જો કેવી કરી - 2 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જો કેવી કરી - 2

જો કેવી કરી

ભાગ – 2

આગળ ભાગ -1 માં આપણે જોયું કે

((ઇ. સાહેબનું ધ્યાન છાપાની કરચલીઓ વચ્ચે છાપાના પહેલા પાને ગયું. સીકકો મારેલો જોયો. અને હરીયાને ગુસ્સામાં કહયું “આ છાપુ તો મારી ચોકીનું છે,તુ કયાંરે ચોરી ગયો બોલ?” હરીયો આમ પણ પોલીસથી બહું ડરે અને ઉપરથી આ છાપાને લીધે ચોરની છાપ પડી. એકવાર તો ભાગી જવાનો વિચાર આવ્યોં પણ આટલા માલઢોરને મુકીને જવાય તો નહીં . એટલે હરીયાએ દયામણા ચહેરે સુરીયા પાસે મૌન રહી મદદ માંગી. સુરીયાએ ઇ. સાહેબને કહયું “સાહેબ, હરીયો ચોર નથી. એ તો પાનના ગલ્લે છાપુ પડયુતુ તો લઇ આવ્યોં. તમારુ છાપુ પાનના ગલ્લે કોણ લઇ આયવું એ તપાસ કરો. ” સુરીયાના આવા બીન્દાસ જવાબથી ઇ. વિજયએ હવાલદારની પુછપરછ ચાલુ કરી. પણ બંને હવાલદાર મકકમ રહયાં કે “સાહેબ, અમને કશું ખબર નથી કે આ છાપુ ત્યાં કેમ પહોચ્યું. ” છાપાની ચોરી સામે સુરીયાને પોતાનો પ્રશ્ન દબાઇ જતો લાગ્યોં એટલે એ બોલ્યોં “સાહેબ, મારા ડેટાનું શું થાશે?” ઇ. સાહેબે સુરીયાને સાંત્વંત ભાવે કહયું “ના ના , સુરીયા. તુ ચીંતા ન કર. છાપાની ચોરીમાં તારા ઘેટાને કશું નહીં થાય. ” હવે હરીયાએ સુરીયાને કાનમાં સલાહ આપી “સુરીયા,સાહેબ સાંભળતા નથી. ” ))

હરીયો ઇ. સાહેબથી થોડો દુર ઉભેલો હતો. ઇ. સાહેબે હાથના ઇશારાથી હરીયાને પોતાની નજીક આવવા કહયું. હરીયાને કારતક મહીનામાં સવારે 10. 30 વાગ્યે પોલીસ સ્ટેશનના છાપરા નીચે પરસેવો વળી ગયો. એ થોડો નજીક ગયો,છતા થોડુ અંતર પણ જાળવી રાખ્યું. હરીયાએ વિચાર કર્યોં કે જો સાહેબનો હાથ મારા તરફ ગતિ કરે તો આપણે પણ ઘર તરફ ગતિ કરવી. ઘેટા તો સુરીયા સાથે પણ ઘરે આવી જશે. હરીયાની તમામ ઇન્દ્રીયો અને મન આજે જે જાગૃતતામાં હતા એવા ભુતકાળમાં કયારે પણ ન હતા. સુરીયો તો સાક્ષીભાવે ઉભો હતો. પણ ઇ. સાહેબના હાથ પેન્ટના ખીસ્સામાં જ રહયાં અને માત્ર શબ્દો બહાર આવ્યાં “ જો હરીયા, મને સાચુ કહી દે છાપુ કયાંરે ચોરી ગયો?તો તને અહીંથી જવા દઇશ. ” હરીયો બોલ્યોં પણ એની સ્વરપેટીના તાર ઢીલા થઇ ગયા હોય એવો ‘અઅઇઇ ઇઇતો મમમે’ એના મુખેથી ભેદી અવાજ નીકળ્યોં. . . . . . બસ આટલેથી આગળ બોલવા એની પાસે શબ્દો ખુટયા. એટલે સુરીયાએ બાજી સંભાળતા કહયું “ સાહેબ, એ છાપાચોર નથી. ” આ વખતે સુરીયાએ ઇ. સાહેબના જમણા કાનની નજીક જઇ બુમ પાડી. આ મોટા અવાજમાં સુરીયાનો નિર્દોષ હોવાનો ગુસ્સો પણ ભારોભાર હતો. ઇ. સાહેબને કાનમાં તમ્મર ચડી ગઇ. એમણે કાન આડે હાથ રાખવા વીજળીક ઝડપથી ખીસ્સામાંથી પોતાનો હાથ બહાર કાઢયોં. પણ હરીયાના મનમાં જે કાલ્પનીક ભય બાળક બનીને ભમતો હતો એ આ ઉચકાતો હાથ જોઇને યુવાન થયો. પહેલા તો હરીયો બે ડગલા પાછળ ખસ્યોં. અને પછી ‘એ ના’ એવો અવાજ કરતો ભાગી ગયો. બંને હવાલદારોએ ફરી હસવાનું કામ કર્યું. ઇ. સાહેબ જમણા કાને હાથ દઇને હસી પડયા જાણે કોઇ દુહો ગાતા હોય. સુરીયો લાચાર બની વિચારતો હતો કે જો હરીયાએ એકવાર પણ પાછુ વળી જોયું હોત તો મે એને હિંમત આપી હોત!!

