“MADE FOR EACH OTHER” Hiral Hasit Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

“MADE FOR EACH OTHER”

“MADE FOR EACH OTHER”

-Hiral Hasit Pandya

(hiralsbuch@gmail.com)

“MADE FOR EACH OTHER”

આજે સૌમ્યા અને શ્રીકાંતની 15મી મેરેજ એનીવર્સરી હતી. એક કોફીબારમાં બેસીને બંને એમની ફેવરીટ કોલ્ડ કોફીની ચૂસકી ભરી રહ્યા હતાં, ખુશ અને મૌન...

થોડી ક્ષણો ના મૂક સંવાદ પછી સૌમ્યાએ આનંદિત અવાજે પૂછ્યું, "શ્રી, તને યાદ છે? જયારે આપણે ઘેર આપણી વાત કરી 'તી, એ દિવસે પણ કોફી પીવા ગયા 'તાં?" શ્રી: "હં.." સૌમ્યા:"તું બોરિંગ જ રહીશ" પછી ટેબલની આગળ આવી, અદબ વળી, આંખમાં ચમક સાથે બોલી, "યાદ છે, એ રેસ્ટોરામાં એવો નિયમ હતો કે કોઈ 15 મીનીટસ થી વધુ ત્યાં બેસે તો 25 રૂ એક્સ્ટ્રા થતા અને..." શ્રીકાંતે એને અટકાવી... "હા, સોમુ, ખર્ચો થયો 'તો." સૌમ્યા એ એને હળવી ટપલી મારી- "નાલાયક"

કોફી પીવાતી ગઈ ને 'સોમુ-શ્રી' ની વાતો થતી ગઈ. બંને ખુશ હતા આજની ચતુરાઈ પર... ઘેરથી તો બંને મમ્મી-પપ્પાને પગે લાગીને ગંભીર મોઢે "ઓફીસ" જવા નીકળ્યાં હતાં, પોતપોતાના સમયે, અને પહોચ્યાં અહી. એ જગ્યાએ જે તેમની મિત્રતાની કૈંક અંશે સાક્ષી હતી. જી હા, "મિત્રતા".

એ લોકો 15 વર્ષથી પરિણીત દંપતી છે, તેમના અરસ-પરસના સંબંધમાં પ્રેમ કરતા પણ વધુ પ્રબળ લાગણી છે, દોસ્તીની. એક-બીજાને તું કહેતાં, મોકળાશ આપતાં કે ખુલ્લા મને વાતચીત કરનારા તો ઘણાય યુગલો હશે પણ આ બંનેની તો વાત જ નિરાળી છે... એક-બીજાની રગ-રગથી વાકેફ, મનના વિચારો વાંચી લેનારા, કુતરાઓની જેમ ઝગડતા, એકબીજાના જોક્સ પર અટ્ટહાસ્ય કરતા આ બંને "લંગોટિયા યાર" છે.

બંને આજે નક્કી કર્યા મુજબ નીકળી પડ્યા છે, એવી બધી જ શક્ય જગ્યાઓએ જવા જે એલોકો માટે યાદગાર છે. શરૂઆત કરી એ કોલોનીના ગેટથી જ્યાં બંને એ જીવનની શરૂઆતના10-15 વર્ષો વિતાવ્યા હતાં.. સૌમ્યાએ "સેલ્ફી" ખેંચ્યો... શ્રીકાંતને આવી રીતે ફોટો ખેંચાવીને એ પળ સાચવી રાખવાને બદલે ચૂપચાપ જીવી લેવી ગમે પણ સૌમ્યા જેનું નામ...

બંને યાદ કરવા લાગ્યા - આ એજ જગ્યા છે જ્યાં આપણા પેરેન્ટ્સ આપણા જન્મથી પણ પહેલાંથી રહેતાં. જ્યાં એકબીજાની મમ્મીઓ એ બનાવેલી રસોઈ, સાથે ખરીદેલા રમકડા, બુક્સ, ચોકલેટ્સ, બલૂન્સ શેર કર્યા હતા, એક સાથે સ્કૂલ ગયા હતા, ફોટો પડાવતા,... નાનપણ ની મીઠી યાદો, થોડી સાંભળેલી, થોડી યાદ આવેલી...

