Featured Books
શ્રેણી
શેયર કરો

નિવૃત્ત થયા પછી (૫) સમજણનું ઉંજણ

નિવૃત થયા પછી

(૫)

સમજણનું ઉંજણ

નિખિલ અને વિભા – બંને શિક્ષક.

વળી નિવૃત્ત પણ સાથે થયા

એકજ વર્ષમાં નિખિલ રાત્રે ઉઘમાં જ ચાલ્યા ગયા.

વિભા જાણે કે નિવૃત સમય હજી માણે તે પહેલા તો વૈધવ્યનો આકરો સમય આવી ગયો.

આસ્ટોડીયામાં રોડ ટચ મકાન જેમાં નીચે તેમનો ટ્યુશન ક્લાસ અને ઉપર પહેલે અને બીજે માળે નાનું ઘર.બીજો માળ વિભા અને નિખિલ રહે અને નાનો સુકેશ અને તેની પત્ની સુહાસીની રહે.વળી નાનો પૌત્ર કલમ પણ બીજા માળે રહે. મોટો કેતન નોકરી દુર એટલે જુદો રહે.તેથી ભાડે રહે અને બે મોટા સંતાનો તેથી કાયમ હાથ ભીડમાં રહે.તેથી નિખિલ કેતનને તેના ભાડામાં રાહત થાય એટલે કાયમ હજાર રુપિયા આપતો.

નિખિલનાં મૃત્યુ પછી વિભા પાસે કેતન કાયમ સુકેશની ઇર્ષા કરતો અને કહેતો એને તો ભાડુ બેઠું જ બચેને? સુહા આ સાંભળે અને બબડે તમારે કેવી શાંતિ? બા અને બાપાને સહેવાના નહીંને? વિભા ટ્યુશન ની આવકો સાચવે પણ નિખિલની જેમ મેથ્સ અને અંગ્રેજીનાં ટ્યુશનો નહીં એટલે એ આવકો પાંગળી.

વરસ પણ નહી થયુ હોય ને કેતન ઘર વેચવા મમ્મીને સમજાવવા આવ્યો…” મમ્મી આ ઘર હવે કાઢી નાખીયે તો પરામાં બે ઘર લેવાય અને ભાડા ભરવાની ઝંઝટ જાય.”

સુકેશને વાત ન ગમી પણ જે દીકરો દુર રહેતો હોય તે વધુ ડાહ્યો હોય અને તે જેમ કહે તેમ અત્યારસુધી થયું હોય ત્યારે મણીનગર ઇસનપુરમાં બે ફ્લેટ લેવાયા. અને વિભા બેન મહિનો મોટાને ત્યાં અને મહીનો નાનાને ત્યાં એમ બે ઘરોમાં વહેંચાતા રહેતા. ટ્યુશન ક્લાસ બંધ થયા એટલે હાથ પણ તંગ થયા. પ્રાઇવેટ સ્કુલોમાં પગાર સિવાય કોઇ બીજી આવકો નહીં. બે પાંદડે કરેલી થોડીઘણી બચતો પુરી થઈ અને એક દિવસ કેતન બાને ના લઈ ગયો.સુકેશે પુછ્યુ ત્યારે તારી ભાભીની તબિયત સારી નથી. કહીને બાનું ગાળીયુ કાઢી ગયા.

વિભાને આ ના ગમ્યુ પણ હવે દીકરાઓને પનારે પડ્યા છીએને કહીને થોડુંક બબડ્યા અને નાનીબેન જીજ્ઞા પાસે ડબ ડબ આંસુ પણ પાડ્યા.

ફોન ઉપર જિજ્ઞા કહે “મોટી બેન તમારા ઘરની અંગત વાત છે તેથી હું ના બોલી પણ મકાનનું વહેંચણું જ ખોટુ થયુ હતું એક કરોડ અને બાર લાખની તું ધણી અને તારું પોતાનું કોઇ ઘર જ નહી? મને પુછેને તો હું ત્રણ ભાગ પાડુ અને મર્યા પછી એ ભાગનાં બે ભાગ ભલેને બેઉ દીકરા લે.”

