Jail-Officeni Baari - 4 books and stories free download online pdf in Gujarati

જેલ-ઑફિસની બારી - 4

જેલ-ઑફિસની બારી

ઝવેરચંદ મેઘાણી

હરખો ઢેડો

જલદી બોલાવો, હરખા ઢેડાને તાકીદથી તેડી લાવો. એની વહુ મુલાકાતે આવી છે. ત્રણ મહિનાથી હરખો ઢેડો ઝૂરે છે. એ પાગલ બની જશે.

આ હરખો આવ્યો. જાણે પાંચ ગાઉની દોડ કરીને આવી પહોંચ્યો હોય તેટલા બધા થડકારા એની છાતીમાં ચાલી રહ્યા છે. એ ફાંકડા જુવાનના માથા પર ફક્ત પીળી જ ટોપી હતી એમ ન માનશો. ટોપી અરધી કાળી ને વળી અરધી પીળી હતી. હરખા ઢેડાની આ બીજી વારની જાત્રા હતી એટલે કાળો રંગ; અને દસ વરસની સજા હતી તેનો પીળો રંગ.

પણ હરખાને દસ વરસની શી પરવા હતી! એને તો છેલ્લા ત્રણ મહિના જ જન્મટીપ જેવા દોહ્યલા ગયા હતા, કેમ કે એની ઓરતે કોઈ બીજાનું ઘર માંડયાની વાત એણે સાંભળી હતી. મારી આરપાર જ્યારે એ બેઉ જણાંની આંખો મળી ત્યારે જાણે કે એચારેય આંખો વચ્ચે પ્યાર શોષવાની નળી સંધાઈ ન ગઈ હોય, તેમ ધોધેધોધ અશ્રુધારા વહેતી હતી. અને હરખો વલવલતે કંઠે કહી રહ્યા હતો કે `અરેરે! તેં મને ખબર પણ ન લખ્યા? તું મને પૂછવા પણ ન રોકાઈ? તું મને જીવતો મેલીને બીજાને ગઈ?'

સામેથી હરખાની જુવાન માશૂક જવાબ આપી રહી છેઃ `હું શું કરું? દસ વરસનો ગાળો હું ત્રણ છોકરાંને લઈને કેવી રીતે વટાવું! પેટગુજારો કરવાની દશ્ય સૂઝતી નો'તી. તેથી જ હું પારકાની ઓથે ગઈ છું. પણ તું નીકળીશ કે તરત જ હું પાછી તારી થઈ જઈશ. તું મૂંઝા મા!'

`હેં! સાચે સાચે તું મારી થઈશ?' હરખા ઢેડાની ત્રણ મહિનાની માંદગી એક પલકમાં ચાલી ગઈ. એના મોં ઉપર લાલચટક લોહી ચડી આવ્યું. `તું મારી થઈશ?'

`હા, હા, મનથી તો હું તારી જ છું ને તારી જ રહીશ.'

હજુ તો હરખાની દસ વરસની ટીપમાંથી નવ જ માસ વીત્યા હતા. સવા નવ વર્ષોનો એક મોટો જુગ બાકી હતો, પણ એ સવાનવ વર્ષો એની વહુના મોંની એક જ ફૂંકથી કોઈ ફોતરાંની પેઠે ક્યાંય ઊડી ગયાં. સવાનવ વર્ષોની જીવતી કબરમાં દટાયેલો હરખો `હું તારી જ રહીશ' એ વફાઈના વેણ ઉપર થનગની ઊઠયો. સમયનું લંબાણ એને મન મિથ્યા બની ગયું. મહાસાગર ઉપર જાણે કે દોટ કાઢીને સામે પાર પહોંચી જવાય તેવો સેતુ બંધાઈ ગયો.

`તું મારી જ રહીશ?'

`હા, તારી જ છું ને તારી જ રહીશ.'

બસ, હરખાને બીજી શી ચિંતા હતી? ધાવણું બાળ માતાને ધાવીને મોટું થાય, તેમ હરખો પણ પ્યારની આસ્થાને પોષણે સવાનવ વર્ષો કાપશે. એને કલ્પના પણ ન રહી કે સવાનવ વર્ષોમાં તો બીમારી આવશે કે મોતનું બિછાનું પથરાશે. દરમિયાન પેટગુજારાને કારણે પારકી બનેલી પ્રિયા ફરી કદાચ મળવા પણ નહિ આવી શકે. `કાંઈ ચિંતા નહિ. હરખો ઢેડો કંદીઓનાં પાયખાનાં સાફ કર્યા જ કરશે, પેશાબની કૂંડીઓ ઉલેચ્યા જ કરશે, મેલાંનાં કૂંડાં પેટીમાં ઠાલવ્યા જ કરશે, મેલાંની પેટી રોજ રોજ ખાડામાં દાટયા જ કરશે, કૂંડાંને તથા કૂંડીને ફિનાઈલનાં પોતાં ફેરવ્યા જ કરશે. સવાર-સાંજ રોટલા-દાળ મળશે તે સંડાસોની પછવાડે બેસીને ખાઈ લેશે. એ કોઈને ફરિયાદ નહીં કરે કે હું કોળી છું છતાં મને ઢેડાનું કાં સોંપો? કામ સોંપ્યું પણ મને પંગતમાંથી જુદો કાં તારવો? મને તારવ્યો તે ય ઠીક, પણ `ઢેડા!' કહી કાં બોલાવો? મને `હરખો' જ કહો ને!'

