Adalatno Tiraskaar books and stories free download online pdf in Gujarati

અદાલતનો તિરસ્કાર

અદાલતનો તિરસ્કાર

કોર્ટની રિસેસ દરમિયાન ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં પરચુરણ કામોના નિકાલ માટે હેડક્લાર્ક જેમ જેમ ક્રમસર નામો બોલતા જાય છે, તેમ તેમ ચેમ્બરના દરવાજા પાસે ઊભેલો પટાવાળો મોટા અવાજે એ જ નામોનો પોકાર કરતો જાય છે. ચેમ્બર બહારના પેસેજમાં ઊભેલા વકીલો, આરોપીઓ, ફરિયાદીઓ અને સાક્ષીઓ પોતપોતાનાં નામો પ્રમાણે વારાફરતી સહેજ ઝૂકીને, સલામ ભરીને કે બંને હાથ વડે વંદન કરતાં અંદર દાખલ થાય છે. મેજિસ્ટ્રેટ પોતાની ખુરશીને પાછલા બે પાયા ઉપર ટેકવીને તેને આગળપાછળ હડસેલતા જતા, પોતાની ગરદન પાછળ હથેળીઓનાં આંગળાં સામસામાં ભીડાવીને પોતાના માથાને ઉપર નીચે હલાવ્યે રાખતા સિગારેટના કસ ઉપર કસ ખેંચ્યે જાય છે.

છેલ્લા બેએક માસથી કોઈક મોટા શહેરમાંથી બદલી પામીને રાજ્યના પછાત જિલ્લાના મુખ્ય એવા કસબા જેવા નાનકડા આ શહેરમાં આવેલા એ જજ મહાશયનું નામ છે, નિતનવલરાય. ચાલુ કોર્ટે પોતાની ખુરશીમાં ધીરગંભીર મુદ્રા ધારણ કરીને કેસ ચલાવતા એ ન્યાયાધીશ ચેમ્બરમાં બેઠેલા આ ન્યાયાધીશ પોતે જ હશે તેમ માન્યામાં આવે નહિ. તેમની ચેમ્બરમાં એકલા હોવાની સ્થિતિમાં જ આવી તેમની હળવાશભરી અંગચેષ્ટા કે હરકત સંભવી શકે; પરંતુ અહીં જ્યારે પોતાની ચેમ્બરમાં જ કોર્ટના જેવી જ કાર્યવાહી, ભલે ને પરચુરણ કામો અંગેની હોય, ચાલી રહી હોય ત્યારે તેમના હોદ્દાને અણછાજતા એવા વર્તન સામે સૌ કોઈને પોતાના ચહેરા ઉપર અણગમાનો ભાવ સુદ્ધાં ન આવી જાય તેની સાવચેતી રાખવી પડતી હોય છે; કેમ કે રખે ને કદાચ તેમના સામે અદાલતના તિરસ્કારની કોઈ કાર્યવાહી ન થઈ જાય! કહેવાય પણ છે ને કે સત્તા આગળ શાણપણ નકામું પુરવાર થાય!

હવે આ છેલ્લો પોકાર પડ્યો છે, એક એવા નામનો કે જેને સાવ ક્ષુલ્લક કહી શકાય તેવા આરોપસર પોતાના મોટાભાઈ ઉપર મુકાએલા કેસ અંગે જામીન થવાનું છે. કસાએલા શરીરનો બાંધો ધરાવતો, ક્લિનશેવ ગૌર ચહેરાધારી અને સુઘડ વસ્ત્રપરિધાનયુક્ત એવો શિક્ષિત દેખાતો આ પ્રતિભાશાળી યુવાન કે જેનું નામ છે, કપિલ. ચેમ્બરમાં પ્રવેશતાં જ મેજિસ્ટ્રેટ નિતનવલરાયને શરમજનક સ્થિતિમાં નિહાળતાં તેનું યુવાન લોહી ગરમી પકડવા માંડે છે. તેને ઇચ્છા થઈ આવે છે કે પોતે તેમની ખુરશી તરફ ધસી જઈને કશું જ બોલ્યા ચાલ્યા સિવાય તેમના મોંમાંની અર્ધી બળેલી સિગારેટને ખેંચી લઈને ટેબલ ઉપર પડેલી એશટ્રેમાં દબાવી દે! આખા કોર્ટસંકુલમાં કોણ જાણે કેટલીય જગ્યાએ ‘ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે.’ની સૂચનાનું ચિતરામણ કરાવેલું હોવા છતાં કાયદાનું પાલન કરાવવા માટે જવાબદાર એવા આ ન્યાયાધીશના બેજવાબદાર વર્તન સામે પોતે લાચારી અનુભવે છે. અંગ્રેજોએ ભલે ને લાકડાની તલવાર વીંઝીને ભારત ઉપર રાજ્ય કર્યું હોય તેમ છતાંય અધિકારીઓ તરીકેની તેમની શિસ્ત બેનમૂન હતી, તેવું તેણે વૃદ્ધો પાસેથી સાંભળ્યું હતું અને પુસ્તકોમાં વાંચ્યું પણ હતું.

હેડક્લાર્કે સાહેબને આ કામ અંગેની વાત સમજાવી દીધા પછી કાર્યવાહી આરંભાય છે :

‘હંઅ… તો મિ. કપિલ, તમે તમારા ગુનેગાર મોટાભાઈના જામીન થાઓ છો, કેમ ખરું ને?’ મેજિસ્ટ્રેટે શરૂ કર્યું.

‘જી, સાહેબ. પણ ગુનેગાર મોટાભાઈનો નહિ, પણ આરોપી કે તહોમતદાર મોટાભાઈનો જામીન થાઉં છું.’

‘શું જમાનો આવ્યો છે? મોટોભાઈ ગુનો કરે અને નાનોભાઈ જામીન થવા આવે!’ કપિલની વાતને અવગણીને મેજિસ્ટ્રેટ બોલી બેસે છે.

‘માફ કરજો સાહેબ, નાના મોંઢે મોટી વાત લાગશે; પણ આપ સાહેબ મારી વાત સમજ્યા નથી લાગતા!’

‘કઈ વાત? જરા ફરી સમજાવશો, મિ. જુવાનજી!’ મેજિસ્ટ્રેટના હોઠ જરા કંપે છે અને અવાજમાં સત્તાવાહી રણકારો આવી જાય છે.

‘પહેલાં તો ‘મિ. જુવાનજી’ નહિ, પણ ‘મિ. કપિલ’ એમ સંબોધવા વિનંતિ છે. અમારા લોકોમાં ‘જુવાનજી’ કે ‘જવાનજી’ નામ હોય છે! બીજી આપને ન સમજાએલી મારી વાત એ કે મારા પિતાતુલ્ય એવા મોટાભાઈને આપ કેસ ચલાવવા પહેલાં ગુનેગાર તરીકે ઓળખાવો છો, તેનું મને પારાવાર દુ:ખ થાય છે. એટલે ફરીવાર પુનરાવર્તન કરીને વિનંતિ કરું છું કે આપ માત્ર મારા મોટાભાઈને જ નહિ, પણ જે જે લોકોના કેસ આપની કોર્ટમાં ચાલી રહ્યા છે તે સર્વેને આરોપી કે તહોમતદાર તરીકે સંબોધો. વળી વાત રહી, નાનાભાઈએ મોટાભાઈના જામીન થવા અંગેની! હવે જો કાયદામાં એની મનાઈ હોય, તો કાં તો અમે બીજો જામીન લાવીએ અથવા આપ જણાવો તેટલી રોકડી રકમ જમાનત પેટે ભરી દઈએ. આજે શનિવાર હોઈ મારે કોઈપણ ભોગે મારા મોટાભાઈને જામીન ઉપર છોડાવવા છે. પોલિસવાળાઓ મોટી રકમની રોકડી કરવા માટે આરોપીની ધરપકડ શનિવારે જ કરવાની મોડસ ઓપરેન્ડી અજમાવતા હોય છે, જેની આપને પણ ખબર હશે જ!’ કપિલના અવાજમાં મક્કમતા અને આક્રોશ વર્તાય છે. મેજિસ્ટ્રેટ પરત્વેનો ધૂમ્રપાન અંગેનો ધૂંધવાએલો ગુસ્સો હવે પ્રગટ થઈ જાય છે.

