શિવતત્વ - પ્રકરણ-16 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવતત્વ - પ્રકરણ-16

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૬. શિવ-પાર્વતીનો માછીમાર અવતાર

શિવ અને પાર્વતી કૈલાસ પર અવનવી જ્ઞાનગોષ્ઠીઓ કરતાં રહે છે. શિવ વિવિધ ગૂઢ રહસ્યોના જ્ઞાનથી પાર્વતીને અનેકવિધ બોધકથાઓ સંભળાવતા રહે છે. એક વખત સાંજના સમયે શિવજી પાર્વતીને તંત્રવિજ્ઞાનની અદ્‌ભુત રહસ્યકથા સંભળાવી રહ્યા હતા, પરંતુ કોઈ કારણસર પાર્વતીનું મન શિવકથામાં એકાગ્ર નહોતું થઈ રહ્યું. જેથી શિવમુખેથી કથા સાંભળતાં પાર્વતીનું મન કથાના વિષયથી બેધ્યાન થયું અને પાર્વતીને નિદ્રા આવી ગઈ. જેથી મહાદેવજીએ કથા અટકાવી દીધી.

બીજા દિવસે જ્યારે પાર્વતીએ કથા કહેવા માટે શિવને આગ્રહ કર્યો ત્યારે શિવે કહ્યું દેવી પહેલાં તમે મનને એકાગ્ર કરવાની કળા હાંસલ કરી લો. પછી જ હું તમને આગળની કથા સંભળાવીશ. કારણ કે એકાગ્રતા વગર ચંચળતા કે આળસુપણામાં સાંભળેલી વાતો નિરર્થક થાય છે. પાર્વતીએ કહ્યું કે પ્રભુ, હું એકાગ્રતા કેવી રીતે શીખી શકું ? મહાદેવજીએ કહ્યું દેવી એકાગ્રતા માછલીને પકડનાર માછીમાર જેવી હોવી જોઈએ. જે ચંચળ માછલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેને પકડી લે છે તે રીતે શાસ્ત્રોનો સાર ગ્રહણ કરવા માગતી વ્યક્તિએ મનને માછીમાર જેવી એકાગ્રતાથી પકડીને પોતાના મનને સાધના વિષયમાં લગાડવું જોઈએ.

જ્યાં સુધી વિદ્યાર્થી તેના મનને એકાગ્રતાપૂર્વક તેના અભ્યાસના વિષયમાં ન જોડે ત્યાં સુધી તે વિષય તેનાથી સમજી શકાતો નથી. એકાગ્રતા વગરનો અભ્યાસ વિદ્યાર્થીઓને કંટાળો ઉપજાવે છે. મનની ચંચળતાનો અભ્યાસથી જય કરે એ જ વિદ્યામાર્ગ ઉપર આગળ વધી શકે.

શિવજીની વાત સાંભળીને પાર્વતી સમજી ગયાં કે તેમણે શું કરવાનું છે. પાર્વતીએ એક માછીમારને ત્યાં જન્મ લીધો. પાર્વતી તેના બાળપણથી જ દરરોજ પિતાની સાથે માછલીઓ પકડવા જાય છે. અને માછીમારીની એકાગ્રતા શીખતાં જાય છે. ધીરેધીરે પાર્વતીએ પોતાના મનને એકાગ્ર કરવાની કળા શીખી લીધી. હવે તે નાનકડી બાળા એક પુખ્ત વયની સુંદર યુવતી પણ થઈ ચૂકી હતી.

બીજી બાજુ કૈલાસ પર પાર્વતીની ગેર હાજરીમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ નીરવ શાંતિમય થઈ જતાં નંદીને માતા પાર્વતીની ગેરહાજરી સતાવવા લાગી. નંદી ખૂબ દુઃખી થઈ ગયા. તેમને ખબર ન હતી કે પાર્વતી ક્યા કારણે કૈલાસથી જતાં રહ્યાં છે. તેથી નંદીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે ભગવન, આપ માતા પાર્વતીને ગમે તેમ કરી મનાવી લઈ આવો. ભગવાને કહ્યું : નંદી આ કામ અઘરું છે. તેના માટે મારે પાર્વતી સાથે પુનઃ વિવાહ કરવો પડશે. શિવજીની વાત સાંભળીને નંદીને કંઈ ખબર ન પડી તેથી ભગવાન શિવે સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો.

હવે મુશ્કેલી એ હતી કે માછીમાર કન્યારૂપી પાર્વતી સાથે શિવવિવાહ કઈ રીતે સંપન્ન થાય. નંદીએ કહ્યું : ભગવાન, આપને પણ માછીમાર થવું પડશે. હું એક વિરાટ માછલીનું રૂપ ધારણ કરીને માતા પાર્વતી સહિતના તમામ માછીમારોને પરેશાન કરીશ. આ રીતે હું વિલન બનું ત્યારે મારાથી ઊભી થતી મુશ્કેલીઓને દૂર કરવા આપ હીરો બનીને સમગ્ર બાજી સંભાળી લેજો.

નક્કી થયા પ્રમાણે માછીમાર બનેલાં માતા પાર્વતી અને તેમના પિતા સહિતના કુટુંબીઓ જે સરોવરતટે માછીમારી કરતા હતા ત્યાં નંદીએ વિરાટ વ્હેલ જેવી માછલીનું રૂપ ધારણ કરીને અડિંગો જમાવ્યો. તે વિરાટ માછલી માછીમારી કરવા અવનારાઓની નાવને ઊંધી નાખી દેતી તો ક્યારેક પોતાના વિકરાળ સ્વરૂપથી ડરાવીને માછીમારોને ભગાડી મૂકતી. જેના કારણે તમામ માછીમારો પરેશાન થઈ ગયા. માછીમાર રૂપી પાર્વતીના પિતા તે માછીમાર સમાજના મુખિયા હતા. તેથી દિન-પ્રતિદિન તેમને આ નવી માછલીની સમસ્યા વધુને વધુ સતાવતી હતી, કારણ કે ધંધા વગર માછીમારો બેકાર બનતા જતા હતા. તેમના ઘરમાં અનાજ અને જીવનજરૂરી ચીજો પણ ખૂટી જવાના આરે હતી તેથી તેમણે જાહેરાત કરી કે જે કોઈ આ વિરાટ માછલીની મુશ્કેલીથી આપણા માછીમાર સમાજને મુક્ત કરાવશે તેને તે પોતાની લાડલી કન્યા સાથે પરણાવશે.

ભગવાન શિવે પણ સમય ઓળખી લીધો અને માછીમારનું રૂપ ધારણ કરીને માછીમારરૂપે રહેતાં પાર્વતીને ત્યાં પહોંચ્યા. પાર્વતીના માછીમાર પિતાએ પોતાની શરત કહી સંભળાવી અને માછીમારના રૂપમાં ભગવાન શિવે વિરાટ માછલીને નાથવાનું બીડું ઝડપ્યું. આખર ભગવાન શિવ અને નંદીની યોજના સફળ બની અને માછીમારના રૂપમાં શિવ પાર્વતીનો પુનઃ વિવાહ થતાં શિવે પાર્વતીને લઈને કૈલાસ પર પુનરાગમન કર્યું.

માછીમાર સ્વરૂપે એકાગ્ર થવાની કળા શીખ્યા બાદ પાર્વતીએ ભગવાન શિવ પાસેથી સમગ્ર તંત્રશાસ્ત્રને તેના રહસ્યપૂર્વક જાણી લીધું. જે તંત્ર આજે પણ પ્રકૃતિના રહસ્યગર્ભમાં રહીને સમગ્ર જગતને તંત્રનું વિજ્ઞાન પીરસતું રહે છે.

શિવના માછીમાર અવતારની કથાનો સાર એ છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિમાં રહેલો તમોગુણ આળસ અને નિદ્રાનો દ્યોતક છે. આળસ અને નિદ્રાના કારણે બેધ્યાન બનતું મન એકાગ્રતાના અભાવમાં જાણવા યોગ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત થઈ શકતું નથી. આવી સ્થિતિમાં માણસની પ્રકૃતિ તમોગુણના હવાલે થાય છે અને અંતરના ચૈતન્યથી તેનું તાદાત્મ્ય તૂટે છે. એ જ પ્રકૃતિ જ્યારે સાધના દ્વારા એકાગ્ર થાય છે ત્યારે પુનઃ શિવતત્ત્વ વિશ્વના સમગ્ર જ્ઞાનનો ભંડાર છે. તેને પ્રાપ્ત કરે છે.