ના, ના, હરખાને આ વાતની પરવા હવે નથી રહી.

પ્રથમ જ્યારે બૈરીએ પૂછ્યું કે `તને શીનું કામ કરાવે છે?' ત્યારે હરખો ઝંખવાણો પડી ગયો હતો. એણે નીચું જોઈ જવાબ આપ્યો હતો કે `મેલું સાફ કરવાનું.' પણ ઘેરદાર ઘાઘરાવાળી હરખાની પ્રિયા જરીકે સુગાઈ નહોતી. એણે કહ્યું હતું કે `કાંઈ ફકર નહિ. તું તારે એ કામ કરજે. પણ તેં માળા પે'રી હતી તેનું કેમ?'

હરખાએ કહ્યું: `એ તો મેં આ કામ મને સોંપાયું તે જ દા'ડે બીજા કેદીને આપી દીધી છે. તું શું મને એવો અબુધ જાણછ કે હું તળશીના પારાની માળા પે'રીને મેલું ઉપાડું?'

`ના રે ના! તું એવો અબુધ નો'ય રે નો'ય. હું તને ઓળખું છું.'

આ બન્ને જણાં આમ ક્યાં સુધી વાતો કરશે? હું જેલ-ઑફિસની નિષ્ઠુર નિષ્પ્રાણ બારી આવા પ્યારના શ્વાસોચ્છ્વાસ ક્યાં સુધી સહન કરીશ? મને ૭૫-૧૦૦ વર્ષ થઈ ગયાં. બુઢાપો આવ્યો, છતાં મારે કેવી ગુફતેગોને કાનમાં ઝીલવી પડે છે! જેલની બીજી બધી બારીઓ સુખી છે, ભાગ્યશાળી છે, કે એને રોજેરોજ તો શું, કદીય આવા સુંવાળા ભાવઉછાળાના મર્માઘાતો સહન કરવા પડતા નથી. મારે તો હંમેશાં ને હંમેશાં રિબાવું જ રહ્યું. હું કહું છું કે મારે હૈયું નથી. હું નિષ્ઠુર છું; પણ આ બધાં મુલાકાતિયાં પ્રેમીજનો નાહક મને દુવાઓ દઈ રહ્યાં છે. મને એ પોતાનાં દિલ ખોલવાનું એકનું એક ઠેકાણું સમજે છે. મારે ખોળે એ અંતરની યાતનાઓ ને ગુપ્ત વેદનાઓ ઠાવલે છે. મને પોતાની રહસ્ય-સખી સમજે છે. આ બધો જશ મારે નથી જોઈતો. ઓ મુકાદમ! હવે આ હરખા-હરખીનાં ટાયલાં બંધ કરાવ ને, બાપુ!

પણ આજ તો મુકાદમ મીની જેવો બનયો છે. આજે તો જેલર આવી ગયા છે. મારા જેવડો જ જઈફ જેલરઃ પણ એ શાનો આ હરખા-હરખીને અટકાવે? એ કાંઈ ઓછો રસિકડો છે! કોઈ જુવાન જોડલું જોયું એટલે બસ ચાહે ત્યાં સુધી વાર્તાલાપ ચલાવવાની છૂટ! જુવાન જોડલાને જોતાં જ એને પોતાની જુવાની યાદ આવે છે ને એ દરેક જુવાનિયાની મુલાકાત દ્વારા પોતાના યૌવન-સુખની મધુરી ઘડીઓ જીવી કાઢે છે. અરેરે! કેદીઓયે આવા કોમળ, અને ત્રીસ વરસનો અનુભવી જેલર પણ આખરે તો આવું કબૂતર જેવું કલેજું રાખીને બેઠો છે, ત્યાં મારું એકલીનું શું ચાલે? આંહીં જો આટલા આટલા પ્રયત્નો થયા પછી પણ માનવતા આમ જીવતી રહેતી હોય, તો પછી આ કારાગૃહોનું જ શું કામ છે?

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED