પ્રેમપત્ર
કૌશલ સુથાર
માય લવ...
માય સ્વીટ હાર્ટ,
આજે હું તને તારું અવિસ્મરણીય વર્ણન અને આપણાં પ્રણયની વાત કરતો પત્ર લખું છું. તું હસે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. મઘમઘતાં ગુલાબ જેવી અને ભરઉનાળામાં ખીલતાં ગુલમહોર જેવી ..!
પ્રકૃતિની જેમ તું મારામાં ખીલે છે. તું જ તો મારા પ્રેમની ઋતુ છે. તારા ગાલોમાં પડતાં ક્યુટ (cute) ખાડાથી તું વધારે ક્યુટ લાગે છે..! તું હસે છે ત્યારે મોસમ મને વધારે રંગીન લાગે છે...પણ સાચું કહું તો, તારા હાસ્યથી જ મોસમ બદલાય છે..!
તારા સ્મરણથી મારી પ્રત્યેક ક્ષણનો, દિવસનો અને જીદંગીનો થાક ઊતરી જાય છે. તું મારામાં જીવે છે, જીવતી રહીશ...તું તો ચિરંજીવી છે...તું જ તો મને જીવાડે છે..!
નિશદિન મને બસ, તારું જ સ્મરણ થાય છે...પણ સાચું કહું, યાદ તો એની હોય જેને આપણે ભૂલ્યાં હોય, હું તને ભૂલ્યો નથી.આ વસંતઋતુ આપણાં પ્રણયની કૂંપળ ફૂટ્યાની વેળાની...બે હૃદયમાં પ્રણયની વસંત ખીલ્યાની વાત...મઘમઘતાં ફૂલોની જેમ મહેંકાવી રહી છે, જેની મહેંકનું અત્તર આ પ્રેમપત્ર પર છાંટી રહ્યો છું...જી, હા ! આપણાં પ્રેમની, આપણાં મિલનની વાત અહીં લખી રહ્યો છું...તારી આંખોથી તારા હૃદય સુધી પહોંચી ગયો છું. જ્યારે પહેલી વાર મેં તને સ્કૂલમાં જોઈ, ત્યારથી જ તું મને ગમવા લાગી હતી. મનોમન હું તને ચાહવા લાગ્યો.તને ક્યારનો પ્રપોઝ કરવા માગતો હતો, પણ કહી નહોતો શકતો...ને છેવટે વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રપોઝ કર્યો.૧૪મી ફેબ્રુઆરી, વલેન્ટાઈન ડે...પ્રેમના દિવસે મેં ‘ આઈ લવ યુ...’ કહીને મેં તને મારા પ્રેમનો ઈઝહાર કર્યો હતો, પણ તે તેનો સ્વીકાર નહોતો કર્યો.કારણ કે તને આ બધું ગમતું નહોતું.એટલે તું મને ના જ પાડતી...પણ હું હિંમત નહોતો હાર્યો. હું તને રોજ ‘લવ યુ...’ કહેતો. મને વિશ્વાસ હતો કે એક દિવસ તું પણ મને ચોક્કસ પ્રેમ કરીશ, ને એવું જ થયું.ઘણાં દિવસ જ નહીં, અરે...કદાચ વર્ષ પછી તને મારા પ્રત્યે ફીલિંગ્સ થઈને, તે પણ ‘આઈ લવ યુ...’ કહી મારા પ્રેમનો સ્વીકાર કર્યો...એ દિવસ મારા જીવનનો સુંદર દિવસ બની ગયો...ગુલાબના પુષ્પની જેમ ...બેઉં હૃદયમાં વસંત ખીલી...! ને પછી શરૂ થયું...આપણું પ્રેમાયણ ...!
મોરપીંછ અને સમન્વયની બુક આપીને મેં તને ‘આઈ લવ યુ...’ કહ્યું’તું ...આ ત્રણ શબ્દો જે આજે મારી જિંદગી, મારી કવિતા ને મારા પ્રેમનું વિશ્વ બની ગયા છે.
વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો દિવસ, પ્રેમની વસંત...
આપણાં મિલનનો-આપણાં સમન્વયનો દિવસ...
એથી વધારે કહું તો -
વેલેન્ટાઈન ડે એટલે ‘બે હૃદયનું એક થઈ, એક ધબકારે જીવવાનો દિવસ...!
