અનુબંધ - 3 Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 3

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 3

સુલેખાએ વાત આગળ ચલાવી, “પરીખસાહેબ મને કહે, આ લોકો રોજ રોજ સૌમિનને ક્યાંકથી અથવા અમદાવાદના અલગ અલગ પોલિસ સ્ટેશનથી શોધીને ઘરે લાવતાં થાકી જાય છે. યૂ સી, મોટું પૈસાદાર ફેમિલી છે, સહુ પોતાની રીતે બીઝી છે, કેટલીવાર તો પોલિસ માની જાય કોઈવાર કાગળિયા કરવા ધક્કા ખવડાવે. હવે આને માટે એમને ફૂલ ટાઈમ કેરટેકર જોઈએ છે, ઘરે કેરટેકર રાખીને ટ્રાય કરી જોઈ, પણ હવે લાગે છે કે ઘરના સભ્યો અને સૌમિન એકબીજાથી કંટાળી ગયા છે એટલે મેં જ કહ્યું કે એને માટે ફોસ્ટર કેરની વ્યવસ્થા કરી દો તો સુધારો આવે. એટલે એ લોકો સૌમિનને બીજે રાખવા તૈયાર થયા”

ઊંડો શ્વાસ લઈ સુલેખા બોલી, “મહિને પચીસ હજાર રુપિયા, એક નિરુપદ્રવી માણસને રાખવા માટે, વત્તા તમામ ખરચ અલગથી. ના પાડવા માટેનાં કારણો હતાં તો ખરા પણ સામે મારી જરૂરિયાત પણ એવી હતી. મેં હા પાડી દીધી.”

સુલેખા શ્વાસ લેવા અટકી અને નર્મદાબેને સવાલ પૂછી લીધો, “આ એ જ પાગલ દર્દી છે?”

સુલેખા હસીને બોલી, “પાગલ છે, એમ તો નહીં કહું, મેંટલી ડિસ્ટર્બ્ડ છે. એક મહિનાથી આ મારે ઘરે રહે છે. બીજી કોઈ તફલીફ નથી, પણ રૂમમાં બંધ કરીને રાખીએ તો મોટેથી રડે, એટલે રૂમ ખુલ્લો જ રાખવો પડે, રૂમમાં આખો દિવસ તો એ શાંતિથી બેસી રહે, પણ પછી ખબર નહીં, કઈ પળે શૂન્યમનસ્ક થઈ બહાર ચાલવા માંડે છે. એટલે સતત એનું ધ્યાન રાખવું પડે, પાછળ પાછળ રહેવું પડે. એક મહિનામાં આ છઠ્ઠીવાર ખોવાયો.”

વાત પૂરી થતાં નર્મદાબેન બોલ્યા, “તો ઠીક, પણ આમ છ ફૂટનો માણસ અચાનક આવી ચડે તો હબકી જવાય!” આમ કહી નર્મદાબેન ઊઠ્યા. વાતનો રસ ઓસર્યો એટલે યાદ આવ્યું કે એમણે કાલની લાંબી મુસાફરી માટે પેકિંગ કરવાનું હતું એમાં આ ઝંઝટમાં સમય બગડ્યો.

આ ત્રણ સ્ત્રીઓ વાતોમાં વ્યસ્ત હતી, એટલીવારમાં અનુએ એ અજાણ્યાના, સૌમિનના ઉપલા હોઠ પર સોફ્રામાસીન લગાડી દીધું. પટ્ટી પણ લગાડી અને એને પાણી પણ પીવડાવ્યું.

અનુને એકાએક થયું કે પોતાના ફ્લેટમાં જઈ રહેલા નર્મદામાસીને મારી કળા બતાવું, “જુઓ મેં પપ્પાને પટ્ટી લગાવી દીધી!” નર્મદામાસીએ તો ન જોયું પણ અનુએ પોતે જ જોયું કે પાણીથી ભીની થવાને કારણે પટ્ટી બનાવટી ધોળી મૂછોની જેમ ફરફરી રહી હતી. અનુ પોતાના ડ્રેસિંગની નિષ્ફળતા ભૂલીને સૌમિનના રમૂજી દેખાવ પર હસી પડતાં બોલી, “જુઓને પપ્પાની ધોળી મૂછો!” નર્મદાબેનને હસવું આવ્યું નહીં, પોતાના ઘરમાં ઘૂસતાં પોતાની છેલ્લી સામાજિક જવાબદારી નિભાવતાં બોલ્યાં, “જેના મમ્મી સાથે લગન થયા હોય, એને જ પપ્પા કહેવાય!”

અમોલાના ફ્લેટમાં, વાતાવરણ હળવું થયું એટલે અમોલા અને સુલેખા વચ્ચે થોડો ઉપરછલ્લો પરિચય થયો. વચ્ચે વચ્ચે અમોલા બહાર પેસેજમાં નજર નાખી લેતી. અનુને તો પ્રવૃત્તિ મળી ગઈ. અમોલા સૌમિન સામે પણ જોતી હતી. આખી સ્થિતિને સાત પડદા પારથી જોતો હોય એવો નિર્લેપ હતો. અમોલાએ નોંધ્યું કે એ મોટાઓ સામે જુએ ત્યારે સાવ અન્યમનસ્ક લાગતો, પણ અનુ બોલતી હોય ત્યારે સાનભાનથી વાત સાંભળતો અને નોર્મલ દેખાતો.

એક ઘટનાભરેલી સાંજનો શાંત અંત આવ્યો. સુલેખાએ અમોલાની વિદાય લીધી, અનુને ગાલે ટપલી મારી, એને એક ચોકલેટ આપી અને સૌમિનને લઈને નીકળવા લાગી. ચોકલેટ મળવા છતાં અનુ ચોકલેટ સામે જોવાને બદલે પીઠ ફેરવીને જઈ રહેલા મહેમાનો તરફ જોતી રહી. સૌમિને વળીને જોયું, અનુ તો રાહ જોતી જ હતી કે ક્યારે એ જુએ અને હું ‘આવજો’ કરું. બાળકો ‘આવજો’ કરે ત્યારે એ શબ્દશ: સાચું હોય છે. એમાં વિદાયનો નહીં ‘ફરી ક્યારે આવશો?’ એવો ભાવ હોય છે. એક ક્ષણ બન્ને એક્બીજા સામે જોતાં રહ્યા.

અમોલા અનુને ખેંચી અંદર જવા લાગી. સુલેખા પાછી ફરી બોલી, “પણ હવે તમે ચિંતા ન કરશો, સૌમિન એકવાર જે જગ્યાએ જાય છે ત્યાં બીજીવાર કદી જતો નથી. બીજીવાર મારે એને બીજા એરિયામાં શોધવા ભટકવું પડશે!”

અનુ એટલી સમજદાર તો હતી જ કે આ સુલેખા આંટીની વાત સમજી ગઈ. એની ભવિષ્યવિધાન જેવા વાક્યનો મુકાબલો કરવા હિંમત કરીને એણે દિલની આરત રજૂ કરી, “કાલે સાંજે પાછા આવજો!” અનુ સૌમિન સામે જોઈ બોલી, અને અમોલાએ એને અંદર ખેંચી.

ફ્લેટનો દરવાજો બંધ કરતાં જ, અમોલાએ વિચાર્યું કે આ મોડી સાંજે શું બની ગયું એનું અર્થઘટન કરું કે પછી અનુને એક તમાચો ઠોકી દઈને આ ઘટના પર પૂર્ણવિરામ મૂકું!

મમ્મીની આંખોમાં અકળામણનું પ્રમાણ વાંચવા મથી રહેલા અનુના ઊંચા થયેલા ચહેરા સામે અમોલાએ જોયું. અમોલા પોતાની સાડા પાંચ ફૂટની ઊંચાઈ પર હતી. અનુ સામે નીચે ત્રણ ફૂટની ઊંચાઈ પર હતી. મા-દીકરીની દુનિયા એક જ ઘરમાં હતી પણ બન્નેના ઓલ્ટિટ્યુડમાં અઢી ફૂટનો ફરક હતો. તેથી એ બન્નેના ઈંટરએક્શનમાં હાથ હંમેશા અમોલાનો ઉપર રહેતો અને નજર હંમેશા અનુની ઉપર રહેતી.

દીકરીના ઊંચા થયેલા ચહેરા પર આજના અનુભવ બદલ માર ખાવો પડે તો ખાઈ લેવાની તૈયારી એણે જોઈ. અમોલા ઝૂકી અને કપાળે એક ચૂમી ભરીને દીકરીને અંદર લઈ ગઈ.

***

બીજા દિવસે સાંજે રમવાના સમયે અનુ પાસે બે ઓપ્શન હતા. કાલ્પનિક સાથી સાથે રમવા માંડવું અથવા વાસ્તવિક સાથીની રાહ જોવી. અમોલા પણ બાલકનીમાંથી જોઈ રહી હતી. અમોલા વિચારી રહી હતી, “સુલેખા સિસ્ટરની અનુભવવાણી સાચી પડશે કે બાળકની પ્રતીક્ષા?” સુલેખા બોલી હતી, “સૌમિન અન્યમનસ્ક થઈ સાંજ પડ્યે ગમે ત્યાં પહોંચી જાય પણ એકના એક સ્થળે બીજી વાર ન જાય.” અનુએ સૌમિનને કહ્યું હતું, “કાલે પાછા આવજો!”

અને ત્યાં જ સૌમિન ધીમા પગલે આવ્યો. અનુ એને આવકારવા દોડી ગઈ. હવે અમોલા બૂમબરાડા કરે તો છોકરાઓ ફરી આ અર્ધપાગલને મારે! અમોલાને બીજી ક્ષણે વિચાર એ આવ્યો કે નીચે જઈ અનુને ખેંચી લાવું. અમોલા નીચે પહોંચી ત્યાં સુધી તો અનુ એ અજાણ્યાનો હાથ પકડી રમવા લાગી હતી. અમોલાને થયું, પોતેય ખરી ડફોળ છે, ગઈકાલે આટલી વાતો કરી પણ સુલેખાનો નંબર ન માંગ્યો કે સરનામું ન લીધું. હવે શું કરાય? અમોલાને પણ શું સૂઝ્યું તે એણે અનુ પાસે જવાને બદલે થોડે દૂર બાંકડા પરથી અનુ પર નજર રાખવાનું નક્કી કર્યું.

અમોલાને પહેલા એમ લાગ્યું કે કોઈ સૌમિન અને અનુને રમતાં જોશે તો શું કહેશે! પણ અનુના ચહેરા પર જે આનંદ હતો, એ છિનવવાનું આજે એને મન ન થયું. નર્મદાબેન તો આજ સવારથી જ એમની બહેનને ત્યાં રહેવા ગયા હતા, મહિના સુધી આવવાના નહોતા. અને સોસાયટીમાં બીજું કોઈ એને ઓળખતું નહોતું. એ રીતે એ નિશ્ચિંત હતી. સમાજની નજરનો ભાર ઉતારીને હળવાશથી બેસવાની અને નિહાળવાની તક અમોલાને ભાગ્યે જ મળતી. એ તક આજે મળી હતી. સૌમિન પપેટની જેમ, અનુ રમાડે તેમ, રમી રહ્યો હતો. કશું ભયજનક નહોતું લાગતું. કોઈ થોડીવાર સતત એને જુએ તો ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ જરા માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે. પણ આ વિશાળ પ્રવૃત્તિરત સંસારમાં એક બાળકી અને એક દર્દીને એટલા ધ્યાનથી જોવાની કોઈને ફુરસદ નહોતી.

સાંજના અંધારાં ઘેરાયાં. સોલાર સ્ટ્રીટ લાઈટ શરૂ થઈ. અમોલાનો પહેલી બૂમનો સમય થયો એટલે અનુએ ઉપર જોયું મમ્મી બાલકનીમાં ન હતી. અમોલા બાંકડે બેઠી છે એવો એને ખ્યાલ જ નહોતો. અનુ ખુશીથી રમવા લાગી.

અમોલાને થયું, મોટેરાં અને બાળકો, બન્નેની નિયતિમાં સરખું દુ:ખ હોય તો ય બાળક ખુશ થવાની શરત સાથે જીવે છે અને મોટેરા દુ:ખને ગળે વળગાડી ફરવાની મમત સાથે જીવે છે.

જીવતી જાગતી ઘડિયાળ જેવી મમ્મી એના સમયે બાલકનીમાં કેમ ન દેખાઈ, એ વિચાર આવતાં બે મિનિટ રહી અનુએ ફરી ઉપર જોયું.

ત્યાં જ ખૂણાના બાંકડા પરથી અમોલાનો અવાજ સંભળાયો, “અનુ, હું અહીં છું. હજુ દસ મિનિટ રમી લે!”

દસ મિનિટ પછી કોઈ વાસ્તવિક પગલું લેવું પડે એવી ઘડી આવે એ પહેલા જ સમયસર જ સુલેખા આવતી દેખાઈ. સુલેખા સૌમિનને ખિજાવા જતી હતી. અમોલાએ એને હાથ પકડી બાજુમાં બેસાડી દીધી. દસને બદલે પંદર મિનિટ પછી સહુ વિખેરાયા. આજે અમોલાએ સુલેખાનો ફોન નંબર લીધો.

ચારેક દિવસમાં સુલેખાની અને અમોલાની દિનચર્યા બદલાઈ. સૌમિન નિયમિત ધોરણે અહીં જ આવતો. સુલેખાએ એને બીજે ક્યાંય શોધવા જવું પડતું નહીં. અમોલા રોજ સાંજે સમારવા માટેના શાક અને થાળી લઈ નીચે બાંકડે બેસતી. અનુ સૌમિન સાથે એક કલાક રમતી. થોડા દિવસ સૌમિન અનુ સાથે બોલ્યા વિના રમતો ખરો, પણ હજી અમોલા સાથે આંખ નહોતો મેળવતો. પછી અમોલા પાણીની બોટલ અને ગ્લાસ લાવતી. સૌમિન ચોખ્ખાઈપૂર્વક ગ્લાસથી પાણી પીતો.

આઠેક દિવસ પછી અમોલાએ સુલેખાને કહ્યું કે તારે ધક્કો ખાવાની જરૂર નથી, તારું ઘર નજીક જ છે ને, અમે રોજ રાતે ટહેલતાં ટહેલતાં સૌમિનને મૂકી જઈશું.

સુલેખાનું ઘર અનુના ટ્યુશન ટીચરની બાજુની શેરીમાં જ હતું. એટલે પછી તો અમોલા બસથી ઉતરી અનુને લેતી આવે અને સુલેખાને ત્યાં જાય એટલે સૌમિન તૈયાર જ હોય. અમોલાએ જોયું કે સૌમિન ટ્રાફિકમાં અનુને સાચવતો. એટલે અમોલાએ પોતે બસ સ્ટેશનથી સીધા ઘરે આવવાનું શરૂ કર્યું. અનુ અને સૌમિનને એકલા આવવા જવાની છૂટ આપી. થોડા દિવસમાં તો આ એક સલામત ક્રમ બની ગયો.

આમ સુલેખા કદી સૌમિનને એકલો નીકળવા ન દે અને આ તરફ અમોલા અનુને એકલી નીકળવા ન દે. પણ કોઈ અકળ કારણોસર બન્ને સમજુ સ્ત્રીઓ અનુ અને સૌમિનને એક્બીજા સાથે સલામત સમજવા લાગી. સુલેખા વિચારતી, સૌમિનની સાથે અનુ છે ને! વાંધો નહીં. અને અમોલાને થતું કે અનુ સાથે પોણા છ ફૂટનો એક મરદ માણસ ચાલતો હોય તો ખાસ ચિંતા નહીં. બે અક્ષમ નહીં તો બે અર્ધક્ષમ માણસો એકબીજાનો ટેકો બનીને ચારપાંચ શેરી કોરીને હાઉસિંગ સોસાયટીમાં આવતાં અને રમતાં.

મહિના પછી એક સાંજે બાંકડે બેસેલી અમોલા પાસે અનુ આવી. લંગડી રમતાં વાળ ખુલી ગયા હતા. અમોલા ચોટલો વાળવા લાગી. રોજ સવારે માથુ હોળાવતી વખતે અનુ ત્રણ એકાનો ઘડિયો બોલતી, અત્યારે પણ ટેવ મુજબ બોલવા લાગી. સૌમિન સાંભળી રહ્યો હતો એ જોઈ બોલતાં બોલતાં અટકી. “ત્રણ અઠા.. ત્રણ અઠા.. એ ઘડિયો ભૂલી ગઈ. અમોલા યાદ કરાવે એ પહેલા અવાજ આવ્યો, “ચોવીસ”

મા-દીકરીને બન્નેને થયું કે એમને ભ્રમણા થઈ કેમ કે આજદિન લગી સૌમિનને બોલતો એમણે કદી સાંભળ્યો નહોતો.

બીજા દિવસે અમોલા નીચે આવી એટલે અનુ એને ખેંચીને એમના બ્લોકની બાજુની દીવાલ તરફ લઈ ગઈ. દીવાલ પર ઠીકરાથી ચાર એકાનો ઘડિયો લખેલો હતો. નીચે લખનારે જાણે સહી કરી હોય એમ ‘એસ’ ચીતર્યો હતો. પછી તો સ્કૂલમાં ચાલે એના કરતાં એક ઘડિયો આગળ આગળ અનુ ચાલવા લાગી..

એકવાર સુલેખાને કેન્સર ફ્રી સારવારના કેમ્પ માટે મમ્મીને લઈ જવાની હોવાથી એણે અમોલાને કહ્યું કે આજે આવતાં મોડું થશે. સાંજે સાતથી નવ સૌમિનને રાખી શકો? અનુનો સૌમિન સાથે રમવાનો સમય 6 થી 7, એ પછી તો જમીને એણે લેસન કરવા બેસવાનું હોય. એ સાંજે સૌમિન લેસન કરતી અનુની બાજુમાં બેઠો. અનુએ મમ્મીને કહ્યું કે ટ્યુશન ટીચર કરતાં સૌમિનનું અંગ્રેજી સારું છે.

***