પ્રગટ્યું નવલું પ્રભાત Sarla Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગટ્યું નવલું પ્રભાત

સરલા સુતરિયા ‘સરલ’
E-mail : sarlasutaria@gmail.com
































પ્રગટ્યું નવલું પ્રભાત

ઘણાં વરસો પછી વતનમાં રહેવાનું બન્યું હતું . બેંકની નોકરીમાં ઠેક ઠેકાણે બદલી થતી રહેતી, પણ હવે નિવૃતિને બે જ વરસની વાર હતી તો મધુકર ભાઇએ પોતાના વતનમાં બદલી માગી હતી. ને સદ્દભાગ્યે બદલી મંજુર પણ થઇ ગઇ હતી.

મધુકાન્તા બેન ખુશ ખુશ હતાં કે, ‘ ચાલો બહુ વરસ બહાર જ રહ્યાં, હવે વતનમાં પરિચિત માહોલ ને પરિચિત લોકોની વચ્ચે રહેવાની મજા આવશે.’ જુના પડોશીઓ સાથેની આત્મિયતા હજુ અકબંધ હતી. વારે તહેવારે થતાં ફોન દ્વારા સંપર્ક જળવાઇ રહ્યો હતો. આવતાં પહેલાં જ એમના નિકટતમ પડોશી રમાબેને સાફ સફાઇ કરાવી રાખી હતી ને જમવાની વ્યવસ્થા પણ કરી રાખી હતી. એટલે આવીને સામાન ગોઠવતાં જરાય અગવડ પડી નહોતી. હજુ બે દિવસ તો રસોડુ ચાલુ કરવાનું નહોતું. એટલાં હકથી રમાબેને હુકમ ફરમાવ્યો હતો કે, મધુકાન્તા બેન કંઇ બોલી જ ન શક્યા. બસ લાગણીસભર નયને હા જ પાડી દીધી હતી.

ધીરે ધીરે બધું રુટિન ગોઠવાતું ગયું. વરંડામાં બેસીને ચા પીવાની જુની આદત ફરીથી તાજી થઈ ગઈ હતી. ચા પીવાતી જતી ને વર્તમાન પ્રવાહો પર ગપશપ થયાં કરતી. સવારનો તાજગી ભર્યો સમય વરંડામાં જ પસાર થઇ જતો. કામવાળાં બહેન આવીને બધું કામ સરસ રીતે કરી જતાં હતાં એટલે કામ બાબત કોઇ ચિંતા પણ ન હતી.

એક દિવસ રોજની જેમ ચા પી લીધા પછી બન્ને પતિપત્ની વરંડામાં બેસીને ગપશપ કરી રહ્યાં હતાં ત્યાં જ દરવાજો ખોલીને એક યુવતી અંદર પ્રવેશી અને બન્નેના ચરણોમાં પ્રણિપાત કરી રહી.
‘ અરે! કોણ છો બહેન ? આ શું કરો છો ?’
‘મને ન ઓળખી ? હું રજની … આપની રજ્જો !’

સજળ આંખે રજની બન્ને સામે જોઇ રહી અને સ્તબ્ધ બની બન્ને, પતિ પત્ની એને જોઇ રહ્યાં.
ઓહ્હ … આ જાજ્વલ્યમાન લાગતી સ્ત્રી રજ્જો છે ? માનવામાં નથી આવતું !!

હા, સાહેબ ! બેન ! ….. હું રજ્જો જ છું. તમારાથી જુદી પડી એને ૨૦ વરસના વહાણા વાઇ ગયા. એટલે તમે મને ઓળખી ના શકો એ સ્વાભાવિક છે. પણ તમે તો મારા જીવનદાતા અને સાફલ્યદાતા છો! હું તમને કેમ ભુલું !

પારકા કામ કરી તનતોડ મહેનત કરતી અમ ગરીબ મા-દીકરીનો તમે જ હાથ ઝાલ્યો હતો. તમારા આઉટહાઉસમાં રહેવાની સગવડ કરી આપેલી ને મને શિક્ષણની કેડીએ દોરેલી. યાદ છે તમને ? તમે મને સારી શાળામાં દાખલ કરેલી ને મારી ફી પણ તમે જ ભરી દેતાં હતાં. રોજ લેસન કરાવવા બોલાવતાં ને ખુબ ખંતથી મને શીખવતાં. તમારા સંતાનો અને મારી વચ્ચે તમે કોઇ ભેદભાવ કદી નહોતો કર્યોં. જીવનના એ પાંચ વરસની સુખદાયી સ્મૃતિ હું કદીયે નહી ભુલું !
આજ જે કૈં હું છું એના પાયામાં આપે પુરેલી આપની સદ્દ્ભાવનાઓ છે.

