ખુશ-મિજાજ sahity kalrav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુશ-મિજાજ

“ખુશ-મિજાજ”

૪૫ વર્ષીય રજનીભાઇ એક પ્રામાણિક વ્યક્તિ હતા. થોડા અકડું અને જિદ્દી પણ ખરા. મીનાબેન તેમના પત્ની પણ ઘણીવાર તેમના આ અભિગમથી કંટાળી જતા. કુદરતનો અભિશાપ જ કહી શકાય કે તેમણે ક્યારેય કોઈનું ખોટું ન કર્યું હોવા છતાંય સંતાનસુખથી તેઓ વંચિત રહ્યા હતા. પણ રજનીભાઇ દુઃખોને કેવી રીતે ખુદથી દૂર રાખવા એ બખૂબી જાણતા હતા. મીનાબેનને પણ સારી રીતે સાચવી લીધા હતા.

બહારની દુનિયામાં રજનીભાઈનો વ્યવહાર ઘણા લોકોને માફક આવતો નહિ અને આ જ કારણે અત્યાર સુધી દસથી વધુ નોકરી બદલી ચુક્યા હતા. જવાન હતા ત્યારથી જ વોચમેનની નોકરી કરેલી હતી. એક મિત્રના કહેવાથી પૈસાની લાલચમાં શેરબજારમાં એક લાખ રૂપિયા રોક્યા. પણ થોડા મહિનાઓમાં જ તેમની અક્કલ ઠેકાણે આવી ગઈ. જ્યારે તેમના એક લાખ રૂપિયા ડૂબી ગયા. આપણને જે કામમાં કુશળતા હોય તે જ કામ કરવું. નદીમાં કૂદતાં પહેલા તેની ઊંડાઈ વિશે જાણી લેવું જોઈએ, આપણને તરતા આવડે એવા વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ક્યારેક ડૂબી જવાનો પણ વારો આવે. આ વાત રજનીભાઈ ખૂબ સારી રીતે સમજી ગયા હતા. મીનાબેનને થોડા મહિના સુધી આ વાતનો આઘાત લાગેલો, પણ આનાથી વિપરીત રજનીભાઈને લેશમાત્રનો ફરક નહોતો પડ્યો.

રજનીભાઈ સંતુષ્ટિ ધરાવતા જીવ હતા. લેરિલાલા અને ખુશમિજાજી માણસ હતા. ડ્યુટી સારી રીતે કરવાના કારણે સિક્યુરિટી કંપનીએ તેમને એક મલ્ટીનેશનલ કંપનીમાં પોસ્ટીંગ આપ્યું હતું. ગેટની અંદર પ્રવેશતી અને નીકળતી તમામ કારને ચેક કરવાનું એમનું કામ હતું.

થોડા દિવસો પસાર થઈ ગયા હતા. રજનીભાઇને અહીં માફક આવી ગયું હતું. સાથે કામ કરતા તમામ વોચમેન, કારીગરો, અહીં સુધી કે કંપનીના ઘણા અધિકારીઓ રજનીભાઇના જાણે કે મિત્ર બની ગયા હતા.

બપોરના સમયે ટિફિન ખોલ્યા બાદ પહેલી રોટલી કૂતરાને આપતા. હવે તો કૂતરાને પણ ખબર પડી ગઈ હોય તેમ ચોક્કસ સમયે ત્યાં હાજર થઈ જતો. ક્યારેક કોઈ ટિફિન ના લાયું હોય તો એને પણ સાથે જમાડી લે. તેમની સાથે કામ કરતા કાંતિભાઈથી એક દિવસ ના રહેવાયું એટલે પૂછી જ લીધું.

"યાર રજની, એક તો તું ગણતરીની પાંચ રોટલી લાવે છે. એમાંથીય એક કૂતરાને આપી દે છે. દરરોજ કોઈ ને કોઈ ટિફિન નથી લાવતું એટલે પાછો તું એમનેય જમાડે છે. તો તારા માટે શું બચે છે?"

રજનીભાઈએ હસીને પ્રત્યુતર આપ્યો, "કાંતિડા, આમાં જ તો મજા છે. આપણે બધા કુદરતની જ સંતાન છીએ, તેમના દ્રારા નિર્મિત. તો કોઈને અજાણ્યા કેમ સમજવા. બધા આપણા જ તો છે. બીજાને મદદ કરીને હું તો બસ નિમિત્ત બનું છું."

"નિમિત્ત એ કેવી રીતે?" કાંતિભાઈને નવાઈ લાગી.

"કુદરત હંમેશા બધાની મદદ કરે જ છે, કોઈ ને કોઈ માધ્યમ દ્રારા, હું તો બસ તેમનો માધ્યમ છું."

"અલા રજની, તારી વાતો સમજમાં નથી આવતી."

એ જ સમયે સલીમભાઈ ત્યાં આવે છે.

"કેમ છો?" રજનીભાઇએ પૂછ્યું.

"બસ, ઠીક યાર...." સલીમભાઈએ કહ્યું.

"જમવાનો સમય થઇ ગયો, ટિફિન ક્યાં છે તમારું?" રજનીભાઈએ પૂછ્યું.

"આજે નથી લાવ્યો?" સલીમભાઈએ કહ્યું.

"કેમ? ભાભી સાથે ઝઘડો થઈ ગયો કે શું?" કાંતિભાઈએ પૂછ્યું.

"ના, મારી બેટીની તબિયત સારી નથી એટલે તેની સાસરીમાં ગઈ છે." સલીમભાઈએ કહ્યું.

"દોસ્ત પૈસાની જરૂર હોય તો બેહિંચક થઈને કહેજો." રજનીભાઈએ કહ્યું.

સલીમભાઈ થોડા કચવાતા મને બોલ્યા, "પાંચ હજારની જરૂરત છે."

"તમે સાંજે મારા ઘરે આવજો, આપી દઈશ." રજનીભાઈએ હસીને કહ્યું.

"તારો આભાર...પગાર થતા જ તારા પૈસા આપી દઈશ." સલીમભાઈ થોડા ગળગળા સ્વરે બોલ્યા.

"અરે આ બધું જવા દો, ચાલો મારી સાથે જમો." રજનીભાઈએ ટિફિન સામે ઈશારો કરતા કહ્યું.

દરરોજ ત્યાં આવતો કૂતરો પણ ગેટ પાસે આવી પહોંચ્યો.

"લો આ પણ આવી ગયો." રજનીભાઇ હસ્યા અને ગેટ બહાર જઈને તે કૂતરાને રોટલી આપી અને પાછા અંદર આવ્યા.

"યાર, માત્ર ચાર રોટલી..." સલીમભાઈ બોલવા જાય તે પહેલાં રજનીભાઇએ કહ્યું, "અરે યાર, જો પ્રેમથી જમીશું તો પેટ પણ ધરાશે જ."

રજનીભાઇ અને સલીમભાઈ સાથે જમ્યા. કાંતિભાઈ આ બધું જોઈ રહ્યા, પણ જાતિવાદને કારણે તેઓ ખુદનું ટિફિન આ બન્ને સાથે ન વહેંચી શક્યા. સલીમભાઈના ગયા બાદ તેમણે રજનીભાઇને પૂછ્યું, "આમ મુસ્લિમ સાથે..." બોલવા જાય તે પહેલાં રજનીભાઇએ અટકાવ્યા.

"આ દુનિયામાં એક જ ધર્મ છે. ઇન્સાનિયતનો... ધર્મ, મજહબ બધું ઠીક હવે. બધાની વચ્ચે પ્રેમ હોવો જોઈએ. હું, સલીમભાઈ અને અમારા જેવા કેટલાય લોકો આ વાત સાર્થક કરી રહ્યા છીએ." રજનીભાઇ હસ્યાં અને ઉભા થયા. ત્યાં હાજર અમુક લોકો બસ તેમને જોઈ રહ્યા હતા.

