બાપુ, રાષ્ટ્ર કે લીયે તું તો હાનીકારક હૈ... NILESH NAKUM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાપુ, રાષ્ટ્ર કે લીયે તું તો હાનીકારક હૈ...

બાપુ, રાષ્ટ્ર કે લીયે તું તો હાનીકારક હૈ...

ધર્મને માધ્યમ બનાવીને પોતાને ઈશ્વરના સ્થાને બેસાડી દેવાનો ટ્રેન્ડ આજકાલ ખુબ જોવા મળે છે. પોતે સંકટમોચક તરીકે લોકોનું ભલું કરવા માટે જ અવતરિત થયા છે એવો આભાસ ઉભો કરવામાં આવી રહ્યો છે. પોતે સીસ્ટમ અને સમાજ થી પણ ઉપર છે એવું માનીને આરોપી હોવા છતાં પણ કાયદો હાથમાં લેવાની કોશિશ કરે છે. તેઓ લાગણીઓનો ધોધ વહાવડાવીને લોકોની બુદ્ધિને ધારવિહીન બનાવી દે છે. માત્ર તલવાર થી નહિ, ધર્મની માયાજાળ થી પણ કત્લ થઈ શકે છે. હવે નવાઈની વાત તો એ છે કે લોકો હોંશે હોંશે આવા નૌટંકીઓની જાળમાં ફસાઈ જાય છે અને એને જ પોતાના તારણહાર માની બેસે છે. આવું બનવા પાછળનું કારણ એ છે કે આપણે ધાર્મિકતાના અફીણી ઘેનમાં બેહોશ થઈને જીવી રહ્યાં છીએ. જ્યાં સુધી ધર્મને ખરા અર્થમાં નહિ સમજીએ ત્યાં સુધી આવા લોકોની દુકાનો ધમધોકાર ચાલતી રહેશે. મંગલયાન મોકલનારા દેશની બીજી બાજુ જે ધાર્મિક જડતા રહેલી છે તે શરમની વાત છે. દેશમાંથી આવા અય્યાશી અને ધર્મ ની સાથે છેડાં કરનારા બાબાઓ હંમેશને માટે પોતાની માયા સંકેલી લે એ જરૂરી છે. અંધશ્રદ્ધાને સાઈડ લાઈન કરી વાસ્તવિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધશું તો ચોક્કસ સફળતા મળશે. ગયા સપ્તાહે જોધપુર ની અદાલતે ધર્મની આડમાં અધર્મ આચરનારાઓ સામે લાલ આંખ કરીને આવકારદાયક ચુકાદો આપ્યો છે. આ ચુકાદો ઢોંગ કરનારા બાબાઓ માટે વોર્નિંગ બેલ સમાન છે જેઓ એવું માને છે કે તેઓ આસ્થાના નામે બચી જશે. મુદ્દો માત્ર બાબાઓના બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં દોષિત હોવા પુરતો જ સીમિત નથી, પરંતુ સિસ્ટમમાં તેમની સ્વીકૃતિ અને સિસ્ટમને જ પોતાના પ્રભાવમાં લઈ લેવાની તેમની તાકાતનો છે. કોર્ટના એ નિર્ણય ને ધ્યાનમાં રાખીને થોડું વિચારીએ...

૨૫ એપ્રિલ, ૨૦૧૮... હિન્દુસ્તાને આ દિવસ યાદ રાખવો જોઈએ. કારણ કે દેશની એક બેટી જે યૌન શોષણ નો ભોગ બની હતી, તેની અપૂર્વ હિંમત અને તેના માતા પિતાના અથાક પ્રયત્નોથી લાખો કરોડોનું સામ્રાજ્ય ધરાવતા એક અધર્મી બાબાને જેલના હવાલે કરી દીધો. આવા તો કેટ કેટલાય નામી અનામી બેઠાં છે આધ્યાત્મિકતાની આડશમાં. જેમનો ભાંડો ફોડ થવો જરૂરી છે. આવા બાબાઓના સામ્રાજ્યને ખડું કોણ કરે છે ? જવાબ સિમ્પલ છે. તેમના અનુયાયીઓ. પ્રભાવમાં આવીને રૂપિયાનો વરસાદ વરસાવી દેતા લોકો એટલું પણ નહિ વિચારતા હોય કે એક સન્યાસીને સંપતિ શું કરવી હોય ? હજારો કરોડો નહિ પણ અબજો રૂપિયાની મિલકતો ધરાવતા આ લોકો સંસ્કાર, સાદગી, આસક્તિભાવ અને મોહ માયા ના ત્યાગ ની ડાહી ડાહી વાતો કરે ત્યારે હસવું આવે છે. એટલો બધો આંધળો વિશ્વાસ પણ ના મુકવો જોઈએ કે કોર્ટ જયારે સજા આપે છે ત્યારે તે પણ માનવા માટે મન તૈયાર ના થાય.