બંને ખૂબ ફર્યા. સ્કૂલ, હોટેલ્સ, ગાર્ડન્સ, થીયેટર, બસ સ્ટેન્ડ, ચાની ટપરી, ટ્યુશન કલાસીસ... જુનો ફંડા હતો, જયારે કોઈ બબાલ થાય અને ઝગડો પ્લાન કરવો હોય ત્યારે ટપરી અને જયારે કંઈ મૂંઝવણ હોય ત્યારે કોફી બાર.

બપોર થવા આવી હતી, શ્રીકાંતે બાઈક રોક્યું, સૌમ્યા ધીમા અવાજ અને થોડી ભીની આંખ સાથે બોલી, "યાર... અહી કેમ લાવ્યો?" શ્રીકાંતે એને કહ્યું, "ચલ, ડ્રામા નહિ કર" અને પાછળથી એના ખભા પકડીને એને આગળ થોડી દોડાવી. એક સુંદર, એકાંત તળાવની પાળ... બંને જણ પગથીયે બેસી ગયાં. આખા દિવસમાં સૌમ્યા ફક્ત અત્યારે ચૂપ હતી અને બહુ ઓછી વાર બને એમ નજર ઢાળીને બસ બેસી જ રહી. શ્રીકાંતે એને હળવો ધક્કો માર્યો - "ઓય, શું થયું?" અને પછી સૌમ્યાનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો, "જો સોમુ, આપણે નક્કી કર્યું હતું કે આપણે દરેક યાદગાર જગ્યાએ જશું. અહી હું તને અંકિતને મળવા લઇ આવતો, પહેલા બહાર બેઠો-બેઠો બોર થતો અને પછી તમારી વાતો સાંભળીને... અહી જ તમે બ્રેક-અપ કર્યું 'તું, યાદ છે?" સૌમ્યા કંઈ જ બોલી ન શકી, ફક્ત એના હોઠ ફફડ્યા, શ્રીકાંતે એની આંખમાં જોયું, અને બોલ્યો, "બસ... એ દિવસથી મારી વાટ લાગી ગઈ..." સૌમ્યાએ એને મારવા લીધો - "નાલાયક, દુઃખી છે તું મારી સાથે??" શ્રીકાંતે એના હાથ પકડી લીધા અને કહ્યું, "સાચું કહું, સોમુ, તું યાર વાઈફ કરતા ફ્રેન્ડ વધુ સારી છો, અને સારું છે કે તું વાઈફ બનવાની કોશિશ j નથી કરતી. કોઈ દિવસ હું ઘેર આવું અને તું મને સ્વાદિષ્ટ રોમેન્ટિક ડીનર ખવડાવે એવું બન્યું જ નથી." સૌમ્યા બનાવટી ગુસ્સો કરતાં બોલી, " જા ને, સાલા ખોટાડા" પછી બોલી કે હા યાર, તું પણ દોસ્ત જ વધુ સારો છે, આઈ સ્ટીલ લવ ધેટ ફેક્ટ કે આપણા હોસ્ટેલિયા દિવસોમાં મારા ખૂટતા પોકેટ મની માટે તે પાર્ટ ટાઇમ જોબ કરેલી... શ્રીકાંતે તોફાની સ્મિત સાથે કહ્યું, "ઊહું, તારા પોકેટ મની માટે નહિ, અંજલિની મસ્ત કંપની માટે..." અને બંને ખડખડાટ હસી પડ્યાં.

ફરી ઉપડ્યા બંને અને બાઈક સીધું જઈને ઈશાનના ઘેર... ઇશાન અને ઇશાની- ટ્વીન્સ અને શ્રીકાંત-સૌમ્યાની ગેન્ગના મેમ્બર્સ. અંદર પ્રવેશતા જ બધા મિત્રોએ રીતસર ગોકીરો મચાવી દીધો... હો-હા, ભેટા-ભેટી...આ બધાને જોઇને કોઈ કહે નહિ કે આ બધા મિડલ-એઈજ, સેટલ, પ્રોફેશનલ લોકો હશે. ઇશાન, એની પત્ની પ્રિયા, ઇશાની, એનો પતિ અંશુમાન, રવિ, વિરાટ, યેશા, ગુલશન, કોમલ બધા જ આજે અહી એકઠા થયા હતા.

ચા પીવાતી ગઈ, પકોડા ખવાતા ગયા અને જૂની વાતો યાદ થતી ગઈ. ઈશાનીએ યાદ કરાવ્યું, "યાદ છે, આપની સ્કૂલમાં છોકરીઓના પીટી ગ્રાઉન્ડની પાછળ બદામનું ઝાડ હતું. અને એ બદામ શ્રીકાંતને બહુ ભાવતી અને દોઢ ડાહી સોમી એ તોડવા જતી. પથ્થરથી ન તૂટે તો સૌમ્યા ઝાડ પર ચડી જતી... બોલો... પછી છોલાતી ને રડતી એ અલગ." બધાં હસ્યાં... ઈશાને આગળ ચલાવ્યું... "બિચારી ના સમજજો આને... જયારે જયારે છોલાતી, બરાબરનો બદલો લેતી... ઘેર અંકલને કે'તી - શ્રીકાંતે ધક્કો માર્યો એટલે પડી ગઈ... અને પછી શ્રીકાંતનું ઘણું બધું છોલાતું." બધાં ખૂબ હસ્યાં…

ગુલશનને યાદ આવ્યું કે એકવાર બધા થીયેટરમાં એક મૂવી જોવા ગયાં 'તાં. મૂવી શ્રીકાંતને બહુ ગમ્યું 'તું અને સૌમ્યાને જરા પણ નહિ... ઈન્ટરવલ માં વાત થઇ, અને માય ગૂડનેસ, જે ઝગડ્યા છે બંને... મારામારી થઇ ગઈ, છોડાવવા પડ્યા. સૌમ્યા મોઢું બગાડતી બોલી, કેટલું બકવાસ મૂવી હતું, ખબર છે? બેખુદી. પણ બસ, શ્રીને તો કાજોલ મળી એટલે બસ...."

ચાનો કપ નીચે મૂકતા રવિ બોલ્યો, "હું તો આ લોકોનો પાડોશી છું ને, હજી આવું ઝગડે છે આ બંને, છોકરાઓએ છોડાવવા પડે છે, બોલો... " રવિ શ્રીકાંત તરફ ફર્યો, "બોલ, હું ખોટું કહું છું?" શ્રીકાંતે નકારમાં માથું ધુણાવ્યું અને ફરી એક વાર હાસ્ય પડઘાયું.

વિરાટ બોલ્યો, "ઝગડે ભલે પણ એકબીજા માટે પણ કેટલું ઝગડ્યા છે આ બંને... એક તો મને હજી યાદ છે, સૌમ્યાની કબડ્ડી ટીમની કેપ્ટન. એલોકોનો કંઈ ઝગડો થયો એમાં તો ભાઈએ પેલી હિડીમ્બાને અડબોથ મારી દીધી! પેલી તો રડતી-રડતી ગઈ પ્રિન્સીપાલ પાસે અને આ સાહેબ બીજા દિવસે વિથ પેરેન્ટ્સ પ્રિન્સીપાલની કેબીનમાં. સજામાં મળેલું હોમવર્ક કરતા-કરતા આપના બધાનો દમ નીકળી ગયો 'તો, યાદ છે?”

અત્યાર સુધી ચૂપચાપ બેઠેલી યેશાએ કહ્યું, "ગાય્સ, હું તો ભોગ બની છું આ બંનેની લડાયક વૃત્તિની. પછી સૌમ્યા સામે જોઇને બોલી, સોમુ, યાદ છે, મારી કઝીન આવી હતી વેકેશનમાં? પ્રેરણા. હવે એને શ્રીકાંત ગમી ગયો, કંઈ ચીઠ્ઠી ઘસડી મારી, મને આપવાનું કહ્યું... સૌમ્યાને જેવી ખબર પડી કે મારી બેગમાં એના 'શ્રી' માટે લવ લેટર છે, એણે મને સાઈડમાં લઇ જઈને ધમકી આપી કે શ્રીકાંતને લાઈન મારવાની કોશિશ કરી તો જોઈ લેજે... " અને હસતા હસતા ઉમેર્યું, "ફ્રેન્ડશીપ નું તો નામ છે ખાલી, બાકી આટલી પઝેસીવ તો છોકરી એના લવર માટે જ હોય, કેમ?" અને બાજુમાં મુસ્કુરાઈ રહેલી સૌમ્યાને ખભાથી ધક્કો માર્યો.

