હોશનામા Shreyas Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોશનામા

હોશનામા

હૃદયથી નીકળેલી સંવેદનાઓ

શ્રેયસ ત્રિવેદી

***

ના વરસું તો કરો આજીજી વરસું તો આપો ગાળ

ઓ માણસ પેલા ખુદને સંભાળ

નદીઓના તળ ઊંડા ના કરો ને વ્હેણમાં બાંધો મકાનો

બનાવો એટલો નબળો રસ્તો કે તરત ધોવાઈ જવાનો

હું તો વહીશ જ્યાં મળશે ઢાળ

ઓ માણસ પેલા ખુદને સંભાળ

પૂછો વડવાને કેવો વરસતો આતો નથી જરાય

દસ ઇંચના તકલીફ ભાઈ માનવસર્જિત જ થાય

પાણી પેલા બાંધો સરખી પાળ

ઓ માણસ પેલા ખુદને સંભાળ

ખોરવ્યું છે ઋતુચક્ર અને કાપી નાખ્યા હજારો ઝાડ

હવે તો તું આવા કામો પર ઝડપથી પડદો પાડ

પડશે હવે લીલો કે સૂકો દુકાળ

ઓ માણસ પેલા ખુદને સંભાળ

***

બને એમ પણ બને

હું જ તરછોડી દઉં મને

ફરું છું અહીંયા જાણે કેટલાય ગણવેશે

છોડી બધું ચાલ્યો હું કોઈ દૂરના પ્રદેશે

નથી જડતો હું ખુદને

બને એમ પણ બને

મળતું સઘળું છતાંએ અંદર કંઈક ખૂટે

ભણકારા વાગે હરપળ કોઈ ચિત્તને લૂંટે

હાથવેંત પણ નથી કને

બને એમ પણ બને

લાગે છે વીતશે જિંદગી આખી પ્રવાસમાં

લેતો ને છોડતો રહુ કેટલીયે ઈચ્છાઓ શ્વાસમાં

શું હું પામી શકીશ તને?

બને એમ પણ બને

***

લેટર બોક્સ પર બેઠેલી ચકલી રાહ જુએ છે ટપાલની

વિચારે છે વીતેલા થોડા વર્ષોમાં થયેલા ખસ્તા હાલની

નિકાલ જલ્દી આવે માનવજાત સાથે થયેલા બબાલની

કરી અરજી ઉપરવાળાને બે ચાર અણીયારા સવાલની

પચાવી પાડી છે જગ્યા અમારી કરી દીધા નિરાશ્રિત

કરો ધરપકડ જલ્દી આપો ભાળ ચોરાયેલા મુદ્દામાલની

જીવન અમારે કેમ જીવવું વળી કેમ ઉછેરવો પરિવાર

નથી જરૂરિયાત વધુ અમારી જરૂર છે બસ એક ડાળની

ચર્ચા કરો સભાઓ ભરો કે ઉજવો દિવસ કઈ નહિ થાયે

ભરો પગલાં ત્વરિત નહિ તો ઘડીઓ અંધારી આવતીકાલની

***

***

અમને તો સમયસર આવવાની સજા મળી છે

જે મોડા મોડા આવ્યા તેને તો મજા મળી છે

ઉઠી ચુક્યો હતો ભરોસો મને તેમના ઉપરથી

પણ તમને જોયા પછી જીવવાની ઉર્જા મળી છે

આવતા જતા રહે છે દુઃખો સતત જીવનમાં

ખુશી તો બસ એક જ રૂપે કુબજા મળી છે

અંતે તો બોલાય ગયું રાજાથીએ આખરે

મળી મળીને આતે કેવી પ્રજા મળી છે

પ્રસાદી દાન મૂર્તિ આશીર્વાદ બધું લઇ ગયા

છેલ્લે રહ્યા તેમને હાથમાં બસ ધજા મળી છે

થયું બસ બહુ હવે નથી રોકાવું મારે અહીંયા 'હોશ'

આમ અધવચ્ચેથી ચાલ્યા જવાની રજા મળી છે

***

વાતાવરણ શાંત

તેમાંય પાછું એકાંત

ટકોરા કોના બારણે?

આ સાવ અટૂલો પ્રાંત

પરિવર્તીત થવું ?

