surprise books and stories free download online pdf in Gujarati

સરપ્રાઈઝ - Letter to my Valentine

સરપ્રાઈઝ

ઝરણાં રાજા

પ્રિય જીવન સાથી,

વેલેંટાઈન ડે - પ્રેમનો દિવસ, સ્નેહનો દિન. આખી દુનિયા 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. પણ મારુ માનવું છે કે જયારે જયારે પતિ-પત્ની, ભાઈ-બહેન,બે દોસ્ત કે બે સખી એકબીજા ને સમજી એની સમક્ષ પોતાના દિલ ની વાત બેજીજક કહે ને, એ જ દિવસ સાચા અર્થ માં વેલેન્ટાઈન ડે કહેવાય

આજે હું મારા દિલ ની વાત તમારી સમક્ષ રજૂ કરુંછું એટલે આજે મારો વેલેન્ટાઈન ડે છે. મિહિર મને યાદ છે જયારે આપણે પહેલી વાર મળ્યા હતા. અરેન્જ મેરેજ ના પગથીયાઓ માનું પહેલું પગથિયું

તમે મને જોવા આવ્યા હતા. આપણે વાતચીત કરી, ને એકબીજાને પસન્દ કરી. જીવન સાથી બન્યા.

આપણાં લગ્ન થયા. સામાન્ય રીતે જેમ બીજા પતિ-પત્ની રહેતા હોય એમ જ મને લાગ્યું. કૈક નવીન કે અલગ કંઈ જ નહોતું. પણ હું મારા અલ્લડ અને મસ્તીખોર સ્વભાવ ને ક્યાં સુધી છુપાવી રાખતી? મને જન્મ-દિવસ હોય તો ગિફ્ટ એવી, સરપ્રાઈઝ આપવી એવું બધું ગમતું. પણ તમે એના થી સૌ વિરુદ્ધ - આ બધી વસ્તુઓને "દેખાડા" ગણતા. ત્યાર પછી મેં પણ એવું સ્વીકારી લીધું હતું કે તમારો આ મન્તવ્ય હું કદી બદલી નહીં શકું. ઘણીવાર મને અફસોસ થતો કે કાશ તમે પણ કિરણ ના પતિ જેવા રોમાન્ટિક હોત તો કેવું સારું હોત. એનો પતિ એના જન્મ દિવસે એને કાયમ સરપ્રાઈઝ ગિફ્ટ અને સાથે કેન્ડલ લાઈટ ડીનર પર લઇ જતો. એ મારા માટે તો જાણે અશક્ય જ હતો. પણ હું તમને સરપ્રાઈઝ આપવાનું ન છોડતી. તમને યાદ છે? આપણા લગ્ન ને જયારે 3 વર્ષ થયા હતા ત્યારે મેં મહેંદી મૂકી હતી. સાડી પહેરી સવાર માં તમારી રાહ જોતી હતી તમે નાઈટ શિફ્ટ કરી ને ઘરે આવા હતા. પણ તમે મને સજેલી ધજેલી જોઈ ને ખુશ થવા ને બદલે પૂછ્યું હતું," કેમ આજે શું છે? કોઈ પૂજા કરવા જવાનું છે? સાડી પહેરી આજે?" અને મારી આંખો માંથી દળ -દળ આંસુ વહેવા મંડ્યા ને દુઃખ થયું કે તમને આપણી લગ્ન ની તારીખ પણ યાદ નથી.

એ પછી તમે મને મનાવી સાંજે ડિનર પર લઇ ગયા હતા ને મોબાઈલ માં એલાર્મ લગાડ્યું હતું. ત્યારે પણ મને વિચિત્ર લાગ્યું કે લગ્ન ની તારીખ યાદ રાખવા એલાર્મ લગાડવું પડે?

પણ તમારા આ વિચિત્ર સ્વભાવ ને મેં સ્વીકાર્યો હતો. બસ આ એક વાત સિવાય તમે સ્વભાવે ખુબ પ્રેમાળ અને સપોર્ટિવ હસ્બન્ડ સાબિત થયા છો. તમે જયારે મને આગળ ભણવું હતું ત્યારે ખુબ ઉત્સાહિત કરી હતી.

મને તમારા કેરિંગ નેચર નો ખ્યાલ મારી મમ્મી ના અવસાન વખતે થયો. હા, આજેય યાદ છે મને એ દિવસ. મારી મમ્મી ના દેહાંત પછી હું ખુબ જ બીમાર થઇ ગઈ હતી. હું મારા પિયર માં હતી. ઘરે પપ્પા અને નાનકડા પુત્ર દેવ સિવાય મારી સાથે કોઈ ન હતું. હું તાવ માં તપતી હતી. મારી પાસે મોબાઈલ ફોન ન હતો. પપ્પા ના મોબાઈલ થી તમારી સાથે વાત કરી ત્યારે જ મારા અવાજ પરથી તમને મારી તબિયત નો અણસાર આવી ગયો હતો. તમે મને દવા લઇ આવવા કીધું હતું. હું જેમ તેમ કરી ડોક્ટર પાસે ગઈ પણ લાંબી લાઈન માં બેસાય એટલી શક્તિ ન હોવાથી હું ઘરે પાછી આવી ગઈ હતી. તમે ફરી થી ફોન કરતા ખબર પડી કે તમે તરત જ તમારા મમ્મી પપ્પા ને મારી પાસે મોકલ્યા હતા. એ લોકો મને હોસ્પિટલ લઇ ગયા હતા. મારો તાવ જોઈ ડોક્ટર પણ દ્રવી ઉઠ્યા હતા. એમણે કેટલાક બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા. ત્યાર પછી અમે નજીક માં રહેતા માસીજી ને ત્યાં ગયા હતા. સવાર થી અનાજ નો એક દાણો એ પેટ માં ગયો નહોતો તેથી ડોકટરે થોડું ખાઈ ને દવા લેવા કીધું. માસીજી ને ત્યાં ગયા એટલે માસી એ જમવાનું આપ્યું. પણ હું બે કોળિયા માંડ ખાઈ શકી. ત્યાર બાદ મેં દવા લીધી. ત્યાંતો માસીજી બોલ્યા,"તું હવે આરામ કર પણ એ પહેલા તું મિહિર સાથે વાત કરી લે કે તું દવા લઇ આવી છે. મિહિર ના એક જ કલાક માં 25 ફોન કોલ્સ આવી ગયા ને એક જ વાત પૂછતો હતો કે નિશા આવે એટલે એક વાર વાત કરાવજો. એ બીમાર છે મને એની બહુ ચિંતા થાય છે. એની સાથે એક વાર વાત કરી ને પછી તું આરામ કર " આ સાંભળી હું તો સ્તબ્ધ જ રહી ગઈ. મને વિચાર આવ્યો કે તમે મારી આટલી બધી ચિંતા કરો છો?મેં તમને ફોન જોડ્યો વાત કરી, ને પછી તમને શાંતિ થઇ. તે દિવસે તમે મને 12 વર્ષ ના લગ્ન જીવન ની સૌથી મોટી સરપ્રાઈઝ આપી. હતી. ને મને થયું કે તમે ભલે મને નાની નાની સરપ્રાઈઝ નથી આપી પણ આ મારા માટે સૌથી શ્રેષ્ઠ સરપ્રાઈઝ ગિફ્ટ છેકે તમે મને તમારા જીવ કરતાંય વધુ ચાહોછો.

મને યાદ છે એ બધા જ દિવસો મેં જયારે ભણવાનું શરૂ કર્યું, તમે મને ખુબ જ પ્રોત્સાહિત કરતા. હું નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતી તો તમે રજા મૂકી સાથે આવતા. પાછળ થી બન્ને બાળકો ની સંભાળ રાખતા.

પણ આખરે તમે મને એક દિવસ સરપ્રાઈઝ આપી. એ પણ મને ગમે એવી. પાંચમી સપ્ટેમ્બર - શિક્ષક દિન હતો. હું વ્યવસાયે શિક્ષક એટલે સ્કૂલે જઈ ને ઘરે આવી. જમવાનો સમય થઇ ગયો હોવાથી હું ઝડપ થી દાદર ચડી હતી. એ દિવસે તમારી રજા હતી. મેં બેલ માર્યો એટલે નાનકડા પુત્ર દેવે દરવાજો ખોલ્યો. અને બોલ્યો,"મમ્મી, આંખો બન્ધ કરો ને મારો હાથ પકડી અંદર આવો. આજે તમારો દિવસ છે. તમારા માટે કંઈક છે" હું નવાઈ પામી કે આજે શું થયું એમને? એ મારો હાથ પકડી મને અંદર લઇ ગયો. અને બોલ્યો,"મમ્મી હવે આંખો ખોલો " ને મેં આંખો ખોલી તો તમે હાથ માં સુંદર ફૂલો નું બુકે લઇ ને ઉભા હતા. અને તમે બેય "હેપ્પી ટીચર્સ ડે " બોલ્યા હતા. હું ખુબ જ ખુશ થઇ હતી. તમારા તરફ થી આવી સરપ્રાઈઝ ની મને બિલકુલ આશા નહોતી.

ખરેખર આજ -કાલ ની પત્નીઓ ને મારો એજ મેસેજ છે કે તમારો પતિ તમારા માટે કોઈ દિવસ બુકે,ચોકલેટ કે ગિફ્ટ ભલે ન આપે, ભલે તમારી બર્થડે કે એનિવર્સરી ભૂલી જાય,પણ જો એ તમારી ખુબ કાળજી રાખે, તમે બીમાર હો ત્યારે ખુબ સંભાળ રાખે કે તમારા ભણતર અને નોકરી માં સાથ આપે તો આ બધું તમારા માટે સરપ્રાઈઝ અને ગિફ્ટ જ છે. ભલે એ રોજ તમને આઈ લવ યુ ના કહે પણ " તારા વગર જરાય ગમતું નથી " એમ બોલે એ જ બહુ છે.

પતિ એમ ભલે ને બોલે કે પત્ની નથી તો શાંતિ લાગે છે, પણ એ જ પત્ની જો સાચે જ વધુ સમય દૂર રહે તો તરત કહેશેકે,"ચાલ, જલ્દી આવી જ. હવે તારી રાહ નથી જોવાતી. ઘર ખાવા દોડે છે. દિલ ઉદાસ રહે છે. તારા વગર તો જીવન કલ્પી પણ ન શકાય. એકાંત હવે દિલ કોરી ખાય છે. જલ્દી આવી ને મારા સુનકાર ઘર ને મધમધતું કરી દે. મારી વ્હાલી એકની એક બૈરી જલ્દી આવ.... " એવું જયારે બોલે ને એજ આપણો ખરેખરો વેલેન્ટાઈન ડે .

બસ મિહિર, દિલ કહું છું કે તમે મારા ખરા વેલેન્ટાઈન અને આમ જ મને જિંદગી ભર સાથ આપજો. પ્રેમ આપજો. હેપ્પી વેલેન્ટાઈન ડે માય લવ

***

બીજા રસપ્રદ વિકલ્પો