એટલામાં ચા વાળો છોકરો ચા લઇને આવ્યોં. એણે હરીયાને ભાગતા જોયો એટલે હવાલદારને પુછયું “સાહેબ, આ ભાગતો ગયો એ કોઇ ગુનેગાર હતો?” સુરીયાએ પણ આ સાંભળ્યું પણ હવાલદારે તરત જવાબ આપ્યોં “ અમારે તો બધાયને ગુનેગાર જ માનવા પડે. તુ સારી ચા ન આપે તો તુ પણ ગુનેગાર. ” એટલે ચા વાળો ટેબલ પર ચા ના કપ ભરી, હવાલદારને સલામ ભરી છાના પગલે પલાયન થયો. ઇ. સાહેબ સુરીયા પાસેથી છાપો મારી છાપુ જપ્ત કરતા બોલ્યાં “જો સુરીયા, હરીયાને હાજર કર. અથવા તપાસ કર કે આ છાપુ કોણ લઇ ગયુ? તો જ તને આ ઘેટા મળશે. નહીંતર આ ઘેટા અહીં રહેશે. ” ઇ. સાહેબે હવાલદાર સામે જોયુ. હવાલદારે ઘેટા સામે જોયુ. અમુક ઘેટાઓએ સુરીયા સામે જોયુ. આ ચક્ર પુરુ થયુ એટલે ઇ. સાહેબ અંદર ચા પીવા ગયા. સુરીયો પણ જવાબ આપવા પાછળ પાછળ ગયો. ઇ. સાહેબ પોતાના ટેબલ પર ગોઠવાયા. છાપુ ટેબલ પર મુકયું. ચા નો કપ હાથમાં લીધો ત્યાં સુરીયો નજીક જઇ અરજ કરવા લાગ્યોં “સાહેબ,આ છાપાની અમને કઇ ખબર નથી. ” ઇ. સાહેબે ચા નો કપ ટેબલ પર મુકી પાછળ દિવાલે જોયું. સુરીયાએ પણ એ બાજુ જોયું. ગાંધીજીની છબી ટીંગાયેલી જોઇ. ત્યાં તો ઇ. સાહેબ બોલ્યાં “આ બાપાની ખબર નથી તમને મુર્ખાઓ? બાપુ છે,આપણા ગાંધીબાપુ. ” સુરીયો હવે મનમાં વિચારતો હતો કે પોતે અહીં શું કામ આયવો? સુરીયાએ બે હાથ જોડી નમસ્કારની મુદ્રા બનાવી. ઇ. સાહેબ આ જોઇ બોલ્યાં “જો હવે આ આજીજી મારી સામે નહીં ચાલે. હું કોઇના પર પણ દયા રાખતો નથી. ” “ અરે ના સાહેબ, તમને નહીં હું તો આ ગાંધીબાપુને નમસ્કાર કરુ છું. ” ઇ. સાહેબને સંભળાય તો ગયું પણ કશું સાંભળ્યા જ ન હોય એવો ચહેરો બનાવ્યોં. અને સુરીયાને કહયું “ખોટા નાટક નહીં કરવાના. જા હરીયા ચોરને હાજર કર. ” સુરીયો એટલુ જ બોલ્યોં “સાહેબ મારા ઘેટાનું ધ્યાન રાખજો,હું છાપાની અને હરીયાની તપાસ કરીને આવું. ” ઇ. સાહેબ ગુસ્સામાં બોલ્યાં “તારા ડેટા તો ચોરાઇ ગયા હવે શું ધ્યાન રાખે?” સુરીયો કઇ સાંભળ્યોં જ ન હોય એમ ચાલ્યો ગયો. હવાલદારની સામે ઇ. સાહેબને સુરીયો જવાબ આપ્યા વિના ચાલ્યો ગયો એટલે એ ગણગણ્યાં “સુરીયો બેરો થઇ ગયો લાગે છે. ” પછી બહાર નજર કરી અને મોટા અવાજે બંને હવાલદારને હુકમ કર્યો “જાવ પેલા ઘેટાને એકબાજુ ઉભા રાખી એમની ચોકી કરો. ” બંને હવાલદાર પશુનું પાલન કરવા બહાર ગયા.