એકી શ્વાસે આટલું કહી રજની ફરીથી મધુકાન્તાબેનના ચરણોમાં બેસી ગઇ.
મધુબેને સ્નેહથી એના માથા પર હાથ પસવાર્યો ને કહ્યું, ‘ અરે બેટા! એ તો તારી પોતાની મહેનત ને લગની જ હતાં કે, તું ઘરકામમાં તારી બાને મદદ પણ કરતી ને ભણતી પણ. અને એમાં મેં શું ઉપકાર કર્યોં ? તમે મા દીકરીએ મારું ઘર પણ સંભાળી લીધું હતું ને ! મારા સંતાનોનું મેં નહી કર્યું હોય એટલું કામ તમે બન્નેએ કર્યું છે. તમારા બન્નેને લીધે હું તો સાવ ચિંતામુક્ત થઇ ગઇ હતી. પણ બેટા ! હવે તું શું કરે છે ? તારી બા ક્યાં છે ?’

મધુબેનના આ પ્રશ્ન સાથે જ રજનીની નજર સામે ભુતકાળ જીવંત થઇ ઉઠ્યો.
એના પિતા રઘુની દારૂની લત્તને લીધે ઘરમાં અસહ્ય ગરીબી આંટા મારતી હતી. એક એક સમયના ખાવાના સાંસા પડતાં હતાં. પેટની આગ બુઝાવવા માટે મા પારકા ઘરના કામ કરતી હતી ... ને પોતે પણ થાય એટલી મદદ કરતી હતી. પણ તોય બે છેડા ભેગા થતાં ન હતાં.

થોડાં દિવસથી સરયુ બેનના ઘરનું કામ મળ્યું હતું. એમના આઉટ હાઉસમાં રહેવાનું અને ઘરનું બધું કામ કરવાનું. લાગતું હતું કે જાણે જીવન કૈક સીધી ગતિમાં વહી રહ્યું છે. પણ પિતાની પીવાની લત્ત ક્યારેક તકલીફ ઉભી કરી દેતી. આમ તો મા બહુ ધ્યાન રાખતી કે દારૂ પીધા પછી તેઓ આઉટ હાઉસની બહાર ન નીકળે. તોયે ક્યારેક નજર ચૂકવી બહાર નીકળી જતાં પણ ઇશ્વર કૃપાએ હજુ સુધી મકાન માલિકની નજરમાં આવ્યા ન હતાં. પણ તે દિવસે જે બન્યું તે ભયંકર હતું.

સરયુબેનના નાના દીકરા અમિતને ક્રિકેટનો અતિ શોખ …. રોજ બધા મિત્રો ભેગા કરી ક્રિકેટ રમ્યા કરતો.

તે દિવસેય અમિત મિત્રો સાથે રસ્તા પર ક્રિકેટ રમતો હતો. બેટીંગ કરવાનો એનો વારો હતો. સામેથી આવતા ગમે તેવા અઘરા બોલને એ બરાબર ફટકારી બાઉંડ્રી પર મોકલી આપતો હતો. મિત્રો પણ એને શાબાશી આપી પોરસ ચડાવતાં રહેતાં. એક એવાજ અઘરા બોલને અમિતે ફટકો માર્યોં અને એ બોલ શરાબના નશામાં ડોલતાં ડોલતાં આવી રહેલાં રઘુને લમણે જઇ અથડાયો. એક ચીસ સાથે સમતોલન ગુમાવી રઘુ ઢળી પડ્યો. નીચે રોડ પર પડેલો પત્થર અને બોલના બેવડા મારથી એણે ભાન શાન ગુમાવી દીધું. લોહીની ધાર શરીરને ભિંજવી રહી.

છોકરાઓ ગભરાઇને ભાગી ગયા. રઘુની ચીસ સાંભળીને રજની અને એની મા દોડતાં આવ્યા ને રઘુની હાલત જોતાં જ એમના હોશકોશ ઉડી ગયા. તરત જ ૧૦૮ માં ફોન કર્યોં અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી મા દીકરી સુનમુન થઇ બેસી રહ્યા.

કલાક પછી ડોકટરે આવી કહ્યું કે, ‘ અતિશય શરાબ સેવનને લીધે રઘુની કિડની પણ ખરાબ થઇ ગયેલી છે. અને ચોટને લીધે મગજને પણ ઈજા પહોંચી છે. બચવાની શક્યતા નહીંવત્ત છે.’ રજની અને જમના આઘાતથી જડ થઇ ગયા. બે હાથ જોડી જમના કરગરી પડી, ‘ ગમે તેમ કરી એમને બચાવી લ્યો સાહેબ … અમ મા-દીકરી નોધારા થઇ જશું.’ પણ કુદરત પાસે લાચાર માનવ … કૈં ના થઇ શકયું ને રજની અને જમનાને નોધારા છોડી રઘુ પરલોકની યાત્રાએ ઉપડી ગયો.