ખરેખર તો માણસ અને ઈશ્વર વચ્ચે કોઈ આડતીયાઓ ની જરૂર જ નથી. માણસ પોતાના સારાં આચરણ થી, પોતાના સત્કર્મો થી અને શક્ય હોય તો બીજાઓને મદદરૂપ થઈને પ્રભુ ને પ્યારો થઈ શકે છે. કોઈ ધર્મ અન્ય પર અત્યાચાર કરવાનું સમજાવતો નથી. છતાં પણ આસ્થાનો આશરો લઈને આવું કરવામાં આવતું રહ્યું છે. તેની પાછળ માણસની આંધળી ધર્મશ્રદ્ધા જ કારણભુત ગણી શકાય. અગણિત સંખ્યામાં ધમધોકાર ચાલતા તેમના આશ્રમોમાં અનેક ભક્તો આસ્થાના નામે નારિયેળની જેમ હોમાઈ જાય છે.

આપણે હજુ પણ કેટલી પછાત માનસિકતા ધરાવીએ છીએ એ આ બાબત પરથી સાબિત થાય છે. ભારતમાં કેટલાક આવાં પાખંડીઓ વૈરાગ્ય ના નામે રંગરેલીયા કરતાં હોય છે અને પોતાને ધર્મગુરુ કે સન્યાસી તરીકે પ્રસ્થાપિત કરતાં હોય છે. આવાં કહેવાતાં બાબાઓની માયાજાળમાં ફસાઈને આપણે પોતાની જાતને મુર્ખ બનાવવાનું કામ જ કરી રહ્યાં છીએ. આપણને તેના ચરણોમાં ઢળતાં જોઇને એ બાબાઓ પણ આપણી ઉપર હસતાં હશે. લોકોને ભરમાવીને પોતાની આસપાસ એક ભીડ ઉભી કરવામાં તેઓ માહેર હોય છે. ભરમાઈ જવું એ મોટી ભુલ છે. ધાર્મિકતાની બાબતમાં આપણે કેમ કોમન સેન્સ વાપરતાં નથી ? ધર્મનાં નામે આપણે આંધળી દોટ કેમ લગાવીએ છીએ ? ધર્મથી આપણે એટલાં બધાં ભયભીત શાં માટે ? શું ધર્મની બાબતમાં સવાલ કરવામાં આપણને નાસ્તિકતાનું લેબલ લાગવાનો ડર સતાવે છે ? અંતે તો આપણે જ કોઈને કોઈ રીતે આવા પાખંડીઓને ભગવાન બનાવવામાં સહભાગી થઈએ છીએ.

ધર્મ’ એ માત્ર એક શબ્દ નથી. તેની સંકલ્પના બહુ વિશાળ છે. માનવજીવનનો આધાર છે. એક ભરોસો છે. પણ જયારે જયારે આ ભરોસાને તોડવામાં આવે, ત્યારે સમુચિત સમાજ તેનું ખરાબ પરિણામ ભોગવે છે. તેથી ધર્મની જોળી પહેરનારાઓના અપરાધિક કૃત્યો ઘણાં ગંભીર ગણી શકાય. આજકાલ કથિત ધર્મગુરુઓના નામે અગણિત બાબાઓ દેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને બેઠાં છે. બાબાઓ માટે ભારત દેશ સ્વર્ગ છે એવું કહેવું ખોટું તો નથી જ. લોકોની નાડ પારખી લીધી છે આ બાબાઓએ. તેમણે એ જાણી લીધું છે કે ભારતની પ્રજાને આસાનીથી લાગણીઓના બંધનમાં બાંધી શકાય છે. સમાજના ઉદ્ધારની વાતો કરતા કરતા તેઓ ક્યારે જ્ઞાન અને ગુનાનો ભેદ ભુલી જાય છે એ તેમને યાદ રહેતું નથી. અહી તાર્કિક દ્રષ્ટિનો ઓછો ઉપયોગ થાય છે. જેનો ભરપુર લાભ આવા બાબાઓ ઉઠાવે છે.

દુનિયાની સામે દીકરીઓને દેવી નો અવતાર ગણાવે છે અને બંધ કમરામાં રેપ કરે છે. સાંજ ઢળતા જ આવા કથિત બાબાઓના જીવનની બીજી બાજુ સામે આવે છે. દિવસે ધર્મની મોટી મોટી વાતો કરતા અને આંખોમાં આંસુ વહેવડાવતા આવા બાબાઓ રાત્રે પુજા પાઠ, તંત્ર મંત્ર, અનુષ્ઠાન અને જપ તપ ની આડમાં અનૈતિક કારનામા કરતા હોય છે. લોકોની લાગણીઓ જોડે મજાક કરવાનું પાપ જ આને ગણી શકાય. ક્યારેક સંત, ક્યારેક મહાત્મા, ક્યારેક ગુરુદેવ તો ક્યારેક બળાત્કારી. ધર્મના નામ પર તાયફાઓ કરતા આવા તથા કથિત સ્વયંભુ બાબાઓ જ ધર્મના સૌથી મોટા દુશ્મનો છે, જેમણે સત્યનું આચરણ કરનારા સંતો મહંતો પ્રત્યેની સમાજની શ્રદ્ધાને ડગમગાવી મુકી છે. ભારતમાં ધર્મ અને આસ્થાને લઈને અતુટ શ્રદ્ધા જોવા મળે છે. આ વધુ પડતી શ્રદ્ધાને કારણે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાને બદલે બાબાઓના આશ્રમમાં દાનની સરવાણી વહાવીએ છીએ. આવા નાણા થી તેમની તિજોરીઓ છલકાય છે અને તેનાં દુરુપયોગ થકી અનેક કૌભાંડો આચરવામાં આવે છે. આવા નાણાનો ઉપયોગ અય્યાશી માટે કરવામાં આવે છે. સફેદ દાઢી અને સફેદ જોળીમાં ધર્મને નામે ચરી ખાનારાં આવા અધર્મી બાબાઓ રાષ્ટ્રના ગુનેગાર છે. તેમની પાપલીલા નો અંત આવે એ ખુબ જ જરૂરી છે.

ભારત ધર્મ શ્રદ્ધાળુ દેશ છે. તેમાં ધાર્મિક ક્ષેત્રના આગેવાનોને કોઈ રોક ટોક કરવાવાળું હોતું નથી. તેમજ લોકો આસ્થા સાથે જોડાયેલા હોય સરળતાથી ખેંચાઈ આવે છે. ખુબ ડોનેશન મળતું હોય છે. આ અમાપ ડોનેશનથી મસમોટાં આશ્રમો ની સ્થાપના કરાય છે અને ઉત્સવો ની ઉજવણીઓ કરાય છે. મોટા પ્રમાણમાં મિલકતો ઉભી કરાય છે. આ બધી જ લેવડ દેવડ પર સરકારની નજર હોવી જોઈએ અને મળેલ નાણાનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં લોક હિતના કામોમાં થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

બેવકુફીની હદ તો ત્યારે થાય છે કે આપણે સુખી સંપન્ન અને શ્રીમંત બનવા માટે બાબાઓના દરબારોમાં જઈએ છીએ અને એ પણ પૈસા ચુકવીને. આપણે પોતાને બેવકુફ બનાવી રહ્યાં છીએ. દરબારમાં જાણે એવો માહોલ હોય કે દુનિયાના સૌથી દુઃખી લોકો અહી જ છે. મહેનત કરવાને બદલે સમોસા અને રસગુલ્લા ખાવાથી સફળતા મળી જશે એવું માની લેવું એ તો ખરેખર હાસ્યાસ્પદ જ કહેવાય. કૃપા એ તો ઈશ્વરાધીન છે. આપણે ઈશ્વર તો નથી જ. કૃપા મેળવવા શું હરી મીર્ચની ચટણી ખાવી પડે ? ખુબ જ અંધવિશ્વાસભરી માન્યતાઓને પોષનારો એક વર્ગ આપણા સમાજમાં છે. આ વર્ગ જ ધર્મને નામે ચાલતી દુકાનો નું અસ્તિત્વ ટકાવી રાખે છે. વળી ક્યાંક રોક સ્ટારની જેમ સ્ટેજ ગજવતાં અને સુપર સ્ટાર ની જેમ ડાન્સ કરતા બાબાઓ પણ જોવા મળે છે. અઢળક સંપતિ એકઠી કરીને રાજ રજવાડા જેવો વૈભવ ભોગવતા આ કથિત આધ્યાત્મિક ગુરુઓ મહારાજા જેવી ઠાઠમાઠ ભરી જીવનશૈલી ભોગવે છે. તેમને ક્યાંય કમાવા જવાની જરૂર નથી. બધું જ મળી જાય છે. આવા બાબાઓના દુષ્કૃત્યો જાહેર થાય છે અને સાબિત થાય છે ત્યારે તેના સમર્થકો હંગામો મચાવી દે છે. લોકતંત્ર, બંધારણ અને કાયદાનું માન જાળવતા નથી. હિંસક સ્થિતિનું નિર્માણ થાય છે અને જાનહાની પણ થાય છે. રાષ્ટ્ર ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે એ મુજબ કોઈપણ ને રાષ્ટ્ર કરતા વધુ મહાન બનાવવાની જરૂર નથી.

વર્તમાન સમયમાં આપણી રાજનીતિ આશ્રમો જેવા ધાર્મિક સ્થાનોની ગુલામ હોય એવું દેખાય આવે છે. ચુંટણી આવતા જ આવા આશ્રમોમાં નેતાઓના આટા ફેરાં વધી જાય છે. બાબાઓના ગુણગાન ગવાય છે અને પોતે તેનાં પરમ ભક્ત હોવાનું સાબિત કરાય છે. આવી બાબતો ક્યાંક ને ક્યાંક લાખો અનુયાયીઓની વોટબેંક મેળવવા તરફ ઈશારો કરતી હોય એવું જણાય છે. એક પછી એક ખુલ્લા પડી રહેલા કહેવાતાં ધર્મના ઠેકેદારો નું લીસ્ટ ઘણું લાંબુ છે. તેમની તાકાત જોઇને એવું લાગે કે દેશમાં બાબાઓની એક સમાનાંતર સત્તા છે. આધ્યાત્મિકતાની આડશમાં ક્યારે તેઓ રાજકારણના ખેલ ખેલવા માંડે છે, લાખો આબજોના કારોબાર કરવા માંડે છે, પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા માંડે છે, ખબર જ નથી રહેતી.

દેશમાં બધા બાબાઓ ઢોંગી નથી હોતા. જનસેવા કરીને પૂરી જિંદગી ખપાવનારા સાધુ સંતો પણ આ દેશમાં થઈ ગયા છે. જેમણે ધન, દોલત અને અય્યાશીને ક્યારેય મહત્વ નથી આપ્યું. તેઓને સંસ્કૃતિના રક્ષણહાર કહી શકાય. તેઓ ખરેખર વંદનીય છે. પરંતુ અહી ‘મુખ મેં રામ ઔર બગલ મેં છુરી’ જેવું કામ કરનારા બાબાઓની વાત છે. તત્કાલ પુણ્ય અને જ્ઞાન તેમજ દુઃખોથી છુટકારો મેળવી લેવાની અપેક્ષા સાથે સેવકો દોડી જાય છે અને પછી એમની પાસેથી ભેગી કરેલી સંપતિ થી મોટું આર્થિક સામ્રાજ્ય ઉભું કરી આવા બાબાઓ સિસ્ટમમાં જબ્બર વર્ચસ્વ જમાવી દે છે. જ્યાં સુધી સમાજમાંથી અંધશ્રદ્ધા અને ખોખલી માનસિકતા દુર નહિ થાય ત્યાં સુધી આસ્થાના નામે દુકાનો ચાલતી જ રહેવાની એ નિશ્ચિત છે. રાષ્ટ્રમાં એક ઉર્જાવાન વિચારધારાનો ઉદય થાય અને ધર્મની ગહનતાને સમજવાનો ઉમદા પ્રયાસ થાય એ ખુબ જ આવકાર્ય છે.

ટ્યુબલાઇટ

નથી મફતમાં મળતાં, એનાં તો મૂલ ચૂકવવાં પડતાં;

સંતને સંતપણા રે...મનવા નથી મફતમાં મળતાં.

નીલેષ નકુમ

૨૯ એપ્રિલ, ૨૦૧૮