લો સામે રહ્યું દ્રષ્ટાંત

કરે જો તું પ્રયત્નો

એકદમ જ નિતાંત

હોશ પ્રજ્વલિત

સમગ્રતયા સંક્રાંત

***

સ્તબ્ધ થઇ રડતો રે છે આ ઘરનો ખૂણો

જોયું આ માણસ પૂરેપૂરો તો છે નગુણો

ઉંબરા પર બાકી હજુ થોડી ભીનાશ

લાગ્યો છે તેથી તો દરવાજાને લૂણો

પાણી નાખી ઠારી દીધો તો પણ સાલો

ભીતર ને ભીતર ધખતો રે છે આ ધૂણો

પ્રજાની વાતો ક્યાં કો'દી કરતું જ છે

રાજા રાણી બસ આવી વાર્તાઓ સૂણો

કરતો રે છે આખો દા'ડો ભાગી ને બાદ

માણસ ને માણસ થી તો કોઈ સમય ગુણો

માંડ માંડ પળ મળતી મનગમતી બે ચાર

તે પર પણ કરતા રે છે આક્રમણ હૂણો

આપે વારંવારે થોડી સમસ્યા આથી

'હોશ' રહ્યો તો હંમેશા થોડો થોડો ઊણો

છે કિંમતી મળશે તમને નહિ સરળ સસ્તીની આઝાદી

ગંભીર બનો ભાઈ થોડી નકરી જ મસ્તીની આઝાદી

કો છો આપી છૂટ પસંદગીની તમને અભિહાલે

બીજી તરફ કરે માથે તુ જબરદસ્તીની આઝાદી

મંઝિલે તો જ પહોંચીશું જો ચોક્કસ દિશામાં જઇશું

નહિ તો થઈશે મઝધારે ડૂબતી આ જ કશ્તીની આઝાદી

અખબારે બનતી મેઈન સમાચાર મથાળે મોટા મોટા શબ્દોમાં

સૂરજ ઢળતા થઇ જાયે છે વાસી જ પસ્તીની આઝાદી

છોને ટળવળતી ભૂખ ગરીબી ભ્રષ્ટાચાર મહી હંમેશાને

કેને ગણશે છેવાડે રેતી આ જ વસ્તીની આઝાદી

મેળવવા હક સૌ ટાંપીને તો બેઠા છે તરત જ ઉપડ્યા લોકો

દેખાડે કોણ અહીં સ્વજન તે ફરજપસ્તીની આઝાદી

દંડાતા ચોર મુઠી જયારે મ્હાલે ફૂંકનારા અબજો મોજેથી

મારી બે-ચાર સવારે સાંજે જે ગશ્તીની આઝાદી

જતન કરવુ કઈ રીતે એ તો ભણતર લેવુ રહ્યું 'હોશ'

તો રે'શે જીવંત હું ને મારી હસ્તીની આઝાદી

***

તું એટલે

નહિ માંગેલી

નહિ ધારેલી

પણ

ખુબ જ ઝંખેલી

પળ

તું એટલે

ભીડની વચ્ચે

એકલો બનાવી

આંખોના

ખૂણેથી ટપકી જતું

જળ

તું એટલે

ત્રાંસા વળાંકથી

હૃદયને ઘાયલ

કરતુ

આખના ખૂણે લગાવેલું

કાજળ

તું એટલે

ધોધમાર વરસી

તરસી ધરતી

ને

તરબતર કરતું અટુલું

વાદળ

તું એટલે

મારા પ્રયાસમાં

હરેક શ્વાસમાં

છુપાયેલું

તારા અતૂટ વિશ્વાસનું

બળ

***

એકલી હોય તો થઇ જશે પાંગળી

જોડમાં સાથ મજબુત થશે આંગળી

ગઇ તું વાદો કરી ના ફરી પરત કે

સ્પર્શથી આજ પણ રણઝણે આંગળી

પકડવા કોશિશો એમ કરતો રહ્યો

રેતની જેમ જલદી ખરે આંગળી

એમનો થાય જ્યાંરે ઉલ્લેખ જરૂરી

આંખથી આંસુ થઇ નીતરે આંગળી

હોશ ચીંધૂ છુ બીજા તરફ ત્વરિત જ

તરફ મારી તુરંત ત જ ફરે આંગળી

***

હૃદયમાં મારા બાળક જાગે

તરત પછી તેનો સંહારક જાગે

કરે બિંદુ બતાવે સિંધુ

આવા કઈ ઉપકારક જાગે

બોજ કેટલાય લઇ ફરતો

મારા માંય ધારક જાગે

પૂછો બે ચાર શબ્દો જ્યાં

બની બેઠેલો પ્રચારક જાગે

પુરી કરે અધૂરી ઈચ્છાઓ

ક્યાં કોઈ ઉપચારક જાગે.

માણસ ને માણસ બનાવતો

દિવસ કોઈ મુબારક જાગે

***

અસત્યને ચાહવાનો સોદો ના કર

માણસને વધારે બોદો ના કર

સરળ સીધા સપાટ રસ્તા વચ્ચે

જાતે કરી ઉભો નવો રોદો ના કર

હોય ઉપયોગી તો વાત છે બરાબર

બાકી નામ પૂરતો ઉભો હોદ્દો ના કર

રણ વચાળે રહેનારા આદમી અમે

ને તું કહે છે રોજે રોજો ના કર

ખબર નહિ ક્યાં સુધી ચાલશે શ્વાસ

હોશ જીવન સાથે બહુ ઘરોબો ના કર

***

દૂરથી જરા પાસ આવને દોસ્ત

તુકારેથી મને બોલાવને દોસ્ત

નકલી સ્મિતની દુનિયાથી દાઝેલો

આપી ખંભો થોડું રડાવને દોસ્ત

ફળિયું ઝાડ રમતો ઝઘડા ઇટ્ટા કિટ્ટા

એ દિવસો ફરી પાછા લાવને દોસ્ત

અર્જુન-કૃષ્ણ ના બનિયે તો કઈ નહિ

કર્ણ સમ મારો સાથ નિભાવને દોસ્ત

પડકાર જે મને પણ બ્રુટસના બનતો

ખંજર સામેથી છાતીમાં હુલાવને દોસ્ત

નથી જરૂર કશી બીજા ઉપચારની હવે

થોડી પળો મારી સાથે વીતાવને દોસ્ત

ટહૂકતું રહે છે મારી ભીતરમાં કશુક 'હોશ'

ગઝલ તેની બનાવી સંભળાવને દોસ્ત

***

એક કાશ

બહુ બધી આશ

અને

મર્યાદિત શ્વાસ

તેનું નામ જિંદગી.

ઝાકળિયુ ઘાસ

સૂર્યનો પ્રકાશ

અને

મોતીનો આભાસ

તેનું નામ જિંદગી.

લાંબો પ્રવાસ

મૃગજળનો ભાસ

અને

મંઝિલનો ક્યાસ

તેનું નામ જિંદગી.

સમંદરની ખારાશ

નદીની મીઠાશ

અને

બંનેની પેદાશ

તેનું નામ જિંદગી.

ભરચક પ્રયાસ

સફળતાની હાશ

અને

બંનેનો પ્રાસ

તેનું નામ જિંદગી.

બાહરી બકવાસ

ભીતરી તપાસ

અને

ઉગતો અજવાસ

તેનું નામ જિંદગી.

***

મનમાં એક બવંડર જાગે

રણ વચાળે સમંદર જાગે

મેળવ્યું હજુ જરા જેટલું

વધુ માંગતો સિકંદર જાગે

વાત થાય માણસની જયારે

કેમ ઉલ્લેખમાં બંદર જાગે

બહાર બહાર બહાર શોધું

જે જાગે તે તો અંદર જાગે

આયા ગોરખ એમ સાંભળતા

અંદર બેઠેલો મછન્દર જાગે

કરું પ્રતીક્ષા એ ક્ષણની

મનમા રહેલો પયગંબર જાગે

***

અધૂરી ઈચ્છાઓ ક્યાં ફળે છે

આ એપ પ્લે સ્ટોરમાં ક્યાં મળે છે

ઉન્નત રાખતો છે મસ્તક હંમેશા

પણ સ્ક્રીન સામે તરત લળે છે

મોબાઈલની રમતોમાં વ્યસ્ત રહે

કોઈ ક્યાં બાળપણ ફમ્ફોળે છે

સ્મિત આંખ ચહેરો હાથ હૃદય ભૂલ્યા તમે

બસ અહીં અંગુઠો અંગુઠા સાથે હળે છે

સંપર્કમાં દુનિયાના છું બેઠો બેઠો

ભીતરમાં કોઈ માણસ ટળવળે છે

શ્રેયસ ત્રિવેદી સતત છે ચર્ચિત

'હોશ'ને ક્યાં કોઈ ઓળખે છે ?

***

રહ્યા પાસે પણ એટલી દૂરી રહી

અલ્પવિરામ મૂક્યું કહાની અધૂરી રહી

તું ના આવી તારા વાયદાઓ છતાં

હશે કંઈક એવી તારી મજબૂરી રહી

હાથ ના આવી બહુ દોડવા છતાં

અદ્રશ્ય આ કિંમતી કસ્તુરી રહી

આમ તો છું હું સ્વભાવે નાસ્તિક

પણ પ્રેમ પ્રત્યે શ્રદ્ધા સબૂરી રહી

જરૂર રહી છે કંઈ વિશ્વાસની અહીંયા

એટલે તો અંતે ચોખવટ જરૂરી રહી

હાર્યો છું છતાં મેં હોશ નથી ખોયા

આ વાત પાર હંમેશા મગરૂરી રહી

***

એટલો બધો આગળ થઇ ગયો

વરસ્યા વિનાનું વાદળ થઇ ગયો

કર્યા વાયદા હજારો મળવાના તે

ના મળ્યો કદી માત્ર અંજળ થઇ ગયો

ફરતો રહ્યો એક બીજાના હાથમાં જ

ન વંચાતો બસ કાગળ થઇ ગયો

બચપણ પાદર નદી વડલો ઘર

બોલ્યો એટલું ત્યાં સજળ થઇ ગયો

એવો તે ખોવાયો આ શહેરી ભીડમાં

દોડતો હરક્ષણ હરપળ થઇ ગયો

હશે કેવી કેદમાં જન્મોની જરા વિચારજો

પૂછ્યું કેમ છે ત્યાં ખળખળ થઇ ગયો

સ્પર્શ થયો એવો અલગારી કંઈક

ભીતરથી ખુલ્યા 'હોશ' ઝળહળ થઇ ગયો

એટલો તું વિશ્વાસ રાખજે દોસ્ત

હૃદયમાં થોડી હાશ રાખજે દોસ્ત

જોઈતો નથી સૂર્ય જેવો ઝળહળ મને

નાનકડા દીપક સમ ઉજાસ રાખજે દોસ્ત

નીભાવવો પડશે રાખ તૈયારી હર ક્ષણે

આ સંબંધમાં એટલું સાહસ રાખજે દોસ્ત

નથી સાથે સતત વાસ્તવિકતા છે તોયે

સાથે છું તારી એવો આભાસ રાખજે દોસ્ત

છે જિંદગાની ચાર દિવસની એમાં 'હોશ'

પળો થોડી મારા માટે ખાસ રાખજે દોસ્ત

***

બારીની બહાર

એક ધસમસતો રસ્તો ને અંદર વેરાન એક કેડી

બારીની બહાર

હું રોજ જાઉં ધસતો ને અંદર સફર ક્યાં મેં ખેડી

બારીની બહાર એક

ઉછળતો સમુદ્ર ને અંદર બંધિયાર નદી

બારીની બહાર

રોજ બદલાય છે તારીખો ને અંદર થોભેલી એક સદી

બારીની બહાર

હું સંબંધો બાંધતો ને અંદર સંવેદનો મૌન

બારીની બહાર

મને ઓળખે જગત ને અંદર થી પ્રશ્ન હું કોણ?

બારીની બહાર

વરસે ધોધમાર વરસાદ ને અંદર થી હું સાવ કોરો

બારીની બહાર

પડે મારું વજન ને અંદર થી હું સાવ ફોરો

બારીની બહાર

હું દોડતો જગતની સાથે અંદરથી છું સાવ સ્થિર

બારીની બહાર

હું સંભાળું કેટલાય સાદ ને અંદર થી મુક બધીર

બારીની બહાર

હું દોડતો જે પામવા અંદર થી લાગે એ નકામું

બારીની બહાર

બધા મળે ડગલે ને પગલે અંદર ક્યાં મળે કોઈ સામું?

બારીની બહાર

હું ભળેલો છું ભીડમાં ને અંદર થી વેરાન રણ માં

બારીની બહાર

હું હોઉં છું પળમાં ને અંદર પણ છું ક્ષણમાં

બારીની બહાર

ભલે હું દેખાઉં મોટો ને અંદર થી બાળક નાનું

બારીની બહાર

છે યંત્રવત જીવન ને અંદર છે એ મજાનું

***

કહ્યું પતિએ પ્રિયે લાવી દઉં તારા માટે ચાંદ તારા

પત્ની કહે કરો ખાલી વાતો ફૂટ્યા કરમ અમારા

આપો એવા વચનો જે કડીના થાય પુરા

છે માત્ર વાયદાઓ આપવામાં જ સઉ શૂરા

લગ્ન સમયના તો બધા સપનાઓ તૂટી ગયા

આપી બસ ઠાલા વચનો મફતમાં લૂંટી ગયા

કેવા હશે કર્મ કે તમે મળ્યા પતિ

લગ્ન પહેલા કેવી મજાની હું ખુશ હતી

આપતી કહે પ્રિયે વાત તો તારી સાચી છે

આવ્યા પછી તારા જીવનમાં આપધાપી છે

હતો હું પણ મદહોશ સુનહરા જીવનના ખ્યાલોમાં

વહી રહ્યું છે જીવન તારા ખર્ચાના હિસાબોમાં

મને એમ કે છું ચતુર નીકળ્યો સાવ ભોટ

લગ્નના મૃગજળ પાછળ ખાધી મોટી ખોટ

કરીને લગ્ન બસ એક વાત સમજાણી છે

ક્યાં જનમના પાપ હતા જે તારા જેવી ભટકાણી છે

કહે કવિ હોશ સાંભળો મળે છે એ સાર

ખાટીમીઠી નોકજોક થી ચાલે મીઠો સંસાર

***

છે આ તારો કેવો અભાવ

સતત દૂઝતો રહ્યો ઘાવ

કોરી ધાકોડ આંખોમાં ઊમટતુ સપનાનું પૂર

માલીપા મારી રહ્યું છે કોઈ યુદ્ધ તુમુલ

બસ વિસ્તરતો રહ્યો એકલતાનો પથરાવ

છે આ તારો કેવો અભાવ

સાચું કે છે દિવસો બધા નથી હોતા સારા

વાગી રહ્યા'તા સતત કોઈ અગમ્ય ભણકારા

રોકીના શકતો ઇચ્છાનો સ્ત્રાવ

છે આ તારો કેવો અભાવ

અધવચ્ચે અધરસ્તે થઇ ગયા સાવ નોધારા

થઇ ગયા અજાણ્યા જે હતા પ્રાણથી પ્યારા

જિંદગીનો આ હારેલો દાવ

છે આ તારો કેવો અભાવ

***

નજરથી જયારે નજર મળી છે

પછી ધીમેથી પાંપણો ઢળી છે

બોલતું રહ્યું મૌન સદીઓ સુધી

સ્મિતમાં ક્યાં શબ્દોની જરૂર પડી છે

થઇ જવા દો પ્રલય નથી ફિકર

મિલનની અમૂલ્ય પળો મળી છે

કોણ કહે લૂંટાય ગયા સાવ મફતમાં

ઊંઘ વેચી આંખો ઉજાગરો રળી છે

'હોશ' થઇ ગયું છે અદભુત જીવન

જેને પ્રણયની તક સાંપડી છે

***

અલ્લાહે પૂછ્યું કાનને કેમ છે?

બોલ્યા લમણે હાથ મૂકી બધું એમ નું એમ છે

કહ્યું તું આપણે તેનાથી સાવ ઊંધું બાફ્યું છે

ધર્મના નામે આ એ કેવું હુલ્લડ આપ્યું છે

પાળ્યા છે તેને આપણા નામે બસ વહેમ છે

બોલ્યા લમણે હાથ મૂકી બધું એમ નું એમ છે

મંદિર મસ્જિદમાં જઈને ખાલી ઈબાદત કરે છે

ને બીજી બાજુ આપણા નામે કેટલાય મારે છે

ગાયબ દયા ભાઈચારો શાંતિ અને પ્રેમ છે

બોલ્યા લમણે હાથ મૂકી બધું એમ નું એમ છે

બાઇબલ ગીતા કુરાનનો ક્યાં ઉપદેશ છે કોઠે

ખાલી નામ છે જીસસ અલ્લાહ રામનું હોઠે

નીકળ્યું કથીર આપણે જ ધાર્યું તું હેમ છે

બોલ્યા લમણે હાથ મૂકી બધું એમ નું એમ છે

અલ્લાહે પૂછ્યું કાનને કેમ છે?

બોલ્યા લમણે હાથ મૂકી બધું એમ નું એમ છે

અંતરમાંથી ઉઠ્યો અવાજ તું નકલી છે

વીંધી ગયો આરપાર તું નકલી છે

સંબંધોની આડશમાં તું દુનિયામાં આજે

કરે છે લાગણીનો વ્યાપાર તું નકલી છે

આદી ઘોંઘાટનો કે પછી થયો બધિર

નથી સંભળાતો ચિત્કાર તું નકલી છે

થાય છે ખુશ ગણીને મૂર્ખ બીજાને

તું છે એમનો સરદાર તું નકલી છે

મંદિર મસ્જિદમાં બેસીને હું શું કરું

ક્યાં જતાવે છે સાચો પ્યાર તું નકલી છે

કર ના વાતો અખિલ બ્રહ્માંડની 'હોશ'

નથી ખુદ સુધી વિસ્તાર તું નકલી છે

***

દર્દ કેટલું બધું ને ફિકર કોને છે

વાત સાચી ખબર કોને છે

ચણીને ખાલી મકાનો શું ફાયદો

ખરેખર સાચા ઘર કોને છે

મારી ફિટ્યા ફરિશ્તા અહીં કેટલાય

આ વાતની અહીં કદર કોને છે

કહે છે જુએ છે ઈશ્વર બધું જ

આ વાતનો હવે ડર કોને છે

આ ચાલ્યો અહીંથી ગઝલ સુણાવી

રાહ તારી ઉમ્રભર કોને છે

હોશ આવી એકલા તું જઈશ એમ

સાથે કોઈ હમસફર કોને છે

***

થોડાક તો સારા કામકાજ રાખો

એમ કરી થોડું રામરાજ રાખો

આથી વધુ હું કેટલો વિશ્વાસ મુકું

અફાટ સમુદ્રમાં તરતું જહાજ રાખો

રોજિંદી ટેવ છે તારી કેમ કરી બદલશે

જ્યાં જાઓ છો ત્યાં બધું તારાજ રાખો

મળે છે ખુશી તો માણી લો સા'બ

કેમ જાતે ખુદને નારાજ રાખો

જો ચર્ચાય બધી વાતો તો તકલીફ થશે

દિલમાં થોડા સાચવીને રાઝ રાખો

શબ્દોની જરૂર નથી હાજરી કાફી હો

મૌનમાં આટલો પ્રબળ અવાજ રાખો

આવતીકાલ શ્વાસનો ક્યાં ભરોસો 'હોશ'

એટલે જ પ્રફ્ફુલિત સદા આજ રાખો

ક્યાં સુધી જઈશ તું આભાસ લઇ?

જવું પડશે તારે અંતે વિશ્વાસ લઇ

સુવર્ણ મૃગને ખોટું કરો છો બદનામ

દોડયા'તાં પાછળ અધૂરી પ્યાસ લઇ

ખાલી શબ્દોથી નહિ રચાય ગઝલ

તારે લખવું પડશે અંતમાં પ્રાસ લઇ

છે ચોતરફ અંધારું તો શું થયું

લ્યો આવ્યો આગિયો પ્રકાશ લઇ

ભાગ્યને દોષ આપવો નકામો છે

નીકળો સદા ઘરેથી જ પ્રયાસ લઇ

કિંમતી ક્ષણો જીવનની ના ગુમાવ 'હોશ'

નથી ખબર આવ્યો છે કેટલા શ્વાસ લઇ?

***

ભીતરથી ખુલવા આવો તમે

અણગમતું ભૂલવા આવો તમે

સુકાયેલું વૃક્ષ છું હું તો

કૂંપળ બની ફૂટવા આવો તમે

કદી અમારા બારણે ખાલી

કેમ છો એમ પૂછવા આવો તમે

નહિ ચડે નશો ખાલી એમ જ

સ્મરણોનો કસુંબો ઘૂંટવા આવો તમે

ભૂલા ભટકેલા મુસાફરને

આંગળી ઝાલી મુકવા આવો તમે

છું હું સભાન વર્ષોથી અહીંયા

'હોશ' મારા લૂંટવા આવો તમે

***

મદહોશ મૌસમમાં પલાળવાની આશ છે

એવું લાગે છે કે ચોમાસુ આસપાસ છે

પગરવની દુનિયામાંચહલપહલ થઇ છે

નક્કી એમના આવવાનો આભાસ છે

હુંફાળા સંબંધોનું વધુ શું વર્ણન કરું

એક થતા તારા અને મારા શ્વાસ છે

પ્રતીક્ષા કરું છું તેમની હું વર્ષોથી

ચાતક જેવી અહીંયા મારી પ્યાસ છે

ગુમાવવા 'હોશ' તૈયાર રહેવું પડે

પ્રેમ કઈ થોડું નાનું સરખું સાહસ છે

***

મળી ગઈ તક તો હાશ થાય છે

સરી ગઈ તક તો કાશ થાય છે

હાથમાં હાથ મળ્યે કશું નહિ થતું

હૃદય મળ્યા પછી વિશ્વાસ થાય છે

સુકાય ગળું એક વાત છે પણ પૂરતું નથી

ઈચ્છા જાગે અંદરથી તો પ્યાસ થાય છે

કોણ કહે છે ચાર દિવસની છે જિંદગાની

ઘરથી કબર સુધી લાંબો પ્રવાસ થાય છે

બ્રહ્મમુહૂર્તં મોંસૂઝણું ઉષા અને પ્રભાત

એમ કરીને ધીમે ધીમે પ્રકાશ થાય છે

જોઉં છું અરીસામાં જયારે હું

ખુદને જોયાનો આભાસ થાય છે

શ્વાસ બંધ થવો પૂરતો નથી ખાલી

'હોશ' ગયા પછી જ લાશ થાય છે

***

એક સીધા સાદા જણ વિશે વાર્તા કહું છું સાંભળો

પછી તેમાં રહેલા રાવણ વિશે વાર્તા કહું છું સાંભળો

પ્યાસમાં મૃગજળની રહ્યા સદા ભટકતા આમતેમ

ચોતરફ વિસ્તરતા રણ વિશે વાર્તા કહું છું સાંભળો

નથી કરી શકાતું વ્યાખ્યાયિત કોઈ ચોકઠામાં

ચાલ એવા સગપણ વિશે વાર્તા કહું છું સાંભળો

એ ગામ એ પાદર એ વડલો એ ફળિયું અને ઘર

ચાલ મારા બચપણ વિશે વાર્તા કહું છું સાંભળો

ચાલી જઈશું કોઈ દિવસ ગુમાવીને 'હોશ' અહીંથી

બે શ્વાસો વચ્ચેના જીવતર વિશે વાર્તા કહું છું સાંભળો

***

પાપ બીજાના ધોયા મેં

હું મારા ક્યાં જઈને ધોઉં

કહેવાઉં છું હું ગંગા નામે નદી

છાને ખૂણે જઈ ક્યાં રોઉં

ડૂબકી મારી તમે થઇ જાઓ છો શુદ્ધ

પણ કરી દો છો મને કેટલી બધી મેલી

આટલા બધા યુગો ચાલ્યા ગયા છે

બસ નીકળે છે ગંગા શુદ્ધિકરણની રેલી

બસ કહું એટલું રહો 'હોશ'માં

અને કર્મ કરો સદા અચ્છે બંદા

નથી જરૂર અહીં નાહવાની કેમકે

જો મન ચંગા તો કથરોટમાં ગંગા

***

સાઈજીકી હાઈકુ

દીવાદાંડી સમા

લાગી રહ્યા

પપ્પા

જીવનના સફરમાં.

સાઈજીકી હાઈકુ

યોગ્ય ક્ષણે આવી

દિશા દેતા

પપ્પા

તો છે મારી દીવાદાંડી

***

તાન્કા

પિતા છે મૌન

ને અડીખમ ઉભા

રક્ષક સમા

કશી પરવા વિના

ઉભા છે ઢાલ સમા

***

ઘરની છો તમે હાશ પપ્પા

નિરાંતની છો તમે હાશ પપ્પા

જો કહો તમે ઘરને એક શરીર

વહેતો તેનો શ્વાસ છો પપ્પા

ઘરની છો તમે ચાલ પપ્પા

અમારી છો તમે ઢાલ પપ્પા

એ ધરતી પર અમે વસતા છીએ

જેનું નભ છો તમે વિશાળ પપ્પા

આંગળી પકડી ચલાવતો હાથ પપ્પા

દુનિયાથી મોટી તમારી બાથ પપ્પા

વધ્યો હું આગળ આજે એટલે 'હોશ'

સાથે છે મારી તમારો સંગાથ પપ્પા

***