પસંદ મુજબના. સોશિયલ સાઈટ્સ પણ આપણને ઘણું બધું જ્ઞાન આપી જાય છે. ગુગલ પાસે માહિતીનો ખજાનો છે. એટલે થોડામાં ઘણું, ઈન્ટરનેટ એ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે એમાં બેમત નથી. વેકેશનમાં નેટ થ્રુ ઘણું નોલેજ મેળવી શકાય છે.

અત્યારનું મોડર્ન વિશ્વ ‘વર્લ્ડ ઓફ વેરાઈટીઝ’ છે. ડગલે ને પગલે અહી બધું જ વૈવિધ્યસભર જોવા મળે છે. જે સૌને પોતાની તરફ આકર્ષે છે. આવી વેરાઈટીઝ અપનાવવાથી આપણને ગ્રો થવાની તક મળે છે. વેકેશનમાં આપણને કંઇક નાવીન્ય અપનાવવાનો સમય મળે છે. કોઈપણ એક બાબત પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપી શકાય છે. તેના પર વિશેષ જાણકારી એકઠી કરી શકાય છે. જેને કારણે રસ રુચિ સંતોષાય છે. વિસ્મયની દુનિયામાં ડૂબકી મારવાનો અનેરો અવસર વેકેશનમાં મળે છે. જો વાંચન નો શોખ હોય તો તો પછી વેકેશન એટલે સ્વર્ગ. ફુરસતના સમયમાં મનગમતી બુક્સના પાના ઉથલાવવાની મજા જ કંઇક ઔર છે.

મેડીકલ સાયન્સ પણ એવું કહે છે કે પોતાની રૂટીન જવાબદારીઓમાંથી થોડો સમય રીફ્રેશમેન્ટ માટે કાઢવાથી સ્વભાવ હળવોફૂલ રહે છે. હેપ્પીનેસ લેવલ ઊંચું આવે છે. ફરીવાર જયારે કામ પર પાછા ફરીએ ત્યારે આપણે પોતાને સ્ફૂર્તિલા અને ઉર્જાવાન મહેસુસ કરી શકીએ છીએ.

• ટ્યુબલાઇટ •

If It’s the Fifth Day in a Row,

That You Don’t Feel like Working,

It Means,

It’s Finally Friday..!