શ્રીકાંત હસીને બોલ્યો, "એનું એવું હોઈ શકે, મારું નહિ. મને તો એ હંમેશા અમારા બધા બોય્સ જેવી જ લાગતી..." પછી સોફા પર પલાંઠી વાળીને બેસી ગયો અને આગળ ચલાવ્યું, "યાદ છે, આપને શિમલા ગયા 'તા, ટ્રેકિંગમાં... અને હું, સૌમ્યા અને ઇશાની છુટ્ટા પડી ગયાં 'તાં. અડધી રાતે બધા માંડ મળ્યા. પછી ટેન્ટમાં બધા છોકરાઓ અમારા સાથે હોવાની વાત પર મજાકો કરતા હતા ત્યારે મને અહેસાસ થયો કે સૌમ્યા પણ છોકરી છે, એની સાથે હોઉં ત્યારે જવાબદારીથી વર્તવું પડશે. " બધાએ સ્મિત કર્યું. શ્રી અને સૌમ્યાએ એક પળ એકબીજાની આંખોમાં જોઈ લીધું.

વાતો કરી બધાં થાક્યાં અને વિખેરાયાં... ઈશાનના ઘરમાં બસ એ બંને અને સૌમ્યા-શ્રીકાંત જ રહ્યાં. ચારેય જણ ચાના કપ વગેરે ઉપાડવા લાગ્યાં. નિરાંતે બેસીને પ્રિયાએ પૂછ્યું, "એકબીજાને આટલું બધું ઓળખવું અને મિત્રો હોવું, તમારા લગ્નજીવન પર અસર નથી કરતું?" સૌમ્યા બોલી, "કરે છે ને, સારી અસર કરે છે.... અમે ક્યારેય પતિ-પત્નીની જેમ નથી વિચારતા, યુ નો, એટલે અમને એકબીજા પાસે પતિને પત્ની પાસે હોય કે પત્નીને પતિ પાસે હોય એવી કોઈ અપેક્ષાઓ બહુ ઓછી થાય છે... મને એવી કોઈ અપેક્ષા નથી કે અમારી એનીવર્સરી પર શ્રી મને મોંઘી ગીફ્ટ અપાવે, ગ્રાન્ડ પાર્ટી થ્રો કરે કેવરસે દહાડે બહાર ફેરવવા લઇ જાય, એવી જ રીતે શ્રી અપેક્ષા નથી રાખતો કે હું એને કોઈ મેક્સિકન ડીશ બનાવીને ખવડાવું કે એના કલીગના ઘેર લગ્નમાં કાંજીવરમ સાડી પહેરીને ફરું..."

શ્રીકાંત વચ્ચે બોલ્યો. "એમાં ને એમાં, મેક્સિકન તો છોડો, ગુજરાતી ડીશ પણ નથી બનાવતા શીખતી, જાડી..." સૌમ્યાએ હવામાં હાથ હલાવીને પ્રિયાને કહ્યું, "ઇગ્નોર કર એને." પછી આગળ બોલી... " યુ નો, પ્રિયા, એક બીજાના મિત્રો બનવાનો બીજો એક ફાયદો એ પણ છે કે "ઇન લોઝ- 'ઇન લોઝ' નથી લાગતાં. જો ને, શ્રીકાંતે મારા ભાઈને બીઝનેસ ક્રાઈસીસ વખતે મને કહ્યા વગર મદદ પહોચાડી દીધી "તી." શ્રીકાંત બોલ્યો: "ભાભી, હું મહાન નથી, મહાન તો આ સૌમ્યા છે. તમને ખબર છે, એની એક જ કીડની છે?" પ્રિયા બોલી ઉઠી, "વ્હોટ?" ઈશાને શાંતિથી કહ્યું, " હા ડિયર, સૌમ્યાએ મુકેશ અંકલ - શ્રીકાંતના પપ્પાને કીડની ડોનેટ કરી છે." પ્રિયાએ આદર અને આશ્ચર્યમિશ્રિત ભાવે સૌમ્યા સામે જોયું...

થોડી વાર આડી-અવળી વાતો કરીને બંને ત્યાંથી જવા નીકળ્યાં. રસ્તામાં પણ એ જ વાતો - કેવા બંને એકબીજાની મમ્મીઓના હાથની રસોઈ જ ખાતાં, એકબીજાના પપ્પાઓ પાસે જ સાઈકલ શીખતાં અને મેથ્સના પ્રોબ્લેમ્સ સોલ્વ કરાવતાં... બંનેની સગાઇ થઇ પછી સૌમ્યાની મમ્મી એને રસોઈ શીખવવા દબાણ કરતી અને છેલ્લે શ્રીકાંતની મમ્મીએ જ એને રસોઈ બનાવતાં શીખવ્યું 'તું. સૌમ્યાએ કહ્યું, "કેટલી ફિલ્મી સિચ્યુએશન કે'વાય નહિ? કે ભાવિ સાસુમા જ વહુને રસોઈ બનાવતા શીખવે.." શ્રીકાંતે કહ્યું, "તોય આવડી તો નહિ..." સૌમ્યાએ શ્રીકાંતને ચીમટો ભરી લીધો. શ્રીકાંતે સિસકારો બોલાવ્યો- "જાડી!" સૌમ્યા બોલી ઉઠી: "હશે, નકામા... પણ મારા કારણે તો કંઈ ચાર્મ હતો, બાકી કેટલા બોરિંગ હતા આપના મેરેજ..."

ઘર આવી ગયું હતું. બંને બાઈક પરથી ઉતર્યાં. ઘેર કોઈ નહોતું, બંને દીકરાઓ દર વરસની જેમ એમના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા હતા અને મમ્મી-પપ્પા એમના સીનીયર સીટીઝન કલબના ફ્રેન્ડસની સાથે પિક્ચર જોવા. લેચ ખોલી અંદર આવતા શ્રીકાંતે કહ્યું, "સોમી, કંઈ ખાવાની ઈચ્છા નથી." સૌમ્યા બોલી, "હા શ્રી, વાતોથી જ પેટ ભરાઈ ગયું..." શ્રીકાંતે એના ખભા ફરતે હાથ વીંટાળી કહ્યું: " બહુ ચાંપલી ના થા, જાડી, પ્રિયાના હાથના પકોડા કેટલા ખાધા એ મેં જોયું... ચલ એક કામ કર, કોફી બનાવ."

થોડી વારમાં સૌમ્યા બે કોફી મગ હાથમાં લઈને બહાર આવી. બંને સોફા પર બેસીને કોફી સીપ કરવા લાગ્યાં. સૌમ્યા બોલી, "હા... તો ક્યાં હતા આપણે?... હં... આપણા બોરિંગ મેરેજ..." પછી શ્રીકાંત સામે ફરીને પલાંઠી વાળીને બેસી ગઈ. કહેવા લાગી, "મેં આંટીને, ઉપ્સ... સોરી, મમ્મીને. કહ્યું હતું કે તમે લોકો કંઈક વિરોધ તો કરો... હું કેટલી ડોમિનેટિંગ છું, ઝગડાળુ છું, મને રસોઈ બનાવતા પણ નથી આવડતું, આવી વહુ લવાય? અને એ મને જોઈ જ રહ્યાં... મેં કહ્યું, કોઈ તો ના પાડો, અમને લવ સ્ટોરી જેવું કંઈ લાગે... અને એ ચારેય ખડખડાટ હસી પડ્યાં 'તાં."

શ્રીકાંત બોલ્યો, "પણ તે કૈક નાટક કર્યાં 'તાં. બબ્બે વખત તો સગાઇ તોડી નાખી..." પછી કોફી મગ ટેબલ પર રાખતા બોલ્યો, "એક વખત તે કહ્યું કે તું મેરેજ મટીરીયલ નથી, આવી છોકરી સારી વાઈફ ન બની શકે, અને બીજી વાર તે કહ્યું 'તું કે તને એવું લાગે છે કે હું તને વફાદાર નહિ રહું."સૌમ્યા સ્વગત બોલતી હોય એમ બોલી ગઈ - "એમાં હું સાચી પડી, શ્રી."

એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.. શ્રીકાંત સોફા પરથી નીચે આવીને એના ઘુટણ પાસે આવીને બેસી ગયો. એની આંખો પણ ભીની હતી. એને મુશ્કેલીથી સૌમ્યા સામે જોયું અને નજર ઢાળી દીધી. નીચી નજરે જ બોલ્યો, "સોમુ, હું મારી જાતને જસ્ટીફાય નથી કરતો પણ... પણ... એ વખતે હું તને જ મીસ કરતો હતો અને એ મિસિંગ ની એકસ્ટ્રીમ ફીલીંગે જ મને લપસાવી દીધો. તું બંને દીકરાઓમાં બહુ બીઝી થઇ ગઈ 'તી. મને બહુ એકલું લાગતું. મને લાગવા માંડ્યું 'તું કે મારા અસ્તિત્વને જ તું ઇગ્નોર કરશ. હું ફેઈલ ગયો આપણા સંબંધને બદલવામાં, એની સાથે વિકસવામાં... એવી જ એક નબળી ક્ષણે વિભાને મળ્યો અને... ..." એનો અવાજ તરડાયો. "હું ધિક્કારું છું, મારી જાતને, એ વાત માટે...હું સામનો ન કરી શકતો તારા ન પૂછાયેલા પ્રશ્નોનો...અને ભાગી જતો... કામના બહાને..." થોડું અટકીને બોલ્યો કે, કમનસીબ હતો હું, જે દીકરાઓનું બાળપણ માણવાને બદલે..."

એણે સૌમ્યા તરફ જોયું... એ એમ જ બેઠેલી હતી, શાંત અને સ્થિર. એ બોલી, "શ્રી, તું એને પહેલી વાર મળ્યોને એ દિવસથી મને ખબર હતી કે કંઈક ખોટું થાય છે, અને પહેલી વાર તું કંઈક છુપાવી રહ્યો છે." શ્રીકાંત દબાયેલા અવાજે બોલ્યો, "સૌમ્યા, તો પણ તે મને માફ કરી દીધો, ત્યાં જ તું પત્ની તરીકે દોસ્ત કરતાં ક્યાંય ઊંચી બની ગઈ..." સૌમ્યાએ નીચું જોઈ રહેલા શ્રીકાંતની હડપચી પકડી એનો ચહેરો ઊંચો કરતાં બોલી, "ના શ્રી, એક પત્ની તરીકે તો મેં તને હજુયે માફ નથી કર્યો. હું તારી દોસ્ત છું એટલે જ મને ખબર છે કે.... મારો વાંદરો ગુલાટી ખાતાં નહિ ભૂલે..." અને એ હસી પડી. શ્રીકાંત નીચું જોઈ ગયો. સૌમ્યાના પગ પર પડેલું આંસુ શ્રીકાંતે ઝડપભેર લૂછી નાખ્યું. અડધી સેકન્ડમાં સૌમ્યા ખોંખારો ખાતાં બોલી, "ચલ, બોર નહિ કર, ટીવી ચાલુ કર."

શ્રીકાંત રીમોટ લઈને સૌમ્યાની બાજુમાં બેઠો. સેટ મેક્સ પર "કુછ કુછ હોતા હૈ" નો કોલેજ વાળો સીન આવતો હતો. અર્ચના પૂરણસિંઘે પૂછ્યું હતું- "પ્યાર ક્યા હૈ?" શાહરૂખે ડાયલોગ માર્યો, "પ્યાર દોસ્તી હૈ..." બંને જણે સાથે ડચકારો બોલાવ્યો, "કચ" અને બંને હસ્યાં અને સાથે બોલી ઉઠ્યાં, " દોસ્તી પ્યાર હૈ!"