જેમ ‘હું’ અને ‘તું’ આજે જીવી રહ્યાં છીએ.
આજે હું તારો વેલેન્ટાઈન છું,
પણ સાચું કહું તો-
‘તું સાથે હોય ત્યારે મારો દરેક દિવસ વેલેન્ટાઈન ડે હોય છે.’
તન, મન અને હૃદયથી હું તારો જ છું.હું હંમેશ તારી સાથે જ છું.
તને યાદ છે ને ગ્રીષ્મઋતુની કાળઝાળ ગરમીમાં તારી સ્પર્ધાત્મક પરીક્ષા વખતે હું તારી સાથે આવ્યો હતો. પરીક્ષા પૂરી થયા પછી આપણે શેરડીનો રસ પીવા ગયા.બન્ને માટે બે ગ્લાસ મંગાવ્યા અને તે એક પીધો પણ નહીં...એમને એમ જ ત્યાં મૂકી દીધો.પણ મારા એઠા ગ્લાસમાંથી તે પીધો...શેરડીના રસ જેવો મીઠો પ્રેમનો રસ..! ત્યાંથી પછી બરફ ખાવા ગયા...આપણા બે માટે બરફની બે ડિશ મંગાવી હતી, તે તારી એક ડિશ ખાધા પછી...મારી એઠી ડિશમાંથી બરફના રસવાળું પાણી પીધું...એજ તો છે મારા પ્રણયનો મીઠો સ્વાદ..! ગ્રીષ્મની ગરમીનું ઔષધ. આ બધી ચૉકલેટી (ગળપણભરી) યાદો.… જાણે પ્રેમનો મધુપ્રમેહ (ડાયાબિટીસ)...!
અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર વર્ષે મેળો ભરાય છે. એક –બે વર્ષ આપણે એ મેળામાં ગ્યાં’તા.તે મારા માટે ગિફ્ટ પણ લીધી હતી.(આમેય ઘણી બધી ગિફ્ટો આપી છે તે...અને મેં મારા હસ્તાક્ષરમાં લખેલા પત્રો, મોરપીંછું...અને આખે આખો હું..! એ બધીયે ગિફ્ટો સાચવી જ છે મેં...તારી જેમ...!) એકવાર તું મારી પાછળ મને અડકીને બાઈક પર બેઠી હતી...એ રસ્તાં પરના વાહનો અને માનવ મહેરામણની ભીડ, ટ્રાફિક જામ...ને એના લીધે શેરી(પગદંડી) વાળા રસ્તાં પરથી (બાઈક લઈ)પસાર થવું...એ હોર્નનો અવાજ ને...એ શોર્ટ બ્રેક મારવી...ને તારું મને વારંવાર અથડાવવું..! જાણે, સમયે પોતાના મનગમતા રંગો અને પીંછીથી ચિતરેલું આપણું અદભૂત રંગીન ચિત્ર...! આજે પણ આંખોના આલ્બમમાં કેદ છે. તિરૂપતિ ગાર્ડન અને ઋષિવનની પિકનીક...ત્યાંની રાઈડ્સમાં બેસવું...ત્યાંના ફોટોગ્રાફ...ને તારી સાથે કરેલી મોજ-મસ્તી...! જાણે, ઈશ્વરે ! એના કેમેરામાં પાડેલી આપણી રેર(rare) તસવીરો... હૃદયમાં અકબંધ છે...ને આ બધું જ આંખ સામે આવી ચઢે છે તારી સાથે...
આંગળીના ટેરવાની કલમ કરીને મેસેજથી હું અને તું રાતભર જાગીને પ્રેમભરી વાતો કર્યા કરતા. મોડીરાત સુધી કલાકો ના કલાકો સુધી આપણે કૉલથી વાતો કર્યા કરતા...ત્યારે સમય પણ અશ્વોની જેમ દોડી જતો...ને ઊંઘ પણ પતંગિયાની જેમ ઉડી જતી... કંઈજ ખબર જ ના પડતી..! આજે સમય તો જીવે જ છે...પણ એના હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે. ઘડિયાળના કાંટાને લકવો પડી ગયો છે...તારા વગર..! સપનાઓ પણ કોઈના સપનામાં ખોવાઈ ગયા છે.
જિંદગી જીવું છું હું તારી યાદમાં,
ઘડિયાળ ઊંધી ફેરવી એકાંતમાં..!
- કૌશલ સુથાર
પૂર્ણિમાની રાત્રીએ સોળે કળાએ ખીલતાં ચાંદની સાથે રાતભર તારી વાતો કર્યા કરું છું.તને જોતો હોય એમ...એકીટશે હું તેની સામે જોયા કરું છું.
તારા વગર ક્યાં કૈં કશું મુજને રહે છે યાદમાં,
હા, ફક્ત તુજ દેખાય છે મુજને હવે તો ચાંદમાં.
- કૌશલ સુથાર
જ્યારે પણ આપણે મળતા, ત્યારે તારી આંખોમાં ઝળઝળિયાં આવી જતા...ને ત્યારે તું મને ભેટી પડતી...ને વ્હાલભર્યું ચુંબન કરતી ને કહેતી તારા વગર...તારા વગર કંઈજ નહીં ! પછી મારી આંખોમાંય ઝળઝળિયાં આવી જતા... ને એકબીજાને આલિંગન આપતા–આપતા તું મારા હૃદયના ધબકારામાં ખોવાઈ જતી અને હું તારામાં.... લવ યુ, બેટું...
તને ચાહ્યા પછી સાચું કહું છું હું,
કદી ક્યાં અન્યને ચાહી શકાયું છે.
- કૌશલ સુથાર
હું
આજે પણ
તને ચાહું છું,
કાલે પણ હું
તને ચાહતો હતો.
અને
આવતીકાલે પણ,
હું તને જ ચાહીશ.
કારણ કે
તુજ મારું સર્વસ્વ છો..!
- કૌશલ સુથાર
તને યાદ છે ને આપણે એકબીજાની સાથે વાત કરતા ત્યારે બેટું જ શબ્દ વાપરતા(બોલ ન બેટું, મિસ યુ, બેટું...લવ યુ, બેટું...ગુડ મોર્નિંગ, બેટું...ગુડ નાઈટ, બેટું...વગેરે...વગેરે) અને આ બેટું શબ્દની શરૂઆત તે જ કરી, અને પછી હું પણ તને બેટું...થી જ વાત કરતો, કારણ કે મને મારી બેટું બહું જ...બહું જ...બહું જ ગમે છે. ઈશ્વરે ! મારી જિંદગીની મને આપેલી દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને સુંદર ભેટ તુજ છે. તારા વગરની સમી સાંજ; મને વસમી સાંજ લાગે છે..! તારા વગર હું અધૂરો છું...તારા વગર કંઈ જ નહીં…બેટું.! જ્યારે જ્યારે તું ચાંદ અને મોરપીંછને જોઈશ ત્યારે ત્યારે હું એમાં દેખાઈશ, હું તારી સાથે જ હોઈશ...એજ તો આપણાં પ્રણયના સાક્ષી...આપણાં પ્રણયના પ્રતીક છે.
તારા જવાથી જિંદગીના રંગ સૌ ઊડી ગયા,
જોયા કરું છું મોરપીંછું રોજ તારી યાદમાં...!
- કૌશલ સુથાર
હું
બધાની વચ્ચે પણ
જ્યારે
એકલો હોઉં છું !
ત્યારે
હું
તારી સાથે જ હોઉં છું..!
- કૌશલ સુથાર
આ ક્ષણથી લઈને જિંદગીની આવનારી અંતિમ ક્ષણ સુધી હું તારો જ છું.તારું ને મારું સગપણ તો પાણી અને માછલી જેવું છે..! લવ યુ, બેટું...
અંતમાં હું એટલું કહીશ કે,
કરું છું, કરીશ ને કરતો રહીશ હું જિંદગીભર તને પ્રેમ,
કહ્યું 'તું, અલગ નહીં, આપણે તો એક છીએ રાધાકૃષ્ણની જેમ.
- કૌશલ સુથાર
પ્રિયે ! તારી સાથે રહ્યાંનો મને ગર્વ,
હજી હું તારો છું કહ્યાંનો મને ગર્વ.
- કૌશલ સુથાર
એ જ,
લિ.
તારો બેટું, તારો જ
કૌશલ
***