રીસન જેક આઈલેન્ડ - ૦૫ Bhavik Radadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

રીસન જેક આઈલેન્ડ - ૦૫

રીસન જેક આઇલેન્ડ

(પ્રકરણ ૦૫)

ભાર્ગવે આઈલેન્ડનો નકશો ટેબલના ડ્રોઅરમાં સાચવીને મુક્યો. પેટી પેક કરી અને પાણી પીવા માટે કિચન તરફ ગયો. તેણે ડાયરી અને નકશાનું હવે શું કરવું જોઇએ એ વિશે વિચારતો હતો. કેમકે એ સમજી ચૂક્યો હતો કે આ નકશો અને ડાયરી જ્યાં સુધી તેની પાસે છે, ત્યાં સુધી તેનાં પરથી મોતનો છાયો હટવાનો નથી. તેને અસુરક્ષિત લાગી રહ્યું હતું. એ જ્યારે હોલમાં પરત આવ્યો ત્યારે તેણે જોયું કે પેટી એક ઝાટકા સાથે લેબવાળા હોલ તરફ ખેંચાઈ. "ધડામ...!!" અને લેબનું તળિયું પેટીને ગળી ગયું. ગઈકાલે સાંજે આવ્યો હતો એ જ અવાજ! અને તે જ સમયે ડૉરબેલનો અવાજ સંભળાયો....

ભાર્ગવે દરવાજો ખોલીને જોયું તો આયુષ, મોનાર્થ અને બીજો કોઈ અજાણ્યો પુરુષ હાથમાં થોડો સામાન લઈને ઉભા હતા.

“ગૂડ મોર્નિંગ ભાર્ગવ... નાસ્તો કર્યો કે નહિ?” આયુષે સાથે લાવેલ બ્રેડ અને ચા ઉંચી કરીને બતાવી.

“ગૂડ મોર્નિંગ...” ભાર્ગવની નજર આયુષ અને મોનાર્થની સાથે આવેલા અજાણ્યા પુરુષ પર અટકેલી હતી. પ્રમાણસર પરંતુ મજબુત કસાયેલું શરીર, ગળામાં વીટાળેલો મેલો ઘેલો રૂમાલ, ખભા સુધીના લાંભા વાળ, ઝિરો કટ શેવિંગ અને તેના પર ડરામણી લાંબી ભરાવદાર મૂછો, મેશ આંજેલી કરડાકી ભરેલી આંખો અને ચતુરાઈથી ફરતા આંખોના ડોળાની સાથે તાલ મિલાવતું હોઠોનું સ્મિત!

“શું થયું?” મોનાર્થે ભાર્ગવનું ધ્યાન દોરતા પૂછ્યું.

“આ કોણ છે?”

“ઓહ, સોરી... મને થયું કે પહેલા નાસ્તો કરી લઈએ પછી... કંઈ વાંધો નહીં, તો.. આ છે ‘શિવાય’. એ મારા એક મિત્રનો ખાસ મિત્ર છે અને તેને ત્યાં જ ઘરનું બધું કામ કરે છે. તારે એની જરૂર પડશે. એ ઘરની સાફસફાઈ પણ કરી આપશે અને ઇલેક્ટ્રીસિટી અને વોટર સપ્લાય પણ ઠીક કરી આપશે. છે ને મલ્ટી ટેલેન્ટેડ!?”

ભાર્ગવે ફરી એકવાર શિવાય પર નજર નાંખી અને તેને ઓળખવાની કોશિશ કરતા કહ્યું, “હા, છે તો ‘મલ્ટી ટેલેન્ટેડ’. પણ મારે એની ખાસ જરૂર નહિ પડે. કેમકે વોટર સપ્લાય અને ઇલેક્ટ્રીસિટી બંને બરાબર છે અને રહી વાત સાફસફાઈની, તો એ હું જાતે જ કરીશ. તો પ્લીઝ એને પરત મોકલી દો.”

“પણ ભાર્ગવ...”

“પણ બણ કંઇ નહીં, હું ઠીક છું. એમને મોકલી દો અને તમે લોકો અંદર આવો. મારે ઘણીબધી વાતો કરવાની છે તમારી સાથે.” ભાર્ગવે સત્તાવાહી હાથ ઊંચો કરીને કહ્યું. પણ શિવાયના ચહેરાના કોઈ ભાવ ના બદલાયા. સામાન્ય વ્યક્તિ હોય તો તેને કમ સે કમ અપમાનની લાગણી તો થઇ જ આવે.

શિવાયને પરત મોકલી દેવામાં આવ્યો. ભાર્ગવ, આયુષ અને મોનાર્થ નાસ્તો કરવા બેઠા.

“આયુષ મારે કોઈ ગર્લફ્રેન્ડ છે?!” બ્રેડ ખાતાં ખાતાં ભાર્ગવે પૂછ્યું.

“હા, છે ને...”

“કોણ?”

“ભવ્યા! પણ આવું કેમ પૂછે છે?”

“ઓહ... એ તને થોડીવારમાં સમજાય જાશે, પણ પહેલા એ કહે કે ભવ્યા પહેલા કોઈ હતું? મતલબ કે એકતરફી જેવું... કે કંઈપણ...?”

“એકતરફી નહિ, બધીય બાજુથી હતું...” મોનાર્થે મઝાક કરતા કહ્યું.

“એટલે?”

“એટલે એમ જ કે ભવ્યાની પહેલા પણ તારે એક ગર્લફ્રેન્ડ હતી. નીલિમા મર્ચન્ટ...” આયુષે વિગતવાર માહિતી આપી. “કૉલેજના પહેલા વર્ષથી જ તમે બંને સાથે હતાં. નીલિમાને કૉલેજના મોટાભાગના બધા છોકરાઓ પસંદ કરતા હતાં એટલે એ બધાની આંખોમાં તું કાંટાની જેમ ખૂંચતો. પણ ત્રીજા વર્ષમાં નીલિમાએ આત્મહત્યા કરી લીધી! કારણ કે એ પ્રેગ્નેન્ટ હતી... નીલિમા બોલ્ડ સ્વભાવની છોકરી હતી, એ ક્યારેય આવા કારણથી આત્મહત્યા કરે જ નહિ. એટલે તેની હત્યાનો આરોપ તારા પર આવ્યો હતો. પણ તે...”

“તું મને ખાલી જે સાચું હોઈ એ જ જણાવ. મેં એને મારી હતી કે નહિ? આરોપો શું લાગ્યા હતાં અને લોકોના વિચારો શું હતાં એનાથી મને કંઈ મતલબ નથી. મને ખાલી જે સાચું હોઈ એ જ જણાવ.” ભાર્ગવની જૂની આદતો ધીમે ધીમે બહાર આવવા લાગી. એ ક્યારેય લાંબીલચક વાતો સંભાળતો નહિ. એને તો બધીજ વસ્તુ ‘ટુ ધ પોઇન્ટ’ જોઈએ. વાત ગોળગોળ ફેરવવાને બદલે સીધી જ કહી દેવી તેને વધારે યોગ્ય લાગતું.

“એ આત્મહત્યા જ હતી. આત્મહત્યાનું કારણ માનસિક તણાવ સાબિત થયેલું. પરંતુ તમારા સંબંધનું નક્કર સત્ય એ હતું કે તમે બંને ફક્ત શારીરિક સુખ માટે જ એકબીજાની સાથે રહેતા હતા. બંને માંથી એકપણને ‘પ્રેમ’ કહી શકાય એવી લાગણી નહોતી એકબીજા માટે. પણ હા તમે બંને એ સંબંધથી ખુશ તો ચોક્કસ હતા.”

“અને ભવ્યા...?” ભાર્ગવે ગળું સાફ કરીને પૂછ્યું.

“નીલિમાના ગયા પછી તને કોઈએ સંભાળી લીધો હોઈ તો એ ભવ્યા હતી. એ તો તને પહેલેથી પ્રેમ કરતી હતી પણ તને એકને જ ખબર નહોતી... છેલ્લા બે વર્ષથી તમે લોકો રિલેશનમાં છો.”

