હમ તુમ્હારે હૈ સનમ
(ભાગ-૨)
આજે લગ્ન માટે જેતપુર જવાનો દિવસ છે. આયતનાં અમ્મી અબ્બુ એને સાથે લઇ જવા માની ગયા છે. એ એમ સમજી ને માન્યા છે કે અરમાન ક્યાં કોઈ દિવસ કોઈના લગ્ન-પ્રસંગમાં આવે છે. આયત એના અમ્મી રુખશાના અને અબ્બુ સુલેમાન સાથે જૂનાગઢ થી જેતપુર જવા નીકળે છે. આયત ની સખી આયત ને "ઓલ ધી બેસ્ટ" કેહવા આવી છે. આજે આયત પણ ખુબ જ સુંદર રીતે ટ્રેડિશનલ માં તૈયાર થઇ છે. આયત ના પિતાએ એક કેબ બોલાવી એમાં ત્રણે બેસીને નીકળ્યા.
અહીં રાજકોટ થી અરમાન એની માતા સાથે પટેલ ટ્રાવેલ્સમાં બેસી ને જેતપુર જવા નીકળે છે. અરમાન નો પિતરાઈ ભાઈ અને રૂમપાર્ટનર અક્રમ પણ બીજી બસમાં કોલેજ થી બેસી ને નીકળે છે. અરમાન અને એના અમ્મી અનિશા જેતપુર પહોંચી ને ત્યાં થી ઓટો માં બેસી એની માસી સલમાબાનું ને ત્યાં જઈ રહ્યા હોય છે.
"બેટા અરમાન તું અહીં ગુસ્સો ન કરતો. આપણાં ઘર જેવી ચા અહીં ન મળે તો ચલાવી લેજે. અહીં ખાવાનું પણ તને સ્પેશિયલ નહીં મળે લગ્ન છે તો બધા માટે જે બનશે એ જ જમી લેજે..."
"હા અમ્મી... બાજરી નો રોટલો ને ઓળો તો મળી જશે ને..?"
અરમાન હળવા સ્મિત સાથે બોલ્યો.
"હા , કાઠીયાવાડ છે તો એ તો અવશ્ય મળી રહેશે..."
બંને આમ જ વાતો કરતા હોય છે ત્યાં સલમાબાનું નું ઘર આવી જાય છે. બધા એમને જોતા જ ફળિયામાં આવી જાય છે. ખુબ જ વ્હાલ અને લાગણી થી બધા અરમાન અને અનિશા જી ને ગળે મળે છે. ખુબ જ દિલ થી સ્વાગત કરે છે. સલમાબાનું ને અરમાન મળે છે તો એ એના માસી ની મસ્કરી કરતા કહે છે...
"મારી સહેલી , મારી માસી હું તો તારા માટે જ આવ્યો છું..."
"ચલ જુઠા... મને બધી જ ખબર છે તું કોની માટે આવ્યો છે હો..." સલમાબાનું એનો કાન ખેંચતા બોલે છે.
બધા ઘરમાં બેસી ને લગ્ન ગીતો ગાય છે પણ અરમાન ની આંખો કોઈ ને શોધી રહી છે. સલમાબાનું ની દીકરી પરવીન આ જોઈ અરમાન પાસે જાય છે.
"વીરા, તમે જેને શોધી રહ્યા છે હજી એ આવી નથી..."
"તને કેમ ખબર હું કોને શોધું છું...?"
"કોને શોધો છો તમે વીરા..."
"હું અક્રમ ને શોધું છું, એ હજી કેમ નથી પહોંચ્યો..." અરમાન એ અક્રમ નું નામ આપી ને વાત ફેરવી. હકીકત માં તો એ આયત ને શોધી રહ્યો છે.
"વીરા એ તો વાળીએ પુરુષોની મહેફિલ માં બેઠા છે..."
"સારું ક્યાં છે એ વાળી?"
"મારા નાના ભાઈ ને સાથે મોકલું છું અહીંથી બહાર નીકળતા જ જમણી તરફ અને પછી ડાબી તરફ વળી જજો.. એને જોયો છે રસ્તો"
અરમાન પરવીનના નાના ભાઈ રેહાન સાથે વાળી તરફ જાય છે જેવા એ થોડે દૂર પહોંચે છે ત્યાં એક કેબ નીકળે છે. કેબમાં બેથેલ રુખશાના ની નજર અરમાન પર પડે છે. પણ અરમાન નું ધ્યાન એ તરફ નથી હોતું.
"જોયું તમે સલમાબાનું ના છોકરા રેહાન સાથે કોણ હતું?" રુખશાના એના પતિ સુલેમાન ને કહે છે.
"હા મેં જોયો અરમાન હતો..."
"આપણને જોઈ ને ઉભો પણ ન રહ્યો અને સલામ પણ ન કરી. અનિશા એ એને કઈ શીખવાડ્યું નથી..." રુખશાના મોઢું વાંકુ કરી ને બોલી.
આ સંવાદો વચ્ચે એક જ વ્યક્તિ ના ચહેરા પર સ્મિત આવ્યું એ હતી આયત. એની દુઆ કબૂલ થઇ ગઈ. આખરે અરમાન આવી જ ગયો. પણ એ અમ્મી-અબ્બુ વચ્ચે બેઠી હતી તેથી એ અરમાન ને જોઈ ન સકી પણ નામ સાંભળી ને મન પ્રફુલીત થઇ ગયું.
વાડી એ જતા રસ્તામાં અરમાને રેહાન ને પુછયુ
"આપણી સામે હમણાં જે ગાડી ગઈ ઘર તરફ એમાં કોણ આવ્યું ?"
"અરમાન ભાઈજાન એમાં તો આપણાં જૂનાગઢ વાળા સુલેમાન માસા ને એમનો પરિવાર"
આટલું સાંભળતા જ અરમાન ત્યાંથી પાછો ફર્યો. એના મનમાં ઉત્સુક્તા વધી, આયત ને જોવાના ઇરાદા થી એ પાછો આવ્યો પણ ત્યાં સુધીમાં તો આયત અંદર પહોંચી ગઈ હતી. આયાત એના માસી સલમાબાનું અને અનિશા માસી જે એના થનારા સાસુ હતા એમને મળી.
"હું એકલી નથી આવી... આ વખતે તો કોઈ ને સાથે લઇ ને આવી છું..." આયત અનિશા માસી ને ગળે મળી ત્યારે અનિશા માસી એને ચિડાવતા બોલ્યા.
આટલું સાંભળતા જ આયત સરમાઈ ને ઓરડામાં ચાલી ગઈ. અરમાન ને આયત ન જોવા મળી એટલે એ ગુસ્સામાં આવી ગયો. વાત વાત માં ગુસ્સે થવું અરમાન ના સ્વભાવમાં હતું. અરમાન ફળિયામાં ઉભો હતો ત્યાં પરવીન આવી.
"વીરા.. તમે ગયા નઈ વાળીયે??"
"ના.. મારે નથી જવું ત્યાં... "
"તમે મળ્યા એને... એ આવી ગઈ..."
"કોને મળ્યો? કોની વાત કરે છે તું?"
"વીરા હું આયત ની વાત કરું છું... તમે એને જોઈ નઈ? એ ત્યાં હોલ માં તો બેઠી હતી..."
"મેં તો કેટલીય છોકરીઓ જોઈ જોઈ હશે એને પણ મને ખ્યાલ નથી..."
"વીરા.. ગુસ્સો ન કરો અને એ બધા જેવી નથી... સૌથી સોહામણી અને અલગ છે..."
"હશે... તો હું શું એને સામે થી મળવા જાઉં??? મને ભૂખ લાગી છે... મને જમવાનું લાવી આપ..."
"વીરા બધા મહેમાન આવ્યા છે. સાથે ચા-નાસ્તો કરી લો. હું થોડીવાર માં જમવાની વ્યવસ્થા કરાવી આપું છું..."
"ના મારે નાસ્તો-ફાસ્તો નથી કરવો.. મારે જમવું છે. મને જમવાનું લાવી આપ... જલ્દી."
"રેહાન.... રેહાન... અહીં આવ. અરમાન ભાઈ ને ભૂખ લાગી છે. જા જ્યાં જમવાનું બનાવે છે ત્યાંથી ભાઈ માટે જમવાનું લઇ આવ."
અરમાન આટલું કહી ઘરના ધાબે જાય છે. સાંજના ૭:૦૦ વાગી ગયા હોય છે. પરવીન પણ રેહાન ને કામ સોંપી હોલ માં જતી રહે છે. ત્યાં બધા મહેફિલ જમાવીને લગ્નના ગીતો ગઈ રહ્યા હોય છે. મીરબાઈ ઢોલકી વગાળી ને એમાં તાલ પરોવી રહી હોય છે. રેહાન જમવાનું લઈને અરમાન પાસે જઈ રહ્યો હોય છે ત્યાં અક્રમ એને જુવે છે.
"રેહાન... બેટા આ કોના માટે જમવાનું લઈને જાય છે??"
"અરમાન ભાઈજાન માટે..."
"શું છે જમવામાં...?"
"પુરી , બટેટા ની સબ્જી અને કઢી-ખીચડી..."
"બેટા તું આ પાછું લઇ જા અરમાન આ નઈ જમે..."
"પણ કેમ અક્રમ ભાઈજાન?"
"તું આ થાળી લઇ ને જઈશ તો એ ઉલ્ટી કરી દેશે.. એને પુરી અબે બટેકા ની સબ્જી બિલકુલ પસંદ નથી..."
"સારું ભાઈજાન તો હું આ પાછું મૂકી ને આવું છું. તમે અરમાન ભાઈજાન ને કઈ દેજો..."
"હા વાંધો નહિ હું એ સાંભળી લઇશ ક્યાં છે અરમાન?"
"એ ધાબા પર બેઠા છે..."
અક્રમ અરમાન પાસે ધાબા પર જાય છે.
"તે મને કહ્યું કેમ નહિ તું આવવાનો છે??" અક્રમ એ પહોંચતા જ અરમાન ને પુછયુ..
"કહેવાનો હતો પણ તું કોલેજ ચાલ્યો ગયો હતો. "
"સારું ચાલ એ કહે શું જમીશ?"
"કેમ આવું પૂછે છે? રેહાન લેવા જ ગયો છે... આવતો જ હશે.."
"રેહાન નઈ લાવે જમવાનું, મેં ના પાડી દીધી."
"પણ કેમ એમાં શું ખરાબી છે???"
"ખરાબી કઈ નથી પણ એ તું નઈ ખાઈ શકે. પુરી ને બટેકા ની સબ્જી છે..."
"ઓહ... આમ તો બહુ કહેતા હોય છે કે આવો અમારે ત્યાં ને આવ્યા તો જમવાના પણ ઠેકાણા નઈ... " થોડો ગુસ્સામાં અરમાન બોલ્યો.
"ચાલ છોડ હું કંઈક વ્યવસ્થા કરું છું. મને એ કે મળ્યો તું એને?"
"અરે યાર ... મને બધા આ જ સવાલ પૂછે છે. નથી મળ્યો કે ના હજી સુધી જોઈ છે. કોણ જાણે ક્યાં સંતાઈ ને બેઠી છે..."
"બહુ શરમાળ છે. એ તારા થી શરમાતી હશે.. ચાલ હવે કે શું જમીશ? આજે તો તું કહીશ એ મંગાવી આપીશ..."
"બાજરીનો રોટલો ને ઓળો લાવી આપ..."
"અત્યારે.... ૮:૦૦ વાગે ક્યાં મળશે ઓળો.. ચાલ હું કોશિસ કરું છું. પણ બાજરી નો રોટલો તો બનાવળાવો પડશે. હું સલમા માસી ને કહું છું કે અરમાન ને બાજરી નો રોટલો ને ઓળો ખાવો છે તો આયત ને કહો રોટલો બનાવી આપે. આયાત રોટલો ખુબ જ મસ્ત બનાવે છે."
"હું કહું છું એવું કહેવાની જરૂર નથી એનું મન થાય તો બનાવે..."
અક્રમ આ અરમાન ના જમવાની ફરમાઈશ પરવીન ને જણાવે છે. પરવીન હોલમાં આવીને કહે છે.
"વીર જી ને ઓળો અને રોટલો જમવો છે. ઓળો તો હું અહીં બાજુ માંથી લઇ આવું છું પણ રોટલો કોઈક એ બનાવવો પડશે..."
આયત મનોમન ખુશ થાય છે એનો ચહેરો જોઈને સલમાબાનું પરવીન ને કહે છે. આયત ખુબ જ સરસ રોટલો બનાવે છે. તું એને કાનમાં જઈને કહે કે એ અરમાન માટે બનાવે. પરવીન આયાત ના કાનમાં કહે છે અને બંને ઉભી થઇ ને બંને ચૂલા પાસે જાય છે. આયત રોટલો બનાવની શરૂઆત કરે છે ત્યાં જ આયત ના અમ્મી આવે છે.
"અત્યારે આ રોટલો કોના માટે બનાવે છે?"
"વીરા ને ખાવું છે. માસી. અરમાન વીરા ની ફરમાઈશ છે.." પરવીન થોડી ઉત્સાહ થી બોલે છે.
આટલું સાંભળતા જ આયત ના અમ્મી એને હાથ પકડી ને ઉભી કરી દે છે અને પરવીન ને કહે છે..
"તારા વીરા ને કેજે આ ફરમાઈશ બીજે ક્યાંક જઈને કરે... અહીં અમે એના રોટલા બનાવવા નથી આવ્યા.."
આયત ચૂપચાપ કઈ બોલ્યા વગર હોલમાં પછી જતી રહે છે. પરવીન ને રોટલો સારો બનાવતા ન આવડતું હોવા છતાં એ હવે વીરા માટે બનાવે છે ને થાળી તૈયાર કરી ને અક્રમ ને આપે છે. રોટલો જોતા જ અરમાન ગુસ્સે થાય છે. રોટલો થોડો દાઝી ગયો હોય છે. એ કહે છે મારે નથી ખાવું.
અક્રમ એને સમજાવે છે કે આ રોટલો પરવીન એ બનાવ્યો છે. આયત બનાવતી હતી પણ એના અમ્મી એ એને રોકી. પરવીન થાળી પાછી લઈને જાય છે.
હોલમાં આયત એના માસી અનિશા (થનાર સાસુ) ના ખોળા માં માથું રાખી ને બેઠી હોય છે. અનિશા જી આયત ને ચિડાવતા બોલે છે.
"તું ૧૨મું ધોરણ પૂરું કરી લઇશ ને પછી હું તને લઇ જઈશ. "
આ સાંભળી આયત શરમાય છે પણ રુખશાના નો ચહેરો કોપાયમાન બન્યો હોય એવો લાગે છે. એટલામાં પરવીન આવે છે.
"વીરા નથી જમતા. એમને રોટલો ન ગમ્યો..."
"કેમ ? ઓળો ને રોટલો તો એનો મન પસંદ છે. કેમ ન ગમ્યો એને? કોણે બનાવ્યો તો રોટલો?" અનિશા જી બોલ્યા...
"મેં માસી... મને રોટલો બનાવતા બરાબર નથી ફાવતું..." પરવીન થોડી ઉદાસ થતા બોલી.
"તો બેટા આયત ને કહેવાય ને ... એ બહુ સારો બનાવે છે..."
"કહ્યું હતું માસી.. પણ રુખશાના માસી એ ના પાડી એને..."
આટલું સાંભળતા આયત ના મનમાં ચિંતા થઇ કે અરમાન ક્યારનો ભૂખ્યો છે. હવે એ જમશે નહીં તો તબિયત બગડશે. એમ વિચારતા જ એ બોલી.
"હું જાઉં છું બનાવવા માસી.. અમ્મી એ મને નહોતી રોકી. મારી જ ભૂલ છે મારે બનાવવો જોઈએ..."
આટલું કહી ને આયત રોટલો બનાવવા ફરીવાર ચૂલા પાસે બેસે છે. પ્રેમથી એ રોટલો બનાવી એના પર ચોખ્ખું ઘી ચોપડી થાળીમાં ઓળો, માખણ , રોટલો, અને ગોળ પીરસી ને થાળી તૈયાર કરે છે.....
કર્મશ:...