Divinity - Chapter -17 books and stories free download online pdf in Gujarati

શિવતત્વ - પ્રકરણ-17

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૭. શિવનો બટુક અવતાર

મુંડ નામના દૈત્યે પાર્વતીપુત્રી બાળકન્યા અશોકસુંદરીનું અપહરણ કર્યું. તેમ કરવા પાછળ મુંડનો ઈરાદો અશોકસુંદરીને બંદી બનાવી રાખી જ્યારે તે યોગ્ય વયની થાય ત્યારે તેની સાથે પરણવાનો હતો. જેથી મુંડ અશોકસુંદરીનું અપહરણ કરીને દૈત્યલોકમાં લઈ જવા લાગ્યો. જે સમયે પોતાના અપહરણથી વ્યથિત અશોકસુંદરીએ મુંડને શ્રાપ આપ્યો કે મુંડનું મૃત્યુ તેના પતિ નહુષ દ્વારા જ થશે. આ શ્રાપ સાંભળીને મુંડે નહુષને જ મારી નાખી તે રીતે પોતાના મૃત્યુનું નિવારણ કરવા ઈચ્છ્યું. આ સમયે નહુષ નાનો બાળક હતો અને ઋષિ વશિષ્ઠના આશ્રમમાં અભ્યાસ કરતો હતો. નહુષને મારવા માટે મુંડે આશ્રમ ઉપર હુમલો કરી નહુષને મારવા વિચાર્યું, પરંતુ મુંડને વિચારતા જ શિવપુત્રી અશોકસુંદરીને તેનો આભાસ થઈ ગયો અને અશોકસુંદરી નહુષને બચાવવા માટે વશિષ્ઠજીના આશ્રમ પર પહોંચી ગઈ.

મુંડ જેમાં પોતાનો કાળ જોતો હતો તેવા નહુષને કોઈપણ રીતે મારી નાખવા માગતો હોય, તેણે વશિષ્ઠના આશ્રમ ઉપર ચડાઈ કરી. જે વેળાએ ઋષિ વશિષ્ઠજીએ પોતાની મંત્રશક્તિથી બહારના કોઈપણ પ્રાણીનો આશ્રમપ્રવેશ નિષેધ કરી નાખ્યો. જેથી મુંડે સળગતાં તીર ચલાવીને આશ્રમને સળગાવ્યો. અગનજ્વાળાઓમાં ભડકે બળી રહેલા તે આશ્રમમાં નહુષ અને પોતાને બળવાના ભયથી અશોકસુંદરીએ આક્રંદ સાથે માતા પાર્વતીનું સ્મરણ કર્યું. દેવી પાર્વતીને પોતાની પુત્રી અશોકસુંદરીના આક્રંદનો અને મુંડના અત્યાચારનો આભાસ થતાં જ કાલિકા સ્વરૂપ ધારણ કરી લીધું. હાથમાં ખડગ, ગળામાં મુંડમાળા સાથે ભયંકર દેખાતાં તે કાલિકા દેવીએ પોતાની પુત્રી સહિતના આશ્રમવાસીની રક્ષા કરવા મુંડના દૈત્ય સૈન્યનો સંહાર કરવાનું ચાલુ કર્યું. જોતજોતામાં મુંડની સમગ્ર અસુરસેના વિનષ્ટ થઈ. જે જોઈને મુંડ પણ પોતાના પ્રાણ બચાવવા ભાગ્યો. ભાગતા મુંડની પાછળ કોપાયમાન થયેલાં કાલિકા દેવી હાથમાં રક્ત નીતરતા ખડગ સાથે તેને મારવા દોડ્યાં.

જો કાલિકાદેવીના હાથે મુંડનો સંહાર થાય તો અશોકસુંદરીનો શ્રાપ ખોટો પડે. મુંડનું મૃત્યુ નહુષના હાથે જ થવું ઉચિત હતું. તેથી ભગવાન મહાદેવે કોપાયમાન થયેલાં કાલિકાદેવીને મુંડનો વધ કરતાં અટકાવવા સમજાવ્યાં, પરંતુ કુપિત દેવી મહાદેવના સમજાવવા છતાં પણ ન સમજ્યાં ત્યારે સદાશિવ મહાદેવે નાના બટુકનું સ્વરૂપ ધારણ કર્યું અને રૂદન કરવા લાગ્યા. એક કુમળા બાળકને રડતું જોઈને દેવી કાલિકાનો એવો ઉગ્ર કોપ શાંત થઈ ગયો કે જે સ્વયં મહાદેવના સમજાવવા છતાં શાંત નહોતો થતો. મહાદેવનું તે બાળસ્વરૂપ બટુકાવતાર તરીકે પૂજવામાં આવે છે.

શાસ્ત્રોની આ કથા પાછળ અદ્‌ભુત તત્ત્વબોધ છુપાયેલો છે. મુંડએ નામ જ સૂચવે છે કે તે માણસની ખોપરીનું જ નામ છે. અશોકસુંદરી એ આશા અને કામનાનું રૂપ છે. દરેક આશાઓને પોતપોતાનાં નિહિત રૂપ નહુષને ચયન કરવાની પ્રકૃતિ રચિત દુનિયામાં છૂટ છે. મુંડ આશાઓનું ચયન કરે તે યોગ્ય નથી. આશાઓ જ યોગ્ય મુંડનું ચયન કરે છે. અયોગ્ય વ્યક્તિ પોતાને અનુરૂપ ન હોય તેવી ઈચ્છાઓ કરવા હક્કદાર નથી. યોગ્ય ઈચ્છાઓ આપમેળે જ યોગ્ય વ્યક્તિને વરે છે. જે કારણથી આશા ઈચ્છાનું બળાત્કારે અપહરણ કરવા માગતાં વ્યક્તિઓ પ્રયાસ તો કર્યા કરે છે પરંતુ અંતતઃ તેને કોઈ સફળતા નથી મળતી.

અશોકસુંદરીએ પોતાના માટે નહુષને પતિ તરીકે વરવા સ્વીકારેલ, પરંતુ મુંડે અશોકસુંદરીનું અપહરણ કરીને પોતાની પાસે રાખી યુવાન બનાવીને તેને પરણવા ઈચ્છ્યું હતું. મુંડ રૂપી માણસની ખોપરી જ્યારે પોતાના સ્વાર્થગત કુકર્મોનું આચરણ કરે છે ત્યારે પ્રકૃતિ દેવી જ રુષ્ટ થઈને કાલિકા સ્વરૂપ ધારણ કરી તેને મારી નાખવા ઈચ્છે છે. પરંતુ ઈશ્વરઈચ્છાએ મુંડના વધનું નિમિત્ત નહુષ થયો છે ત્યારે પ્રકૃતિના હાથે મુંડનો વધ યોગ્ય નથી, કારણ કે આશાઓ પોતાના નિહિતનું વરણ કરે છે ત્યારે તે નિહિતથી જ મુંડનું મરણ થાય છે. જેમ પાત્રહીન દરેક વ્યક્તિ વિવિધ આશાઓને ઈચ્છે છે, પરંતુ આશાઓ પાત્રહીન વ્યક્તિને નથી વરતી અને પોતાને યોગ્ય હોય તેવા પાત્રનું જ ચયન કરે છે. એ જ તે મુંડનું મૃત્યુ છે. સ્ત્રી, પુત્ર, ધન, પદ, પ્રતિષ્ઠારૂપી વિવિધ આશાઓને મોટા ભાગના લોકો ઈચ્છે છે, પરંતુ જેની પાત્રતા નથી તે આવી આશાઓનું અપહરણ કરીને પણ તેને પામી શકતા નથી. આશાઓ પાત્રતાનું ચયન કરે છે, માત્ર નરમુંડોનું નહીં.

પ્રકૃતિ સર્વ મુંડોને ધારણ-પોષણ કરનારી ધાત્રી છે. જો પ્રકૃતિના હાથે જ મુંડનો સંહાર થાય તો જગતની નિમિત્ત કારણ રૂપ કર્મવ્યવસ્થા પડી ભાંગે. ઈશ્વરની કર્મવ્યવસ્થામાં પ્રકૃતિ નિયતિ બનીને કામ કરે તે યોગ્ય છે, નિયંતા નહીં. કર્મોનું ફળ નિયતિના નિમિત્ત દરેક મુંડને તેના કર્મોની નિયતિ મુજબ જ મળવું જોઈએ.

રુષ્ટ થયેલાં દેવી મહાદેવના સમજાવવા છતાં પણ ન માન્યાં ત્યારે દેવીને બાળસ્વરૂપ બતાવીને વાત્સલ્યભાવથી મનાવી લેવામાં આવ્યાં. રુષ્ટ થયેલી પ્રકૃતિને જ્ઞાન અને સમજણોથી ન મનાવી શકાય ત્યારે બાળક જેવો વાત્સલ્યભાવ તેને સરળતાથી જીતી લે છે. જે બાળભાવ પ્રકૃતિને યાદ અપાવે છે કે આખર પ્રત્યેક જીવની તે માતા છે.

ભગવાન સદાશિવ પ્રકૃતિના સ્વામી છે. તેઓ ક્યારેક જ્ઞાનબોધથી તો ક્યારેક ભાવબોધથી પણ પ્રકૃતિનું નિયમન કરતા રહે છે. પ્રકૃતિ ગમે તેવી રુષ્ટ થઈ જાય અને મહાવિનાશ નોતરવા બેસે ત્યારે શિવનું બાળસ્વરૂપ પણ પ્રકૃતિનું નિયમન કરી લેવા પર્યાપ્ત છે. આખર શિવ જ સમગ્ર જગતના સ્વામી છે. પ્રકૃતિ જગતની નિયતિ છે તો શિવ તેના નિયંતા છે. ક્યારેક રુષ્ટ થયેલી પ્રકૃતિ જગતની નિયતિ છે તો શિવ તેના નિયંતા છે. ક્યારેક રુષ્ટ થયેલી પ્રકૃતિ શિવથી પણ નહીં સમજે તેવું પ્રતીત થાય છે, પરંતુ આખર પ્રકૃતિને પોતાને વશ રાખવા શિવ પાસે બધા જ રસ્તાઓ છે. શિવના નાના બાળસ્વરૂપનું સ્મરણ પણ માનવીને રુષ્ટ થયેલી પ્રકૃતિના મહાભયથી ઉગારે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED