ધ બેટ! એક શર્ત, જીવવાની! Gaurav Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ બેટ! એક શર્ત, જીવવાની!

ધ બેટ! એક શર્ત, જીવવાની! -ગૌરવ ભટ્ટ

કાલે એક શોર્ટ સ્ટોરી વાંચી! આમ તો સ્ટડીમાં આવતી અને મને ગમેલી રસ્કિન બોન્ડની ‘ધ મીટીંગ પુલ’ પછી વધુ ગમેલી આ બીજી સ્ટોરી! એન્ટન ચેખોવની ધ બેટ! એક શર્ત! અઘરી શર્ત! પંદર વર્ષ સુધી એક ઓરડામાં પ્યાનો, બુક્સ અને દારૂ સાથે એકલા રહેવાની! શું તમને વીસ લાખના બદલામાં પંદર વર્ષ સુધી એક ઓરડીમાં પુરાઈ રહેવાનું કહે, તો તમે રહો ખરા??

એક માણસને ખરેખર જીવવા માટે શું જોઈએ? - એક માણસ? ઉમર પ્રમાણેની જરૂરિયાતો? કરવા માટે કોઈ ગમતું કામ કે પછી ભૌતિક સાધનો? એ.સી.? ટીવી? સ્માર્ટફોન? વેઈટ! આ લીસ્ટમાં પુસ્તકો ખરા?? – જાતને ચોક્કસ પૂછવા જેવું! એન્ટન ચેખોવે આ વાતને સમજાવે છે...

એક પાનખરની સાંજે એક વૃદ્ધ બેંક કર્મચારીને ત્યાં પાર્ટી ચાલતી હતી. ઘણા બધા બાહોશ માણસો હતા અને ખુબ રસપ્રદ ચર્ચાઓ ચાલતી હતી. જેમાં ‘મૃત્યુદંડ’ વિષે થતી વાતમાં એક બેંકર તથા એક યુવાન વકીલ વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી. જેમાં યુવા વકીલ એ ‘મૃત્યુદંડ કરતા જન્મટીપની સજા વધુ યોગ્ય!’- એમ પોતાનો મત રજૂ કરે છે. ચર્ચા વધુ ઉગ્ર બને છે અને અંતે બન્ને વચ્ચે એક શર્ત, એક કરાર નક્કી થાય છે....

યુવાન વકીલ એ પંદર વર્ષ એક ઓરડીમાં પુરાઈ રહે, જ્યાં તેને એક નાનકડી બારી દ્વારા ભોજન, માંગે તેવી બુક્સ અને દારૂ પુરો પાડવામાં આવે! એ સિવાય ના તો પંદર વર્ષ સુધી કોઈ માણસનું મોઢું જોવાનું અને ના તો ઓરડી બહાર નીકળવાનું! જો પંદર વર્ષના અંતે એક પણ મીનીટ વહેલા બહાર નીકળે તો કરાર તૂટે અને બેંકર શર્ત જીતી જાય! આ સિવાય પણ શરતમાં ઝીણી ને નજીવી બાબતોનો સમાવેશ થતો હતો જે એકાંતવાસ કઠોર બનાવતો હતો! અને બદલામાં જો પંદર વર્ષ તે ઓરડીમાં જો પેલો યુવાન વકીલ રહી જાય, તો વીસ લાખ!

પહેલા વર્ષે તે એકલતા અને ઉદ્વેગથી ભયંકર રીતે પીડાયો! દિવસ-રાત તે મકાનમાંથી પિયાનોનો અવાજ સંભળાતો. પહેલા વર્ષે તેને ફક્ત રોમેન્ટિક નોવેલ્સ અને હળવા પાત્રોવાળી વાર્તાઓ મંગાવી. બીજા વર્ષે પિયાનોનો અવાજ આવતો બંધ થાય છે. તે ઉત્તમ પ્રકારના પુસ્તકો મંગાવે છે. પાંચમાં વર્ષે ફરી ઓરડીમાંથી પિયાનોનું સંગીત સંભળાય છે, તે દારૂ મંગાવે છે, મોડી રાત્રે કલાકો સુધી લખે છે અને સવારે ફાડી નાખે છે. ઘણી વખત તેને રડતો પણ સાંભળી શકાય છે.

છટ્ઠા વર્ષના અંતે કેદીએ ભાષાઓ,તત્વજ્ઞાન,ઇતિહાસનો અભ્યાસ ઉત્સાહપૂર્વક શરુ કરે છે, તેને પોતાની જાતને અભ્યાસમાં એટલી પ્રવૃત કરેલી કે કેદીએ મંગાવેલ પુસ્તકો ને શોધવા માટે બેન્કરને ખુદને ઘણી તકલીફો પડી! એ પછીના ચાર વર્ષના સમયગાળા તેને છસ્સો જેટલા ગ્રંથો પુરા પાડવામાં આવ્યા!! એ વર્ષે કેદી બેન્કરને છ અલગ અલગ ભાષામાં પત્ર લખે છે અને જો પત્રમાં કોઈ ભૂલ ના નીકળે તો તેની ઓરડી બહાર બંદૂકના બે ધડાકાઓ કરવાનું કહે છે. અને ખરેખર એમાં કોઈ જ ભૂલ નીકળતી નથી!!

પછીના એક આખા વર્ષમાં તે ફક્ત બાઈબલ વાંચે છે, બેન્કરને બારી વડે મળતા સમાચારો મુજબ જે વ્યક્તિ ચાર વર્ષમાં છસ્સો ગ્રંથ વાંચે છે તેને બાઈબલ વાંચતા એક વર્ષ લાગે છે આમ જાણીને આશ્ચર્ય થાય છે! છેલ્લા બે વર્ષમાં તે કોઈપણ પસંદગી વગર અલગ-અલગ પુસ્તકો વાંચ્યા કરે, ક્યારેક શેક્સપીયર તો ક્યારેક રસાયણશાસ્ત્ર તો વાળી ક્યારેક અન્ય કોઈપણ નોવેલ!

પંદર વર્ષ પુરા થવાને ફક્ત એક જ દિવસ બાકી રહે છે ત્યારે પેલો બેંકર મુંજાય છે! કારણ કે શેરબઝાર અને સટ્ટામાં તે પહેલેથી બધું હરિ ચુક્યો હોય છે ત્યારે કેદીને વીસ લાખ કઈ રીતે ચુકવે? ઘણા બધા વિચારોને અંતે બેંકર તેનું ખૂન કરવાનું નક્કી કરે છે! રાત્રીના ત્રણ વાગ્યે ચુપકીથી તેની ઓરડીમાં પ્રવેશે છે જ્યાં પેલો કેદી પથારીમાં સુતો હોય છે, જેના વાળ અને દાઢી વધેલા હોય છે. બેંકર વિચારે છે- ‘બિચારો! ઊંઘમાં વીસ લાખનું સપનું જુવે છે, અને મારે ઓશિકા વડે મો દબાવી અને હમણાં જ આનો અંત લાવવાનો છે! ત્યારે ત્યાં ટેબલ પર એક ચિઠ્ઠી પડેલ જુવે છે, કુતૂહલવશ તે ઉઠાવી અને વાંચવા માંડે છે.....

‘આવતી કાલે બારના ટકોરે હું મારી આઝાદી ફરી મેળવીશ અને બીજાઓને હકથી મળીશ, પણ એ પહેલા હું તમને અમુક શબ્દો કહેવા માંગું છૂ. આઝાદી, તંદુરસ્તી, અને પુસ્તકી દુનિયામાં કહેલ એવી હરેક શ્રેષ્ઠ બાબતોની હું ઉપેક્ષા કરું છું!

પંદર વર્ષ સુધી મેં દુનિયાને પુસ્તકોમાં જીવી છે! ભલે મેં દુનિયા જોઈ નથી, કે હું માણસોને પણ નથી મળ્યો. પણ પુસ્તકો દ્વારા મેં સુગંધી દારૂ પીધો છે! જંગલમાં સુવરનો શિકાર પણ કર્યો છે અને કવિની સૃષ્ટિએ રચેલ સુંદરીઓ સાથે વાતો પણ કરી છે. પુસ્તકોમાં મોં-બ્લાના શીખરો ચડ્યા છે ત્યાંથી સૂર્યોદય તથા ઢળતી સાંજે સોનેરી આકાશ પણ મેં નિહાળ્યું છે. મેં લીલાછમ વન, ખેતરો,નદીઓ,શહેરો બધું જ જોયું છે! તમારા પુસ્તકોમાં મેં જાતને ફંગોવી છે,ચમત્કારો કાર્ય છે, શહેરો બાળ્યા છે, અને સામ્રાજ્યો પણ જીત્યા છે! પુસ્તકોએ મને ડહાપણ આપ્યું છે અને હું જાણું છું કે હું તમારા બધાથી શાણો છું! બધું ઝાંઝવા જેવું નકામું અને ક્ષણભંગુર છે! હું જાણું છું તમે ખોટો રસ્તો લીધો છે, તમે જૂઠને સત્ય અને કુરૂપતાને સુંદરતા સમજો છો! તમે ભાન ભૂલ્યા છો. તમારી ભાવી પેઢીઓ, તમારો ઇતિહાસ, તમારી ચિરંજીવી પ્રતિભા પણ સાથે જ સળગી જશે કે આ ધરતીમાં દટાઈ જશે!

હું ધિક્કારું છું તમારા ડહાપણને અને દુનિયાની એ તમામ વસ્તુઓને જેના માટે તમે જીવો છો! અને આ વાતને સાબિત કરવા હું નિયત કરેલ કરારના પાંચ કલાક પહેલા જ અહિયાથી ભાગી જઈશ, અને આમ કરારનો ભંગ કરીશ....

વાંચ્યા બાદ બેંકર કાગળ ટેબલ પર મુકે છે, સુતેલા કેદીના માથે ચુંબન કરે છે અને રડતા-રડતા ચાલ્યો જાય છે! સવારે પગી હાંફળોફાંફળો થઇ આવે છે અને કહે છે- તેને સવારે જ ભાગી જતા જોયો... બેંકર ફરી ઓરડીએ જઈ અને પેલો કાગળ પોતાના લોકરમાં સાચવીને રાખી દે છે!

ઇતિ વાર્તા!

હવે બોલો........ માણસને જીવવા માટે શું જોઈએ???

(મૂળ વાર્તા- એન્ટન ચેખોવ)