અપૂર્ણ સભ્યોનું સંપૂર્ણ પરિવાર...
નામ: પાર્થ ભાવેશભાઈ દવે
ઈ-મૈલ: parthbdave93@gmail.com
અપૂર્ણ સભ્યોનું સંપૂર્ણ પરિવાર...
આ અટપટી જિંદગી અધૂરી વસ્તુઓ અને અપૂર્ણ લોકોથી ખીચોખીચ ભરાયેલી છે. ભર્યાભર્યા જીવનમાં પણ ઘણું બધું ‘ઓછું’ અને ‘બાકી’ લાગે. ભરચક છે છતાંય ખાલી. પૃથ્વી પરનો કોઈ પણ મનુષ્ય પરિપૂર્ણ નથી. એ પારંગત થઇ શકે પણ પરફેક્ટ નહિ. ‘પરફેક્ટ’ શબ્દ વ્યવહાર-બોલચાલની ભાષામાં વપરાય છે પણ એ ‘થવું’ કે ‘બનવું’ સહેલું નથી અઘરું છે, અંશતઃ અશક્ય છે.
ડીનરમાટે નાનકડી દીકરી અને પપ્પા ટેબલ પર બેઠા છે. મમ્મી વગારેલી ખીચડી ઉતારી રહી છે. દીકરીને ખ્યાલ આવે છે કે ખીચડી અતિશય બરેલી છે. પોતાને ભૂખ છે જ નહિ એટલે કશુંય બોલ્યા વિના થોડું ખાઈને ઉઠી જાય છે. પપ્પા આખો દિવસ કામ કરીને આવ્યા છે, બહુ ભૂખ્યા હશે. એ પ્રેમથી ખીચડીના કોળિયા ભરી રહ્યા છે. મમ્મી જયારે જમવા બેસે છે ત્યારે પપ્પાને કહે છે:ખીચડી બળી ગઈ છે ને! પપ્પા શાંતિથી જવાબ આપે છે: મને બળેલી ખીચડી બહુ ભાવે..!
દીકરી રૂમમાં પપ્પાને ‘ગુડ નાઈટ’ કહેવા જાય છે ત્યારે ‘તમને બળેલી ખીચડી ખરેખર ભાવે?’ પૂછે છે. પપ્પા એને ખોળામાં લઈ, વ્હાલથી કહે છે: તારી મમ્મીએ આખો દિવસ કામ કર્યું છે. તે ખરેખર બહુ થાકી ગઈ હતી. એટલે રસોઈમાં પૂરું ધ્યાન નથી આપી શકી. પણ બેટા! કો’ક દિવસે થોડીક બળેલી ખીચડી ક્યારેય કોઈને નુકશાન નથી કરતી!
અહીં ખીચડીની જગ્યાએ બળેલી બ્રેડ કે રોટલી કે વધારે-ઓછા મીઠાવાળું શાક કે કાંઈ પણ ઈમેજીન કરી શકાય. પપ્પા દીકરીને કહે છે કે, હું પણ ક્યારેક જન્મદિવસ કે વર્ષગાંઠ ભૂલી જાઉં છું, બહારના કામ થાકને કારણે રહી જાય છે. મારાથી પણ મિસ્ટેક્સ થાય છે. નો વન ઈઝ પરફેક્ટ. પરિવાર આ રીતે નાની નાની ભૂલો ચલાવી લેવાથી જ બને છે અને બનીને ‘ટકે’ છે.
પરિવાર... કુટુંબ. અંગ્રેજીમાં ‘ફેમિલી’. હજુ મને જે કહેવું છે એ વાત ઉપર આવું એની પહેલા એક બહુ નાની અને સરસ સ્ટોરી જડી છે, એ કહું. બે ભાઈઓ. એક ભાઈ પરિણીત અને બહોળા કુટુંબવાળો, બીજો અપરિણીત. બંને પાસે સંયુક્તમાં થોડી જમીન. જમીનને ખેડે અને જે ઉપજે એ સરખે ભાગે વહેંચી લે. એક દિવસ અપરિણીત ભાઈને થયું કે, અમે બંને ઉપજ અને નફાને સરખા ભાગે વહેંચીએ તો છીએ, પણ હું તો એકલો છું, મારી જરૂરીયાત કેટલી? ભાઈને મારા કરતા વધારે જોઈએ. આમ વિચારી તે રોજ રાત્રે એક ગુણી પોતાના ખભા પર ઉપાડી ભાઈના ખળામાં ચુપચાપ મૂકી આવે. દરેક સભ્યો સાથે રહેતા હોય, પરિવાર ‘એક’ હોય ત્યાં આવી મદદો ચુપચાપ જ થતી હોય. ભલે પછી એ નાની-સી હોય, મોટી હોય કે બહુ મોટી હોય. સમાજની મદદમાં પણ ઢંઢેરો પીટવાની જરૂર ન હોય; ઘરમાં તો ન જ હોય! સામે પરિણીત ભાઈને વિચાર આવ્યો કે હું તો છું બૈરી-છોકરાંવાળો માણસ. મને કંઈ થયું તો આ બધા મારી સંભાળ લેશે, પણ ભાઈ એકલો છે. એનું પછી પણ કોણ? એટલે રોજ રાત્રે એ પણ એક ગુણી અનાજ, વગર કહ્યે ખભા પર ઉપાડી ભાઈના ખળામાં મૂકી આવે. બેઉને પછી નવાઈ લાગે કે અનાજ કદી ઓછું કેમ થતું નથી?!
