જેલ-ઑફિસની બારી - 7 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ-ઑફિસની બારી - 7

જેલ-ઑફિસની બારી

ઝવેરચંદ મેઘાણી

દલબહાદુર પંજાબી

તમે શા સારુ પેલા જન્મટીપવાળા કેદી દલબહાદુરને એની મા સાથેની મુલાકાત મારી આડશે ન રખાવતાં ખાસ રવિવારે તમારી ઑફિસમાં કરાવી? એ મા-દીકરાને તમે પડખોપડખ શીદ બેસવા દીધાં! શું દલબહાદુર તમને સુંદર વણાટશાળા ચલાવી આપે છે અને જાજમ-જલેસાની અજબ કારીગરી ઊભી કરી શક્યો છે તેથી? એની ડોશી ત્રણ-ત્રણ માસે છેક પંજાબથી ન આવી શકે અને આખું વરસ થોડી બચત કરીને છેક બાર મહિને બેટાને મળવા જેટલું રેલભાડું જોગવી શકે છે તેથી? દીકરો વીસ વર્ષોથી પુરાઈને ધીરે ધીરે વૃદ્ધ બની રહેલ છે એ કારણે? અને બુઢ્ઢી મા બીજી મુલાકાત સુધી જીવશે કે નહિ એવી ધાસ્તીને લીધે શું તમે આવી દયા બતાવો છો? તમારી કરુણાવૃત્તિ પણ કેટલી નફટ છે. જેલરસા'બ! શું કરું? હું તમારા પર દાંત કચકચાવું છું, પણ તમને એ મારાં દાંતિયાં સંભળાતાં નથી.

રવિવારનું પ્રભાત પડવાની રાહ જોતી એ પંજાબણ બુઢ્ઢી જેલદરવાજા બહાર વડલા નીચે બે દિવસથી રહેતી હતી. પણ આટલું રેલભાડું ખરચીને આવ્યા પછી આ બાર મહિનાની અવધે પણ બુઢ્ઢી બેટાની સાથે બહુ કશી વાતોય કરી શકી નહિ. પડખોપડખ બેઠેલાં છતાંય મા-દીકરો પરસ્પરની મમતાનો કશો આવિર્ભાવ ન બતાવી શક્યાં. દલબહાદુર! તારા ચહેરા ઉપર મેં અમસ્તો તો કદી ઉલ્લાસ ન દીઠો. પણ આજ તારી બુઢ્ઢી માના મેળાપેય તારા મોં પર હેતનું મોજું કેમ ન ઉછાળ્યું? તારે તો નથી સંતાન કે નથી પત્ની. જે કહીએ તે સર્વસ્વ તારે એક મા છે. એને દર્શનેય તારા દિલદરિયાવમાં ભરતી કેમ ન આવી?

આખો એ દરિયો જ જાણે કે સુકાઈ ગયો છે. અનંત, અંધકારમય અને અતલ કોઈ ખાડો જાણે પડયો છે. તારા અંતરની વ્યથા સર્વથી અજાણી છે. તમામ કેદીઓ અને વૉર્ડરો તને `ગુરુ' કહી માન આપે છે. તારી તો આખું કારાગૃહ અદબ પાળે છે. તું અહીં આવે છે ત્યારે હું ડાકણી પણ મારાં ઉઘાડાં અંગો સંકોડવા મથું છું. ફૂટતી જુવાની લઈને તું અહીં આવ્યો હતો, અને આજ તને બુઢાપાનાં પળિયાં ફૂટવા લાગ્યાં. દલબહાદુર! તારા જીવનની નીરસતા કોણ સમજશે? તું વણાટશાળાની સાળો ઉપર ગાલીચા અને ચાદરોની અંદર એ કયા ગામની, કયા નદીતીરની ફૂલવાડીઓ પાડી રહ્યો છે? પંજાબના કયા ગામને પાદર ટૌકતો મોરલો તેં આ ગાલીચાઓમાં ગૂંથ્યો છે?

સાળને ફટકે ફટકે શું તું કોઈ શીખ તરુણીનું આરાધન કરી રહ્યો છે? મા સાથે એને કંઈક સંદેશો તો કહેવરાવ! તેં તારું પ્રેમ-રાજ્ય જાણે કે આ વણાટની જૂજવી ભાત્યોમાં આલેખ્યું છે. આ સરકારી જેલખાતું રોજેરોજ થપ્પીઓની થપ્પીઓ બાંધીને તારા વણાટની વસ્તુઓ વેચવા મોકલે છે, પણ નથી તો તેને ખબર, કે નથી એ ગાલીચા-શેતરંજીઓ પોતાના ઘરોમાં પાથરનારાઓને ખબર કે એના પગ તળે તો એક પંજાબીનાં વીસ વર્ષોનાં અશ્રુભર્યા સ્વપ્નો છૂંદાઈ રહેલ છે.

દલબહાદુર પંજાબી! તું તારા વણાટની અંદર ગૂંથી રહેલ છે તે ફૂલોનો નમૂનો તારી કલ્પના ક્યાંથી ચોરી લાવી? તારો મુકદ્દમો સાંભળવા એ અનામી સુંદરી આવતી હતી ત્યારે શું કોઈ એવું ગુલાબ લઈને આવતી? તને અર્પણ કરવા એ જ્યારે આગળ ધસી આવી ત્યારે પોલીસે શું એને ધક્કો મારેલો? ને તે પછી રોજ રોજ અદાલતમાં શું એ તારી સન્મુખ આ ફૂલ ધરી રાખીને છાની બેસી રહેતી? તેની સ્મૃતિમાંથી શું તું આ પાંખડીઓ ને આ ડાંખળીઓ આંહીં ઉતારી રહ્યો છે?

એક હતું એક તારા જ જેવું બંદીવાન, આઘેઆઘેના દેશમાં, ત્યાં મારા જેવી કોઈ બારી જ નહોતી. મેળાપ કે મુલાકાતો જ નહોતાં. બરફ અને પવનના ઠંડાગાર અગ્નિમાં સળગતાં, જીવતાં માનવીને થિજાવી નાખતાં એ સાઈબીરિયા દેશનાં કારાગૃહો હતાં. આઠ-દસ મહિનાની પગરસ્તાની મજલ કરાવીને કેદીઓને મૂળ વતનમાંથી ત્યાં લઈ જવામાં આવતાં. એક વાર ત્યાં આવનારને બનતાં સુધી આ ને આ જિંદગીમાં વતન પાછા ફરવાનું રહેતું જ નહિ. એ સાઈબીરિયન જેલોની સજા પામેલાંઓની સંગાથે ટોળાબંધ સગાંવહાલાં પણ ચાલી નીકળતાં ક્યાં સુધી આવતાં? છેક સરહદના સ્થંભ સુધી. એવી આશાએ આવતાં કે ઘણી વાર રાજા ઝારનો હુકમ એ સીમા-સ્થંભ પર આવી પહોંચતો, તેમાં કેટલાંકની સજા માફ થતી, કેટલાંકની કમી થતી. માફી પામેલાંઓને ત્યાં ને ત્યાં છોડી મૂકવામાં આવતા. એ રાજક્ષમાની આજ્ઞામાં પોતાનું સ્વજન કેદી કોઈ પુણ્યબળે ચડી જાય એવી આશાએ ને આશાએ આ સ્વજનો સો ગાઉનો સંગાથ કરતાં; એ સીમાસ્થંભ આગળ કેદીઓને પા કલાકનો વિસામો આપવામાં આવતો.

આહાહાહા! કેવો ભાગ્યશાળી એ સાઈબીરિયાની સરહદ પરનો સફેદ ઊંચો વિદાય ખાંભો! મારા કરતાં તો કેટલો બડો ભાગ્યશાળી! પોતપોતનાં સગાં-વહાલાંને ભેટી ભેટી મળી લેવાની અને ખુશી પડે તે રીતે હૈયાં ઠાલવી નાખવાની છૂટ સર્વે કેદીઓને પૂરા પા કલાક સુધી અપાતી હતી! તે વખતે તો, ઓ વીરા શ્વેત સીમાસ્થંભ! તારાં ચરણોમાં સેંકડો આંખોનાં આંસુ ઠલવાતાં હતાં. તારી ટાઢીબોળ ઇંટો ઉપર, વતન તરફની તારી બાજુએ બંદીવાનોની ચૂમીઓ ચોડાતી હતી. હજારો લોકોના હૈયાફાટ કકળાટો, નઃશ્વાસો, કંઠરૂંધનો, આશાનાં છૂંદનો, કલેજાના ભુક્કા, બાળકોની વણસમજી કિકિયારીઓ, જન્મભૂમિને ઘૂંટણિયે પડીને અપાતી મૂંગી મૂંગી છેલ્લી વંદનાઓઃ અને પછી પંદર જ મિનિટ ખતમ થવાની સાથે જ કોસેક ઘોડેસવારોના કોરડાના ફડાકા સાથે ફરમાવવામાં આવતી વિદાયઃ કેદીઓ સાઈબીરિયાની જીવતી કબરમાં, અને સ્વજનો પાછાં વતન તરફઃ વાહ રે ભાઈ શ્વેત ખાંભા! કેટલાં વર્ષો સુધી તને આ બધું ભોજન મળતું જ ગયું! મારી રોજની પંદર મિનિટો કરતાં તારી એ લાંબા ગાળાની પંદર મિનિટોનું મૂલ્ય સહસ્રગણું વિશેષ હતું.

પણ હું તો આડી વાતે ઊતરી ગઈ. હું તો દલબહાદુરને કહેતી હતી કે તારા જેવું જ એક બંદીવાન આ ખાંભા ઉપર પોતાની છેલ્લી ચૂમી મૂકીને બારી વગરના સાઈબીરિયન કારાગૃહમાં પુરાવા ચાલ્યું ગયું હતું. એને પણ એના મુકદ્દમા વખતે એની બહેન એક ફૂલની ભેટ આપી ગઈ હતી. એ એક જ ફૂલની યાદને આધારે આ બંદીવાને કેદનાં વીસ વર્ષો વીતાવ્યાં હતાં. એ ફૂલને જેમ તેં ઉતાર્યું તારી વણકરીના કસબમાં, તેમ એણે વણ્યું હતું કવિતાની કારીગરીમાં. તારા જેવડી જ જુવાનીમાં એને કાળું પાણી મળ્યું હતું. ત્યાં બેસીને એણે ગાયું હતું –

શ્લૂસબર્ગમાં કિલ્લાની મારી અંધારી ખોલીમાં

લોખંડી કાનૂનો અને રોજિંદી કામગીરી વચ્ચે,

હું હેતે હેતે યાદ કરું છું એ રૂપાળાં ગુલાબો,

જે તું લાવી હતી, ઓ બહેન!

અદાલતમાં મારા મુકદ્દમાને કાળે

કેવાં સુંદર અને તાજાં એ ગુલાબો હતાં!

કેવા પવિત્ર હૃદયની એ સોગાદ હતી!

એ કાળ-દિવસે જાણે કે,

તારાં ફૂલો મારા કાનમાં કહેતાં હતાં,

પ્રકાશ અને મુક્તિના પેગામો.

તો પછી આ સુંદર ફૂલોનું સ્મરણ કરતાં કહે મને,

શા માટે હું વારે વારે ગમગીન બની જાઉં છું?

તારી પ્યારી આંખોમાં ડોકાઈ રહેલ એ પ્યાર,

શું મને ખુશહાલ અને સુખમય નહોતો કરતો?

પણ હવે તો તારાં આલિંગનો

મારે અંગે અડકતાં નથી.

કાળી નિરાશા મારા પ્રાણને રૂંધી રહી છે,

જેલરની આંખોથી હું અળગી પડું છું ત્યારે-ત્યારે

હું ધ્રૂસકે ધ્રૂસકે રડું છું, ને મારાં આંસુઓ

પેલાં તાજાં ગુલાબો પરનાં ઝાકળ-બિન્દુઓ જેવાં

ધીરે... ધીરે... ધીરે... ઝરવા લાગે છે.

તે છતાં સારું જ થયું કે તું એ લાવી હતી.

કેમ કે મારાં સ્વપ્નોને એણે ઝુલાવ્યાં છે.

અને મારાં સ્મરણોને એણે જગાડયાં છે.

ભાઈ દલબહાદુર, તું પુરુષ છે; તે ગીત ગાનારી તો હતી સ્ત્રી. તું એક વર્ષે તારી માતનો મેળાપ પામનાર જન્મકેદી જેમ અઠવાડિયે અઠવાડિયે મુલાકાતો મેળવનારાઓથી વધુ સુખી છે, તેમ એ પચીસ વર્ષો સુધી પ્રિયજનોનું મોં પણ ન જોઈ શકનાર તરુણી તારા કરતાં ય સો ગણી સુખી હતી. આ દુનિયાના સ્નેહ-તાંતણા આ અઠવાડિક મુલાકાતો મેળવનારાઓને ગળે ફાંસીની રસી જેવા બની ગયા છે. કારાવાસની અપર દુનિયામાં પડેલો એનો દેહપિંડ સંસારી પ્રીતિની એ દોરડીના આંચકા ખાતો ખાતો દિવસમાં દસ વાર ઝૂરે છે; તું સંસારને દૂર છોડીને અહીંની દુનિયા સાથે એકદિલ થઈ શક્યો છે ખરો, તે છતાં બાર માસે એક દિવસ – એક પ્રહર – એક કલાક એવો આવે છે કે જ્યારે તારી માતાનું દર્શન તને એ જીવતા જગતની યાદ તાજી કરાવી તારા કલેજામાં મીઠી કટારો ભોંકે છે.

પણ કેટલી બડભાગી હતી એ સાઈબીરિયાના કારાગૃહની એકલ સુંદરી! બંદીવાસના નવા જગત સાથે એનો સાચો જીવનમેળ જામી પડયો. પોતાની કોટડીની પછવાડે, પડખે તેમ જ ઉપરને મેડે જે પાડોશી કેદીઓ રહેતાં, જેનાં મોં જોવાનું નહોતું મળતું, તેની સહુની જોડે ટકોરાની ભાષામાં એ સુંદરી વાતો કરતાં શીખી ગઈ. વચ્ચે ઊભેલી પાકી, પહોળી દોડાદોડ કરવા લાગી. ટકોરે ટકોરે સામસામાં હૃદયદર્શન ચાલુ થયાં. આમ દીવાલના પાષાણોનેય પોતાનાં પાળેલાં કબૂતરો જેવી બનાવી લેનાર એ યુવતીએ કારાગૃહના સત્તાવાળાઓને આખરે હંફાવ્યા ને થોડાં વર્ષો પછી આંગણામાં ફૂલરોપ વાવવાનો હક્ક મેળવ્યો.

ટકોરાની સંકેત-ભાષા વાપરીને જેમ એણે પોતાનું પ્રણયસુખ માણી લીધું, તેમ આ ફૂલરોપને ઉગાડવામાં એણે પોતાના જનની બનવાના કોડ પૂરા કરી લીધા. જીવતા હો હવે પાછા બહાર જવાનું જ નથી એ માન્યતાએ એના જીવને ટટળતો બચાવી લઈ નવા કેદી અવતારની જોડે એકરસ થઈ જવા દીધો. પચીસ વર્ષની કેદ ભોગવ્યા પછી એને જ્યારે એકાએક છોડવામાં આવી ત્યારે તો એ ડોશી બની ગઈ હતી, પણ એ ભાંગી નહોતી પડી. નવી મુક્તિનો એને ખાસ કશો આનંદ નહોતો રહ્યો. બહાર આવીને એ ઘણું જીવી કેમ કે જીવનના પાયામાં એણે સાઈબીરિયાનાં કષ્ટોનું સીસું પૂરી લીધું હતું.

એમ તેં પણ, ભાઈ દલબહાદુર! જીવતી માતાના બારમાસી મૂંગા મેળાપના એક જ તાંતણાને બાદ કરતાં કારાવાસના નવજન્મને તારા જીવનમાં વણી લીધો છે. મા જે દિવસ મરશે તે દિવસ તારી જિંદગીમાથી છેલ્લો ધરતીકમ્પ નીકળી જશે. આ કેદખાનું તારું ખરું વતન બનશે ને અમે તારાં સાચાં ભાડું બની જશું. કમબખ્તી તો છે આ મુલાકાતો માટે ઘેલા, વલવલતા ફરતા સાતવારિયાઓની! જીવતા છતાં એ બધાં એ બધા વાસનાદેહી પ્રેતો સમાન જ છે.

પણ હવે જતાં જતાં તો તું જરી રડી પડ, ભાઈ દલબહાદુર! બડો પાજી નીકળ્યો આ પંજાબીઃ બડો કઠોર! પાકો નઘરોળ! માનો મેળાપ આટલે મહિને થયો, ને હવે, બીજા બાર મહિનાનો ગાળો એ ડોશી કાઢે તેમ લાગતુંયે નથી, તે છતાં આ કેદવાસી દીકરાએ એક આંસુ સાર્યું નહિ. એના વેરાન સરીખા ચહેરા ઉપર કરુણતાની કોઈ નાની તળાવડી પણ ઝબકી નહિ. બસ, થાકીને પછી ઊભો થઈ ગયો. માતાનું કલેજું જરીકે ઓગળે એવી કશી જ વિદાયવિધિ કર્યા વિના ખંભે રૂમાલ નાખીને એ તો દરવાજાની બારી પછવાડે અદૃશ્ય બન્યો. અને ડોશી પણ કંઈ કમ નિષ્ઠુર નીકળી! દીકરો જીવનભર માટે અહીં જીવતો દટાયો છે તે છતાં એના મોં ઉપર કે પીઠ ઉપર ડોસીએ હાથ સરખોયે ફેરવ્યો નહિ.

ડોશીનું મોઢું જ કેવું ઉજ્જડ, સળગી ગયેલ જંગલ સમાન હતું! એ મોં ઉપર જાણે કોઈએ હળ હાંક્યાં હોય ને એવા ઊંડા ચાસ પડી ગયા હતા. એમાં આંસુ પડે તોપણ ન દેખાય તેવી ઊંડી જાણે કે ખાઈઓ હતી. એના વાળ ટૂંકા, જાણે કે ખરી ગયેલા હતા. કોઈ અદીઠ વિપત્તિએ કેમ જાણે એનો એક વેળાનો કમ્મર સુધી ઢળકતો ચોટલો વીંખી પીંખી ઉખેડી નાખ્યો હોય!

રે ડોશી! જો તારી કશી લાગણી દેખાડવાની નહોતી તો પછી તું આટલું ખરચ કરીને નાહક અહીં આવી શા સારું? આંસુના એક ટીપા વડે પણ ન ભીંજાયેલો હોય એવો મા-દીકરાનો મેળાપ જેલમાં કોઈએ કદી જોયો કે સાંભળ્યો છે!

હા, પેલો દુત્તો પાટીદાર ડોસો જ્યારે પોતાના દીકરાને મળી લઈ પાછો પોતાની બુરાકમાં જતો હતો ત્યારે એણે ચાલાકી કરીને પોતાની આંખો ઝટ ઝટ લૂછી નાખેલી ખરી, અને અમારા આ દોઢ ડાહ્યા રાજકેદીએ એને જ્યારે આંખો ભીની થયાનું કારણ પૂછ્યું ત્યારે એ હાજરજવાબી ડોસાએ પોતાની પાટીદાર તરીકેની ખુમારી સાચવવાનો ડોળ કરતાં કરતાં ચોખ્ખે ગળે જવાબ દીધેલો કે `ના સા'બ! એ તો મારી ઓંછ્યોમાં અજવાસ પડયો તેથી! હું કાંઈ રડતો નથી. રડું શા સારું?'

પણ આ પંજાબી મા-દીકરો તો કાળમીંઢ પથ્થર-શા નીકળ્યા. એને પરસ્પર હેતપ્રીત જ નહિ હોય. એટલે એને તો આંસુ છુપાવવાનો ડોળ કરવાની પણ જરૂર પડી નહિ. દીકરો અંદર ગયો, ડોસી ડગુમગુ કરતી બહાર નીકળી તે વખતે પણ, અમારા રૂડા શેરબહાદુર આ રાજકેદીઓની પેઠે મા-દીકરાએ પાંચ-સાત વાર વળી વળીને એકબીજા પ્રત્યે નજર સુદ્ધાં માંડી નહિ.

અમારા રાજકેદીઓ તો કેટલા બધા સ્નેહભરપૂર! કેટલા આદર્શ, મમતાળું! મુલાકાતે આવનાર માતાની કે પત્નીની સામે કંઈ વેળા સુધી એકીટસે નિહાળી રહે. પહેલાં પ્રથમ તો જલદી જલદી મુલાકાતમાંથી ઊભાં જ ન થાય. જેલર પાંચ વાર મોં બગાડે, ને બે-ત્રણ વાર નફટ બની વિનંતી કરે, ત્યારે માંડ માંડ વિખૂટાં પડે. પછી પાછાં બારીઓ સોંસરવા ટગર ટગર જોયા કરે. પછી છેક પેલી દૂરની સડક સુધી પોતાનું સ્વજન પહોંચે તોયે દરવાજાના સળિયા ઝાલીને ઊભેલા આ સાવજોનું તારામૈત્રક પતે નહિ. દરવાનો બિચારા ક્યાંય સુધી જોયું-ન જોયું કરે. એની પહેરેગીરીની શિસ્તમાં પડી રહેલ ભંગ માટે એને પલે પલે ભય થાય તો પણ મૂંગા ઊભા રહે. તે છતાંય જ્યારે પેલી મીટોમીટનાં મિલન છૂટાં પડે જ નહિ ત્યારે આ ખાનદાન દરવાનો પોતનાં હસવાં માંડ માંડ ખાળી રાખીને એ રઢિયાળા રાજકેદીઓનાં સળિયે જડાઈ ગયેલ શરીરોને ધીરે ધીરે ઉખેડી નાખે, ને ફોસલાવી પટાવી પાછાં અંદર ધકેલે!

એ ઢુંગેઢુંગે આંસુની મારી મહેફિલમાં તમે પંજાબી મા-દીકરાએ એક પણ આંસુ ન પીરસ્યું, પીટયાઓ! દલબહાદુરની વણકરી વખાણવામાં અને પેલાં `ફૂલો' વિષેની પરદેશી વાર્તા-કવિતા સંભળાવવામાં મારો મનોરથ તો છૂપો છૂપો એ જ હતો કે કોઈ વાતે આ પંજાબી કેદીનું આંસુ મને મળી જાય!

હાય, હાય, મારા કલેજામાં આ અતૃપ્તિનો કિન્નો જાગે છે. દલબહાદુર, તારી અને જનેતાની વચ્ચે પ્રેમ હો કે ન હો મને જેલ-ઑફિસની બારીને કશીયે પડી નથી. તારે જુવાનીની કોઈ પ્રિયતમા હો કે ન હો તે વાતથી પણ મને શી નિસબત છે? મારે ને તારે શી એવી સગાઈ કે તારા પ્યાર અને તારા વિયોગ સાથે હું હમદર્દી અનુભવું? પણ મારે તો કેવળ મારી પોતાની મોજ ખાતર અને મારા સંઘરામાં ઉમેરવા ખાતર તારું એક આંસુ જોઈતું હતું. મારે રાત્રિએ એકલાં બેસીને તારાઓના આછા અજવાળામાં તપાસવું હતું કે દલબહાદુર પંજાબીના આંસુમાં શા શા આકારો પડેલા છે. એ મને ન મળ્યું એટલે હવે હું મારા વૈરની તૃપ્તિ સારુ થઈને તને ઠેર ઠેર વગોવતી રહીશ કે દલબહાદુર પંજાબીને લાગણી જેવી કશી ચીજ ક્યાં છે? એ તો રાક્ષસ છે રાક્ષસ!

બાકી, તારી ડોશીના ફૂટેલા હૈયામાં તો કશી કોમળતા હોય જ ક્યાંથી? પ્યાર મહોબત, ઉમળકા, એ બધાં તો છે સુંદર સુકુમાર શરીરવાળાંની સંપત્તિ, ઊર્મિઓના ઉછાળા તો આવે છે કે કેવળ કવિતાના જાણકારોને જ. કલેજાં તો ઠલવાય છે કેવળ એ જ નસીબદારોનાં કે જેને સંસારમાં સુખ છે, જેની કાયા ગૌર છે, જેનાં કપડાં સફેધ છે, લાલિત્યમય જબાન ને દર્દની વાણી જેમની પાસે છે.

જેમ કે પેલી ઈરાની બહેનોઃ ઓહોહો! જેલ-ઑફિસના ભરચક મનુષ્યોની વચ્ચે કેવી ખુલ્લી વહાલપથી એ પોતાના કેદી ભાઈને બાથ ભરી ભરી ભેટી રહી છે! ને ગળામાં ભુજાઓ લપેટી લપેટી કેવાં ધ્રુસકે ધ્રુસકે એ બહેન-ભાઈ, મા-દીકરો, કે ધણ-માટીડો (જે હોય તે) આક્રંદ કરી રહેલ છે.

શોભે છે – બેશક, બેશક એ ગૌર ગૌર ગાલો પરથી દડી રહેલાં મોટાં મોટાં આંસુઓ શોભે છે. ગોરાં ગોરાં ગળાંને વીટળાતાં એ માંસલ, ગુલાબી અને બંગડીદાર કાંડા ખરેખર આ વિલાપના દૃશ્યને દીપાવે છે. હીરચીરનાં વસ્ત્રાભરણો, મોજાંઓ, બૂટસપાટો, સમારેલ કેશગુચ્છો અને આક્રંદની સંસ્કારભરી વાણી – એ બધાં, ઓહોહો, શી અનેરી સૌંદર્યછાંટ છાટી રહેલ છે એ છાતીફાટ મિલન-વેદના ઉપર!

કોણ જાણે કેવોય ચોરી-લબાડીનો ગુનો કરીને એક વર્ષની સજા પામેલો એ ઈરાની કેદી મને પેલા હૈયાફૂટા દલબહાદુર પંજાબી કરતાં વધારે પ્રિય થઈ પડયો છે. ભેટી પડો, ખૂબ ખૂબ ભેટીને બાથ ભરો. જેલરસા'બ! એ સુંવાળાં, `સોજ્જા' સાચી પ્રીતિ કેળવી જાણેલાં મા-બહેન અને ધણિયાણીને એમના આ ખાનદાન સગા સાથે લાંબામાં લાંબી મુલાકાત કરાવો, કેમ કે એમાંથી રસ ઝરે છે. શેરડી સિંચોડે ભીંસાય ને મીઠાં શરબત ખળખળે તેવો આ સ્નેહરસ છે. બીજાં કાણાં, કૂબડાં, ઘરડાં, બુઢ્ઢાં, કાળાં ને કદરૂપાં, અબોલ અને થોથરાતી જીભોવાળાં મુલાકાતિયાંને મફતના દિલાવર બની જઈ તમે લાંબું મળવા ન દેજો.

***