Shabda Shakti Laxmi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shabda Shakti

લક્ષ્મી ડોબરિયા
laxmi.samanvay@gmail.com


મોઃ ૯૬૮૭૫ ૧૯૯૫૨
શબ્દ શક્તિ

(૧)

છીપ મોતીની કણસ મેં સાચવી છે!

બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે!

ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ,

સાત દરિયાની તરસ મેં સાચવી છે!

ફૂલ, કુંપળ, પાંદડા તેં સાચવ્યાં ને,

પાનખર વરસોવરસ મેં સાચવી છે!

લાલ, પીળા રંગ ઘોળી ને નજરમાં,

સાંજની પીડા સરસ મેં સાચવી છે!

આ કલમ, કાગળ અને એકાંત જેવી,

બસ, અમાનત આઠ-દસ મેં સાચવી છે!


(૨)

અહમ્ છોડી દઇ, તું વાત પોતાની; કરી તો જો,

અરીસો બોલશે સાચું, તું ચહેરાને ધરી તો જો !

નસીબે હોય તો મળશે, ભલે પાસા પડે અવળાં,

સમયનું રૂપ ધારીને, સમય સાથે સરી તો જો !

જતન મ્હોરાનું પણ કરવું પડે એ વાત માની જઈશ,

કદીક આ વેશ મારો તું ય પહેરી ને ફરી તો જો !

કરે છે, સાત દરિયાને તરી જાવાનો દાવો તું,

છલોછલ લાગણીનું છે સરોવર, એ તરી તો જો !

પછીથી ઊંઘ આંખોમાં નહીં આવે કદી લાંબી,

ખુશીથી વેદના, સંવેદના સાથે ફરી તો જો !


(૩)

સંબંધ ભીના ના મળે, પરવા નથી !

અંગત બની ને તું છળે, પરવા નથી !

મેં બરફિલું એકાંત સોંપ્યું લે તને,

આ જીવ, અંદર છો બળે; પરવા નથી !

અંતે કર્યો સંવાદ મારી જાતથી,

જાહેરમાં સૌ સાંભળે, પરવા નથી !

હોઠે સજાવી હાસ્ય ને નિશ્ચિંત છું,

ઇચ્છા અધૂરી ટળવળે, પરવા નથી !

રસ્તા તજ્યાં, કેડી નવી કંડારવા,

મંઝિલ ભણી એ ના વળે, પરવા નથી !

ફરજો અને અધિકારની તકરારમાં,

દિલ, લાગણી છો ખળભળે, પરવા નથી !

આકાર આપ્યો મૌન ને તો થૈ ગઝલ,

સપના ફળે કે ના ફળે, પરવા નથી !


(૪)

વાત મારી મેં કરી’તી, વાતમાં ને વાતમાં,

કેટલી ક્ષણ સાંભરી’તી, વાતમાં ને વાતમાં,

દર્દ, પીડા ને ઉદાસીની હકીકત જાણવા,

આયનાને કરગરી’તી, વાતમાં ને વાતમાં !

ભરવસંતે એક પીળું પાંદડું બોલ્યું જરી

પાનખર પાછી ફરી’તી, વાતમાં ને વાતમાં !

સ્પર્શના સગપણ થકી, એ તો હ્રદય સુધી ગયા,

મેં હથેળી તો ધરી’તી, વાતમાં ને વાતમાં,

ના શમ્યા પડઘા પછી એ નામના; ‘એ’ નામના,

જીભ મારી થરથરી’તી, વાતમાં ને વાતમાં,

સાંજ સિંદૂરી હતી, ને ગુલમહોરી યાદ માં,

આ ગઝલ બસ અવતરી’તી, વાતમાં ને વાતમાં,

સાવ ખાલી છે છતાં, છે કેટલું દિલમાં ભર્યું,

દુઃખતી ક્ષણ નોતરી’તી વાતમાં ને વાતમાં,


(૫)

હો ખુશી કે દર્દ હો, અંજામ એનો નાશ છે,

ને મુલાયમ લાગણી પણ, વેદનાનો પાશ છે !

ગોળ છે દુનિયા છતાં, એકાદ ખૂણે ખાંચરે,

મૌનનો પડઘો કદી પડશે ખરો, એ આશ છે !

