સંબંધ જિંદગી સાથે.! Jay Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ જિંદગી સાથે.!

સબંધ જિંદગી સાથે.!

( એક યુવાન એન્જીનીયરની કલમે લખાયેલી જિંદગી વિશેની વાતો)

જય ગોહિલ

(બી.ઈ. મિકેનીકલ)
(ઈજનેરોની મહેફિલમાં લેખક તરીકે સન્માન મળે છે, જયારે લેખકોની મહેફિલમાં ઈજનેર તરીકે સન્માન મળે છે.)

અર્પણ....

એ વ્યક્તિને જે વ્યક્તિને મેં કદી જોયા નથી પરંતુ તેમને હરહંમેશ મેં અનુભવ્યા છે,

એ વ્યક્તિને જેમને તેમની પ્રતિભા સાબિત કરવાનો મોકો, કાંતો સમય આ કુદરતે આપ્યો નથી...

એવા મારા દાદા સ્વ. પોપટલાલ આર. ગોહિલ.

 • જિંદગીએ અનેક તબક્કાઓમાં વહેચાયેલું એક નાટક છે. જ્યાં લેખક પણ તમે છો, દિગ્દર્શક પણ તમે છો, અભિનેતા પણ તમે છો અને પ્રેક્ષક પણ તમારે જ બનવાનું છે.
 • યાદ હોય તો વિડિયો ગેમની પેલી Mario Game. નાનપણથી જ બહુ મસ્ત વસ્તુ શીખવાડી હતી આ ગેમે રસ્તામાં આવતી મુશ્કેલીને બે રીતે દુર કરી શકાય. એક તો એના ઉપરથી કુદી જઇને એને ignore કરો કાં તો એ મુશ્કેલીનો સામનો કરી ને દુર કરો..
  PROBLEM SOLVE
 • Maths એ હંમેશા મને એક વસ્તુ શીખવી છે, "કોઈ પણ" Problem નું simplification કરીએ તો એ problem ને easy બનાવી શકાય છે..!!
 • અભાર વિશેષ....

  આ કુદરતે આપેલા સુંદર સોંદર્યમાં રહેલા પ્રેમાળ, ખુશ મિજાજી અને સુંદર પતંગિયાઓ પ્રત્યે મને હંમેશા પ્રેમ રહ્યો છે કારણકે તેમણે મને હરહંમેશ અનહદ ખુશી અને અલગ જ લાગણી આપી છે, તો સૌપ્રથમ તે અનેક પતંગિયાઓનો હું આભારી છું.

  મૂડી કરતા તેનું વ્યાજ વધુ વ્હાલું હોય છે, જેમને હું સૌથી વધુ વ્હાલો છું એવા મારા બા, મારી જિંદગીનું બીજ રોપનાર મારા મમ્મી- પપ્પા અને મારો નાનો ભાઈ યજ્ઞેશ ગોહિલ જે એક બહુ જ સારો સ્કેચ આર્ટિસ્ટ છે. આમ મારો પરિવાર જેમનો હું હંમેશા આભારી રહ્યો છું અને રહીશ.

  જ્યારે હું કોલેજમાં આવ્યો ત્યારે મને એમ હતું કે મને સ્કુલથી સારા દોસ્તો નહિ મળે પરંતુ મારી આ વાતને ખોટી સાબિત કરનાર દોસ્તો એટલે શિવાની જોષી,શ્રેયસી પટેલ, વૈશાલી ઠકકર, અપૂર્વ રાજ અને હિમાલય હિંગુ

  મારી ઉમરનાં જ મારા લેખક મિત્રો કુંજેશ પટેલ અને ઉત્સવ પરમાર નો હું સતત આભારી છું.

  મારું પહેલું ડ્રામા હોય કે પછી પહેલી શોર્ટ ફિલ્મ હંમેશા જે મારી સાથે રહ્યો છે એ વ્યક્તિ એટલે ભાવિક ભાવસાર. સમય ભલે બદલાયો પણ તેની મિત્રતામાં ફેર નથી પડ્યો

  મારો બેચ અને બેન્ચ પાર્ટનર જુનાગઢ કોડીનારનો રહેનારો, સૌરાષ્ટ નો કાઠીયાવાડી દોસ્ત. ભાર્ગવ લખલાણી જેની જોડેથી હું શીખ્યો છું જો ૯૦ % લાવવા હોય તો ૧૦૦% લાવવાના સપના જોવો, ૧૦૦ % લાવવાની મહેનત કરો..!!

  મારું અર્થિંગ ગ્રુપ જેની પાસેથી હું ઘણું શીખ્યો જેની કોઈ જ સીમા નથી. વિશેષ આભાર પ્રફુલ્લ પંચાલ, આનંદ પારેખ, હર્ષલ પુરોહિત, વિજય દેસાઈ અને મૌલિક શ્રીમાળી.

  ઉડીને આંખે વળગે એવું મસ્ત કવર પેજ ડીઝાઈન બનાવી આપનાર એક અદભૂત એડિટર, અદભુત ડીરેક્ટર અને ક્રીએટીવ પર્સન એવા નિશાર મન્સૂરી તમારો પણ આભાર.

  મારી વ્યસ્તતાને વેઠનારા મારા દોસ્તો કે જેઓ મને ક્યારેક ક્યાંક ફરવા જવા બોલાવતા ત્યારે હું એમ કહેતો કે હું વ્યસ્ત છું.અને એ લોકો મને બહુ જ બોલતા પરંતુ પ્રેમ પણ એટલો જ કરતા એવા મારા ૭ સ્ટાર ફ્રેન્ડસ વીરેન્દ્ર વસાવા,હિમાલય હિંગુ,અપૂર્વ રાજ,મિહિર રાજ, સોહિલ શેખ,સેમ્યુલ મેકવાન અને ૭ મો હું હો.!

  મારી સ્કૂલના ટીચર જેમણે મારા મૂળમાં હંમેશા પાણી રેડ્યું અને મને વૃક્ષ બનાવાવામાં મદદ કરી.

  મને દુ:ખ આપનારા અનેક લોકોનો હું સતત આભારી છું કારણ હું દુ:ખ વગર સુખનો અહેસાસ કદી નાં કરી શક્યો હોત.

  જાણ્યા અજાણ્યા એ અનેક લોકો કે જેમણે મને જિંદગી શું છે તે સમજાવવામાં પોતાનો ફાળો આપ્યો જિંદગીમાં રહેલ અનેક વાતો અલગ અલગ રીતે મારી સામે લાવ્યા.

  એચ.પી, પેવેલીયન જી-૬..!! મારું લેપટોપ..!! સાચું કહું તો આ બુક પૂરી કરવા મેં પેન અને કાગળનો ઉપયોગ ઓછો પણ મારા લેપટોપનો ઉપયોગ વધુ કર્યો છે તો લેપટોપનો આભાર માનવો રહ્યો.!!

  આમ ગુજરાતી ભાષા પર મારું કોઈ ખાસ પ્રભુત્વ નહિ. હું તો ખોવાયેલો રહું છું ન્યુટનનાં નિયમોમાં, આઈસ્ટાઇનની થીયરીઓમાં અને વાઈબ્રેશન લક્ષી મારા રીસર્ચ વર્કમાં. પણ ગુજરાતી ભાષાને મેં મા તરીકે ચાહી છે અને અંગ્રેજી ભાષાને મેં મારી કોલેજમાં ભણતી એક સુંદર, આકર્ષક અને અદભુત છોકરી તરીકે જોઈ છે. મને અંગ્રેજી ભાષા ગમે પણ તેને હું મારી માની જગ્યા ક્યારેય નાં આપી શકું. આ બુકમાં ક્યાય તમે ભૂલ જોવો તો એ સહજ મારી જ હશે તો મને એક મા માફ કરી દે એમ માફ કરી દેશો.

  મને વાંચનાર મારા વાચક મિત્રો તમે આમાં કઈક સાચું અને સારું મેળવશો એવી આશા સહ મારો પહેલો પ્રયત્ન આપની સમક્ષ મુકતા હું તમારો પણ આભારી છું.

  કવિતા તને કેમ ભૂલું તારો પણ આભાર.

  આતો મારી લખવાની શરૂઆત છે, અને મારું લખેલુ વાંચવાની તમારી શરૂઆત છે. અને આ શરૂઆત સમયે જે મારામાં શરૂઆતથી રહેલી છે એ એટલે મારી કવિતા..મારી એકાંતની પ્રેમિકાને જો હું આજે પ્રેમ નાં કરું, તેને આજે હું યાદ નાં કરું તો મને ખોટું લાગી જાય. મિત્ર કુંજેશ પટેલ આભાર જિંદગીનું અદભૂત વાક્ય આપવા બદલ “દરેક લેખક અડધો કવિ હોય છે.”

  કવિતા એટલે વિના વૃક્ષે વાતા વાયરાને અનુભવવાની વાત

  કવિતા એટલે ચાંદ પર ગયા વગર ચાંદની ચાંદનીને ચારેકોરથી ચાહવાની વાત

  કવિતા એટલે સમુદ્રની સપાટી પર સફેદ પાણીની ચાદર પર સુઈને આરામથી આકાશને નિહાળવાની વાત

  કવિતા એટલે હિમાલયને પણ હિંડોળે હલાવવાની વાત.

  કવિતા એટલે પતંગિયાની એક પાંખ પર બેસીને બીજી પાંખ પર પરીને લઇ આવવાની વાત.

  કવિતા એટલે ઝરણાંનાં નીરને ઝીલીને તેમાં ડૂબકી લગાવવાની વાત.

  કવિતા એટલે મારી કથા. , કવિતા એટલે મારી પ્રથા

  કવિતા એટલે મારી જિંદગી, કવિતા એટલે મારી બંદગી

  કવિતા એટલે મારી સાદગી, કવિતા એટલે મારી માંદગી

  કવિતા એટલે મારું કર્મ કવિતા એટલે મારો ધર્મ

  કવિતા એટલે મને આવેલી મજા, કવિતા એટલે મને ગમેલી સજા

  કવિતા એટલે મારું કાગળ, કવિતા એટલે મારી કલમ

  કવિતા એટલે હું , કવિતા એટલે તું..કવિતા એટલે આપણે...!!

  લેખક વિશે...

  મારું નામ તો તમે આ પુસ્તકના પહેલા પાનાં પર વાચ્યું...હું મૂળ મીકેનીકલ ઈજનેર છું અને ૨ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મારા રીસર્ચ પેપર પણ રજુ થયેલા છે. સાયન્સની સાથે નાનપણથી જ નાતો અને સાહિત્ય સાથે દિલનો તાંતણો રચાયો છે એટલે ડીગ્રીથી ઈજનેર અને દિલથી લેખક તમે કહી શકો ખરા. આ લેખકની દુનિયામાં મારી પહેલી જ શરૂઆત છે. જોકે મેં ૫ ૬ શોર્ટ ફિલ્મ બનાવેલી છે અને તેની સ્ક્રિપ્ટ લખેલી છે. તેનો મૂળ હેતુ પણ સમાજમાં જાગૃતિ લાવવાનો, ખુશ રહેવાનો અને લોકોને ખુશ કરવાનો હતો. “રાજા બનીને જીવેલા એક ભિખારી બાળકની જિંદગી પરથી બનાવેલી મારી પહેલી શોર્ટ ફિલ્મ હતી જેનું નામ ‘રાજા’”. જે યુટ્યુબ પર છે. નાનપણથી જ લખવાનો શોખ અને આ શોખ મને મારા દાદા તરફથી વારસામાં મળ્યો. મેં એટલે જ લખ્યું હતું કે આ બુક હું એ વ્યક્તિને અર્પણ કરું છું. જેમને મેં જોયા નથી પરંતુ હરહંમેશ અનુભવ્યા છે. જયારે હું આ બુક લખી રહ્યો છું ત્યારે મારી ઉંમર 21 વર્ષની છે એટલે કહી શકાય કે મને જિંદગીને જીવવાનો અનુભવ ઉંમરના હિસાબથી ઓછો છે પણ જિંદગીને અનુભવવાનો અનુભવ વધુ હોઈ શકે ખરો. દુનિયાને બદલાવાની તાકાત બે વ્યક્તિ ધરાવી શકે છે એક છે એન્જિનયર અને બીજો લેખક અને એટલે જ અનેક એન્જીન્યર્સને આજે હું એક લેખક બનતા જોઈ રહ્યો છું. તે લોકોના નામ આપવાની મારે જરૂર નથી. તમે તે લોકોથી વાકેફ છો. આ બુક સાથે મારો પણ તેમાં સમાવેશ થઇ જશે એવું બને. જો એક માણસ હજાર કામ એક સાથે કરી શકે. એ બધા જ કામને બહુ સારી રીતે નિભાવી શકે અને એ બધા જ કામના પ્રેસરને સીટી વગાડ્યા સિવાય જો સહન કરી શકે તો એ આત્મા એન્જિનયર હોઈ શકે.

  બાકી વાંચતા વાંચતા એવું થાય કે આ આત્મા કોણ છે ? તો ફોન નંબર આપેલો છે ફોન કરી શકો છો બિન્દાસ.!! ફોન કરતાં શરમ આવે તો મેઈલ કરજો..!! પણ REVIEW આપજો જ હો. હું ઈંતઝાર કરતો હોઈશ તમારા પ્રેમનો. મારી આવનારી પ્રેમિકા કરતાં વધુ ઇન્તઝાર તમારા ફોનનો રહશે મને !!

  -જય ગોહિલ

  ગાંધીનગર, ગુજરાત

  Mobile No: +91 7405414315

  Email Id: jaygohil13@gmail.com

  પ્રસ્તાવના

  જો તમે પ્રેમમાં નાસીપાસ થયા છો તો તમે એકલા નથી, દોસ્તી એ તમને દગો આપ્યો છે? ,જવાબદારીઓથી તમે સતત ઘેરાયેલા છો ,તમારી માથે ટેન્શનનાં ટોપલા છે , તમે એવી ફરિયાદ કરી રહ્યા છો કે કુદરતે માત્ર તમને જ દુ:ખ આપ્યું છે , તમે તૂટી ને પડી ગયા છો, તમે પોતાના અને પોતાનાના સપનાઓ વચ્ચે રૂંધાઇ રહ્યા છો? અને તમે આ બધી બાબતોમાં તમારી જાત ને એકલી અનુભવી રહ્યા છો તો તમે એકલા નથી હું પણ તમારા બધામાંનો જ એક છું અને હું તમારી સાથે છું.

  “જિંદગી” મને ગમતો વિષય કારણ તેમાં ઘણું એવું અણધાર્યું બને, હેય તું મને વાયદો કર કે તું મને જિંદગીભર નહિ છોડે એ જ વ્યક્તિ તમને છોડીને જતું રહે, જે વ્યક્તિ આપણને જીવનભર હસતું જોવા માંગતું હોય એ જ રડાવીને આવજો કહી દે. જીવનભર માટે કહેવાયેલા વાયદાઓ માત્ર ૨ ૫ કે ૧૦ સેકન્ડસમાં તૂટી જાય અને સંબંધની મજબુત દીવાલો બસ માટીનાં ભુક્કાં ની જેમ ભર ભર ભાંગી જાય. વિચારેલું કઈ નાં બને અને નાં વિચારેલું બધું બને એનું નામ જિંદગી, જે ચાહો એ જલદી નાં મળે અને એ મેળવવાનો પ્રયાસ એટલે જિંદગી, અને રસાયણ શાસ્ત્રની ભાષામાં વાત કરું તો પ્રેમ, સુખ, દુ:ખ, એકલતા, નફરત, જેવા તત્વોનું સમય સાથે મિશ્રણ એટલે સંયોજન જિંદગી. જેમ ગામે ગામે બોલી બદલાય એમ વ્યક્તિ એ વ્યક્તિ એ જિંદગીની વ્યાખ્યા બદલાય, દુનિયા એક તોય દરેકની દુનિયા અલગ ,કોઈ માને કે જિંદગી એટલે પાછા ના ફરી શકાય એવો એક માર્ગી રસ્તો. કોઈ ને જિંદગી સાથે પ્રેમ હોય તો કોઈ ને જિંદગીથી એટલી નફરત કે નાં પૂછો વાત કોઈ નાં માટે જિંદગી એ એક પુસ્તક, એક પાનું સારું નાં લખાય તો ફાડી ને ફેકી દે તો કોઈ એ પાનાંને વાગોળી ને બસ વાંચ્યા કરે ને દુ:ખી થયા કરે...જ્યારે જિંદગી દુ:ખ આપે આંખો રડે,દિલ તડપે,મન એકલતા અનુભવે કોઈ ખભો નાં મળે તો સાહેબ ભાંગી પડાય છે, એ વખતે વિચાર આવે કે કાશ જિંદગી એક કમ્પ્યુટર હોત તો સારું હોત તેને રી-સ્ટાર્ટ નામનું બટન હોત ને હું એને ફરી શરુ કરી શક્યો હોત પણ સાલું વિચારેલું ક્યા બને છે ? અને જિંદગી એ કમ્પ્યુટર નથી જ એ સત્ય વાત છે અને સત્ય રહેશે જ. જાહેરમાં રડી શકે તેના કરતા એકલો એકલો વ્યક્તિ રડતો હોય ને ત્યારે તે વ્યક્તિ ની હિંમત ની દાદ આપવી પડે.તકિયા સાથે આંસુ સારવા એ કોઈ નાનું સુનું કામ નથી બહુ અઘરું કામ છે.

