અન્યાય
કનુ ભગદેવ
૧: રૂપિયા લાવો
તેઓ કુલ ચાર જણા હતા.
(૧) શશીકાંત...! ઉંમર આશરે સાડત્રીસ વર્ષ! દેખાવ એકદમ ઉજળો...!
(૨) બિહારી...! ઉંમર આશરે પાંત્રીસ! શરીરનો રંગ સ્હેજ ઘઉંવર્ણો !
(3) સંતોષકુમાર...! ઉંમર આશરે તેંત્રીસ વર્ષ! એના ચ્હેરા ઓપર સીળીના ચાઠા હતા !
(૪) અજય...! ઉંમર આશરે આડત્રીસ વર્ષ! રાઠોડી બાંધો, સાડા પાંચ ફૂટની ઉંચાઈ, ગોરોચીતો ચ્હેરો! એની આંખો ભૂરી હતી.
ઉપરોક્ત ચારે ય જીગરજાન મિત્રો હતા.
ચારેયનો ધંધો એક જ હતો. ખીસ્સા કાતરવાનો અને રેલ્વે સ્ટેશન પરથી ઉતારૂઓની નજર ચુકવીને તેમની બેગ ઉઠાંતરીનો !
ચારે ય ભણેલ, ગણેલ અને બુદ્ધિશાળી હતા. તેઓ પૂનામાં સાથે જ ભણ્યા હતા. પરંતુ પુષ્કળ પ્રયાસો કાર્ય છતાં પણ ક્યાંય નોકરી ન મળી એટલે નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યા હતા. અહીં પણ ક્યાંય નોકરી ન મળી એટલે ન છૂટકે તેઓ ગુનાનાં માર્ગ પર વળ્યા હતા. ચારે ય વસઈ ખાતે ચુલના રોડ પર એક નાનકડું બે રૂમનું મકાન ભાડે રાખીને રહેતા હતા.
સવારે તેઓ પાલઘર પહોંચી જતાં અને સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનોમાં પોતાનું નસીબ અજમાવતા. કોઈ દિવસ ફેઈલ જાય તો પછી મુંબઈની લોકલ ટ્રેનની ભીડનો પણ લાભ લઈ લેતા.
ચારેયનો દેખાવ એવો આકર્ષક હતો કે તેઓ ઉઠાવગીર હશે એની તો કોઈને કલ્પના પણ આવે તેમ ન નહોતું. ચારમાંથી એકેયે હજુ સુધી લગ્ન નહોતા કર્યા.
અત્યારે રાતનાં નવ વાગ્યા હતા.
એ ચારમાંથી ત્રણ એટલે કે શશીકાંત, બિહારી અને સંતોષકુમાર આ ત્રણે ય પોતાનાં ચોથા સાથીદાર અજયના આવવાની રાહ જોતા હતા.
‘શશીકાંત...!’ સહસા બિહારી બોલ્યો, ‘આજે આપણા હાથમાં તો કંઇ આવ્યું નહીં. ઠંડીને કરને માણસો ગજવામાં જ હાથ રાખીને ફરે છે. આ ટાઢ તો આપણી જબરી દુશ્મન છે.’
‘ભાઈ બિહારી...!’ શશીકાંતે કહ્યું, ‘ટાઢ, તડકો અને વરસાદ તો કુદરતનો ક્રમ છે. એમાં આપણાથી કશું યે થઇ શકે તેમ નથી. જોઈએ અજય શું લઇ આવે છે. અને...’ એની વાત અધૂરી રહી ગઈ.
એ જ વખતે બારણાં પર ટકોરા પડ્યા.
‘કદાચ અજય જ હશે...!’ સંતોષકુમારે ઊભા થઈને બારણાં તરફ આગળ વધતાં કહ્યું.
એણે બારણું ઉધાડ્યું.
બહાર અજય ઊભો હતો. એના હાથમાં એક નાનકડી વી.આઈ.પી. સૂટકેસ જકડાયેલી હતી. એના ચ્હેરા પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં.
સૂટકેસ જોઇને બાકીના ત્રણેયના ચ્હેરા હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકી ઉઠ્યા.
‘વાહ અજય વાહ...આજે તો તેં કમાલ કરી નાખી...!’ બિહારી ચમકારા મારતી નજરે સૂટકેસ સામે જોતાં બોલ્યો, ‘અમને ત્રણે ય ને તો આજે કંઈ જ નથી મળ્યું.’
