૯૧૬૬ અપ: ગુજરાતી હોવાની શરમ - 14 Prashant Dayal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૯૧૬૬ અપ: ગુજરાતી હોવાની શરમ - 14

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 14

પ્રશાંત દયાળ

ગુજરાતી હોવાની શરમ

તા. ૧૧મી માર્ચ ૨૦૦૭ નો દિવસ હતો. મેં લગભગ દસ મહિના પહેલા પુસ્તક લખવાનું બંધ કર્યું હતું, કારણકે મારે કયાંક તો અટકવાનું જ હતું. લખવાનું બંધ કર્યા પછી પણ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી રહેતી હતી કે જેને મારે મારા પુસ્તકમાં સમાવી લેવી જોઈએ તેવું મને લાગતું હતું. જેમાં નરોડા પાટિયાના અસરગ્રસ્ત બાળકોની વાત હતી. આ બાળકોને મહારાષ્ટ્રના રાયગઢ ની એક શાળાને દત્તક લીધા હતા. જેમાંથી કેટલાક બાળકો અમદાવાદ પાછા ફર્યા હતા. આમ તો ઘટના સામાન્ય હતી પણ આ સ્ટોરી છપાયા પછી મને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય 'દારા મોદી' તરીકે આપ્યો હતો. જોકે તરત મને ઝબકારો થયો નહીં કે કોણ છે આ દારા મોદી? પરંતુ તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું, 'મારા ગુમ થયેલા પુત્ર અઝહર ઉપર પરઝાનિયા ફિલ્મ બની છે.' તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં મને મારી જાત પર શરમ આવી હતી. દારા મોદી ૨૦૦૨ પહેલાં પોતાની પત્ની રૂપા, પુત્ર અઝહર અને પુત્રી મીનુ સાથે મેઘાણીનગર ગુલબર્ગ સોસાયટીમાં રહેતાં હતાં. આખી સોસાયટીમાં તેઓ એકમાત્ર બિન મુસ્લિમ હતા. જોકે તેમને તેનો ડર લાગતો નહોતો, કારણ કે ક્યારેય તેમના મનમાં તેવો ડર આવ્યો જ નહોતો. સોસાયટીની બહાર હિન્દુઓ રહેતા હતા. જેમનાથી પણ ડરવાનું કોઈ કારણ નહોતું. દારા મોદીના પરિવારને સોસાયટીના તમામ રહીશો સાથે સારા સંબંધ હતા. ગુજરાતમાં પરઝાનિયા ફિલ્મનો વિવાદ ઊભો થયો તે પહેલા મને દારા મોદી અંગે ખાસ ખબર નહોતી, પરંતુ તેમણે મને જ્યારે તા. ૧૦ માર્ચ ૨૦૦૭એ ફોન કર્યો ત્યારે તેમણે મારી પાસે રાયગઢની મુસ્લિમ શાળાનો ફોન નંબર માગ્યો હતો. કોણ જાણે તે વખતે પણ મને અંદાજ આવ્યો નહીં કે મારી પાસે શું કામ નંબર માગ્યો હતો. આ અંગે હું મારા મિત્ર રફી અને મીરાં સાથે વાત કરતો હતો. ત્યારે મીરાંએ મારી વાત સાંભળતાં જ કહ્યું, 'કદાચ દારા માનતા હશે કે તેમનો ગુમ થયેલો દીકરો મહારાષ્ટ્રમાં હોઈ શકે છે.' થોડો વિચાર કર્યા પછી મીરાંએ રફીને કહ્યું, 'મને લાગે છે કે તમારે દારાને રાયગઢ નો ટેલીફોન નંબર મેળવી આપવા મદદ કરવી જોઈએ, કારણકે તેના દિકરાની જિંદગીનો પ્રશ્ન છે.' રફી કંઈ બોલ્યા નહીં પણ તેમની આંખો જોઈ મને લાગ્યું કે તેમના મનમાં પણ દારાને મદદ કરવાની ગડમથલ ચાલી રહી છે. થોડીવાર પછી રફીએ મને કહ્યું, 'હું બોમ્બે હોટેલ જાઉં છું, તમારે આવવું છે?' હું પણ તેમની સાથે જવા તૈયાર થઇ ગયો અને અમે બંને બોમ્બે હોટેલ તરીકે ઓળખાતા વિસ્તારમાં જવા રવાના થયા. અમદાવાદમાં થયેલા તોફાનો પછી નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટીના અસરગ્રસ્તોને ક્યાં પુનઃસ્થાપિત કરવા તેવો પ્રશ્ન મુસ્લિમ સંગઠનો સામે હતો. તેના હલ તરીકે અમદાવાદ થી વડોદરા જવાના રસ્તામાં નારોલ પાસે બોમ્બે હોટેલ તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે, જ્યાં ગરીબો જ રહે છે. તે વિસ્તારમાં મુસ્લિમ સંસ્થાઓ દ્વારા જમીન ખરીદી ૧૧૬ મકાનો અસરગ્રસ્તોને બનાવી આપ્યા હતા. હું રફી સાથે બોમ્બે હોટેલ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં અસરગ્રસ્તો નર્ક કરતાં પણ બદતર જિંદગી જીવી રહ્યા છે. રફી આ વિસ્તારમાં અગાઉ રહેતા હોવાથી તેમના સંપર્કો આ વિસ્તારમાં હતા. અમે કેટલાક લોકોને મળ્યા અને અમને રાયગઢ નો નંબર મળી ગયો. બીજા દિવસે એટલે કે તા. ૧૧મી માર્ચ ૨૦૦૭ ના દિવસે રવિવાર હતો. હું અને મીરાં દારા મોદીના ભાઇકાકાનગર ના ઘરે પહોચ્યાં હતાં. ઘરમાં દારા અને તેમની પત્ની રુપા હતાં. મારા માટે તેમની સાથે વાતની શરૂઆત કરવી મુશ્કેલ હતી, કારણ કે મોદી દંપતીનો પુત્ર તોફાનમાં ગુમ થયો હતો ત્યારે મારે તેમને ફરીવાર તે દિવસોમાં પાછા લઈ જવાનાં હતાં. ખુદ દારા મોદીએ જ પોતાની વાત કહેવાની શરૂઆત કરી હતી. થોડીવારમાં તેમના પત્ની રુપા પણ તેમની સાથે જોડાયાં હતાં. દારા મોદી તેમના પરિવાર સાથે ગુલબર્ગમાં સાત વર્ષથી રહેતા હતા. દારા મોદીને ખબર હતી કે ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી હતી પણ તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આગની જવાળાઓ તેમના ઘર સુધી આવી જશે. એટલે જ તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ દારા પોતાની નોકરી ઉપર જવા માટે નીકળી ગયા હતા. દારા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા કમલ સિનેમામાં નોકરી કરતા હતા. ગુલબર્ગમાં તેમની પત્ની રુપા, પુત્ર અઝહર અને પુત્રી મીનુ હતાં. તેમને પણ કંઈ બનશે તેવો અંદાજ નહોતો અને તેમને શંકા જવાનું કારણ પણ નહોતું. કારણકે તે જન્મે પારસી હોવાને કારણે તેમને હિન્દુ કે મુસ્લિમ સાથે કોઈપણ પ્રકારનો ઝઘડો નહોતો. છતાં ગુલબર્ગમાં વર્ષોથી રહેતા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીને કંઈક બનશે તેવી દહેશત હતી. તેના કારણે તેમણે સવારે જ ફોન પર અમદાવાદના પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડે ને ફોન કરી મદદ માગી હતી. પાંડેએ પણ તેમના ફોન પછી જોઈન્ટ પોલીસ કમિશનર એમ.કે.ટંડનણે ગુલ્બર્ગ મોકલી આપ્યા હતા, પરંતુ ત્યાં આવેલા ટંડન સ્થિતિની ગંભીરતા સમજવામાં થાપ ખાઈ ગયા હતા અને તેમણે બે-ત્રણ પોલીસ અધિકારીના ભરોસે આખી સ્થિતિ છોડી દીધી હતી.

સાડા અગિયાર વાગ્યાની આસપાસ ગુલબર્ગ સોસાયટીની આસપાસ હિન્દુઓના ટોળા એકઠા થવા લાગ્યા હતાં, જેના કારણે સ્થિતિ તંગ બની રહી હતી. સ્થળ ઉપર જે પોલીસ હાજર હતી તેમના હાથ બહાર પરિસ્થિતિ જઈ રહી હતી. તેમણે મદદ માટે મેઘાણીનગર પોલીસ સ્ટેશને જાણ કરી હતી પણ કોણ જાણે મદદ આવી રહી નહોતી. એકાદ કલાકમાં તો માહોલ એકદમ હિંસક બની ગયો હતો અને ટોળું મારો-કાપોની બૂમો સાથે સોસાયટી ઉપર પથ્થરમારો કરવા લાગ્યું હતું. સોસાયટીની ભૌગોલિક સ્થિતિ પણ એટલી ખરાબ હતી કે ચારે તરફ હિન્દુઓની સોસાયટી હતી અને ભાગી છૂટવા માટેનો રસ્તો પણ નહોતો. લોકોની ચિચિયારીઓ સાંભળી સોસાયટીમાં જે લોકો હતા તે બધાં ડરી ગયા હતા છતાં સોસાયટીના મોટાભાગના લોકોને આશા હતી કે આપણને કંઈ થશે નહીં, કારણકે તેમની સોસાયટીમાં અહેસાન જાફરી રહેતા હતા. તેઓ પૂર્વ સાંસદ હોવાની સાથે સારા વગદાર પણ હતા અને તેમની પાસે પરવાનાવાળી બંદૂક પણ હતી. જેના કારણે સોસાયટીમાં જેમને ડર લાગતો હતો તે બધા જાફરીના ઘરમાં આવવા લાગ્યા હતા. જાફરી પણ તેમને આશ્વાસન આપતા કે તેમની પોલીસ અધિકારીઓ સાથે વાત ચાલુ છે-મદદ જરૂર આવશે. આ ઉપરાંત જે રીતે પથ્થરમારો થઈ રહ્યો હતો તે જોતાં જાફરીને પોતાના પરિવાર અને સોસાયટી માટે ગોળીબાર કરવો જરૂરી હતો. જેના કારણે તેમણે પોતાની પરવાનાવાળી બંદૂકમાંથી ગોળીબાર પણ કર્યો હતો.

જાફરીએ ગોળીબાર કર્યા બાદ સ્થિતિ વધારે વણસી ચૂકી હતી. દારા મોદી ઘરે નહી હોવાને કારણે રૂપા મોદી ડરી ગયાં હતાં અને તે પોતાના બંને સંતાનો સાથે જાફરી ના ઘરે આવી ગયાં હતાં. મોદી પરિવાર જાફરીને અંકલ કહીને સંબોધતો હતો. જાફરીના ઘરમાં તેમના જેવા બીજા અનેક હતા. ટોળું વધી ગયું હતું અને તે છેક સોસાયટીના અંદર આવી ગયું હતું. ટોળું ખૂબ નજીકથી બારીમાંથી પથ્થરો ઘરમાં ફેંકી રહ્યું હતું સાથે સળગતા કાંકડા પણ આવતા હતા. ઘરના મુખ્ય દરવાજા પર લોખંડની જાળી હતી તેને તોડવાનો પ્રયાસ પણ થઇ રહ્યો હતો. ટોળામાંના કેટલાંક હિંસક યુવાનો જાળી હલાવી રહ્યા હતા અને ઘરમાં જેટલા લોકો સંતાયા હતા તે બધા પારેવાની જેમ ફફડી રહ્યાં હતાં. એક તબક્કે તો જાફરી ખુદ ફફડી ગયા હતા. તેઓ સતત પોલીસ સહિત કોંગ્રેસના સિનિયર આગેવાનોને ફોન કરી મદદ માગી રહ્યા હતા. રૂપા મોદીએ ગુલબર્ગની સ્થિતિ અંગે પોતાના પતિ દારાને જાણ કરતા તે પણ ચિંતિત બન્યા હતા અને નોકરી છોડી સીધા ઘર તરફ રવાના થયા હતા, પરંતુ રસ્તામાં ટોળા એટલાં હતા કે તે આગળ જઈ શકતા નહોતા. દારા પોતાને લાચાર માની રહ્યા હતા, કારણકે તેમની પત્ની મદદ માટે ફોન કરી રહી હતી પણ તે ઘરે જઈ શકતા નહોતા. દારાને લાગ્યું કે તેમણે સીધા પોલીસ સ્ટેશને જવું જોઈએ, માટે તે સીધા મેઘાણીનગર પોલીસ સ્ટેશને ગયા. જ્યાં ચાર-પાંચ પોલીસવાળા હતા. દારાએ તે પોલીસવાળાઓને પોતાના પરિવારને બચાવી લેવા માટે કાકલૂદી કરી હતી પણ ત્યાં હાજર પોલીસે તેમને ખાતરી આપી હતી કે ગુલબર્ગ ઉપર પુરતો પોલીસ સ્ટાફ છે, ત્યાં કંઈ થશે નહીં. તેમ છતાં તેમણે વધારાની પોલીસ ફોર્સ ત્યાં મોકલી આપી છે. દારા જ્યાં બેઠા હતા ત્યાં નજીકમાં જ વાયરલેસ સેટ પડયો હતો, જેની ઉપર શહેરની સ્થિતિ અંગે સતત વહેતા સંદેશાઓ ઉપરથી ખબર પડતી હતી કે શહેરની સ્થિતિ સારી નથી. દારા પોતાના ઘરે જવા માગતા હતા પણ પોલીસે તેમને સલાહ આપી હતી કે તેમને હવે પોલીસ સ્ટેશનની બહાર જવું નહીં, એટલે દારા વ્યાકુળ બની ચક્કર મારી રહ્યા હતા. દારાએ શાહપુરમાં રહેતા પોતાના મોટાભાઈને જાણ કરી પોલીસની મદદ માટે કંઈક કરવા વિનંતી કરી હતી, જેથી તેમના મોટાભાઈ સીધા શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. તેમણે કમિશનર પાંડેને રૂબરૂ મળી ગુલબર્ગની હાલત અંગે માહિતી આપી પોતાના ભાભી અને તેમના બાળકોને બચાવી લેવા જણાવ્યું હતું. તે જ વખતે દારાના મોટા ભાઈએ પોતાની ભાભીને ફોન કરી પાંડે સાથે વાત પણ કરાવી હતી. રૂપાએ પણ પાંડેને તરત મદદ મોકલવા જણાવતા પાંડેએ તેમને મદદ કરવાની ખાતરી આપી હતી, ત્યારે દોઢ વાગ્યો હતો. આ વખતે અહેસાન જાફરી એ છેલ્લો ફોન કર્યો હતો. તેમણે કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખને ફોન કરી કહ્યું હતું, 'મને એમ લાગે છે હવે અમને મદદ મળશે નહીં. કદાચ આ મારો છેલ્લો ફોન હશે.' ખુદા હાફીઝ કહી તેમણે ફોન મૂક્યો હતો. બસ તે જ વખતે લોખંડની જાળી તૂટી અને ટોળું જાફરીના ઘરમાં ઘૂસી આવ્યું. જેમના હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ હતાં. જાફરીએ તેમની સામે બે હાથ જોડી વિનંતી કરી પણ તે માન્યા નહીં અને જાફરીને પકડી બહાર લઈ જવાની શરૂઆત કરી હતી. તેમના ઘરમાં રહેલા લોકો પણ તેમની પાછળ ચાલવા લાગ્યા હતા. ટોળું રસોડાના પાછળના દરવાજે જાફરીને લઈ બહાર નીકળ્યું પણ જતાં પહેલાં તેમણે રસોડામાં અને તેના દરવાજામાં પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી, જેના કારણે તેમની પાછળ કોઈ આવે નહીં. મિનિટમાં રસોડું ભડભડ સળગવા લાગ્યું. રસોડામાં બે ગેસના બાટલા હોવાથી નીચેના માળે સંતાયેલા લોકોને લાગ્યું કે હમણાં બાટલા ફાટશે અને તે બધા સળગી જશે. જાફરીના ઘરના ઉપરના માળે જવા માટે બહાર તરફથી એક સીડી હતી પણ તેમાં જોખમ હતું, કારણકે જે તરફ સીડી હતી તે તરફ ટોળું પણ હતું. છતાં જીવ બચાવવા માટે ઉપરના માળે જવું જરૂરી હતું. એક પછી એક બધાં દોડીને ઉપર જઈ રહ્યાં હતાં. તેમની ઉપર ટોળા ભારે પથ્થરમારો પણ કરતા હતા અને સળગતા કાંકડા પણ ફેંકતા હતા. નીચેના બે રૂમમાં પોતાનાં બાળકો સાથે સંતાઈ બેઠેલાં રૂપા મોદીને લાગ્યું કે અંદર સળગી મરવા કરતા બહાર કપાઇ મરવું સારું. માટે તેમણે પોતાના બંને બાળકોને પોતાની સાથે દોડવાની સૂચના આપી. રૂપાએ પોતાની નાની દીકરી મીનુ નો હાથ પકડયો અને મીનુએ પોતાના મોટાભાઈ અઝહરનો હાથ પકડયો હતો. રૂપા ઉપરના માળે જવા માટે નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમની જ પડોશમાં રહેતી એક મહિલાની લાશ નીચેના રૂમમાં પડી હતી અને તેની બાજુમાં તેનું એક વર્ષનું બાળક રોઈ રહ્યું હતું. રૂપા તે બાળકને તેડવા માંગતા હતા. પણ કોઈકે તેમને બહાર તરફ ધક્કો માર્યો અને તે ઉપરના માળે જતી સીડી તરફ દોડયા હતા. તેમની પાછળ તેમના બંને બાળકો પણ હતાં.

રૂપા સીડી ચઢી રહ્યા હતા તે વખતે જ પાછળથી ઈંટ આવી, જે તેમના માથામાં વાગી હતી તેની સાથે જ રૂપા સીડી ઉપર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. રૂપા નીચે પડતા તેમણે પકડેલો મીનુનો હાથ છૂટી ગયો અને મીનુએ પકડેલો ભાઈ અઝહરનો હાથ પણ છૂટી ગયો હતો. અઝહર કરતાં મીનુ નાની હતી, છતાં તેનાથી વધુ હિંમતવાળી હતી. તે સીડી ઉપર પડેલી પોતાની માને બૂમ પાડીને કહેતી હતી કે, 'મમા ઉઠોને...' પણ રૂપા બેભાન હતા. ત્યાં જ એક સળગતો કાંકડો આવ્યો અને રૂપાની પીઠ ઉપર પડયો. તે પણ ભડભડ સળગવા લાગ્યાં હતાં. કદાચ તેમના શરીરની લાગેલી આ આગ તેમના માટે આશીર્વાદસમાન હતી, કારણકે રૂપાના શરીરને આગ લાગતાં તે ભાનમાં આવ્યા હતા અને તરત ઊભા થઈ મીનુને લઈ ઉપરના રૂમમાં જતા રહ્યા હતા. રૂમમાં જતા જ રૂપાને ખ્યાલ આવ્યો હતો કે તેમનો પુત્ર અઝહર તેમનાથી છૂટો પડી ગયો છે. તેમણે ત્યાં હાજર લોકોને પણ આ અંગે જણાવ્યું. રૂપા ફરી પાછા નીચે જવા માંગતા હતા પણ જો રૂપા નીચે જાય તો કદાચ ટોળું ઉપર આવે તેમ હતું અને બચીને ઉપર રહી ગયેલાઓનો પણ જીવ જોખમમાં મૂકાય તેમ હતું. આંખમાં આંસુ સાથે રૂપા પાસે ચૂપ બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ટોળાએ એહસાન જાફરીને રહેંસી નાંખ્યા હતા અને આ આતંક સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો. સાડા પાંચ વાગ્યાના સુમારે પોલીસના વાહનો ગુલબર્ગ પહોંચ્યા ત્યારે પોલીસને લાશો ઉપાડવા સિવાય કોઈ જ કામગીરી કરવાની નહોતી. બીજી તરફ મેઘાણીનગર પોલીસ સ્ટેશન માં બેસી પોતાના પરિવારની ચિંતા કરી રહેલા દારા મોદીને પોલીસની એક જીપ ગુલબર્ગ લઈ આવી હતી. દારા પોતાની સોસાયટી અને પરિવારના સભ્યોની હાલત જોઈ ભાંગી પડયા હતા, કારણકે રૂપાના માથામાંથી લોહી વહેતું હતું અને પીઠ સળગેલી હતી. જો કે રૂપાને તેની પીડા કરતાં પોતાનો દીકરો ગુમ થવાની પીડા વધારે હતી માટે તે સતત અજ્જુ-અજ્જુ નામની બૂમો પાડતા હતા. દારા પણ પોતાના ખાલી ઘરમાં દોડી આવ્યા હતા પણ અઝહરનો કોઈ પત્તો નહોતો. ત્યાં હાજર એક પોલીસ જવાને દારાને માહિતી આપી કે અઝહર નામનો બાળક તેમને મળી આવ્યો છે, તેને તેઓ પોલીસ સ્ટેશને લઇ ગયા છે. આ સાંભળતા જ દારા પોલીસ સ્ટેશને દોડયા હતા. ત્યાં અઝહર તો હતો પણ તે તેમનો દીકરો નહોતો. પોલીસ તમામ અસરગ્રસ્તોને રાહત છાવણીમાં લઈ આવી હતી. દારા અને રૂપા પાગલ જેવા થઇ ગયા હતા. તેઓ એક-એક રાહત છાવણીમાં ફરતા હતા પણ ક્યાંય તેમના અઝહરનો પત્તો નહોતો. દારા તો રોજ સવાર પડે શહેરની હોસ્પિટલમાં પહોંચી જતા અને પોસ્ટમોર્ટમ રૂમમાં જઈ એક ઉપર એક મૂકવામાં આવેલી લાશોમાં પોતાના અઝહરને શોધવાનો પ્રયત્ન કરતા હતા. શહેરની હોસ્પિટલોમાંના લાશોના ઢગલામાં ક્યાંય અઝહરનો પતો ન ખાતાં મોદી દંપતીએ તેના જીવતા હોવાની આશા બંધાઈ હતી. જેથી તેમણે મેન્ટલ હોસ્પિટલમાં પણ તપાસ આદરી, પરંતુ ત્યાંથી પણ તેમને નિરાશા જ સાંપડી. આ વાત કરતાં-કરતાં દારા અને રૂપાની આંખો અસંખ્ય વખત ભીની થઈ જતી હતી. તેમની વાતોએ મને અને મીરાંને પણ રડાવ્યા હતા પણ અમારી લાચારી હતી કે અમે દારા અને રૂપા સાથે રડયા સિવાય બીજી કોઇ મદદ કરી શકતા નહોતા. દારાને મળ્યા પછી મને લાગ્યું કે મારે દારા અને રૂપાની વેદનાને મારા પુસ્તકમાં સ્થાન આપવું જોઈએ. જ્યારે હું દારાને મળવા ગયો ત્યારે તો મારું આ પુસ્તક પ્રેસમાં છપાવવા માટે જતું રહ્યું હોવા છતાં તેને રોકી આ હપ્તાનો મેં સમાવેશ કર્યો હતો, કારણકે તોફાનનાં પાંચ વર્ષ પછી પણ હજી તેઓ અઝહરની શોધી રહ્યા છે.

દરમિયાન ફિલ્મ રાઇટર રાહુલ ધોળકિયા સાથે મુલાકાત થઈ હતી. રાહુલે દારાની વાત સાંભળી ત્યારે તેની ઉપર એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને નસીરુદ્દીન શાહ સાથે પરઝાનિયા નામની ફિલ્મ નિર્માણ પામી હતી. વાત ગુજરાતની હતી છતાં ગુજરાતના થીયેટરમાલિકોએ તોફાન થશે તેવો ડર બતાવી પરઝાનિયા દર્શાવવાનો ઇન્કાર કરી દીધો હતો. અહીયાં કહેવાની જરૂર નથી કે રાજ્ય સરકાર ઇચ્છતી નહોતી કે આ ફિલ્મ ગુજરાતમાં દર્શાવવામાં આવે. જેના કારણે આ ફિલ્મ દર્શાવવી જોઇએ કે નહીં તે અંગે લાંબો વિવાદ ચાલ્યો પણ આખરે ગુજરાત સિવાય આખા દેશમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. કમનસીબી હતી કે આખા દેશના અખબારો અને ટેલિવિઝન ચેનલો ઉપર પર પરઝાનિયાનો વિવાદ ચાલતો હતો પણ કોઈએ જેનો દીકરો ગયો છે તેવા દારા અને રૂપાને 'તમે કેમ છો?' તેવું પૂછ્યું નહોતું. તોફાન પછી દારા પોતાના પરિવાર સાથે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ભાઈકાકાનગરમાં રહે છે.

મારી માતૃભાષા મરાઠી હોવા છતાં કાયમ હું મારો પરિચય ગુજરાતી તરીકે આપતો હતો, કારણ કે અનેક પેઢીઓથી મારા પરિવારને મહારાષ્ટ્ર સાથે કોઇ સંબંધ રહ્યો નથી. મારા વડીલો અને હું પોતે પણ ગુજરાતીમાં જ ભણ્યા છીએ. હું માનું છું કે તમને જે ભાષામાં વિચાર આવે તે તમારી માતૃભાષા છે અને મને ગુજરાતીમાં જ વિચારો આવે છે. આ ઉપરાંત મને ગુજરાતી હોવાનું અભિમાન પણ થતું હતું, કારણકે હું મારી જાતને સવાયો ગુજરાતી માનું છું. પરંતુ દારાને મળ્યા પછી મારા મનમાં એક વિચારપ્રક્રિયા શરૂ થઇ કે આપણે કેવા ગુજરાતીઓ છીએ? ગોધરામાં ટ્રેનને આગ ચાંપનારા પણ ગુજરાતી મુસ્લિમ હતા તેમજ નરોડા પાટિયા અને ગુલબર્ગ માં હિંસા આચરનાર પણ ગુજરાતી હિન્દુઓ હતા. આખરે તો બધા મૂળ ગુજરાતીઓ જ હતા. ગુજરાતી આટલો હિંસક કેવી રીતે થઈ શકે તે મને આજે પણ સમજાતું નથી. કદાચ મને પહેલી વખત ગુજરાતી હોવાની શરમ આવતી હતી. આવું કહેતાં પણ મને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે કોઈપણ વ્યક્તિ મારા ગુજરાત કે ગુજરાતીઓ અંગે ઘસાતું બોલે ત્યારે મને ગુસ્સો આવતો હતો. છતાં ગોધરાકાંડ અને ત્યારપછીના ગુજરાતમાં જે કંઈ ચાલ્યું તે તમામ ગુજરાતીઓને શરમ આવે તેવી બાબત હતી.