એકબીજા માટેનો આવો પ્રેમ, સમર્પણ અને આદરભાવ મોજુદ હોય તો કુટુંબમાં ક્યારેય અનાજ કેમ કરીને ઓછું થાય? અને પછી એક દિવસ બંને ભાઈ એકબીજાને ચુપચાપ હેલ્પ કરતા પકડાઈ જાય, સામસામાં આવી જાય ત્યારે બંને બાજુ જે ખુશીઓની છોડો ઉડે, એ કેવી હોય!
બેસ્ટ સેલિંગ નોવેલીસ્ટ જિમ બુચરનું ક્વોટ છે: તમારા જીવનમાં જયારે બધું જ ખોટું થઈ રહ્યું હોય ત્યારે જે લોકો મક્કમતાથી તમારી પડખે હોય છે તે જ તમારું ખરું ફેમિલી છે. પરિવારમાં કોઈ પણ અણધારી આફત સામે ટકવાની અને ટકીને લડી લેવાની પ્રચંડ તાકાત છે. બસ, એ પરિવાર એકજુઠ હોવો જોઈએ. એકબીજા માટે મરી ફીટવા તૈયાર હોવો જોઈએ.
થોડા સમય પહેલા જાપાનની નોવેલનું હાર્દ લઈને વાયા વાયા થઈને છેલ્લે હિન્દીમાં બનેલી એક ફિલ્મ જોઈ, નામ: ‘દ્રશ્યમ’. અફલાતુન મુવી. એક નખશિખ થ્રીલર-સસ્પેન્સના રેપર હેઠળ કૌટુંબિક પ્રેમની, એકતા અને સાહસની વાત કરતી ફિલ્મ. પરિવારના વડાને ખબર છે કે, આફતો આવવાની છે, કઈ રીતે અને શું- એ ખબર નથી પણ આવવાની છે. અને એના માટે માનસિક તૈયારી કરી લીધી છે; પછી બસ, એક જ કામ-લડી લેવાનું છે! સામી છાતીએ ટટ્ટાર ઊભીને લડી લેવાનું છે. અને ઘરના દરેક સભ્યે સાથે રહેવાનું છે, છેવટ સુધી.
અને આ તો જ શક્ય બનશે જો પરિવારના સભ્યોમાં એકબીજા માટે શરૂઆતથી શંકા નહિ હોય. મીઠી નોકઝોંક, નાનીમોટી તકરાર, મતભેદો, એ બધું તો થવાનું જ; ઈન ફેક્ટ, એ દરેક પરિવારોમાં હોવાનું. પણ એથી એકમેક માટેનો પ્રેમ, આદર અને સમ્માન ક્યારેય ઘટવા ન જોઈએ. ખાસ તો પરિવારને એકજુઠ રાખે છે –વિશ્વાસ. વિશ્વાસ હશે તો માણસ ટકી જશે. પતિને પત્ની ઉપર, એક ભાઈને બીજા ઉપર, બહેનને ભાઈ ઉપર વિશ્વાસ હશે તો અન્ય કોઈ પરિવારમાં આવીને ભાગ નહિ પડાવી શકે. મોટા ભાગની તકલીફોનું મૂળ અવિશ્વાસ અને શંકામાં જ હોય છે ને. બહારના લોકોની સલાહ કે રાયથી પોતાનું ઘર ભાંગતા લોકો તમે જોયા હશે. એ તેમની ક્યારેક મુર્ખામીભરી તો ક્યારેક નાદાનિયતભરી માનસિકતા છતી કરે છે.
એક સયુંકત કુટુંબમાં કેટલી તાકાત છે એ અણધારી આફત કે સંકટમાં જ ખબર પડે છે. સભ્યોનું માપ નીકળે છે. એક સર્વેમાં તો ફાઈનલ થયું હતું કે સયુંકત પરિવારમાં રહેતો માણસ સરેરાશ લાંબુ જીવે છે! હુંફ, પ્રેમ, વ્હાલ, દિલાસા, હમદર્દી, ઠપકા, સાચી સલાહ, આધાર, ખભો... આ બધું યોગ્ય સમયે મળે તો જ એની કિંમત છે. બાકી આ બધી વસ્તુઓ નડે એવી છે!
કોઈ પણ મનુષ્ય પરિપૂર્ણ નથી અને એવા અધૂરા મનુષ્યોથી એક ‘પૂરો’ પરિવાર રચાતો હોય છે. પત્નીથી નાની-સી ભૂલ થાય તો પતિ પ્રેમથી ચલાવી લેશે કે એક ભાઈ બીજાની મદદ કરવા વગર કહ્યે ખડેપગે ઉભો હશે તો એ બધી ભૂલો ભૂંસાતી જશે.. એકબીજા માટેનો આદર અને વિશ્વાસ આપોઅપ વધતા જશે. અને એ વિશ્વાસ કામ આવશે ક્રાઈસીસના સમયમાં; જયારે બધાની આંગળી તમારી સામે હશે, તમે ચારેબાજુથી ઘેરાયેલા હશો, બહાર નીકળવાનો કોઈ રસ્તો નહિ દેખાતો હોય...
..ત્યારે પરિવારનો હાથ અને સાથ તમારી પડખે હશે...