“પણ તેમ કરવા જવામાં ઘર નાના થતા હતા. મને એમ કે મારું જ લોહી છે ને? ક્યાં પારકુ છે.વળી આસ્ટોડીયાનાં મકાન જેટલા નાના મકાન લેવા કરતા થોડુંક મોટું મકાન થાયને?”

જિજ્ઞા કહે “પછી આવી થોડીક અગવડોને સહેતા શીખી જાવ મોટી બેન.સુહાસીની તારી સાથે બહુ રહી હવે કેતન-કેયા સાથે આવતે મહીને તું બે મહીના રહેજે…”

“જો કે આમતો બેઉં ઘર દુર તો નથી પણ મારું પોતાનું ઘર હોય તો આ વારા નો કંટાળો ના આવે.”

તે સાંજે વાતનું વતેસર થઈ ગયું.

બા ને તો કોઇને ત્યાં ફાવતુ નથી.કહીને કેતન નજીકનાં ઘરડાઘરમાં મુકી આવ્યો ત્યારે સૌને નવાઈ લાગી.

બે દીકરા વચ્ચે મા ના સમાણી?

વિભાબેન તો ભણેલા હતા. તેમણે મન સાંકડુ ન કરતા થોડી મુક્તિ મળી કહીને મહીનો કાઢ્યો તો ખરો પણ નિખિલ તેમનાથી ભુલાતો નહોંતો.તેમણે વિભાને કહેલ હતું કે થોડો પૈસો હાથે રાખજે પણ વિભા કહે મારે પૈસાનું શું કામ છે?

સુકેશ અને કેતન બંને મારું લોહી છે. તેમને ઠીક લાગ્યુ તેમ કર્યુ.એમ કરવાથી હેત પ્રીત સચવાશેને? તો તેમ.

બીજે મહીને ઘરડા ઘરમાં ૭૦૦૦ ભરવાના હતા ત્યારે કેતનને પેટમાં દુખ્યું. સુકેશે તો છણકોજ કર્યો કેતનભાઇ તમે મુકી આવ્યા છોને તો તમે જ ભરો.

જીજ્ઞાએ તે હપ્તો ભર્યોતે વિભાબેને જાણ્યુ ત્યારે બંને છોકરાવને ખખડાવવાને બદલે તેમના દાગીનાઓ વેચી દઇને બેંકમાં સીડી કરી તેના વ્યાજમાંથી ગોઠવ્યું ત્યારે સુકેશેને ના ગમ્યું. તે બોલ્યો “બા મને પુછવુંતો હતુ?”

એક દિવસ તેમને ઘરડાઘરમાં રહેવું આકરુ લાગ્યું. ઘરડાઘરમાં બધું હતું પણ પૌત્રો માટે તે ઝુરતા હતા. નિખિલ કહેતો હતો તેમ સ્વમાન સચવાતું હતું પણ મહીને ૭૦૦૦નો ખર્ચ ખટકતો હતો તેથી તેમણે બંને છોકરાઓને બોલાવી ને કહ્યું..” બેટા મને લાગે છે કે જે પૈસા ઘરડાઘરમાં અપાય છે તે નો પહેલો અધિકાર તમારો છે. તેથી જેમની સાથે રહીશ તેમને ૭૦૦૦ રુપિયા પેઈંગ ગેસ્ટ તરીકે હું રહીને આપીશ. મને અને મારા ઠાકોરજી માટેનાં એક રૂમ જુદો આપવો.”

ભણેલા મા બાપ અને અભણ માબાપ વચ્ચેનો તફાવત તરત દેખાઇ ગયો.

તેમણે વાત આગળ વધારતાં કહ્યું ” મારા એકલા જીવને જોઇએ શું? બે ટંકનું ભાણુ અને સાજે માંદે સારવાર. અને મારા તરફથી એક વધુ બાહેંધરી ..હું તમારી વાતોમાં કોઇ માથુ મારીશ નહીં.કે મારા ભૂતકાળમાં વસીશ નહીં. હા મારે જ્યાં જવું હોય અને રહેવું હોય તે મારી મુનસબી કોઇ વારા નહીં. બોલો કબુલ મંજુર?

સુહાસીની અને કેયાને બંને ને તાકડે મધ દેખાયું પણ સુકેશ લજાયો. ” બા. તેં કદી અમારી પાસે પૈસા માંગ્યા નથી તો આ ઉંમરે અમારાથી તમને કેવી રીતે કહેવાય કે બા અમને પૈસાની તાણ પડે છે?”

પણ હું તને સામેથી કહું છું ને કે ઘરડાઘરમાં પૈસા આપવાને બદલે તમને પૈસા દઉં તે વ્યાજબી છે ને?

“બા અમને ના સમજાયુ” કેતને લજ્જિત અવાજે ખુલાસો માંગ્યો.

“જો દિકરા હવે હું જીવવાની કેટલું? બહુ બહુ તો દસ વર્ષ પંદર વર્ષ. અને આ બધી મિલ્કત મર્યા પછી તમારી થાય તેના કરતા જીવતે જીવ મારી હયાતિમાં વપરાય તો કેવું સારું?”

“પણ…”કેતન ખમચાયો.

“જો સાંભળ દીકરા દાગીના પડ્યા પડ્યા વધવાના નહોંતા તેનું રુપાંતર કરી ફીક્સ ડીપોઝીટો કરી છે અને તેના વ્યાજ્માં થી આપણે સૌ મઝા કરીશું .જાત્રાઓ કરીશું પર્યટ્નો અને પિકનીકો કરીશુ – વળી એક વધુ વાત સમજ તમારા સૌની સાથે રહેવામાં ઓછો સમય મારો છે તેથી તે સમયને વાપરવાની ઉતાવળ મને વધુ છે. એક વધુ વાત સાંભળ આ પૈસા હું સુહાશીની અને કેયાને વાપરવા આપવાની છું.”

સુહાસી અને કેયાએ આ જાણ્યું કે બાને રાખનાર ને મહીને સાત હજાર મળવાના છે તો તેઓ રાજી રાજી થઈ ગયા. બાને પોતાને ઘરે રાખવાની હોડ લગી અને દાદીને દીકરાઓનાં દીકરા મળતા થયા.

જિજ્ઞાને મોટીબેન વિભાનાં દિવસો ફરી ગયાનું જાણીને આનંદ આનંદ થયો.

વિભાબેન મોટી ઉંમરે ઘરનો મોભ કેવીરીતે બનાય તેનો ચમત્કાર શિખવતા જિજ્ઞાને કહ્યું મોટી ઉંમરે છ મહીના ઘરડાઘરમાં રહ્યા પછી મને એટલું તો જરૂર સમજાઇ ગયું હતું કે દુઃખ નાં કારણોમાં મોટા ભાગે સરખામણી જ હોય છે. આ દુઃખમાં પાછુ અધુરુ હોય તેમ “મારા પૈસા” અને “તમારા પૈસા”વાળા ભેદભાવ વિચારભેદ વધારે ત્યારે બુધ્ધિજન્ય ઉપાય એકજ હતો. સરખામણી દુર કરી દીધી. અને મારા પૈસા જ્યાં ખર્ચાતા હોય ત્યાં આજ માં તેમના પૈસા બચતા હોય તેથી સમજણનું ઉંજણ પુરાઇ ગયુ. હું પણ એક વખત વહુ હતીને?

છ મહીનાનો ઘરડાઘરનો નિવાસ મને વિચાર કરવા માટે પુરતો હતો. કેટલાક કલ્પિત ભયો ઉભાતો હતાજ કે કાલે ઉઠીને મોટો ખર્ચો આવશે તો? તો જવાબ હતો બેંકની એફ ડી છે જ ને…વિભાબેને બુધ્ધિગમ્ય ઉકેલ આપ્યો હતો અને તે છોકરાઓને ગમ્યો હતો