આખરે અસ્તિત્વને બે ભાગમાં વ્હેંચી શકો,

ક્યાંક લાગે જીવતું ને, ક્યાંક લાગે લાશ છે !

છે વિરોધાભાસ જો, કુદરત તણી આ સૃષ્ટિમાં,

પથ્થરોની ખાણમાં પણ ફૂટતી કુમાશ છે !

આઠમી અજાયબી જેવી જુઓ ઘટના ઘટી,

આંખ પાસે નીર થોડું માગતું આકાશ છે !

તાપ અંદર સંઘર્યો છે, મેં સમય, સંજોગો નો,

એટલે ગઝલો મહીં શબ્દો રૂપી ભીનાશ છે !


(૬)

સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે જો ?

અને, માગ્યા વગર પીડા બધી, આવી મળે છે જો !

કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યાં હતાં એથી,

હવે તો પાનખર પણ, થૈ ગુલાબી ને ફળે છે જો,

હથેળી બંધ છે ને, કાલ પણ એમાં સલામત છે,

છતાંયે બીક રાખી, ‘આજ’ કેવી સળવળે છે જો ?

છલોછલ, બારમાસી લાગણી કેરા સરોવરમાં,

અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે જો !

સમય, સંજોગ ને ગ્રહોતણાં, માંડીને વરતારા,

તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે જો !


(૭)

દુઆઓ હાથને, બે આંખની એવી ફળી, આજે;

ખુશીની ચાર પળ સંગે, ઉદાસી પણ મળી આજે !

હવા પાસે હતાં ટહુકા વસંતોનાં, જરીક લીલા,

અને જો પાનખરની પીડ પણ, એમાં ભળી આજે !

કરીને લાખ કોશિશ હું સમયની સાથે ચાલી, પણ-

મિલનની આખરી આશા, નિરાશામાં ઢળી આજે !

થઇ ઉદાર ને, આપી ખુશી; લીધું દરદ સઘળું,

વીતેલી ક્ષણ, તરત અવસાદથી પાછી વળી આજે

નથી પાળી, નથી પોષી, અદીઠી ને અજાણી છે,

છતાં યે જીવ સાથે, ઝંખનાને સાંકળી આજે !


(૮)

કેટલાં પ્રશ્નો છુપાવ્યાં આંખમાં કાજળ થકી !

હું જવાબો મેળવું છું પળ પછીની પળ થકી.

છે વિરોધાભાસ ને છે કેટલાં બંધન છતાં,

વિસ્તરું છું રોજ હું, સંબંધની સાંકળ થકી.

છેતરે છે આયનો સૌને ચળકતાં બિંબથી,

જાતની ઓળખ મળી મૃગજળ સમા એ છળ થકી !

મેં ઉછેરી’તી તરસ ચાતક સરીખી એટલે,

કાયમી ચોમાસું બેઠું પીડના વાદળ થકી,

સાત રંગો અંગ પર ઓઢી, ઉદાસી રાતભર,

શામળા એકાંતને દર્શાવશે, કાગળ થકી !


(૯)

શ્વાસ રોકી ને યુગોથી, જોઇ મેં તો રાહ છે !

સાવ તળિયામાં છુપાવી, તો ય નીકળી આહ છે !

મેં લખી’તી વારતા, તૂટી ગયેલાં સ્વપ્નની,

હું દિલાસો ચાહતી’તી પણ, મળી એ દાહ છે !

કોણ, કોને સાંભળે ? એ વાતની તકરારમાં,

મૌનની ભાષા ઉકેલી, શબ્દ તો ગુમરાહ છે !

સાંભળું છું આંખથી હું, બોલતી એ આંખને,

સૂક્ષ્મને નાજૂક બધી, એ લાગણીની ચાહ છે !

નામની માળા જપો, કે નામની આપો કસમ,

એકમાં અગિયાર છે, એ ઓમ ને અલ્લાહ છે ! !


(૧૦)

ધારણા સઘળી મેં ધારી આખરે !

શઢ વિહોણી નાવ મારી આખરે !

ખેલ તું હારે નહીં ને; એટલે –

જીતની બાજી હું હારી આખરે !

વાયરાએ મોરપિરછી સ્પર્શથી,

વાંસવનની આગ ઠારી આખરે !

પાનખર પીળો દિલાસો આપશે,

ખોલજે તું, એક બારી આખરે !

સાવ ઝીંણાં જિંદગીના પોત પર,

પાડવી છે ભાત ન્યારી આખરે !


(૧૧)

કાં લાગણી, કાં વેદના, કળતર મળે !

અપવાદથી ખાતાવાહી સરભર મળે !

તારી કને પથ્થર સરીખા પ્રશ્ન ને –

મારી કનેથી, ફૂલ સમ ઉત્તર મળે !

મનમાં સતત ગુલમ્હોરને જાપ્યા કરું,

નિશ્ચિંત છું ; ફાગણ મળે, ચૈતર મળે !

લ્યો, સાર, મારી જાતનો આ સાંપડ્યો,

દુઃખો સતત ને સુખ અહીં પળભર મળે !

અસ્તિત્વ મારું દંભ છે, સાબિત થયું,

દર્પણમાં આ ચ્હેરો જુદો નહિંતર મળે ?

એથી ગઝલને નોતરું છું જીવથી,

કે, શબ્દ રૂપે આખરે ઇશ્વર મળે !


(૧૨)

કારણ અગર આપી શકે, અટકળ તણાં સંદર્ભમાં,

તો ધારણા તું બાંધજે, મૃગજળ તણાં સંદર્ભમાં !

પૂજા કરીને રીઝવ્યા છે શબ્દને, એથી જ તો –

બોલી શકી વ્યથા અને, અંજળ તણાં સંદર્ભમાં !

સંયોગ કેરા યોગથી, જો દ્વાર પર આવે ખુશી,

થીજી જશે જો જે સમય, એ પળ તણાં સંદર્ભમાં !

નો’તી ખબર રૂઝાયેલા ઝખ્મો બધાં તાજા થશે,

ચર્ચા કરી’તી મેં સહજ, બાવળ તણાં સંદર્ભમાં !

આકાશની ઉદારતા ઓઢી, ધરા ખીલી ગઇ,

દ્વિધા અને મંથન હવે છે, ફળ તણાં સંદર્ભમાં !

પાંપણ ઉપર મ્હોર્યો હતો, ફાગણ મજાનો કેસરી,

જ્યાં વાત થઈ આંખો અને, કાજળ તણાં સંદર્ભમાં !


(૧૩)

પાંદડું બોલ્યું હતું, ફૂટવાની ક્ષણ વિશે !

સાંભળી ફૂલો હસ્યા, ચૂંટવાની ક્ષણ વિશે !

આજ મેં ઢાળી નજર, તો સમય થંભી ગયો !

શબ્દને સમજાવવા, ઘૂંટવાની ક્ષણ વિશે !

આંખમાં સપનું જરી, બેસવા આવ્યું હતું,

તો, હકીકત ચેતવે, તૂટવાની ક્ષણ વિશે !

સામસામા દોડશે એક થાવા રણ મહીં,

ઝાંઝવા જો જાણશે, ખૂટવાની ક્ષણ વિશે !

મૌનના ખડકો પછી, ઓગળી છલકી જશે ,

જો ખબર પડશે તને, છૂટવાની ક્ષણ વિશે !


(૧૪)

છે ભરેલી મારી ઝોળી, પણ ઉદાસી હોય છે !

પળ વસંતી આજ કોળી, પણ ઉદાસી હોય છે !

મોરનાં બે ગીત ને, કોયલનાં ત્રણ ટહુકા લઇ,

ઘરની ભીંતો ચાર ધોળી, પણ ઉદાસી હોય છે !

ક્યાંક સરવાળા કર્યાં, ને ક્યાંક બાદબાકી કરી,

મનને ગમતી ક્ષણ મેં ખોળી, પણ ઉદાસી હોય છે !

લાલ સોનેરી ઉષાને કેસરી સંધ્યા મળી,

દસદિશે દે રંગ ઢોળી, પણ ઉદાસી હોય છે !

દોડતું ઇચ્છાઝરણ ને, સ્વપ્નની વ્હેતી નદી,

જાત એમાં લઉં ઝબોળી, પણ ઉદાસી હોય છે !

એ મજાનાં કારણો લૈ, આવતી અવસર ઉપર,

હો દિવાળી કે હો હોળી, પણ ઉદાસી હોય છે !


(૧૫)

ટહુકો ઓઢી પીડા આજે, ડાળે ડાળે ફરવા જાય,

ભીતરનાં ખાલીપાને, એ પડઘા પાડી ભરવા જાય !

સંજોગો ચાલ્યા લાગે છે, ઊંધા પગથી આડી ચાલ,

એથી તો ના કરવાના સૌ; કાર્યો ને મન કરવા જાય !

વૃક્ષોના થડમાં સીંચે છે, તમરાં લીલા-પીળા ગીત,

ને, અંધારાના દરિયામાં, ઝગમગ ચાંદો તરવા જાય !

વીતેલી ક્ષણ ક્ષણને મેં તો, મુઠ્ઠીમાં રાખી છે કેદ !

હંસો જેવી દ્ર્ષ્ટિ લઇને, શમણાં એને ચરવા જાય !

આછાં આછાં અંધારામાં, મોતી વરસ્યા આખી રાત,

ફૂલો એને ઝીલીને લ્યો, અજવાળાંને ધરવા જાય !


(૧૬)

આસમાની ખેતરે,

ચાંદની પ્હેરો ભરે !

નાવ મઝધારે હતી,

ને, કિનારા થરથરે !

લાગણી થી થાય શું ?

વેદના ને નોતરે !

કાનમાંથી નીકળી,

વાત પ્હોંચે ચોતરે !

વાંસળીની પીડ, ખુદ-

વાયરો લઇને ફરે,

ટાંકણું થૈ છંદ આ,

શબ્દ કેવાં કોતરે !

સ્મિત જેવું સ્મિત પણ,

ઘાવ જૂનાં ખોતરે !


(૧૭)

એક ઝીણી ક્ષણ મને વાગી હતી !

મેં મુલાયમ વેદના માગી હતી !

હાથતાળી આપશે ન્હોતી ખબર,

મેં સમયની ચાલને તાગી હતી !

આંગળી આ શબ્દની પકડી, અને-

રેશમી સંવેદના જાગી હતી !

મેં વિષાદી સાંજને ચાહી જરા,

તો, ખુશાલી રીસમાં ભાગી હતી !

મેં અપેક્ષા હૂંફની રાખી અને-

તેં હ્રદયની લાગણી ત્યાગી હતી !

એટલે સપનાં કદી આવ્યાં નહીં,

પાછલી સૌ રાત, વૈરાગી હતી !

લાગણી થૈ ગૈ, હરણ ને; તે પછી,

પ્યાસ મૃગજળની, મને લાગી હતી ! !


(૧૮)

કોણ જાણે કેમ પણ, આવી જતો અભાવ છે,

ને, કદાચિત્ એટલે એકાંતથી લગાવ છે !

આ ગઝલમાં, થાકથી જંપી ગયો સમય, અને-

આંખ ચોળી, આંગણે આવી ગયા તનાવ છે !

એક અફવા, બેધડક ફરતી હતી બજારમાં !

આમ જોકે વાંકમાં, ઘટના અને બનાવ છે !

બોલવાની તક નહીં પણ, મૌનને લ્યો સાચવી,

રીતને રિવાજનો, એ કાયમી ઠરાવ છે !

આયનો મશહૂર છે, જેની હયાતીથી અહીં,

રૂપની ઝાકળ મહીં, એવો હજુ પ્રભાવ છે ! !


(૧૯)

યાદોના પડ ખોતરી લે !

શિલ્પ નવા સૌ કોતરી લે !

આંખોમાં છે ઝાંઝવા તો-

કાગળ કોરો, પાથરી લે !

તું તૂટેલાં આયનાની,

તડમાં, અરમાનો ભરી લે !

ખાલીપો ઓઢી અષાઢી,

આંખે વાદળ નોતરી લે !

એકલતા અકબંધ રાખી,

ખુશીઓ સઘળી વાપરી લે !


(૨૦)

જિંદગીનાં ખેલમાં, એક ધારણા મેં ધારી,

હારમાં પણ જીત છે, જાણ્યું; અને હું હારી !

કોણ જાણે કેમ, એ લાગી હતી પોતીકી !

એટલે તો વેદના, કાગળ ઉપર ઉતારી !

એક ઘટના આંખમાં, કાયમ રહી છે તાજી,

ભૂલથી ભૂલાયના એ વાત લઉં સંભારી !

તું નથી પણ છે, અને હું છું છતાં હું ક્યાં છું ?

સ્નેહનાં સંદર્ભમાં, સંવેદના બે ધારી !

એક પળ જોયું ન જોયું, ને; અરીસો તૂટ્યો !

જાતને મેં એટલી પીડા થકી શણગારી ! !


(૨૧)

દીલથી વધાવી લે અગર થોડી-ઘણી,

તો વાતની થાશે અસર થોડી-ઘણી !

સંભાવના મેં સોળ આનાની કરી,

ને, ખીલવી છે પાનખર થોડી-ઘણી !

સાર્થક થયું પીડાનું હોવું આખરે,

એ છે તો છે, મારી કદર થોડી-ઘણી !

અંતે ખુશીએ ખુશ થઈ આપ્યું વચન,

એ આવશે અવસર ઉપર થોડી-ઘણી !

મેં વાતને વ્હેતી કરી કાગળ ઉપર,

એ પી ગઈ તરસી નજર થોડી-ઘણી !


(૨૨)

ધીરતા ધારી જુઓ,

કાં પછી હારી જુઓ !

લ્યો, કલમ, કાગળ પછી,

જાત વીસ્તારી જુઓ !

ચીતરો ચૈતર અને-

ટેરવાં ઠારી જુઓ !

શૂન્યની કિંમત થશે,

એક અવતારી જુઓ !

‘કોણ છું’? ના પ્રશ્નથી,

ખુદ્દને પડકારી જુઓ !

એક વૈરાગી ક્ષણે,

જીવ શણગારી જુઓ !


(૨૩)

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે;

કાં પછી સમજણનો કાયમ હોય છે.

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,

દબદબો તો રણનો કાયમ હોય છે.

કોરું મન, તરસ્યાં નયન, વહેતો સમય..

પ્રશ્ન બસ, એ ત્રણનો કાયમ હોય છે .

ચાસ ચહેરા પર સમય પાડે અને,

વાંક કાં દર્પણનો કાયમ હોય છે ?

સાવ સાચી વાત કરવી હોય..પણ,

ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે.


(૨૪)

કાલ આખી આજ સાથે જેમ છે,

‘તું નથી; પણ છે’ના પ્રશ્નો તેમ છે.

હોંશથી પાડે છે પડઘો પાનખર,

એટલે એને મેં પુછ્યું, ‘કેમ છે ?’

પારદર્શક હોય પરપોટો છતાં,

વજ્ર જેવો મેઘ-ધનુષી વ્હેમ છે .

વૃક્ષની સંભાવના છે બીજમાં,

પારણાંનાં ગીતમાં પણ એમ છે !

તળમાં દાવાનળ, કિનારા શાંત છે,

આમ તો દરિયો કુશળ ને ક્ષેમ છે !


(૨૫)

આમ ભરચક, આમ ખાલી !

મન તો છે જાદુની પ્યાલી !

એ હતી નવજાત તોયે,

વાત આખી રાત ચાલી !

છે સવાલો સાવ નક્કર,

પણ જવાબો છે ખયાલી !

ઘાસની લીલી સભા પર,

શ્વેત ઝાકળની છે લાલી !

સાત પગલાં મેં ભર્યાં છે ,

ખુદની દુઃખતી રગને ઝાલી !

તું ગણીત એવું ગણે કે-

મુઠ્ઠી મુદ્દલ, વ્યાજ પાલી !

કેફીયત મારી સુણીને,

આ ગઝલ પણ ફુલી-ફાલી !


લક્ષ્મી ડોબરિયા.

'સમન્વય્', ૯, નહેરુનગર સોસાયટી,

નાના મવા રોડ. રાજકોટ- ૩૬૦ ૦૦૪

મોઃ ૯૬૮૭૫ ૧૯૯૫૨