“ઓહ ગોડ....” ભાર્ગવનું મગજ થોડીવાર માટે કામ કરતુ અટકી ગયું. “તો ભવ્યા અત્યારે ક્યાં છે?! એને મારી આ હાલત વિશે ખબર છે કે નહિ?!”

“ના. કદાચ હજી સુધી તો નહિ જ.”

“એ કેવીરીતે શક્ય છે?! હું આ વાત તો બિલકુલ ના માની શકું.”

“સાચી વાત છે તારી. પણ એવું જ છે. આપણું ચોથું વર્ષ પૂરું થયું એટલે અત્યારે બધા પોત પોતાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે... અને તારા માટે તો કામ જ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. સંબંધ નહિ...! આમ પણ તે જ એને સુરત મોકલી દીધી છે, એમના દાદા દાદી પાસે. અને અમે પણ અમારા પ્રોજેકટ પર કામ કરતા હતાં એટલે અત્યારે કોઈપણ એકબીજાના સંપર્કમાં છે જ નહિ...”

“હમમ... હું તને કેટલીક વસ્તુઓ બતાવું છું, મારે એના વિશે માહિતી જોઈએ છે.” ભાર્ગવે ડ્રોઅર માંથી ગુલાબી કુરિયર કાઢીને આયુષને આપ્યું. “આ લેટર ભવ્યાએ જ લખ્યો છે? આઈ મીન કે તેના જ અક્ષરો છે ને?”

આયુષે એ કાગળ વાંચવાનું શરુ કર્યું....

***

ભાર્ગવ,

માફ કરજે હું તને સીધી વાત કહેવાની જગ્યાએ પત્ર લખી રહું છું. તારા જેટલું લખતા તો નથી આવડતું, પણ તારી સાથે રહીને તને સમજાવી શકુ એટલું તો લખતા શીખી જ ગઈ છું. આમ તો આ વાત મારે તને તું મારી સામે હોઈ ત્યારે જ કરવી જોઈએ, પણ એવું હું કરી નહિ શકું. વાત જ એવી છે ને યાર કે તું આવે ત્યારે મારે કહેવી જ હોઈ છે. પણ તું તારી ધૂનમાં હોઈ છે એટલે મારા તરફ ધ્યાન જ નાથી આપતો. અને હું બોલી નથી શકતી.

આજે મારે તને એ બધું જ કહેવું છે જે હું તને ક્યારેય કહી નથી શકી. તે જયારે ફર્સ્ટ ટાઇમ મને તારી બાઈક પર લીફ્ટ આપી હતી ત્યારથી જ મારા મગજમાં ઈરોઝન થવાનું શરુ થઇ ગયુ હતું. અને એટલું થયું કે મારા બધાંજ વિચારો તારી ફ્રિકવન્સી ઉપર ચાલવા લાગ્યા. આપણે કેટલોય સમય સાથે વિતાવ્યો છે. હું તારી સાથે હોવ તો એવું લાગે છે કે આ ‘પેન્ઝિયા’ (પૃથ્વીના સાતેય ખંડ જોડાયેલા હતાં એ સ્થિતિ.) પર ફક્ત આપણે બે જ છીએ. મને ખરેખર બીજા કોઈના અસ્તિત્વની જરૂર પણ નથી હોતી. આપણે એકબીજા સાથે લડ્યા છીએ, રૂઠયા છીએ અને એકબીજાને મનાવ્યા પણ છે. આપણો સંબંધ હંમેશાં ‘ટ્રાન્સપરન્ટ’ રહ્યો છે. બાકી અત્યારે તો લોકોને ‘સુડોમોર્ફીઝમ’ નો શોખ જાગ્યો છે. (સુડોમોર્ફીઝમ: જેવું હોઈ તેવું ના દેખાઈ. છેતરામણું.) સાચું કહું નકશાઓ બનાવવા માટે જેમ ‘કાર્ટોગ્રાફી’ છે, એવીજ માણસો માટે પણ હોવી જોઈએ. પણ હું તારી સાથે હોવ તો મને સુરક્ષિત લાગે છે. એટલે જ હું મારી બધી વાતો તારી સાથે શેર કરું છું. મેં મારા જીવનની બધી જ વાતો સૌથી પહેલા તને જ તને છે.

તને ખબર છે તારા આવ્યા પહેલા મેં ક્યારેય પ્રેમ વિશે વિચાર્યું જ નહોતું. પણ આપણે જયારે કેન્ટીનમાં બેસીને પ્રેમની ફિલોસોફી બનાવતા ત્યારે તે કહ્યું હતું કે, “ફ્રેન્ડશીપ એટલે જ લવ.” યાર તે તો મારું દિમાગ જ હેંગ કરી દીધું હતું. મને ત્યારે જ તારી સાથે પ્રેમ થઇ ગયો હતો. કેમકે તું જ મારો સૌથી સારો મિત્ર છે. કદાચ હું પણ તારી સૌથી નજીકની મિત્ર છું. તું જેટલો મારી સાથે રહે છે એટલો ટાઇમ તું બીજા કોઈને નથી આપતો. તું બોલતો હતો ત્યારે મારી નજર તારા પર જ હતી. અને તારી નજર મારા પર પડી ત્યારે તે ફક્ત મારા ચહેરા પર જ નહિ પણ મારા મન પર સ્મિત વેર્યું હતું. જાણેકે હું તારા પ્રેમમાં આખી ભીંજાઈ ના ગઈ હોવ... પ્રેમનો પહેલો અહેસાસ મને ત્યારે થયો હતો. કેટલા ભાગ્યશાળી હશે એ લોકો જેમણે જીવનમાં સાચો પ્રેમ કર્યો હશે અને પામ્યો પણ હશે. હું પણ ‘ભાગ્યશાળી’ બનવા માંગુ છું ભાર્ગવ.

તારી જ ભાષામાં કહું તો પ્રેમ એક એવો અહેસાસ છે જેને વર્ણવી ના શકાય અને સાબિત પણ ના કરી શકાય. હા ભાર્ગવ, હું તને પ્રેમ કરું છું. શા માટે એ મને નથી ખબર. હું એ સાબિત નહિ કરી શકુ અને તારી સામે તો બિલકુલ નહિ. તું સમજે છે ને ભાર્ગવ? મને ખબર નથી હું સાચું કરી રહી છું કે ખોટું, પણ મારે બસ તને આ કહેવું હતું. તું મને ગમે છે, તારી સાથે મને સારું લાગે છે. આટલું પુરતું છે મારા માટે. મેં જીવનમાં પહેલીવાર દિલની વાત માનીને તને પ્રેમ કર્યો છે. પ્લીઝ મને ખોટી ના સમજતો, પણ મારે તને અત્યારે જ આ કહી દેવું જરૂરી છે. ખાબેર નહિ પછી બીજીવાર આવો ચાન્સ મળે કે નહિ.

મને એ વાત ખબર છે કે તું નીલિમાને પસંદ કરે છે. એ પણ તને પસંદ કરે છે, પરંતુ સાચી વાત કહું? એ બિલકુલ પણ તારા ટાઈપની નથી. એની સાથે તું ખુશ નહિ રહી શકે. એ તને નહિ સાચવી શકે. અને આ વાત તારાથી વધારે બીજા કોને ખબર હોઈ? મને તમારા લોકો વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવામાં કોઈ દિલચસ્પી નથી. એટલે જ હું નીલિમાથી દુર રહું છું. આમ પણ અમારા લોકો વચ્ચે હવે ‘સબડક્શન ઝોન’ બની ગયો છે. (પૃથ્વીના પોપડા એકબીજા સાથે ઘસાવાથી ભૂકંપ સર્જાતો હોઈ એ વિસ્તાર)