અજય આગળ વધીને પલંગ પર બેસી ગયો. સુટકેસને એણે જમીન પર પોતાના પગ પાસે જ મૂકી દીધી.
‘શશીકાંત...!’ એ બોલ્યો, ‘મને ખૂબ જ થાક લાગ્યો છે. તું બધાં માટે ચા બનાવી લવ. માંડ માંડ હાપાથી આવતી હૈદરાબાદ એક્સ્પ્રેસના એક મુસાફરની સૂટકેસ મેં મેળવી છે. આજે તમને કંઈ નથી મળ્યું તો એમાં શા માટે મુંઝાઓ છો? મને તો મળ્યું છે ને?’
‘આ સૂટકેસમાં શું છે?’
‘હું નથી જાણતો. મારી પાસે ક્યાં એની ચાવી હતી કે હું તેને ઉઘાડું? ચા પીને પછી નિરાંતે આપણે તેને ઉઘાડીએ.’
‘અજય...આ વી.આઈ.પી. સૂટકેસ છે એટલે તાળું તોડ્યા વગર એ નહિ જ ઉઘડે.’ શશીકાંત બોલ્યો.
‘તો તાળું તોડી નાંખીશું પણ પહેલાં તું ચા બનાવી લાવ! એકદમ કડક-મીઠી...’
શશીકાંત માથું હલાવીને બીજા રૂમમાં ચાલ્યો ગયો.
‘યાર અજય!’ બિહારી એકીટશે સૂટકેસ સામે તાકી રહેતા બોલ્યો, ‘આ સૂટકેસમાંથી કપડાં સિવાય બીજું કાંઈ જ નહીં નીકળે તો?’
‘ભાઈ બિહારી, આ તો ભર્યું નાળીયેર છે.’ સંતોષકુમારે કહ્યું, ‘કદાચ વસ્ત્રો નીકળશે તો એ આપણને કામ લાગી જશે. આમે ય મારું પેન્ટ ફાટી ગયું છે.’
‘એ તો બરાબર છે પણ જો તેમાંથી કોઈ સ્ત્રીનાં વસ્ત્રો નીકળશે તો ? આપણે કંઈ થોડાં જ એ વસ્ત્રો પહેરવાનાં છીએ? આપણાં આ ચાર જણના કુટુંબમાં કોઈ સ્ત્રી છે જ ક્યાં...?’
‘તો...તો...’ સંતોષકુમાર માથું ખંજવાળવા લાગ્યો, ‘આના કરતાં તો આપણામાંથી કોઈકે નિશા સાથે લગ્ન કરી લીધાં હોત તો સારું હતું. પણ કોઈ માન્યું નહિ.’
કૉલેજ દરમિયાન ચારે ય એક જ યુવતીને પ્રેમ કરતાં હતાં. એનું નામ નિશા હતું. પણ પોતે એક જ યુવતીને ચાહે છે એ ચારમાંથી કોઈ જ નહોતું જાણતું. પછી જયારે આ વાત જાહેર થઈ ત્યારે ચારે ય એકબીજાને નિશા સાથે લગ્ન કરી લેવા માટે સમજાવવા લાગ્યા. બધા પોતાના પ્રેમનું બલિદાન આપવા માંગતા હતા. પણ કોઈ માન્યું નહીં એટલે છેવટે તેમને નિશાને જ પડતી મૂકી દીધી. આવી હતી તેમની અતૂટ દોસ્તી! આવો હતો તેમનો અખંડ પ્રેમ!
એ જ વખતે શશીકાંત ચા બનાવી લાવ્યો.
સૌએ ચા પીધી.
ચા પીધા પછી અજયનો થાક થોડો ઓછો થઇ ગયો.
ત્યારબાદ તેમને ડીસમીસ, હથોડી વિગેરેની મદદથી સૂટકેસનું તાળું તોડી નાખ્યું. અજયે તેનું ઢાંકણું ઉઘાડી નાખ્યું. સૌથી ઉપર ગુજરાત સમાચાર નામનું અખબાર હતું. એની નીચે બે જોડી જેન્ટ્સ વસ્ત્રો હતાં અને વસ્ત્રોની નીચે જે હતું એ જોઈને ચારેયનું હૃદય ધબકારા ચૂકી ગયું.
વસ્ત્રોની નીચે પાંચસો પાંચસો રૂપિયાની નોટોવાળા ચાર નવાં નકોર બંડલો હતાં.
ચારે ય બંડલોમાં કુલ બે લાખ રૂપિયા હતા.
થોડી પળો સુધી તો જાણે કે તેમને પોતાની આંખો પર પણ ભરોસો ન બેઠો. આવડી જંગી રકમ એમને જિંદગીમાં પહેલી જ વાર જોઈ હતી. બિહારી એક બંડલ ઊંચકીને જાણે એ બંડલ નહીં, પણ નાનું બાળક હોય એમ તેના પર વ્હાલથી હાથ ફેરવવા લાગ્યો.
‘વાહ...વાહ...!’ શશીકાંત આનંદભર્યાઅવાજે બોલ્યો, ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ લેકીન અજય દેતા હૈ તો સૂટકેસ તોડ કે દેતા હૈ!’
એની સાંભળીને ત્રણે ય હસી પડ્યા.
‘ચાલો... આપણા છ મહિના ટૂંકા થયા! છ મહિના સુધી હવે આપણે કંઈ જ કરવાની જરૂર નથી.’ બિહારીએ નોટોનાં બંડલને પુનઃ સૂટકેસમાં મૂકતાંકહ્યું.
‘આપણે આમાંથી છ મહિના ટૂંકા નથી કરવાના!’ સંતોષકુમાર વિચારવશ અવાજે બોલ્યો.
‘તો?’ અજયે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.
‘આપણી જિંદગીમાં માંડ માંડ આપણા હાથમાં આટલી મોટી રકમ આવી છે. એટલે આ પૈસાથી આપણે કોઈક ઉદ્યોગ સ્થાપીએ તો કેમ રહેશે?’ સંતોષકુમારે પૂછ્યું.
‘તારી વાત સાચી છે. પણ ઉદ્યોગ સ્થાપના માટે આટલા પૈસા પૂરતા નથી. એના માટે તો ઓછામાં ઓછા પચાસ લાખ રૂપિયા જોઈએ. બે લાખમાં કંઈ જ ન થાય! પણ કંઈક કરવું તો છે જ! ખેર, અ બાબતમાં સવારે નિરાંતે વાતો કરીશું.’ અજયે બંડલને વ્યવસ્થિત કરીને સૂટકેસનું ઢાંકણું બંધ કરતાં કહ્યું.
‘ઠીક છે...’ બાકીનાં ત્રણેય એકી સાથે બોલી ઊઠ્યા.
અજયે સૂટકેસને પલંગ નીચે સરકાવી દીધી.
ત્યારબાદ સહસા એની અજર પલંગ પર પડેલાંગુજરાત અમાચાર નામના દૈનિક અખબાર પર પડી. શશીકાંત, બિહારી અને સંતોષકુમાર સૂઈ ગયા હતા.
અજય અખબાર ઉઘાડીને વાંચવા લાગ્યો. પછી અચાનક તેની આંખો એકદમ ચમકવા લાગી.
અખબારની ગડી કરી પલંગનાં ગાદલાં નીચે દબાવીને તે સૂઈ ગયો.
સવારે સાત વાગ્યે ચારે ય ઊઠ્યા. આટલી મોટી રકમ હાથમાં આવ્યા પછી કોઈને ય ધંધે જવાનો મૂડ નહોતો. અને એ કારણસર એ તેઓ આટલા મોડા ઊઠ્યા હતા. નહીં તો સાત વાગ્યે તો તેઓ સ્ટેશનો પર પહોંચી જતા હતા.
નિત્યકર્મથી પરવારીને ચારે ય જણ નિરાંતે વાતો કરતા બેઠા. તેમની વચ્ચે એક સ્ટુલ પર પેલી સૂટકેસ પડી હતી.
અજયના હાથમાં સૂટકેસમાંથી નીકળેલું ગુજરાત સમાચાર નામનું અખબાર જકડાયેલું હતું.
ત્રણે ય ઉત્સુક નજરે તેની સામે તાકી રહ્યા હતા.
‘અજય...!’ છેવટે બિહારીની ધીરજ ખૂટી ગઈ, ‘તારા કહેવા પ્રમાણે આટલી રકમમાં મોટો ઉદ્યોગ સ્થપાય તેમ નથી. નાનો ઉદ્યોગ સ્થાપીએ તો એમાં આપણો રાક્ષસી ખર્ચ નીકળશે નહીં. સંતોષ છ મહિના ટૂંકા કરવાની ના પાડે છે. તો પછી આ રકમનું શું કરવું છે?’
‘આ રકમમાંથી જ આપણે કરોડપતિ થઈશું, બિહારી’ અજય બોલ્યો.
‘એમ?’
‘હા...’
‘કેવી રીતે!’
‘કરોડપતિ બનવા માટે આપણે રાજકોટ જવું પડશે?’ રાજકોટ શહેર જાણે પોતાના બાપદાદાની જાગીર હોય એવા હાવભાવ સાથે અજય બોલ્યો.
‘રાજકોટ...?’
‘હા...’
‘કેમ ત્યાં વળી કોઈ કરોડ રૂપિયાની બેગ ભરીને આપણી રાહ જુએ છે કે શું?’ બિહારીના અવાજમાં મજાકનો સૂર હતો. ‘તારું માથું તો નથી ભમી ગયું ને? રાજકોટ માટે આપણે સાવ અજાણ્યા છીએ. ત્યાં આપણને કોઈ ઓળખતું પણ નથી.’
‘અને છતાં ય આપણને ત્યાંથી એક કરોડ નહિ તો સીત્તેર-એંસી લાખ રૂપિયા મળી શકે તેમ છે.’
‘કેવી રીતે?’
‘એના માટે સૌથી પહેલાં તો આપણે ચારેએ રાજકોટ જવું પડશે .’
‘તને ત્યાં જવાનું કેવી રીતે સુજ્યું?’
જવાબમાં અજયે ગુજરાત સમાચાર સ્ટુલ પર પાથર્યું. પછી બોલ્યો, ‘આ સમાચાર તમે વાંચી લો, એટલે તમને બધું સમજાઈ જશે.’
ત્રણેય માથું નમાવી સમાચાર વાંચવા લાગ્યા.
તેમાં મોટા મોટા હેડીંગોમાં લખ્યું હતું:
---રાજકોટના વીશીના સંચાલકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને રફુચક્કર.
અમારા પ્રતિનિધિ તરફથી...
છેલ્લાં કેટલાક સમયથી ચાલતા વીશીના વિષચક્રે રાજકોટને અજગરી ભરડો લીધો હોય એવું લાગે છે. જાણવા મળતી વિગતો મુજબ શહેરનાં ત્રણ ખુબ જ પ્રતિષ્ઠિત અને જાણીતા ઉદ્યોગપતિઓ વીશીના ચક્કરમાં ફસાઈ ગયા હતા. એક એક કરોડની વીશીમાં આ ત્રણેય ભાગીદાર હતા. ત્યારબાદ ત્રણે ય સંપીને પોતપોતાની વીશીઓ પાંત્રીસ- પાંત્રીસ લાખ રૂપિયામાં ઉપાડીને રાતોરાત રાજકોટ છોડીને પોતાના કુટુંબીઓ સાથે નાસી છૂટ્યા છે. વીશી ગેરકાયદેસર હોવાથી તેના સંચાલકો પોલીસને ફરિયાદ કરી શકે તેમ નથી. પરિણામે આ સંચાલકોની હાલત અત્યારે ‘ચોરની મા કોઠીમાં મોં નાંખીને રડે’ એવી થઇ ગઈ છે. આ ત્રણેયને શોધવા માટે સંચાલકોએ ગુંડા તત્ત્વોને રોક્યાં છે એવું પણ આધારભૂત રીતે જાણવા મળે છે. આ અગાઉ શહેરમાં વીશીના વિષચક્રમાં ફસાઈને કેટલાક માણસો આપઘાત કરી ચૂક્યા છે એ સમાચાર અગાઉ પ્રગટ થઇ ચૂક્યા છે.
વીશીના વિશેષ અહેવાલ માટે આઠમું પાનું જુઓ.
પણ તેમને આઠમું પાનું ન જોતાં અજય સામે જોયું.
‘આ વળી શું છે?’
‘વીશી છે મિત્ર વીશી...!’
‘એ તો હું પણ જાણું છું પણ અમને આ સમાચાર વંચાવવાનો શું અર્થ છે?’
‘એટલું ય ન સમજ્યા?’
‘ના...’
‘તો સાંભળો...આપણે પન આ વીશીના ચક્કરમાં ફસાવાનું છે!’
‘શું...?’ ત્રણેય આશ્ચર્યથી ઉછળી પડ્યા.
‘હા...’અજય બોલ્યો. ‘આપણે પણ આ વીશીમાં સંડોવાનું છે.’
‘એક મિનિટ...એક મિનિટ...’ સંતોષકુમારે હાથ ઊંચો કરીને તેને અટકાવ્યો.
અજયે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘પહેલાં તો વીશી શું છે તે અમને સમજાવ.’
આ જ અખબારના આઠમાં પાના પર વીશી અંગે વિગતવાર લેખ છપાયો છે. એ વાંચી લો એટલે તમને બધું સમજાઈ જશે.’
‘તે એ લેખ વાંચી લીધો છે?’
‘હા..મેં તો રાત્રે જ વાંચ્યો છે, અને સાચું પૂછો તો એ વાંચ્યા પછી જ આ બે લાખને સીત્તેર-એંસી લાખમાં કેવી રીતે પલટાવવા તેનો ઉપાય મને સૂઝ્યો છે.’
‘તો પછી તું જ સમજાવને! નાહક જ વાંચવામાં અમારો ખોટો સમય બગડશે અને અમને કંઈ જ નહીં સમજાય.’ બિહારીએ કહ્યું.
‘ઠીક છે...સાંભળો...!’ અજય બોલ્યો , ‘વીસ માણસો ભેગા થઈ, દરેક જણ અમુક રકમ કાઢીને એ રકમની વિસેય જણ વચ્ચે હરરાજી કરે છે. બીજી હરરાજીઓ કરતાં વીશીની હરરાજી એકદમ જુદા જ પ્રકારની હોય છે. બીજી હરરાજીમાં બોલી બોલનારે વસ્તુની કિંમત વધારતી જવાની હોય છે જયારે વીશીમાં રૂપિયાની રકમની કિંમત ઘટાડતા જવાની હોય છે. જે માણસ તેની ઓછામાં ઓછી કિંમત બોલે તેને એટલી રકમ બાદ કરીને બાકીની રકમ ચૂકવી દેવામાં આવે છે. દાખલા તરીકે એ વીસેય માણસો એક-એક હજાર રૂપિયા કાઢીને કુલ વિસ હજાર રૂપિયા ભેગા કરે છે. પછી આ વિસ હજારના બે ટકા બાદ કરીને એટલે કે ચારસો રૂપિયા ઓછાથી બોલી શરૂ થાય છે. જે લોકોને પૈસાની સખત જરૂર હોય તેઓ બોલીની રકમ વધારતા જાય છે. એટલે કે ચારસોથી પાંચસો...છસો...હજાર...કહેવાનું તાત્પર્ય એ કે તેઓ જે રકમ બોલે તેટલી રકમ તેમને ઓછી મળે છે. હવે ઘડીભર માટે માની લો કે આ બોલી દાસ હજારે પહોંચીને અટકી જાય છે. આનો અર્થ એ થયો કે એ માણસ વિસ હજારની વીસી દાસ હજાર રૂપિયામાં લેવા તૈયાર થાય છે. એટલે વિસ હજારમાંથી દસ હજાર રૂપિયા કાઢીને તેને આપી દેવામાં આવે છે. બાકીના જે દાસ હજાર નફાના રૂપમાં બચે છે, તેને એ વીસેય જણ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. દાસ હજારના વીસ ભાગ કરીએ એટલે પાંચસો રૂપિયા થાય. આ રીતે તેમને માત્ર પાંચસો રૂપિયા જ ભરવાના હોય છે. સામાન્ય રીતે વીશી એક મહિને બોલાય છે. વીસ હજારની આ વીશી વીસ મહિના સુધી ચાલે છે. એક વખતે જે માણસે વીશી ઉપાડી લીધી હોય, એનું જો વીશીમાં બીજું નામ ન હોય તો પછી એ બીજી વાર વીશીમાં ભાગ નથી લઇ શકતો. અલબત્ત, જે કંઈ નફો થાય એમાં જરૂર તેને ભાગ મળે છે. વીશીનો હપ્તો ભરવા માટે, વીશીમાં ભાગ લેનારને સામાન્ય રીતે છત્રીસ કલાકની મુદત્ત આપવામાં આવે છે. છત્રીસ કલાકમાં તેને હપ્તો ભરી દેવો પડે છે. આમાં એક કલાકનું પણ મોડું ન ચાલે. વીશીના સંચાલક અને વીશીમાં ભાગ લેનાર માણસો વચ્ચેનાં સંબંધો ખૂબ સારા હોય તો સંચાલક જરૂર પડ્યે તેને હપ્તો ભરવાની મુદત્ત વધારી આપે છે. વીશીની ભાષામાં આ સંચાલકને ઓર્ગેનાઈઝર કહેવામાં આવે છે અને વીશીની સંપૂર્ણ જવાબદારી આ ઓર્ગેનાઈઝરની હોય છે. વીશીમાં ભાગ લેનાર પાસેથી હપ્તાની રકમ પણ તેને જ વસુલ કરવાની હોય છે.’ કહીને અજય થોડી પળો માટે ચૂપ થયો.
પછી અખબારને એક તરફ મૂકીને એણે પોતાની વાત આગળ ચલાવી:
‘મેં હમણાં જ કહ્યું તેમ વીશીની સંપૂર્ણ જવાબદારી આ ઓર્ગેનાઈઝરની હોય છે.વીશીમાં ભાગ લેનાર પાસેથી હપ્તાની રકમ વસુલ કરીને, જેને એ રકમ આપવાની હોય છે, તેને તે આપે છે. હવે ઘડીભર માટે માંની લો કે વીશીમાં ભાગ લેનાર કોઈ મેમ્બર વીશી ઉપાડીને ખંખેરી મૂકે છે એટલે કે નાસી છૂટે છે તો, આ નાસી છૂટેલ મેમ્બરના ભાગનો હપ્તો ચુકવવાની જવાબદારી વીશીના ઓર્ગેનાઈઝરની છે. એનાં વતી તેને હપ્તાની રકમ ચૂકવવી પડે છે.
‘આવી જોખમભરી જવાબદારી લેવા બદલ તેને કંઈ લાભ થાય છે ખરો?’ સંતોષકુમારે ઉત્સુક અવાજે પૂછ્યું.
‘હા...’
‘શું...?’
‘વીશીનો ત્રીજો હપ્તો ઓર્ગેનાઈઝરને ફ્રી મળે છે.’
‘એટલે...?’
‘એટલે એમ કે વીશીનો ત્રીજો હપ્તો પેક હોય છે. દરેક મેમ્બરે પૂરેપૂરા પૈસા ભરવા પડે છે. વીસ હજારની વીશી હોય તો દરેક મેમ્બરે એક-એક હજાર રૂપિયા આપવા પડે છે. આ ત્રીજા હપ્તાની હરરાજી નથી થતી. આ ત્રીજા હપ્તાની કુલ રકમ એટલે કે વીસે વીસ હજાર રૂપિયા ઓર્ગેનાઈઝર લઈ લે છે. આ રીતે તેને વીસ હજાર રૂપિયા પૂરા વાપરવા મળે છે. એક લાખ કે તેનાથી વધુ રકમની વીશી હોય તો એમાં સામાન્ય રીતે ચોથો હપ્તો પેક રાખવાનો નિયમ હોય છે. આ છે એની જોખમભરી જવાબદારીનું વળતર!’
‘ઓહ, સમજ્યો...!’ સંતોષકુમારે માથું હલાવતાં કહ્યું.
‘વારુ, ત્રીજા મહિનાનું તો જાણે કે સમજ્યા પણ બીજા મહિનાનું શું?’
‘બીજા મહિને પણ આ જ પધ્ધતિથી બધાં એક-એક હજાર રૂપિયા કાઢીને વીસ હજાર રૂપિયા ભેગા કરે છે. મેં કહ્યું તેમ પહેલા મહિને જે મેમ્બરે વીશી ઉપાડી લીધી હોય તેનું બીજું નામ વીશીમાં ન હોય તો તે બીજે મહિને બોલીમાં ભાગ નથી લઈ શકતો. બીજે મહિને બોલી બોલનારાઓની સંખ્યા ઓગણીસની હોય છે. આ ઓગણીસેય જણ બોલી બોલે છે. એમાંથી સખત જરૂરીયાત વાળો મેમ્બર સૌથી વધુ રકમ બોલીને વીશી ઉપાડી લે છે. દાખલા તરીકે બીજે મહિને બોલી આઠ હજારે અટકી જાય છે તો વીસ હજારમાંથી આ આઠ હજાર રૂપિયા બાદ કરીને બાકીના બાર હજાર રૂપિયા એ મેમ્બરને ચૂકવી દેવામાં આવે છે. નફા રૂપે જે આઠ હજાર રૂપિયા બચે છે, તેને સરખે ભાગે વીસેય મેમ્બર વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આઠ હજારના વીસ ભાગ કરીએ એટલે ચારસો રૂપિયા થાય! એટલે કે હજારમાંથી ચારસો રૂપિયા બાદ કરતાં દરેક મેમ્બરે હપ્તા રૂપે છસો રૂપિયા ભરવા પડે છે. આ રીતે તેમને ભર્યા હોય છે છસો રૂપિયા પણ તેમનાં ખાતે જમા એક હજાર રૂપિયા થાય છે. તમે પોતે જ કહો કે બાકીના જે અઢાર મેમ્બર બાકી રહ્યા, તેમને બંને હપ્તામાં કુલ કેત્ત્લી રકમ ભરી?’
‘પહેલા હપ્તામાં પાંચસો ને બીજામાં છસો. બંને હપ્તામાં એણે કુલ અગિયારસો રૂપિયા ભર્યા હશે?’
‘વેરી ગુડ...હવે તેમને ભરવાના કેટલા હતા?’
‘હપ્તા દીઠ એક હજાર...એટલે કે બે હપ્તાના કુલ બે હજાર રૂપિયા!’
‘તેમના ખાતે જમા કેટલા થયા?’
‘બે હજાર...!’
‘બસ, તો આ છે વીશીની પધ્ધતિ! દરેક મેમ્બર પોતાની જરૂરીયાત મુજબ બોલી બોલીને ઉપાડતો જાય છે. જેમ જેમ મેમ્બરો વીશી ઉપાડતાં જાય છે, તેમ તેમ તેમનાં નામો વીશીમાં ભાગ લેવામાંથી કેન્સલ થતા જાય છે. એક મેમ્બરને જો વીશીમાંm એનું બીજું નામ ન હોય તો એક જ વખત તેને વીશી ઉપાડવાની તક મળે છે. જે મેમ્બરને પૈસાની જરૂર નથી હોતી અને જેઓ માત્ર કમાણી ખાતર જ વીશીમાં ભાગ લેતા હોય છે તેઓ છેક સુધી વીશી નથી ઉપાડતા. આ સંજોગોમાં જેટલી રકમની વીશી હોય તેટલી રકમ પૂરેપૂરી એ મેમ્બરને મળે છે.’
‘ઘડી ભર માટે માની લે કે છેલ્લા ત્રણ હપ્તા બાકી હોય છે, એટલે બોલી બોલવા માટે ત્રણ મેમ્બરો જ બાકી રહે છે. હવે આ ત્રણમાંથી એકેયને પૈસાની જરૂર નથી હોતી અને તેઓ બોલી ન બોલવા માંગતા હોય તો?’
‘તો એ સંજોગોમાં ત્રણેયનાં નામની ચિઠ્ઠી બનાવીને નાંખવામાં આવે છે. જે મેમ્બરનું નામ નીકળે તેને એ વીશી ઉપાડવી પડે છે.’
‘ઓહ...તો હવે તારો ઈરાદો રાજકોટ જઈને વીશીના સંચાલકોની ફૂલેકું ફેરવવાનો છે, એમને?’ બિહારીએ પૂછ્યું.
‘મારો નહી, આપણો બોલ આપણો! જે કંઈ કરવાનું છે, તે આપણે સાથે મળીને જ કરવાનું છે.’
‘પણ વીશીની રમત તો અહીં મુંબઈમાં પણ રમતી હશે તો પછી આપણે રાજકોટ જવાની શું જરૂર છે? વીશીનું ફૂલેકું તો આપણે અહીં મુંબઈમાં પણ ફેરવી શકીએ તેમ છીએ.’
‘તારી વાત સાચી છે. પણ મુંબઈમાં આપણે આ જોખમ ઉઠાવી શકીએ તેમ નથી.’
‘કેમ?’
‘અહીં આપણા ઓળખાઈ તથા પકડાઈ જવાનો ભય વધુ છે અને રાજકોટ માટે આપણે તદન અજાણ્યા છીએ એટલે ત્યાં આપણને કોઈ જ ઓળખી કે પકડી શકે તેમ નથી.’
‘ઠીક છે...પણ રાજકોટ માટે આપણે અજાણ્યા છીએ. એટલે કોઈ વીશીવાળા સંચાલક આપણને પોતાની વીશીમાં દાખલ કરશે ખરા? આપણે અજાણ્યા છીએ અને કાલે સવારે વીશી ઉપાડીને નાસી છૂટીશું એવો વિચાર તેને નહીં આવે?’ શશીકાંતે પૂછ્યું.
‘જરૂર આવશે...પણ એનાં દિમાગમાંથી આ વાત કાઢી નાંખવાનો ઉપાય પણ મેં વિચારી લીધો છે. ઉલ્ટું વીશી ચલાવનાર પોતે સામેથી જ આપણને વીશીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપશે.’
‘એમ...?’
‘હા...’ અજય બોલ્યો, ‘પણ...’
‘પણ શું...?’
‘એના માટે આપણે અહીંથી જ પૂરેપૂરી તૈયારી કરીને જવું પડશે.’
‘શેની તૈયારી?’
‘આપણે કોઈક ગર્ભશ્રીમંત હોઈએ એવો દેખાવ ઊભો કરવો પડશે. અને આવો દેખાવ ઊભો કરવા માટે થોડો ખર્ચ પણ કરવો પડશે.’
‘શેનો ખર્ચ?’
‘આપણે ચારેયે કિંમતી વસ્ત્રો સીવડાવવા પડશે અથવા તો રેડીમેડ લેવાં પડશે. એ સિવાય એકદમ નક્કર સોનાના દેખાતા ઇમીટેશન આભૂષણો ખરીદવા પડશે. એટલું જ નહીં, આપણે આપણાં નામ તથા દેખાવ પણ બદલી નાખવાનાં છે.
‘એ બધું તો જાણે કે સમજ્યા, પણ રાજકોટમાં આપણે રહેશું ક્યાં?’
‘હા, એ વાત તો રહી ગઈ, સાંભળો, આપણે ચારે યે શરૂઆતમાં આઠેક દિવસ સુધી જુદી જુદી હોટલોમાં રહેવાનું છે. પછી રહેતાં રહેતાં ચારે ય માટે અલગ મકાન શોધી કાઢીશું. દરેક મોટા શહેરોમાં મકાન ભાડે આપવા માટે કે લે-વેચ કરવા માટે દલાલો હોય છે અને રાજકોટ કંઈ નાનું શહેર નથી. આવા દલાલો ત્યાં પણ હશે. આપણે આવા કોઈક દલાલ મારફત મકાન શોધી કાઢીશું. એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આપણે ચારેય એકબીજાને ઓળખીએ છીએ એવી કોઈને ય ગંધ ન આવવી જોઈએ. આપણે જે કરવાનું છે, તે ચૂપચાપજ કરવાનું છે. આપણે ચારે ય સાથે હોઈ ને, ભવિષ્યમાં ત્યાં કોઈ બખેડો ઊભો થાય તો બધા સાથે જ ફસાઈ જઈશું. એનાં કરતાં તો આપણે જુદા જુદા રહીએ એ વધુ યોગ્ય છે.’
‘ઠીક છે...તો પછી રાજકોટ જવા માટે ક્યારે રવાના થવું છે?’
‘આજે રાત્રે જ!’
‘રાત્રે શેમાં જઈશું?’
‘અહીં સેન્ટ્રલથી બરાબર આઠ ને વીસ મિનિટે સૌરાષ્ટ્ર મેઈલ ઉપડે છે તેમાં ! અને એક બીજી વાત. અહીંથી પણ આપણે અલગ અલગ જ રાજકોટ પહોંચવાનું છે. બાકી શું કરવું એ રાજકોટ પહોંચીને નક્કી કરીશું.’
‘ભલે...’ ત્રણે યે માથાં હલાવ્યા.
‘હવે હું થોડો સમાન ખરીદી લાવું.’ અજયે પાંચસોનાં એક બંડલમાંથી દસ નોટ કાઢતાં કહ્યું.
‘આટલા બધા પૈસા જોઇશે?’ બિહારીએ પૂછયું.
‘હા...આપણાં વસ્ત્રો તથા મેકઅપના સામાન્યમાં જ બે હજાર રૂપિયા જોઈએ. બાકીના ત્રણ હજારમાંથી ઇમીટેશન દાગીનાઓ આવશે. હું આ પાંચ હજારમાંથી એક કપ ચાનો પણ નથી પીવાનો એની તમે પૂરી ખાતરી રાખજો.’ કહીને તે બહાર નીકળી ગયો.
બે કલાકમાં જ તે સર-સમાન સાથે પાછો આવી ગયો.
સાંજે પાંચ વાગ્યે જ્યારે ચારે ય ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમના દેખાવ અને દીદાર, બંને એકદમ બદલાઈ ગયા હતા.
તેઓ કોઈ ગર્ભશ્રીમંત જેવા લાગતા હતા.
સાડા સાત વાગ્યે જ તેઓ સેન્ટ્રલ પહોંચી ગયા.
બરાબર આઠ વાગ્યે યાર્ડમાંથી ટ્રેઈન આવી પહોંચી.
ચારેય ફર્સ્ટ ક્લાસના એક ડબ્બામાં ચડી ગયા.
આઠ ને વીસ મિનિટે ટ્રેઈન રવાના થઇ ગઈ.
***