૯૧૬૬ અપ: ઘણું બધું બદલાયું… - 15 Prashant Dayal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૯૧૬૬ અપ: ઘણું બધું બદલાયું… - 15

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 15

પ્રશાંત દયાળ

ઘણું બધું બદલાયું…

૨૦૦૨ના રમખાણોના પડઘા બહુ વર્ષો સુધી પડયા. રમખાણોનો લાભ દરેક વ્યક્તિ લેવા માગતી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનો કરાવ્યા છે. તેમના કારણે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા તેવી જે વાતો થતી હતી તે અંગે મોદીએ ગણતરીપૂર્વક મૌન ધારણ કરી લીધું. તેનો સીધો ફાયદો તેમને ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં થયો. કૉંગ્રેસ સહિત ટેલિવિઝન ચેનલો અને અખબારો મોદીને મુસ્લિમોના હત્યારા તરીકે ગાળો આપતા ગયા એટલા મોદી હિન્દુમાં વધુ લોકપ્રિય થયા. ૨૦૦૨ના રમખાણોએ કોને કેટલો લાભ લીધો તેની યાદ બહુ લાંબી છે. પણ ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ પણ હોશિયાર હતા. તેમણે મોદીની નબળાઈ જાણી લીધી. ૨૦૦૨ના તોફાનો પછી ગાંધીનગર અક્ષરધામ ઉપર ત્રાસવાદી હુમલો થયો. આ તક ગુજરાત પોલીસે ઝડપી લીધી અને પછી દર ત્રણ મહિને અખબારમાં પોલીસ એન્કાઉન્ટરના સમાચાર આવવા લાગ્યા. ગુજરાત પોલીસ દરેક એન્કાઉન્ટર વખતે એવો દાવો કરતી હતી કે માર્યા ગયેલો ઇસમ ત્રાસવાદી હતો અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપી નેતાઓની હત્યા કરવા માટે આવ્યો હતો. આ અંગે ગુપ્તચરો તરફથી મળેલી માહિતીને આધારે પોલીસ તેમને ઝડપી લે તે પહેલા પોલીસ સાથેની અથડામણમાં તેં માર્યો ગયો હતો. માત્ર અમદાવાદમાં ત્રણ વર્ષના ગાળામાં પોલીસે ૧૩ એન્કાઉન્ટર કર્યા હતા. સ્વાભાવિક છે કે માર્યા ગયેલા મોટા ભાગના મુસ્લિમો હતા.

દરેક એન્કાઉન્ટર વખતે પોલીસ ઉપર આક્ષેપ થતા રહ્યાં કે પોલીસ એન્કાઉન્ટરના નામે મુસ્લિમોને નિશાન બનાવી રહી છે. પણ ગુજરાતમાં મુસ્લિમોની ફરિયાદ સાંભળનાર કોઇ નહોતું. અચાનક ગુજરાત પોલીસ આરોપીના પાંજરામાં આવી ગઈ. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા ડી.આઇ.જી ડી.જી.વણઝારા એ એક સમયના ગુજરાતના ડોન અબ્દુલ લતીફના સાથી સોરાબુદ્દીન શેખનું ૨૬મી નવેમ્બર ૨૦૦૫ના રોજ અમદાવાદના નારોલ વિસ્તારમાં એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. આ ઓપરેશન ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત હતું. દર વખતની જેમ ડી.જી.વણઝારા નો દાવો હતો કે સોરાબુદ્દીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યો હતો. વાત માત્ર સોરાબુદ્દીન ની પુરતી સિમિત હોત તો વાંધો ન હતો. કારણ કે સોરાબુદ્દીન સામે અનેક ગુનાઓ નોંધાયા હતા. પરંતુ સવાલ સોરાબુદ્દીન ની પત્ની કૌશરબીનો પણ હતો. પોલીસે એન્કાઉન્ટરમાં જેને પતાવી દીધો તેવા સૌરાબુદ્દીન શેખના ભાઈ રૂઆબુદ્દીન શેખ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી કરી. પોતાની ભાભી કૌશરબી ક્યાં છે તેની ભાળ મેળવવા દાદ માગી. સુપ્રીમ કોર્ટે આ તપાસ ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.

