નામ: પાર્થ ભાવેશભાઈ દવે
ઈ-મૈલ: parthbdave93@gmail.com
આધ્યાત્મિક વિજ્ઞાની અને આદર્શ શિક્ષક
કલામ...
ઘરની આજુબાજુ ઘણા નાના નાના છોકરાઓ રહે. રોજ રમે-વાતો કરે. સાતેક દિવસ પહેલા શાંતિથી એમને સાંભળી રહ્યો હતો. એ બધામાં એક મોટી છોકરી કહેતી હતી: અમે અબ્દુલ કલામની યાદમાં મૌન પાડ્યું હતું સવારે. એ આપણા રાષ્ટ્રપતિ હતા એક વાર. બીજા નાના છોકરાએ કહ્યું: હા, મેં જોયું એ... એમના વાળ કેવા હતા ને?.. બીજી સૌથી નાની દીકરી બોલી: છૂટી હતી બધાને..?! ત્યાં જ વચ્ચેથી જ વાત કટ કરીને પેલી છોકરી બોલી: નાં... એમણે કહ્યું’તું કે હું મરી જાઉ પછી રજા ન રાખજો ખોટી. સામે વધારે કામ કરજો..!
બસ.. માણસની સફળતા માપવા માટે કોઈ ડીગ્રી કે સર્ટીફીકેટ કે પ્રશંસાના ઢગલા કે મોટી મોટી શ્રધ્ધાંજલિઓની જરૂર નથી હોતી. બાળકમાં ભગવાન હોય છે. અને એ જે વિચારે છે, કહે છે એ ત્યાં સુધી પહોંચે જ છે...
આપણે અબ્દુલ કલામ વિષે, તેઓ જયારે આપણી વચ્ચે હતા ત્યારે પણ અને એમના ગયા પછી ચિક્કાર વાંચ્યું-સાંભળ્યું છે. સ્કુલમાં એમનો પાઠ આવતો. બીજું કંઈ નહિ તો, ઘણાને એ પાઠ તો યાદ આવી જ ગયો હશે.
કલામસાહેબ વિષે કશુંક લખવા બેસીએ એટલે એકસામટું રીવર્સમાં ઘણું બધું દેખાય છે. એમની આત્મકથા ‘વિંગ્સ ઓફ ફાયર’; જેનું વાંચવું ગમે એવું ગુજરાતી અનુવાદ હરેશ ધોળકિયાસાહેબે કર્યું છે, ૨૦૦૨માં લખાયેલી ‘ઈગ્નેટેડ માઈન્ડ’ એટલે કે ‘પ્રજ્વલ્લિત માનસ’, મિત્રો અરુણ તિવારી અને વાય. એસ. રાજનની સાથે લખાયેલું ‘ભારત ૨૦૨૦:નૂતન શતાબ્દી માટે એક દ્રષ્ટિ’; જે એમનું એક સ્વપ્ન હતું... અને દેખાય છે: એક સૂટકેસ સાથે લઈને એમની રાષ્ટ્રપતિભવનમાં એન્ટ્રી, ત્રણ જોડી સફારી, વિખરાયેલા વાળ, ચહેરા પર હાસ્ય, આકાશના રહસ્યો પાર કરવાની ધગશ, અને ઉંચે ઉડતા બગલા ને સીગલને જોતી રહેતી રામેશ્વરમના પંદર વર્ષના તરુણની આકાંક્ષાથી ભરપૂર બે આંખો...
અને એ રામેશ્વરમનો તરુણ, સીધોસાદો ગ્રામીણ છોકરો એક દિવસ આકાશમાં ઉડે છે...
***
અબ્દુલ કલામની જિંદગી ચારે બાજુ ફેલાયેલી છે. એમની સાદગી, વિનમ્રતા, વિચક્ષણ બુદ્ધી લાજવાબ હતા. એમના જીવનની; રામેશ્વરમ્ ગામના એક નાવિકના દીકરા તથા છાપાના ફેરીયા તરીકેની શરૂઆતથી કરી ‘મિસાઈલ મેન’ તરીકેની પ્રસિદ્ધિ, અને ૨૦૦૨માં રાષ્ટ્રપતિ પદ પર બીરાજવું, વગેરે આ બધાથી આપણે વાકેફ છીએ જ. એમને બાળકો પ્રત્યે લગાવ હતો. યુવાનોમાં તેઓ દેશનું ભવિષ્ય જોતા. અને આમ પણ બાળકો-યુવાનો કોઈ પણ અઘરી અટપટી વાતને ઝટ સમજી જતા હોય છે ને!
પ્રશ્નો, બાળકો અને કલામ!
અબ્દુલ કલામને બાળકોના પ્રશ્નો ખુબ ગમતા! તેઓ કહેતા કે પ્રશ્નોથી જ વિજ્ઞાન ઉદભવ્યું અને માત્ર પ્રશ્નોથી જ ટકી શકે છે. વિજ્ઞાનનો મૂળભૂત પાયો જ પ્રશ્ન છે અને બધા જાણે છે કે બાળકો નિરંતર પ્રશ્નોનો સ્ત્રોત છે. કલામસાહેબે તો એક બાળકને જવાબ આપતા કહેલું કે, બાળક જ પ્રથમ વિજ્ઞાની છે. કારણકે પ્રશ્નોમાંથી જ નવા વિચારો જન્મે છે... મને બે ઉમદા પ્રશ્નો તથા તેના જવાબો તમારી સાથે શેર કરવા છે..
૧) ૧૧મી એપ્રિલ ૨૦૦૨ની સાંજ હતી. કોમી રમખાણો પછીના સમયે આણંદના મોટા ભાગમાં કર્ફ્યું જેવો માહોલ હતો. કલામસાહેબ આણંદની આનંદાલય હાઈસ્કુલના એક સમારોહમાં વક્તવ્ય માટે આવ્યા હતા. વક્તવ્ય બાદ વિધાર્થીઓ સાથેની વાતચીતમાં એક બાળકે પ્રશ્ન પૂછ્યો: ‘આપણો દુશ્મન કોણ છે?’ કલામસાહેબને પ્રશ્ન ગમ્યો અને એનો ઉત્તર અન્ય બાળકોને આપવાનું કહ્યું. કેટલાય ઉત્તરો મળ્યા; કેટલાક જવાબો એ પરિસ્થતિ મુજબ કેવા હશે એ આપણે સમજી શકીએ છીએ. પણ સેજલ ઠક્કર નામની બારમાં ધોરણમાં ભણતી બાળાએ સમજપૂર્વક જે જવાબ આપ્યો, એ હતો: ‘ગરીબાઈ. ગરીબી જ આપણો દુશ્મન છે.’ કલામસાહેબને આ જવાબ લાગી આવ્યો. કેટલો સચોટ ઉત્તર. દરેક પ્રશ્નો કે તકલીફોનું મૂળ તો ગરીબી જ છે ને. તેમણે ૨૦૦૨માં લખેલું પુસ્તક ‘ઈગ્નેટેડ માઈન્ડ’ ગુજરાતની, આણંદની આ વિધાર્થીનીને અર્પણ કર્યું છે.
૨)એક બાળકે ઝાટકો આપે એવો પ્રશ્ન કરેલો: ‘સર, શું પાકિસ્તાનનાં હથિયારો ભારતના હથિયારો કરતા તુલનામાં વધારે મજબૂત છે?’ કલામ કહે છે કે, મેં એને સામે પૂછ્યું કે તને આ શંકા કેમ થઈ?! અને એનો જવાબ હતો: સમૂહ માધ્યમોમાં જોયેલા-સાંભળેલા અહેવાલોને કારણે.. કલામસાહેબના અંતિમ દિવસે જ એક ટેરેરીસ્ટની ફાંસી આપવી કે નહિ- એ વિષે બહેસબાઝી ચાલતી હતી. અને ફાંસી થયા પછી અમુક મીડિયા-ન્યુઝ ચેનલોએ શા માટે એને અતિમહત્વ આપ્યું એવો પ્રશ્ન સરકારે પણ કર્યો છે. કલામસાહેબ પ્રશ્ન સંદર્ભે કહે છે કે આ દેશની એક અનોખી વિશિષ્ટતા છે કે આપણે આપણી ક્ષમતાઓને ઊંણી કરીને આંકીએ છીએ...
અબ્દુલ કલામ ઘણી શાળા-સંસ્થાઓમાં હાજરી આપવા, વક્તવ્ય માટે ગયા. બાળકોને મળ્યા. નજીકથી જોયા. તેઓ કહે છે કે, આ બેઠકોમાંથી મને સમજાયું છે કે તેમને માટે આદર્શો હોવા કેટલા જરૂરી છે, પછી ભલે તે વિજ્ઞાન, ઉધોગ, ખેલકૂદ, મનોરંજન કે અન્ય ક્ષેત્રે કેમ ન હોય. પ્રશ્ન એ છે કે: શું આપણે આપણા બાળકોને કોઈ આદર્શ આપી શકીએ છીએ? અને કેવી રીતે?
***
આધ્યાત્મિક વિજ્ઞાની અબ્દુલ કલામ!
અબ્દુલ કલામને જેમ બાળકોથી લગાવ હતો એમ સાધુ સંતો પ્રત્યે પણ અજબ આકર્ષણ હતું. તેઓ ધાર્મિક નહોતા પણ શ્રદ્ધાળુ હતા. વેદ ઉપનિષદ અને ગીતા તથા કુરાનના જાણકાર હતા. સાહિત્યના ઉપાસક હતા. પોતાના વકતવ્યોમાં શાસ્ત્રોના પ્રમાણ ટાંકતા. તેઓ સ્પષ્ટપણે માનતા કે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય વિજ્ઞાની સિદ્ધાંતો તથા પ્રવિધિઓનો ભંડાર છે; એટલે સુધી કે તેમાં વિમાન કેવી રીતે બનાવી શકાય એવા વિષય અંગે પણ સામગ્રી ઉપલબ્ધ છે. તેઓ હમેશા કહેતા કે, સંસ્કૃત સાહિત્ય ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા અને આયુર્વેદ જેવા વિષયો અંગેની માહિતીઓથી ભરપૂર છે.
આ રીતે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના જોડાણની શરૂઆત થઇ તારીખ ૨૩ જૂન ૨૦૦૧થી. એ દિવસે કલામ અમદાવાદમાં સ્વામીનારાયણ સંસ્થાના શ્રીપ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. કલામસાહેબે સ્વામીને વિજ્ઞાન અને આધ્યાત્મિકતા તથા રાષ્ટ્રીય વિકાસમાં એમની ભૂમિકા વિષે પ્રશ્નો પૂછ્યા અને સ્વામીએ જવાબો આપ્યા. એ આખી વાતચીત ‘ઇગ્નેટેડ માઈન્ડ’ના બીજા ચેપ્ટરમાં છે. અને આ વિજ્ઞાની કમ ઋષિ અને સ્વામીની પહેલી મુલાકાતથી કરીને ૨૦૧૪ સુધીમાં થયેલી બધી જ મૈત્રીભરી મુલાકાતો તથા પોતાના અનુભવો કલામે થોડા દિવસો પહેલા પ્રકશિત થયેલા એમના પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’માં વર્ણવ્યા છે. એક આધુનિક વિજ્ઞાની અને પૂર્વ રાષ્ટ્રપતિ એક શ્રેષ્ઠ આધ્યાત્મિક ગુરુ-સંત વિષે પુસ્તક લખે અને અર્પણ કરે; આ ઘટના જ અલૌકિક છે.
આજીવન શિક્ષક કલામ...
‘યુવાનોને કોઈ આદર્શ આપણે આપી શકીશું?’- પૂછનાર કલામ કહેતા કે, પંદર વર્ષ સુધીના બાળકના આદર્શ એમને સર્વોત્તમ માર્ગદર્શન પૂરું પાડનાર માતા-પિતા અને શિક્ષક જ હોવાના. કલામ પોતાને શિક્ષક તરીકે ઓળખાવામાં અને એમના ગયા પછી શિક્ષક તરીકે જ લોકો યાદ કરે એમ ઈચ્છતા હતા. એ એક આદર્શ શિક્ષક હતા એમ કહી શકાય. ૬૯માં સ્વતંત્ર દિનની નજીક જયારે જે દિવસે કલામસાહેબ ગયાના સમાચાર મળ્યા ત્યારે કેટલાય શિક્ષકોને સરકારી રજા હશે કે નહિનો પ્રશ્ન પહેલો થયો હશે! સ્વાતંત્ર્ય દિવસે પણ વહેલી રજા પડશેની ભાવના વધુ હોય છે! ખેર, કલામસાહેબનો અતિઅતિ પોઝીટીવ પોઈન્ટ એ હતો કે તેઓ નેગેટીવીટીથી જોજનો દુર રહેતા. આપણે પણ દુર રહીએ.
કલામસાહેબ દરેકના નજીક અને પ્રિય હતા એનું કારણ છે એમની સાદાઈ. જે એમના માટે સાવ સહજ હતી. તેઓ કહેતા કે, ‘કેટલીય પેઢીઓથી આપણા પૂર્વજો આ સંકલ્પનાથી તેમનું જીવન જીવ્યા છે. આપણે ભૌતિક દુનિયામાં કદાચ ખૂંપી ગયા છીએ એટલે આ વિચાર બહુ મહાન લાગે છે!’ સાદગી અઘરી કે મોંઘી નથી, સિમ્પલ છે. કલામનું આખું જીવન સહજ સાદગીમય હતું...