વળ...કળ
લવજીભાઈ નાકરાણી
Lavjibhainakrani@gmail.com
આજે બા ની ખબર જોવા આવેલા પણ નહી ઓળખાયેલા માજી સ્ફૂર્તિથી ચાલતા બા ના ખાટલા પાસે પહોંચતા જ મેં ”આવો માડી,જય શ્રી કૃષ્ણ ” કહ્યું કે તરત જ મારી સામું જોઇને ..” લે..આ તો મારો બટીયો…ઓળખાતો યે નથી,નાનો હતો તઈ હાવ મલોખા જેવો હતો,હવે તો મોટો ફાંદો નાખી ગયો સે ..અને માડી નો દીકર્યો થા સો ત્યે હું તારી ફઈ થાવ સઉ ..ઓળખતો ય બંધ્ય થઇ ગ્યો લે..” બા એ ખાટલામાં બેઠા થઈને આવકારો આપતા કહ્યું આવો કાશી બેન આવો..એટલે તરત જ જૂના સ્મરણ તાજા થતા યાદ આવી ગયું ..હા..હા..ઓળખ્યા..આ તો કાશી ફઈ..!
વેકેશનમાં જયારે ગામડે જઈએ ત્યારે ખેતરમાં મજૂર તરીકે કામ કરવા આવતા પાછળની શેરીમાં જ રહેતા કાશી ફઇ બહુ જ રાજી થતા,બા ને ઘણી વાર કહેતા આને ભણે એટલો ભણાવજો,મને પણ વાત વાતમાં એમની તળપદી વાણીમાં બેટા ને બદલે ‘બટા’ એમ કહ્યા કરે,જે ખાસ ગમતું તો નહી..નાનપણમાં બીમાર બહુ પડતો ત્યારે ખબર જોવા ખાસ આવે ,માથે હાથ ફેરવે,માથું દબાવે ,દેશી ઓસડીયા પણ લઇ આવે,…
પછી તો પાંત્રીસેક વર્ષ જેવો સમય વીતી ગયો,ધંધાર્થે બહાર રહેવાનું હોવાથી રોકાવાનું ઓછું થાય…
પછી તો ઘણી બધી વાતો થઇ.. કાશી ફઈની લગભગ પાંસઠ સડસઠ વર્ષની ઉમરે નાકમાં સોનાની નથ,ગળામાં સોનાથી મઢેલો પારો,અને સોનાનું ડોકીયું ,કપાળમાં ચાંદલો,હજી અકબંધ અને અખંડ જોઇને તે વિષે જીજ્ઞાસા થતા સહજતા પૂર્વક જ પૂછ્યું..” એક વાત પૂછું ફઈ ..? ”
”મને પુસવું સે ..! પુસ્ય ને બટા,ખબર્ય હશે તો કઈશ ”
” તમને તો હું સમજણો થયો ત્યારથી ઓળખું,પણ હું હજી આટલા બધા વરસ થયા પણ મારા ફૂવાને નથી ઓળખતો,કે નથી તમારા કોઈ ભાણીયા- ભાણકી ને..અને આમ તો મેં ક્યારેય કોઈને જોયા પણ નથી ..”
નવાઈ લાગે એ રીતે કાશી ફઈ ડોળા કાઢતા હોય એમ મારી સામે તાકી રહ્યા હતા..
બા એ વચ્ચે જ કહ્યું, ” આ પંખો ધીમો કરી દેતો જા ,..અને ઘડીક ડેલામાં ખાટલા છે ત્યાં જો કોક આવ્યું લાગે છે ત્યાં ઘડીક બેસ…હમણાં હું ને ફઈ બેઠા છીએ.. તને સાદ કરું ત્યારે આવજે…”
મેં ડેલા તરફ નજર કરી,ખાટલા જેમ ઢાળેલા હતા તેમ જ હતા કોઈ બેઠેલું દેખાયું નહી..છતાં હું ઉભો થઈને ડગલું ભરું કે તરત જ કાશી ફઈએ કહ્યું , ” હાશી વાત સે બટા , તું કોઈને નો જ ઓળખ્ય..” અને પછી બા ને ઉદ્દેશીને કહ્યું ”તમે ઉપાધી કરો મા ,હું આજ મારા બટાને એના ફુવાની ઓળખાણ કરાવું..અતારમાં ટેમ સે ત્યાં હું એને મારી વાત કરું..પશી પાસા માણહ મંડશે આવવા તે ઈ પેલા હું હંધું ય આજ તો કઈ દઉં..” અને કાશી ફઈએ વાત આદરી,વચ્ચે વચ્ચે ક્રોધથી લાલચોળ થતા જાય તો ક્યારેક ગળે ડૂમો બાઝે,આંખના ખૂણા પણ ભીના થાય..
બધી વાત લગભગ પૂરી થવા આવી ત્યારે મેં પૂછ્યું કે ” તમારો એક નો એક દીકરો એના લગ્નમાં તેડવા આવ્યો ત્યારે ગયા હોત તો તેને કેટલું સારું લાગે ત..”
” ના રે ..ના ..ઈ તો એના બાપે કીધું હશે એટલ્યે આવ્યો હોય,પણ મારે ઈ કોયના મોઢા જ જોવા નથ્ય ને..! ”
” પણ એમાં બિચારા છોકરા નો શું વાંક..?” મેં કહ્યું
” સોકરો મુળ્ય તો એનો ને..અરે જેની હાટુ થઇ ને માવતર્ય મૂકીને આપડે એના થઇ જાઈ,એને આપડી જાત્ય હોંપી દયી ઈ એને જરાય વચાર જ નય..ઈ હું એના બાપની થઈને રહી પણ એનો બાપ મારો નો થ્યો, મારીથી વધુ ઉજળા ચામડાવાળી ક્યાંકથી આવી મળી તે એનો થઇ ગ્યો,જેને માણહની કીમત્ય જ નો હોય એવાના ડાચા કોણ જોવે..? ”
પૂછ્ય ..આ મારી માં જેવી જ આ ખાટલામાં બેઠી સે ઈ તારી માને પૂછ્ય હું એને એનો અઢી વરહનો સોકરો દઈને આયાં મારા પિયરના ગામમાં આવી ત્યારે મને બીજું ઘર કરવાનું મારા બાપે અને બધા નાતીલાએ ટૂટી જાય એટલી હમજાવી ..પણ મેં મારા બાપને કીધું તું કે મારા ભાગ્ય એવા હશે તે મારે આવો ભટકાણો..તમી યે તો મને એકલીને ૬૦ વીઘા વાડી ભાગમાં આવે એવા ઘરે દીકરી સુખી થશે એમ જોઇને જ આપી હતી પણ મારે હવે બીજે ક્યાય જવાનું નથ્ય..મને ય ખબર્ય સે બાપુ કે મારે આયાં દાડીયું કરીને જ પેટ ભરવાનું સે,પણ હું તમને કોય ને ભારે નય પડું..અને મારે લીધે કોય ને હેઠા જોયું નય થાય..બધા ઈ વાતની કાળજે ટાઢક રાખજો ..અને મારી ક્યાય ભૂલ્ય પડે તો હું કાશી કોળણ નય..!અને પૂછ્ય આ બા ને કે આખી અણીએ જીવી ગઈ સવ..અને અમારે એકલીયું બાયું ને જુવાની અને રૂપ હોય તયે કાઈ કાળોતરા ઓછા આડા નથ્ય ઉતરતા ..! જેવું તેવું સહન નથ્ય કર્યું બટા.!” કોય દિ કેડ્યમાં દાતરડું લીધા વિના બહાર જ નથ્ય નીકળી ..હજી દાતરડું રાખવાની ટેવ જ છે મારી કેડ્યમાં જ હોય પણ બે દિ પેલા માવુભાના કૂતરા ને છૂટું માર્યું તે એને આંટી તો ગઈ ..પણ દાતરડાનો હાથો પાણા હારે ભટકાણો તે ભાંગી ગયો સે..”
વાત તો બધી બરાબર છે ફઈ ..પણ આદમી છે, એવી ભૂલ્ય તો ઘણા કરે ..કોઇના ઘરે બાઈ પણ આવી ભૂલ કરે પણ છોકરાઓ માટે થઈને જતું કરી લે અને બીજી વાર ભૂલ નો કરે,છોકરા મોટા થવા માંડે એટલે પછી બધાને સમજણ આવે જ ને..!અહિયાં આવીને ય સહન ઘણું કર્યું એમ ત્યાં સહન કરી લીધું હોત તો ..”
”એ સહન કરાતું હોય ને ઈ કરાય બટા..તું વળી મને હું હમજાવતો હતો ..! ”
પણ તમે વાત કરી કે તમારો ભાણિયો એના લગ્ન વખતે ઘરની મોટર લઈને તેડવા આવેલો તો ત્યારે ગયા હોત તો ..ગમે તેમ તો ય તમે એની મા તો ખરા ને..”
હા ..મા ખરી પણ,મારી ઓલ્યા ભવની કઠણાઈ કે આવા નકામની પરજાને મારે જનમ દેવો પડ્યો… ..પણ ઈ બી તો હલકું ને..! એનો બાપ કોણ..? હે..! હું એની થઇ પણ ઈ મારો નો થ્યો..ચાર ફેરા ફરીને લઇ ગયેલો તો ય મારો નો થ્યો..હું જીવતી ખોડાણી તી ત્યાં મારી નજર હામે બીજી બેહાડી ..મને દગો દીધો એવાની પરજાને મારે તો પોંખવી ય નો’તી અને એના મોઢા ય મારે જોવા નથ્ય..હું એને કે’તી આવી થી કે આ લે તારો સોકરો તું હંભાળી લે..અને હવે તારો ઉંબરો ચડું કે તમારા ડાચા જોઉં તો હું કાશી કોળણ નય..”
આગળ વાત ચાલે તે પહેલા સાવ ઓસરી પાસે આવીને ફેરીયા એ બૂમ પાડી..” એ દાતરડા લેવા છે..દાતરડા ..ખટારાની કમાનના પાટામાંથી બનાવેલા દાતરડા …”
અને કાશી ફઇએ દાતરડાવાળાને જોઇને કહ્યું ..”આ સોકરો દાતરડા બવ હારા બનાવે સે,એના બાપા પેલા દાતરડા વેસવા આવતા તયે હું એની પાંહેથી જ લેતી ..મારે ય હવે એક નવું દાતરડું તો લેવું પડે એમ સે પણ.. ..અતારે મારા કાપડાની ખીસ્સીમાં કાંય નખાણું નથ્ય ..એલા દાતરડાવાળા ભાઈ, અમારી આંબલીવાળી શેરી બાજુ ઘડીક રહીને નીકળજે હો…!”
અને ..
એક દાતરડું ખરીદીને કાશી ફઈને આપ્યું…
— લવજીભાઈ નાકરાણી