આ બાજુ સુરીયો સીધો જ પાનના ગલ્લે પહોચ્યોં. ત્યાં હરીયો પહેલેથી જ હાજર હતો. હરીયો પાનના ગલ્લાવાળા રમેશ સાથે બોલાચાલી કરતો હતો. સુરીયો નજીક ગયો ત્યાંરે રમેશ બોલ્યોં “જો હરીયા, મારા ગલ્લે તો આ મારુ છાપુ આવે જ છે. તો મારે પોલીસચોકીનું છાપુ ચોરીને શું કરવુ?” પણ ભાગેડુ હરીયો ખુબ ગુસ્સામાં હતો. એ એક જ વાત ઉચ્ચાર્યા કરતો ફરી બોલ્યોં “પોલીસનું છાપુ અહીં કોણ લઇ આવ્યું?” સુરીયાએ ચાલુ વિવાદમાં કુદકો મારી અંદર બેઠેલા રમેશના શર્ટના કાઠલા સુધી હાથ પહોચાડ્યા. કાઠલા પકડી રમેશને થોડો પોતાના તરફ ખેચ્યોં. અને ગુસ્સામાં નીકળી ગયેલા અપશબ્દ પછી બોલ્યોં “જે હોય તે સાચુ કહી દે. અમારા ઘેટા ચોકીએ જપ્ત થયેલા છે. ” રમેશને બીજા બે ગ્રાહકો સામે આ કારણ વિનાનું અપમાન સહન ન થયું. પણ સુરીયાના મજબુત હાથ સામે એ લાચાર હતો. એટલે સૌથી નજીકના હથીયાર તરીકે એણે ચુનાથી ભરેલી તાંબાની લોટી ઉપાડી અને બંનેને ફકત ડરાવવા જ ઉગામી હતી. પણ સુરીયો આ જોઇને વધારે ભડકયોં. એણે રમેશને ખેંચીને ગલ્લા બહાર કાઢવાની કોશીષ કરી એમાં રમેશના હાથમાં લટકતી લોટી છટકી ગઇ. સીધી સુરીયાના માથામાં ટક અવાજ સાથે ઉંધી વળી. સુરીયાની પાઘડી વચ્ચે દેખાતા ખુલ્લા માથામાં જ લોટી અથડાઇ. બધા જ ચુનાનો અભિષેક સુરીયાના માથે થયો. અભિષેકથી દેવ રાજી થાય પણ અહીં ઉલટું થયુ. સુરીયાએ રમેશને છોડી દીધો. ક્ષણભર માટે રમેશે નિરાંતનો સ્વાસ લીધો. પણ ત્યાં તો સુરીયાએ બહાર મુકેલુ પોતાનું ધારીયુ ઉપાડયું. હવે વાતનું વતેસર થાશે એવુ લાગતા હરીયો અને બીજા બે ગ્રાહકો વચ્ચે પડયાં. સુરીયાને પકડી લીધો. હરીયાએ પોતાના સોગંધ આપી સુરીયાને શાંત કર્યોં. ગલ્લા તરફ નજર કરી તો ગલ્લો ખાલી હતો. રમેશ કયાંરે પાછલા બારણે પલાયન થયો એ કોઇને ખબર ન પડી. રમેશની ગેરહાજરીથી અને હરીયાના સોગંધથી સુરીયાએ હથીયાર નીચે મુકયું. હરીયાને પણ નિરાંત થતા એણે સુરીયાના ચહેરા બાજુ જોયું તો સફેદ ચુનો હવે પાઘડી નીચે થઇ સુરીયાના કપાળ અને ગાલે પહોચ્યોં. સુરીયાને જયાંરે ચુનાનું એક ટીપુ આંખમાં ગયું ત્યાંરે એણે પાઘડી ઉતારી. બરાબર એજ સમયે ગલ્લામાં રમેશનો ભાઇ ભુરો બપોરનું ટીફીન લઇને પ્રવેશ્યોં. સુરીયાનું સફેદ માથુ જોઇને હસ્યોં અને બોલ્યોં “અરે સુરેશ, તારા માથે તો બધાય વાળ સફેદ થઇ ગયા. હઅઅઅ એટલે જ તુ આખો દિવસ પાઘડી પહેરી રાખે છે. ” સુરીયો ફરી ધારીયું ન ઉપાડે એ માટે હરીયો તરત જ બાજી સંભાળતા બોલ્યોં “તુ તો કાઇ બોલતો જ નહીં ભુરા, નહીંતર તને ભુરાને બદલે લાલ કરી દઇશ મારીમારીને. ” ભુરાના કાને આ શબ્દો પડયા ત્યાંરે એની આંખે ગલ્લામાં નીચે પડેલી લોટી અને બધુ અસ્તવ્યસ્ત જોયું. એક સમજુ ગ્રાહકે ભુરાને આખી ઘટનાનું ‘રીકન્શ્ટ્રકશન’ કરી બતાવ્યું. ભુરાએ તરત જ ફ્રીજમાંથી પાણીની નવી જ બોટલ સુરીયાને આપી અને પ્રેમથી બોલ્યોં “સુરેશભાઇ સોરી હો, લો આ પાણી માથુ ધોઇ નાખો. ” ઠંડા પાણીથી સુરીયો ઠંડો થયો. એટલે ધીમા અવાજે ભુરાને પુછયું “જો ભાઇ, આ પોલીસચોકીનું છાપુ તારા ગલ્લે કોણ લઇ આવ્યું એ કહી દે. અમારા ઘેટા ઇ. સાહેબે જપ્ત કરી લીધા છે. અમારી માથે ચોરીનો આરોપ છે. ” સુરીયાના અવાજમાં ભારોભાર યાચના હતી. ભુરા પાસે બધા જવાબ હોય એમ એ બોલ્યોં “અચ્છા એમ છે?તો સાંભળો. ” હરીયો અને સુરીયો આતુરતાથી ભુરો આગળ બોલે એની રાહ જોતા રહયાં. ભુરો નીચે નમ્યોં, આ બંનેએ પણ ગલ્લામાં નીચે ડોકીયુ કર્યું. ભુરાએ તો ચુનાની ખાલી લોટી લઇ થડા પર મુકી અને આગળ બોલ્યોં “ચોકીમાં પેલો સુકલકડી હવાલદાર છેને, હવાલદાર છગન. એ હમણા પંદર દિવસ થયે રોજ ચોકી પરથી છાપુ લઇ અહીં મારા બાકડા પર બપોર સુધી બેસી રહેતો. પછી બપોરે જમવા જતો રહેતો. પણ આજે સવારમાં જ ઇ. સાહેબ અચાનક જીપ લઇને નીકળ્યાં એટલે એ ઉતાવળમાં છાપુ અહીં બાકડે ભુલીને ભાગી ગયો. ” સુરીયાની આંખો પહોળી થઇ ગઇ અને એ બોલ્યોં “એ છગન તો હતો ચોકી પર પણ કાઇ બોલ્યોં નહીં. ” હરીયો પણ બોલ્યોં “અરે આ તો પોલીસ જ ચોર છે ને અમને હેરાન કરી મુકયાં. આ સુરીયા તારે લીધે બધી માથાકુટ થઇ. હાલ હવે ચોકીએ ઇ. સાહેબને સાચી વાત કરી આપણા ઘેટા છોડાવી આવીયે. ”

સુરીયાએ માથે પાઘડી બાંધી. હથીયાર ઉપાડયાં અને બોલ્યોં “જો હરીયા,મુરખ, તારે આ છાપુ ભેગુ લેવાની શું જરૂર હતી?” આમ બંને એકબીજા પર આરોપ લગાવતા ચાલતા થયા. ત્યાં પાછળથી ભુરાએ બુમ પાડી “આ રમેશ કઇ બાજુ ભાગ્યો છે?” ભુરાનો આ સવાલ ફરી કોઇ બબાલ ઉભી ન કરે એ માટે હરીયો હવામાં બોલ્યોં “તારા ઘર બાજુ જ ભાગ્યોં છે. ” હવે બંને લાંબા લાંબા ડગલા ભરી ચાલવા લાગ્યાં. પોતાની નિર્દોષતા સાબીત કરવા બંને ઉતાવળા થયા. રસ્તામાં ચાલતા ચાલતા હરીયાએ પુછયું “કેટલા વાગ્યાં?” સુરીયાએ કાંડા ઘડીયાલમાં જોઇને કહયું “સાડા બાર. ” હરીયાની ચાલ ધીમી થઇ ગઇ અને એ બોલ્યોં “એટલે જ મને ભુખ લાગી. હાલને સુરીયા પહેલા કયાંક બેસીને ખાઇ લઇએ. ” બંનેના ટીફીન રોજ સાથે જ હોય. મોટા કપડામાં બાજરીના રોટલા અને અથાણુ હોય. સાથે ઘેટાનું તાજુ દુધ. સુરીયાને પણ ભુખ તો લાગી જ હતી. છતા પણ એ બોલ્યૉં “ના ના હો હરીયા, પહેલા આપણી ઉપર લાગેલા આરોપનો નીકાલ કરી આવીએ. આપણો માલ છોડાવીયે પછી જ ખાવું છે. ” હરીયો તો હંમેસા સુરીયાની વાત પર જ ચાલે. થોડી વારે ચોકી તો આવી ગઇ. પોતાના બધા ઘેટા સલામત હતા એ જોઇ આનંદ થયો પણ હવાલદાર છગન જ એનું ધ્યાન રાખતો ઉભો હતો એ જોઇને બંનેના ચહેરે ગુસ્સો અને ચીંતાના મિશ્ર ભાવ પ્રગટ થયા. પણ બંનેને નવાઇ તો ત્યાંરે લાગી જયાંરે હવાલદાર છગન અટ્ટાહાસ્ય સાથે બોલ્યોં “આવો આવો સરકારી મહેમાન. ” હરીયો બોલી પડયોં “ અમારી પાસે બધી માહીતી આવી ગઇ છે. કોણ શું કારસ્તાન કરે છે ઇ?” બંને ચોકીના પગથીયા ચડતા હતા ત્યાંજ હવાલદારે બુમ પાડી “ઇ. સાહેબ,આવી ગયા બંને હીરો. ” ઇ. સાહેબ દોડીને બંને તરફ ધસ્યાં બંનેના એક એક હાથ પકડી લીધા. બધી ઘટનાઓ હરીયા અને સુરીયાની ધારણા વિરુદ્ધ બનતી હતી એમાં એક આ ઘટના પણ ભળી. ઇ. સાહેબે બંનેને પકડી કસ્ટડીમાં નાખ્યાં.

ક્રમશ: