વૃધ્ધાવસ્થા શરીરમાં દેખાતી હોય છે પણ મનને તો કદી ઉંમર હોતી નથી. હા. મન સતત હકારાત્મક અભિગમો થઈ કેળવી શકાય છે અને કેળવાયેલ મન થી વિવેક અને વર્તનમાં પણ ઉત્સાહ વર્તાતો હોયછે.
એક ઈ મેલ સંદેશામાં સમાચાર હતા કે તમે વૃધ્ધ થયા તે જણાવતા સંદેશાઓ સમાજમાં થી ક્યરે આવવા લાગે તે જાણો.
૧. જ્યારે સ્કુલમાં જતા બાળકો તમને દાદા કે માજી કહે
૨.જ્યારે અરિસો ધોળા વાળની ચાડી ખાય.
૩.દાંત પડવા માંડે
૪.આંખો નજીકનું જોવામાં ભુલો કરે
૫.સ્મરણ શક્તિ નબળી પડે
૬. નિંદર ઘટતી જાય, દિવસે ઝોકા આવે અને રાત કેમે ન કપાય...
૭. સંતાનો તમને પુછે કે ના પુછે મફત સલાહ કેંદ્ર બની જાવ.
પણ મોતીકાકા તો મોતીકાકા જ.પણ આ યાદીમાં થી કશું જ ના મળે ..૭૫ વર્ષની ઉંમરે ૪૫ ના લાગે.કાયમ કાળા વાળ અને દાંત તો જાણે દાડમની કળીઓજ જોઈલો. અને હસવા તો આખા ગામનું જોઇએ. હસે અને હસાવે..
માણેકકાકીને તો જાણે ઉંમર દેખાવા માંડી હતી.છ છોકરા ને ત્રણ છોકરીઓનો વસ્તાર.મોટો. વેવાઈ વરત અને આખુ કુટુંબ ભેગુ થાય તો પુર ત્રણ ડઝન નો આંકડો પુરો થાય..
માણેકકાકી બોલે પણ ખરા "હવે જરા ઉંમર પ્રમાણે વર્તો આ ખીખીયારા કરવા તમને શોભતા નથી."
તે દિવસે નાનકીએ પુછ્યુ દાદા તમે તો જાણે અમર પટો લખાવીને આવ્યા હોય તેમ જીવો છોને? કહોતો ખરા આ વધતી ઉંમરે તમને મૃત્યુનો ભય નથી લાગતો?
મોતીકાકા નાનકીનાં પ્રશ્નને સાંભળીને પહેલા તો ખડખડાટ હસ્યાં અને નાનકીનો હાથ હાથમાં લઈને બોલ્યા " બેટા જન્મ અને મૃત્યુ એ બે વસ્તુ તો આપણે હાથમાં નથી. અને જે વસ્તુ ઉપર આપણું કોઇ જ જોર ના હોય તેની ચિંતા કરે તે બુધ્ધુ! બેટા."
" પણ દાદા તમે તો એટલું બધૂં હસ્યા જાણે મેં કોઇ જોક ના કર્યો હોય."
" બેટા આ પ્રશ્ન તેં નથી પુછ્યો..દાદીનાં વર્તને તને પુછવા પ્રેર્યો છે.. હવે દાદી ઘરડી થતી જાય છે અને હું જેવોછું તેવોજ છુંને?"
" હા પણ દાદીની વાત પણ ખોટી નથીને?"
" જો બેટા અમારી ઉંમરે પ્રભુ અમને બે વાત કહે છે. Getting old is mandatory Feeling old is optional. મેં બીજી વાત સ્વિકારી અને જે મારા કાબુમાં છે તે સ્વીકારી અને નાનીએ સમાજ કહે છે તે વાત સ્વીકારી."
"સમજ ના પડી દાદા." નાનકી એ વિસ્મય પૂર્વક પુછ્યું.
જા તારી દાદીને બોલાવ અને પછી આપણે આ વાતને લંબાણથી સમજીએ.
દાદી ને લઈને નાનકી આવી.
મોતી કાકા બોલ્યા " તારી દાદી મારાથી બે વર્ષે નાની છે પણ તે માને છે કે હવે ઉંમર થઈ આપણે જીવ્યા તેટલું જીવવાનાં નથી કેમ નિરુ સાચી વાતને?
" હા તે તો સાચું જ છે ને?"
નાનકી ના હાથમાં કાગળ આપીને કહ્યું અમારા બેઉંનાં અવલોકન કર ને કહે
૧. જ્યારે સ્કુલમાં જતા બાળકો તમને દાદા કે માજી કહે.
નાનકી કહે "દાદીમાને સૌ કહે. તમને કોઇ ના કહે."
૨.જ્યારે અરિસો ધોળા વાળની ચાડી ખાય.
નાનકી કહે "દાદીમાનાં વાળ ચાડી ખાય. ત્યારે તમે તો કલપ કર્યો છે તેથી કોઇ ના કહે"
૩.દાંત પડવા માંડે
નાનકી કહે "દાદીમાનાં દાંત પડી ગયા છે તમે તો ચોકઠું કરાવીને દાડમની કળી જેવા દાંત છેને?"
૪.આંખો નજીકનું જોવામાં ભુલો કરે
નાનકી કહે દાદીમાથી સોય ના પરોવાય પણ તમે તો કોંન્ટેક્ટ લેંસ પહેરો એટલે તે તકલીફ તો ના પડેને?
૫.સ્મરણ શક્તિ નબળી પડે
નાનકી કહે દાદીમાને ભુલાઈ જાય પણ તમે તો બ્રાહ્મી અને યાદ રાખવાની દવા ખાવ એટલે તમને તકલીફ ન પડે.
૬. નિંદર ઘટતી જાય, દિવસે ઝોકા આવે અને રાત કેમે ન કપાય...
નાનકી કહે દાદીને તે તક્લીફ પડે ઉંઘની ગોળી લેવી પડે પણ તમે તો આખો દિવસ પ્રવૃત રહો તેથી તમને તે તકલીફ જ નહી.
૭. સંતાનો તમને પુછે કે ના પુછે મફત સલાહ કેંદ્ર બની જાવ.
દાદીને તે તકલીફ ઘરમાં રહે એટલે છે ત્યારે તમે તો સાંજે જ આવો એટલે..કોણ પુછે?
મોતીકાકા કઈ પુછે તે પહેલા કાકી બોલ્યા "નાનકી તેથી તો હું સધવા કંકુ અને ચાંદલા સાથે જઈશ.. જ્યારે તારા દાદા તો સો વરસ કાઢવાના છે.
મોતીકાકા કહે હા હું તો શતક જીવવાનો છું.. માનવ ભવ કંઇ વારંવાર મળતો નથી અને હું જો પુરી જિંદગી જીવીશ તો મૃત્યુ સમયે કોઇ અફસોસ સાથે લઈને નહી જઉં, વળી મૃત્યુ થી ડરવા નીતો વાત જ નહીં રહે કારણ કે જિંદગી આખી માણી લીધી છે..ત્રણ નહી પણ પાંચ પેઢીને જાણીને જઈશ. નિરુબા સહેજ કંટાળ્યા અને નાનકી અને દાદાને એકલા મુકીને ચાલ્યા ત્યારે નાનકી બોલી "દાદા તમારી મસ્તી તો ન્યારી છે.. લોકોને ખુબ હસાવો છો અને સાથે તમે પણ હસો છો"
જો બેટા હું એક વાત શીખ્યો છું,દુખના માહોલમાં કોઇને અન્ય દુઃખ સાંભળવું ગમતું નથી. તેથી દુઃખનું ગાણું ગાવું નહીં અને રડવું જ હોયતો ચાલુ ફુવારામાં કે વર્સાદમાં જ રડવું કે કોઇ આપણું દુઃખ ના જુએ.
નાનકીએ અહોભાવથી દાદાને જોયા અને પુછ્યું "દાદા તમે આટલા પ્રસન્ન રહી શકો છે અને નીરુબા કેમ આમ જિંદગીથી થાકી ગયા હોય તેમ કેમ જીવે છે?"
" તેં જોયું નહીં હું જેમ જેમ ભાર ઉતારું છું તેમ તેમ તે ભાર ચઢાવે છે. અને સમજી શકે તો જે ચિંતાઓ કરવા આપણા પૌત્રોને તેમના માબાપ પણ હોય તો તે ચિંતા કરવાની જરૂર ખરી? તેથી હું તો બંને “કાલમાં” જીવતોજ નથી. મારી પાસે કોઇ ચાવી નથી અને ભૂતકાળ નો ભાર નથી અને ભવિષ્ય કાળના કોઇ સપના નથી ને તે એ બધા ભારને ગળે લગાડીને જીવે છે અને મને પણ તે ભાર પહેરાવા મથે છે. મને તો તું નહીં માને પણ હજી આખુ ભારત જોઇ લીધા પછી આખુ વિશ્વ ફરવાની ઈચ્છ છે . જ્યારે તે અમારા પૌત્રોના ભણતર માટે પૈસા ભેગા કરવા માંગે છે. દીકરા દીકરી ઓ ને દલ્લો મળે તેમાટે વિમાનાં પૈસા ભરે છે. જ્યારે હું મનમાં તો સમજુ છું મારો એક વરસના પગાર કરતા પણ મારા દીકરાઓનો મહીના ની આવકો વધારે છે તેમને અમારા પૈસાની જરરુ નથી તો આવી વાતો કરીને શા માટે હલકા થવું? તેથી મોટી વાતો કરી હું સૌનુ મન બહેલાવતો હોઉ છું.
“દાદા મારા સસરા તો હસી હસીને લોટ પોટ થઈ ગયા હતા જ્યારે તમે કહ્યું હતું ને કે ગાડા ભરી ભરીને કેસર મંગાવ્યું છે પ્રભુની સેવા માટે."
“એકવાત સમજ. નાનકી સંતાનો ને ભણ્રતર અને ગણતર આપ્યું છે અને થાય ત્યાં સગવડ અને હુંફ આપ્યા છે.. મેં કોઇ મોટા સ્વપ્ના જોયા નથી પણ પ્રભુએ જીવન માણવા માટે જેટલું આપ્યું છે તે માણી ને તેથી સંતુષ્ટ છું..તારા પપ્પા અને કાકાઓ એ એવું ઉંચુ નામ કાઢ્યુ છે કે આખા કુટૂંબને માન,ધન અને ધાન્ય થી ભર્યુ ભર્યુ કર્યુ છે .આવી લીલી વાડી છોડીને ચાલ્યો જઉં તેવી ભુલ તો હું નહીં જ કરું. તેથીજ હસું છું હસાવું છું અને થાય ત્યાં હકારાત્મક વાતોથી એટલું જ સમજાવું છું કે Feeling old is optional (મનથી જીવંત રહો અને લોકોને પણ હસતા રાખો.)
***