પુસ્તક પૂરું થયા પછી કોઇ સંવેદનશીલ વ્યક્તિ પુસ્તકની પ્રસ્તાવના લખે તે માટે મેં જ્યારે નજર દોડાવી ત્યારે મારી સામે પહેલું નામ આવ્યું આશિષ વશી. પહેલી નજરે આશિષને તમે જુઓ તો કદાચ તેને ઓળખવામાં થાપ ખાઇ જાઓ પણ જ્યારે માણસાઈની વાત હોય ત્યારે આશિષ ૧૦૦ માણસની વચ્ચે પણ તે જે માને છે તે જ બોલતો હતો. તેની આ વાત મને ગમી ગઈ હતી. તે પોતે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી પણ તેને માણસમાં ખૂબ જ ભરોસો છે. તેનામાં એક આવડત છે કે તે બહુ ઓછા શબ્દોમાં પણ સામેવાળી વ્યક્તિને સમજી શકવાની ક્ષમતા રાખે છે. સતત તોફાન-મસ્તી કરતા આશિષમાં બીજાને સમજવાની સંવેદના છે. માટે જ મેં તેને વિનંતી કરી કે તું પુસ્તક વિશે કંઈક લખ તેવી મારી ઇચ્છા છે. ત્યારે તેણે હા પાડી અને મેં જે કંઈ લખ્યું હતું તે આખી રાત વાંચી તેને જે લાગ્યું તે તેણે લખ્યું છે. પુસ્તક માટેની માનસિક કવાયતમાં પણ તે મારી સાથે હતો. આ ઉપરાંત ઉર્વીશ કોઠારી, વિજયસિંહ પરમાર, દિલીપ પટેલ, મેહુલ જાની અયાઝ દારૂવાલા અને બાદલ લખલાણી નો હું આભારી છું. પુસ્તક આખરી તબક્કામાં હતું ત્યારે મારો મિત્ર મૌલિક પાઠક મને પૂછવા આવ્યો હતો કે, 'પુસ્તક છાપવા માટે પૈસાની જરૂર હોય તો મને કહેજો.' મેં પુસ્તક માટે પૈસાની વ્યવસ્થા કરી રાખી હતી પણ મૌલિક ની વાત મને ગમી, કારણકે મારી સાથે કોઈક છે તેવું મને લાગ્યું હતું. આમ મને અનેક મિત્રોએ મદદ કરવાની તૈયારી બતાવી હતી. કદાચ તેમનો ઉલ્લેખ અહીંયા શક્ય પણ નથી. પુસ્તક છપાવવાં જાય તે પહેલાં રફી-મીરાં સહિત તેમના સાથી હસનૈન-પરવીન ,સુરેશભાઈ, પૃથ્વી અને તસલીમબહેન જેવી અનેક વ્યક્તિઓ મારા આ પુસ્તકને અગાઉ જ વાંચી ગઈ છે. તે વાંચી ગયા પછી તેમના ચહેરા અને આંખોમાં થતી ગડમથલ મેં વાંચી છે. મને લાગે છે કે હું યોગ્ય દિશામાં જઈ રહ્યો છું. ગોધરાકાંડ અને ત્યાર પછીના તોફાનોમાં જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે તે તેમને ક્યારેય પરત મળવાનું નથી, પરંતુ મારું આ પુસ્તક જેમનાં પણ હાથમાં જાય તેમના મનમાં માણસ થવાની ગડમથલની શરૂઆત કરે તો હું માનીશ કે નવા ગુજરાતના સ્વપ્નમાં મેં એક ઈંટ મૂકી છે..