એ જે હોઈ તે. હું આ પત્ર તને ફક્ત મારી ફીલિંગ્સ જણાવવા માટે લખી રહી છું. હું તને ડાયમંડની હાર્ડનેસ (સૌથી વધુ) જેટલો પ્રેમ કરું છું. તું મને ટેલ્કમ પાઉડરની હાર્ડનેસ (સૌથી ઓછી) જેટલો પ્રેમ કરીશ તો પણ ચાલશે. બિલકુલ નહિ કરે તો પણ ચાલશે. મારું દિલ અત્યારે ‘ઇક્વેટર’ મોડમાં છે. (તટસ્થ, શૂન્ય સ્થિતિ) તે જ શીખવ્યું છે મને, “પ્રેમનું આખરી ધ્યેય ‘પ્રાપ્તિ’ ક્યારેય નથી હોતું.”

મારે તને માત્ર એટલું જ કહેવું છે કે, હું તને ચાહું છું. તું હસે તો તારી સાથે હસવા માંગુ છું, અને રડે તો તારા આંસુ લૂછી શકું એટલો અધિકાર જોઈએ છે. તારા ચહેરાની ચમક અને આંખોની રોનક બનવા માંગુ છું. અને આ માટે મારે તારી સાથે હોવું જરૂરી છે. તારી સાથે હજી તો ઘણીબધી વાતો કરવાની છે, જીવનની આ ભાગદોડ વચ્ચે નાની નાની ખુશીઓ તારી સાથે વહેંચવી છે, પહેલાની જેમ જ દરિયા કિનારે આંટા મારવા છે, કારણ વગર જ લોંગ ડ્રાઈવ પર નીકળી જવું છે અને ખાસ તો તારી બકવાસ શાયરીઓ પર હજી ઘણું હસવાનું બાકી છે. લવ યુ પાગલ.... હવે હું કહી શકુ છું કે હું ફક્ત તારી જ છું, તને અને માત્ર તને જ પ્રેમ કરું છું. ગઈકાલ કરતા આજે વધારે અને આવતીકાલે એથીએ વધારે પ્રેમ કરવા માગું છું....

“મિલને કો તુજસે બહાને કરું...

તું મુસ્કુરાયે વજહ મેં બનું...

રોજ બિતાના સાથ મે તેરે સારા દિન મેરા”

બસ આ એક જ સોંગ હવે મારા દિલમાં ટયુન થતું રહેશે તારી રાહમાં...

લિખિતંગ,

ભવ્યા ધૂપિયન.

***

“વાહ... જીઓગ્રાફીની ભાષામાં પ્રેમપત્ર!!” મોનાર્થ ઉછળ્યો.

“મારા માટે તો આવું ક્યારેય ના લખ્યું!” આયુષ ધીરેથી બબડ્યો અને કાગળ ભીંસતો રહ્યો.

ભાર્ગવે આ બદલાવ નોંધ્યો અને થોડો સચેત બન્યો, “શું? શું બોલ્યો તું?”

“અમમ.. એમજ કે આવો પ્રેમપત્ર અત્યારસુધીમાં કોઈએ નહિ લખ્યો હોઈ એમ.” આયુષે કાગળને કવરમાં પેક કરીને ટેબલ પર રાખી દીધો. એ પોતાના ગુસ્સાને મહામહેનતે કાબુમાં રાખવાની કોશિશ કરતો રહ્યો.

(ક્રમશ:)

  • ભાર્ગવના ઘરે આવેલો ‘શિવાય’ કોણ છે? ભાર્ગવને મુશ્કેલીમાં મુકશે કે પછી મદદરૂપ થશે?
  • ભાર્ગવ હવે નકશા વાળી વાત આયુષને જણાવશે કે નહિ?
  • આયુષે કહેલી ‘નીલિમા મર્ચન્ટ’ વાળી વાતમાં કેટલી સચ્ચાઈ હશે?
  • ભાવ્યાએ લખેલા લવ લેટરથી આયુષને કેમ ગુસ્સો આવી ગયો?
  • લેખક : ભાવિક એસ. રાદડિયા