નિવૃત્ત થયા પછી એટલું તો જરૂર સમજાયું કે જે વટ હતો તે ખુરશીનો હતો. હવે ખુરશી નથી તો વટ પણ નથી. નાણે નાથાલાલ હતા હવે નાથીયો કહેતા શરમાતા નથી. આ પરિસ્થિતિ સ્વાભિમાની ગણપત દેસાઇને માટે બહુ અઘરી હતી.ત્યાં સુધી કે ઘરમાં કોઇ તેમને પુછતું નહીં કે સાહેબ ચાનો સમય થયો છે ચા પીશો?
ઘડીયાળનાં કાંટે જીવન જીવાતું હવે નોકરી નથી, માટે ઠેબે ચઢાતું.. હવે તમારે ક્યાં જવાનું છે? ઘરમાંજ છો ને? અરે આવું હીણપતભર્યુ વર્તન તૃપ્તિ પાસેથી પણ અપેક્ષીત નહોંતું. જો કે તે રીટાયર નહોંતી થઈ. તેનું રસોડૂ ચાલુ હતુ અને તેની જબાન પણ મારામાં વાંધા શોધી શોધીને મને અપાતી ત્રણ રોટલીનાં બદલામાં સારુ એવું સંભળાવતી હતી. ઘરમાં બેઠા છો તો કદી શાક સમારો કે કદી વાસણો ધોઇ નાખશો તો કંઈ નાના બાપનાં નહીં થઈ જાવ જેવી વાતો કરતી તૃપ્તિ ક્લેશ કરાવતી. જોકે દેસાઇની સુરતીભાષા તો આમેય તોછડી પણ ગણપતથી તે સહન નહોંતું થતું. આખા જગતમાં પત્ની નો તુંકારો તેને ન પચતો. એ ગમ ખાઇ જતો અને જાતને ભાંડી લેતો રીટાયર થવાની આ આડ અસર...
ગણપતને થતું કે મેં નિવૃત્તિ જાતે નથી લીધી પણ સરકારને હવે મારો પગાર પરવડતો નથી. તો તેમાં મારો કંઈ દોષ? તૃપ્તિ પણ બબડતી રહેતી આખો દિવસ ઘરમાં બેસી રહો છે તેથી મને પણ જંપવા નથી દેતા!.ગણપતે તે દિવસે કહી જ દીધુ. આ શાક સમારવાનાં કામ માટે તું તલવાર ચલાવવા જેવી વાત ના કર.હું તું જે કામ ચીંધે છે તે કામ નથી જ કરવાનો અને તું જે કામ માં બીઝી રહે છે તે કામ કરવાનું મેં તને કહ્યું નથી. તું જાતે જ કામ ઉભા કરે છે અને હું તે કરું તે માટે ધમ પછાડા કરે છે.
તૃપ્તિ તરતજ છણકો કરીને ઉભી રહી “આ અમેરિકા છે. અહીં કોઇ કામ પુરૂષનું છે અને કોઇ કામ સ્ત્રીનું છે તેવા ભાગલા પાડેલા નથી. જે કામ દેખાય તે દરેક્નાં ભાગનું અને જેનો હાથ નવરો પડે તે કરી નાખે.”
"મને તલવાર ચલાવતા આવડે છે અને સાથે સાથે એટલું જ્ઞાન છે કે તલવાર થી ભીંડા ના સમારાય સમજી.. કામ સોંપવું હોય તો એવું સોંપ જે મને શોભે..."
"જો ગણપત! ઘરનું કામ પછી ગમે તે હોય તે કામ જ કહેવાય અને દાનત હોય અને પ્રેમ હોય તો તે જોતાની સાથે થઈ જાય,,કંઈ રાહ ના જોવાની હોયકે તૃપ્તિ કહે પછી કરું."
"વાતનું વતેસર ના કર. હું તારી પાસેથી કે કોઇની પાસેથી "બીચારાનું" લેબલ નથી ઇચ્છતો આખી જિંદગી મહેનત કરી છે ત્યારે બે પાંદડે થઈને આ નિવૃત્તિ ખાળુ છું.
ગણપત સામે રોષથી થોડોક સમય તૃપ્તિ જોતી રહી..પછી ડબડબાતી આંખે તે બોલી." તમેય તમારા ઘરવાળા જેવા જડ નીકળશો એવી મને ખબર ૪૫ વર્ષે પડી."
"ખલાસ! અંતિમ બ્રહ્માસ્ત્ર છુટી ગયું"
ગણપતની ૪૫ વર્ષની એક પત્નીત્વનું તપ .. પ્રેમ દાવ ઉપર લાગી ગયો. અને આમેય સ્ત્રીનું રુદન તો એવું શસ્ત્ર છે રાજા રામ પણ હારી ગયા હતા ત્યાં ગણપતનો શું કલાસ!"
ગણપત રસોડામાં કામ કરતો થઇ ગયો
ચાનાં કપ રકાબી સાફ કરતા કરતા કપની દાંડીઓ બટકાઇ ગઈ..
કોબીનું શાક સમારતા શિરપાવ મળ્યો તમારા માથા જેવું કાપ્યું છે.
એકની એક વાત કેટ્લી વખત સમજાવવાની? ચપ્પુ ઉંધું મુકવાનું ને કાંટા અને ચમચી મશીનમાં સીધા મુકવાનાં ચપ્પુની જેમ કે જેથી લેતા વાગે નહીં,
સફરજન છાલ સાથે ખાવાનું
દિવસમાં ચા બે જ વખત પીવાની સવારે અને બપોરે. સાંજે દુધ લેવાનું
ગરણીમાંના ચાનાં કુચા તરત ટ્રેસ કેનમાં નાખવાના અને તપેલી માં પાણી ભરવાનું કે જેથી ધોતી વખતે તકલીફ ન પડે
"મેં તો તને કહ્યુ હતું કે હવે આ ઉંમરે નવા કાંઠા ના ચઢે..પણ તુ માની જ નહીં."
" ના તમે ઘરમાં પરોણા ની જેમ કામ કરોછો. તમને સીતેર થયા તો હું કંઈ ૪૦ની નથી.. મને પણ સીત્તેરમાં બે જ ઓછા થ છે. જરા ધ્યાનથી કામ કરશો તો બગાડ ઘટશે અને નુકશાન નહીં થાય."
" જો મારી પાસે કામ કરાવવું હોયતો તારે તારા જેવીજ ચોખ્ખાઇ અને ગુણવત્તા નો આગ્રહ ના રાખ. અને આ મનમાં જે ઊગે તે કહી દેવાની તારી વાત ખોટી. તું કહીશ તો હું બપોરની ચા મુકવાનો તને આગ્રહ નહી કરું પણ મારી સાથે નવી વહુની રસોઇ પરીક્ષા લેતી સાસુની જેમ કડકાઇ થી ના વરત"
છ મહીને રસોડામાં પ્રવેશબંધી થઈ ગઈ. ખાવાનુ બનાવતા શીખતા નથી પણ બગાડવામાં નંબર એક છો.
"તૃપ્તિ! સ્કુલમા સ્કાઉટમાં હતો ત્યારે રસોઇ શીખ્યો હતો પણ તે કાચી પાકી રસોઈ અમે ખાતા હતા તે ખાવાની તમારી તાકાત નહીં."
તૃપ્તિ ગણપતનાં ખોંખારાને સમજી ને હસી અને બોલી છ મહીનામાં આખા વરસનું તેલ બાળી નાખ્યું અને ઉપાવાસો કરાવ્યા નફામાં.
નિવૃત્તિ પછી આ પ્રસંગોએ ગણપતને એટલુ જ શીખવ્યું
પત્ની એ ઘરની બૉસ છે. તેને ખુશ રાખવા યેસ બૉસ કહેવું. નોકરી જે જતી રહી છે તેનો ફાંકો છોડી દઈ "આજમાં" મગન રહેવું. આ ટેંશનમાં તેને બીપી આવ્યું
તૃપ્તિની મોટી બેને તૃપ્તિને પણ ઠપકો આપતા કહ્યું "જીજાજી પાસેથી કામ કરાવવાનો તારો આગ્રહ જ ખોટો હતો.અમેરિકામાં પરણી ને આવ્યા પછી બેઉ જણ નોકરી કરે, તે તેં ના કરી. અને તેમને અમેરિકન ખાવા થી ના કેળવ્યા તે ભુલનું આ પરિણામ છે."
" પણ મોટી બેન અમારા જેવા ઘણા જોડા છે જે ઘરમાં કામ કરે છે પણ ગણપતને "દેસાઇ " હોવાનો ફાંકો છે.તેથી નથી કરતો."
" પણ સામે તું પણ સવાદેસાઇ છે ને? તેણે કરેલા કામો તારા જેવા ચોખ્ખા ના થાય તો ખખડાવાયતો ના ને."
" મોટીબેન તમે તટસ્થતાથી ન્યાય કરજો.. આ ઉંમરે થોડાક તો હાથ પગ ચલાવવા જોઇએને? કાઉચ પર બેસીને ટીવી સમાચાર અને સ્ટડી રુમમાં કોંપ્યુટર પર બેઠા બેઠ રહે તે ચાલે?"
" ગણપત તો સારો છે કે તે વળી ગયો. પણ રસોડામાં તેં એને ઠરવા ના દીધો."
"કેમ મોટીબેન એમ બોલ્યા? "
" આપણે બચપણ માં રસોઈ શીખતા હતા ત્યારે ખાવાનું નહોંતુ બગડતું? પણ મમ્મી ક્યારેય આપણ ને રસોડામાંથી કાઢી નહોંતા મુક્યા. જે ભુલ હોય તે સમજાવતા અને ફરી થી બગાડ ન થાય તે માટે સમજાવતા. ખરુંને?"
"મોટી બેન મેં એ ના વિચાર્યુ.. પણ બગાડથી મારો જીવ બળી જતો હતો એટલે હૈયુ બાળવા કરતા હાથ બાળવા સારા એમ કરીને મેં તેને રસોડામાં મુક્તિ આપી દીધી."
"એ તો તેં બીજી ભુલ કરી. થોડો સમય તારી હાજરીમાં તેની પાસે કામ કરાવ.. કાલે ઉઠી ને તું નહી હોય તોદસ પંદર દિવસ એ જાતે રાંધી શકે તેટલું શીખવા દે. પણ તારા વર્તનની તોછડાઇ કાઢી નાખજે."
મોટી બેન ના આ દ્રષ્ટિબિંદુને સમજતા તૃપ્તિ બોલી" હા મોટી બેન તમે સાચા છો. જેમ લગ્નજીવન માં નવોઢાને માટે જેટલું સહજીવન અનુકુલન જરુરી હોય તેમજ નિવૃત્ત થયા પછી બંને માટે સહજીવન અનુકુલન જરુરી બને છે."
મોટીબેને વાત પુરી કરતા કહ્યુ" જો તૃપ્તિ આ ઉંમરે તને સમજાવવાનું ના હોય કે પતિ અને પત્નીએ બંને ને થોડીક "સ્પેસ" આપતા શીખવાનું. વળી એમ કરી એક જ્યારે હોય "આગ" ત્યારે બીજાએ થવાનું "પાણી."