આ અંગેની તપાસ ગુજરાત પોલીસ જ કરતી હોવાને કારણે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ અધિકારીઓને ડર નહોતો. પરંતુ બન્યું એવું કે આ તપાસ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રજનીશ રાયને સોંપવામાં આવી. બધું જ ગુજરાત પોલીસ ની ઈચ્છા પ્રમાણે થતું હતું. એક દિવસ રજનીશ રાયે ગુજરાત પોલીસના અધિકારી ડી.જી.વણઝારા, રાજકુમાર પાંડિયન અને રાજસ્થાન પોલીસના દિનેશ એમ.એન. ને જવાબ નોંધાવવા માટે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની કચેરીમાં બોલાવ્યા અને તે આવ્યા તેની સાથે તેમની ધરપકડ કરી લીધી. ગુજરાત પોલીસે સુપ્રીમકોર્ટમાં આપેલા પોતાના જવાબ પ્રમાણે વણઝારા અને તેમના સ્ટાફે સોરાબુદ્દીન અને તેની પત્ની કૌશરબીને હૈદરાબાદ થી મહારાષ્ટ્ર જતી બસમાંથી ઉતારી લીધા હતા અને ગુજરાત લાવી સોરાબુદ્દીન ને ત્રાસવાદી બતાડી મારી નાખ્યો હતો અને ત્યારબાદ કૌશરબીની પણ હત્યા કરી ડી.જી.વણઝારા ના વતન સાબરકાંઠાના ઈલોલ ખાતે લાશને સળગાવી મૂકી હતી. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના 14 પોલીસ અધિકારીઓની ખોટા એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરી હતી. આમ આ કેસમાં પોલીસ ગુનેગાર સાબિત થતા અગાઉના તમામ એન્કાઉન્ટર ખોટા હોવાનો આક્ષેપ થયો હતો અને તમામ કેસોની કોર્ટમાં પડકારવામાં આવતા ગુજરાત પોલીસ અને સરકાર કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. જો કે આ ઘટના પછી તરત નરેન્દ્ર મોદીની હત્યા માટે આવતા ત્રાસવાદીઓએ ગુજરાત આવવાનું બંધ કરી દીધું હોય તેમ પોલીસ દ્વારા થતાં એન્કાઉન્ટર બંધ થઈ ગયા હતા.

ગુજરાતના રમખાણો નો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે રમખાણોના તમામ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી. જેમાં સીબીઆઈના નિવૃત્ત અધિકારી અને ગુજરાત કેડરના આઇપીએસ ગીતા જોહરી, શિવાનંદ ઝા અને આશિષ ભાટિયા નો સમાવેશ કરવામાં આવ્યો. આ ટીમ દ્વારા પોતાને સોંપવામાં આવેલી તપાસ માટે સતત સમય વધારી આપવા કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવતી હતી. તપાસ બહુ મંદ ગતિએ ચાલતી. ૨૦૦૨ના રમખાણોની તપાસ ૨૦૦૯ સુધી પણ પૂરી થઈ નહીં. સ્પેશિયલ ટીમ પાસે લોકોને મોટી અપેક્ષા હતી પણ ટીમ પાસે અપેક્ષા કરનારની લાગણી હતી. આ તપાસમાં સામેલ ગુજરાતના પોલીસ અધિકારીઓ યોગ્ય રીતે તપાસ કરી ગુનેગારને પકડવાને બદલે કઈ રીતે સરકારને ફાયદો થાય તેવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું લાગતું હતું. ગોધરા કાંડની તપાસમાં આ ટીમનો દાવો હતો કે ગોધરાકાંડની ઘટના એક કાવતરું હતું અને પૂર્વયોજિત હતું. ગોધરાકાંડમાં ૫૯ વ્યક્તિ મૃત્યુ પામી હતી. પણ આ જ પોલીસ અધિકારીઓ ગોધરાકાંડની ઘટના બાદ અન્ય કોઈપણ ઘટનાને પૂર્વયોજિત માનવા તૈયાર નહોતા. આમ આ અધિકારીઓ ચોક્કસ અભિપ્રાયો સાથે આગળ વધતા હતા, જેના કારણે પણ તેમની વિશ્વસનીયતા સામે શંકા જતી હતી. બીજી શંકા જવાનું કારણ એવું હતું કે આ ટીમમાં સામેલ કુલ ત્રણ પોલીસ અધિકારીઓમાંથી શિવાનંદ ઝાને સુરતના પોલીસ કમિશનર તરીકે અને ગીતા જોહરી ને રાજકોટના પોલીસ કમિશનર તરીકે મુકાયા હતા. સ્વાભાવિક રીતે આ બંને જગ્યા ઉપર પોસ્ટિંગ લેવા માટે રાજકીય પીઠબળ જરૂરી હોય છે. ૨૦૦૨ના તોફાનો વખતે શિવાનંદ ઝા અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર હતા અને તેમણે તેમના કાર્યક્ષેત્રમાં તોફાનને ડામવા તમામ શક્ય પ્રયાસ પ્રામાણિક રીતે કર્યા હતા. પણ પછીનાં વર્ષોમાં નરેન્દ્ર મોદી શક્તિશાળી બન્યા તેમાં શિવાનંદ ઝા જેવા બાહોશ ગણાતા અધિકારીઓ પણ સરકારને પસંદ પડે તેવા નિર્ણયો લેવા લાગ્યા હતા. અને ૨૦૦૨માં સરકારની નારાજગીની પરવા કર્યા વગર કામ કરનાર શિવાનંદ બહુ જલદી સરકારની ગુડબુકમાં આવી ગયા હતા. આ ટીમે મોદી સરકારના મંત્રી માયાબહેન કોડનાનીની નરોડા પાટિયા હત્યાકાંડ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી.આ ધરપકડ વખતે એવી પણ ચર્ચા થતી હતી કે માયા કોડનાની કેશુભાઈ પટેલ જૂથના હોવાના કારણે યોગ્ય ગણતરી સાથેની આ ધરપકડ હતી.

આવી જ સ્થિતિ અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેની હતી. તેમના શાસનકાળમાં અમદાવાદ શહેરમાં ત્રણ મહિનામાં ૧૦૦૦ કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આઈપીએસ થનાર તમામ પોલીસ અધિકારીના મનમાં હોય છે કે તે પોતે એક દિવસ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ થશે તેવી જ મહેચ્છા પાંડેની પણ હશે તેમાં કંઈ ખોટું પણ નથી. પણ તેમની આ મહેચ્છાને કારણે તેમણે પણ સરકારને ગમતા નિર્ણય લેવાની શરૂઆત કરી હતી. તેમને ખબર હતી કે અમદાવાદના રમખાણો પાછળ કયા નેતાની કેવી ભૂમિકા હતી. છતાં તેઓ પોલીસ કમિશનર હોવા છતાં તેમણે તે તરફ કોઇ કાર્યવાહી કરી નહીં અને તોફાનોની તપાસ કરી રહેલા તપાસપંચ સામે પણ તેમણે મોઢું બંધ રાખ્યું હતું અને પાંડેની રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બન્યા હતા. આ વર્ષો દરમિયાન પ્રશાંતચંદ્ર પાંડે ઉપર ખૂબ માછલાં ધોવાયા પણ તેમના માટે ડીજીપીની કુર્સી મહત્ત્વની હતી માટે તેમણે મોઢું બંધ રાખ્યું. ડીજીપી તરીકે નિવૃત્ત થયા પછી પણ પાંડેને ગુજરાત પોલીસ હાઉસીંગ ના ચેરમેન તરીકે મુક્યા હતા. નરેન્દ્ર મોદી એવું માનતા રહ્યાં છે જે આપણી સાથે તે આપણી સામે છે. ત્યારે શિવાનંદ ઝા અને પ્રશાંતચંદ્ર પાંડે જેવા અધિકારીઓને સારી જગ્યા ઉપર મૂકવા તેનો શું અર્થ કરવો તે કહેવાની જરૂર નથી. બીજી તરફ ગુજરાત પોલીસના રજનીશ રાય, રાહુલ શર્મા અને સતિષ વર્મા જેવા અધિકારીઓને પોલીસ ટ્રેનિંગ જેવી જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવતું હતું. જ્યારે એડિશનલ ડીજીપી કુલદીપ શર્માને ઘેટા ઉન વિકાસ નિગમમાં એમ.ડી તરીકે મૂકવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદી ની વાહ-વાહ હિન્દુ પોલીસ અધિકારીઓ પોસ્ટિંગ લેવા માટે કરતા હતા તેવું નથી. સલામ કરનારની કતારમાં મુસ્લિમ અધિકારીઓ પણ સામેલ હતા. ગુજરાત પોલીસમાં એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા એ. આઈ. સૈયદની ગણના બહાદુર અને માનવ અધિકારોની રક્ષા કરનાર અધિકારી તરીકે થતી હતી. મોદી સરકારે તેમને આઈજીપી માંથી એડિશનલ ડીજીપી તરીકે બઢતી આપી હતી. નિવૃત્તિ પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલું જ નહીં ૨૦૦૯માં આવેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે પણ જતા હતા. ૨૦૦૯માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડીજીપી તરીકે એસ.એસ. ખંડવાવાલા ને મૂકી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ૨૦૦૨ના રમખાણો પછી ગુજરાતમાં વસતા મુસ્લિમો વળતો જવાબ આપશે તેવી આશંકા હતી, સાથે મુસ્લિમોમાં એવો ડર પણ હતો કે નરેન્દ્ર મોદી સરકાર હિન્દુઓની સાથે છે જેના કારણે નાનકડું છમકલું પણ મુસ્લિમોને મોટું નુકસાન કરી શકે એમ હતું. મુસ્લિમોમાં રહેલી શાંતિ ચિંતાજનક હતી. મુસ્લિમો ઉશ્કેરાટમાં નહોતા પણ તેમનું મૌન ડરામણું હતું. સામાન્ય રીતે આખા વિશ્વમાં લઘુમતી જે રીતે વ્યવહાર કરે તેવો જ વ્યવહાર ગુજરાતના મુસ્લિમોનો હતો. તેઓ શાંત હતા પણ તેઓ ૨૦૦૨ ને ભૂલી શક્યા નહોતા. દેશ બહારથી આતંકવાદી પ્રવૃત્તિ કરી રહેલા લોકો માટે આ સુંદર સંજોગો હતા. ૨૬મી જુલાઈ ૨૦૦૮ના રોજ સાંજના સાડા છ વાગ્યા હતા અને અમદાવાદ શહેરમાં એક પછી એક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થવા લાગ્યા. ૨૧ બ્લાસ્ટ થયા. જેમ-જેમ બ્લાસ્ટ થતાં ગયાં તેમ તેમ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોટો ધડાકો થયો. માત્ર એક દિવસમાં ૫૯ લોકો માર્યા ગયા. અમદાવાદ સ્તબ્ધ થઈ ગયું. ૨૦૦૨ પછી અક્ષરધામ બાદ કરતાં હિન્દુ વિસ્તારમાં થયેલો આ મોટો હુમલો હતો. જોકે આ કામમા અમદાવાદના જૂજ મુસ્લિમ યુવકો સામેલ હતા. જોકે આ ધડાકા પછી અમદાવાદ પોલીસની પીઠ થાબડવી પડે કારણકે અમદાવાદ પહેલાં દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારનાં બોમ્બ ધડાકા થયા હતા પણ તેની કોઇ કડી પોલીસને મળી નહોતી. પરંતુ અમદાવાદ પોલીસ એક મહિનાના ટૂંકા ગાળામાં બહુ ધડાકા પાછળ રહેલા મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન સિમીના નેતાઓ ને ઝડપી લીધા હતા.

જુલાઇ 2008માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં મારી સ્ટોરી છપાઈ તે વખતે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ઓ.પી.માથુર હતા. સ્ટોરી કમિશનર માથુરના ભૂતકાળ સાથે સંકળાયેલી હતી, જેના કારણે માથુર નારાજ થયા અને તેમણે મારા અને મારા એડિટર ભરત દેસાઇ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી હતી. માથુર ખુદ પોલીસ કમિશનર હતા અને અમારા કેસના ફરિયાદી પણ હતા. આ સ્થિતિમાં અમને ન્યાય મળવાની સંભાવના નહિવત હતી, જેના કારણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા માથુરની ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ દિવસોમાં મારા મિત્ર હોવાનો દાવો કરતાં અનેક મિત્રો મને એકલો મુકી જતા રહ્યાં હતાં. કારણકે આ ફરિયાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્યમંત્રી અમિત શાહની મંજૂરીથી થઈ હતી અને આ બંને મહાનુભાવોની મારા તરફની નારાજગી હું સમજી શકતો હતો. જ્યારે પણ ૨૦૦૨ના તોફાનો ની વાત નીકળતી ત્યારે નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો દલીલ કરતા કે ગુજરાતમાં રાત્રે બે વાગ્યે પણ છોકરી એકલી નીકળી શકે છે એ વાત સાચી છે પણ આ સાચી વાત જેટલી જૂની છે કે ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ છોકરીઓ એકલી નીકળતી હતી. આમ બીજા રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શાંતિ છે તે વાત સાચી હોવા છતાં તેનું શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને આપી શકાય નહીં. બીજી દલીલ એવી કરવામાં આવે છે કે નરેન્દ્ર મોદીનાં શાસનમાં ખૂબ વિકાસ થયો. રસ્તાઓ મોટા થયા, ફ્લાય ઓવરબ્રિજ બન્યા, તળાવો બન્યા, મોટી કંપનીઓ ગુજરાત આવી વગેરેની યાદી બહુ લાંબી છે. પણ તેના ઉત્તરમાં એટલું જ કહીશ કે ૨૦૦૨માં જે બન્યું તેનો અફસોસ કરવાને બદલે નરેન્દ્ર મોદી તેને ન્યાયી ગણતા હોય તો ન્યાયના ભોગે સમૃદ્ધિ ન હોય.

સમાપ્ત