  પ્રેમમાં આપણને કોઈ નાં પાડે અથવા તો અધુરી મઝધારમાં છોડીને જતું રહે પછી જેતે વ્યક્તિ આપણા પ્રેમને સ્વીકારી લે અથવા ફરી આપણું બની જાય એમાટે આપણે તેની પાછળ ભીખ માંગીએ છીએ.પ્રેમ માંગીને નથી થતો જે વ્યક્તિ એવું ઈચ્છે કે આપણે તેના માટે ભીખ માંગીએ તેની જ સામે અને છતાંય તે આપણો સ્વીકાર કરવા તૈયાર નાં હોય તે વ્યક્તિ આપણને સાચો પ્રેમ કરતુ હશે ? એ વિચારવા જેવી વાત છે. તે આપણા પ્રેમની મજાક ઉડાવે છે, આપણી લાગણીઓની મજાક ઉડાવે છે. આ દુનિયાની સૌથી મોંઘી અને રમુજી વસ્તુ લાગણી છે ને. આપણે એ વ્યક્તિ વગર અધૂરા છીએ એ જાણીને તેને મજા આવતી હોય અને છતાંય આપણે આપણી નબળાઈ તેને વારંવાર દેખાડતા હોય તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. કોઈના સાચા પ્રેમની મજાક ઉડાવવાનો હક આ દુનિયામાં બીજા કોઈને નથી.

  આ પુસ્તક જિંદગી નાં આવા નાનાં અને મુશ્કેલી ભર્યા તબ્બકાઓ ને લઈને આવ્યું છે જિંદગી એ sine-cos નાં ગ્રાફ જેવી એમ ક્યારેક સુખ આપે, દુ:ખ આપે તો બસ આવી સુખ ની દુ:ખ ની વાતો આપણે આ પુસ્તક માં કરીશું નાનાં બાળકથી લઈને વૃદ્ધ સુધી આ પુસ્તક વાંચી શકે એવો મેં પ્રયાસ કર્યો છે. ક્યાંક મેં મારા પોતાના અનુભવને ટાંગ્યા છે..મારા દ્વારા કરાયેલ નીરીક્ષણને મેં આમાં લખ્યા છે..

  CONFESSION

  હું આ બુક લખવા માટે બહુ જ તત્પર હતો, લગભગ કોલેજનાં બીજા વર્ષમાં આવ્યો ત્યારથી. મારું એક સપનું હતું કે ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલા મારી બુક મારી કોલેજની લાઈબ્રેરીમાં પડી હશે. પણ દરેક સપના પુરા નથી થતાં તેમ આ સપનું પણ અધૂરું રહી ગયું તે મારા અંગત અમુક કારણોને લીધે અને તે મેં સ્વીકારી લીધું. કોલેજ પૂરી થયા ના માત્ર બે મહિનાની અંદર મેં મારી બુક લખી નાખી. ટેકનોલોજીનાં ચાહકો સમક્ષ આજે તમારી સમક્ષ માતૃભારતી એપ્લીકેશનનાં માધ્યમથી મારી પહેલી બુક રજુ કરતાં હું અંગત રીતે બહુ જ આનંદ અનુભવુ છું.

  તમે કદી કોઈ ને રોજ મરતા જોયા છે ?

  “એકલતાનો એવરેસ્ટ જ્યારે ચડીને નીચે ઉતરશો ત્યારે તમે મહાન વ્યક્તિત્વ તરફ પ્રયાણ કરશો.”

  રોજ મરવું એટલે એકલા પડી જવું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાંય માનસિક રીતે તૂટીને પડી ગયેલા ફૂલ ની જેમ કરમાઈ પડવું. ચૂર થઇ ગયેલી પતંગીયાની પાંખ ની જેમ ચુથાઈ પડવું. દરેકને પોતાની જિંદગીમાં આવો અજીબો ગરીબ ,એકલતામાં મૂકી દે અને એકલા એકલા રડવા મજબુર કરી મુકે એવો ભયાનક અનુભવ થયો હશે...જો એવો અનુભવ નાં થયો હોય તો એ લોકો દુનિયામાં નસીબદાર માણસો તો કહેવાય જ સાથે સાથે હું એવા લોકોને કહીશ કે એ લોકોમાં હજી સુધી હિમ્મતનો અભાવ છે..!! કારણ કે એકલા એકલા રડવા માટે હંમેશા વધુ હિમ્મતની જરૂર પડે છે..!!એકલતામાં જીવીને એકલા એકલા પોતાને જ હિમ્મત આપવા માટે શું વધુ હિમ્મત ની જરૂર નાં પડે?

  જે વ્યક્તિ આપણને સખત વહાલું હોય એ વ્યક્તિ આપણને કોઈ કારણોસર છોડી ને જતું રહે. આપણી હિંમત ,આપણું મોટીવેશન આપણે જેને માનતા હોય એ વ્યક્તિ આપણી નબળાઈ બની જાય આપણે તે વ્યક્તિ વગર રહી નહિ શકીએ એવી લાગણીઓનો આપણામાં ઉદભવ થાય આપણે અર્ધમુઆ બની જઈએ અને એમાંય જો કોઈ વાતો શેર કરવાવાળું નાં મળ્યું, એમાંય કોઈ આપણને સાંભળનારું નાં મળ્યું અને આપણી વાતો ને સમજનારું કોઈ નાં મળ્યું તો જિંદગીમાં આપણે જીવતા હોય એવું ઓછુ પણ રોજ મરતા હોઈએ એવું વધુ લાગે. આપણને એવું લાગ્યા કરે કે આપણે તે વ્યક્તિને ઓળખવા માં ભૂલ કરી આપણે આપણી જાતને દોષ આપીએ, દુનિયાને આપણે સ્વાર્થી ગણી લઈએ, ફરી કોઈ પર વિશ્વાસ નહિ મુકવાનું વચન લઇ લઈએ, આપણે આપણી જાતને જ મારવા માંડીએ અને આવી એકલતા આપણા પર હાવી થઇ જાય અને આપણે આપણી જાતને બેચેન અનુભવીએ ક્યા હરવું, ફરવું કે ખાવું નાં ભાવે ઓહ હા આપણને ઊંઘ પણ નાં આવે આપણા શરીરમાં પ્રવેશેલી ચિંતા આપણને ચિત્તા ની જેમ ફાળી ખાય અને ચિતાની જેમ સળગાવી નાખે અને જ્યારે તે વ્યક્તિ આપણી સાથે હોય એ વખતે જીવવાની જેટલી તીવ્ર ઈચ્છા થતી હોય એ ગયા પછી એટલી જ ઈચ્છા મરવાની થાય. પણ આપણી આગળ પાછળ રહેલા અનેક લોકો આપણી જવાબદારીની સાંકળો આપણને નબળા પડવાની નાં પડે સામાન્ય રીતે પ્રેમમાં નાસીપાસ થયેલ યુવાન ને આવો કડવો અનુભવ જરૂર થતો હશે...ક્યાંક કરિયર ની જવાબદારીઓ તો ક્યાંક આવી એક્લતાની માયાજાળોમાં આપણે ફસાઈ જઈએ મરવાના વિચારો આવે પણ.....!!! આપણને પ્રેમ અને નફરત સરખા લાગવા માંડે પ્રેમ કરીને કોઈ આપણે ગુનો કર્યો એવું આપણે અનુભવવા લાગીએ.

  પણ તેવું નથી...

  પ્રેમએ અદભુત શક્તિ છે. જે વ્યક્તિ આપણને છોડીને જતી રહે છે તેની મુશ્કલી સમજવાનો પ્રયાસ આપણે નથી કરતા આપણે તેને ગુનેગાર ગણીને તેને નફરત કરીએ છીએ આપણે તેને ફરી ક્યારેય નહિ જોવાનો વાયદો કરી બેસીએ છીએ પણ આની પાછળ નું કારણ એ પણ હોઈ શકે ને કે આપણા પ્રેમ માં કઈ ખામી હશે..? હું એ ચોક્કસ પણે માનું છું કે સાચો પ્રેમ કદી મરતો નથી જો તમે માનતા હોય કે તમારો પ્રેમ સાચો જ હતો તો એ વ્યક્તિ તમારી પાસે આજે નહિ તો કાલે આવશે જ. પણ મેં આજના યુવાન લોકો ને જોયા છે કોઈ છોડી ને જતું રહે એટલે થોડો સમય તણાવમાં રહે અને સોશિયલ નેટવર્કિંગ નાં માધ્યમથી કોઈ નવી વ્યક્તિની શોધમાં લાગી જાય કોઈ મળે એટલે પોતાના દુ:ખ ને તે વ્યક્તિ આગળ શેર કરે એ વસ્તુ સારી છે પણ જેતે વ્યક્તિ આપણા દુ:ખ પર મલહમ લગાવે એટલે તેની સાથે પ્રેમ થઇ જાય અને બની શકે કે એમાને એમાં ખોટી વ્યક્તિની પસંદગી ફરી થઇ જાય. તમને મનમાં પ્રશ્ન થશે તો શું કરવું જોઈએ આવી પરીસ્થિતિ માં.

  જ્યારે માણસ પ્રેમમાં નાસીપાસ થાય અથવા કોઈ ચાહનાર વ્યક્તિ આપણને છોડી ને જતું રહે એટલે એક સીધો અને સાદો રસ્તો છે તમારી જાતને પ્રોડક્ટીવ રીતે વ્યસ્ત કરી દેવી. વ્યસ્તતા એ એકમાત્ર એવી વસ્તુ છે જે દુ:ખને ભુલવી નાખે છે અને સુખને લાવી આપે છે. આપણે સુનમુન પડ્યા રહીશું દુ:ખી થયા કરીશું તો આપણને માત્ર દુ:ખ જ મળશે. આપણે જો તણાવગસ્ત વિચારીશું તો વધુ ને વધુ તણાવનાં જાળામાં ફસાઈશું. આપણે હકારાત્મક વિચારીએ ખુશ રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણે વધુ ખુશીયોને પામી શકીશું. સેલ્ફ્મોટીવેશનને લગતા પુસ્તકો વાંચીએ પોતાના શોખ ને જીવીએ. લાગણીઓ અને મનમાં રહેલી વાતો ને સંગીત,કલમ કે ચિત્રો દ્વારા બહાર નીકાળીએ. આખરે જિંદગી આપણી છે આપણી ખુશીઓ ને કોઈ છીનવી લે એવો હક આપણે કોઈ ને શું કામ આપી એ ? અરીસા સામે જોઇને પોતાની જાતને જોઇને એક વાર કહેજો “આઈ લવ યુ યાર” પોતાને પ્રેમ કરો, તે અરીસામાં જોઇને પોતાને જ કિસ કરવા માટે અધીરા બનો. તમે એક મહાન વ્યક્તિત્વ છો તમે તમારી અમૂલ્ય જિંદગીના માલિક છો આ જિંદગી એટલી હદ સુધી અમૂલ્ય છે કે તેની કિંમત આંકવાનો હક આપણા સિવાય કોઈનો નથી એમાંય આપણે તેને તુચ્છ શું કામ ગણીએ ? જિંદગી એક વાર મળે છે તેને શું કામ વેળફી નાખીએ ! નાસીપાસમાંથી પણ પાસ થઇ જવાશે રોજ ઇન્સ્પિરેશનનું ટોનિક લેતા રહો. નકારાત્મક વિચારો ધરાવતા લોકો થી દુર રહો અને હા જો કોઈ એવું એકલતામાં સપડાઈ પડ્યું હોય તો એની મદદ કરીએ તેને મોટીવેટ કરીએ તેને હિમ્મત આપીએ અને તેનો સહારો બનીએ.

  જ્યારે આવી રીતે પ્રિય વ્યક્તિના વિયોગથી આપણે આપણી જાતને એકલી કરી નાખીએ છીએ. આપણે તણાવ અનુભવીએ છીએ. ત્યારે આપણે ડરી જઈએ છીએ એકલતાથી. તમને ખબર છે દોસ્તો આપણે રોજ આપણી જાતને અમુક સમય માટે એકલી મુકીએ છીએ જ્યારે આપણે સ્નાન કરવા જઈએ ત્યારે આપણે લગભગ રોજ ૧૫-૨૦ મિનીટ આપણે આપણને એકલા કરી દઈએ છીએ આપણે આપણને જ મળીએ છીએ શું કામ ? ખબર છે ફ્રેશ થવા માટે. દિવસની શરુઆત મસ્ત અને નવીન થાય એ હેતુસર ગઈકાલના થાક અને તણાવને ભૂલી જઈને નવા ઉગેલા દિવસને ઉજાગર કરવા માટે. આ દરમ્યાન આપણને અનેક વિચારો આવે છે આપણે નવી નવી યોજનાઓ બનાવીએ છીએ. આખા દિવસનું ટાઈમ ટેબલ ગોઠવીએ છીએ અને ક્યારેક દુ:ખ થયું હોય અને રડવું આવતું હોય તો પણ એ જ નાહવા જઈએ ત્યારે આપણા આંસુઓ ને પાંપણ પર જામેલા ટીપાંઓમાં સંતાડી દઈએ છીએ અને ફરી એકવાર ફ્રેશ થઇને બહાર આવીએ છીએ જિંદગી આપણને એકલા મુકેને ત્યારે એ આપણને અમુક સમય પછી ફ્રેશ થઈને જ બહાર લાવવાની હોય છે પણ આપણે ડરી જઈએ છીએ. અને એ એકલતાના સમયને સુંદર રીત જીવવા કરતા આપણે તેમાં ગુંગળાઈ જઈએ છીએ. એકલતા આપણા પર હાવી નહિ થાય તેને સહજ રીતે સ્વીકારી લો અને વિચારો કે હવે જિંદગી આપણને ફ્રેશ કરવા માટે મોકલી રહી છે. હંમેશા યાદ રાખવું કે સમયની એક આદત સારી છે કેવો પણ હોય પસાર જરૂર થઇ જાય છે.

  ચાલો, પ્રેમ ફેલાવીએ,હાસ્ય ફેલાવીએ અને ફેલાવીએ ખુશી..!!!

  “હું ક્યાં કદીય એકલો હોવ છું ?

  હું મારી સાથેને સાથે હોવ છું..!!!!”

  ( જ્યાં સુધી આપણે આપણી સાથે છીએ ત્યાં સુધી આપણે એકલા નથી)

  તારા વગર જીવતા શીખી લીધું મેં

  તું જીવી શકીશ તેનો ખ્યાલ નથી

  સ્વાર્થમાં તારી જેમ હુય બની ગયો

  કારણ એના વગર કોઈનો ઉધ્ધાર નથી

  તારા દિલ ની દશા નથી જાણતો

  મારા દિલ સાથે તો મારે આજે વ્યવહાર નથી

  ખુશી રૂપી માહોલમાં ખુશ રેહતા થઈ ગયો

  દુ:ખનો આજે એક ટીપા જેટલોય ભાર નથી

  તારા વગર જીવતા શીખી લીધું મેં

  તું જીવીશ શકીશ એનો ખ્યાલ નથી

  તમે કદી કોઈ સાક્ષાત ભગવાનને જોયા છે ?

  “પ્રેમને હું ધર્મ માનું છું અને મારી પ્રેમિકાને ભગવાન”

  ભગવાને માણસને બનાવ્યો કે માણસે ભગવાને એ બાબતે હજી પ્રશ્નાર્થ છે. ક્યાંક ધર્મગ્રંથોમાં એવું વાંચવા મળી જાય કે ભગવાન એક છે અને ભગવાનની કોઈ પ્રતિમા નથી પણ માણસ ભગવાનને મંદિરોમાં શોધતો ફરે છે, મૂર્તિઓમાં તેને નીરખતો રહે છે. આવું બને ત્યારે આશ્ચય સાથે દુ:ખ પણ એટલું જ થાય કે જે દૂધ,તેલ અને સુકા મેવા (પ્રસાદ) ગરીબને મળવું જોઈએ એ બધું જ મૂર્તિઓ પર ચઢે છે. ભગવાન (જો હોય તો) પણ કદી એવું તો નહિ જ ઈચ્છતા હોય કે મારા બાળકો ભૂખ્યા મરે અને મારી પર ચડતું દૂધ માટીમાં ભળીને ગટર વાટે થઈને ક્યાંક નદી-નાળામાં ભળી જાય. શ્રદ્ધા અને વિશ્વાસએ વસ્તુ સારી છે પણ અતિશ્રદ્ધા એ પણ અંધશ્રદ્ધા બરાબર છે. આપણે માનવ કેવું કરીએ છીએ એ કદી વિચાર્યું ? ભગવાન પર ભરોસો રાખીને ભગવાન પર જાણે બોલી લગાવતા હોઈએ તેમ મારું આ કામ પૂરું થશે તો હું ૧૧ નાળીયેર ચડાવીશ. મને ફલાણા ભાઈ ૫ લાખ રૂપિયા પાછા આપી દેશે તો હું તેમાંથી ૫૦૧ કે ૫૦૦૧ હું ભગવાન તમને ચડાવીશ. હું સોનાની ચાદર ચડાવીશ હું આમ કરીશ હું તેમ કરીશ યાર ભગવાનને ભગવાન રહેવાદો તેમને રાજકારણી બનાવવાનો પ્રયત્ન નાં કરો.

