ગુલાબી નોટબુક Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુલાબી નોટબુક

ગુલાબી નોટબુક

'લાવ એ શેનો કાગળ તું સંતાડી દે છે. ' મેં મધુને આઘીપાછી થતી જોઈ. કોઈ દિવસ નહીં ને આજે જ મારું ધ્યાન ગયું. મધુ ચોરી કરતા પકડાઈ હોય તેમ ખાસિયાણી પડી ગઈ.

'તારે ઘેરથી લાવી છું ? જોવા દે. ' મેં જિજ્ઞાસાથી કહ્યું.

એણે શરમાઈને આડું જોયું.

મધુ મારા કાગળોને ગોઠવીને મૂકતી પણ કદી લેવાની વાત નહીં. હા, કયારેક કુતૂહલથી ઊભી ઊભી વાંચે. મને તો હાથમાંનું ઝાડુ એના બે પગની આટીમા રાખી ટેબલ પરના કાગળ પર ઝૂકેલી લીલીછમ ડાળખી જેવી એ જીવંત વાર્તા લાગતી.

મધુના નમણા ચહેરા પર નાકની ચૂની અને કાનની કડીઓ આંખને ગમી જાય તેવી. એણે એના યુવાનીમાં ડોકિયું કાઢતા એકવડા શામળા શરીર પર પીળા રંગનું કમીજ અને ભૂરી સરવાર

પહેર્યા હતાં . કામ કરતી વખતે તે ઓઢણીને કેડ પર બાંધી રાખતી. વાળ ઊંચા બાંધી દેતી, ગીત ગાતી દરિયા પર આવતી લહેરની જેમ ઊંચી નીચી થતી કામ કર્યા કરતી. એણે કાગળને પોચા હાથે ગડી વાળી ઓઢણીમાં ખોસી દીધો.

ચકલી ફર ફર કરતી ઊડી જાય તેમ ભાગી.

'અલી આ કચરો તો વાળી લેં ' મધુ શરમાતી નીચું જોઈ ઝાડુ વાળતી હતી પણ ઘડી ઘડી દબાવી રાખેલા કાગળ પર હાથ ફેરવી લેતી હતી. એનું મહામૂલું કંઈક એને છૂપાવવું હતું અને બતાવવું પણ હતું.

મારા રૂમમાં પુસ્તકના કબાટને ઝાટકીને સાફ કરવાનું,આડી અવળી પડેલી ચોપડીઓને ગોઠવવાનું એને ખૂબ વ્હાલું. પુસ્તકના નામ પર હાથ ફેરવી વાંચતી.

'સ્કૂલમાં જાય છે?' મેં પૂછેલું

'દસમું પૂરું થયું એટલે માએ ઉઠાડી લીધી. ' બેએક વર્ષથી એની મા શાંતિ બાને ત્યાં સાફસૂફી કરવા આવતી હતી.

'હું તારી માને કહીશ તને અગિયારમું ધોરણ ભણાવે'

'ઉહું ... મારી સગાઈ કરી છે. '

'તેથી કાઈ ભણવા ન જવાય '

'એણે દસમાથી છોડી દીધું. એના બાપની હારે શાકની દુકાને બેસી ગયો. '

ત્યાં એની ઓઢણીમાં દબાવી રાખેલો કાગળ પડી ગયો.

એ શરમની મારી ખેંચાખેંચ કરતી રહી ને મેં એનો કાગળ મારા હાથમાં લઈ લીધો.

'તારા એને લખ્યો છે?'

એણે માથું હલાવી ના પાડી ધીમેથી બોલી 'એ લખે -વાંચે તો મારા સમ,પેસા ગણતા આવડે એટલે એનો બાપ રાજી'

મારી જિજ્ઞાસા વધી ગઈ કે આ છોકરીએ શું લખ્યું હશે! મને વંચાવવા માટે જ લાવી હતી. એના ઘરમાં તો કાળા અક્ષર ભેંસ બરાબર. કાળી મજૂરી કરી થાકી જતી મા ને કારખાનેથી આવી બેવડો લગાવી ખાટલીમાં ગુણ જેવો પડી રહેતો એનો બાપ.

મારા હાથમાંનો કાગળ હું ખોલતી હતી તેમ તેમ ધક ધક થતું એનું હૈયું માંડ દબાવી તે દૂર જઈ ઊભી રહી.

***

ચબરખી જેવા કાગળમાં મરોડદાર અક્ષરમાં એણે ટપકાવેલું હતું.

'મેઘલો આયો રે '

'હાય હાય,ગરમીમાં કેવાં શેકાયાં,પાણી પાણી કરતા તરસ્યાં ને આ ઝાડ તો ઊભાં ઊભાં છાંયડા ઢાળી બિચારા થાકી ગયાં ત્યાં દૂરથી પવનની લહેરખીઓ આવ્યાનો વહેમ ગયો. આકાશમાં કાળી વાદળીઓ સૂર્યદાદાની હારે સંતાકૂક્ડી રમતી ઘડીકમાં ચારેકોર વેરાણી. પવનના સૂસવાટાથી બારણાં ઉઘાડવાસ થયાં .. માની રાડ આવી મધલી આગણાંમાંથી ખાટલી ને ગોદડાં ઉપાડી લે.

પછી તો હું વરસાદનાં ટીપાંને મારી ઓઢણીના છેડાને આઘો કરી ટપ ટપ ઝીલતી હતી. '

મને તો વાંચવાની ખરેખરી મઝા આવી. પહેલા વરસાદ જેવી તેની હદયની કુંવારી લાગણીઓને એણે અનાયાસ કાગળ પર ઉતારી હતી. કાદવમાં એક કમળ ઉગવાની મથામણ કરતું હતું.

'કેટલું લખ્યું છે?' મેં પૂછ્યુ.

'જે કાગળ દેખું તેના પર લખું,કાલે લાવીશ. ' કહી એણે જવાની તૈયારી કરી એટલે મેં એને ગુલાબી કવરની એક નોટબુક આપી.

મોંઘી જણસ મળી હોય તેમ તે ખુશ થઈ.

'ક્યારે લખીશ?' મેં પૂછ્યું.

'સાંજે નવરી પડું એટલે હું ભલી ને મારી નોટ '

કેડ પર બાંધેલી ઓઢણી છાતીના ઊભાર પર ઢાંકી,વાળનો ચોટલો લટકતો રાખી ઉતાવળી દોડી ગઈ. એને નોટમાં કંઈક અવનવું લખાવાની ચટપટી થઈ હશે! એને આંગળીના ટેરવેથી પા પા પગલી ભરતા શબ્દોને કાગળ પર જોઈને મઝા આવતી હશે! કોઈ મેગેઝીનમાં કે બ્લોગ પર વાચકો માટે લખવાનું તેની કલ્પનામાં નહોતું !

બીજે દિવસે મધુ દેખાઈ નહીં. એની મા સાફસૂફી કરી જતી રહી.

***

ત્રીજે દિવસે મધુ ચબરખીઓને ઓઢણીના છેડામાં બાંધી દોડતી આવી. કાગળોમાં કોઈ પર તેલના ડાઘા તો કોઈ પર પાણી પડવાથી અડધા ધોવાઈ ગયેલા ,શાકના ડાઘા... કાગળ પરના શબ્દો ભયભીત ભૂલકાં જેવાં બચાવોની તીણી ચીસો પાડતા હતા.

મેં એને વ્હાલથી ટપલી મારી કહ્યું : 'નોટમાં લખી નાંખજે,આમ તો ખોવાઈ જશે.

દિવાળીના દિવસો મધુ સાસરે અવરજવર કરતી હશે એટલે શાંતા એકલી કામ કરી જતી.

મારું દિવાળીનું વેકેશન પૂરું થયું. હું કોલેજના કામમાં અને વ્યાખ્યાનની તૈયારીમાં રોકાયેલી રહેતી.

રવિવારે મને હીંચકે બેઠેલી જોઈ મધુ ગુલાબી નોટ લઈને આવી.

'સાસરે ગઈ હતી?' મેં એને પૂછ્યું

'હમ.. ' શરમથી એની નજર ઝૂકી ગઈ.

અડધી નોટ એણે એના મરોડદાર અક્ષરથી લખેલી હતી.

'પાવાગઢ ','કમાટીબાગ ', મેળો... એમ એણે જે જોયેલું તેનું સહજ વર્ણન કરેલું હતું તો મુવી જોયાં હશે તેના પરથી દિલવાલે દુલહનીયા લે જાયેંગે ' ની ગુદગુદી થાય તેવી વાતો લખેલી. ક્યાંક એના વર વિષે થોડી ફરિયાદ કંઈ ગમતીલી વાતો લખેલી હતી. વચ્ચે એક પાના પર કાળું બળેલા જેવું કાણું હતું.

'અરે મધુ આ શું કાગળ બળી ગયો હતો?' મેં પૂછ્યું

મધુ દાઝી ગઈ હોય તેમ એંકદમ આધી ખસી ગઈ. ઘણી વાર સુધી મૂગી રહી પછી બોલી:

'એણે બીડી ફૂંકીને ઠુંઠું નોટમાં મસળી દીધેલું '. વીજળી પડે ને છોડ કાળો થઈ જાય તેવી મધુને મેં મારી પાસે બેસાડી. એને હૈયાધારણ કયા શબ્દોમાં કરું? શાકભાજીના હિસાબમાં પાકા એના વર માટે મધુના ટેરવેથી ઝરતા શબ્દો નહિ વેચાયેલા શાકની જેમ ખોટનો વેપાર હશે!

'બેન,આ નોટ તમારી પાસે રાખો ' સેઇફ ડીપોઝીટમાં ઘરેણું સાચવવા મૂકતી હોય તેમ બોલી.

હું એની નોટ વાંચું એટલે હરખાઈ જતી, વગડામાં ટહુક્યા કરતી પોતાનામાં મસ્ત કોયલ જેવી મધુ જાણે અંદરને અંદર પાંખો પછાડતી હતી! ક્યારેક મને થતું આવી લાગણીથી છલકાતી છોકરી એના સાસરે સુખી રહેશે?

***

વચ્ચેના પાંચ વર્ષ હું અમેરિકા જઈ આવી. બાને ત્યાં મધુની જગ્યાએ બીજી બાઈને કામ કરતી જોઈ. મને એમકે મધુના લગ્ન થઈ ગયા હશે.

એક દિવસ સાંજે ચારેક વાગ્યે અમે ચા-નાસ્તો કરતાં બેઠાં હતાં ત્યાં મધુની મા 'મારી મધુ... કરતી દરવાજેથી દોડતી આવી મારા પગ આગળ પડી ભાંગી.

બાએ એને ઊભી કરી પૂછ્યું ' શું થયું મધુને ?કેટલાય દિવસથી દેખાતી નહોતી તે મને એમકે તું માંદી પડી હશે. '

એણે લમણા પર હાથ પછાડી પોક મૂકી :' ભગવાને મને માંદી પાડી હોત તો સહી લેત પણ દીકરીનું દુઃખ નથી જોવાતું. '

હવે મારી ધીરજ ખૂટી ગઈ પૂછવા લાગી : ક્યાં છે મધુ ?શું થયું છે?'

બા જલદી અંદર જઈ પાણી લઈ લાવ્યાં ને એને પાયું. પછી કહે 'સરખી વાત કર,'એને સાસરે છે?'

'સાસરે એનો જીવ મુંઝાતો 'તો તે,ચાર દાડા પહેલાં બે જોડ કપડાં લઈ મારે ધેર આવતી રહેલી. પછી જમાઈ અને સસરો અમને ધાકધમકી આપી મધુને લઈ ગયા. કસાઈના હાથમાંથી છૂટવા બિચારીએ ધમપછાડા કર્યા. પણ... મેં કહેલું થોડા દહાડા ખમી લે તારી ફારગતિના કાગળ કરીશ. '

શાંતા ફરી રડવા લાગી :હું અભાગણી ચેતી નહીં,'

'પણ શું થયું?. બાનો જીવ અધ્ધર થઈ ગયો.

'આજ વહેલી સવારે ચાદરમાં મડદાની જેમ વીંટાળી રિક્ષામાંથી બે જણા મારે બારણે નાંખીને જતા રહ્યા. મારી મધુ બળીને ભડથું થઈ ગઈ. સરકારી દવાખાને દાખલ કરી છે. '

અમે તાબડતોડ ઘડીના વિલંબ વિના સરકારી દવાખાને પહોંચ્યાં . સરકારી સારવાર લેવા કીડિયારું ઊભરાયું હોય તેમ ખાસી ખાતા ,ઊલટી કરતા,પેટ દબાવી કણસતા,દર્દીઓની ભીડ વચ્ચેથી માંડ રસ્તો કાઢતાં દાઝેલાના વોર્ડમાં પહોંચ્યાં ત્યાં શાંતા દોડતી 'મારી મધુ'... કરતી ખૂણામાંના ખાટલે પહોંચી. તે જ વખતે ગળે સ્ટેથોસ્કોપ લટકાવેલા જુવાન ડોકટરે પીઠ ફેરવી. નર્સે સફેદ ચાદરને મૃતદેહ પર ઢાંકી દીધી. મૂગી ચીસો,દાઝેલી ચામડીના ચચરાટ લોહીના ચિત્કાર,મુક્તિ માટેની પછડાટો સફેદ ચાદર તળે ગૂંગળાતા હશે!

મધુ ગુલાબી નોટબુકના સફેદ કાગળ પરની તારી અધૂરી વાર્તાનું શું?

તરૂલતા મહેતા