***

રજનીભાઇ સાંજે ઘરે પહોંચ્યા. ઘરમાં મીનાબેન ક્યાંય ન દેખાયા એટલે તેઓ ધાબે પહોંચી ગયા. તેઓ જાણતા હતા કે જ્યારે પણ તે દુઃખી હોય તો ક્યાં હોય. તેમની ધારણા સાચી પડી. દુઃખી અને વ્યથિત મીનાબેન નિતાંત આસમાનને જોઈ રહ્યા હતા.

"મીના, શુ થયું?" મીનાબેનના માથા પર હૂંફની લાગણીથી રજનીભાઇએ પૂછ્યું.

"આજે પાડોશમાં કલ્પનાબેનના વહુનું શ્રીમંત હતું, બધાને બોલાવ્યા, માત્ર આપણને ટાળ્યા." મીનાબેને કહ્યું.

"કદાચ ભૂલી ગયા હશે."

"આ બહાના ન બનાવો, કારણ તમને ખબર છે જ. આપણી કોઈ સંતાન નથી ને, એટલે લોકો અપશુકનિયાળ ગણે છે." બોલતા બોલતા મીનાબેનના ગળે ડુમ્મો ભરાયો.

રજનીભાઇએ મીનાબેનને ખુદની નજીક ખેંચી અને આલિંગન આપતા કહ્યું, "મીના તને ખબર છે કુદરતે આપણને કેમ ખુદની સંતાન ન આપી? કેમ કે આપણને બહુ બધા બાળકોના માતા-પિતા બનાવી શકે, બધાનો પ્રેમ આપણને મળી શકે. આપણે દર રવિવારે અનાથ આશ્રમ જઈએ જ છીએ ને? એ બધા બાળકો આપણા જ તો છે."

"એ ભલે આપણને મમ્મી-પપ્પા કહેતા હોય, પણ લોક-દુનિયા થોડી માનવાની અને સાચુકલી માં પણ એમ જ છે ને."

"લોકો શુ માને એનાથી આપણને શુ લેવા-દેવા? તું જ્યારે એ નાનકડા બાળકોને તારા હાથેથી જમાડે છે ત્યારે તારી મમતા જાગૃત થાય છે?"

"હા..."

"તો બસ, તું એમને તારા બાળકો માને છે અને મમતા ન્યોછાવર કરીને જો ખુશીની લાગણી થાય એથી વિશેષ શું જોઈએ તને?"

મીનાબેન ધીમે ધીમે રજનીભાઇના કહેવાનો મર્મ સમજી ગયા હતા.

"આજ સુધી તમે કોઈ કિતાબ વાંચી નથી, મંદિરે પણ નથી જતા, તો આટલું બધું જ્ઞાન ક્યાંથી મેળવ્યું?" મીનાબેન આશ્રયથી ઘણીવાર આ સવાલ પૂછતાં. અને જવાબમાં એક રહસ્યમયી સ્મિત તેમને મળતું.

***

"અરે મીના, જલ્દી કર મારુ ટિફિન લાય, કામે જવામાં મોડું થાય છે." રજનીભાઈએ રસોડામાં ડોકિયું કરતા કહ્યું.

"એ લાવી..." હાથમાં ટિફિન લઈને ઉતાવળા પગે મીનાબેન બહાર આવ્યા.

એક મંદ સ્મિત ફરકાવી રજનીભાઈએ ટિફિન હાથમાં લીધું અને બારણાની બહાર નીકળીને બુટ પહેરવા લાગ્યા. ત્યાં જ સામે રહેતા કલ્પનાબેનની નજર આ દંપતી પર પડી.

"સત્યાનાશ! કયા આ લોકોને જોઈ લીધા, હવે આજનો આખો દહાડો ખરાબ જશે." મોઢું મચકોડતા કલ્પનાબેન બોલ્યા.

રજનીભાઇ અને મીનાબેનના કાને આ શબ્દો તીરની માફક ખૂંચી ગયા. આ જ દુનિયાની રીત છે. સુખમાં સામેલ થવા બધા આવે, પણ દુઃખમાં સાથ આપવા? કદાચ ઘણા ઓછા લોકો. આજેય પણ લોકો અંધશ્રદ્ધામાં એટલા ડૂબેલા છે કે ઘણીવાર ન કરવાનું કરી બેસે. નિઃસંતાન દંપત્તીને કેટલું દુઃખ હશે, માતૃત્વ ધારણ ન કરી શકવાનો રંજ એમનાથી વધુ કોને હોઈ શકે? અલબત્ત એ જાણવું કે સાંત્વના આપવી દૂરની વાત રહી, પણ ગેરવર્તન કરીને તેમના દુઃખોને વધાવી દે છે.

રજનીભાઇ કલ્પનાબેનની નજીક ગયા અને પ્રેમથી કહ્યું, "તમારે અમારું મોઢું ન જોવું પડે, તમારો દિવસ ખરાબ ન જાય એ માટે રામબાણ ઈલાજ છે મારી પાસે."

"શું?"

"તમે આ ઘર વેચીને બીજે જતા રહો, જિંદગીભરની શાંતિ..." રજનીભાઇ હસી પડ્યા.

"તમે જ કેમ નથી જતા રહેતા? બધાને શાંતિ થઈ જાય." કલ્પનાબેન બોલ્યા.

"અપશુકનિયાળ હું નહિ તમે છો, પૂછો કેવી રીતે?" રજનીભાઇએ કહ્યું.

"હું? હોશમાં તો છો શુ કહો છો?" કલ્પનાબેન ગુસ્સામાં બોલ્યા.

"હું બહાર નીકળ્યો ને સૌ પહેલા મેં તમને જોયા, હવે તમારું એવું તો કેવું મોઢું કે મારે ખરાબ કટુવચન સાંભળવા પડ્યા?" રજનીભાઇ મંદ સ્મિત વેરતા બોલ્યા.

"હા...હા..." અમુક પાડોશીઓ તો ઠીક, શાકભાજીની લારી લઈને આવેલા લીલાબેન પણ સાંભળીને હસી પડ્યા. કલ્પનાબેન ભોંઠા પડ્યા હોય એવો આભાસ થયો અને તુરંત ઘરમાં પુરાઈ ગયા.

મીનાબેન દુઃખી હતા, રજનીભાઈએ આંખોથી જ પ્રેમ અને હૂંફની લાગણી દર્શાવી. દૂર હોવા છતાંય આંખોથી જ બન્નેએ વાતો કરી લીધી.

"હું તારી સાથે છું ને, પછી દુઃખ કઈ વાતનું? રજનીભાઇએ પૂછ્યું.

"ના, કોઈ દુઃખ નહિ, પણ બસ આમ જ મારી સાથે રહેજો." મીનાબેને કહ્યું.

રજનીભાઈએ આંખી મિચકારી અને કામે જવા રવાના થયા.

***

ગેટ ખુલ્યો અને આલિશાન કાર અંદર પ્રવેશી. એ સાથે જ રજનીભાઈએ કારને થોભવા માટેનો ઈશારો કર્યો. કારની બારી ખુલી.

ડ્રાઇવરે પૂછ્યું, "શું થયું ભઈલા?"

"કારને ચેક કરવી છે." રજનીભાઇએ કહ્યું.

"શું...? જાણે પણ છે કોની કાર છે આ...?" ડ્રાઇવરને નવાઈ લાગી.

"ખબર નહિ, પણ કંપનીનો નિયમ છે, દરેક વાહન ચેકીંગ થયા બાદ જ અંદર જઇ શકે." રજનીભાઇએ કહ્યું.

"ખબર પણ છે, તારી નોકરી જઇ શકે છે?" ડ્રાઇવરે ધમકી આપી.

"બીજી નોકરી શોધી લઈશ." બેખોફ થઈને રજનીભાઇએ જવાબ આપ્યો.

"અરે! ટળપા ખબર પણ છે આ કોની ગાડી છે? ભાઈ તું જા..." સિનિયર ગાર્ડ ત્યાં આવી પહોંચ્યો. ડ્રાઇવર ખંધુ હસ્યો અને કારને હંકારી મૂકી.

"પણ આપણો નિયમ..." રજનીભાઇ બોલવા જાય એ પહેલાં ગાર્ડે અટકાવ્યો, "કંપનીના માલિકની કાર છે. આજે તો મેં બચાવી લીધો આગળથી ધ્યાન રાખજે." કહીને તે જતો રહ્યો.

લગભગ અડધા કલાક બાદ તે કાર પરત ફરી. રજનીભાઇએ ફરી કારને અટકાવી.

"અલ્યા હવે શું થયું?" કારની બારી ખોલીને ખિજાતા મને ડ્રાઇવર બોલ્યો.

"ચેકીંગ કરવું પડશે." રજનીભાઇ બોલ્યા.

"હજુ સુધી પેલા ગાર્ડે સમજાયું નહીં? કે પછી નોકરી વ્હાલી નથી? ચલ હટ હવે....આયુ મોટુ ચેકીંગવાળું..." ડ્રાઇવર બોલ્યો.

સિનિયર સિક્યુરિટી ગાર્ડ બધા ત્યાં આવી પહોંચ્યા અને રજનીભાઈની ઝાટકણી કાઢવા લાગ્યા. પણ રજનીભાઇ ન માન્યા.

પાછળની સીટ પર બેસેલા માલિક દિનદયાળ જે અત્યાર સુધી ફોન પર વાત કરી રહ્યા હતા, એમનું ધ્યાન હવે આ મામલે ગયું અને બારી ખોલીને કહ્યું, "શું થયું?"

"જુઓ ને સાહેબ, આ બે કોડીનો ગાર્ડ કાર ચેક કરવાની વાત કરે છે." ડ્રાઇવરે કહ્યું.

"હે...." દિનદયાળને નવાઈ લાગી.

"અરે ભાઈ હું તો માલિક છું. મારી જ ગાડી તમે ચેક કરશો."

"સાહેબ, મારા સિનિયરએ પહેલાં જ દિવસ મને કહેલું કે કોઈ પણ ગાડી આવે કે જાય, ચેકીંગ કરવાનું જ. હું તો મારી ડ્યુટી નિભાવી રહ્યો છું."

"ઠીક છે, જલ્દી ચેક કરી લે." દિનદયાળે ઘડિયાળ સામેં જોતા કહ્યું.

"અલ્યા આ શું કરે છે? કઈ ભાન બાન છે કે નહીં?" કાંતિભાઈએ કહ્યું.

"અરે દોસ્ત, માલિક તો હમારે લિયે ખુદા હોતે હૈ...ઔર તું..." રહીમભાઈએ કહ્યું.

"હું પણ મારી ડ્યુટી જ નિભાવી રહ્યો છું. જે મારા માલિકે પહેલે દિવસે મને કહ્યું હતું."

રજનીભાઈ એકના બે ન થયા, કાર ચેક કરી અને બાદમાં જ જવા દીધી. દિનદયાળ બસ તેમને જ જોઈ રહ્યા હતા.

સિનિયર સિક્યુરીટી ગાર્ડે તુરંત તેમની ઓફિસમાં કોલ કરીને રજનીભાઇએ કરેલા કાંડ અંગે માહિતી આપી. સિક્યુરિટી ઓફિસના તેમના બોસનો કોલ બે મિનિટમાં જ રજનીભાઇ પર આવ્યો અને ઝાટકણી કાઢીને નોકરી પરથી નીકાળી મુક્યા. તે છતાંય તેમના મુખ પર કોઈ દુઃખ નહોતું. આખરી વાર કાંતિભાઈ, રહીમભાઈ વગેરેને મળીને નીકળી ગયા.

***

"હે ભગવાન! તે આ શુ કર્યું?" પસ્તાવો જાહેર કરતા મીનાબેને કપાળે હાથ મુક્યો.

"ભગવાને નહિ મેં કર્યું, મીના." હસીને રજનીભાઇએ કહ્યું.

"કાંઈ ભાન-બાન પડે કે નહીં? માલિકની ગાડી કોઈ ચેક કરે ખરી? હું તો તમને ખૂબ સમજદાર વ્યક્તિ સમજતી હતી. અરે! તમે તો અક્કલના ઓથમીર છો. હવે ખાશો શું? એક કામ કરજો, ભૂખ લાગે ત્યારે મને બચકા ભરજો...હે મારા વ્હાલા...."મીનાબેન ચિંતામાં બોલ્યે જ જતા હતા.

"મીના..." કહીને રજનીભાઇ તેમની નજીક આવ્યા.

"શું છે હવે?"

"ભૂખ લાગી છે. તો બચકા ભરવાનું શરૂ કરું? હા....હા..." હસતા હસતા તેઓ અટકી પડ્યા. જ્યારે મીનાબેન ઘાયલ સિંહણની જેમ ગુસ્સાથી રજનીભાઇને જોવા લાગ્યા.

"જો તું ચિંતા ના કરીશ. કાલે જ નવી નોકરી શોધી લઈશ."

"હા...દસ બદલી ચુક્યા છીએ, હવે અગિયારમી શોધીશું... નહિ...." અદબ વાળીને ઉભા રહેલા મીનાબેન બીજી તરફ જોઈ રહ્યા હતા.

"મીના, મેં તો બસ મારા સાહેબે જે કહ્યું હતું એ મુજબ ડ્યુટીનું પાલન કર્યું. હવે તું પણ જાણે છે કે જીવનમાં અમુક વાર કરેલા સારા કામોનું વળતર ખરાબ મળે છે."

મીનાબેને હવે તેમની સામે જોયું, "રસોઈ બનાઈ દઉ છું, જમી લો."

"ના, હવે તું નારાજ છે તો કઈ ગમશે નહી."

"ઠીક છે, નથી બનાવતી."

"અરે હું તો મજાક કરું છું ગાંડી. ફટાફટ રસોઈ બનાય."

અને મીનાબેન હસી પડયા.

***

શેઠ દિનદયાળની ગાડી ગેટની અંદર પ્રવેશી. ગાર્ડે સલામ મારી અને સડસડાટ ગાડી આગળ વધી. શેઠએ પણ કુતૂહલવશ આસપાસ નજર કરી, પણ તેમને ક્યાંય રજનીભાઇ ન દેખાયા. આ સિલસિલો ત્રણ દિવસ ચાલ્યો. આખરે તેમનાથી ન રહેવાતા આ અંગે તેમણે ડ્રાઇવરને પૂછ્યું.

"સરજી, એ અકડું અને અકલના બળદને તો એ જ દિવસે નીકાળી મુક્યો હતો."

"મારે એને મળવું છે, સાંજે એ અહીં જોઈએ." શેઠે હુકમ કર્યો.

ડ્રાઇવર પ્રશ્નાર્થભરી નજરે જોતો રહ્યો. બાદમાં તેણે સિક્યુરિટી ગાર્ડને આ અંગે જણાવ્યું અને ફોન કરીને સાંજના સમયે રજનીભાઇને આવવા માટે કહ્યું.

***

"પહેલા તો મને પણ થોડી નવાઈ લાગી. કોઇ સિક્યુરિટી ગાર્ડ માલિકની કાર ચેક કરવાની હિંમત કરી શકે ખરી? તે મને વિચારતો કરી મુક્યો. મારો અહમ પણ ઘવાયો. જે સ્વભાવિકપણે દરેક માલિકની અંદરે હોય જ છે. પણ મને તારી પ્રામાણિકતા આખરે ગમી. એ તારી ડ્યુટીનો જ એક ભાગ હતો. આજથી તારા હાથ નીચે ચાર-પાંચ ગાર્ડ હશે અને તારો પગાર પાંચ હજાર વધારી દઉં છું." શેઠ દિનદયાળે રજનીભાઈની પ્રશંસા કરતા કહ્યું.

રજનીભાઇના ચહેરા ઉપર નૂર અને ખુશી છલકાતી હતી. "આજે સાંજે મીના માટે એક મસ્ત સાડી લઈને ઘરે જઈશ." મનોમન તેમણે પ્લાન બનાવી લીધો.

***

સમાપ્ત

રોહિત સુથાર "પ્રેમ"