  આ બાબત સાથે અંગત એક અનુભવ લખી દેવાનું મને મન થાય એક સાક્ષાત વસતા (એવું કહેવાય છે ) ભગવાનના દ્વારે જરા મારે જવાનું થયું. આશ્ચર્ય સાથે હું એ દ્રશ્ય નિહાળી રહ્યો હતો આ જગ્યાએ માણસોની ભીડ હોવાની જ એ હું કે તમે સહજ સ્વીકારી શકીએ એવી વાત હતી કારણ ભગવાન સાક્ષાત વસતા હતા. હું ખરેખર એવા લોકો વચ્ચે ઘેરાયેલો હતો કે જેઓ દ્રઢ પણે માનતા હતા કે ભીડમાં ભગવાન વસે છે. સવારના પાંચ વાગ્યાની આરતી કરવી એ ત્યાં સદભાગ્ય ગણાતું અને એ સદભાગ્યના દર્શન લેવા હું પણ ત્યાં પોંહચી ગયો મને એમ કે ત્યાં ભગવાન કદાચ મળી જાય તો હું એમને અમુક સવાલો અચૂક પૂછી લઉં કે હે ભગવાન જ્યાં તું સાક્ષાત વસે છે ત્યાં ભિખારીઓની આટલી ભીડ કેમ હોય છે ? ત્યાં ભગવાન આટલી ગરીબી કેમ હોય છે ? ત્યાં બે અલગ અલગ લાઈન હતી મને એમ કે હા બિચારા સીનીયર સિટીઝન ને ચાલવામાં તકલીફ પડે એટલે સારું છે બે લાઈન કરાવે છે પણ અહિંયા એ વાત જોઇને હું ડઘાઈ ગયો કે v.vip , vip , comman man જેવી લાઈનો હતી જે વધુ પૈસા આપે તેને વધુ નજીકથી દર્શન કરવા દે આવું સાક્ષાત વસતા ભગવાન જોતા હશે તેવું મેં માની લીધું, ૫ રૂપિયા દાન પેટીમાં નાખીને ૫૦૦૦ ની આશા રાખનારા સામજિક પ્રાણીઓને હું જોઈ રહ્યો હતો, ધક્કામુકીમાં બીજાની પરવા નાં કરનારા બળવાનોનો પણ આમાં સમાવેશ થઈ રહ્યો હતો દૂધમાં ૭૫% પાણી ભેળવીને ડબલ ભાવે બે ફિકર ભગવાનનાં ધામમાં વેચતા લોકો ને હું જોઈ રહ્યો હતો. જેમણે ભગવાને પોતાના દ્વારની જીમેદ્દારી સોંપી હોય તે વ્યક્તિ(પુજારી) ભગવાનના નામે ધંધો શરુ કરી દે અને એ ધંધાનાં ગ્રાહકો બનનારા આપણે કેટલા બુધ્ધિશાળી છીએ એ એક વખત વિચારવા જેવું ખરું નહિ ?

  સતત ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહેનારી મહાભારત અને રામાયણ વાંચતી અને ગીતાનાં બધા જ શ્લોક મોઢે બોલનાર વહુ એ પોતાના સાસુ સસરા ને સારી રીતે સાચવી શકતી નથી. તે વહુ ને ભજન કીર્તનમાં જવાનો સમય છે પણ પોતાના સાસુ જે લકવાગ્રસ્ત છે તેની મદદ માટે સમય નથી, સસરા જે ચાલી શકતા નથી તેમને પાણી કે ભોજન સુદ્ધા આપવાનો સમય નથી...ત્યારે કટાક્ષમાં વાહ કહેતા પણ મને શરમ આવે.

  સંત એટલે સાદી રીતે જિંદગી જીવતું અને સતત ભગવાનમાં વ્યસ્ત રહેતુ વ્યક્તિત્વ. મનની શાંતિ માટે તે એકલતામાં રહે, ઝુપડીમાં જીવન ગુજારે અને સાદું ફળ ફૂલ ખાવાનું અને ક્યાંય પણ જવાનું હોય તો બસ ચાલતા જવાનું. પણ આધુનિક દુનિયાના આધુનિક સંતો પોતાને સંત જરૂર કહે છે પોતાના A.C વાળા બંગલાની બહાર સંત કુટીર એવું જરૂર લખાવે છે પોતાને ભગવાનના પરમ ભક્ત માને છે. પોતે ભગવા ધારણ કરે છે પણ સાચા અર્થમાં તેવું વર્તન કરતા નથી તેઓ એક મધ્યમવર્ગી માણસ કરતા પણ વધુ સુખ સુવિધાઓ ભોગવે છે (સામાન્ય જીવન જીવવાની વાત તો અલગ રહી) પોતે ક્યાંક પણ જવા માટે ગાડીનો ઉપયોગ કરે છે, મોંઘા મોંઘા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે અને પોતાને સંત કહે છે આ વાતો મને હાસ્યસ્પદ લાગે અને દુ:ખ એ વાતનું છે કે આપણે બુદ્ધિશાળી માણસો તે લોકોને મહાન બનાવી દેવાની ભૂલ કરીએ છીએ.

  અહીં એક વાત સ્પષ્ટ કહી દઉ કે હું ભગવાનનો કે સાચા સંતનો વિરોધી નથી હું માત્ર સચ્ચાઈ આપવા માંગુ છું કે મંદિરોમાં જે ધંધો શરુ કરવામાં આવ્યો છે તેના ગ્રાહકો આપણે છીએ. જો ભગવાનને સાચા અર્થમાં આપણે પામવા માંગતા હોઈએ તો પૈસાનો ઉપયોગ આવા મંદિરોમાં દાન આપવા કરતા જરૂરિયાતવાળા લોકો પાછળ કરવામાં આવે તો વધુ સારું રહેશે કારણ કે “માનવ સેવા એજ પ્રભુ સેવા” હવે પ્રશ્ન જ્યારે એ છે કે ભગવાન કોણ છે ભગવાનનું બીજું નામ છે શ્રદ્ધા અને વિશ્વાસ આપણે જે તે વ્યક્તિ અથવા તો વસ્તુ પર શ્રધ્ધા રાખીએ છીએ એ જ ખરા અર્થમાં ભગવાન છે. તે વસ્તુ કોઈ પણ હોઈ શકે પથ્થર, કોઈ પુસ્તક કે કોઈ તમને ગમતું વ્યક્તિ. હું જે વ્યક્તિને પ્રેમ કરું છું હું તો તેને જ મારા ભગવાન માનું છું તે વ્યક્તિ મારા માટે સાક્ષાત ભગવાન છે કારણ તેને મારા માટે કદી ખરાબ નથી કર્યું તેણે હંમેશા મારું સારું ઈચ્છ્યું છે તેણે મને હંમેશા સારો અને સાચો રસ્તો બતાવ્યો તો બસ મારો તે વ્યક્તિ પરનો વિશ્વાસ અગણિત છે તો એ મારા ભગવાન છે. તેમનો પ્રેમ એટલે મારા માટે પરમેશ્વર. આમ પણ આપણા ભારતીય સમાજમાં પતિ ને પરમેશ્વર કહેવાય છે તો પત્નીને પણ ધર્મપત્ની કહેવાય છે દિકરી ઘર છોડીને આવે એટલે માંની જગ્યા એ સાસું મળે, પિતાની જગ્યા એ સસરાં મળે, ભાઈની અને બહેનની જગ્યા એ દિયર/જેઠ અને ભાભી/નણંદ મળે પણ “ધર્મ” પત્નીને પતિ “પરમેશ્વર” મળે એટલે ધર્મ ને ભગવાન મળે. કહેવાનો મતલબ પ્રેમ એ ધર્મ છે અને ભગવાન તે ધર્મના પ્રેમી.

  હું ચોક્કસ કહી શકું કે પ્રેમ એ ઉંમર જોતું નથી પ્રેમ ને કોઈ ઉંમર નથી એટલે ભગવાન ને પણ કોઈ ઉંમર નથી હું મારા નાના બાળકને અનહદ પ્રેમ કરતો હોવ તો એ મારા માટે ભગવાન સમાન છે, જો તમે સાચા ધર્મનો ફેલાવો કરવા માંગતા હોવ કોઈ સાચા જ ભગવાનનો ફેલાવો કરવા માંગતા હોવ તો પ્રેમનો ફેલાવો કરો પ્રેમ એ જ પરમેશ્વર છે જ્યાં પ્રેમ છે ત્યાં પરમેશ્વર વસે છે. આ દુનિયામાં એવા અનેક લોકો છે જેમને પ્રેમની જરૂર છે માત્ર પ્રેમ આપવાથી તેઓ પોતાની જિંદગી ને સંપૂર્ણ માનવા માંડે છે, એ વૃદ્ધાશ્રમમાં વસતા વૃદ્ધને કે જે દીકરાના પ્રેમથી તરસે છે, અનાથાલયમાં જીવતો એ બાળક જે માં-બાપ નાં પ્રેમ થી તરસે છે આપણે તેવા લોકોને તે આપવાનું છે જે આપણી જોડે છે અને એ અમુલ્ય કિંમતી વસ્તુ બ્રહ્માંડ એ આપણને આપી છે જે વસ્તુ વહેચી શકાયને એમાં મજા છે ખુશી , જ્ઞાન , પ્રેમ અને આવી અનેક વસ્તુઓ તો ચાલો આવી એ

  ફેલાવીએ પ્રેમ , ખુશી અને હાસ્ય.

  “ભગવાન માણસ બને છે ત્યારે પૃથ્વી પર પાપ ઘટે છે

  માણસ જયારે ભગવાન બને છે ત્યારે પૃથ્વી પર પાપ વધે છે”

  (પોતે ભગવાન છે એમ માની લેવાની ભૂલ કરનારા એ ખોટા સાધુ સંતોને લીધે પૃથ્વી પર અનેક પાપ વધ્યા છે જેના અનેક ઉદાહરણ આ સમાજમાં છે)

  તું હોય તો.!!!

  તું હોય તો તારા અસ્તિત્વને દેખાડવાનો સમય પાકી ગયો, અહિંયા
  તો કાળા માથાનો માનવી, માનવીથી થાકી ગયો.

  સાંભળી શકે તો સાંભળજે તું, એક ગરીબની છે પોકાર,

  અમીર ગરીબની ગરીબાઈને, અમીરાઈથી ઢાંકી ગયો.

  સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગમાં તું હતો એવું કહેવાય છે,

  એવું નથીને આ કળિયુગથી, તું પોતે જ ત્રાસી ગયો ?

  તને વહેચનારાઓની કમી નથી અહિયાં ‘ભગવાન’,

  ખબર છે તને ? કે તું આ વાત ખુદ માની ગયો ?

  ભૂલથી જો અહિયાં આવાનું થાય તો કહે જે મને ,

  તારીતો ખબર નથી પણ હું તો દુનિયાને ભાપી ગયો.

  તમે કદી દોસ્તો ને દુશ્મન બનતા જોયા છે ?

  “દોસ્ત અને દુશ્મન બંનેનું પાત્ર જિંદગીમાં ભજવી શકે એવું તત્વ એટલે “સમય” અને મને સમય પર ભરોસો નથી.”

  દોસ્તીએ દરેકનાં દિલની જરૂરત છે. દોસ્તી કેટલો સુંદર શબ્દ, જેટલો સુંદર શબ્દને એટલી જ સારી લાગણી આ દોસ્તી નામના શબ્દમાંથી ઉદભવે છે જે દોસ્તી નાત-જાત, ઊંચ-નીચ, ધર્મ કે પૈસો જોતી નથી એટલે જ તે દોસ્તીને મહાન ગણવામાં આવે છે. માણસની જિંદગીમાં બે મહત્વના પરિબળો શિક્ષક અને દોસ્ત જો આ બંનેમાંથી એક વસ્તુને પણ ઓળખવામાં ભૂલ કરેને તો નુકસાન ઘણું જાય. આપણને સૌથી વધુ જાણનારા પાત્રો માં શિક્ષક અને દોસ્ત આ બનેનો સમાવેશ અચૂક થાય કેટલાય એવા લોકોને જોયા છે જે શૂન્યમાંથી શિખર સુધી દોસ્તીને લીધે પોંહચે છે અને શિખરમાંથી શૂન્ય સુધી પણ દોસ્તીને લીધે પોંહચે છે. નાનાં બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી દરેકને આ દોસ્તની જરૂરત પડે છે. પોતાના માં-બાપને નાં કહી શકનારી વાતો પણ દોસ્તને કહી શકાય. હૈયું ખુલ્લું કરીને તેની સામે મૂકી શકાય અને મનભરીને રડી શકાય અને તેનાથી વધુ હસી પણ શકાય. એટલે કુદરતે દોસ્તી જેવો સબંધ આપણા બધા વચ્ચે મુક્યો છે એવું માની શકાય. પણ જયારે તે દોસ્ત ખોટો અને દોસ્તી ખોટી સાબિત થાય ત્યારે ?

  અહી એક ટૂંકી વાર્તા કહીને આ ટોપિકને ન્યાય આપવો મને ગમશે...

  અપૂર્વ અને આદિત્ય એવા દોસ્તો કે જેમના નામ ભલે અલગ પણ વ્યક્તિત્વ એક જ અથવા એમ કહી શકું કે વ્યક્તિ અલગ પણ એમના આત્મા એક જ. વિચારો, સ્વભાવ અને ચાલાકીની દ્રષ્ટીએ પણ તેઓ સરખા મળતા આવે. એક સ્કૂલ, ક્લાસ અને પાટલી પર બેસીને મોટા થયેલા આ બે હોશિયાર વિધાર્થીઓ જેવા નામ એવા જ કામ. સ્કુલ લાઈફનાં અંતિમ દિવસે યોજાયેલા ફેરવેલ ફંક્શનમાં પણ હોશિયાર છોકરાઓની યાદીમાં આ બંનેનાં નામ જોડે બોલાયેલા. તેનું પરિણામ કુદરતે ખુબ આપ્યું કે બંનેને એક જ લાઈનમાં અને એક જ કોલેજ માં એડમીશન મળ્યું. (બંને સાયન્સની દુનિયાના વિધાર્થી હતા.) તેઓ એક બીજાની જિંદગીની વાતો અચૂક જાણતા. સુખ-દુ:ખની વાતો શેર કરતા કોઈ મુશ્કેલી હોય તો અપૂર્વ આદિત્યની અને આદિત્ય અપૂર્વની સલાહ અચૂક લેતો અને પછી નિર્ણય સાથે લેતા. કોલેજ નાં પહેલા જ વર્ષમાં આ બંનેની દોસ્તીનો પરચો કોલેજીયનો ને મળી ગયો. બંને વચ્ચે સ્વાર્થની એક ટીપાં જેટલીય જગ્યા નહિ. પણ દુનિયાને તેઓની ઈર્ષા અચૂક થઇ આવતી.તેઓને ના તોડવા એટલે કોઈ સ્પર્ધામાં હારી જવું.

  આ બધું તો ચાલતું હતું આ સમયમાં અપૂર્વની દોસ્તી સોશિયલ મીડિયા પર એક છોકરી સાથે થઇ જેનું નામ રિંકી હતું. હા એક વાત અપૂર્વ એ સાયન્સની સાથે સાહિત્યનો પણ માણસ આ બાબતમાં માત્ર તે આદિત્યથી અલગ પડતો. અપૂર્વને આ વારસામાં મળ્યું હતું તેના પપ્પા એક સારા લેખક હતા. એટલે સોશિયલ મીડિયા પર અપૂર્વના વિચારોની બહુ મોટી માંગ હતી તે તેના વિચારો તેના પર રજુ કરતો અને લોકો વચ્ચે શાબાશી મેળવતો અને રિંકીને અપૂર્વની કવિતા, લેખો, વિચારો ખુબ ગમતા એટલે તેઓની દોસ્તી ખુબ જ સુંદર રીતે પાંગરી. હવે અપૂર્વ આદિત્ય સાથે વધુ વાતો નહતો કરતો અપૂર્વ કોલેજનાં રિશેષ ટાઈમમાં પણ રિંકી જોડે ફોન પર વાત કરવા લાગી પડતો. આદિત્યને ક્યાંક આ ઓછું ગમતું હતું પણ અપૂર્વએ પણ એક માણસ હતો એ કોલેજના રંગે રંગાવાનો એ નક્કી હતું. ધીમે ધીમે સમય પોતાનું રૂપ બતાવા લાગ્યો. આદિત્ય અને અપૂર્વ એક બીજાથી થોડા દુર જઈ રહ્યા હતા આદિત્યએ પણ સોશિયલ મીડિયા પર રિંકીને રીકવેસ્ટ મોકલી તે પણ રિંકી સાથે વાતો કરતો પણ તે આ વાત અપૂર્વથી છુપાવતો. તેને એમ હતું કે બની શકે કે અપૂર્વને નહિ ગમે. પણ રીન્કી અપૂર્વની વધુ સારી દોસ્ત હતી તે અપૂર્વને બધું જ કહેતી હતી અપૂર્વ એ જાણતો હતો કે આદિત્ય એ રિંકી જોડે વાત કરે છે પણ એ એવું ઈચ્છતો કે આદિત્ય તેને કહે પણ આદિત્યએ તેને કઈ કદી કીધું નહી એટલે અંદર અંદર અપૂર્વ દુ:ખી થયે રાખતો કે કેમ આદિત્ય તેનાથી આવી વાતો છુપાવે છે. અપૂર્વએ રાતે ખાસ ઈન્ટરનેટ કે ફોન યુઝ નોહતો કરતો અને વહેલો સુઈ જતો જેમ અપૂર્વ સુઈ જાય એટલે આદિત્ય અને રિંકી લગભગ મોડી રાત્રીઓ સુધી વાતો કરવા લાગ્યા. અપૂર્વ આ બાબતોથી અજાણ રહેવા લાગ્યો. અપૂર્વ રિંકી કે આદિત્ય એક પણ ને ખોવા નોહતો માંગતો આદિત્ય સાથે તે બચપણથી દોસ્ત અને રિંકીસાથે તે ૨ વર્ષ થી બહુ સારો દોસ્ત હતો. અપૂર્વએ પણ શરૂઆતમાં રિંકીને આદિત્યની ઓળખાણ આપતા કહ્યું હતું કે અમે બહુ સારા ફ્રેન્ડ અને આદિત્ય બહુ જ સારો ભગવાનનો માણસ. એમ પણ રિન્કીને અપૂર્વ પર વધુ વિશ્વાસ એટલે તેને આદિત્ય સાથે વાતો કરતી રિન્કીને પણ આદિત્ય સાથે વાતો કરવાની મજા પડવા લાગી. સમય એ પોતાની ગતિ ચાલુ રાખી આશરે ૧ વર્ષ પછી આદિત્ય અને રિંકી રીલેશનશીપમાં આવ્યા અને એ વાતની જાણ અપૂર્વને લગભગ ૧.૫ વર્ષ પછી થઇ ત્યારે અપૂર્વ સંપૂર્ણ પણે તૂટી ચુક્યો હતો અને એક રહસ્યમય વાત એ હતી કે અપૂર્વ પણ રિંકીને પ્રેમ કરતો હતો પણ તે રિંકી આગળ રજુ કરે એ પહેલા સમય વીતી ચુક્યો હતો. આમ કહીએ તો આ ભૂલ કોઈની નહોતી પણ સમયની હતી અપૂર્વએ એક સાથે બે દોસ્તોને ગુમાવી ચુક્યો હતો. અપૂર્વએ આદિત્યને અને રિન્કીને પોતાના દિલની વાત જણાવી ત્યારે રિંકીએ એટલું જ કહ્યું કે હું તો તારી (અપૂર્વ) જોડે ટાઈમ પાસ કરતી હતી અને આદિત્યએ જણાવ્યું કે હવે જો હું તારો દોસ્ત રહીશ તો તને રિંકીની યાદ આવશે એટલે હું તારો દોસ્ત નાં રહી શકુ. હજી તે બંને ને પ્રેમ પણ કરે છે અને નફરત પણ.. પ્રેમ એટલા માટે કે તે તેના દોસ્તોને પ્રેમ કરવાનું છોડી શકતો નથી. નફરત પણ એની જોડે જ શક્ય છે જેની સાથે કદી પ્રેમ હોય..! નફરત એટલા માટે કે આ બધી બાબતોથી તેને અજાણ રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેણે જે સપનાઓ જોયા એ તેણે ત્યાજ અને ત્યારે જ દફનાવા પડ્યા તે ઘણું રડ્યો પણ શું થાય ? એ એક વાત સમજી ગયો હતો કે જેનાથી જેટલું નજીક હોઈએ તેનાથી તેટલું જ દુર થવું પડે છે આ પછી અપૂર્વ એ આદિત્ય અને રિંકીની જિંદગીમાંથી ક્યાંય ખોવાઈ ગયો એ જ્યારે મને મળ્યો ત્યારે તેણે આ વાત મને કરી. સમય એ એવું તત્વ છે જે પોતાના રૂપ અને રંગ ક્યારે કેવી રીતે બદલશે તે કોઈને ખબર નથી હોતી. બે વ્યક્તિત્વ ને દોસ્ત પણ સમયે બનાવ્યા હતા અને દુશ્મન પણ સમયે જ બનાવ્યા અપૂર્વ આખરે મને કેહતો ગયો કે ઘમંડી પછડાય છે એ વાત` ૧૦૦ ટકા સાચી મને પણ ઘમંડ હતું “ મારી દોસ્તી “ નામના શબ્દ પર..

  આજે અપૂર્વ કોઈને દોસ્ત બનવા માંગતો નથી તે એવા લોકો ને પોતાના દોસ્ત બનાવે છે કે જેમની પાસેથી તેને કોઈ અપેક્ષા કે આશા નાં હોય..! તે અનાથાલય માં રહેતા બાળકો ને પોતાના દોસ્ત માને છે વૃદ્ધાશ્રમમાં વસતા વૃદ્ધઓને પોતાના દોસ્ત માને છે. રસ્તાપર રખડતા ભિખારીઓ સાથે બે ઘડી વાતો કરીને પોતાની દોસ્તીની કમીને પૂરી કરે છે અને આવા લોકોમાં પ્રેમ અને ખુશીનો ફેલાવો કરે છે.

  ચાલો આપણે પણ ફેલાવીએ ખુશી, પ્રેમ અને હાસ્ય..!

  (ઉપૃક્ત રજુ થયેલ વાર્તાએ કોઈના જીવનમાં બનેલી સત્યઘટના પરથી ઘડવામાં આવી છે. જેમાં નામ સહિત અમુક જગ્યાએ જરૂરી ફેરફાર કરેલ છે.)

  “જે દિવસે બે ગાઢ દોસ્તો એક જ સ્ત્રીના પ્રેમમાં પડે છે એ દિવસે દોસ્તી હારી જાય છે અને સ્ત્રી શક્તિ જીતી જાય છે.”

  “શોધી રહ્યો છું”

  હું એ દોસ્તીને હજુ પણ શોધી રહ્યો છું

  સમયની રમત પર હજી હું હસી રહ્યો છું

  ઉમ્મીદ અસંખ્ય, અપેક્ષા શૂન્ય સાથે જીવી રહ્યો છું

  નસીબની એ હોડી ને હલેસાં મારી રહ્યો છું

  ગુલાબ સમાન દોસ્તો હતા મારા એ

  તેમને ખીલતા જોવા હું કરમાય રહ્યો છું

  યાદ તેમની જ્યારે હાવી બને મારા પર

  ત્યારે હસતા હસતા પણ હું રડી રહ્યો છું

  આંખમાં આંખ પરોવી શકે તેવી હાલત નથી તેમની

  એ વાતને દોસ્ત હું બેખુબ સમજી રહ્યો છું

  હું એ દોસ્તીને હજુ પણ શોધી રહ્યો છું

  સમયની રમત પર હજી હું હસી રહ્યો છું

  નાની ઉંમરમાં મોટા બની જતા બાળકને જોયા છે ?

  “મને સવાર કરતાં સાંજ વધુ ગમે છે કારણ કે સાંજ પપ્પાને લાવે છે અને પપ્પા રમકડાં લઇ આવે છે”

  8 માં ૯ માં ધોરણમાં ભણતા છોકરા/છોકરી પોતે મેચ્યોર છે એ બાબત સમજી લેવાની ભૂલને જ કદાચ ઓવર મેચ્યોર કહી શકાય. મેં ૮ માં ૯ માં ધોરણમાં ભણતા છોકરાને-છોકરીને પોતે ગાઢ પ્રેમમાં છે તેવું કહેતા અને લગ્ન વિષયક વાયદા કરતા જોયા છે. હમણાં મારા ઘરે આવેલા અમારા રીલેટિવનાં છોકરા જોડે મારે વાત થઈ. આ બાબતમાં મેં તેની જોડે એક દોસ્ત તરીકે વાત કરી હતી. તેને મારી સાથે વાત કરવાની મજા આવવા લાગી તે મને ભૈયા કહીને બોલાવતો હતો. વાતો વાતોમાં તેને મને તેનો સ્માર્ટ ફોન બતાવ્યો અને એ બતાવતા બતાવતા તેણે એક છોકરીનો ફોટો બતાવીને તેની બધી જ વાતો કરી શરૂશરૂમાં તેને તેણી ને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બતાવી અને કહ્યું કે તેઓ સોશિયલ નેટવર્કિંગ પર બહુ વાત કરે છે. તેની સાથે વાતો કરવાની તેને બહુ મજા આવે છે. વધુ માહિતી જાણતા માલુમ પડ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ છે. ૮માં ધોરણમાં ભણતા છોકરા છોકરી રીલેશનશીપમાં આવી જાય એ બાબતથી હું આશ્ચર્યચકિત નોહતો કારણકે જ્યારે હું ભણતો ત્યારે મેં આવા અનેક લોકો ને જોયા હતા. પરંતુ એ દુનિયા ઘરે ઘરે સ્માર્ટફોનની નોહતી એટલે આટલી બધી વાતો કદાચ એ સમયમાં નહિ થતી હોય. પરંતુ આજના સમયમાં આ બાબતો બહું કોમન થઇ ગઈ છે અને આમાં ૧૦૦% વાંક જેતે છોકરા/છોકરી નો નથી એ વાતમાં હું ચોક્કસ છું કારણ કે આજના સમયમાં મહદઅંશે માં બાપ બંને નોકરી કરતા હોય છે એટલે તેઓ પોતાના છોકરા પ્રત્યે તેટલું ધ્યાન આપી શકતા નથી (તે ધ્યાન આપવાનો પ્રયાસ જરૂર કરે છે ) ૨૪ કલાકનાં સમય ગાળામાં ૧૨ કલાક નોકરીમાં જતા હોય છે એટલે પુરતો પ્રેમ આપી શકવો શક્ય નથી હોતું. દરેક વ્યક્તિને હંમેશા પુરતા પ્રેમની જરૂર પડે છે. જો તેને પુરતો પ્રેમ નાં મળે તો તે પ્રેમની શોધ તે બીજી જગ્યા એ કરે છે. અહિયાં પણ એજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બાળક પ્રેમ ઝંખે છે તેના વિકાસ માટે પ્રેમ આવશ્યક છે. આમ જોવા જઈએ તો બાળકને સૌથી પ્રથમ ઓળખનાર વ્યક્તિમા માં બાપનો સમાવેશ થાય છે. પરંતુ મોંઘવારીમાં અને પોતાના અને પોતાના બાળકનાં સપના પુરા કરવા માટે પૈસા પાછળ ભાગેલા માં બાપ બાળકને પુરતો પ્રેમ આપવામાં નિષ્ફળ નીવડે છે. બાળકને માં બાપ તરફથી એટલો પુરતો પ્રેમ મળતો નથી એટલે એ પ્રેમ પોતાના દોસ્તમાં શોધવાનો પ્રયત્ન કરે છે. જ્યારે માં બાપ પોતાના બાળકને પ્રેમ નથી આપી શકતા એટલે પ્રેમ ને તે પૈસાથી પૂરવાનો પ્રયત્ન કરે છે. બાળકને બહુ નાની ઉમરમાં સ્માર્ટ ફોન, લેપ ટોપ, ઈન્ટરનેટ બેલેન્સ, પ્લે સ્ટેશન લાવી આપે છે. જેથી બાળક તેનો ઉપયોગ કરીને પોતાને વ્યસ્ત રાખે. ઉપરાંત માં બાપ ગર્વ થી એવું સમજે કે તેઓ પોતાના બાળકની બધી જ જરૂરિયાતો પૂરી કરી શકે છે. ઉપરાંત તે તેનો દુર ઉપયોગ નહિ કરે તેવો વિશ્વાસ તેમનામાં અતિશય ભરેલો હોય છે. પરંતુ આ સ્માર્ટફોન લેપટોપ જેવી વસ્તુનો ક્યાંક દુરઉપયોગ થઇ રહ્યો હોય છે કારણકે આ ફોન અને લેપટોપના usesથી માં બાપ તરફથી જે પ્રેમની ખામી છે તે બીજી જગ્યા એથી મેળવવાનો પ્રયત્ન કરે છે. આ કારણથી તે માં બાપ તરફથી દુર જતા રહે છે. જે પ્રેમ તેમને માં બાપ તરફથી નથી મળ્યો એ પ્રેમ તેમને ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ તરફથી જ મળ્યો છે. આનું પરિણામ ભવિષ્યમાં એજ આવે છે કે તમારો બાળક જ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે કારણ કે એ તમારી લાગણીને સમજાતું જ નથી. તમે તેને કદી લાગણી શું છે એ શીખવ્યું જ નથી તમે માત્ર પૈસા બનવામાંને બનાવવામાં પ્રેમ બનવાનું ભૂલી ગયા છો. વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા આપણે આપણી જાતને જ પૂછાતા હોય છે કે મેં મારી જાતને ઘસી નાખી મારા બાળકના સપના પુરા કરવામાં પણ મારા બાળકે મને શું આપ્યું પણ તમે તેને બધું આપ્યું પરંતુ પ્રેમ આપવાનું ભૂલી ગયા છો દોસ્ત.!

  જ્યારે પોતાના છોકરા/છોકરીનાં ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ વાળી વાતની ખબર માં બાપને પડે છે ત્યારે તે લોકો પોતાના છોકરા પર જ ગુસ્સે થાય છે અને ઘરમાં વાતાવરણ તંગ બની જાય છે. આ બાબતોથી માં બાપ ને સમાજમાં નામ ખરાબ થવાનો ડર બની જાય અને તેથી તેઓ પોતાના છોકરા છોકરીને સતત દોષી ઠેરવે છે તને ભાન પડે છે ? આટલી નાની ઉમર માં તને આવા બોયફ્રેન્ડ /ગર્લફ્રેન્ડ બનાવાના વિચાર ક્યાંથી આવે છે ? તારી દોસ્તી ખરાબ છે ? તારી સ્કૂલ અમે બદલી નાખીશું. તારી સ્કૂલ જ ખરાબ છે સાવ. તારી જોડે થી હવે અમે ફોન લઇ લઈશું. તારામાં બુદ્ધિ જેવું છે કે નહિ ? અમે પોતે સારા કપડા પહેરતા નથી પણ તને અપાવીએ છીએ, અમે તારી બધી જ જરૂરિયાતોને ઉભા ઉભા પૂરી કરીએ છીએ. “જે સ્કૂલ ખુબ જ સરસ હોય એવું માની ને તેમને એ સ્કૂલમાં બેસાડ્યા હોય એ સ્કૂલ હવે તેમને ખરાબ લાગવા માંડે છે. જે દોસ્તોનાં તેઓ ભરપુર વખાણ કરતા હોય એ દોસ્તીને તેઓ ખરાબ ગણે છે. આવી નકારત્મક વાતો કરીને માં- બાપ વધુ ને વધુ તેમને આવી જ બાબતોમાં ઘસેડે છે. આ બાબતોથી માં બાપ પોતાના છોકરાઓને પોતાના પ્રેમથી વધુ દુર ધકેલે છે.

  આવી બાબતોમાં સમજણપૂર્વક વર્તન કરવું જોઈએ, વિચારવું જોઈએ. પોતાના બાળકને પ્રેમ આપવામાં આપણે ક્યા અને કેવી રીતે નિષ્ફળ ગયા છે આપણે હવે તે પ્રેમને કેવી રીતે સંતોષી શકીએ તે આપણા હાથમાં છે. માત્ર પૈસાનો ઢોળ ચડાવીને પ્રેમ કદી સંતોષી શકાતો નથી. કોઈ પણ વ્યક્તિને બાળક, યુવક કે વૃદ્ધ તેને પુરતા પ્રેમની જરૂરત હોય છે જે તે પોતાના તરફથી મળી રહે તો ઠીક નહિતો પારકાને પોતાના બનાવીને પણ પ્રેમ કરી શકે છે. મેં આગળ કહ્યું કે પ્રેમ એ ધર્મ છે તેમ પ્રેમ એક તરસ પણ છે પ્રેમ એ એક દવા છે અને પ્રેમ એ પ્રાણ વાયુ પણ છે. પ્રેમ એ જ જીવન છે.

  તો ચાલો પ્રેમ નો ફેલાવો કરીએ અને આપણે આપણા બાળકોને પુરતો પ્રેમ આપી શકીએ તેવી રીતે આપણી જિંદગીનું આયોજન કરીએ અને પ્રેમ ને પૈસો સમજવાની ભૂલ કદી ના કરીએ.

  એક દોસ્ત સાથે ની મુલાકાતમાં જિંદગી વિશેની બહુ જ ઊંડી સમજણ મેળવી લીધી. સુખ કોને કેહવાય એ વિશે ની બહુ જ ચર્ચાઓ થઇ જિંદગીનો આ પ્રસંગ કદાચ જીવન ભર માટે યાદ રહી જશે. “એક દિવસની આ વાત છે રસ્તા માં બહુ દિવસ પછી એક જુના દોસ્તની મુલાકાત થઇ આ દોસ્ત એ મારો સમજુ દોસ્ત અને મારા કરતા ઘણો મોટો...હમણા તો એણે પોતાનો ઘર-સંસાર પણ વસાવી લીધો છે એટલો મોટો એટેલે સમજણની દુનિયાનો પાછો એક્કો...રસ્તામાં થયેલી મુલાકાત, એ પણ વર્ષો પછી ઘરે આવવાનો આગ્રહ કરવા લાગ્યો એટલે ઘરે જઈને ભાભીને બધાને મળ્યો..અને અમે તો એ જ ફિલોસોફીકલ વાતો ચાલુ કરી..બંને જણા જિંદગીની ફિલોસોફીનાં બાદશાહ એટલે એ ફિલોસોફીની વાતની મહેફિલ તો જાણે રંગમાં આવી અમારી ચર્ચાનો વિષય હતો સુખ...એણે મને ઘણું સરસ કીધું સુખ નું બીજું નામ સંતોષ...એણે પોતાના જીવનની વાત કાઢી એણે કીધું કે જીવન ભર કદાચ હું ગાડી નઈ લઇ શકું મને એ વાતનો ગમ ક્યારેય નહિ રહે કારણ હું જેટલું જીવીશ એટલું હસતા હસતા જીવીશ કારણ જિંદગી દોસ્ત એક વાર મળે છે કદાચ હું મારું અડધું જીવન રૂપિયા રૂપિયા કરી ને જીવું તો છેલ્લે કદાચ મારી જોડે રૂપિયા બેંકમાં પડ્યા હશે પણ રૂપિયા લેવા જવાની તાકાત નહિ હોય...એનો મતલબ એવો પણ નથી કે હું મહેનત નહિ કરું મહેનત પણ કરીશ..પણ મોટા મોટા સપનાં રાખીને દુ:ખી નહિ થઉં....રીટાયર્ડ લાઈમાં શાંતિથી જીવશું એવું કહેનારાઓને વૃધાશ્રમમાં જ જોયેલા છે મેં..એમાં પૂરે પૂરો વાંક એમના સંતાનોનો નથી હોતો જો એમણે જો રૂપિયા કરતા વધુ ધ્યાન પોતાના સંતાનોને સુખ કોને કેહવાય એટલું શીખવાડવા માં કાઢ્યું હોત તો આજે એ લોકો સહપરિવાર રોજ સવારે ચા-નાસ્તો કરતા હોત તો એ સુખ કહી શકાત, પણ રૂપિયા કમાવામાં એટલા તો ઘેલા થઈ ગયેલા એ લોકો પરિવાર પ્રેમ ભૂલી ગયા અને છેલ્લા તબ્બકાની જિંદગીમાં એમનાં સંતાનોએ એમને આ પરિવાર પ્રેમ ભૂલવાડી દીધો...મારી જિંદગી માં સુખ એટલે રોજ સવારે ૭ વાગે ઉઠીને પરિવાર સાથે બ્રેકફાસ્ટ લઈને ઓફીસ જવું અને ઓફીસથી આવી ને પૂરે પૂરો સમય એ પરિવારને સમર્પિત કરી દેવો મારા જેમ મે મારા જીવનમાં મારા મમ્મી ડેડીની જરૂરીયાત શું છે, મારી અર્ધાંગિનીની જરૂરીયાત શું છે એ સમજ્યો છું એવી જ રીતે મારા છોકરાઓ પણ મને સમજશે....આજે લોકો પાસે રૂપિયા છે પણ પ્રેમ નથી પ્રેમ અને પૈસા વચ્ચે જે ફર્ક સમજે એ જ સાચો ઘર નો મોભી...અને હંમેશા યાદ દોસ્તકે“Do not educate your child to be rich educate him to be happy so when he grows up he knows the value of things not the price.

  લાવી આપો ને..!!!

  લાવી આપોને.! એવો મોબાઈલ જેનાથી જિંદગી જીવી શકાય

  જેમાં પપ્પા તમારા પ્રેમને ડાઉનલોડ કરી શકાય

  અને બ્લુટુથથી મમ્મીની બાથને અનુભવી શકાય.

  મારા ઈમોશનને ઇન્સ્ટોલ કરી તમને મોકલી શકાય

  મમ્મી-પપ્પા બંનેની હૂંફને હેસ-ટેગ લગાવી શકાય.

  આપણા બંનેના હ્રદયને વાઈ-ફાઈથી જોડી શકાય.

  જેમાં એકલતાની એપ હોય, ને ગમ ની ગેમ હોય

  દર કલાકે તમને રૂબરૂ મળી શકું એવો મેઈલ હોય

  જો મમ્મી પપ્પા આમ નાં બને તો એવું ઘડતર કરજો

  જેમાં મારી માટે તમને ટેમ હોય, પુરતો પ્રેમ હોય

  કાચનો નહિ કાળજી અને સ્નેહનો અદભૂત મહેલ હોય.

  (નોંધ: અહી ટેમ એટલે ટાઈમ)

  તમે કદી કોઈને અભણ બનતા જોયા છે ?

  “ગરીબ જન્મવું એ જે તે માણસની ભૂલ નથી, ગરીબ મરવું એ માણસની ભૂલ છે”

  ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો આ પછી ભારતીયો રાજનીતિના ગુલામ બન્યા. અબ્રાહમ લિંકન દ્વારા કહેવાયેલ “લોકશાહી એટલે લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી” આ વિશે નેતાશાહી કહેવું વધુ યોગ્ય રહે. ગરીબી અને મોંઘવારી ઓછી કરવામાં અનેક નેતાઓના અનેક વાયદાઓ અનેકવાર ખોટા ઠર્યા. અમીર અમીર બનતો ગયો અને ગરીબ ગરીબ. ગરીબી ઓછી થાય(બતાવાય) તે હેતુસર ગરીબીની વ્યાખ્યા બદલવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. એવામાં રસ્તા પર ભારતનો ધ્વજ વહેચતા, ભીખ માંગતા અને બાળમજુરી કરનારા બાળકો નજરે પડી જાય...કર્મો કર્મોનું કામ કરે એવું વિચારીને આપણે બે રૂપિયા આપીને ધ્વજ ખરીદી લઈએ. વટથી ગાડીમાં ધ્વજને મુકીને ખુશી અનુભવતા રહીએ સારી વાત છે. આપણે કદી કોઈ ગરીબની વેદના સમજવાનો પ્રયાસ ક્યા કર્યો છે ? હા નેતાઓ એ કર્યો છે પણ વોટ પુરતો. આપણા દેશમાં ભીખ માંગતા બાળકો ફૂટપાથે ફૂટપાથે નજરે પડે છે. જેમ એક માણસને જીવવાની આદત પડી ગઈ છે, રોજ સવારે ઉઠવાની ઉઠીને તૈયાર થઈને ઓફીસ જવાની, ઓફીસથી આવીને થોડું જમી ટીવી જોઇને સુઈ જવાની..એમ જ આ બાળકને ભીખ માંગવાની આદત પડી ગઈ છે. તેને ગરીબ રહેવાની એક આદત પડી ગઈ છે. એજ ઝુંપડી/ફૂટપાથ/ગંદકીમાં રહેવાની, માંગીને ખાવાની, તેના બાપાને નશાબંધી છતાંય દારુ પીવાની, રોજનો અડધાથી વધુ રૂપિયો દારૂમાં નાખવાની, ફૂટપાથ પર જ સુવાની, અપશબ્દો બોલવાની, વિચિત્ર માનસિકતાઓ સાથે ૬ ૭થી વધુ બાળકો પેદા કરવાની, રોજનું કમાઈને રોજ ખાવાની, ભીખ માંગતા બાળકની માંને રોજ તેના ધણીનાં હાથે પીટાવાની અને સ્પષ્ટ કઉ તો જિંદગીને આવી રીતે જ જીવવાની છે અને આપણું જીવન આજ છે એવું માની લેવાની તેમને આદત પડી ગઈ છે અને આવી આદત જ માણસને કોરી ખાય છે. આપણે પાયાનો પ્રશ્ન કદી શોધ્યો જ નથી. આપણે હંમેશા કોઈને ને કોઈને બદનામ અને દોષી ઠેરવાનો પ્રયત્ન કર્યો છે આવી બાબતોમાં આપણે હંમેશા રાજનીતિને દોષી ઠેરવી છે હું પણ તમારા બધામાં સામેલ છું.

  અહીં મુખ્ય પ્રશ્ન છે શિક્ષણનો જે ઘરમાં એક પણ વ્યક્તિ શિક્ષિત નથી એ ઘર એક સિમેન્ટની રાખોડી ચાદર પથરાયેલ ઉજ્જળ બનેલા ખેતર જેવું છે. ત્યાં સમજ અને સમાજ બંનેનું જ્ઞાન શૂન્યથી પણ ઘણું ઓછું છું. ત્યાં કેવી રીતે રહેવું ? કેવી રીતે બોલવું ? કેવી રીતે જીવવું ? અને કેવી રીતે વર્તવું ? તે વિશેનું જ્ઞાન નહીવત પણ નથી અને જે માં બાપ પોતાના બાળકોને ભણવાની જગ્યા એ ભીખ માંગવા મોકલે છે શું તે માં બાપ, માં બાપ કહેડાવા માટે લાયક છે એ બાબતે પણ પ્રશ્નાર્થ છે. શિક્ષણ નહિ હોય તો આપણો દેશ કદાચ ક્યારેય આગળ નહિ આવે. ભીખ માંગતા બાળકો જિંદગીભર ભીખ જ માંગ્યા કરશે તો વધુ ભિખારીઓ પેદા થશે. હંમણા તો એવું સાંભળવા મળ્યું છે કે આ ભીખ માંગવી એ પણ એક બીઝનેસ થઇ ગયો છે. ૧૦૦% નફા વાળો બીઝનેસ. એ દેશને વધુ ખોખલું બનાવી રહ્યું છે કારણકે આ વસ્તુ અનેક લોકોને શિક્ષણથી વંચિત રાખી રહ્યું છે. સરકાર મફત શિક્ષણ આપવા ૧૦૦ % તૈયાર છે પણ ત્યાં જવા માટે કોણ તૈયાર છે ? સરકારે તો અનેક બાળકોને અનેક રીતે શાળા સુધી લઇ જવાના પ્રયત્નો કર્યા હશે પણ કોઈ ખાવનું બનાઈ આપે પીરસી આપે પણ ચાવી થોડું આપે ? આ બાબતે મેં અનેક વાર અનેક ભીખ માંગતા બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તેમને સમજાવાનો પ્રયત્ન કર્યો જો ૫૦ ને સમજાવું અને આ વાત ૨ સમજી જાય તો કદાચ દેશનું અને જેતે વ્યક્તિનું ભલું થાય.

  છાપાંમાં એક વાર્તા હું વાંચી રહ્યો હતો જે મારા હર્દયને સ્પર્શ કરી ગઈ. હર્ષ નામક એક બીઝનેસમેનની મિટિંગ કેન્સલ થવાથી હર્ષ ઉદાસ થઇ ગયો જે તે મિટિંગની ડીલ પર હર્ષના લાખો રૂપિયા રોકાયેલા હોય છે. ત્યાં જ એક ગરીબ ભિખારી બાળક ત્યાં હર્ષ જોડે ભીખ માંગવા માટે આવે છે. ઉદાસ હર્ષ ગુસ્સે થઇ જાય છે અને ભિખારી બાળકને ત્યાંથી જતો રહેવા માટે કહે છે. પણ તે બાળક ત્યાંથી ખસતું નથી અને તે જગ્યાએ ચિપકી રહે છે અને થોડી વાર પછી ગાડીમાં બેસી જાય છે. તે હર્ષની ઉદાસી જાણતું હોય છે તે જેમ તેમ કરીને હર્ષને કન્વીન્સ કરીને ગાડીમાં પોતાના કાકાની કિટલીએ લઇ જાય છે ત્યાં તે હર્ષને ચા પીવડાવે છે. હર્ષ તેને તેનું નામ પૂછે છે ત્યારે તે કહે છે મારું નામ તો સાહેબ રોજ નવું પડે કોઈ ભોલો કે કોઈ રાજુ કે કોઈ લાલો કે કોઈ કાલ્યો કે એટલે નામ જવાદો સાહેબ હું તમને મારા વિષે કહું. સામે પેલી ઝુંપડી દેખાય એ આપણું ઘર ત્યાં સામે બિલ્ડીગ બનેને ત્યાં મા તગારા ઉપાડે અને બાપો પીને ક્યાંક પડ્યો હશે. મારે બે મોટા અને બે નાનાં ભાઈ છે મોટા ક્યાંક રખડતા હશે અને નાનાં ત્યાં જ ઝુંપડીમાં માં સુતા હશે. પણ સાહેબ આપણે ખુશ અને આપણે તો બધાનેય ખુશ રાખી અને રાખવા જ જોઈએ એવું મારા બેન(ટીચર) કહે છે. એટલે તું સ્કૂલેય જાય છે તને ઘરે થી જવા દે છે સ્કુલે? એવા હર્ષનાં પ્રશ્ન સામે બાળક કહે છે ઘરે ક્યા કોઈને ખબર છે કે સ્કૂલ એટલે શું આપણે તો કોઈને કીધા વગર સ્કુલે જઈએ તમારા જેવા સાહેબએ કીધું તું સ્કુલે જવાનું એટલે આપણે જઈએ છીએ અને પણ સાહેબ કોક દી આપણેય ગાડી લઈશું. ત્યાં હર્ષ તેને પૂછે છે તો આવી રીતે ભીખ શું કામ માંગે છે ત્યારે હસતા હસતા પેલો છોકરો કહે મારો ખર્ચો નીકળી જાય ને એટલે. ત્યાં હર્ષના શર્ટ પર ચા ઢોળાય છે અને તે ફરી ગુસ્સે થઇ જાય છે અને છોકરો હસવા લાગે છે અને કોટ પહેરી લેવાનું કહે છે હર્ષ કોટ પહેરી લે છે ને ડાઘો ઢંકાઈ જાય છે ત્યારે છોકરો કહે છે કે જિંદગી બસ આજ છે ઉદાસી અને દુખ રૂપી ડાઘાને હાસ્ય રૂપી કોટમાં છુપાઈને હસતું જ રહેવાનું અને અને આવા હાસ્યને બીજા લોકોમાં વહેચતું રહેવાનું. આવી સુંદર વાત તે બાળકને બીજે ક્યાયથી નહિ પણ સ્કુલમાંથી જ શીખવા મળ્યું હોય છે. આ વાર્તા વાંચીને થયું કે હા વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ત્યારેજ બની શકે જ્યારે એને સાચું શિક્ષણ, સાચું માર્ગદર્શન, સાચું જ્ઞાન મળી રહ્યું હશે. આજે આ ડૂબતા સમાજ અને જ્યાં રસ્તાઓ પર ભિખારીઓની સંખ્યા વધતી જાય છે તે સમાજને શિક્ષણની જરૂર છે. જ્યાં સુધી સમાજને સાચું શિક્ષણ નહિ મળે ત્યાં સુધી ગરીબ દેશ કદાચ વધુ ગરીબ બનતો જશે.

  ચાલો આ ભારત જેવી મહાન સંસ્કૃતિનું રક્ષણ કરીએ, તેને બચાવીએ, પ્રેમ આપીને, સાચું શિક્ષણ આપીને અને સુંદર ઘડતર આપીને..!! જો તમે આ વાંચી શકતા હોવ તો આ મહાન સંસ્કૃતિને બચાવાની જવાબદારી તમારી પણ છે અને હા મારી પણ.

  “માણસ બે રીતે ગરીબ હોઈ શકે “પૈસાથી અને વિચારોથી“ પૈસાથી ગરીબ હશો તો ચાલશે પણ જે દિવસે વિચારોથી ગરીબ થઇ જશો. એ દિવસે તમે હારી જશો.”

  રાજા

  (પૈસાથી રંક હોવા છતાં રાજા બની ને જીવેલા રાજાએ કહેલી વાત)

  જિંદગી બસ આમ જ ચાલતી રહેશે દોસ્ત

  સુખ,દુખ હાસ્ય,રુદન આપતી રહેશે દોસ્ત

  જો તું દુ:ખ ગણી ગણી રોતો રહીશ દોસ્ત

  આ ઝીંદગી તને રડવા મજબુર કરતી રહેશે

  તું બન તારી જિંદગી નો “રાજા” ને કર રાજ

  મુશ્કેલીઓ હશે તો પણ પટપટ ભાગતી રહેશે દોસ્ત

  દોસ્ત બસ ખુશી લે લોકો માં વહેચ ને હસતો રે

  પછી જો જિંદગી હાર ને જીત માં ફેરવતી રહેશે દોસ્ત

  તમે કદી કોઈ પરફેક્ટ લાઈફ પાર્ટનર ને જોયા છે ??

  “કોઈ અજાણી વ્યક્તિને પોતાનું કરવું એટલે પ્રેમ કરવો”

  યુવાન કે યુવતી અમુક વયે પોહચે એટલે જિંદગીના અમુક સપનાંઓમાં એક સુંદર સપનાંની એન્ટ્રી થાય. “મને એક પરફેક્ટ લાઈફ પાર્ટનર મળે” કે જેની જોડે હું જિંદગી આસાનીથી જીવી શકું. યુવક હોય કે યુવતી દરેક વ્યક્તિ પોતાના લાઈફ પાર્ટનરને એક એન્જલ તરીકે જ જોતા હોય છે અને મનમાં ઇચ્છતા હોય છે કે મારો લાઈફ પાર્ટનર એકદમ પરફેક્ટ હશે. શું કોઈ પણ વ્યક્તિ સાચે જ સંપૂર્ણ પરફેક્ટ હોઈ શકે ખરું ? દરેક વ્યક્તિમાં કંઈક તો ખામી હોવાની જ. આપણે સતત એક પરફેક્ટ લાઈફ પાર્ટનરની શોધમાં નીકળી પડીએ છીએ કોઈ વ્યક્તિ શરુશરુમાં આપણને પરફેક્ટ લાગે પણ ખરું પણ સમય જતા આપણને તેમાં ખામી દેખાવા લાગે. આ સાથે મને એક જુનો જોક યાદ આવે કે મોબાઈલ ખરીદ્યા પછી સાલું એમ થાય કે થોડી રાહ જોઈ હોત તો મોડેલ સારું મળત. સાંસારિક જીવનમાં પણ કોઈને ક્યારેક તો આવું થતું હશે. કોઈપણ માણસ ક્યારેય પરફેક્ટ નથી હોતો. દરેક વ્યક્તિએ હંમેશા પરફેક્ટ લાઈફ પાર્ટનરની શોધ કર્યા કરતા IMPERFECT પર્સનની અંદર આપણું IMPERFECTION ઉમેરીને આપણે પરફેક્ટ લાઈફ, પરફેક્ટ લગ્ન જીવન કેમનું બનાવી શકીએ તેની શોધ કરવી જોઈએ. ક્યારેય આપણને કોઈ પરફેક્ટ વ્યક્તિત્વ મળવાનું નથી માત્ર તેમાં રહેલી ખામીઓને ભરી શકવાની સમજવૃતિ આપણામાં હશે તો જ આપણે એક સુંદર અને પરફેક્ટ લગ્નજીવનનું નિર્માણ કરી શકીશું. પતિ પત્નીએ આખા મીઠા સફરજનનાં બે ટુકડાં સમાન છે.

  એક બીજાને મળીને એક બીજામાં ભળી જવાની વાત એટલે પરફેક્ટ લગ્ન જીવન, પરફેક્ટ લગ્ન જીવન એટલે ૨૫ વર્ષની ઉંમરે પકડેલા હાથને ૬૫ વર્ષે અને ૯૫ વર્ષે પણ પકડી રાખવો શરીર પર કરચલીઓ પડે પ્રેમમાં ક્યા પડે ? લગ્નજીવનએ એકબીજા સાથે નહિ પણ એકબીજામાં રહેવાની વાત છે. લગ્ન જીવન એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર, તેના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, જે હશે તેનો સ્વીકાર અને જે કંઈ નહિ હોય તો તેનો પણ સ્વીકાર. સ્વીકારવૃતિ એ પ્રેમાળ અને પરફેક્ટ લગ્નજીવનની એક અદભુત ચાવી છે. જે તે વ્યક્તિને આપણે જેમ છે તેમ સ્વીકારી શકીએ તો એક અદભુત જીવનનું નિર્માણ કરી શકીએ. ઘણીવાર લગ્ન પહેલાં અતિશય પ્રેમનો અનુભવ કરનારા લગ્ન પછી નીરસતા અને નિરાશાનો અનુભવ શું કામ કરે છે ? આપણા સબંધો શું લગ્ન પછી કંટાળાજનક અને યાંત્રિક બની જાય છે ? શું કામ આપણી અપેક્ષાઓ વધી જાય છે. લગ્ન પહેલાં તું મને રોજ ગીફ્ટ આપતો તો લગ્ન પછી શું કામ નથી આપતો. આપણી વધુ અપેક્ષાઓ એ રીલેશનશીપને આછી પાડવામાં ભાગ રૂપ બની શકે છે. લગ્ન પછી જવાબદારીનો વધારો થાય એટલે ગીફ્ટ આપવી શક્ય નાં પણ બને એ સમજવું પણ જરૂરી છે. જો એ સમજીને અને સ્વીકારીને ચાલીશું તો પરફેક્ટ લગ્ન જીવનનું નિર્માણ કરી શકીશું.

  સાંજ પડે રોજ ચાલવા નીકળવું એ મારી ટેવ અનેક લોકો રોજ મળે, અનેક ને હું રોજ જોવું અને ખુશી અનુભવું એવામાં બે એવા કપલ જેમણે મને શીખવી દીધું કે આ દુનિયા પ્રેમથી ભરપુર ભરેલી છે. જ્યાં પ્રેમ છે ત્યાં દુનિયામાં બીજા કોઈની જરૂર નથી. સોશિયલ મીડિયામાં વીંટળાય ગયેલા આજના યુવાનીયાના યુવાન પ્રેમ ૬ ૭ મહિનામાં તૂટી પડે છે ત્યારે બે અદભૂત કપલ એક જેઓ બોલી નથી શકતા છતાંય પ્રેમ કરે છે ત્યારે સમજાય છે કે પ્રેમને ભાષા નથી હોતી, પ્રેમ ખુદ એક ભાષા છે. પ્રેમ બોલીને નથી થતો અનુભવીને થાય છે. એક દાદા-દાદી જેમનાં પ્રેમમાં ખુબ તાકાત છે અને વર્ષો વર્ષ સુધી ટકી રહશે એવો વિશ્વાસ છે એ કહે છે કે જિંદગીમાં પ્રેમને અદભુત જીવવો હોય અને ટકાવવો હોય તો એમણે એક જ વાત કહી કે અપેક્ષા શૂન્ય રાખવી એટલે લાંબા ગાળાનો પ્રેમ ટકાવી રાખવો. મોટી ઉંમરે પણ તેમના પ્રેમમાં નીરસતા નથી ખુશી છે. આટલી ઉંમરે હાથોમાં હાથ નાખીને એક બીજાનો સહારો બને છે એક બીજામાં ખુદને શોધે છે. એક બીજામાં જીવે છે. પ્રેમ સાચવણ છે, સહનશીલતા છે, સહારો છે, સમજણ છે, જોવો ત્યારે સુંદર સપનું અને અનુભવો ત્યારે અદભુત સપનું છે. આ બંને કપલ માટે મને ત્યાર બાદ સ્ફૂરેલી કવિતા હું કેમ લખવાનું ભૂલી જાવ.

  એ મૂંગા કપલ માટે જેમને કુદરતે પ્રેમની ભાષા આપી છે.....

  મૂંગા કપલની કલમે...

  “ભગવાન ને જીભ નથી આપી પણ લાગણી અપાર આપી છે

  જીવન જીવવા ની અજીબ રીત આપણને બેસુમાર આપી છે

  જોયા છે સબંધો ને તુટતા બોલાચાલીમાં પણ

  આપણને સબંધ ટકાવી રાખવાની તાકાત જોરદાર આપી છે

  હું તને સમજુ અને તું મને એ પણ શબ્દો વિના

  આમપ્રેમ કોને કેહવાય એ સમજવાની સમજ દમદાર આપી છે

  બસ આમ જ શાંત દુનિયામાં પોતાના સપના પુરા કરતા રહેશું

  દુનિયાની મને/તને નથી પડી આપણી જિંદગી આટલી મજેદાર આપી છે

  શબ્દો રૂપી દુનિયા માં લોકો કેહતા હશે “હું તને પ્રેમ કરું છુ

  માત્ર ઇશારા દ્વારા એક બીજા કહેવાની ટેવ શાનદાર આપી છે”

  એ કપલ માટે જેમના શરીર પર કરચલીઓ છે પણ પ્રેમમાં નહિ...

  દાદા- દાદીની કલમે....

  દાદા દાદી ને કહે છે...
  દુનિયાની દરેક તાકાત એ જ્યારે મને જાકારો આપ્યો
  તે જિન્દગીના દરેક તબ્બકે મારો હાથ પકડી સહારો આપ્યો
  ઉંમરના તકાજે ડો. ની દવાઓ નામ પુરતી જ હતી હો,
  તારી લાગણીઓએ જ દવા બની જીવવાનો નજારો આપ્યો
  મુશ્કેલી રુપી અનેક પડાવો એ મને હરાવ્યો હતો, તું અને
  તારી તાકાતે આપેલી તાકાતે જ જીવવાનો દિલારો આપ્યો
  તરસમાં પાણી,દુ:ખમાં સુખ અને આંસુમાં રુમાલ
  બીમારીમાં દવા બની તે રક્ષણાત્મક એવો કિનારો આપ્યો

  ત્યારે દાદી દાદા ને કહે છે
  કિનારો,સહારો ને દિલારો બનવુ એ તો જીવનની ફરજ હતી
  આભાર કુદરતનો કે આપની સાથ જીવન જીવવાનો મોકો આપ્યો...!

  સપ્તપદી વિશે સાંભળ્યું હશે. પણ અષ્ટ અનુભવ પદીએ એવી પદી છે જે લગ્ન પછી જીવનને આસાન બનાવવામાં મદદ કરે છે. લગ્નની વિધિ વખતે આપણે કદાચ જ સંપૂર્ણ સપ્તપદીને સાંભળતા હોઈશું. પણ અનુભવ પદી એ લોકોના અનુભવ પરથી આવેલી પદી છે જે જીવનને આસાન બનાવવામાં મદદ કરે છે

  અષ્ટ અનુભવ પદી

  ૧) યાદ રાખવું કે જિંદગી જો મુવી બતાવે એટલી જ સહેલી હોત તો ૩ કલાકની જ હોત. એટલે તમારા લગ્ન જીવનને ફિલ્મ કે સિરિયલ સાથે સરખાવાની ભૂલ કરશો તો કદાચ દુઃખી થશો.

  ૨) તમારા લાઈફ પાર્ટનરનો અરીસો બનવાનો પ્રયત્ન કરો. અરીસો એ તમે રડો ત્યારે હસતો નથી.

  ૩) સહેલીઓની સરખામણીમાં ઉતારશો નહિ. સબંધોમાં સ્નેહ હોવો આવશ્યક છે સરખામણી નહી.

  ૪) મોંધા સીસીડી કરતા પતિના હાથે બનાવેલી કોફીનો આનંદ વધુ આવે છે એવું યાદ રાખવું. ભલે તેમાં ખાંડ ના હોય તો પણ.!

  ૫) દરેક પતિએ યાદ રાખવા જેવી વાત “તમારી પત્ની એ તમારી માતા પછીની એ સ્ત્રી છે જે તમારી જવાબદારી લેવા સક્ષમ પણ છે અને સમર્થ પણ.

  દરેક પત્નીએ યાદ રાખવા જેવી વાત તમારો પતિએ એવું બાળક છે જેની જવાબદારી હવે તેની માતા સ્વીકારી શકે તેમ નથી.

  ૬) પુરુષની કમજોરીએ તેનું બુદ્ધિચાતુર્ય છે અને સ્ત્રીની કમજોરી તેનું રૂપ છે. સમ્યાંતરે તેના વખાણ કરતુ રહેવું. વખાણથી પેટ નથી ભરાતું પણ મન જરૂર ભરાય છે. અજાણતા પણ પુરુષનાં બુદ્ધિચાતુર્ય અને સ્ત્રીના સૌન્દર્યની નિંદા નાં કરવી જે જીવનમાં નીંદણને જન્મ આપે છે.

  ૭) લગ્ન જીવનમાં શંકાને સ્થાન નાં બરાબર આપવું યાદ રાખવું કે શંકાએ પોલી બખોલમાં સુતેલા ભૂખ્યા સિંહની જેમ જીવનને ફાડી ખાવાની ક્ષમતા ધરાવે છે. “શંકા કરીને બરબાદ થઇ જવા કરતા વિશ્વાસ રાખીને લુંટાઈ જવું વધુ સારું”

  ૮) લગ્ન જીવનનાં થોડા ઘણાં ઝઘડાઓથી સબંધ મજબુત બને છે નરમ નહિ. કોઈ વગર થોડા સમય રહેશો ત્યારે અનુભવશો કે તેની કમી શું છે.

  “તું જ છે જે મારા શબ્દોમાં રાજ કરે છે
  સવારે જાગેલી કવિતાની સાંજ કરે છે”

  જોવાયેલી તું.

  મારા દ્વારા થોડે દુર થી જ સવારે જોવાયેલી તું

  આછા બનેલા ધુમ્મસનાં પડદા પર દોરાયેલી તું

  ચહેરા પર આવેલી લટ ને કાન ની પાછળ નાખી

  એજ આનંદિત વાતાવરણ માં હરખાયેલી તું

  હા એકદમ “ગણી” ને કહું છું મીઠું હસતા હસતા

  ૨ જ સેકન્ડ માટે મારી સામે જોઈ ને શર્માયેલી તું

  કુદરત નાં સુંદર સૌદર્યમાં રંગાયેલી તું

  અને સાચું કહું ગુલાબ દ્વારા પણ સુન્ઘાયેલી તું

  રક્ષક સમાજને ભક્ષક બનતાં જોયો છે?

  “પહેલાં માણસોએ ભેગા મળીને સમાજ બનાવ્યો, આજે સમાજ એ માણસને બનાવી રહ્યો છે”

  નાનપણથી આપણને ‘સમાજવિધા’ (હાલનું સામાજિક વિજ્ઞાન)માં શીખવ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. સમાજને રચતું, સમાજમાં રાચતું, સમાજનાં નિયમને ઘડતું, સમાજના નિયમોનું પાલન કરતુ અને સમાજમાં હુંફ મેળવતું એક બુદ્ધિજીવી પ્રાણી એટલે સામાજિક પ્રાણી એટલે જ માણસ. પણ શું ? આપણે જ બનાવેલા સમાજમાં શું આપણે હુંફ મેળવીએ છીએ ? આપણે આપણા પોતાના રક્ષણ માટે જે સમાજનું નિર્માણ કર્યું છે તેમાં આપણે આપણી જાતને શું સુરક્ષિત મહેસુસ કરીએ છીએ ? કે આપણે તે જ સમાજથી ડરીએ છીએ ? અથવા એ જ સમાજ આપણને ડરાવે છે ? પ્રશ્ન..!! સમાજ શું કહેશે ? એ આપણા ડરનો મુખ્ય પ્રશ્ન છે. સારો માણસ જ્યારે સમાજથી ડરવા લાગે અથવા તો સમાજ માણસને ડરાવવા લાગે ત્યારે વધુ એક પ્રશ્ન ઉદભવે છે. માણસએ સમાજનું નિર્માણ કર્યું છે કે સમાજે માણસનું નિર્માણ કર્યું છે ?

  એક યુવાન જો ૧૦ વાતમાં સફળ થશે ત્યારે જે સમાજ તેને તાળી પાડીને માન આપતો હતો એજ સમાજ જ્યારે એ યુવાન એક વખત નિષ્ફળ જવાથી તેને ધિક્કારે છે તેના પર હસે છે, તેની મજાક ઉડાવે છે અને એટલે જ અનેક લોકો સફળ થતા પહેલા જ નિષ્ફળ થઇ જાય છે. માણસ જેટલો પોતાની નિષ્ફળતાથી નથી ડરતો એટલો એ તેને સમાજ શું કહેશે એનાથી ડરે છે. વર્ષોથી હું વાંચતો આવ્યો છું સમાજ બદલાયો છે. આ માત્ર હું સાંભળી શક્યો છું ક્યારે જોઈ શક્યો નથી. જે માનસિક તાણ ઓછી કરવા મદદની આશાએ, સ્વરક્ષણ માટે આપણે જે સમાજની રચના કરી હતી એ સમાજ આજે આપણી માનસિક તાણ વધારે છે, મદદ તો દુર રહી સમાજ ડરાવે છે.

  એક સત્યઘટના પર આધારિત વાર્તા કહું. એક ગામમાં એક બાળકને કૂતરું કરડી ગયું. એ બાળક જયારે રડતા રડતા તેના ઘરે ગયું ત્યારે તેના માં-બાપે તેને લાફો માર્યો અને કહ્યું કે તારો જ વાંક હશે. તેને ડોકટર પાસે લઇ જવાયો અને ઈલાજ તો થયો પરંતુ જ્યારે તે ઘરે આવ્યા ત્યારે આજુ બાજુ વાળાઓએ પણ તેનો જ વાંક કાઢ્યો અને આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે હાય..હાય.. પેલા બાળકને કૂતરું કરડ્યું. માત્ર કૂતરું કરડવાથી તેની આજુબાજુનાં લોકોએ તેના સાથેનાં સબંધો કાપી નાખ્યા. આ વાત સરપંચને ખબર પડતા તેમણે તેના પરિવારને ગામમાંથી બહાર કાઢી મુકવાનો નિર્ણય કર્યો. આ વાર્તા તમને કેટલી હદ સુધી સાચી લાગી ? તમે મારા પર હસતાં હશો કે આવું તો કઈ હોતું હશે ? અરે આ વાત સાચી છે. માત્ર ફર્ક એટલો છે કે જ્યારે કોઈ છોકરી પર કૂતરા અને ભૂંડ જેવી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો બળાત્કાર કરે છે ત્યારે તે છોકરી સાથે પર આપણો સમાજ આવું જ કંઇક કરે છે. કૂતરા ને કરડવાથી આજ સુધી કોઈની ઈજ્જત ગઈ છે ? કે શું જવાની છે ? જો કૂતરાને કરડવાથી કોઈની ઈજ્જત નથી જતી તો કૂતરા જેવા લોકોને કરડવાથી પણ કોઈની ઈજ્જત નથી જવાની. એવા સમાજનું નિર્માણ કરીએ કે જે હુંફ આપી શકે, જે મોટીવેશન આપી શકે અને ખોખલા થઇ રહેલા સમાજને મજબુત બનાવી શકે.

  બદલાયેલા સમાજની વધુ એક સમસ્યા છે કે આ સમાજ રાધે-ક્રિશ્ના, રામ-સીતાનાં પ્રેમને સ્વીકારી શકે છે. પરંતુ યુવક-યુવતીનાં પ્રેમને સ્વીકારી શકતો નથી. અનેક યુવક યુવતીના પ્રેમમાં બ્રેક-અપ માત્ર એ કારણથી થાય છે કે જો તેઓ પ્રેમલગ્ન કરશે તો તેઓ તેમના માં-બાપને દુ:ખી કરશે કારણ કે તેમના માં-બાપને આ ‘સમાજ શું કહેશે’ ? અને તેમના માં-બાપને આ સમાજરૂપી અદાલતના પાંજરામાં ઉભું રહેવું પડશે. તેની અને તેના માં-બાપની ઈજ્જત જશે. હજી આ સમાજ ઉપરછલો ભવ્ય રીતે આધુનિક થઇ ગયો છે પરંતુ વિચારોથી અને સ્વભાવથી તે પછાત છે. સમય બદલાય રહ્યો છે પણ સમાજ ત્યાં જ ઉભો હોય એવું દેખાઈ રહ્યું છે. આપણો આ સમાજ હજી પણ નાત-જાતમાં માની રહ્યો છે. આજે પણ ૧૦૦ માંથી માત્ર ૨૦ યુવક યુવતીના પ્રેમ લગ્ન થાય છે. અનેક યુવક યુવતીનાં પ્રેમનું બલિદાન એટલા માટે આપવામાં આવે છે કે તેમના પ્રેમને આ સમાજ સ્વીકારવા માટે તૈયાર નથી. હજી પણ ઘણી જગ્યા એ નાતની બહાર જઈને લગ્ન કરવા એટલે ફાંસી પર લટકીને પાછુ આવવું એટલી અઘરી વાત. હજી પણ ઘણાં ગામોમાં ખાપપ્રથા જેવા રીવાજો ચાલી રહ્યા છે. શું સાચે જ આ સમાજ બદલાયો છે ? માત્ર સંભાળાય છે અનુભવવું અઘરું છે.

  આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં દિકરીના ભણતર કરતાં દહેજની ચિંતા પહેલા કરવા આવે છે, જ્યાં જન્મના સ્ત્રોત સમાન દીકરીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે, શિક્ષિત કહેવાતો સમાજ એ વખતે અભણ થઇ જાય છે ? આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં ઈમાનદાર કર્મચારીના કપાળ પર સતત હથોડાઓ પડે છે. બળાત્કાર જેવી ઘટના એટલે સ્ત્રીની ઈજ્જત લુંટાઈ ગઈ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ભગવાન અને ધર્મના નામ પર લડાઈઓ થાય છે. હા દોસ્તો આપણે આવા શિક્ષિત સમાજમાં રહીએ છે..!! અને અનેક ઘટનાઓમાં આ સમાજ જ આપણને ડરાવે છે.

  ચાલો એવા સમાજનું નિર્માણ કરીએ જે આપણને હુંફ આપી શકે, જે દિલમાં પ્રેમ અને ચહેરા પર હાસ્ય વહેચી શકે. ચાલો એવા સમાજનું નિર્માણ કરીએ જેનું નામ આપી શકાય ‘માનવ સમાજ’.

  સમાજ..!!

  હુંફનો દરિયો જાણે સુકું રણ થઇ ગયો.

  શિક્ષિત સમાજ, સમજથી અભણ થઇ ગયો.

  માનતા હતા સુરક્ષિત જે સમાજને દિલથી.

  ગર્ભમાં કરી સ્ત્રીની હત્યા, અસુરક્ષાને શરણ થઇ ગયો.

  જેની જોડેથી રાધે ક્રિશ્નાનાં પ્રેમને સમજ્યો

  તે પ્રેમીઓની નફરતનું એક કારણ થઇ ગયો.

  ભગવાનને તે ભજવતો અને તેના નામે ઝઘડતો

  રામનું રટણ કરતાં કરતાં તે રાવણ થઇ ગયો ?

  હુંફનો દરિયો જાણે સુકું રણ થઇ ગયો.

  શિક્ષિત સમાજ, સમજથી અભણ થઇ ગયો.

  “ચાલો પડી ગયા છે તેમને આપણો હાથ આપીએ

  પૂછવું નથી તેને “શું કામ પડી ગયો ?”

  નસીબ”

  “જેવા વિચાર એવા નસીબ”

  જેટલો આ દુનિયામાં ભગવાન ચર્ચાયો છે એટલું જ નસીબ ચર્ચાયું હશે. જેટલો ભગવાન વખણાયો અને નિંદાયો છે એટલું જ નસીબના ભાગમાં આવ્યું હશે એવું કહી શકાય. નસીબ અને ભગવાન જેના પર આધારિત રહેનારા માણસોની સંખ્યા ગણ્યા ગણાય નહી વીણ્યા વીણાય નહિ તોય આ દુનિયામાં સમાય એટલી છે. નસીબ અને ભગવાન આ બંને મફતમાં મળેલી એટલી સારી વસ્તુ છે કે જ્યારે આપણે નિષ્ફળ થઇએ ત્યારે દોષના ટોપલા આ બંને પર સૌથી વધારે આવતા હશે અને સફળ થઇએ ત્યારે ઘણાં લોકો આ બંનેને ભૂલી જઈને પોતાને મહત્વ વધારે આપે છે આપણે સ્વાર્થી બની જઈએ છીએ.

  એતો ઠીક પરંતુ સાચા અર્થમાં નસીબ સારું કે ખરાબ હોઇ શકે ખરું ? એથીય મોટો પ્રશ્ન આ નસીબ છે ખરું ? એક ઉદાહરણથી આ વાતને સમજીએ બે વક્તિઓ છે એક પાસે ગાડી, બંગલો અને બહુ જ પૈસા છે એટલા બધા પૈસા કે જેની પેઢીઓની પેઢી ચાલે. પણ બીજા પાસે એક ૧ બી.એચ.કે ફ્લેટ અને સ્કુટર છે. અને આ બંને એકબીજાની સામે રહે છે. તો આ બંનેનાં નસીબમાંથી કોના નસીબ સારા છે તમે કહી શકશો ? તમે કહેશો કે જેની પાસે ગાડી અને બંગલો છે એની જોડે. હવે હું તમને એમ કહું કે જે પૈસાદાર વ્યક્તિ છે એને એચ.આઈ.વી એઇડ્સ નામનો રોગ છે. તો હવે ? કોના નસીબ સારા ? તમારો વિચાર બદલાયો હશે. પૈસાદાર વ્યકતીના રોગ વિશે મિડલ ક્લાસ વ્યક્તિને ખબર નથી અને એ જયારે પણ પોતાની પત્ની સાથે બહાર ફરવા નીકળે છે ત્યારે તે પેલા પૈસાદાર માણસને જોઈને અફસોસ કરે છે કાશ. મારી જોડે પણ આટલાં જ પૈસા હોત તો કેટલું સારું હોત અને પેલો પૈસાદાર માણસએ મિડલક્લાસ ખુશ કપલને જોઈને વિચારે છે કાશ. મને એચ.આઈ.વી એઇડ્સ જેવો રોગ નાં હોત તો કેટલું સારું હોત.? આ વાત પરથી આસાનીથી સમજાય છે કે જેનું પૈસાની દ્રષ્ટિએ નસીબ આપણે સારું ગણીએ છીએ એ પણ ક્યાંક પોતાના નસીબને ખરાબ માને છે અને જેનું નસીબ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણે સારું ગણીએ છીએ એ પણ ક્યાંક પોતાના નસીબને ખરાબ માને છે. કહેવાનો મતલબ આપણું નસીબએ આપણી નજર અને આપણા વિચારો પર આધાર રાખતું એક અદ્રશ્ય પરિમાણ છે. માણસ સારા અને ખરાબ નસીબવાળો તેના વિચાર અને નજરો પરથી બની શકે છે. માણસ તેના વિચારોથી અમીર કે ગરીબ હોઈ શકે તેના નસીબથી નહિ. માણસ સુખી અને દુઃખી પણ નસીબથી નહિ તેના વિચારો અને નજરોથી હોઈ શકે એટલે તો હંમેશા વિચારોમાં રહેનાર માણસ નવી વસ્તુનું નિર્માણ જલદી કરી શકે છે. જે માણસ હકારાત્મક વિચારી શકતો નથી તે માણસ જિંદગીમાં જલદી આગળ વધી શકતો નથી. વિચારહીન માણસ બુદ્ધિહીન ને તોલે આવે છે. આપણા હકારાત્મ્ક વિચારો આપણા નસીબને પણ સારુ કરવાની એક તાકાત ધરાવે છે અને તેને સાચી દિશા આપી શકે છે. હકારાત્મક વિચારએ જિંદગીનું અદભુત તત્વ છે. હકારાત્મ્ક વિચારને કોઈની સફળતાનું ઉગમબિંદુ અને નકારાત્મક વિચારને આથમબિંદુ કહી શકાય. હકારાત્મક વિચાર એ માણસને એક પ્રકારની એનર્જી પ્રદાન કરે છે અને નકારાત્મક વિચાર એ આપણી એનેર્જીને નાશ કરવાની તાકાત ધરાવે છે. નકારાત્મક વિચાર ધરાવતો માણસ હંમેશા નસીબથી ફૂટેલો હોવાનું એ નક્કી છે. જે પોતાના નસીબને બનાવવામાં કદી માનતો નથી પરંતુ તેના નસીબ ખરાબ છે એવું માનીને બેસી ગયો છે અને હકારાત્મક વિચારો ધરાવતો માનવી નસીબને જાતે બનાવવામાં માને છે. મેં ઘણા લોકોને નીરસ અને નકારાત્મક વાતો કરતાં જ જોયા છે. તેઓ તેમની જોડે જે છે તેનાથી ખુશ નથી તે બાબતમાં હકારાત્મક વિચારતા નથી પણ જે બીજા જોડે છે તેને જોઇને દુઃખી થઇને એમ વિચારે છે “મારી જોડે આ બધું નથી” અને જાતે જ પોતાના નસીબને ખરાબ ગણે છે. વધુ નકારાત્મકતાને પોતાના જીવનમાં ઉમેરે છે.

  “નસીબએ નાં દેખાતું એક ભૂત છે જો માનશો તો એ ડરાવશે અને જો નહીં માનો તો એ પોતે જ ખોવાઈ જશે”

  નસીબ..!!!

  નસીબ ભર બજારમાં બદનામ થઇ ગયું,

  અફવાઓનું ઉડતું અખબાર થઈ ગયું.

  સિક્કો..! ઉછળ્યો જીત્યો તો ‘ હું પોતે ’,

  હાર્યો તો નસીબ મને હરાવનાર થઈ ગયું ?

  પ્રેમ સંબંધ તુટ્યો હશે મારી જ ભૂલને લીધે,

  પણ મારા માટે તો ‘નસીબ’ ખરાબ થઈ ગયું.

  હું પણ જોવા લાગ્યો જ્યોતિષના હાથમાં, પાથમાં,

  લ્યો બોલો..! નસીબ મને હવે ડરાવનાર થઈ ગયું

  આધારિત રહ્યો હું નસીબ પર લોકોની જેમ,

  નશો નસીબનો ચઢ્યોને તે શરાબ થઇ ગયું.

  લખ્યું હશે એમ થશે માની લીધું મેં પણ,ને જોત જોતામાં આ જીવન બરબાદ થઈ ગયું.

  પોતાને જ ભૂલી ગયેલા લોકો ને જોયા છે ?

  “Do not forget yourself in the crowd otherwise you will lost yourself ”

  આ વિષય હું એ મમ્મી ને અર્પિત કરવા માંગુ છું જેને પોતાના કુંટુંબનું ધ્યાન રાખવા માટે ૨૪ કલાક પણ ઓછા પડે છે. આ વિષય હું એ પપ્પા ને અર્પિત કરવા માંગુ છું જે પોતાના છોકરાના સપનાં પુરા કરવા માટે દિવસ અને રાતને ઓળખી નથી શકતા. પોતાનાના સપના પુરા કરવા આપણે એટલી હદ સુધી ગુમ થઇ જઈએ છીએ કે આપણે આપણને પણ નથી મળી શકતા. આપણે કદી આપણને ભૂલી જવાની ભૂલ કરીએ છીએ. માણસ પોતાના શોખ ને બહુ ઓછું જીવે છે પોતાના સપના પુરા કરવા તે ઓછું પણ પોતાનાનાં સપના પુરા કરવા માટે તે રાત દિવસ એક કરી નાખે છે. પોતાનાના સપના પુરા કરવા માટે તે પોતાની જાતને ઘસી નાખે છે. કોઈ માણસનો શોખ છે લખવું તેને લખવું બહુ ગમે, કવિતા કરવી બહુ ગમે, આ વાતનો ખ્યાલ તેને સ્કુલમાં ભણતો ત્યારે જ આવ્યો જ્યારે એ કવિતા લખવા બેઠો હોય ત્યારે સમય તેને ટકોરા મારે. આ સમય છે બેટા કવિતા લખવાનો ? આ સ્કૂલનું ૧૦મુ ધોરણ પતાવી દેને પછી જે કરવું હોય એ કરજે ધોરણ ૧૦ પતાવ્યું, ૧૨મુ આવ્યું બેટા ૧૨મુ ધોરણ શાંતિથી પતાવી દેને કોલેજમાં લખજે, કોલેજનાં માત્ર ૪ વર્ષ સાચવી લે બેટા, માસ્ટરનાં માત્ર ૨ વર્ષ સાચવી લે આ સાચવવા સાચવવામાં તેણે ૧૦ વર્ષ એમ જ નીકાળી દીધા. હજી એ તેના શોખને જીવી નથી શક્યો. પછી એ પ્રોફેશનલ લાઈફમાં આગળ વધ્યો બેટા નોકરી નવી છે ધ્યાન દઈને કામ કરજે સમાજમાં નામ થઇ જાય તો છોકરી જલદી મળી જાય અને તારી છાપ બહુ જ સરસ પડી જાય તો સમાજમાં વાંધોનાં આવે. આ શોખને જીવવાનું સાલું હજી રહી ગયું. તે આગળ વધ્યો પોતાની ભૂમિકા સમાજમાં અને નોકરીમાં પ્રસ્થાપિત કરવામાં તેણે રાત દિવસનો ખ્યાલનાં રહ્યો. હવે તે માણસ એક માંથી બે થયો તેના લગ્ન થયા નવી આવેલી પત્નીનાં શોખને માણસ પૂરો કરતો થયો બે વર્ષમાં તેનાં ઘરે બાળકો આવે હવે બાળકની જવાબદારીઓ પોતાના પરિવારની જવાબદારી સામાજિક પારિવારીક પ્રસંગોમાં હાજર રહેવાની જવાબદારીમાં તે તેના ખુદનાં શોખને ક્યાંક ભૂલી ગયો તેને હજી ક્યાંક આશા હતી કે તેને પોતાના શોખને જીવવાનો મોકો જરૂર મળશે. આમ પણ રીટાયર્ડ લાઈફમાં તેને શું કામ હોય છે ? હા રીટાયર્ડ લાઈફમાં જ્યારે તેને આખે દેખાતું ઓછુ થઇ જાય, જ્યારે હાથમાં કલમ પકડવાનો મોકો મળે ત્યારે હાથ લકવાથી ધ્રુજતો હોય છે, વિચારો ની તીવ્રતાઓ ઓછી થઇ ગઈ હોય છે. અને પોતે એકલો હોય ત્યારે માણસ જવાબદારીમાં પોતાને ભૂલી ગયો, પોતાના શોખને ભૂલી ગયો, જવાબદારીનાં જાળામાં એટલો ફસાઈ ગયો કે નીકળવું મુશ્કેલ પડી ગયું. ક્યાંક વાચેલું મને યાદ આવે છે કે ક્યારેક પોતાના ફોન પરથી પોતાનો જ નંબર ડાયલ કરીને સાંભળજો એન્ગેજ ટોન સંભળાશે. “લોકો દુનિયાને મળવામાં જ મસ્ત છે બાકી પોતાને મળવાના બધા જ રસ્તા વ્યસ્ત છે”

  જ્યારે એક અતિ મહત્વનું કામ હોય અને જે તે વ્યક્તિ જેતે સમયએ નાં મળે તો કેવું ફિલ થાય છે. વિચારી જોવો જો તમે તમારી જાતને જ નાં મળી શકો તો ? તમે તમને જ તમારા શોખ ને જ ભૂલી ગયા હોય તો ? માણસનો શોખ એ કુદરત સાથે રહીને તમારું અને તમારી જાતનું એક કનેક્શન કરાવે છે. માનસિક રીતે થાકી ગયેલા શરીરમાં પ્રેમથી સ્ફૂર્તિ નો ઉમેરો કરી આપે છે.

  હા, પોતાને ભૂલી જાવ તમે પણ જયારે તમે તમારા શોખને જીવતા હોવ ત્યારે આ દુનિયાના ગાંડરિયા પ્રવાહમાં નહિ. ક્યારેક પોતાને પણ મળી લો પોતાનું મન ગમતું મ્યુઝીક સાંભળીને, પોતાનું ગમતું ચિત્ર દોરીને અને પોતાને ગમતી કવિતા લખીને. બાકી એક દિવસ બધું હશે પણ તમે તમારી જ સાથે નહિ હોવ તમે તમને મળવા માટે તડપતા હશો. તમે તમને મળવા માંગતા હશો પણ તમે ઓલવાય ગયા હશો, ઓગળી ગયા હશો. આ દુનિયાની ઝંઝાળમાં, પછી સોલીડીફિકેશન કરવું અઘરું પડશે.

  હા, ઓગળી જઈએ એની પહેલા જ થોડી વાર માટે પોતાને મળી જઈએ.

  “હું જિંદગીને ભરપુર જીવવામાં માનું છું,

  જિંદગી મને જીવી જાય એ કેમનું ચાલે ?”

  હું પોતે જાણું છું..!!

  મારા જીવનનો મારી જિંદગીનો હું જાણકાર છું,

  માનો કે નાં માનો હું તેને હાંકનાર છું.

  મારી સાથે ચાલનાર જરૂરથી કોઈ હોઈ શકે,

  મરીશ સાથે તેવું તે કહેનાર ને હું સાંભળનાર છું.

  લાશને પણ સમયનુસાર વિદાય આપવામાં આવે છે,

  ને સાચા સાથીદાર તરીકે લાકડાં સાથે હું બળનાર છું.

  મારા ચાહક પણ મને અડતા નથી, મને શું રાખને પણ,

  ને પવનની સાથે પછી હવામાં હું ઉડનાર છું.

  વાતો આ બધી ત્યાં સુધી, જ્યાં સુધી હું જીવતો છું,

  પછી તું અને હું આપણે એકે-બીજા ને ભૂલનાર છું.

  મારા જીવનનો મારી જિંદગીનો હું જાણકાર છું,

  માનો કે નાં માનો હું તેને હાંકનાર છું.

  LET’S CHANGE

  “સમય અને પરિસ્થિતિ અનુસાર દરેક માણસએ બદલાવવું પડે છે ભૂલ તેની નથી જે બદલાય જાય છે ભૂલ તેની છે જે તેવો ને તેવો જ રહી જાય છે.”

  આ આધુનિકતામાં રાચતો યુગ એ આજે આધુનિકતામાં ધટમૂળ થી બદલાય ચુક્યો છે ? હા પેલા ડબલા ફોન અને કોમ્યુટરની જગ્યા આજે મોબાઈલ અને લેપટોપએ લીધી છે અને પામટોપ પણ લેશે તો પણ નાં નહિ. પણ આ દુનિયા બદલાઈ છે તો શું આપણે હજી ત્યાજ છીએ ? તમે મને કહેશો કે નાં હું પણ બદલાઈ ચુક્યો છું પણ હું આ વસ્તુથી આવતા બદલાવની વાત નથી કરતો હું વાત કરી રહ્યો છું વિચારો સાથેનાં બદલાવની અને વાત કરી રહ્યો છું વર્તન સાથેનાં બદલાવની. ક્યારેક કોઈ પ્રેમી પ્રેમિકા વચ્ચે અથવા તો કોઈ બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો અચૂક એક વાક્ય સાંભળવા મળે “તું કે તમે બદલાય ગયા છો.” હા તે બદલાય ગયો છે એટલે જ તે સુખી છે તું પણ સમય અનુસાર બદલાય જા. જ્યાં જ્યાં માણસ બદલાયો નથી ત્યાં તે દુ:ખી થયો છે એવા અનેક ઉદાહરણ આપણી સામે છે. થતા સામજિક ઝઘડાઓનું મૂળ કારણ માણસમાં આવેલો બદલાવ નથી માણસમાં નાં આવેલો બદલાવ છે.

  નવી વહુ ઘરમાં આવે અને જો તે ઘરમાં ઝઘડા થાય તો એનું કારણ એ છે કે તે નવા ઘર અનુસાર વહુ બદલાઈ નથી કાં તો એ વહુ નાં વિચાર સાથે ઘરના લોકો બદલાયા નથી. તો શું આપણે વહુ નાં વિચારો સાથે ચાલવા માંડવાનું ? વહુ જેમ કહે એમ કરવા માંડવાનું? નાં મારો કહેવાનો મતલબ તેમ નથી. મારો કહેવાનો મતલબ એમ છે તેને પોતાને બદલાવાનો મોકો અથવા તો સમય આપો. અને બદલાવ એ થોડી ધીમી ગતિએ થતી પ્રક્રિયા છે.

  મારો એક ખાસ મિત્ર મહેનત તો તેણે અનહદ કરી હતી પોતાના સપનાંને પામવા માટે પોતે જે સપના જોયા છે તેને પુરા કરવા માટે તેનું સપનું હતું ડોક્ટર બનવું પણ નસીબ અનુસાર તેને ડોક્ટર તરીકે એડમીશન નાં મળ્યું તેને એડમીશન મળ્યું ડેનટીસ્ટમાં તો શું તેનું ડોક્ટર બનવાનું સપનું પૂરું નાં થયું એમાં તેણે દુઃખી થવું જોઈએ, ડિપ્રેશનમાં આવીને બેસી જવું જોઈએ. તમે કહેશો નાં એણે પોતાની લાઈફમાં આગળ વધવું જ જોઈએ. પોતાના સપનાંઓને બદલીને. તેણે પણ પોતાના સપનાંને બદલીને ડેનટીસ્ટની દુનિયામાં નામ કર્યું. જો તેણે તેના સપનાંઓને નાં બદલ્યા હોત તો તે દુઃખી થયો હતો. દુઃખનો જન્મ ત્યાં થાય છે જ્યાં માણસ સમય અનુસાર બદલાતો નથી. કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણી સાથે જિંદગીભર નથી રહી શકતું. જિંદગીના નિયમોમાં એ પણ સાચું છે કે “NOTHING IS PERMENENT IN THIS TEMPORARY LIFE” આ વાક્ય હું ત્યારે યાદ કરી લઉં છું જયારે હું સુખી હોવ કે દુઃખી હોવ, જ્યારે મારી જોડે પૈસા હોય કે નાં હોય, જયારે કોઈ ગમતી વસ્તુ મારી જોડે હોય કે નાં હોય. આ એક વાક્ય મને હંમેશા જીવનો એક નિયમ સમજાવે છે કે હું જે પળમાં છું એ પળને મારે પૂરે પૂરી જીવવાની છે, બની શકે કે આવતી કાલે મારી જોડે આ પળ નાં પણ હોય, તો મારે જેતે પળ અનુસાર પોતાની જાતને બદલવી પડશે. જિંદગીમાં સુખી દિવસોની સાથે ક્યારેક દુઃખી દિવસો પણ આવે છે આપણને દુઃખને પણ એન્જોય કરતા આવડવું જોઈએ જે દિવસે આપણે આ દિવસને એન્જોય કરતા શીખી જઈશું ત્યારે ઉમેરતાં વર્ષોમાં જીવન ઉમેરતા ચોક્કસ પણે શીખી જઈશું. એક વખત વિચારી જોઈએ જો રોજ પૃથ્વી પોતાનું સ્થાન બદલાતી જ નાં હોત તો ? દિવસ બદલાતો જ નાં હોત તો ? ઋતુ બદલાતી જ નાં હોત તો ? જિંદગી જીવવાની મજા આવત ? નાં આવત આપણે કંટાળી જાતને ? વિચારી જોવો કે નદીનું પાણી વહેતું જ નાં હોત તો અથવા તો એમ કહી શકાય કે નદીનું પાણી સમય અનુસાર બદલાતું જ ના હોત તો વિચારો કેટલું ગંધાઈ જાત ? કુદરત જ આપણને શીખવાડે છે સમય અનુસાર બદલાઈશુ તો જ જીવન જીવવાની મજા પડશે. નહિતો કંટાળી જઈશું. ગંધાઈ જઈશું. કુદરતના આ સુંદર નિયમને સમજીએ.

  હું તમને કે તમે મને નહિ બદલી શકો. હું મને જ અને તમે તમને બદલશો ત્યારે જ તો આપણું જીવન બદલાવાના સંપૂર્ણ ચાન્સીસ છે. આ સાથે જ એક વધુ અદભુત વિચાર આપવા માંગુ છું. આપણે બધાં જ આ વિશાળ દુનિયાના અનેક હાથ-પગ છીએ. જે એક પ્રકારની એનર્જી માફક એક બીજાથી જોડાયેલા છીએ. બિલકુલ આપણા શરીરની માફક જ. હું જો બદલાઇશ કે બગડીશ તો તેની અસર અન્ય લોકો સુધી થશે જ. જેમ એનર્જીનો એક નિયમ છે તે ક્યારેય નાશ નથી પામતી માત્ર ટ્રાન્સફર થાય છે એમ જ માણસની લાગણીઓ પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ ટ્રાન્સફર થાય છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ માની લો કે એક નેગેટીવ સ્વભાવને કારણે સ્કુલના પ્રિન્સિપાલ તેમની નીચેના કર્મચારી શિક્ષિકને તે શિક્ષક સાચા હોવા છતાંય તેમને ધમકાવે છે. હવે તે શિક્ષકનો ગુસ્સો ક્યાંકને ક્યાંક નીકળવાનો એ નક્કી જ છે બની શકે તે ગુસ્સો કોઈ વિધાર્થી પર ઉતારે અને તેને મારે, તેને દુઃખ લાગે એવું સંભળાવે વિધાર્થી કોઈ ખોટું પગલું ભરીલે અથવા તો ડીપ્રેશનમાં આવી જાય. કહેવાનો મતલબ આપણે એકબીજા સાથે જાણે- અજાણે જોડાયેલા છીએ. આખી દુનિયાને બદલવા માટે શરૂવાત આપણી જાતથી કરવી પડશે. ત્યારે ધીમે ધીમે દુનિયા બદલાવાની શરૂવાત થઇ જશે. જે બદલી શકાય છે તેને બદલી જ નાખવું જોઈએ જેમકે માણસ પોતાની જાતને, પોતાના સ્વભાવ ને, પોતાના વ્યવહારને અને વિચારો બદલી શકે તો બદલી નાખવું જોઈએ અને જે બદલી નાં શકીએ તેને સહજ સ્વીકારી લેવું જોઈએ જેમકે ભૂતકાળને બદલી શકતો નથી પણ તેને સ્વીકારને ભવિષ્યને બદલી શકાય છે.

  આપણી જાતમાં આવતો બદલાવ એ આપણી અને બીજાની જિંદગી બદલાવાની અને દુનિયા બદલાવાની પણ ક્ષમતા ધરાવે છે. ચાલો જરૂર પડે બીજાને બદલવા કરતા ખુદ બદલાઈ જઈએ.

  “વિશ્વાસ છે એક દિવસ આપણે બદલાય જઈશુંએક બીજાના થઇ, એક બીજા માટે વહેચાય જઈશું”

  બદલાય જઈશું.

  એક જ જગ્યાએ ઉભા રહીશું તો ગંધાઈ જઈશું,

  રંધાતા રાંધણની જેમ આપણે રંધાઈ જઈશું.

  સ્વીકારવું પડશે, બદલાવ જરૂરી છે જીવનમાં,

  નહિતો ફેકાતા એઠવાડની માફક ફેકાઈ જઈશું.

  પૃથ્વીને પણ પોતાનું સ્થાન બદલવું ગમે છે,

  સૂર્યની આસપાસ તેને રોજેરોજ ફરવું ગમે છે.

  તું તો તેની સામે નાનકડો એક કણ છે યાર ?

  તને કેમ એક જગ્યા એ રહીને જીવવું ગમે છે ?

  ભૂતકાળ એ વીતી ગયેલી ગઈકાલ છે માની લે,

  ભવિષ્યકાળ આવનારી આવતીકાલ છે જાણી લે.

  ભૂતકાળ ભૂત સમાન, ભવિષ્યકાળ ને ભવની વાર

  ‘આજ’ ને આ ઘડી છે મહત્વની બસ તું માણી લે.

  Let’s share.

  “સબંધ નામની શેરીમાં હું પ્રેમ વહેચવા માટે નીકળ્યો ”

  ટેકનોલોજીના નવા કપડાં પહેરી લેનાર મનુષ્યમાં ધીમે ધીમે હવે ટેન્શનનો પણ વધારો થઇ રહ્યો છે. એક અદ્રશ્ય એવો ટેન્શનનો ટોપલો માથે લઈને મનુષ્ય ચાલવા લાગ્યો છે. આ જાદુઈ ટોપલો દેખાતો કોઈને નથી પણ તેનો ભાર અનહદ લાગે છે. પડછાયાની જેમ આ ટેન્શનએ પણ હવે મનુષ્ય જોડે રહેવાનું નક્કી કર્યું છે. પડછાયો રાતે અલોપ થઇ જાય છે પણ સાલું આ ટેન્શન તો અલોપ જ નથી થતું અને મનુષ્યના માથે બેસીને નંગારાઓ વગાડ્યા કરે છે. મનુષ્ય ટેન્શનમાં નથી જીવતો પણ ટેન્શન મનુષ્યમાં જીવવા લાગ્યું છે એવું કહી શકાય.

  ટોપલો લઈને મનુષ્ય સમયના રસ્તા પર જેમ જેમ આગળ નીકળતો જાય છે તેમ તેમ તેના ટેન્શનમાં ઘટાડો થવાને બદલે ટેન્શન ધીમે ધીમે વધતું જાય છે. ટેન્શનથી દિવસ ઉગે છે અને ટેન્શનથી દિવસ આથમે છે. ટેન્શનમાં જીવતો મનુષ્ય એટલે મગજમાં ચડી ગયેલી કીડીઓ સાથે લડી રહેલો મનુષ્ય. આજનાં યુગમાં એટલી બધી મુશ્કેલીઓ દિવસે દિવસે મનુષ્યના જીવનમાં આવતી જાય છે કે જો ભગવાનને સામાન્ય મનુષ્ય બનીને જીવવાનું કહેવામાં આવે તો તેમને પણ અઘરું પડે તેનું મુખ્ય કારણ છે કે ખુબ સુંદર, અદભૂત અને પ્રેમથી ઠસો ઠસ ભરેલી દુનિયાને આપણે રમતનું મેદાન સમજી લીધું છે. જ્યાં દરેક માણસને જીતવું છે પણ કોઈને હરાવીને.!! જેમ રમતના મેદાનમાં એક જીતે તો બીજો હારે જ છે એમ. આપણે પણ જીતવા માટે કોઈને હારવાનું એવું નક્કી કરીને બેઠા છીએ. નાનપણથી જ શીખવ્યું છે આપણને બેટા, રમવું હોય ને તો જીતવા માટે જ રમવાનું. આપણે એક બાળકનું ઘડતર એક ઉગતા કુમળા ફૂલની માફક નથી કરતા. ટેન્શન સહી શકે અને રીસલ્ટમાં પ્રથમ આવી શકેને એવા એક રોબોટ તરીકે કરીએ છીએ એટલે જ આ દુનિયા રમતનું મેદાન બની ગઈ છે અને આપણે તેના ખેલાડીઓ. જો કોમ્પિટિશન જીતીશું નહિ તો આગળ નહિ વધી શકીએ. એવી એક માન્યતાનું આપણા મગજમાં પ્રોગ્રામિંગ કરી દીધું છે અને આ પ્રોગ્રામિંગની આ ભુલને લીધે ટેન્શન નામનો વાયરસ આપણા દરેકના મનમાં ઘર કરી બેસી ગયો છે. જો હું સારું રીસલ્ટ નહિ લાઉં તો ? જો હું જિંદગીની કોમ્પિટિશન નહી જીતી શકું તો ? જેવા પ્રશ્નો ટેન્શનમાં સતત વધારો કરે છે.

  ટેન્શન દુર કરવાની એક જાદુઈ વાત છે જે આપણને કદી આપવામાં આવી જ નથી. જાદુઈ વાત એટલે આપણી વાતો ને શેર કરવી. એક હાર્ટ હોસ્પીટલની બહાર લખ્યું હતું ‘દિલ ખોલ લિયા હોત દોસ્તો કે આગે તો આજ યહા નહિ ખોલના પડતા.” લગભગ આપણને કદીય શીખવ્યું જ નથી ટેન્શન, નોલેજ, ખુશી, પ્રેમ અને હાસ્યને શેર કરવાનું. Sharing is the best power in this world. શેર કરવાથી ટેન્શન ઘટે છે ખુશી, પ્રેમ , નોલેજ, હાસ્ય વધે છે. આ જીવન રૂપી રમતના મેદાનમાં આપણને હંમેશા એમ જ શીખવ્યું છે જો આપણે શેર કરીશું તો આપણે કદાચ હારી જઈશું, આપણાથી કોઈક આગળ વધી જશે અને આપણે પાછળ રહી જઈશું. શું આપણને માત્ર સ્વાર્થી બનતા શીખવવામાં આવ્યું તો નથી ને ? “જિંદગીના તત્વો ‘સુખ, દુઃખ, પ્રેમ, એકલતા, ટેન્શન આપણે જો કોઈની સાથે શેર નહિ કરીએ તો કદાચ આપણે એકલતાનો ગુબંજ બની જઈશું”. અમારે અહીં ગાંધીનગરમાં એક સોડાવાળા કાકા છે. લારી લઈને સોડા બનાવતા કાકા અને બિલકુલ તે જગ્યાની આસપાસ બીજા ૨ ૩ સોડાવાળા છે. પણ સૌથી વધુ બધા તેમને ત્યાં જ સોડા પીવા આવે “સોડા નાં ભાવે તો પૈસા પાછા” આવું વાક્ય લખીને કાકા બધાને સોડા પીવડાવે. કોઈ જોડે કોઈક વાર બને કે પૈસા નાં હોય તોય કાકા નાં નાં પાડે પ્રેમથી બધાને પીવડાવે. લગભગ બે વર્ષ પહેલાં એ કાકાને કોઈ જાણતું પણ નોહતું અને ૨ વર્ષમાં કાકા એ બીજી ૪ લારીઓ કરી નાખી. શેર કરવાનો નિયમ એમની આગળથી અદભુત રીતે શીખી શકાય. એ વ્યક્તિ ગ્લાસ ધોવા માટે દાડિયા રાખે છે, સોડાનો મસાલો તૈયાર કરવા માટે પણ અલગ લોકો રાખે છે. એ વાત મારા દિમાગમાં ઘર કરી ગઈ. ૧૦ રૂપિયાની સોડામાં થી પણ કાકા ૨ રૂપિયા બીજાને શેર કરવાની વૃતિ ધરાવે છે. એટલે જ કાકા દિવસે ને દિવસે આગળ વધે છે. તે હંમેશા કહે છે જેવું આપીશું તેવું જ પામીશું.

  એવી દુનિયાનું નિર્માણ કરીએ જ્યાં માત્ર આપણે જ નથી જીતવાનું બધાને સાથે લઈને જીતવાનું છે.

  એક શહેરની વાત

  આ એક અજીબ શહેરની વાત છે.

  જ્યાં રોજ કાળી અંધારી રાત છે

  આ શહેરનું નામ જ અંધકાર છે

  બસ નફરતનો ત્યાં કકરાટ છે

  એક વાર મારે ત્યાં જવાનું થયું

  પ્રકાશ અને પ્રેમનું પોટલું લઇ

  દ્વાર - દ્વાર ખખડાવવાનું થયું

  વગર કારણે પીટાવાનું થયું

  કઠણ જમીન પર છોલાવાનું થયું

  પોટલુ હાથ માંથી છુટી જાય છે

  બાંધેલી ગાંઠો તેની તૂટી જાય છે

  પ્રેમ મારો બધે પ્રસરી જાય છે

  લોકોની આંખો હજી ફાટેલી છે

  આ શું ચીજ* નવી આવેલી છે ?

  ધીમે ધીમે તેમને સમજાય છે

  લોક હર્દયમાં જયારે ઊંડે જાય છે

  અચાનક બધે પ્રકાશ ફેલાય જાય છે

  લોકોના ચહેરા પર સ્મિત વેરાય છે

  પડી ગયેલા ‘જય’ને ઉભો કરાય છે

  શું થયું ભાઈ? એવું પુછાય છે

  ‘કઈ નહી’ કહી ચાલ્યું જવાય છે

  થોડે દુર જઈ ને પાછળ જોવાય છે

  શહેરનું નામ ‘અજવાશ’ થાય છે

  *(ચીજ = પ્રેમ, પ્રકાશ)

  “પ્રેમનો ઉભરો જો જિંદગીના વાસણમાં આવી જાયને તો ઉભરાવા દો તેને બસ, આપણે તે પ્રેમનાં રેલાને લોકો સુધી પહોંચાડવાનો છે, પ્રેમને શેર કરવાનો છે.”

  THANK YOU

  SIR ISAAC NEWTON

  મારું જીવન એ વિજ્ઞાનના અને તત્વજ્ઞાનનાં વિચારો વચ્ચે હંમેશા ઝૂલા ખાતું રહ્યું છે. કુદરતનો આભારી એ બાબતે રહ્યો છું કે વિજ્ઞાનને સમજવાની સાથે વ્યવહારને અને જિંદગીને સમજવાની રીત, આવડત અને સમજ કુદરતએ મારામાં કેળવી છે. એન્જીન્યરીંગનાં થોથા વાંચતા વાંચતા જિંદગીની ફિલસુફીઓ કરી નાખવાની મને અદભૂત મજા આવે છે.

  એ ન્યુટન..!! એણે વિજ્ઞાનની સાથે સાથે વ્યવહારિક રીતે પણ તેનો ત્રીજો નિયમ મને સમજાવી દીધો. “આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે” જેટલો વિજ્ઞાનને આ નિયમ સાચો લાગ્યો એટલો મને વ્યવહારની દ્રષ્ટિ એ પણ આ નિયમ સાચો લાગ્યો. જિંદગીમાં દરેકને ક્યારેય સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ દુ:ખ મળતું નથી. સુખ દુ:ખ એક રીતે ચક્રની માફક ફર્યા કરે છે. કરોડપતિ લોકોને પણ બીજા દિવસની સવાર રોડપતિ બનાવી દેતી હોય છે. ખુશ રહેતા માણસનાં જીવનમાં પણ ગમ નાં વાદળો આવી જતા હોય છે. સુખ અને દુઃખ એક બીજાના પ્રત્યાઘાતો છે. માણસને સુખ સાચવતા નાં આવડે ને તો તેનું રીએક્શન દુઃખ સ્વરૂપે આવે છે. પોતાના સુખને લીધે જો જે તે માણસ છકી જાય અને ઘમંડ કરી બેસે તો ક્યારેક તે બહુ ખરાબ રીતે નીચે પછડાય છે. જો આપણે કોઈને સુખ આપીશું તો સુખ મેળવીશું અને દુઃખ આપીશું તો દુઃખ સામે આપણને મળશે એવું બની શકે.

  આભાર..!! ન્યુટન આવો અદભૂત નિયમ આપવા બદલ..!!