Shivtatva - 15 books and stories free download online pdf in Gujarati

શિવતત્વ - પ્રકરણ-15

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૫. શિવનો યક્ષ અવતાર

કેન ઉપનિષદ્‌ની કથા છે. સમુદ્રમંથન પછી નીકળેલા અમૃતને દેવો અને દાનવોમાં સમાનપણે વહેંચવાની જવાબદારી ભગવાન વિષ્ણુંએ ઉઠાવી, પરંતુ ભગવાન વિષ્ણુ અમૃતને વહેંચે એ પહેલાં જ અમુક અસુરો અધીર થઈને ધન્વંતરિના હાથમાંથી અમૃત કળશ લઈને ભાગી ગયા. જેને ભગવાન વિષ્ણુ વિશ્વમોહિની રૂપ ધરી પરત લઈ આવ્યા. પછીથી ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોમાં અમૃત વહેંચણી શરૂ કરી. જેમાં પહેલો વારો દેવોનો રખાયો, કારણ કે અસુરોએ અમૃત છીનવવાનો અપરાધ કર્યો હતો. જેથી પ્રથમ વિતરણ દેવો વચ્ચે થશે તેમ બંનેની સહમતિથી નક્કી થયું. આ રીતે દેવોની વચ્ચે અમૃતના વિતરણની શરૂઆત થઈ, પરંતુ એક અસુર દેવોનો વેશ ધરીને દેવોની વચ્ચે ઘૂસી ગયો અને તેણે અમૃત પી લીધું. દાનવોના પક્ષે ફરી અધીરાઈ અને છળ જોઈને ભગવાન વિષ્ણુ નારાજ થયા અને તેમણે દેવ વેશે અમૃત પીનારા અસુરનું મસ્તક ધડથી અલગ કરી દીધું. જે મસ્તક રાહુ અને ધડ કેતુ ગ્રહ સ્વરૂપ થયું. ત્યાર બાદ ભગવાન વિષ્ણુએ સમગ્ર અમૃત દેવોને સોંપી દીધું અને અસુરોને તેમની અધીરાઈ અને છળ માટે અમૃતના અનધિકારી ઠરાવ્યા.

દેવો અને દાનવો બંનેએ અમૃત માટે સમુદ્રમંથનમાં સરખો પ્રયાસ કર્યો હતો છતાં દાનવો પોતાની જ ભૂલોના કારણે અમૃતથી વંચિત રહ્યા, પરંતુ દૈત્યોનો પરાભવ કરીને પોતે જ અમૃતના પાત્ર છે તે વાતે દેવોને અહંકારી બનાવી દીધા. દેવો અમૃતથી ભ્રષ્ટ કરાયેલા અસુરોની મજાક ઉડાડવા લાગ્યા અને પોતાને જ સર્વશ્રેષ્ઠ સમજવા લાગ્યા. દેવોના અહંકારથી દાનવોને દાઝ્‌યા ઉપર નમક છંટકાઈ રહ્યું હતું અને દેવો તરફથી થતું અપમાન એક અન્યાય પણ હતો. જેથી અસુરગુરુ શુક્રાચાર્યે ભગવાન શિવને આ અન્યાયનું નિવારણ કરવા પ્રાર્થના કરી. દયાળુ શિવજીએ ઈન્દ્ર વગેરે દેવોને તેમનું અભિમાન ઊતરે તેવો પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

ભગવાન શિવે એક યક્ષનું રૂપ લીધું અને જ્યાં દેવો અમૃતપાનથી મદમાતા હતા તેવા સમુદ્રતટે આવ્યા. દેવોએ દૂરથી તે યક્ષનાં દર્શન કરતાં તે તેમને બીજા સૂર્ય જેવા તેજસ્વી લાગ્યા. ઈન્દ્ર અહંકારથી ભરાયેલો હતો તેથી ઈન્દ્રને યક્ષના તેજની પણ ઈર્ષ્યા થઈ. યક્ષને નીચો બતાવવા અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા ઈન્દ્રે યક્ષને કહ્યું કે તું મારી સામે મસ્તક નમાવીને ઊભો રહે અને મને પ્રણામ કર, કારણ કે હું દેવોનો રાજા ઈન્દ્ર છું. હું જ સર્વશ્રેષ્ઠ અને સર્વથી શક્તિશાળી છું.

યક્ષે કહ્યું કે આપ દેવોના રાજા હશો અને અમૃતપાન કરવાથી અજરામર હશો, પરંતુ તમે સર્વશ્રેષ્ઠ અને સર્વથી શક્તિશાળી છો તે વાત માનવા હું તૈયાર નથી. આટલું કહીને યક્ષે પોતાના હાથમાં એક તણખલું લીધું અને ઈન્દ્ર તરફ આગળ કરતાં કહ્યું કે જો તમે સર્વ શક્તિશાળી હોવ તો આ તણખલાને મારા હાથથી દૂર કરી બતાવો.

યક્ષનો આવો પ્રસ્તાવ સાંભળીને વાયુદેવે કહ્યું કે ઈન્દ્ર અમારા રાજા છે. ઈન્દ્ર વતી આ તણખલાને હું દૂર કરી આપીશ, કારણ કે હું વાયુ છું અને આ ધરા પર જે કાંઈ સ્થાવર-જંગમ દેખાય છે તેને મારી તાકાતથી ઉડાડી મૂકવાનું સામર્થ્ય રાખું છું. યક્ષે વાયુદેવની સમક્ષ તણખલું મૂક્યું અને વાયુદેવે પોતાના તમામ પ્રયાસો કર્યા છતાં તણખલાને હલાવી પણ ન શક્યા. જેથી માન ગુમાવેલી હાલતે પાછા ફર્યા.

જે પછી અગ્નિદેવે કહ્યું કે હું સાક્ષાત અગ્નિનો દેવ છું. મારા સામર્થ્યથી હું સર્વસ્વ બાળીને ભસ્મ કરી શકું છું. અગ્નિદેવની વાત સાંભળીને યક્ષ હસ્યા અને અગ્નિદેવ સમક્ષ પણ તે તખણલું મૂકતાં બોલ્યા કે તમે આને બાળી શકો તો હું માનું કે તમે અગ્નિદેવ છો. અગ્નિદેવે પોતાનામાં હતું તે તમામ બળ વાપરીને તે તણખલું બાળવા પ્રયાસો કર્યા, પરંતુ તે તણખલાને બાળી ન શક્યા. જેથી અગ્નિદેવ પોતાના સામર્થ્યની પોકળતા સમજીને પાછા ફર્યા.

આખર ઈન્દ્રે પણ પોતાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ તણખલાનો સ્પર્શ કરવા પણ ઈન્દ્ર સક્ષમ ન થયા. આ રીતે દેવોનું તમામ અભિમાન ઓસરી ગયું. હવે દેવો જાણવા માગતા હતા કે સર્વથી વધુ શક્તિશાળી એવા આ યક્ષ કોણ છે ? આ બાબતે ઈન્દ્ર યક્ષને કોઈ પ્રશ્નકરે તે પહેલાં જ યક્ષ અંતર્ધાન થઈ ગયા. યક્ષનો પરિચય મેળવવા માગતા હતપ્રભ દેવો ઈન્દ્ર સહિત વ્યાકુળ હતા તે સમયે યક્ષના સ્થાને ઉમાદેવી પ્રગટ થયાં.

ઈન્દ્રે ઉમાદેવીને જ પૂછ્યું કે દેવી તે યક્ષ કોણ છે ? ત્યારે ઉમાદેવીએ ઉત્તર આપતાં કહ્યું તે સાક્ષાત્‌ શિવ છે. ઉમાદેવી ઈન્દ્રને કહે છે કે ઈન્દ્ર અસુરો સામેનો તમારો વિજય એ ખરેખર તમારો વિજય નથી. તે વિજય તો શિવનો કૃપાકટાક્ષ માત્ર છે. તમારી શક્તિ એ તમારી શક્તિ નથી. તે શક્તિ પણ શિવની જ શક્તિ છે. શિવ ન હોય તો કાન સાંભળવાને સક્ષમ નથી, આંખો જોવાને સક્ષમ નથી અને મન વિચારવાને પણ સક્ષમ હોતું નથી. શિવ વગરનું શરીર શવ છે. સમગ્ર શક્તિનો સ્ત્રોત શિવ છે. આ દૃષ્ટાંતને સમજાવતાં ઋષિ કહે છે :

શ્રોત્રસ્ય શ્રોત્રં મનસોમનો યદવાચો હ વાચં સ ઉ પ્રાણસ્યા પ્રાણઃ

શિવ કર્મના પણ કર્ણ છે, નેત્રના પણ નેત્ર છે. મનનું મન છે, પ્રાણના પણ પ્રાણ છે અને કાળના પણ કાળ છે. જગતની તમામ શક્તિ તે શિવને જ આધીન છે. મૃત્યુનું પણ મૃત્યુ નિપજાવી શકે તે સદાશિવ છે. તેથી તેમને મહાકાલ કહેવાય છે. જે શિવનું શરણ ગ્રહણ કરે છે તેને ઋષિ માર્કન્ડેયની જેમ મૃત્યુથી પણ શિવ ઉગારી લે છે, પરંતુ દેવ, દાનવ અને માનવ એ વાતને ભૂલી જાય છે અને શિવકૃપાએ મળેલી શક્તિને શિવની ભક્તિમાં વાપરવાને બદલે પોતાનો અહંકાર પોષવામાં વાપરે છે.

માનવીને જન્મ, આયુષ્ય, ભોગ-ઉપભોગ, શક્તિ અને સંપત્તિ એ સર્વ શિવકૃપાએ જ પ્રાપ્ત થાય છે. માનવીનો પ્રયત્ન તો નિમિત્તમાત્ર છે. જે અમૃતતત્ત્વથી મૃતપ્રાય શરીર ચેતનવંત લાગે છે એ જડ પદાર્થો પણ શક્તિશાળી પ્રતીત થાય છે તે શિવની શક્તિથી જ સંભવ છે, પરંતુ શિવની શક્તિને પોતાની શક્તિ સમજીને અહંકારમં રાચતો માનવ શિવસ્મરણ ભૂલે છે ત્યારે મિથ્યાભિમાની માનવ તણખલું ખેસવાને પણ શક્તિવંત નથી રહેતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED