એક્સપ્રેસ હાઈવે-જિંદાદિલી Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક્સપ્રેસ હાઈવે-જિંદાદિલી

-કંદર્પ પટેલ

+91 9687515557

એક્સપ્રેસ હાઈવે

  • જિંદાદિલી
  • વનરાઈ...લતાઓ...કુંજ...છોડ...પુષ્પો...પક્ષી...પ્રાણી...કુદરત...સૌંદર્ય...! આહલાદક. અતિ રમણીય. સોનગઢ તાલુકામાં આવેલું એક નાનકડું ગામ. જાણે વૃક્ષોનો શેષનાગ આ ગામને શોભાવી રહ્યો હોય અને ગામ પોતે કૃષ્ણ બનીને હસી રહ્યું હોય તેવું ઘેઘૂર ગામડું. ચોતરફ હરિયાળી અને લીલોતરીમાં મુગ્ધ બનેલું વિશ્વ. ડાળખી પર બેઠેલી ચકલીઓ અને કોયલો જાણે કાનમાં મધ રેડતી હોય. પુષ્પોની સુવાસ નાકની પતલી નળી વડે સીધી હૃદયના કર્ણક સુધી પહોચીને શરીરને તંદુરસ્ત બનાવ રહી હતી. ભમરાઓ મજાથી નવવધુ જેવી ખીલી ઉઠેલી કળીઓના સ્તનનું જાને રસપાન કરી રહ્યા હતા. ભેંસોની પીઠ પર બેઠેલા તીડને પોતાનું ભોજન બનાવવા ટીટોડી સ્થાન લઇ રહી હતી. મધમાખીઓનું વૃંદ કોઈ બારમાં રેટ્રો મ્યુઝીક આપી રહ્યું હતું. વૃક્ષ પર વીંટળાયેલી લતાઓ જાણે પોતાના પ્રિયતમને વર્ષો પછી આવતા જોઇને ભેટી પડી હોય તેમ કસીને વળગી છે. પક્ષીઓ પોતાનો સુખી ગૃહસ્થ સંસાર ચલાવી રહ્યા હતા. વૃક્ષોની ડાળીમાંથી દેખાતું વાનર વૃક્ષની ઉપર રહીને ગામના ઉપરકોટની રક્ષા કરી રહ્યું હતું. એક નળિયાની પાછળની બાજુએ મોર કળા કરી રહ્યો હતો. ચીમળાઈને પીળા પડી ગયેલા શુષ્ક પર્ણો વાતાવરણમાં સૂરમય સંગીત ફેલાવી રહ્યું હતું. હમણાં જ આવેલા વરસાદને લીધે વૃક્ષ પર ચોંટેલું પર્ણ પિતા-પુત્રના સંબંધની પ્રતીતિ કરાવી રહ્યું હતું. નદીની ભીની ધારે પલળતો પથ્થર પાણી સાથે અંતાક્ષરી રમી રહ્યો હતો. વેલાઓ પર લચીને પડી રહેલી ગોકળગાય સવારના પ્રહરમાં શૈયામાં સુતેલા કોઈ યુગલ જેવી લાગી રહી હતી. લીલા પર્ણ પર રમતી ઈયળ આંગણામાં રમતા બાળક જેવી જણાઈ રહી હતી. રેતીના સુક્ષ્મ કણો મનોહર ભાત રચી રહ્યા હતા. વરસાદી વાદળની પાછળથી ડોકિયા કરતો સૂર્ય શૌર્યરસથી ચમકી રહ્યો હતો. શીતળતાની ચાદર પાથરીને શાંતિથી રાત્રે વ્હાલ કરતો ચંદ્ર. આ વસ્તુસ્થિતિ જ કંઇક અલગ અને ભારતીય ગામડાઓની વિશેષતા દર્શાવતી હતી.

    આ ગામમાં કાલિદાસ જાણે હાજરાહજૂર જ હોય...! સજીવ સૃષ્ટિ વસંતતિલકા, માલિની અને શાર્દુલવિક્રીડિત છંદના લયમાં ડોલતી હોય. પ્રશાંત મૌનના બે છેડાની વચ્ચે લયાન્વિત થઈને સૃષ્ટિ નૃત્ય કરી રહી હતી. જ્યાં ભાષા નહિ પરંતુ ભાવને પ્રાધાન્ય અપાતું હતું. સજીવન ન હોય તેવી પૃથ્વી લુહારના ચામડાની મશક જેવી લાગે. માણસનું હૃદય ધબકે ખરું, પરંતુ ભાવ ના સ્પંદનો ઉઠે નહિ. અહી ધબકતું વિશ્વ હતું. દરેકના શ્વાસ નારી આંખે દેખાતા હતા અને સંભળાતા હતા. જાગૃત વિશ્વ અહી હતું. અહી દુનિયા સાચી હતી, સારી હતી અને સમાધાની હતી. કોઈ વેર ન હતું કે ન દુશ્મની. દરેકના હૃદયમાં લોહીનો તો નહિ, પરંતુ લોહી બનાવનારનો સંબંધ જરૂર હતો. ભાવનાના ઝરણામાં વહીને કૃતકૃત્ય થતા લોકો હતા, વિશાળ હૃદય હતા. આદર્શ ગામની સંકલ્પના હતી. દુઃખ અને મુશ્કેલીઓ દરેકને હતી, પરંતુ હૃદયમાં ખળખળ વહેતું જિંદાદિલ લોહી હાડ-માંસના ખેતરમાં ધોરિયો રચીને પ્રેરણાનું અમૃત પૂરું પાડતું હતું. આર્થિક મૂંઝવણને પણ હસતા ચહેરે આવકારવાની કળા તેમની પાસે હતી. ફાટેલા કપડામાંથી પણ માણસાઈ અને શુદ્ધતાના ચિન્હોની સ્પષ્ટ પ્રતિકૃતિ ઝલકતી હતી. નમ્ર બનેલી આંખોનો ભાવ પ્રતિબદ્ધતાની ઝાંખી પૂરી પાડતો હતો. દરેક વ્યક્તિમાત્ર પોતાના પરવરદિગાર પાસે નતમસ્તક હતો. પ્રમાણિકતા એ જીવંત ખોળિયાના ખમીરની મોહતાજ હતી. ઈશ્વરે પણ પોતાના બચ્ચાઓની આવી જ કલ્પના કરી હશે.

    પીળી પડી ગયેલી આંબાની કેરીઓ લચી પડેલી હતી. આજુબાજુથી સફેદ દેખાતા આકાશની વચ્ચે ઉપર રમતો પર્વત જાણે પૃથ્વીનું સ્તન હોય તેવો ભાસ થતો હતો. સુગંધિત પાણીમાં કમળ ખીલેલા હતા. વનરાઈની પાછળ પ્રિયને ચુંબન કરવા જતો પ્રિયતમ અને શરમાઈને દૂર જતી પ્રિયાનું દ્રશ્ય રચાતું હતું. એકબીજાની આંખોમાં જોઇને દૂરથી પ્રેમના વિરહમાં તડપવાનું સુખ કષ્ટમય તો હતું જ...! નદીના કિનારાઓના બંને છેડે તાપમાં કામ કરતા ખેડૂતોના ચહેરા પર પ્રમાણિકતા અને કાર્યના સાક્ષી એવા પરસેવાના બિંદુઓ ચમકી રહ્યા હતા. ખેડૂતો માથામાં પાછળ ફેંટો બાંધીને લટકાવેલા કાપડામાં કપાસના ઉગી નીકળેલા જિંડવા નાખી રહ્યા હતા. વડલાની વડવાઈની જોડે બોળો અને ઘઉંની થુલી બાંધેલા હતા. તેની બીજી બાજુ છાસને ઠંડી કરવા માટે સફેદ કપડામાં બરણી ભરેલી હતી. ફાટેલી ધોતીમાંથી ભારોભાર પ્રમાણિકતા અને ભાવનાની લહેરો વછૂટતી હતી. હળ જોતરીને એક ખેડૂત પોતાના ફળિયામાં તુવેર, પાપડી, વટાણા, ભીંડો અને અમુક વેલાઓના છોડનું રોપણ કરી રહ્યો હતો. પહેલા વરસાદની શરૂઆત થઇ ચુકી હતી. એક ભગવાન અને ખેડૂત વચ્ચેના સંબંધનું વાવેતર થઇ ચુક્યું હતું. તેમના પત્ની ચોખાની ફોતરીઓ દૂર કરી રહી હતી. સુપડીમાં દાળની સાફ કરી રહી હતી. આજે પણ એ બંને યુગલ પહેલી વાર મળી રહ્યા હોય તેમ શરમાઈ રહ્યા હતા. એકબીજાની વાતને ઇશારાથી સમજી રહ્યા હતા. સંતોષનો ભાવ હતો, જે નથી તેનો અભાવ નહોતો અને જે છે તેમાં ખુશ રહેવું એ તેમનો સ્વભાવ હતો.

    તે બંનેની એક દીકરી. નામ તેનું દુર્ગા. ઉંમર તેની વીસ-એકવીસ વર્ષની. શરીર એકદમ ચુસ્ત હતું. ખભા ઉપર ઝીણી ગાંઠે બાંધેલા અને તેના બે સ્તનોના વિસ્તારને ઢાંકતા વલ્કલથી, પીળા પાંદડાની વચ્ચે રહેલ કુસુમની જેમ આનું અભિનવ શરીર પોતાની શોભા વધારતું હતું. તેનો અધર કૂમળ જેવો લાલ હતું. બે હાથ કોમળ ડાળખી જેવા હતા, ફૂલના જેવું આકર્ષક યૌવન હતું. સરળ, સહજ અને સાહજિક એવું વ્યક્તિત્વ એટલે દુર્ગા. વરસાદનો સમય હતો. વાદળો ગર્જના કરી રહ્યા હતા, વીજળી તીણી ચીસો નાખી રહી હતી. બપોરના ચાર-પાંચ વાગ્યાનો સમય. એટલામાં જ વરસાદ આવી પડ્યો. જેમ સાંબેલાની ધાર છૂટે તેમ વરસાદ અનરાધાર વરસી પડ્યો. ખેડૂત, તેની પત્ની અને દુર્ગા. ત્રણેય ખુશ. એકની આંખમાં રાહતનો શ્વાસ હતો, તેમની આંખનો શ્વાસ જોઇને કોઈકનો વિશ્વાસ વધી ગયો. આ બંનેને ખુશ જોઇને દુર્ગાની આંખોમાં ચમક આવી. બસ, થોડી ક્ષણો આ દરેક જળબૂંદને મન ભરીને પીવી હતી. પ્રક્રિયામાં જોડાઈને રહેવું હતું. કુદરત સાથે કનેક્ટ રહેવું હતું. ત્રણેય એકબીજાનો હાથ પકડીને આકાશ તરફ જોઇને ખુલ્લા હૃદયે વરસાદને આલિંગન આપી રહ્યા હતા. આખા વર્ષની મહેનતનું ફળ આજે મળ્યું હોય તેવું અનુભવી રહ્યા હતા.

    તેમનું એક સરસ મજાનું નળિયાવાળું ઘર હતું. ઘરમાં સાદું પરંતુ અપ્રતિમ સુશોભન હતું. ઘરની આગળ આંગણામાં અમુક પ્રકારના ફૂલો હતા. ગુલાબ-મોગરો એકબીજા સાથે રમી રહ્યા હતા. ગારનું લીંપણ કરેલું હતું. એ લીંપણની સુવાસ અને માટીની સુગંધ મનને તરોતાઝા કરતી હતી. એ નળિયાના ધારે ટપકતી પાણીની બુંદના કર્ણપ્રિય અવાજો આવતા હતા અને વરસાદને લીધે લીલાછમ પર્ણો પરની કુંપળો અલગ આકારમાં જ નૃત્ય કરતી હતી. એ નળિયાના ઘર અને ગારની લીંપણમાં એવી મજબૂતાઈ હતી કે એ પવન સાથેના વરસાદમાં પણ સજ્જડતાથી તેનો સામનો કરી રહ્યા હતા. એ નળિયામાંથી એક પણ પાણીનું ટીપું ટપકતું નહોતું. એટલામાં જ એક જુવાન છોકરો ત્યાં આવી ચડ્યો. વરસાદથી પોતાના કપડા અને કેમેરો બચાવતો એક છોકરો જીન્સ-ટી શર્ટ સાથે આવી ચડ્યો.

    તરત જ ખેડૂત બોલ્યો, “અરે, દુર્ગા...! બેટા, મહેમાન આવ્યા છે. જરા ટુવાલ લાવ અને ખાટલો બહાર લાવ.”

    એ જુવાન નવાઈ પામ્યો. શહેરી હવામાં કદાચ તેણે આવું અનુભવ્યું નહિ હોય. બારણાની અંદર અંધારાના પ્રકાશમાંથી એક છોકરી બહાર આવી. તેના હાથમાં એક ચોખ્ખો રૂમાલ હતો, બીજા હાથ વડે તેણે તે જુવાનના હાથમાંથી બેગ અને કેમેરાનું પર્સ લીધું. એ છોકરીની તટસ્થતા માપવાનો કોઈ પેરામીટર નહોતો. પાણીનો ગ્લાસ ભરીને આપ્યો.

    “બસ, આવું છું હો..! તમે થોડી વાર બેસો. આજે વરસાદ પણ છે અને વાવણી પણ થઇ ગઈ છે. ફળિયામાં થોડા શાકભાજીના બી વાવીને આવું. ક્યાંથી આવો છો તમે?” ખેડૂતે પૂછ્યું.

    “હું સુરતથી આવું છું. આમ તો આજે અહી ગ્રામ્ય જીવનની મજા લૂંટવા આવ્યો છું. ચાલતો-ચાલતો એટલો બધો દૂર નીકળી ગયો કે ગાડી બે-ત્રણ કિલોમીટર પાછળ રહી ગઈ. ઉપરથી વરસાદ આવ્યો અને મારો ફેરો એકદમ સફળ રહ્યો. સિટી કલ્ચરને દૂર છોડીને વિલેજ સંસ્કૃતિને માણવા આવ્યો છું. અને તમે?” એ જુવાને પૂછ્યું.

    “હું અહી ખેતી કરું અને મોજમાં રહું છું. આ મારી પત્ની છે. હંમેશા સાથ આપનારી..!” એટલુ બોલતા જ તેમના પત્ની ખેડૂત સામે જોઇને હસ્યા. તે જોઇને પેલો જુવાન પણ હસ્યો.

    “જુઓ, સાહેબ...! હું બહુ ભણ્યો નથી. મારી પત્ની પણ બહુ ભણેલી નથી. ખેતી કરીએ છીએ, ગુજરાન ચલાવીએ છે. ગાડી ચાલતી જાય છે. પ્રેમનું ઉંજણ અમે સાથે મળીને પૂરતા જઈએ છીએ. મારી એક દીકરી છે, દુર્ગા. આ ખેતી કરીને જ તેણે ભણાવી છે. બાજુમાં વ્યારામાં જ તેણે એમ.ફિલ કર્યું છે. સાથે-સાથે ઘરે સિલાઈકામ પણ કરે છે.” ઘણું બધું તેણે બોલવું હતું, પરંતુ એ અટક્યો.

    “ખુબ સારું કહેવાય. આર્થિક સવલતો ન હોવા છતાં તમે તમારી દીકરીને ગામડામાં ભણાવીને આગળ અધરી એ વાત ખરેખર પ્રસંશનીય છે. શહેરોમાં આજે પણ લોકો આર્થિક સગવડો ભોગવીને આગળ આવ્યા છે, પરંતુ આ શિક્ષણના મામલે પલ્લું હજુ દીકરા તરફ વધુ નમતું રહે છે.” એ જુવાનીયો બોલ્યો,

    “મારી પત્ની, મારું નાનું ખેતર. બે બળદ અને મારી દીકરી. આટલો મારો પરિવાર. એક આંગણું, તેમાં ઉગેલા ફૂલ-છોડ, એક ઠંડા પાણીનું માટલું, ૨-૪ થાળી-વાટકા, વેલાઓ અને અમારો પ્રેમ. કોઈની દેખાદેખીથી નહિ, પરંતુ એકબીજાને હિંમત આપીને અમે બધા આગળ વધીએ છીએ. સામાન્ય પરિવાર ભલે છીએ, પરંતુ સંતોષનું ખાતર હંમેશા અમારા ખેતરમાં પડતું જ રહે છે.” ખેડૂત પાછો અટક્યો.

    “મારી દીકરી, દુર્ગા. અમારા બંનેના પ્રેમને મજબૂત બનાવતી એકમાત્ર કડી. અમારા ‘એક’ હોવાનું કારણ એ આ મારી દીકરી છે. એમ.ફિલ પૂરું કર્યું આ વર્ષે જ..! શિક્ષક તરીકેની જોબ અહી ગામમાં જ મળતી હતી. પ્રોફેસર તરીકે વ્યારાની એક કોલેજમાં સારી નોકરી હતી. પરંતુ, તેણે તે ઠુકરાવી દીધી. ના ગઈ. છતાં, આજે તેણે પસ્તાવો નથી.”

    “કેમ? આટલું ભણ્યા પછી પણ આવી સારી જોબ કેમ ઠુકરાવી?” જુવાને પૂછ્યું.

    “બસ, એ એમ કહે છે કે હું ત્યાં રોજ જતી રહીશ તો અમારું બંનેનું ધ્યાન કોણ રાખશે? તેની મમ્મી તો આખો દિવસ પેલો હાઈવે બને છે ત્યાં મજૂરીકામ કરવા જાય છે. હું ખેતી કરવા જાઉં છું. ઘરનું ધ્યાન કોણ રાખશે? આ બળદને કોણ સાચવશે? મને ગરમ-ગરમ જમવાનું કોણ બનાવીને આપશે? મારું અને તેની મમ્મીનું ટીફીન કોણ બનાવીને આપશે? બપોરના સમયે ખેતરે ભાતું લઈને કોણ આવશે? આ બધું તે વિચારતી હતી. મે તો તેમે કહ્યું, અમે તો અમારું કરી જ લઈશું. તું જા, વ્યારા અને તારી જિંદગીમાં આગળ વધ. પરંતુ, એ માની નહિ.”

    “અરે, એ તો ચાલ્યા કરે. તમારે ગમે તેમ કરીને મોકલવી જોઈએ ને..! આટલો સરસ મોકો ભગવાન બીજી વાર નાં આપે......” હજુ બોલવાનું પૂરું થાય ત્યાં જ,

    “મે એ તક જ ઝડપી લીધી છે. મારા માં-બાપ સાથે રહેવાની..! થોડો સમય જ છે એમ પણ મારી સાથે. ભગવાને મને મોકો આપ્યો જ છે, પણ નોકરી કરીને આ બંને પાલનહારથી છુટા પડવા માટે નહી, એમની સાથે રહેવા માટે..! નોકરી તો હું પછી પણ કરી જ શકીશ. મારા મમ્મી હવે ઉંમરના લીધે થાકી જાય છે, કામ કરી શકતા નથી. ઉપરથી, આખો દિવસ ત્યાં હાઈવે પર તગારા ઊંચકીને થાકીને લોથ-પોથ થઈને ઘરે આવે છે. એ પછી પણ જો તેમને કોઈ પાણીનું પૂછવાવાળું ના હોય તો મારું ભણતર શું કામનું? ખેતીનું કામ કર્યું હોય તે સમજી શકે એ વ્યક્તિના થાકને..! આ બંનેને એકલા છોડીને હું મારી પ્રગતિ કરવા નથી માંગતી. આવતી કાલે મારા લગ્ન થશે એ પછી પણ હું નોકરી તો કરી જ શકું એમ છું. જરૂરી નથી કે તમારી પાસે ડિગ્રી છે, જરૂરી છે એ જરૂરિયાતને ઓળખવી...!” એ જુવાન ખરેખર અવાક થઇ ગયો.

    આટલી બધી તેજસ્વિતા ગામની એક છોકરીમાં? આટલી ખુમારી અને પુખ્તતાથી કરેલી વાતો એ તે યુવાનને ખરેખર ચકિત કરી મુક્યો. ટૂંકું પરંતુ ખુબ ચોટદાર બોલી ગઈ.

    એ જુવાન સાંભળતો હતો, એ ખેડૂતને..તેની દીકરીને...! એ કશું બોલ્યો નહિ, એટલે તરત જ ખેડૂત ફરી બોલતો થયો.

    “મારી પત્ની રોજ આખો દિવસ અહી સોનગઢ પાસે જે એક્સપ્રેસ હાઈવે બને છે ત્યાં કામ કરાવવા જાય છે. થોડા પૈસા એ કમાઈ લાવે છે અને થોડા હું ખેતરમાં કામ કરીને...!” ફરી એક વખત પોતાની પત્ની સામે હળવા સ્મિત સાથે જોયું.

    “સરસ. ખરેખર મને તમારી વાતો સાંભળવાની મજા આવે છે. અમે શહેરમાં સામે-સામે વર્ષોથી રહેતા હોઈએ છતાં એકબીજા વિષે આટલું જાણતા પણ નથી અને કોઈને અંગત વાતો કહેતા પણ નથી. આ નિ:સ્વાર્થ લાગણી મને ખરેખર ખૂબ જ ગમી છે.”

    “જુઓ ભાઈ, તમે તો મહેમાન કહેવાઉં. આજે છો અને હમણાં જતા રહેશો. અમારે અહી ‘મોલ કલ્ચર’ નથી ‘મળ’ કલ્ચર છે.” એમની તૂટી-ફૂટી અંગ્રેજીમાં બનેલી આ રાઈમ સાંભળીને બધા હસી પડ્યા.

    “મહેમાન ભગવાન છે. તેમની આગતા-સ્વાગતા કરવી તે અમારી ફરજ છે. તમને મહેમાન જેવું ન લાગે એટલે જ અમે અમારી અંગત વાતો કહીએ છીએ. હમેશા એકબીજાની વાતો પરથી જ જીવનમાં આગળ વધવા માટેના ‘પથ’ અને ‘પાઠ’ ભણવા મળતા હોય છે. વર્ષો પછી પણ અમને પણ યાદ રહેશે કે અમારા ઘરે કોઈક તમારા જેવો જુવાનીયો આવ્યો હતો અને તેમની જોડે વાતો કરવાની ખુબ મજા પડી હતી. શું કરો છો તમે?” ખેડૂતે પૂછ્યું.

    “બસ, હમણાં જ ભણવાનું પત્યું. સુરતમાં જોબ કરું છું. તમે કહો...! શું લાગે છે? કેવો વરસાદ થશે? આ વખતે વાવણી તો બરાબર થઇ ચુકી છે..” હજુ બોલવાનું પૂરું કરે તે પહેલા જ શાંતિથી વાતો સાંભળતી એ છોકરી દુર્ગાએ જવાબ આપ્યો.

    “સૌથી વધુ વિશ્વાસ ઈશ્વર પર એક ખેડૂતને જ હોય છે. સૌથી વધુ આકાશ તરફ જોઇને એ મેઘના પાણીને ભગવાન સમજીને તેની પ્રતીક્ષા કરવાવાળો એકમાત્ર વ્યક્તિ એટલે ખેડૂત..! સુક્કા ભટ્ઠ ખેતરમાં ઉભા રહીને કપાળે હાથ દઈને બેસી રહે તે ખેડૂત નથી. એ સુકી ધરતીને લીલીછમ બનાવવા માટે રાત-’દિ પુરુષાર્થ કરે છે. એ તો જે કરે તેને સમજાય...! જયારે પહેલું તરુ જમીનમાં છોપાય ત્યારે ખેડૂતના ચહેરા પરનો એ આનંદ કોઈ વર્ણવી ન શકે. એ મેં મારા પપ્પાના ચહેરા પર દર વર્ષે જોયો છે. એ પ્રેમમાં ક્યારેય વધ-ઘટ મેં નથી જોઈ. તેથી જ કદાચ અમે ભગવાનની સૌથી વધુ નજીક છીએ. ભલે કૂવામાં પાણી હોય કે ન હોય..! એટલે જ કદાચ સીટીના લોકોની કેમ બનાવટ અમને નથી આવડતી. એમની જેવા ઘરમાં રહેવું અમને પસંદ નથી. પ્રકુતિના ખોળામાં રમવું અમને ગમે છે.”

    ઘણા સમય સુધી આ વાતો ચાલતી રહી. એ જુવાનિયો આજે સંપૂર્ણપણે અભિમાનનો મુખોટો છોડીને આગળ વધવા માટે તત્પર હતો. જીવનનો એક અનોખો પદાર્થપાઠ અહીંથી આજે તેણે મેળવ્યો હતો. વરસાદ ઉભો રહેતા જ તે નીકળ્યો. કદાચ, ચાલવામાં તેને તકલીફ પડતી હતી. આવા લાગણીભર્યા પ્રેમસભર અનુભવ પછી ફરીથી સ્વાર્થની દુનિયામાં જવા માટે પગ ઉંચકાતા નહોતા. સતત તેના દિલ-ઓ-દિમાગ પર એ જિંદાદિલ દુર્ગાની વાતો અથડાતી હતી. કોઈ સ્ત્રી પ્રત્યે જોવાની તેની નજરમાં આજે ગર્વિષ્ઠ સ્પંદનો આકાર લઇ રહ્યા હતા.

    હજુ એક વાત એ ખેડૂતની મનમાં ફરી-ફરીને યાદ આવી રહી હતી, “મને ગર્વ છે, હું દુર્ગાનો બાપ છું.”

    *****

    કોન્ટેક્ટ:

    +91 9687515557