રઘુના મ્રૃત શરીરને લઇને બન્ને મા દીકરી ઘરે આવ્યા ને અંતિમ ક્રિયાની તૈયારી કરી. સરયુબેને બધી મદદ કરી પણ ડરતાં ડરતાં ... ક્યાંક આ લોકો પોલિસ ફરિયાદ કરશે તો શું થશે ? એ વિચારે સતત ફફડતાં રહેતાં ને અમિતને બને ત્યાં સુધી દુર જ રાખતાં. થોડાં જ દિવસમાં રજની અને જમનાબેનને સમજાઇ ગયું કે, જો અહીં વધુ દિવસો રહીશું તો આ ભલી બાઇ બિચારી વગર વાંકે હેરાન થયા કરશે. એટલે એક કપરો નિર્ણય લીધો કે અહીંથી ક્યાંક બીજે જતાં રહીયે.

સરયુબેનને બોલાવી કહ્યું, ‘બેન, તમે મુંઝવણમાં ના મુકાઓ એ માટે અમે અહીંથી બીજે જતાં રહીશું .. તમે અમને ઘણી મદદ કરી છે, ને આતો એક અકસ્માત હતો એના માટે અમિતને જવાબદાર ના ઠેરવશો. એણે જાણી કરીને તો કૈં કર્યું ન હતું. તમે જરાય ગભરાશો
ના કે મુંઝાશો ના.’ આમ કહી સરયુબેનને આવજો કહી બંને બોલાવેલ રિક્ષામાં બેસી ગયા.

‘ અને પછી તો અમે તમારે ત્યાં કામ કરવા રહ્યાં ને તમે દીકરીની જેમ જ મને જાળવી.’
‘ હ્મ્મ… બરાબર, પણ અમારે ત્યાંથી ગયા પછી તમે બન્નેએ શું કર્યું ? એ તો કહે દીકરી !!

‘ બેન, તમે તો બદલી થતાં જતાં રહ્યાં પણ મારી ફીની વ્યવસ્થા તો તમે કરી જ ગયા હતાં ને ! માએ બીજા ઘરના કામ બાંધ્યા ને એક સરકારી ક્લાસમાં સસ્તી ફી હતી તેથી ત્યાં હું અભ્યાસની સાથે સાથે શિવણ શીખવા લાગી. લગન અને ધગશથી મેં શિવણને આત્મસાત કરી લીધું. ગ્રેજ્યુએશન પુરૂં થયું ને મને શિવણનો ડિપ્લોમા પણ મળી ગયો. પછી અવનવા કટીંગ કરી ચિંદરડાઓ જોડી તોડી કૈંક ને કૈંક સિવ્યા જ કરતી. ધીરે ધીરે આત્મસુઝથી મેં બીજાના કપડાં સિવવાનું ચાલું કર્યું, અને બધાને મારી સિલાઇ પસંદ આવતી ગઇ. અને આવક પણ વધતી ગઇ. ને પછી મેં બુટિક ચાલું કર્યું …અત્યારે મારૂં બુટિક ખુબ સારૂં ચાલે છે. ખુબ સારી આવક છે. મારી બા હવે આરામ કરે છે ને બુટિકના હિસાબ પણ સંભાળે છે.’
મધુબેન ખુબ રાજી થયાં. ને આશિર્વાદ વરસાવી રહ્યાં.

ત્યાં તો રજનીએ ફરી કહ્યું, ‘ બેન આ બધાનું શ્રેય તમને જાય છે. તમે મને શિક્ષણની કેડીએ દોરી ન હોત તો હું ને મારી બા હજુયે પારકા કામ કરતાં હોત. શિક્ષણ જ બધી મુસીબતોમાંથી ઇજ્જતભેર બહાર આવવાનો રસ્તો ચીઁધે છે. આજે હું આમ સ્વાવલંબી છું એ તમે આપેલા શિક્ષણને આભારી છે. અને તમારૂં એ ઋણ ઉતારવા માટે હું પણ જરૂરતમંદ ત્રણ દીકરીઓનો ભણવાનો સઘળો ખર્ચ ઉપાડું છું. અને એ ત્રણેય દીકરીઓ ભણી ગણી કામે લાગશે ત્યારે એ પણ ત્રણ ત્રણ દીકરીઓને ભણાવશે, એવું મેં એમની પાસેથી વચન લીધું છે.. આમ ધીરે ધીરે આ ચક્રનો વ્યાપ વધતો જશે ને સમાજમાંથી નિરક્ષરતાનું પ્રમાણ ઘટતું જશે. ગઇકાલે તમે હતાં આજે હું છું ને આવતી કાલે કોઇ બીજુ હશે જે આ વર્તુળને મોટું કરતાં જશે. અને એમ બધાંના જીવનમાં પરોઢનો ઉજાસ રેલાતો જશે અને એક નવલું પ્રભાત પ્રગટશે.’
મધુબેન ગૌરવથી એની આ દીકરીને જોઇ રહ્યા ને આશિષ વરસાવી રહ્યાં.