‘અરે… અરે મિ. કપિલ, તમે કોની આગળ શું બોલી રહ્યા છો તેનું ભાન છે કે નહિ? ભલા માણસ, કોર્ટના તિરસ્કારની કલમ લાગી જશે અને તમારું કામ ખોરંભે પડી જશે.’ વાતાવરણ બગડતું અટકાવવા હેડક્લાર્ક વચ્ચે દરમ્યાનગીરી કરે છે.

‘તો તમે પણ તમારા સાહેબની તરફદારી કરીને મારું કામ ખોરંભે પડી જવાની મને આડકતરી રીતે ધમકી આપી રહ્યા છો, એમ ને!’ કપિલ હેડક્લાર્ક તરફ ફરીને કડકાઈથી વાત કરે છે.

મેજિસ્ટ્રેટ નિતનવલરાય ધુઆંપુંઆ થતા ખુરશીમાંથી ઊભા થઈ જઈને હેડક્લાર્ક સામે જોતાં બોલી ઊઠે છે, ‘અદાલતના તિરસ્કારની કલમ લાગી જશે નહિ, પણ લાગી ગઈ જ છે. મિ. મહેતા, પોલિસને બોલાવો.’

‘પોલિસને શા માટે બોલાવવી પડે છે?’

‘તારી ધરપકડ કરવા!’

‘અરે સાહેબ, પણ પોલિસે ધરપકડ કરીને મને આપની સમક્ષ હાજર કરવાનો એમ ને! પરંતુ જોતા નથી કે હું આપની સામે હાજર જ છું!’

‘આમ તું આઝાદ મારી સામે ઊભો હોય તેમ નહિ, તારા હાથોમાં બેડીઓ હોવી જરૂરી છે!’

‘વાહ, કાયદાના રખેવાળ સાહેબ, વાહ! છાપાંઓમાં તો વાંચ્યું છે કે ખાસ કિસ્સાઓ સિવાય હાથમાં બેડીઓ સાથે આરોપીને જો પોલિસ કોર્ટમાં હાજર કરે તો પોલિસનું આવી બને અને આપ મને બેડીઓ પહેરાવવા માગો છો!’

‘તું મારા ઉપર હુમલો ન કરી બેસે એટલે જ તો!’

‘તો પોલિસ મને બાવડેથી પકડી રાખી પણ શકે છે, એમાં બેડીઓ પહેરાવવાની જરૂર હોય ખરી?’

‘ઈશ્વરને ખાતર કપિલ તું સાહેબ સાથે ઝઘડો ન કર. સાહેબ, આ યુવાનિયાઓનો લિડર બનીને સરકારી ખાતાંઓમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર, ફરજો પ્રત્યેની બેદરકારી, સરકારી બાબુઓની લોકો સાથેની તોછડાઈ, કામો ઠેબે ચડાવવાની તેમની આડોડાઈ વગેરે સામે જ્યારથી જંગે ચઢ્યો છે; ત્યારથી તેનું વર્તન સાવ આવું થઈ ગયું છે. જુવાન લોહી છે ને સાહેબ! તેની વતી હું માફી માગું છું. આજે આપને મારા જામીન ન આપવા હોય તો પણ ભલે, હું બે રાત જેલમાં કાઢી નાખીશ અને સોમવારે બીજા જામીનની તજવીજ કરાવીશ. મારા ભાઈ ઉપર કોઈ કાર્યવાહી ન કરવા વિનંતિ કરું છું. તેની કેરિયર ખતમ થઈ જશે!’ મોટાભાઈ રડમસ અવાજે બે હાથ જોડીને કરગરી પડે છે.

‘જુઓ ભાઈ, કાયદાઓને ઘોળીને પી ગએલા આવા મેજિસ્ટ્રેટો હોય, પ્રધાનો અથવા ગવર્નરો કે રાષ્ટ્રપતિ હોય; એમને ‘ભઈસાબ’ કહેશો તેમ વધારે સ્વછંદ બનશે. એમને તો કાયદા વડે જ સીધા કરવા પડશે. હવે, તમે જો મારી અને આ સાહેબની વચ્ચે ચાલતી વાતચીતમાં દખલગીરી કરશો, તો હું નહિ સાંખી લઉં. હવે બોલાવો સાહેબ, તમારા પોલિસને હાથકડીઓ સાથે; અને હું જોઉં છું કે તે મને કેવી રીતે હાથકડી પહેરાવે છે! હાલ સુધી હું તમને ‘આપ’ અને ‘સાહેબ’થી સંબોધતો આવ્યો છું; તે મારી મજબુરી નહિ, પણ સજ્જનતા છે! હવે મૂળ વાત ઉપર આવીને મારા ઉપર અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરીને નિયત દંડ અને કોર્ટ ઊઠતાં સુધીની સજા ફરમાવી દો એટલે વાત થાય પૂરી. હું આઈ.એ.એસ.પાસ થયો છું અને નિમણૂંકના હૂકમની રાહ જોઈ રહ્યો છું. ભલે મારી કેરિયર શરૂ થવા પહેલાં ખતમ થઈ જાય, પણ આપને હું સુપ્રિમ કોર્ટ સુધી છોડીશ નહિ. હજુ તમારા જેવા જુજ ન્યાયાધીશોને બાદ કરતાં મને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે. તમારા મારી સાથેના બેહુદા વર્તન ઉપરાંત તમે કોર્ટસંકુલમાં ધૂમ્રપાન કરી રહ્યા છો એ આરોપનો પણ આપે સામનો કરવો પડશે. આપના સામેની કાર્યવાહી સામે મારે બહારના કોઈ સાક્ષીની જરૂર નહિ પડે, આપના હેડક્લાર્ક જ મારા માટે પૂરતા છે! હું જોઈશ કે તેઓશ્રી કોની તરફેણ કરે છે!’

હેડક્લાર્ક નિતનવલરાય સાહેબને હાથ જોડતાં ગભરાએલા અવાજે વિનંતિ કરે છે, ‘સાહેબ, હવે આ વાત વધારે ન ખેંચાય તેમાં જ આપણી ભલાઈ છે. બોલો ભાઈ, તમે દારપણાનો દાખલો લાવ્યા હોવ તો મને આપો અને તમારા ભાઈના જામીન મંજૂર થઈ જ ગયા છે, એમ માનીને મોટાભાઈને ખુશીથી ઘરે લઈ જાઓ.’

‘મિ. મહેતા, મેજિસ્ટ્રેટ તમે છો કે હું? એય રામસિંગ, પ્રોસીડીંગ લખવા સ્ટેનોને બોલાવી લાવ. મિ. કપિલ, અદાલતના તિરસ્કાર બદલ તમને પાંચસો રૂપિયાનો દંડ ફટકારું છું અને કોર્ટ ઊઠતાં સુધીની સજા તો ખરી જ.’

દરવાજા પાસે ઊભેલો પટાવાળો રામસિંગ હેબતાઈ જાય છે અને એ આશા રાખે છે કે સાહેબ ઠંડા પડી જઈને પોતાનો નિર્ણય બદલી નાખે.

કપિલ હેડક્લાર્ક સામે ફરીને તેમના ટેબલ ઉપર પાંચસો રૂપિયાની નોટ મૂકી દેતાં કહી દે છે, ‘નિયમ અનુસાર અપીલમાં જવા પહેલાં દંડ તો ભરી જ દેવો પડે, માટે પાવતી ફાડો અને સ્ટેનોને પ્રોસીડીંગમાં એમ લખવાનું જણાવી દો કે આરોપી અપીલમાં જવાનો હોઈ સજા મોકુફ રાખવામાં આવે છે.’

હેડક્લાર્ક મિ. મહેતા ફરીવાર મેજિસ્ટ્રેટ સાહેબને વિનંતિ કરે છે કે ‘સાહેબ, હવે વાત પડતી મૂકો અને જામીન મંજૂર કરી દો. હવે જો આ મામલો આગળ વધશે તો મારે તાજના સાક્ષી તરીકે સંડોવાવું પડશે અને અહીં જે કંઈ બન્યું છે તે મારે કહેવું જ પડશે. આ લોકોનું NGO મજબુત છે અને તેમણે સરકારી ખાતાંઓમાં તરખાટ મચાવી દીધો છે. આપ તો છાપાં જ વાંચતા નથી અને અહીં નવાસવા બદલી પામીને આવ્યા હોઈ આ જુવાનિયાઓની ધાકની આપને ખબર નથી.’

મેજિસ્ટ્રેટ મિ. નિતનવલરાય ઢીલા પડી જાય છે અને જામીન મંજૂર થઈ ગયા બદલના હસ્તાક્ષર કરી દે છે. એકદમ યુ-ટર્ન લેતાં તેઓશ્રી બોલી ઊઠે છે, ‘સોરી મિ. કપિલ, આઈ એમ એક્સ્ટ્રીમ્લી સોરી!’

‘જુઓ મિ. નિતનવલરાય, હવે આ બધાનો કોઈ અર્થ સરતો નથી. તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ચૂક્યું છે. મારા ખિસ્સાની બોલપેનમાંના Micro Hidden Cameraમાં આ સઘળી વિડિયોગ્રાફી થઈ ગઈ છે. અમે ‘સનસની’ના સ્ટિંગ ઓપરેશનના રિપોર્ટર્સ છીએ. રાત્રિના ટી.વી. ન્યૂઝમાં મારી-અમારી વાતની તમને ખાત્રી થઈ જશે!’

નજીકના જ ટેબલ ઉપર બેઠેલા હેડક્લાર્ક મિ. મહેતા એક્દમ ચીલઝડપ કરતા કપિલના ખિસ્સામાંની બોલપેન ઝૂંટવી લે છે.

કપિલ કોઈપણ જાતનો પ્રતિકાર કર્યા વગર મલકતા મુખે માત્ર એટલું જ કહે છે, ‘મિ. મહેતા, જાઓ એ બોલપેન તમને બક્ષિસ કરું છું; તમને લખવામાં ખપ લાગશે. તમારે જોઈતી ખરી બોલપેન તો ‘મોટાભાઈ’ હમણાં જ લઈને અમારી ગાડી ઉપર પહોંચી પણ ગયા હશે!’

શિષ્ટાચાર ખાતર બહાર બુટ કાઢીને બેઠેલા હેડક્લાર્ક મિ. મહેતા પોતાના પગનાં મોજાંને ભીનાં થઈ ગએલાં અને હૂંફાળાં અનુભવે છે. થરથર કાંપતા અને ખુરશીમાંથી ઊભા થઈ ગએલા મેજિસ્ટ્રેટ નિતનવલરાયના પૅન્ટ તરફ જ્યારે તેમની નજર પડે છે, ત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેમનું પૅન્ટ આગલા ભાગે ભીનું થઈ ગએલું હોય છે!

– વલીભાઈ મુસા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED