અન્યાય
કનુ ભગદેવ
૯: બિહારીનું ખૂન!
નાગપાલની કાર વિશાળગઢના આલિશાન રાજમાર્ગ પર દોડતી હતી.
કાર દિલીપ ચલાવતો હતો અને નાગપાલ તેની બાજુમાં બેઠો હતો.
‘અંકલ...!’ દિલીપે પૂછ્યું. ‘તમે બિંદુને મળ્યા હતા?’
‘હા...’
‘કંઈ જાણવા મળ્યું?’
‘હા...જે રાત્રે શશીકાંતનું ખૂન થયું, એ રાત્રે તે એની સાથે જ હતી.’
‘તો પછી એણે આ બાબતમાં પોલીસને શા માટે જાણ નહોતી કરી?’
‘પોલિસ નાહક જ પોતાને હેરાન કરશે એવો ભય તેને લાગતો હતો.’ નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો, ‘એ શશીકાંતનું ખૂન થયા પહેલાં જ ચાલી ગઈ હતી.’
‘ઓહ...તો આનો અર્થ એ થયો કે આપણી બધી મહેનત નકામી ગઈ ખરું ને?’
‘મહેનત ક્યારેય નકામી નથી જાતિ દિલીપ! બિંદુના ખૂનથી, શશીકાંતનું ખૂન કોઈક જાણભેદુએ જ કર્યું છે, એ સ્પષ્ટ રીતે પોરવાર થઈ જાય છે. ઉપરાંત ખૂની આપણી એકેએક હિલચાલ પર સતત નજર રાખે છે. એટલું જ નહીં, સાથે સાથે તે, પોતે પોલીસના પંજામાંથી છટકી જવા માટે પોતાની પાછળ રહી ગયેલા પુરાવાઓનો નાશ કરતો આવે છે.’
‘બિંદુનું ખૂન થયું ત્યારે તમે ક્યાં હતા અંકલ?’ દિલીપે પૂછ્યું.
‘હું એણે પૂછપરછ કરીને નીચે ઊતરીને કારમાં બેઠો હતો. હજી તો એન્જિન પણ સ્ટાર્ટ નહોતું કર્યું ત્યાં જ ખૂન...ખૂન...નો શોરબકોર સંભળાયો. જરૂર બિંદુ સાથે કંઈક અજુગતું બન્યું છે એવી શંકા મને આવી. હું ફરીથી તેના ફ્લેટમાં પહોંચ્યો. ત્યાં પહોંચતાં જ મારી શંકા ખાતરીમાં પલટાઈ ગઈ. બિંદુનું ખૂન થઈ ગયું હતું. મારા અનુભવ મુજબ ખૂની પાછલાં બારણેથી ફ્લેટમાં દાખલ થયો હોવો જોઈએ! હું બિંદુને મળી ચૂક્યો છું એ વાત કદાચ તે નહીં જાણતો હોય. એટલે બિંદુનું મોં બંધ કરવા માટે એણે ત્યાં પહોંચતાની સાથે જ સાઈલેન્સર ચડાવેલી રિવોલ્વરમાંથી ગોળી છોડીને તેને મારી નાખી, અને આવ્યો હતો, એ જ માર્ગેથી નાસી છૂટ્યો.’
‘ખૂનનો હેતૂ શો હતો?’
‘કદાચ બિંદુએ પોતાને શશીકાંતનું ખૂન કરતાં જોઈ લીધો છે એમ તે માનતો હતો. જો બિંદુ પોલિસ પાસે જીભ ઉઘાડશે તો પોતાને સીધું જ શશીકાંતના ખૂન બદલ ફાંસીના માંચડે લટકવું પડશે એવો ભય તેને લાગતો હતો. એટલે બિંદુ જીભ ન ઉઘાડી શકે એ કારણસર એણે તેને મારી નાખી.’
‘આનો અર્થ તો એવો થયો કે જે રાત્રે શશીકાંતનું ખૂન થયું, ત્યારે બિંદુ તેની સાથે જ હતી, એ વાત ખૂની જાણતો હતો.’
‘ચોક્કસ...!’
‘અંકલ, શશીકાંત અને બિંદુના ખૂનો એક જ માણસે કર્યા છે, એની તમને પૂરી ખાતરી છે?’
‘હા...આ જો...’ નાગપાલે ગજવામાંથી એક ખાલી કારતૂસ કાઢીને લંબાવ્યું, ‘આ કારતૂસ બત્રીસ કેલીબરની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીનું છે. શશીકાંતનું ખૂન પણ બત્રીસ કેલીબરની રિવોલ્વરથી જ થયું હતું. જે રિવોલ્વરમાંથી શશીકાંતને ગોળી મારવામાં આવી હતી, એ જ રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીનું આ બીજું કારતૂસ છે.’
‘તમને આ ખાલી કારતૂસ ક્યાંથી મળ્યું?’
‘જે રૂમમાંથી બિંદુનો મૃતદેહ મળી આવ્યો હતો, એના એક ખૂણામાંથી!’ નાગપાલે કહ્યું.
‘આનો અર્થ એ થયો કે, આપણે હજુ હતા ત્યાં ને ત્યાં જ છીએ.’ દિલીપના અવાજમાં નિરાશા હતી.
‘બિંદુ નિર્દોષ હતી છતાં પણ તેનું ખૂન થઈ ગયું! એક રીતે જોઈએ તો એના ખૂન માટે આપણે જ જવાબદાર છીએ. કારણકે આપણે જ તેને મળવા જવાનું નક્કી કર્યું હતું.’
‘પરમ કૃપાળુ પરમાત્મા એન આત્માને શાંતિ આપે!’ દિલીપ ગમગીન અવાજે બોલ્યો.
‘હવે તું તારો રિપોર્ટ આપ.’
‘હું બિહારીને ત્યાં ગયો ત્યારે એ સૂઈ ગયો હતો. માળી પણ ત્યાં જ હતો. પછી એ પણ સૂવા માટે પોતાના ક્વાર્ટરમાં ચાલ્યો ગયો. બિહારીની દેખરેખ માટે ફક્ત એક નર્સ જ ત્યાં હતી.’
‘ઓહ...’ નાગપાલ બબડ્યો.
પછી તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.
***
‘ટ્રીન્… ટ્રીન્… ટ્રીન્...’ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
નાગપાલે આગળ વધીને રિસીવર ઊંચક્યું.
‘હલ્લો...’ એણે કહ્યું.
‘નાગપાલ સાહેબ છે...? હું અજય બોલું છું.’ સામે છેડેથી અજયનો અવાજ તેને સંભળાયો.
‘બોલો મિસ્ટર અજય! હું નાગપાલ જ છું.’
‘નાગપાલ સાહેબ...! બિહારીની દેખરેખ માટે એક નર્સ રાખી હતી એ તો આપ જાણતા જ હશો?’
‘હા એનું શું છે?’
‘એ હવે ત્યાં રહેવાની ના પાડે છે!’
‘કેમ?’
‘બિહારીના બંગલામાં ભૂત થાય છે એમ તે માણે છે. ગઈ કાલે રાત્રે એણે બંગલામાં વિચિત્ર અવાજો સાંભળ્યા હતા. ઉપરના ભાગમાં કોઈક આંટા મારતું હોય એમ તેને લાગતું હતું. ત્યારબાદ કોઈકના જોર જોરથી હસવાનો અવાજ પણ તેણે સાંભળ્યો હતો. એટલે એણે ગભરાઈને ત્યાં રહેવાની ના પાડી દીધી છે. હવે બિહારીની સાર-સંભાળ કોણ લેશે? મને એની ખૂબ ચિંતા થાય છે. આપની સલાહ પડતી હોય તો તેને હોસ્પીટલમાં દાખલ કરાવી દઉં.’
‘મિસ્ટર બિહારીની શિ ઈચ્છા છે?’
‘એની તો હોસ્પીટલમાં રહેવાની ઈચ્છા નથી.’
‘તો પછી એને તમારે ત્યાં રાખો.’
‘બરાબર છે...પણ એ મારે ત્યાં નહીં આવે.’
‘કેમ...?’
‘વાત એમ છે કે એને મારે ત્યાં રહેતી મનોરમા પ્રત્યે ધૃણા છે.’ મનોરમા મારા હાથ-પગ સમાન છે એટલે હું તેને પડતી મૂકી શકું તેમ નથી.’
‘તો તો પછી એ પોતાને ઘેર રહે એ જ યોગ્ય છે.’
‘પણ ત્યાં એની સાર-સંભાળ કોણ રાખશે?’
‘માળી...! માળીને કહી દો કે તે રાત્રે બંગલામાં જ સૂઈ રહે.’
‘ઠીક છે...અને હા...આજના અખબારમાં પેલી બિંદુના ખૂનના સમાચાર છપાયા છે. આપ એણે મળ્યા હતા કે નહીં?’
‘મળ્યો હતો. પણ એની પાસેથી ખાસ કંઈ જાણવાનું નથી મળ્યું. શશીકાંતના ખૂનની રાત્રે એ તેની સાથે જ હતી. પણ શશીકાંતનું ખૂન થયું એ પહેલાં જ તે ત્યાંથી ચાલી ગઈ હતી. ખૂનની બાબતમાં તે કંઈ જ નહોતી જાણતી.
‘ઓહ...બિચારી નાહક જ નિર્દોષ મારી ગઈ.’ સામેથી આવતાં અજયના અવાજમાં દિલગીરીનો સૂર હતો, ‘નાગપાલ સાહેબ, મને તો હવે ત્રણેય ભાગીદારો પર મોતનું કાળચક્ર ફરતું હોય એવું લાગે છે.’
‘કેમ...? તમારી સાથે પણ કોઈ બનાવ બન્યો કે શું?’
‘શશીકાંતના પત્રો વિશે તો આપ જાણો જ છો. એ ઉપરાંત રાત્રે જ્યારે હું સૂતો હોઉં છું, ત્યારે અંધારામાં જ જાણે કોઈક ઊંડા ઊંડા શ્વાસો લેતું હોય એવું મને લાગે છે. પણ લાઈટ ચાલુ કરું છું ત્યારે કોઈ જ નથી હોતું. ક્યારેક ક્યારેક શશીકાંતનો અવાજ પણ સંભળાય છે આ બધું શું છે? કેમ છે? શશીકાંતનો અવાજ શા માટે સંભળાય છે એ જ મને ઓ કંઈ નથી સમજાતું.’
‘જો તમને ભય લાગતો હોય તો હું કોઈક માણસને તમારે ત્યાં મોકલી આપું.’
‘નાગપાલ સાહેબ...’ અજયના અવાજમાં નિરાશા હતી, ‘જો એ ખરેખર જ શશીકાંતનું પ્રેત હોય તો આપનો માણસ પણ શું કરી શકશે? ભૂત-પ્રેતને આપણે પહોંચી શકીએ તેમ નથી. એના કરતા તો હું એકલો જ સારો છું.’
‘જેવી તમારી ઈચ્છા...!’ કહીને નાગપાલે રિસીવર મૂકી દીધું.
પછી તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.
સહસા દિલીપ અંદર આવ્યો.
‘અંકલ...!’ એણે આવતાવેંત કહ્યું, ‘મેં બહારના એકસ્ટેન્શનમાં તમારી તથા મિસ્ટર અજય વચ્ચે થયેલી વાતો સાંભળી છે. આ બધું શું છે?’
‘ભગવાન જાણે...’ નાગપાલ બબડ્યો.
‘બિહારી અચાનક શશીકાંતનું ભૂત જોઈને સીડી પરથી લપસી ગયો. અજયને પણ તેનો અવાજ સંભળાય છે અને તમે હજુ કહો છો કે ભગવાન જાણે! ભગવાન તો બધું જાણે જ છે પણ તમે શું જાણો છો એ જણાવો તો તે જાણવામાં મને રસ છે જેથી હું જેને જણાવું તે બીજાને પણ જણાવી શકે.’ દિલીપે જાણો-જણાવો શબ્દોની જાળ બિછાવી દીધી.
‘તો બીજું શું કહું?
‘ગમે તે કહો...!’
‘ઠીક છે...તો તું હમણાં જ બિહારીને ત્યાં ચાલ્યો જા. એને કહે કે જો તેની ઈચ્છા હોય તો એના રક્ષણ માટે કોઈકને મોકલી આપું.’
‘અંકલ, આટલું થવા છતાં ય હજુ પણ તમે એમ માનો છો કે આ કેસમાં ભૂતપ્રેતનો હાથ નથી?’
‘હું જે કહું તે કર!’ નાગપાલના અવાજમાં આદેશનો સૂર હતો.
‘ઠીક છે...’ દિલીપ ધૂંધવાઈને બહાર નીકળી ગયો.
થોડી વાર પછી દિલીપ બિહારીની સામે બેઠો હતો.
‘મિસ્ટર દિલીપ...બોલી...કેમ આવવું પડ્યું?’ બિહારીએ પૂછ્યું.
‘તમારા ખબરઅંતર પૂછવા આવ્યો છું.’ દિલીપે મોં મચકોડતાં જવાબ આપ્યો.
‘શું વાત છે? આપ આટલા રોષમાં શા માટે છો?’ બિહારીએ હસતાં હસતાં પૂછ્યું.
‘રાત્રે શું શું બન્યુ હતું?’ દિલીપે એના સ્વર તરફ ધ્યાન આપ્યા વગર મુદ્દાની વાત શરૂ કરી.
‘હું નથી જાણતો.’
‘તમારી દેખરેખ રાખતી નર્સ ભયના કારણે નોકરી છોડીને ચાલી ગઈ અને તમને કંઈ જ ખબર નથી?’
‘ના...’
‘કેમ...?’
‘સાંજે એણે મને ઘેનની ટીકડી આપી હતી. પછી સવારે જ્યારે હું ઊઠ્યો ત્યારે મને ખબર પડી કે તે ભયભીત થઈને ચાલી ગઈ છે.’
‘તમે આ બંગલો છોડીને બીજે રહેવા માટે કેમ નથી ચાલ્યા જતા?’
‘બીજે જવાથી શું લાભ થવાનો છે દિલીપ સાહેબ?’ બિહારીએ ઠંડો નિઃસાસો નાખતાં કહ્યું.
‘બીજે જવાથી શશીકાંતનું પ્રેત તમને ફરીથી હેરાન નહીં કરે! ભૂત-પ્રેતની શક્તિ અમુક સ્થળ સુધી જ મર્યાદિત હોય છ્હે. શશીકાંતનું ખૂન આ બંગલામાં થયું હતું. એટલે અહીં રહેનારને તે હેરાન કરે એ સ્વાભાવિક છે. પરંતુ તમે બીજે ક્યાંક રહેવા માટે ચાલ્યા જાઓ તો કદાચ તમને એ હેરાન ન પણ કરે.’
‘ના, એવું નથી દિલીપ સાહેબ! એમ તો અજયને પણ શશીકાંત પોતાની આજુબાજુમાં જ હોય તેવો ભાસ થાય છે.’
‘ઠીક છે...તમે કહો તો કોઈ માણસ મોકલી આપું?’
‘કેમ...? શા માટે...?’
‘કદાચ રાત્રે તમને ભય લાગે તો?’
‘શશીકાંત મારો મિત્ર હતો. ઉપરાંત મેં કંઈ એનું ખૂન નથી કર્યું તો પછી મારે શા માટે ગભરાવું જોઈએ?’
‘ઠીક છે...’ દિલીપ ઊભો થતાં બોલ્યો, ‘હવે હું જઉં છું. છતાં પણ કંઈ જરૂર પડે તો ફોન કરજો.’
‘ભલે...’ બિહારીએ માથું હલાવ્યું.
દિલીપ બહાર નીકળી ગયો.
***
રાતના સાડા અગિયાર વાગ્યા હતા.
માળી બંગલામાં જ સૂવા માટે આવી ગયો હતો. ઉપરના માળે જ એક રૂમમાં તે સૂતો હતો. એને હવે આ બંગલામાં એક મિનિટ પણ રહેવું નહોતું ગમતું. પરંતુ લાચારી હતી. એક તરફ એની માનવતાની પરિક્ષા હતી અને બીજી તરફ આદેશ પાલન તથા વફાદારીની? એ માનવતાની દ્રષ્ટિએ બિહારીને લાચાર હાલતમાં પડતો મૂકીને જઈ શકે તેમ નહોતો.
એણે પોતાનાં હૃદયમાંથી ભય ખંખેરવાનો પ્રયાસ કર્યો.
સહસા રાત્રિના સૂમસામ સન્નાટામાં કોઈકના અટ્ટહાસ્યનો અવાજ ગુંજી ઊઠ્યો.
માળી ઊછળીને પલંગ પર બેઠો થઈ ગયો.
એના ધબકારા એકદમ વધી ગયા. અટ્ટહાસ્યનો ભયંકર અવાજ પડઘા પાડતો પીગળેલા સીસાની જેમ એનાં કાનમાં ઊતરી ગયો. કોઈક અજ્ઞાત ભયનું ઠંડુ લખલખું વીજળીના કરંટની જેમ એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.
પછી અટ્ટહાસ્યોનો અવાજ બંધ થઈ ગયો.
વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ.
પણ થોડીવારની શાંતિ પછી તરત જ કોઈકના ચાલવાના પગલાંનો અવાજ ગૂંજી ઊઠ્યો.
બહારની લોબીમાં બત્તી સળગતી હતી અને તેનો પ્રકાશ બારીના દૂધિયા કાચ પર રેલાતો હતો.
કોઈક ધીમે ધીમે પગલાં માંડતું લોબીમાંથી માળીની રૂમ તરફ આવતું હતું.
ભારે પગલાંનો અવાજ પ્રત્યેક પાળે વધુને વધુ નજીક આવતો જતો હતો.’
માળીને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય એવું લાગતું હતું.
ભય અને સાંભળેલી વાતોની જાણે કે દોસ્તી થઈ ગઈ! ભય અને ગભરાટથી તેનો ચ્હેરો કાગળ જેવો સફેદ થઈ ગયો હતો.
પછી એ પગલાંનો અવાજ ક્રમશઃ દૂર થતો ગયો.
ભયના અતિરેકને કારણે એના ગળાની ચીસ ગળામાં જ રહી ગઈ. ફક્ત ગોં...ગોં ...નો હળવો અવાજ નીકળ્યો. એનો ચ્હેરો વિકૃત બની ગયો. કપાળ પર પરસેવો જામ્યો હતો. દહેશતથી એનો દેહ સુક્કાં પાંદડાની જેમ થરથરતો હતો.
માંડ માંડ એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો.
હવે પગલાનો અવાજ તદ્દન બંધ થઈ ગયો હતો.
કોણ જાણે માળીમાં ક્યાંથી એટલી હિંમત આવી કે એણે બારણું થોડું ઉઘાડી નાની તિરાડ બનાવી અને બહાર જોવા લાગ્યો.
લોબીમાં કોઈ જ નહોતું.
ત્યારબાદ સ્ફૂર્તિથી બારણું ઉઘાડીને તે બહાર નીકળ્યો.
લોબીમાં ચુપકીદી છવાયેલી હતી.
પછી એને બિહારીનો વિચાર આવ્યો. એ તપાસ કરવા માટે તેની રૂમ તરફ આગળ વધ્યો.
એ જ વખતે ક્યાંકથી ભૂતનાં ઓળાની જેમ એક આકૃતિ ત્યાં ફુટી નીકળી. એના હાથમાં ધારદાર છૂરી ચમકતી હતી.
માળી કંઈ સમજે કે વિચારે તે પહેલાં જ એ આકૃતિએ જરથી તેના પર છલાંગ મારી.
માળીના ગળામાંથી રાત્રિના ભયાનક ખામોશીને કાપતી-ચીરતી એક બિહામણી ચીસ નીકળીને વાયુમંડળમાં ફેલાઈ ગઈ.
પછી અચાનક જ સામે આવીને ઊભેલા મોતથી બચવાનો એણે પ્રયાસ આદર્યો.
ભર જંગલમાં જેમ સિંહને જોઈને સસલું નાસી છૂટે એવી સ્ફૂર્તિથી એણે ભયંકર દોટ મૂકી.
બબ્બે-ત્રણ ત્રણ પગથિયાં એક સાથે ઊતરીને એણે સીડી પૂરી કરી અને મુખ્ય દ્વારને ઉઘાડીને પાછળ જોતાં વગર દોડતો જ રહ્યો.
પરંતુ કમ્પાઉન્ડમાં ઊભેલી મેંદીની વાડ પાર કરવા જતાં અચાનક ઠોકર લાગવાથી તે ગબડી પડ્યો.
એનું માથું જોરથી એક પથ્થર સાથે અથડાયું.
પછી તે બેભાન થઈ ગયો.
***
એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને ડ્રોઈંગરૂમના સોફા પર જોઈ. એક ડોક્ટર તેના પર નમેલો હતો. એના કપાળ પર ડ્રેસિંગ કરીને પાટો બાંધેલો હતો. છતાંય હજુ એની પીડા ઓછી નહોતી થઈ. એ બેઠો થયો. રહી રહીને એના મોંમાંથી વેદનાભર્યા ચિત્કારો નીકળતા હતા.
એણે ફાટી આંખે ચારે તરફ જોયું.
ત્યાં ઘણા માણસો હાજર હતા. જેમાંથી દિલીપ તથા નાગપાલને તે તરત જ ઓળખી ગયો. પછી ફરતી ફરતી તેની નજર ડ્રોઈંગરૂમની બરાબર વચ્ચે જમીન પર પડેલાં એક લોહીલુહાણ મૃતદેહ પર પડી. મૃતદેહ જોતાં જ એ સોફા પરથી ઊછળી પડ્યો.
એ મૃતદેહ બીજાં કોઈનો બહીમ પણ બિહારીનો હતો!
નાગપાલ, દિલીપ સાથે કોઈક જરૂરી વાતો કરતો હતો એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલાં હતા. પછી માળીને ભાનમાં આવેલો જોઈને ઉતાવળા પગલે તેની પાસે આવ્યો.
‘આ...આ બધું શું છે નાગપાલ સાહેબ...?’ માળીએ ગભરાઈને બિહારીના મૃતદેહ તરફ સંકેત કરતાં પૂછ્યું.
‘તારા સાહેબ ઉપરથી પડીને મૃત્યુ પામ્યા છે.’ નાગપાલે જવાબ આપ્યો.
‘હે ઈશ્વર...! આ હું શું સાંભળું છું?’
‘રાત્રે શું થયું હતું?’ નાગપાલએ પૂછ્યું.
‘એ...એ...ભૂત જ...!’ એ માંડ માંડ આટલું બોલી શક્યો.
‘ક્યું ભૂત...?’
‘પહેલાં દેખાયું હતું એ જ...!’ હજુ પણ એનો અવાજ કંપતો હતો.
‘તેં એને જોયું હતું?’ નાગપાલે સ્પષ્ટતાથી એને સમજવા માટે પૂછ્યું.
‘હા...સાહેબ...!’
‘એનો ચ્હેરો કેવો હતો?’
‘ચ્હેરો તો મેં બરાબર નથી જોયો. મને એવું કંઈ જોવાનું ભાન જ નહોતું રહ્યું.’ માળી બોલ્યો. પછી એણે રાત્રે બનેલા બનાવની વિગતો વિસ્તારથી નાગપાલને કહી સંભળાવી.
એની આંખોમાં છવાયેલા ભયના પડછાયાને સૌ જોઈ રહ્યા. એનો ગભરાત હજુ પણ ઓછો નહોતો થયો.
‘નાગપાલ સાહેબ...!’ સોફા પર બેઠેલાં સંતોષકુમારે નિરાશાભર્યા અવાજે કહ્યું, ‘કદાચ શશીકાંતે જ એક ભાગીદારને પોતાની પાસે બોલાવી લીધો હોય એવું મને લાગે છે.’
માળી નર્યા નિતર્યા ભય, ગભરાટ અને આશ્ચર્યથી તેની સામે તાકી રહ્યો.
સંતોષકુમારનો ચ્હેરો પીળો પડી ગયો હતો. જાણે એ વર્ષોથી બીમાર હોય એવી ફિક્કાશ એના ચ્હેરા પર ફેલાયેલી હતી.
‘અને હવે અમે બે જ ભાગીદારો બાકી રહ્યા છીએ.’ એણે એક ઊંડો નિઃસાસો નાખતાં કહ્યું.
નાગપાલ ફરીથી બિહારીના મૃતદેહ પાસે પહોંચ્યો. ઉપરથી પડી જવાને કારણે એનું માથું નાળીયેરની જેમ ફાટી ગયું હતું. અને તે મૃત્યુ પામ્યો હતો.
ફોટોગ્રાફરોએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું.
બનાવની જાણ થતાં જ એ વિસ્તારનો ઇન્સ્પેક્ટર પણ બે-ત્રણ સિપાહીઓ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. પરંતુ દિલીપ નાગપાલના આવ્યા બાદ તેનું કંઈ કામ નહોતું એટલે તેઓ ચૂપચાપ એક તરફ બેસીને નાગપાલની કાર્યવાહી જોતાં હતા.
‘નાગપાલ સાહેબ...!’ સહસા ઇન્સ્પેક્ટર બોલતો, ‘મિસ્ટર બિહારીનું માથું ફાટી ગયું છે એટલે કદાચ તેઓ કોઈનાથી ગભરાઈને નાસવા જતાં, રેલીંગ સાથે અથડાઈને અવળા માથે નીચે પડી ગયા હશે એવું અનુમાન કરી શકાય.’
‘બનવાજોગ છે.’
‘આ બાબતમાં આપ શું માનો છો?’
‘અત્યારે તો કંઈ જ કહી શકાય તેમ નથી.’ નાગપાલે રૂક્ષ અવાજે કહ્યું.
ઇન્સ્પેક્ટર ચૂપ થઈ ગયો.
ફોરોગ્રાફરો પોતાનું કામ પૂરું કરીને ચાલ્યા ગયા.
ત્યારબાદ બિહારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો.
નાગપાલની સૂચનાથી ઇન્સ્પેક્ટર પણ પોતાના સિપાહીઓ સાથે વિદાય થઈ ગયો.
હવે ત્યાં માત્ર નાગપાલ, દિલીપ, સંતોષકુમાર અને માળી જ હતા.
‘રાત્રે તારા સાહેબે ઉંઘની ગોળી લીધી હતી?’ નાગપાલે માળી સામે જોતાં પૂછ્યું.
‘ખબર નથી સાહેબ!’ માળીએ જવાબ આપ્યો, ‘હું તેમની રૂમમાં દૂધનો ગ્લાસ મૂકી આવ્યો હતો જેથી તેઓ મન થાય ત્યારે પી શકે. સામાન્ય રીતે તેઓ ગોળી ગળ્યા પછી જ દૂધ પીતા હતા.’
‘દૂધનો ગ્લાસ તો અમને ખાલી જ મળ્યો છે.’
‘તો તો પછી જરૂર એમણે ગોળી ખાધી હશે.’ માળી બોલ્યો.
નાગપાલ તેને વધુ કંઈ પૂછે એ પહેલાં જ અચાનક ડ્રોઈંગરૂમમાં રહેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. નાગપાલે આગળ વધીને રિસીવર ઉંચકયા બાદ કહ્યું, ‘હલ્લો...’
‘ઓહ...નાગપાલ સાહેબ...! આપ...! હું અજય બોલું છું.’ સામે છેડેથી અજયનો પૂર્વ-પરિચિત અવાજ તેના કાને અથડાયો. એ અવાજમાં ગભરાટ અને બેચેનીની ધ્રુજારી હતી.
‘બોલો.’
‘નાગપાલ સાહેબ...! હું ત્યાંના સમાચાર જાણવા માટે કેટલીયે વારથી રાહ જોઉં છું. પણ આપના તરફથી કંઈ સમાચાર ન મળ્યાં એટલે મારી ધીરજ ખુટી ગઈ.’
‘માફ કરજો મિસ્ટર અજય! હજુ સુધી મને ખાસ કંઈ જાણવા નથી મળ્યું.’ નાગપાલે કહ્યું.
‘નાગપાલ સાહેબ...સાચું કહો...કોઈ ગંભીર વાત તો નથી બનીને?’
‘તમારા ભાગીદાર મિસ્ટર બિહારી હવે આ દુનિયામાં નથી રહ્યા.’
‘શું...?’ સામે છેડેથી આવતો અજયનો અવાજ ભય તથા ગભરાટથી તરડાઈ ગયો.
‘હા...મિસ્ટર બિહારી મૃત્યુ પામ્યા છે...’
સામે છેડે ચુપકીદી છવાઈ ગઈ. ખાલી લાઈનમાં સૂ...સૂ...અવાજ આવતો હતો.
‘આપ...આપ’ થોડી પળો બાદ સામેથી અજયનો અવાજ સંભળાયો, ‘હે ઈશ્વર...! પણ કેવી રીતે...આપ...!’ અને પછી અજયનો અવાજ બંધ થઈ ગયો. કદાચ બિહારીના મોતના સમાચારથી તેને કારમો આઘાત લાગ્યો હતો.
‘મિસ્ટર અજય...!’ નાગપાલ બોલ્યો, ‘માળીના કહેવા મુજબ એણે રાત્રે એક આકૃતિને જોઈ હતી. અને એ આકૃતિએ તેના પર હુમલો કર્યું હતો. માળી એના પંજામાંથી બચવા માટે નાસી છૂટ્યો. પરંતુ મહેંદીની વાડ પાસે ઠોકર લાગવાથી ઉથલી પાડીને તે બેભાન થઈ ગયો હતો.
‘નાગપાલ સાહેબ, આ વાત પાછળ કંઈક રહસ્ય છૂપાયેલું હશે એવું મને લાગે છે. પહેલા મેં બિહારીનાં ખબર-અંતર પૂછવા એને ત્યાં ફોન કરેલો પરંતુ કંઈ જવાબ ન મળતા મને પણ કંઈક અજુગતું બન્યાની શંકા આવી હતી અને એટલે જ મેં આપને ફોન કરીને બિહારીને ત્યાં તપાસ કરવાનું કહ્યું હતું. મેં મારા બે જીગરજાન મિત્રોને ગુમાવ્યા છે નાગપાલ સાહેબ!’ એ ઉદાસ અવાજે બોલ્યો, ‘પણ બિહારી કઈ રીતે મૃત્યુ પામ્યો? આ બધું કેવી રીતે બન્યું?’
જવાબ આપતાં પહેલાં નાગપાલે અર્થસૂચક હાસ્ય કર્યું. પછી કહ્યું, ‘જે આકૃતિને માળીએ જોઈ હતી, એ મિસ્ટર બિહારીએ પણ જોઈ હશે. એ આકૃતિથી બચવા માટે તેમણે દોટ મૂકી હશે પરંતુ ઉતાવળમાં રોલિંગ સાથે ટકરાઈને નીચે ઊથલી પડ્યા હોય એવું અત્યારે તો લાગે છે.’
‘અને પડતાવેંત જ એનું મોત નીપજી ગયું એમ ને?’
‘હા… કારણ કે ત્તેનું માથું સીધું જ નક્કર જમીન સાથે અથડાયું હતું.’
‘બિહારીનાં મૃત્યુ વિષે સંતોષને ખબર છે?’
‘હા...તેઓ અહીં જ છે.’
‘તો તેને મારો એક સંદેશો આપી દેજો કે એ જતાં પહેલાં મને મળતો જાય.’
‘ચોક્કસ...’ કહીને નાગપાલે રિસીવર મૂકી દીધું. પછી એણે માળીને ઉદ્દેશીને કહ્યું, ‘તું હમણાં થોડા દિવસો સુધી તારા કવાર્ટરમાં જ રહેજે.’
માળીએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
નાગપાલને જવાની ઉતાવળ છે. એ સમજી જતાં દિલીપ ઊભો થયો. એને જોઈને સંતોષકુમાર પણ ઊભો થઈ ગયો.
ત્રણેય સાથે જ કમ્પાઉન્ડમાં આવ્યા.
‘મિસ્ટર સંતોષકુમાર...!’ નાગપાલે કારનું બારણું ઉઘાડતાં કહ્યું, ‘મિસ્ટર અજય તમને યાદ કરે છે એટલે તમે તેમની પાસે જઈ આવજો.’
‘ઠીક છે...હું તેને મળતો જઉં છું.’ સંતોષકુમાર પોતાની કાર તરફ આગળ વધતો બોલ્યો.
નાગપાલે પોતાની કારનું એન્જિન સ્ટાર્ટ કર્યું.
દિલીપ એની બાજુમાં બેઠો હતો.
***